Home Blog Page 4301

મુંબઈઃ રિપબ્લિક ટીવીના તંત્રી અર્ણબ ગોસ્વામીની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ વિભાગના અધિકારીઓએ રિપબ્લિક ટીવી ચેનલના તંત્રી અર્ણબ ગોસ્વામીને આજે સવારે એમના ઘરમાં પ્રવેશીને ધરપકડ કરી છે.

રિપબ્લિક ટીવી ચેનલનો દાવો છે કે પોલીસ અધિકારીઓએ ગોસ્વામી પર હુમલો કર્યો હતો અને બળજબરીથી એમને પોલીસ વેનમાં બેસાડીને લઈ ગયા હતા.

અહેવાલો અનુસાર, ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને એમના માતા કુમુદ નાઈકના 2018માં નિપજેલા મૃત્યુના સંબંધમાં ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે.

એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે ગોસ્વામીને કેસના સંદર્ભમાં પૂછપરછ માટે રાયગડ જિલ્લાના અલીબાગ ખાતે લઈ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટીઆરપી કૌભાંડના સંબંધમાં પણ હાલ ગોસ્વામી સામે તપાસ ચાલે છે.

2018ના મે મહિનામાં 53 વર્ષીય ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને એમના માતા કુમુદ નાઈક અલીબાગમાં આત્મહત્યા કરાયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા.

કથિતપણે અન્વયે લખેલી સુસાઈડ નોટ મલી આવી હતી જેમાં તેમણે એવું લખ્યું હતું કે ગોસ્વામી તથા અન્ય બે જણે એમને રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી જેને કારણે પોતે આર્થિક ભીંસમાં આવી ગયા છે.

રિપબ્લિક ટીવી ચેનલે અર્ણબના ઘરમાં પ્રવેશેલા પોલીસના દ્રશ્યો ટીવી પર દર્શાવ્યા હતા. એમાં જોઈ શકાયું હતું કે ઘરમાં ઝપાઝપી થઈ હતી. એ દ્રશ્યોના સ્ક્રીનશોટ્સ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

૪ નવેમ્બર ૨૦૨૦

૪ નવેમ્બર ૨૦૨૦

રિલેશનશીપમાં કુશળતાની જરુર પડે?

કોઈ પણ સંબંધમાં સહુ પ્રથમ આવે છે આકર્ષણ! તમે કોઈ પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવો છો. જેના પ્રતિ આકર્ષણ થયું છે તે જો તમને સરળતાથી મળી જાય છે તો મોહ ઉતરી જાય છે. પણ જેના પ્રતિ આકર્ષણ થયું છે તે જો તમને સરળતાથી પ્રાપ્ત થતું નથી તો તમે વધુ ને વધુ ખેંચાણ અને પ્રેમ અનુભવો છો. આ અનુભવ તમે કર્યો છે ને?

તો આમ તમે પ્રેમમાં પડો છો. પછી શું થાય છે? પછી સોપ ઓપેરા શરુ થાય છે!

કારણ કે, તમે કોઈને પ્રેમ કરો છો, તમે તમારી જાતને અર્પણ કરી દો છો. પણ પછી તમારી અપેક્ષાઓ પણ વધવા લાગે છે. અપેક્ષાઓ હોય ત્યાં પ્રેમ ઓછો થવા લાગે છે. રોમાંચ, ઉત્સાહ બધું જ ઓસરવા માંડે છે. અને તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે. તમે દુ:ખી થાઓ છો, દર્દ અનુભવો છો, અને આ સંબંધમાં થી બહાર આવવા માટે તમે સંઘર્ષ કરો છો. એક સંબંધમાં થી તમે બહાર આવી જાઓ છો. ફરી થોડો સમય જાય છે અને તમે ફરીથી કોઈ પ્રત્યે આકર્ષાઓ છો, પ્રેમમાં પડો છો, એક વધુ સંબંધ બંધાય છે  અને જાણે ઘટનાઓનું પુનરાવર્તન થાય છે.

રિલેશનશીપમાં કુશળતાની જરુર પડે ખરી? હા, કારણ કોઈ પણ રિલેશનશીપ હંમેશ માટે રહે, દ્રઢ હોય અને વિશ્વાસથી સભર રહે, એ જ હંમેશા ઇચ્છનીય છે, નહીં ? સંબંધ તોડી નાખવામાં તો કોઈ કૌશલ્યની ક્યાં જરૂર પડે છે? સામી વ્યક્તિને શું નહીં ગમે તે પ્રમાણે વર્તન કરવું સરળ છે. પછી થોડા મતભેદ અને સંબંધોનો કાયમ માટે અંત આવી જાય છે.

તો હું કહીશ કે સંબંધો જાળવી રાખવા માટે આ ત્રણ : યોગ્ય દ્રષ્ટિકોણ, અવલોકન અને યોગ્ય અભિવ્યક્તિ અત્યંત આવશ્યક છે. ઘણી વખત તમે એમ કહો છો કે “મને કોઈ સમજી શકતું નથી”, પણ વાસ્તવમાં તમે તમારી જાતને યોગ્ય રીતે વ્યક્ત કરી શક્યા નથી. જો તમે જર્મની જઈને રશિયન ભાષામાં વાત કરશો તો કોઈ કઈ રીતે સમજી શકશે? તો અન્ય લોકો તમને સમજી શકે તે માટે તમારે યોગ્ય અભિવ્યક્તિ કરવી પડશે. અને પોતાની જાતને પૂર્ણતયા વ્યક્ત કરવા માટે તમારે પરિસ્થિતિઓ , ઘટનાઓ અને લોકોને યોગ્ય દ્રષ્ટિકોણથી જોતાં શીખવું પડશે. વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે ઘટના ને તમે સાચી રીતે ક્યારે મૂલવી શકો? જો તમારો દ્રષ્ટિકોણ, અભિગમ યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા કેળવાયેલ હોય તો, અને આવું ક્યારે બને? જયારે તમે સામી વ્યક્તિના સ્થાને પોતાની જાતને મૂકી શકો અને તેમની દ્રષ્ટિથી વિચારી શકો ત્યારે તમારો દ્રષ્ટિકોણ બહુઆયામી બને છે.

તો સારું, તમારો દ્રષ્ટિકોણ તો યોગ્ય છે, પણ તમે પ્રતિક્રિયા કઈ રીતે આપો છો? તમારી અંદર કેવી લાગણીઓ ઉઠે છે? તમને શામાંથી પ્રેરણા મળી રહી છે? તમારી અંદરનું કયું તત્ત્વ બહાર વ્યક્ત થઇ રહ્યું છે? જુદા જુદા સંજોગોમાં તમે કઈ રીતે વર્તો છો?

આ સઘળું મનનાં અવલોકન દ્વારા સમજવું જરૂરી છે. તો, દ્રષ્ટિકોણની સાથે સાથે પોતાની જાતનું અવલોકન પણ અગત્યનું છે. તમારી વૃત્તિઓનું અવલોકન કરો, તમારી ભીતર ઉઠતાં સંવેદનોનું અવલોકન કરો, તમારાં મનોવલણનું અવલોકન કરો. અંતર્જગતનું અવલોકન અને બાહ્ય જગત પ્રત્યે સાચો દ્રષ્ટિકોણ, આ બંને વડે તમે તમારી જાતને પૂર્ણતયા વ્યક્ત કરી શકશો.

બારીકાઈથી જોશો ને, તો માત્ર સંબંધ જ નહીં પણ સમગ્ર જીવનની સાર્થકતા આ ત્રણ આયામ : દ્રષ્ટિકોણ, અવલોકન અને અભિવ્યક્તિ પર આધારિત છે. તમે કોઈ પણ ભૂલ જીવનમાં કરો છો તે વાસ્તવમાં ભૂલ નથી, પરંતુ આ ત્રણ આયામ: બહારનાં જગત પ્રત્યે નો તમારો યોગ્ય દ્રષ્ટિકોણ, પોતાનાં અંતર્જગતનું અવલોકન અને સ્વયંની અભિવ્યક્તિ, ને દ્રઢ બનાવવા માટેની એક પ્રક્રિયા જ છે. અને આ ત્રણ આયામ ઉપર જેવું તમે કામ કરવાનું શરુ કરશો કે તરત જ સકારાત્મક પરિવર્તનનો તમને અનુભવ થશે. તમારી પોતાની જાત સાથેનો તમારો સંબંધ સંવાદિત બનશે. વાઈબ્રેશન-સ્પંદન ઉર્જામાં વધારો થશે અને શબ્દો કરતાં તમારી ઉપસ્થિતિની, તમારાં વાઈબ્રેશનની અસર વધુ થતી હોય છે.

સ્વયં સાથે કઈ રીતે તાદાત્મ્ય સાધી શકાય?

તો, પ્રથમ તો પોતાના માટે સમય કાઢો. પ્રકૃતિ નાં સાન્નિધ્યમાં રહો. મૌન થઇ જાઓ. ઊંડો વિશ્રામ લો. વ્યાયામ કરો. હળવો ખોરાક લો. અકારણ કોઈની મદદ કરો, સેવા કરો. અન્તર્યાત્રામાં તમને સહાયરૂપ થાય એવાં સારાં પુસ્તકો વાંચો. કોઈ પણ એક કલા વિકસાવો. આ બધું તમારી પોતાની જાત સાથેની રિલેશનશીપ દ્રઢ કરવા માટે છે. સૌથી અગત્યનું છે, ધ્યાન! ધ્યાન એટલે ઊંડો વિશ્રામ. તમારી આંખો બંધ છે, પણ તમે પોતે જાગૃત છો. સજગતાપૂર્વકનો વિશ્રામ એટલે ધ્યાન. ધ્યાન દ્વારા ટોક્સિન દૂર થાય છે, મન વિશ્રાંતિ પામે છે અને તમે શુદ્ધ અને નિતાંત સુંદર બનો છો, તમારાં પોતાનાં સ્વરૂપને તમે જાણવા લાગો છો.

રિલેશનશિપનું પ્રથમ સોપાન છે, દ્રષ્ટિકોણ, અવલોકન અને અભિવ્યક્તિ દ્વારા સ્વયં સાથેનું તાદાત્મ્ય!

રિલેશનશીપ જાળવી રાખવાનાં અન્ય અગત્યના ઉપાય વિષે આગળ વધુ વાત કરીશું.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

એવરલાસ્ટિંગ સૂરઃ સંગીતકાર જયકિશન

હિન્દી ફિલ્મ સંગીતમાં ગુજરાતનું ગૌરવ એટલે સુપરહીટ સંગીતકાર બેલડી શંકર-જયકિશન. જયકિશનજીનો જન્મ ૪ નવેમ્બર, ૧૯૨૯ના રોજ દક્ષિણ ગુજરાતના વાંસદામાં થયો હતો. આ જોડીએ ૧૯૪૯થી ૧૯૭૧ સુધી સંગીત આપ્યું હતું. એમના ગીતોને ‘એવરલાસ્ટિંગ’ અને ‘ઈમ્મોર્ટલ મેલોડીઝ’ જેવાં વિશેષણોથી નવાજાય છે. રાગ આધારિત સૂરીલા ગીતોનો ખજાનો જાણે એમણે ખોલી દીધો હતો સંગીતના ચાહકો માટે.

પૃથ્વી થિયેટરમાં શંકરના કહેવાથી પાપાજીએ જયની પસંદગીને સ્વીકારી. રાજ કપૂરની બીજી  ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯)થી જ એસ.જે. એટલે કે શંકર-જયકિશન હીટ થઇ ગયા. પછી તો એમની સંગીત-ગંગા વહેતી જ રહી, લાગલગાટ બે દાયકા સુધી. આવારા, નગીના, આહ, પતિતા, સીમા, શ્રી ૪૨૦, બસંત બહાર, હાલાકુ, રાજહઠ, નઈ દિલ્લી, કઠપુતલી, અનાડી, ચોરી ચોરી, દાગ, યહુદી, મૈ નશે મેં હું, બૂટ પોલિશ, શરારત, લવ મેરેજ અને ઉજાલા જાણે એમનો પૂર્વાર્ધ હતો. જયકિશનના નિધન પછી ઉત્તરાર્ધ તો બીજા બે દાયકા સુધી ચાલ્યો.

શંકર-જયકિશન સતત સૌથી વધુ ફી લેતા સંગીતકાર હતા. એ જમાનાના દિગ્ગજો વચ્ચે ય એ ટોચ પર હતા. રાજ કપૂર, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને મનોજ કુમારની અનેક સફળ ફિલ્મોમાં એસ.જે.ના સંગીતનો ફાળો બહુ મોટો હતો.

એમણે ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી એના પાંચ વર્ષ પછી ફિલ્મફેર એવોર્ડ્સની શરૂઆત થઇ. આ એવોર્ડઝની યાદીમાં ૧૯૭૪ સુધી શંકર-જયકિશનને સૌથી વધુ નવ વાર ‘શ્રેષ્ઠ સંગીતકાર’ના એવોર્ડઝ મળ્યાં હતા.

૧૯૭૧માં સીરોઈસિસ ઓફ લીવરની બીમારીના કારણે ફક્ત ૪૧ વર્ષની વયે જયકિશનનું મુંબઈમાં નિધન થયું. સફળતાની ટોચે હતા ત્યારે જ સૂર આથમી ગયો.

(નરેશ કાપડીઆ-સુરત)

રાશિ ભવિષ્ય 04/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

આઠ બેઠકોની પેટા-ચૂંટણીઃ શાંતિપૂર્ણ મતદાન, સરેરાશ 58.14%

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું છે. કયાંક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે તો કયાંક મતદાન નીરસ રહ્યું છે. આ પેટા ચૂંટણીમાં આઠે બેઠકો ઉપર 81 ઉમેદવારો સ્પર્ધામાં છે. ત્યારે રાજકીય વિશ્લેષકો હવે મતદાનને લઇને મંથન શરૂ કર્યું છે. રાજ્યમાં સરેરાશ 58.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે ડાંગમાં 74.71 ટકા મતદાન નોંધાયું છે. કુલ જયારે સૌથી ઓછું ધારી બેઠક પર 45 ટકા મતદાન થયું છે.

મતદાન મથક મતદાન (ટકાવારીમાં)
કપરાડા  67.34
 ધારી  45.74
 ડાંગ 74.71
કરજણ  65.94
 મોરબી  51.88
અબડાસા 61.31
ગઢડા 47.86
 લીંબડી  56.04

 

મોરબીમાં 20 જગ્યાએ EVMમાં ખરાબી

મોરબીમાં 20 જગ્યાએ EVMમાં ખરાબી જોવા મળી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણ તમામ EVMને બદલવામાં આવ્યાં હતાં. જોકે બપોર બાદ મતદાન મથકો પર મતદારો ફરક્ નહોતા. જેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઇ છે.

બે લેખિત ફરિયાદ

કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં બે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. મોરબી અને કરજણ મુદ્દે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પર મતદાન સમયે પણ પ્રચાર કરતા હોવાની ફરિયાદ કરી છે. ત્યાં જ ભાજપે કોંગ્રેસના એજન્ટોને હેરાન કરતા હોવાની ફરિયાદ કરી છે..

 કરજણનો એક વિડિયો વાઇરલ

કરજણનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમા કેટલાક લોકો રિક્ષામાં બેસી મતદાન કરવા જતા મતદાતાઓને રોકડા રૂપિયા આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે EVMનું પ્રથમ બટન દબાવી ભાજપને વોટ આપજો, આ મામલે વાઇરલ વીડિયો બાદ અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

મતદાન મથકો સૂમસામ

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારના મતદારોમાં નિરાશા જોવા મળી રહી હતી.. ભાજપનો ગઢ ગણાતા લીંબડી શહેરી વિસ્તારના અનેક મતદાન મથકોમાં બપોર થઈ હોવા છતાં મતદાન મથકો સૂમસામ નજરે પડી રહ્યા હતા.

જોકે ગુજરાત વિધાનસભાની આઠ પેટા-ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. હવે મતગણતરી 10 નવેમ્બરે થવાની છે.

 

 

‘મુંબઈ મેટ્રો કાર શેડને કાંજૂરમાર્ગ ખસેડવાનો નિર્ણય ભારત સરકારના હિતની વિરુદ્ધનો’

મુંબઈઃ ગોરેગાંવ (પૂર્વ)ના આરે કોલોની વિસ્તારમાંથી મુંબઈ મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને કાંજૂરમાર્ગમાં ખસેડવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે નવો વિવાદ થયો છે.

 

કેન્દ્ર સરકારના ઉદ્યોગ પ્રમોશન અને આંતરિક વ્યાપાર વિભાગે (DPIIT) મહારાષ્ટ્ર સરકારને લેખિતમાં જણાવ્યું છે કે મેટ્રો કાર શેડનું બાંધકામ કાંજૂરમાર્ગ ઉપનગરમાંના સ્થળે બાંધવું એ ભારત સરકારના હિતની વિરુદ્ધનું ગણાશે.

વિભાગે આ સ્થળે 102 એકરની જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો છે.

DPIITના સેક્રેટરી ગુરુપ્રસાદ મોહાપાત્રએ 15-ઓક્ટોબરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટર અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ અયોગ્ય અને એકતરફી લીધેલા નિર્ણયથી DPIITને ગંભીર ખોટ ગઈ છે.

મોહાપાત્રએ લખ્યું છે કે, હું વિનંતી કરું છું કે તમે જરૂરી પગલાં લો અને આ સંદર્ભમાં આપવામાં આવેલા ઓર્ડરોને પાછા ખેંચવાનો કલેક્ટરને આદેશ આપો તથા ભારત સરકારના હિતનું રક્ષણ કરો.

જોકે મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે એ કાંજૂરમાર્ગમાં કાર શેડ બાંધકામ અટકાવશે નહીં.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકારે આરે કોલોનીમાં મુંબઈ મેટ્રો કાર શેડ બાંધવામાં આવે એનો પહેલેથી જ વિરોધ કર્યો છે જ્યારે હાલ વિપક્ષમાં બેસતી ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે કેન્દ્ર સરકારને ટેકો આપે છે.

સ્પિન બોલિંગ સામે પણ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવોઃ તેંડુલકર

મુંબઈઃ દંતકથા સમાન બેટ્સમેન અને ‘ભારત રત્ન’ સમ્માનિત સચીન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સત્તાવાળાઓને વિનંતી કરી છે કે ક્રિકેટ મેચો વખતે સ્પિન બોલિંગ સામે રમતી વખતે પણ બેટ્સમેનો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવો.

હાલ આઈપીએલ-2020 સ્પર્ધામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની લીગ મેચમાં હૈદરાબાદના બેટ્સમેન વિજય શંકરને પંજાબ ટીમના ફિલ્ડર નિકોલસ પૂરને થ્રો કરેલો બોલ માથામાં વાગ્યાની ઘટના બાદ તેંડુલકરે આઈસીસીને ઉપર મુજબ વિનંતી કરી છે.

સચીન તેંડુલકરે ટ્વીટ દ્વારા આ માગણી કરી છે. એમણે અણિયાળો સવાલ કર્યો છે કે, ક્રિકેટ રમત વધારે ઝડપી તો બની છે, પણ વધારે સુરક્ષિત બની છે ખરી?

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ મેચોમાં બેટ્સમેનો ફાસ્ટ બોલિંગનો સામનો કરતી વખતે તો માથા પર હેલ્મેટ પહેરે જ છે, પરંતુ સ્પિન બોલિંગ સામે પહેરતા નથી. જેવી સ્પિન બોલિંગ શરૂ થાય કે બેટ્સમેનો હેલ્મેટ ઉતારીને માત્ર કેપ પહેરીને અથવા ખુલ્લા માથા સાથે રમતા હોય છે.

વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા ભારતીય ખેલાડીઓ સહિત લગભગ દરેક દેશી-વિદેશી ખેલાડીઓ આ રીતે રમતા હોય છે.

પરંતુ સચીન તેંડુલકરે હવે આઈસીસીને વિનંતી કરી છે કે તે બેટ્સમેનો માટે તમામ પ્રકારની બોલિંગ વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવી દે. ‘છેલ્લા અમુક સમયમાં આપણે કેટલાક દ્રશ્યો જોયા છે, જે બહુ ખતરનાક બની શકત. સ્પિન બોલિંગ હોય કે ફાસ્ટ બોલિંગ, પ્રોફેશનલ સ્તરે બેટ્સમેનો હેલ્મેટ પહેરે એને ફરજિયાત કરી દેવું જોઈએ. આઈસીસીને હું વિનંતી કરું છું કે તે આ બાબતને પ્રાથમિકતા પર લે.’

તેંડુલકરે પોતાના ટ્વીટમાં આઈપીએલ-2020ની તે મેચનો વિડિયો પણ શેર કર્યો છે, જેમાં રન લેવા દોડેલો વિજય શંકર ફિલ્ડર પૂરને થ્રો કરેલો બોલ માથા પર વાગતા જમીન પર ફસડાઈ પડે છે. ફિઝિયોને તરત જ મેદાન પર દોડી જવું પડે છે અને શંકરની ઈજાને તપાસે છે. સદ્દભાગ્યે 29-વર્ષીય શંકરે હેલ્મેટ પહેરી હતી. (જુઓ સચીનનું ટ્વીટ અને વિડિયો)

અમેરિકામાં પ્રમુખપદ ચૂંટણી-2020: ન્યુ હેમ્પશાયરથી મતદાનનો આરંભ

વોશિંગ્ટનઃ અમેરિકામાં 45મા પ્રમુખને ચૂંટી કાઢવા માટેની દેશવ્યાપીચૂંટણીમાં મંગળવારે મતદાનનો આરંભ ન્યુ હેમ્પશાયર રાજ્યનાં બે નાનાં શહેરો – ડિક્સવિલે નોટ અને મિલ્સફીલ્ડથી થયો હતો. મતદાતાઓ રાષ્ટ્રપ્રમુખ અને ન્યુ હેમ્પશાયરના ગવર્નર અને ફેડરલ અને રાજ્યની વિધાનસભાની બેઠકો માટે પસંદગીના ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે, એમ શિનહુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. ડિક્સવિલે નોટ બાલસમ્સ રિસોર્ટના મતદાન કેન્દ્રમાં પાંચ સ્થાનિક નોંધાયેલા મતદાતાઓમાંના એક લેસ ઓટને પહેલી વાર મતદાન કર્યું હતું. જૉ બાઇડન માટે મતદાન

ઓટેને પોતાને જીવનભર રિપબ્લિકનના રૂપે ઓળખાવતાં કહ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બદલે ડેમોક્રેટિક રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર જૉ બાઇડન માટે મતદાન કર્યું હતું. હું ઘણા મુદ્દે તેમની સાથે અસહમત છું, પણ મેં તેમને મતદાન કર્યું હતું, એમ તેણે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરતાં કહ્યું હતું.

ડિક્સવિલે નોટમાં અન્ય ચાર મત પણ બાઇડનની તરફેણમાં ગયા હતા, જ્યારે મિલ્સફીલ્ડના રહેવાસીઓએ ટ્રમ્પના પક્ષમાં 16માંથી પાંચ મત આપ્યા હતા.

બાઇડનની ટ્રમ્પની તુલનાએ 6.7 પોઇન્ટ સાથે લીડ

રિયલક્લિયરપોલિટિક્સના મતદાન સરેરાશ મુજબ રાષ્ટ્રીય સ્તરે બાઇડન ટ્રમ્પની તુલનાએ 6.7 પોઇન્ટ સાથે લીડ ધરાવે છે. જોકે ફ્લોરિડા, ઉત્તરીય કેરોલિના, પેન્સિલવેનિયા, મિશિગન, વિસકોન્સિન અને એરિઝોના સહિત ચૂંટણી જંગવાળાં રાજ્યોમાં માત્ર 2.8 ટકાની સરસાઈ ધરાવે છે. ટ્રમ્પે સોમવારે ઉત્તર કેરોલિના, પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં ચૂંટણી ઝુંબેશ અટકાવી હતી, જ્યારે બાઇડન દિવસ દરમ્યાન ઓહાયો અને પેન્સિલવેનિયામાં ચૂંટણીપ્રચાર જારી રાખ્યો હતો.

પૂર્વનાં કેટલાંક મુખ્ય શહેરોમાં મતદાન કેન્દ્ર સવારે આજે સવારે છ વાગ્યે શરૂ થયું હતું અને ત્યારબાદ દેશભરમાં શરૂ થઈ ગયું હતું. છેલ્લે અલાસ્કામાં મતદાન સાથે મતદાન પ્રક્રિયા સમાપ્ત થશે.

ચૂંટણીના દિવસ પહેલાં જ 9.8 કરોડથી વધુ મતદાતાઓએ મતદાન કરી ચૂક્યા હતા. આ આંકડામાં 3.5 કરોડથી વધુ પ્રત્યક્ષ મતો અને 6.3 કરોડ મતો મેઇલ દ્વારા મતદાન કર્યું હતું, જે 2016ની સામાન્ય ચૂંટણીમાં કુલ મતોની ટકાવારી 71 ટકાથી વધુ મતોનું પ્રતિનિધિત્વ કરે છે, એમ ડેટા કહે છે.

આ ઉપરાંત ટ્રમ્પ અને બાઇડન વચ્ચેના ચૂંટણી જંગ સિવાય યુએસ પ્રતિનિધિ સભાની બધી 435 સીટો અને સેનેટની 100 સીટોમાંથી 35 સીટો પર મંગળવારે મતદાન થશે.

એક ડઝનથી વધુ રાજ્યો અને ક્ષેત્રીય ગવર્નરશિપ, કેટલાંક અન્ય રાજ્યો અને સ્થાનિક પદો પર ચૂંટણી લડવામાં આવશે.

92,84,261 કોરોનાના કેસો અને 2,31,507નાં મોત

અમેરિકી ચૂંટણી 2020 કોરોના વાઈરસ રોગચાળાના કાળા કેર વચ્ચે યોજાઈ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 92,84,261 કેસ થયા છે અને 2,31,507નાં મોત થયાં છે. દેશ આ સંકટ અને સમસ્યામાંથી બહાર નીકળવાના પ્રયાસો કરી રહ્યો છે. કોરોનાના આ કેસો અને મૃત્યુઆંક વિશ્વમાં અત્યાર સુધી સૌથી વધુ અમેરિકામાં છે.