Home Blog Page 4303

જમ્મુ-કશ્મીરમાં હવે કોઈ પણ જમીન ખરીદી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્રએ એક મહત્ત્વપૂર્ણ પગલામાં વિવિધ કાયદામાં સંશોધન કરીને જમ્મુ અને કાશ્મીરની બહારના લોકો માટે કેન્દ્ર શાસિત પ્રદેશ (UT)માં જમીન ખરીદવાનો માર્ગ મોકળો કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા એક નવું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જોકે હજી ખેતીની જમીનને લઈને પ્રતિબંધ જારી રહેશે. MHA જાહેર કર્યું છે કે જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠનને લીધે (કેન્દ્રીય કાયદાઓના સ્વીકારવાને લીધે) ત્રીજા આદેશ, 2020 અનુસાર કેન્દ્રએ રાજ્યના 26 કાયદાઓને નાબૂદ કર્યા છે.

એક ગેઝેટના નોટિફિકેશનમાં કેન્દ્રએ જમ્મુ એન્ડ કાશ્મીર ડેવલપમેન્ટ એક્ટની કલમ 17 –રાજ્યના સ્થાનિક રહેવાસીઓનું વાક્ય કાઢી નાખ્યું છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીનથી સંબંધિત છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35-A દૂર કર્યા પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં બિનરહેવાસી વ્યક્તિ સ્થાયી મિલકત ખરીદી નહોતી શકતી. જોકે તાજા બદલાવ પછી બિનનિવાસી હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન ખરીદી શકશે. લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પત્રકારોને કહ્યું હતું કે આ સુધારો કૃષિની જમીનને બિન ખેતીમાં તબદિલ કરવાની મંજૂરી નથી આપતો.

ભૂતપૂર્વ એડવોકેટ જનરલ મોહમ્મદ ઇશાક કાદરીએ કહ્યું હતું કે આ સુધારાથી  જમ્મુ અને કાશ્મીરથી બહારના લોકો પણ રાજ્યમાં જમીન ખરીદી શકશે, હવે બહારની વ્યક્તિ માટે કોઈ કાયદાકીય અડચણ રહી નથી. MHA નોટિફિકેશન તત્કાળ અસરથી લાગુ થશે.

આ નવા સુધારાથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર હવે વેચાણ માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે કાનૂનમાં જે બદલાવ કરવામાં આવ્યો છે, એ સ્વીકાર્ય નથી . તેમણે કહ્યું હતું કે કૃષિ જમીન સિવાયની અન્ય જમીન ખરીદવા માટે સરકારે કોઈ પ્રમાણપત્ર નથી રાખ્યું અથવા કોઈ દસ્તાવેજ પણ જરૂરી નથી રાખ્યો. જે ગરીબ જમીન માલિક છે તેની મુસીબતો વધશે.

કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના સ્થાયી રહેવાસોનો રાજ્યમાં સ્થાયી સંપતિ હાંસલ કરવાનો અને રાખવાનો વિશેષ અધિકાર છીનવી લીધો છે- જે ગેરબંધારણીય રીતે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત છે અને રાજ્ય બહારના લોકોને આવા અધિકાર આપે છે, એમ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડેક્લેરેશન (PAGD)ના પ્રવક્તા સજ્જાદ લોને કહ્યું હતું.

આ PADGમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી, સીપીએમ, સીપીઆઇ, પીપલ્સ કોન્ફરન્સ, અવામની નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ મુવમેન્ટનો સમાવેશ થાય છે.

ભારત, અમેરિકાએ 2+2 પ્રધાનસ્તરીય મંત્રણા કરી…

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓ અને સંરક્ષણ પ્રધાન માર્ક ઈસ્પરે 27 ઓક્ટોબર, મંગળવારે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે 2+2 પ્રધાનસ્તરીય મંત્રણા કર્યા બાદ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. બંને દેશે ચીનની વધતી તાકાતનો સામનો કરવા માટે લશ્કરી સેટેલાઈટ માહિતીની આપ-લે કરવા અને વ્યૂહાત્મક સહકાર આપવા સહિત કુલ પાંચ કરાર કર્યા છે.

માઈક પોમ્પીઓ અને માર્ક ઈસ્પરે રાષ્ટ્રીય યુદ્ધસ્મારક ખાતે જઈને ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મુંબઈઃ અભિનેત્રી પર ચાકૂથી હુમલો; હુમલાખોર ફરાર

મુંબઈઃ લગ્ન કરવાની ના પાડવા બદલ ટીવી સિરિયલોની અભિનેત્રી માલવી મલ્હોત્રાને ચાકૂ ભોંકવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. લગ્ન કરવાની માલવીએ ના પાડતાં એ શખ્સે તેને ચાકૂના ત્રણ વાર ઘા માર્યા હતા.

આરોપીનું નામ છે યોગેશ મહિપાલ સિંહ અને એ હુમલો કરીને ફરાર થઈ ગયો છે.

માલવીને અંધેરીની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં એ સારવાર હેઠળ છે અને ભયમુક્ત હોવાનું કહેવાય છે.

હુમલાખોરને તે આ પહેલાં બે વાર મળી હતી. પોતે નિર્માતા છે એવું ખોટું બોલીને એ માલવીને મળ્યો હતો. ત્યારબાદ એ પોતાની સાથે લગ્ન કરવા માલવીને દબાણ કરતો હતો. માલવીએ ઈનકાર કરી દીધા બાદ એણે તેને ચાકૂ માર્યું હતું.

આ ઘટના ગઈ કાલે સોમવારે રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ અંધેરીના વર્સોવા વિસ્તારમાં બની હતી. એ વખતે માલવી એક કેફેમાંથી એનાં ઘર તરફ જતી હતી.

યોગેશ એની કારમાં હતો. એણે માલવીને રોકી હતી અને એણે તેની સાથે વાત કરવાનું શા માટે બંધ કરી દીધું છે એમ પૂછ્યું હતું. બંને વચ્ચે ત્યારે દલીલબાજી થઈ હતી અને તે પછી યોગેશે માલવીને પેટમાં ચાકૂ માર્યું હતું અને બંને હાથ ઉપર પણ ચાકૂ માર્યું હતું અને પછી ભાગી ગયો હતો.

માલવીને તરત જ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પોલીસે હત્યાના પ્રયાસ સહિત ભારતીય ફોજદારી ધારાની અનેક કલમો હેઠળ હુમલાખોર સામે ફરિયાદ નોંધી છે અને તપાસ ચાલી રહી છે, એમ વર્સોવા પોલીસનું કહેવું છે.

માલવી ઉડાન ટીવી શોમાં તેની ભૂમિકા માટે જાણીતી છે. એણે અમુક હિન્દી અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

હુમલાખોર સાથે એને 2019માં ફેસબુક મારફત ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંને જણ ગયા જાન્યુઆરીમાં મળ્યા હતા. પોતે એક નિર્માતા છે એવું યોગેશે કહ્યું હતું અને એક વિડિયો આલ્બમ માટે પોતાને સહયોગ આપવાનું એણે માલવીને કહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં એણે માલવીને લગ્નની ઓફર કરી હતી, પણ માલવીને ઈનકાર કરી દીધો હતો અને પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર એને બ્લોક પણ કરી દીધો હતો.

BSE ઈક્વિટી-ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવરનો નવો વિક્રમ

મુંબઈઃ દેશના સૌથી મોટા અને વૈવિધ્યપૂર્ણ એક્સચેન્જ BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવાર, 26 ઓક્ટોબર, 2020ના રોજ રૂ.208,658  કરોડના દૈનિક ટર્નઓવરનો નવો વિક્રમ નોંધાયો હતો. સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સમાં સતત બીજી વાર દૈનિક ટર્નઓવર રૂ.2 લાખ કરોડની સપાટી વટાવી ગયું હતું.

આ વિશે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે બીએસઈ સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સની ઉત્તમ કામગીરીને પગલે બજારમાં પ્રવાહિતા અને ડેપ્થ વધી રહી છે. ભારતીય બજારો માટે હાલનો સમય ભારે વધઘટનો છે ત્યારે સેન્સેક્સ 50 ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ જોખમને હળવું કરવા માટેના અસરકારક સાધન બની રહ્યા છે, કારણ કે તે વૈકલ્પિક સમાપ્તિ દિવસ, ઉચ્ચ પ્રવાહિતા અને BSEની ભરોસાપાત્ર ટ્રેડિંગ સિસ્ટમ ધરાવે છે.

BSE વિવિધ એસેટ ક્લાસ માટેના વિવિધ પ્રોડક્ટ્સ અને રિસ્ક મેનેજમેન્ટ ટૂલ્સ ઓફર કરે છે, જે બજારની ભારે વધઘટના સમયમાં વેપારીઓ માટે અતિ ઉપયોગી છે. BSEની મજબૂત સર્વેલન્સ સિસ્ટમને પગલે સહભાગીઓ વિશ્વાસ સાથે વેપાર કરી શકે છે અને જોખમનું અસરકારક સંચાલન કરી શકે છે.

BSE ભારતીય બજારમાં ઉપલબ્ધ ઈન્ડેક્સ ઓપ્શન્સનું ખર્ચની દૃષ્ટિએ સૌથી વધુ અસરકારક ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. દાખલા તરીકે બીએસઈના પ્લેટફોર્મ પર રૂ.10 કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન એક્સપોઝર પર આશરે રૂ.1.18 લાખની બચત થાય છે. આને પગલે રોકાણકારોને વધુ તકો ઉપલબ્ધ થાય છે તેમ જ તેમની પોઝિશન્સનું રક્ષણ કરી શકે છે એટલું જ નહિ પણ સોદા ખર્ચમાં પણ ઘટાડો કરી શકે છે.

હરિયાણામાં વિદ્યાર્થિનીને ઠાર મારનાર બંને આરોપીની ધરપકડ

બલ્લભગઢઃ હરિયાણા પોલીસે ફરીદાબાદના બલ્લભગઢમાં 21 વર્ષીય નિકિતા તોમરની ગઈ કાલે બપોરે ધોળેદિવસે જાહેર રસ્તા પર ગોળી મારીને હત્યા કરનારા બંને આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓની ઓળખ તૌસિફ અને રેહાન તરીકે કરવામાં આવી છે. હરિયાણા પોલીસ દ્વારા રચવામાં આવેલી 10 સભ્યોની SITની ટીમે રેહાનની મેવાત વિસ્તારમાંથી ધરપકડ કરી છે. બલલ્લભગઢમાં નિકિતા પરીક્ષા આપ્યા પછી કોલેજમાંથી બહાર આવી એ પછી એની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પુત્રીને મારી નાખી

અમે પહેલેથી જ ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો એને હેરાન કરી રહ્યા હતા અને હવે તેમણે મારી પુત્રીને મારી નાખી છે, એમ પીડિતાના પિતાએ કહ્યું હતું. નિકિતાના ભાઈ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી તૌસિફ તેની બહેનને તેનો ધર્મ ઇસ્લામ અંગીકાર કરવા માટે મજબૂર કરી રહ્યો હતો.

નિકિતા એક પરીક્ષા આપવા માટે કોલેજ ગઈ હતી

મારી પુત્રી કોલેજમાં એક પરીક્ષા આપવા માટે ગઈ હતી. હુમલાખોરે તેને જબરદસ્તીથી કારમાં બેસવાનું કહ્યું હતું, પણ તેણે ના પાડી હતી, જેથી થોડી વાર પછી તેણે તેને ગોળી મારી દીધી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.

નિકિતા એક પરીક્ષા આપવા માટે કોલેજ ગઈ હતી, આરોપી તૌસિફ તેને જાણતો હતો, તેણે તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ એ પછી તેણે તેને ગોળી મારી દીધી હતી, એમ બલ્લભગઢના ACP જયવીર રાઠીએ કહ્યું હતું.

આ હત્યાના સીસીટીવી ફુટેજ

પીડિતા B.Comના અંતિમ વર્ષની વિદ્યાર્થિની હતી. આ હત્યાના સીસીટીવી ફુટેજ ગઈ કાલે સામે આવ્યા હતા. સીસીટીવી ફુટેજમાં બે યુવકો એક સફેદ કાર i20 કારથી નીકળીને બે વિદ્યાર્થિનીઓને પકડતા જોઈ શકાય છે. બંને વચ્ચે એક શાબ્દિક મજગમારી પછી તેના અપહરણના ક્રમમાં કોલેજના ગેટની પાસે ઊભેલા વાહનની અંદર યુવતીને ખેંચવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ જેવો તે વિરોધ કરે છે, એમાંથી એકે રિવોલ્વર કાઢીને અને તેને ઠંડા કલેજે ગોળી મારી દીધી હતી. આ ઘટના સોમવારે 3.30 કલાકે બની હતી, જ્યારે પીડિતા નિકિતા તોમર પરીક્ષા આપીને કોલેજથી બહાર આવી હતી. જોકે આ યુવતીની હત્યા કર્યા પછી આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

આ ઘટના પછી ફોરેન્સિક સાયન્સની ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. એસજીએમ નગરની રહેવાસી નિકિતાને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

હરિયાણા પોલીસે આ ઘટના પછી એક ઝુંબેશ શરૂ કરી હતી અને ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં તૌસિફની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર યુવતી દ્વારા મિત્રતાનો અસ્વીકાર હત્યાની પાછળનું કારણ હોઈ શકે.

હત્યાના વિરોધમાં વિરોધ-પ્રદર્શન

પોલીસ કમિશનર ઓપી સિંહે કહ્યું હતું કે આ ઘાતકી હત્યા કરવાવાળાઓને કડક સજા અપાવવામાં આવશે.

દરમ્યાન યુવતીના પરિવારો અને સગાંસબંધીઓએ અને કોલેજના મિત્રોએ એ વિસ્તારમાં આજે ધરણા કર્યા હતા અને આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે એવી માગણી કરી હતી જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે.

બિહારમાં બુધવારે પહેલા તબક્કામાં 71 બેઠકો પર મતદાન

પટનાઃ બે કરોડથી વધુ મતદાતાઓ આવતીકાલે બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 71 બેઠકો ખાતે 1066 ઉમેદવારોના ચૂંટણી ભાગ્યનો નિર્ણય કરશે. કોવિડ-19 રોગચાળા દરમ્યાન ચૂંટણી પંચે ચૂંટણીના સુરક્ષિત સંચાલન માટે દિશા-નિર્દેશ જારી કરી દીધા છે. આમાં 1000થી 1600 સુધીનાં મતદાન કેન્દ્રોમાં મતદાતાઓની મહત્તમ સંખ્યા છે, 80 અને એનાથી વધુ વયના સિનિયર સિટિઝનો માટે મતદાન માટે ચૂંટણીનો સમય અને પોસ્ટલ બેલેટની સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓ કે દુર્ઘટનાને અંજામ આપે એવી વ્યક્તિઓને મતદાન કેન્દ્રોએથી દૂર રાખવા પ્રયાસો થઈ રહ્યા છે.

આ ઉપરાંત મતદાન કર્મચારીઓ દ્વારા વોટિંગ મશીનોને સેનેટાઇઝ કરવા અને અન્ય સુરક્ષા માટે જાળવવી, જેમ કે થર્મલ સ્કેનિંગ, હેન્ડ સેનિટાઇઝર અને સાબુ અને પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર 2.14 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 1.01 કરોડ મહિલાઓ અને 599 તીજા જેન્ડરના છે.

ઉમેદવારોમાં 952 પુરુષો અને 114 મહિલાઓ સામેલ છે. મહત્તમ સંખ્યા (27)ની ગયા ટાઉનમાં અને બાંકા જિલ્લાના કટોરિયામાં કમસે કમ પાંચ ઉમેદવારોની છે.

મુખ્ય રાજકીય પક્ષોમાં નીતીશકુમારની JD (U) પાર્ટી 71માંથી 35 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ત્યાર બાદ એની સહયોગી પાર્ટી 29 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે વિપક્ષ RJDએ 42 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે અને કોંગ્રેસે 20 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

ચિરાગ પાસવાનની અધ્યક્ષતાવાળી લોક જનશક્તિ પાર્ટી (LJP)એ 41 સીટો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જ્યાં JD(U)ના 35 ઉમેદવારો પણ ઊભા છે. હાલમાં જ ચિરાગ પાસવાને NDAથી અલગ થઈને રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો હતો, જેમાં તેઓ રાજ્યમાં નીતિશ કુમારને મુખ્ય પ્રધાનને સત્તા પરથી દૂર કરવા માગે છે.

પહેલાં તબક્કાની ચૂંટણીમાં 27 વર્ષીય કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ શૂટર શ્રેયસી સિંહ પણ જમુઈથી  ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણીમેદાનમાં છે.

જોકે ચિરાગ પાસવાન કે જેઓ જમુઈ લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રત્યે પોતાની નિષ્ઠા જાહેર કરી હતી અને ભાજપને પોતાની પાર્ટીના યુવાઓને સમર્થન કરવા હાકલ કરી હતી. શ્રેયસી સિંહની સામે RJDના વિજય પ્રકાશ યાદવની સામે ઊભી છે, જે હાલમાં વિધાનસભ્ય છે, જેમના મોટા ભાઈ જયપ્રકાશ નારાયણ યાદવ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદની નજીકના માનવામાં આવે છે.

ખાસ કરીને એ નોંધવું જોઈએ કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનની 28 વર્ષીય પુત્રી દિવ્યા પ્રકાશ પિતાની પાર્ટીના ઉમેદવારના રૂપે તારાપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડવા માટે ઊભી રહી છે.

બિહારની ચૂંટણીમાં ભાજપ અને નીતિશ કુમારની જનતા દળ (યૂનાઈટેડ) સાથે મળીને જંગ ખેલી રહી છે. 243-સભ્યોની વિધાનસભામાં, જેડીયૂ 122 સીટ અને ભાજપ 121 સીટ પર ચૂંટણી લડે છે.

બિહારમાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થશે. 10 નવેમ્બરે મતગણતરી કરાશે અને પરિણામ જાહેર કરાશે.

મુંબઈઃ વિમાનમાં બેસતા પહેલાં એરપોર્ટ પર કોરોના ટેસ્ટ

મુંબઈઃ કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા અને નાગરિકોના આરોગ્યની સલામતી જળવાય એ માટે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા અનેક પગલાં લઈ રહી છે.

મુંબઈમાંથી બહારગામ જતા પ્રવાસીઓ હવે વિમાનમાં ચડે એ પહેલાં જ એમની કોરોના ટેસ્ટ લેવામાં આવે છે.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં આ એરપોર્ટ પર 2,930 પુરુષ અને 400 મહિલા પ્રવાસીઓની કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂકી છે.

એરપોર્ટ પર દરરોજ આશરે 100 જેટલી કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આજ સુધી 38 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું છે.

આ સુવિધા આ પહેલાં મુંબઈ એરપોર્ટ પર આગમન કરતા પ્રવાસીઓ માટે હતી, પરંતુ હવે પ્રવાસીઓને મૂકવા આવતા એમનાં સગાસંબંધીઓ કે મિત્રોને માટે પણ કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવનાર છે.

ગઈ 25 માર્ચથી બંધ કરાયેલા આંતરરાષ્ટ્રીય વિમાનીમથકને નવી શક્તિ પૂરી પાડવાના હેતુથી કેન્દ્ર સરકારે આ સુવિધાઓ શરૂ કરી છે.

એરપોર્ટ પર કયા સ્થળે કોરોના ટેસ્ટ કરાય છે?

એરપોર્ટના ટર્મિનલ-2ના ચોથા માળ પર કોરોના ટેસ્ટની સુવિધા શરૂ કરાઈ છે.

મુંબઈથી બહાર જતા પ્રવાસીઓ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની વેબસાઈટ Mumbai Airport પર વિઝિટ કરીને તેમજ હેલ્પસેન્ટર પર જઈને પોતાનું નામ નોંધાવી શકે છે. નામ રજિસ્ટર કરાયા બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

પ્રવાસીને 8 કલાકમાં કોરોના ટેસ્ટનો અહેવાલ સુપરત કરવામાં આવશે.

પ્રવાસીઓએ એ માટે નિયોજિત સમયના 8-12 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચી જવું.

પાકિસ્તાનમાં મદરેસામાં વિસ્ફોટ થયો; 7નાં મરણ, 80 ઘાયલ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પેશાવર શહેરની એક મદરેસા (ધાર્મિક શાળા)માં આજે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થતાં 7 જણનાં મરણ થયા છે અને 80 જણ ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓમાંના ઘણાંની હાલત ગંભીર છે.

મૃત્કોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે અજાણ્યા લોકોએ એક પ્લાસ્ટિકની થેલીમાં વિસ્ફોટકો મૂક્યા હતા.

પેશાવર શહેર અફઘાનિસ્તાનની સરહદની નજીક આવેલું છે. આ વિસ્તાર લાંબા સમયથી ઈસ્લામિક હિંસાથી ગ્રસ્ત થયેલો છે.

કોરોનાના નવા કેસો 36,470, 488નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 79 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,470 નવા કેસ સામે આવ્યા છે. આ 18 જુલાઈ પછી સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 488 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 79,46,429 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,19,502 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 72,01,070 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63,842 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,25,857એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.50 ટકા થયો છે.

નવા કેસોમાં 16 ટકાનો ઘટાડો

આ સપ્તાહે કોરોના વાઇરસના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉના દિવસો કરતાં 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરની વચ્ચે નવા કેસમાં ગત સપ્તાહની તુલનામાં 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે કોવિડ-19 ને કારણે થતાં મૃત્યુમાં 19 ટકાનો ઘટાડો થયો છે. આ અઠવાડિયે ભારતમાં 3.6 લાખ નવા કેસ નોંધાયા છે. આ આંકડો છેલ્લા ત્રણ મહિનામાં સૌથી નીચો છે. અગાઉ 20-26 જુલાઇની વચ્ચે 3.2 લાખ કેસ નોંધાયા હતા. આ સંખ્યા અગાઉના સપ્તાહ કરતાં 15.7 ટકા ઓછી છે, જે રોગચાળો શરૂ થયા પછીનો સૌથી ઝડપી ઘટાડો છે. ગયા અઠવાડિયે દેશમાં લગભગ 4.3 લાખ કેસ નોંધાયા હતા.

7થી 13 સપ્ટેમ્બરના એક સપ્તાહમાં અત્યાર સુધીમાં 6.45 લાખ 14 કેસો નોંધાયા થયા બાદ આ સતત છઠ્ઠું અઠવાડિયું છે, જેમાં સતત નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન, ભારતમાં રિકવરીનો દર પણ રવિવારે વધીને 90 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું કોરોનાને લીધે નિધન

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયાનું કોરોના વાઇરસને કારણે સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજું ફરી વળ્યું છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં અને તેમનું ઓક્સિજન લેવલ ઘટતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ પહેલાં 20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવારાર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નરેશ કનોડિયાએ અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લાં 40 કરતાં પણ વધુ વર્ષ તેઓ ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા રહ્યા હતા. તેઓ વિધાનસભાની કરજણ બેઠક પરથી બે વાર ધારાસભ્યપદે ચૂંટાયા હતા. તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા કે જેમનું બે દિવસ પૂર્વે જ અવસાન થયું હતું. નરેશ કનોડિયાના નિધન અંગે રાજકીય ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા દુઃખ વ્યક્ત કર્યુ છે.
ભાગ કોરોના ભાગ, કોરોના ભાગ

દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાઈને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

નરેશ કનોડિયાનો પરિવાર

નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ, 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થિબા સાથે લગ્ન કર્યા છે.

નરેશ કનોડિયાની ગુજરાતી સફળ ફિલ્મો

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થીવધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે ‘હિરણને કાંઠે’, ‘મેરુ માલણ’, ‘ઢોલામારુ’, ‘મોતી વેરાણા ચોકમાં’,’ પાલવડે બાંધી પ્રીત’, ‘પરદેશી મણિયારો’, ‘વણઝારી વાવ’, ‘તમે રે ચંપો ને અમે કેળ’, ‘જોડે રહેજો રાજ’, ‘પારસ પદમણી’, ‘કાળજાનો કટકો’, ‘બેની હું તો બાર વરસે આવિયો’, ‘વટ’, વચન ને વેર’ અને ‘લાડી લાખની સાયબો સવા લાખ’નો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.