ગુજરાતમાં આગામી 24થી 48 કલાકમાં રાજ્યમાં ઠંડી કહેર મચાવી શકે છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ઠંડી વધી શકે છે. જો કે વાવાઝોડાની અસરના કારણે ઠંડીમાં રાહત મળવાની શકયતાઓ છે.
ગુજરાતમાં હાલ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ આવી જ ઠંડી આગામી કેટલાક દિવસો યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીથી હાલ કોઇ રાહત મળવાની નથી. જો કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી કહેર મચાવી શકે છે.
બંગાળની ખાડી હાલ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. એક મજબૂત સિસ્ટમ પણ બની ગઇ છે અને હવે આ સિસ્ટમ થોડા જ સમયમાં વાવાઝોડું બની જશે અને પછી વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં મચાવી શકે છે ભીષણ કહેર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે. 26 તારીખે આ વાવાઝોડું તામિલાનાડુ અથવા આંધ્રપ્રદેશના તટ પર ત્રાટકી શકે છે.
નવી દિલ્હીઃ ફિલ્મમેકર અને સિંગર પલાશ મુચ્છલ સોશિયલ મિડિયા પર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમની કોઈ અન્ય મહિલાની સાથે થયેલી કહેવાતી પ્રાઇવેટ ચેટના સ્ક્રીનશોટ લીક થયા હતા. આ વિવાદ એવા સમયે શરૂ થયો જયારે થોડા જ દિવસ પહેલાં ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાની સાથે તેમનાં થનારાં લગ્ન સ્થગિત કરવામાં આવ્યાં છે.
Reddit અને Instagram પર ચાલી રહેલા અહેવાલ અનુસાર એક અજાણી મહિલાએ દાવો કર્યો કે તે પલાશ સાથે વાતચીત કરી રહી હતી. આ મહિલાએ ખુલ્લેઆમ એવા સ્ક્રીનશોટ્સ પણ વાયરલ કર્યા, જેમાં કહેવાતી રીતે પલાશ અને તેની વચ્ચેની ફ્લર્ટિંગ ચેટ છે, જેને કારણે આ સોશિયલ મિડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
આ સ્ક્રીનશોટ્સ એવા સમયે સામે આવ્યા, જયારે પલાશની બહેન અને સિંગર પલક મુચ્છલે કન્ફર્મ કર્યું હતું કે 23 નવેમ્બરે થનારી પલાશ અને સ્મૃતિનાં લગ્ન હવે નિયત સમયે નહીં થાય.
મહિલા દ્વારા શેર કરાયેલા કહેવાતી સ્ક્રીનશોટ્સમાં જોવા મળે છે કે પલાશે તેની ગુણોની પ્રશંસા કરી હતી અને ક્રિકેટર સાથેના પોતાના ‘લોન્ગ ડિસ્ટન્સ’ રિલેશનશિપ વિશે વાત કરી હતી. કેટલીક પોસ્ટ્સમાં આ મહિલાનું નામ મેરી ડિકોક્સ્ટા તરીકે જણાવાયું છે. આ ચેટ્સમાં આઉટિંગ વિશેની ચર્ચાઓ પણ છે,જેમ કે સ્પા માટે જવું, સ્વિમિંગ કરવું અને સવારે વર્સોવા બીચ પર અચાનક મળવાનું પ્લાનિંગ. જો આ ચેટ્સ અસલી છે, તો ઘણા ઓનલાઇન યુઝર્સ તેને ફ્લર્ટિંગ ગણાવી રહ્યા છે.
જોકે આ સ્ક્રીનશોટ્સની સચાઈની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, તેમ છતાં આ મામલો સોશિયલ મિડિયા પર ચર્ચા, ટીકા અને અનેક પ્રકારની અટકળોને વધારી રહ્યો છે. સોશિયલ મિડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ઘણા લોકો પલાશની આલોચના કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સંયમ રાખવાની વિનંતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પરિવાર પહેલેથી જ સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી આરોપોને વધારી ચઢાવી રજૂ ન કરવા જોઈએ.
આસામ: જાણીતા સિંગર ઝુબિન ગર્ગના નિધન મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે ઝુબિન ગર્ગનું મોત કોઈ અકસ્માતમાં નહોતું થયું. તેમની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે દોષિતોને છોડવામાં આવશે નહીં.આસામ વિધાનસભામાં બોલતા, બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, શરૂઆતની તપાસ બાદ આસામ પોલીસને વિશ્વાસ હતો કે આ કોઈ ગુનાહિત હત્યાનો કેસ નથી, પરંતુ એક સામાન્ય હત્યા છે. સીએમ સરમાએ દાવો કર્યો હતો કે, “એક આરોપીએ ગર્ગની હત્યા કરી હતી અને અન્ય લોકોએ તેને મદદ કરી હતી. હત્યા કેસમાં ચારથી પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.”સીએમ સરમાએ વધુમાં કહ્યું, “આસામમાં વિપક્ષના વાહિયાત નિવેદનો સાંભળીને એવું લાગે છે કે તેઓ પોતાના રાજકીય હિતોને આગળ વધારવા માટે ઝુબિન ગર્ગના હત્યારાઓની હિમાયત કરી રહ્યા છે. તેમની નજર બીજી જગ્યાએ છે અને તેમના નિશાન બીજે ક્યાંક છે.”
સિંગાપોરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાથી મોતનું કારણ
શરૂઆતમાં સિંગાપોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગર્ગનું મોટું એક અકસ્માતમાં થયું છે અને સિંગાપોર દ્વારા આપવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ડૂબવાના કારણે મોતનું કારણ આપવામાં આવ્યું હતું. જો કે બાદમાં આસામ સરકારે પોતાની રીતે અલગથી તપાસ શરૂ કરી હતી.
SIT અને ન્યાયિક આયોગની રચના
ઝુબિનનું મોત 19 સપ્ટેમ્બર સિંગાપોરમાં થયું હતું. તેઓ તરવા માટે પાણીમાં ઉતર્યા અને અચાનક ડૂબી ગયા. ત્યારે એવો દાવો કરાયો હતો કે તેમણે લાઈફ જેકેટ નહોતું પહેર્યું. જો કે પરિવાર અને ચાહકોએ આ મોત મામલે સવાલ ઉઠાવ્યા હતા. દબાણ બાદ આસામ સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) અને એક સદસ્યીય ન્યાયિક આયોગની રચના કરી. ભારત સરકારે પણ સિંગાપોર પાસેથી તપાસમાં મદદ મેળવવા માટે MLAT(મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી) પ્રક્રિયા શરૂ કરી છે.
તપાસ દરમિયાન અત્યાર સુધીમાં અનેક મહત્ત્વના ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત, મેનેજર સિદ્ધાર્થ શર્મા, કેટલાક બેન્ડ સભ્યો, ઝુબિનના કઝિન ભાઈ અને તેમના સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. વધુમાં, સુરક્ષાકર્મીઓના બેન્ક ખાતાઓમાં ₹1.1 કરોડથી વધુની શંકાસ્પદ રકમ મળી આવ્યા બાદ હવે નાણાકીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.
બીજી ઑટોપ્સી રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ઝુબિનનું મૃત્યુ ઝેરથી નથી થયું, તેમ છતાં મોડેથી મળેલી સારવાર, સંભવિત ષડયંત્ર, વિરોધાભાસી નિવેદનો અને નાણાકીય વ્યવહારોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે. જો કે સિંગાપોર પોલીસ હજી પણ આ ઘટનાને અકસ્માત માની રહી છે. પણ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સ્પષ્ટપણે તેને હત્યા ગણાવીને જલદી ચાર્જશીટ દાખલ કરવાની વાત કહી છે.
નવી દિલ્હીઃ ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચની રચના માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવાની છે. તેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC), અખિલ ભારતીય ટેક્નિકલ એજ્યુકેશન કાઉન્સિલ (AICTE) અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE)ને સમાપ્ત કરવાની યોજનાની પણ શક્યતા છે. સંસદના શિયાળુ સત્રમાં આયોગ બિલ, 2025ને સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.
જોકે યુનિવર્સિટીઓના શિક્ષકોએ તેનો વિરોધ શરૂ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે સરકાર આ પંચ દ્વારા ઉચ્ચ શિક્ષણ અને જાહેર યુનિવર્સિટીઓનું ખાનગીકરણ કરવા માગે છે. સરકારનું કહેવું છે કે ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને વૈજ્ઞાનિક અને ટેક્નિકલ સંસ્થાઓમાં સમન્વય સ્થાપવા અને ધોરણો નક્કી કરવા આ પંચની રચના જરૂરી છે.સંસદીય સમિતિએ વ્યક્ત કર્યો હતો વિરોધ
એક જ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી નિર્ણય પ્રક્રિયા ઝડપી થશે અને સંસ્થાકીય માળખું વધુ પારદર્શક અને અસરકારક બનશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ પંચનો ઉલ્લેખ થયો છે. તેને આધારે UGC, AICTE અને NCTEની જગ્યાએ એક જ પંચ કાર્ય કરશે. જ્યારે કાયદો અને ચિકિત્સા શિક્ષણને તેના વિસ્તારથી બહાર રાખવામાં આવે એવી શક્યતા છે.
પરંતુ રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહની અધ્યક્ષતા હેઠળની સંસદીય સમિતિએ આવા પંચના નિર્માણ પર આક્ષેપ કર્યો હતો. સમિતિનું કહેવું છે કે UGC જેવી સંસ્થાઓને સમાપ્ત કરી દેવાથી શિક્ષણ વ્યવસ્થામાં અસંતુલન સર્જાશે અને ખાનગીકરણને પ્રોત્સાહન મળશે. JNUના પ્રોફેસર સુરજિત મજુમદારએ જણાવ્યું હતું કે ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ દ્વારા કેન્દ્રીય સરકાર ઉચ્ચ શિક્ષણ સાથે સરકારી યુનિવર્સિટીઓનું ખાનગીકરણ કરવા ઈચ્છે છે. આ પંચ મારફતે નિયમન અને નાણાકીય વ્યવસ્થાપનના કાર્યને અલગ કરવાનો વિચાર છે. સરકાર એવું માળખું ઊભું કરવા માગે છે કે જેમાં ઉચ્ચ શિક્ષણ પર નિયંત્રણ તો રહે, પરંતુ આર્થિક જવાબદારી ન રહે.
દિલ્હી યુનિવર્સિટી (DU)ની કાર્યકારી પરિષદના પૂર્વ સભ્ય રાજેશ ઝાએ જણાવ્યું હતું કે અમે ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચનો જોરદાર વિરોધ કરીએ છીએ, કારણ કે આ સરકાર દ્વારા કોલેજો અને યુનિવર્સિટીઓના ખાનગીકરણ તરફનું પગલું છે. કોઈ પણ ક્ષેત્રમાં નિયમનકારી સંસ્થા લાવવાનો અર્થ જ ખાનગીકરણ તરફ લઈ જવાનો હોય છે. એ સાથે જ આ પંચ યુનિવર્સિટીઓને અનુદાન નહીં આપે.યુનિવર્સિટીઓને લોન અને વિદ્યાર્થીઓની ફી ઉપર નિર્ભર બનાવવામાં આવશે. આથી ગરીબ અને પછાત વર્ગ માટે ઉચ્ચ શિક્ષણ વધુ મોંઘું બનશે, જે સામાજિક ન્યાય અને સમાનતા પર ગંભીર ઘા છે.
અયોધ્યાઃ અયોધ્યાને દુલ્હનની જેવી સજાવવામાં આવી છે. અયોધ્યાસ્થિત રામ મંદિરના શિખર પર PM મોદી અને RSSપ્રમુખ મોહન ભાગવતે ધ્વજ ફરકાવ્યો હતો. એ પહેલાં બંનેએ રામ મંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. આ વિશેષ ધ્વજને અમદાવાદના શિલ્પકાર ભરત મેવાડે અનેક મહિનાઓની મહેનત અને બારીકીથી તૈયાર કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યાએ એક વધુ અધ્યાયને સ્વર્ણિમ અક્ષરોથી લખી દીધો છે. અનેક મહિનાઓની તૈયારી બાદ આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે.
મોદીએ કર્યો ‘રામ રાજ્ય’નો ઉલ્લેખ
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આનો ભગવા રંગ અને તેમાં રચિત સૂર્યવંશની ખ્યાતિ અને અંકિત કોવિદાર વૃક્ષ રામ રાજ્યની કૃતિનું પ્રતિબિંબ કરે છે. આ ધ્વજ સંકલ્પ, સફળતા અને સદીઓથી સપનાના સાકાર સ્વરૂપનું પ્રતીક છે.
आज अयोध्या नगरी भारत की सांस्कृतिक चेतना के एक और उत्कर्ष-बिंदु की साक्षी बन रही है। श्री राम जन्मभूमि मंदिर के शिखर ध्वजारोहण उत्सव का यह क्षण अद्वितीय और अलौकिक है। सियावर रामचंद्र की जय! https://t.co/4PPt0rEnZy
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સદીઓના ઘા હવે ભરી રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળ્યો છે. સદીઓનો સંકલ્પ આજે સિદ્ધિ સુધી પહોંચ્યો છે. આજે એ યજ્ઞની પૂર્ણાહુતિ છે, જેના અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી, જે યજ્ઞ એક પળ માટે પણ આસ્થાથી ડગ્યો નહીં, એક પળ માટે પણ વિશ્વાસમાંથી તૂટ્યો નહીં.
તેમણે કહ્યું હતું કે આજે અયોધ્યા નગરી ભારતની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્તમ ક્ષણની સાક્ષી બની રહી છે. આજે ભારત, સમગ્ર વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ, અપરંપાર કૃતજ્ઞતા અને અલૌકિક આનંદ છલકાય છે.
કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી – મોહન ભાગવત
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આજે કરોડો લોકોની આસ્થા સ્વીકારવામાં આવી છે. મંદિર નિર્માણ પૂર્ણ થયું છે.
નવા યુગની શરૂઆત – યોગી
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યા ધામમાં ભગવાન રામના ભવ્ય મંદિર પર ધ્વજારોહણ કોઈ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પરંતુ નવા યુગની શરૂઆત છે. આ પ્રસંગે રામભક્તોની તરફથી હું PM મોદીને આભાર માનું છું.
તેમણે કહ્યું હતું કે આ નવા યુગની શરૂઆત છે. PM નરેન્દ્ર મોદીનું ઉત્તરની પ્રજાની તરફથી સ્વાગત અને અભિનંદન કરું છું.આ ધ્વજની લંબાઈ 22 ફૂટ, પહોળાઈ 11 ફૂટ અને દંડ 42 ફૂટનો છે. તેને 161 ફૂટ ઊંચા શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. ધ્વજ પર ત્રણ વિશેષ ચિહ્નો અંકિત છે — સૂર્ય, ‘ૐ’ અને કોવિદાર. આ ધ્વજને સૂર્ય ભગવાનનું પ્રતીક પણ માનવામાં આવે છે.
અયોધ્યા બહુ સુંદર લાગી રહી છે – મહિલા શ્રદ્ધાળુ
રામ મંદિર દર્શન માટે અયોધ્યા પહોચેલી એક વૃદ્ધ ભક્તાએ કહ્યું હતું કે હું દર્શન કરવા જઈ રહી છું. આ બંને મને પકડીને ઊભી છે, એ મારી દીકરીઓ છે… અયોધ્યા આજે બહુ સુંદર લાગી રહી છે. હું ભગવાનનાં દર્શન કરવા જઈ રહી છું.
અમદાવાદ: બ્રહ્માકુમારી મહાદેવ નગર દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલિયન મિનિટ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આ યાત્રાનું આયોજન કરાયું હતું. જે 23 નવેમ્બરને રવિવારના રોજ સવારે 07:00 વાગ્યાથી શરૂ થઈ હતી. આ યાત્રામાં સેકડો બ્રહ્માકુમાર–બ્રહ્માકુમારી ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.વિશ્વમાં શાંતિમય અને સુખમય સંસારની રચના થાય તે મહાન હેતુસર સમગ્ર ગુજરાતમાં 5,000થી પણ વધારે શાંતિ યાત્રાઓનું આયોજન બ્રહ્માકુમારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. યાત્રાનો શુભારંભ બ્રહ્માકુમારી મહાદેવ નગરના ડાયરેક્ટર ચંદ્રિકા દીદી, રેડ ક્રોસના ચેરમેન અમિત દોષી, તેમજ બંકાઈ ગ્રુપના ડાયરેક્ટર અવની બ્રહ્મભટ્ટ દ્વારા લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો.આ શાંતિ યાત્રામાં જોડાયેલા તમામ સાધકોએ શક્તિશાળી શાંતિના પ્રકંપનો ફેલાવતા જીવનમાં આંતરિક શાંતિ, સકારાત્મકતા અને સમરસતા સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો હતો. પૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રાનું સમાપન થયું હતું.
અમદાવાદ: શાંતિગ્રામ વિસ્તારમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. જ્યાં જાણીતા લેખિકા અને પદ્મભૂષણથી પુરસ્કૃત સુધા મૂર્તિની પ્રેરક ઉપસ્થિતિમાં વાંચન અને વાર્તા કહેવાના શાળાના વાર્ષિક ઉપક્રમ બુકફ્લિક્સની ત્રીજી આવૃત્તિ ખુલ્લી મૂકવામાં આવી.. સુધા મૂર્તિ સમારોહના મુખ્ય અતિથી અને અધ્યક્ષપદે ખાસ હાજર રહ્યા હતા.આ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા અદાણી ઇન્ટરનેશનલ સ્કુલ( ADIS)ના પ્રયોજક નમ્રતા અદાણીએ ભારતભરના વાચકોની યુવા પેઢીને વાંચન પ્રત્યે પ્રેરણા આપવા બદલ સુધા મૂર્તિનો આભાર વ્યકત કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે “બુકફ્લિક્સના આરંભ અગાઉથી અમારી સ્કૂલનું કેમ્પસ વાર્તાઓ, સંવાદો, પુસ્તકોના આદાન-પ્રદાન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું છે. નીત નવી અજાયબીઓને પ્રેરણા આપવી, બાળકોના ચહેરાઓ ઉપર પ્રસન્નતા બની રહે તે માટે આનંદીત વાતાવરણ બનાવવા સાથે જીવન ઘડતરના મહત્વના મૂલ્યોને વધુ ઉંડાણથી તેઓને સમજાવવાની અમારી આશા છે આ બાબતો અમારા દ્રષ્ટિકોણને આકાર આપીને વિશ્વનો અર્થ સમજાવવામાં મદદ કરે છે.”
આ પ્રસંગે સુધા મૂર્તિએ કેમ્પસમાં 800 વિદ્યાર્થીઓના સમુદાયને સંબોધતા વાંચન, કલ્પના અને મૂલ્યો વિષે ઉંડાણથી સમજ આપી હતી.. આ સમયે યોજાયેલી વિશિષ્ટ પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ સુધા મૂર્તિને તેમના પુસ્તકો, લેખન પ્રક્રિયા અને જીવનના અનુભવો વિશે રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. બાળકો પ્રત્યેનો તેમનો સાલસ અને સરળ અભિગમ ઉપસ્થિત સહુ માટે મનભાવન બની રહયો હતો.
સુધા મૂર્તિએ ADIS વિદ્યાર્થીઓને શાળામાં મળતી દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે શાળાકીય અભ્યાસના અનુભવો “પાયાના પથ્થરો” છે, જે ભાવિની જીંદગીમાં “હીરા” માં પરિવર્તિત થાય છે. તેમણે બાળકોને બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે આજની અપાર પસંદગીઓ આવતીકાલની શક્તિઓને ઘડે છે. વિદ્યાર્થીઓના માતા-પિતા સાથે સંવાદ કરતા, તેમણે બાળકોને તેમના પોતાના માર્ગો પસંદ કરવાની સ્વતંત્રતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વાંચનને શિક્ષણના કેન્દ્રમાં રાખે છે તે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા.. જ્યારે બાળકો વાંચે છે, ત્યારે સહાનુભૂતિ, કલ્પનાશક્તિ અને જીવન માટેનો તેઓ મજબૂત પાયો બનાવે છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને દાદીમાની બેગ ઓફ સ્ટોરીઝ, ગોપી ડાયરીઝ, થ્રી થાઉઝન્ડ સ્ટીચ અને વાઈઝ એન્ડ અધરવાઈઝ જેવા પ્રિય શીર્ષકો પાછળના પ્રખ્યાત લેખકને મળવા માટે ભારે ઉત્સાહિત હતા. ટેલ્કોની પ્રથમ મહિલા એન્જિનિયર બનવાથી લઈને 25 વર્ષ સુધી આઇ.ટી. મેજર ઇન્ફોસિસ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરવા સુધીની તેમની સફર દેશભરના યુવા મનને પ્રેરણા આપે છે. હૃદયપૂર્વકના સંકેત તરીકે ADISના વિદ્યાર્થીઓએ સુધા મૂર્તિને ખાસ ક્યુરેટ કરેલા પુસ્તકો ભેટ આપ્યા હતા.27 નવેમ્બર સુધી ચાલનારો, બુકફ્લિક્સ ADIS કેમ્પસને વર્કશોપ, વાર્તા કહેવાના સત્રો, પાત્ર પ્રયોગશાળાઓ, સર્જનાત્મક લેખન સ્ટુડિયો અને લેખક-નેતૃત્વ ક્રિયાપ્રતિક્રિયાઓથી ભરેલા જીવંત સાહિત્યિક ક્ષેત્રમાં પરિવર્તિત કરનાર બની રહેશે. આ ઉત્સવ આત્મવિશ્વાસપૂર્વક, જિજ્ઞાસુ અને દયાળુભાવ સાથે જીવનભર શીખનારાઓને ઉછેરવાના શાળાના મિશનને મજબૂત બનાવે છે. બુકફ્લિક્સ 2025 ખુલ્લો મૂકવાની ઘોષણા કરતા નમ્રતા અદાણીએ કહ્યું, “વાંચનનો આનંદ, વાર્તાઓનો જાદુ અને સર્જનાત્મકતાની શક્તિને પ્રભુત્વ આપવા દો.”
નવી દિલ્હીઃ પાકિસ્તાને અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં રાતોરાત એર સ્ટ્રાઇક અને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાને ડ્યુરન્ડ રેખા નજીક તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને તેના ગઠબંધન જૂથ જમાત-ઉલ-અહેરારનાં શંકાસ્પદ સ્થાનોને નિશાન બનાવ્યાં હતાં. કૂનર, પાક્તિકા અને ખોસ્ટ પ્રાંતોમાં થયેલી આ સ્ટ્રાઇક્સને લઈને તાલિબાન પ્રશાસનમાં ભારે ગુસ્સો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
હવાઈ હુમલાથી ભારે નુકસાન
આ ઓપરેશન મુખ્યત્વે પાક્તિકા પ્રાંતના બર્મલ વિસ્તારમાં કેન્દ્રિત હતું, જેને જમાત-ઉલ-અહેરારના આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે. ડ્રોન હુમલાઓએ એક ગેસ્ટ હાઉસ (‘હુજરા’) નજીક ઊભેલા વાહનને નિશાન બનાવ્યું હતું. બર્મલના સ્થાનિક લોકો કહે છે કે મધરાત બાદ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. આ એ જ વિસ્તાર છે જ્યાં 2022માં ભૂતપૂર્વ TTP નેતા ઉમર ખાલિદ ખુરાસાની માર્યા ગયા હતા.
તાલિબાન પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા મુજબ ખોસ્ટ પ્રાંતમાં થયેલા હુમલામાં નવ બાળકો અને એક સ્ત્રી સહિત 10 નાગરિકો માર્યા ગયા હતા. મુજાહિદે વધુમાં જણાવ્યું કે કૂનર અને પાક્તિકા પ્રાંતોમાં થયેલા હુમલામાં અન્ય 4 નાગરિકો ઘાયલ થયા છે.
અફઘાન ટોચના નેતૃત્વના ઇશારે પાકિસ્તાનમાં થઈ રહ્યા છે હુમલા
પાકિસ્તાને તાજેતરમાં એવો આરોપ લગાવ્યો છે કે અફઘાનિસ્તાનની જમીન પરથી કાર્યરત આતંકવાદીઓ દ્વારા હુમલાની શ્રેણી ચલાવવામાં આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં. ઇસ્લામાબાદે આ હુમલાખોરોને અફઘાનિસ્તાનના ટોચના કમાન્ડર્સ દ્વારા માર્ગદર્શન મળ્યું હોવાનું જણાવ્યું હતું.
બન્ને દેશો વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. ઓક્ટોબરમાં બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદે ગોળીબારી થઈ હતી, ત્યાર બાદ યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું હતું, જે સતત દબાણમાં રહ્યું છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરાયેલી આ એર સ્ટ્રાઈક્સ પેશાવરમાં થયેલા બે આત્મઘાતી વિસ્ફોટોના તરત બાદ કરવામાં આવી હતી, જેમાં ત્રણ અર્ધસૈનિક કર્મચારીઓનાં મોત થયાં હતાં.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન (SIR)ને લઈને વિરોધ વધી રહ્યો છે. રાજ્યમાં SIR પ્રક્રિયાના વિરોધમાં અવાજ ઉઠાવવા પ્રદર્શનકારીઓ કોલકાતાસ્થિત ચૂંટણી પંચની ઓફિસ બહાર ભેગા થયા હતા. જેને કારણે ત્યાં તણાવનું વાતાવરણ સર્જાયું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પોલીસે કચેરીની બહાર બેરિકેડિંગ કરી હતી.
આ પ્રદર્શનકારીઓએ ઓફિસને ચારેય બાજુથી ઘેરી લીધી અને SIR વિશે સ્પષ્ટીકરણ આપવાની માગ કરી હતી. શિક્ષક સહિત અનેક પ્રદર્શનકારીઓએ ઝડપથી ચાલી રહેલી SIR પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી હતી.
SIR પર સ્પષ્ટીકરણની માગ
હું શિક્ષક છું અને મુર્શિદાબાદથી છું. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા પૂરી કરવા માટે બે વર્ષ લાગે છે, પરંતુ તે બે મહિનામાં કરવામાં આવી રહી છે. બિહારમાં લાખો મતદારોને યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. એ જ કાવતરું બંગાળમાં પણ થઈ રહ્યું છે. અહીં હજારો BLO આવ્યા છે, અમે કાલે ફરી આવીશું. જ્યાં સુધી જવાબ નહિ મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી, એમ એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું.
પ્રદર્શનમાં TMCના ગુંડા સામેલ – BJP નો આક્ષેપ
એક અન્ય પ્રદર્શનકારીએ કહ્યું હતું કે હું શિક્ષક છું પણ BLO નથી. BLOના સમર્થનમાં અહીં આવ્યા છીએ. અમે ચૂંટણી પંચના અધિકારીઓને મળવા માગીએ છીએ. અમારા પ્રતિનિધિ ઓફિસની અંદર છે. જ્યાં સુધી અધિકારીઓ અમારી મુલાકાત નહિ લે, ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે.
એ જ સમયે ઉત્તર કોલકાતા જિલ્લાના BJP અધ્યક્ષ તમોઘના ઘોષે આક્ષેપ કર્યો હતો કે TMCના કેટલાક ‘ગુંડાઓ ઓફિસમાં ઘૂસવા માગે છે અને હંગામો સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે. BLO અધિકાર રક્ષા સમિતિએ જણાવ્યું કે તેઓ ચૂંટણી પંચને પ્રશ્નો રજૂ કરશે. સમિતિએ આક્ષેપ કર્યો કે SIRની શરૂઆત પછી રાજ્યમાં BLO અભૂતપૂર્વ અને અમાનવીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.
સમિતિએ કહ્યું કે તેઓ ઉત્તર કોલકાતાના કોલેજ ચોકથી લઈને મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની ઓફિસ સુધી માર્ચ કાઢશે અને તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરશે. પેરા-ટીચરો, કોલેજ પ્રોફેસરો અને વિવિધ શિક્ષક સંગઠનો પણ સમર્થનમાં જોડાશે.
કર્મના સિદ્ધાંતની વાત આ કહેવત કરે છે. જીવનનું નામ ચાલતા રહેવું, પોતાનું કર્મ સતત કરતા રહેવું એવું છે.
એ કર્મમાંથી મુક્ત થઈ જાવ એટલે કાં તો નિરાશા આવે કાં તો વૈરાગ્ય. સંસારમાં રહીને પણ જીવનના અંત સુધી કામ કર્યે રાખવું એ બોધ આ કહેવત આપે છે.
એટલું જ નહીં પણ પોતાનું કામ કરવું એમાં ગૌરવ માનવું અને એમાં સર્વોત્કૃષ્ટતા લાવવી એ ધ્યેયથી ‘સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ:’નો મંત્ર હ્રદયસ્થ કરી સમજી લો.
જીવનભર હસતા રમતા રહેવું હોય તો દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)