Home Blog Page 44

ડીઝલની અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

છેલ્લા કેટલાક દિવસોથી દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાંથી પેટ્રોલ પંપો પર વાહનોની અસામાન્ય ભીડ અને લાંબી કતારોની ખબરો સામે આવી રહી હતી. બજારમાં ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં એવો ડર પેસી ગયો હતો કે આગામી દિવસોમાં ડીઝલ અને પેટ્રોલની ભારે કટોકટી સર્જાઈ શકે છે. આ જ ગભરાટના માર્યા લોકો જરૂરિયાત કરતાં વધુ ઇંધણ ખરીદવા લાગ્યા, જેના કારણે ડીઝલની સ્થાનિક માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો. હવે આ ગંભીર મુદ્દા પર કેન્દ્ર સરકારે પોતે સામે આવીને વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે, જે સામાન્ય જનતા માટે મોટી રાહતના સમાચાર છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (Ministry of Petroleum and Natural Gas) દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને દેશને ખાતરી આપવામાં આવી છે કે ઇંધણનો ભંડાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે તેઓ ‘પૅનિક બાઇંગ’ (Panic Buying) એટલે કે ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી કરવાનું બંધ કરે, કારણ કે દેશમાં ઉત્પાદન માંગ કરતા ઘણું વધારે છે.

ડીઝલના ઉત્પાદન અને વપરાશના વાસ્તવિક આંકડા

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ દેશમાં ડીઝલના વાસ્તવિક ઉત્પાદન અને તેની ચોક્કસ વપરાશના સત્તાવાર આંકડા મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે વિગતો આપતા જણાવ્યું કે, ગયા મહિને એટલે કે April માં ભારતે કુલ 10 Million Metric Ton (MMT) ડીઝલનું રેકોર્ડ ઉત્પાદન કર્યું હતું. તેની સરખામણીમાં આખા દેશમાં ડીઝલનો કુલ માસિક વપરાશ માત્ર 8 Million Metric Ton (MMT) ની આસપાસ નોંધાયો હતો. આ સરકારી આંકડા પરથી સ્પષ્ટ થઈ જાય છે કે દેશમાં જરૂરિયાત કરતા આશરે 2 MMT જેટલું વધુ ડીઝલ ઓલરેડી તૈયાર કરવામાં આવ્યું છે. તેથી દેશમાં ઇંધણની કોઈ જ અછત નથી અને અછત હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે.

કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપ? જાણો અસલી ટેકનિકલ કારણ

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરના તમામ રિટેલ આઉટલેટ્સ પર ડીઝલનો પૂરતો સ્ટોક મોજૂદ છે. જોકે, સોશિયલ મીડિયા અને બજારની અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ પંપો પર ખરીદદારોની સંખ્યામાં અચાનક 20 થી 25% નો જંગી વધારો થયો છે. સામાન્ય વ્યવસ્થા હેઠળ, દરેક પેટ્રોલ પંપ પાસે હંમેશા 2 થી 3 days નો એડવાન્સ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક રિઝર્વ રાખવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે લોકો ગભરાઈને પોતાની ગાડીઓની ટાંકીઓ ફૂલ કરાવવા લાગે છે અથવા વધારાના કેન ભરીને સંગ્રહ કરવા લાગે છે, ત્યારે આ અણધારી માંગને કારણે ઓઈલ ટેન્કરોના ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈન પર અતિશય દબાણ આવે છે. પંપ પર નવો જથ્થો પહોંચે તે દરમિયાન અસ્થાયી રૂપે તેલ ખલાસ થઈ ગયું હોવાનું દેખાય છે. આથી જ સરકારે લોકોને સંયમ જાળવવા વિનંતી કરી છે.

LPG (રાંધણ ગેસ) ના પુરવઠા પર સરકારની ચોખવટ

ઘરગથ્થુ રાંધણ ગેસ એટલે કે એલપીજી (LPG) ની સપ્લાય અંગે પણ સંયુક્ત સચિવે મહત્વની માહિતી શેર કરી હતી. તેમણે સ્વીકાર્યું કે ભારત પોતાની એલપીજી જરૂરિયાતો માટે મોટાભાગે વૈશ્વિક આયાત પર નિર્ભર છે અને દેશના કુલ વપરાશના આશરે 60% જેટલો હિસ્સો વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે. જોકે, આયાત પર આટલી મોટી નિર્ભરતા હોવા છતાં, કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે એવા મજબૂત પુરવઠાના પ્રબંધો કર્યા છે કે સ્થાનિક ગ્રાહકોને સિલિન્ડર મેળવવામાં કોઈ મુશ્કેલી કે અછતનો સામનો કરવો નહીં પડે.

પેટ્રોલિયમ મંત્રાલય અને દેશની અગ્રણી તેલ કંપનીઓએ સાફ કર્યું છે કે દેશના ખૂણે-ખૂણા સુધી ઇંધણની સપ્લાય અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. નાગરિકોએ કોઈ પણ પ્રકારની ભ્રામક ખબરો પર ધ્યાન આપવાની જરૂર નથી અને પોતાના સામાન્ય દિવસોની જેમ જ નિયમિત ખરીદી કરવી જોઈએ.

ચારૂસેટની પૂજા રામાણીની વૈશ્વિક સિદ્ધિ, એમેઝોનમાં ₹46.38 લાખનું બમ્પર પેકેજ

ચાંગા: ચારૂસેટ (Charusat) યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની (Student)ની સફળતાનો ડંકો વૈશ્વિક સ્તરે વાગ્યો છે. પૂજા રામાણી ચંદુભાઈ એસ. પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (CSPIT) ના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરે છે. પૂજાને વિશ્વની પ્રતિષ્ઠિત ટેકનોલોજી કંપની એમેઝોન (Amazon) તરફથી વાર્ષિક રૂ. 46.38 લાખના આકર્ષક પેકેજ સાથે ફૂલ-ટાઇમ જોબની ઓફર મળી છે. મૂળ સુરતના રહેવાસી મહેશભાઈ રામાણી અને ગીતાબેન રામાણીની પુત્રી પૂજા રામાણી (Pooja Ramani) એ પોતાની આ સફળતાનો શ્રેય સખત પરિશ્રમ, સાતત્ય અને યુનિવર્સિટીના પ્રોત્સાહક વાતાવરણને આપ્યો છે.

પૂજાએ કોલેજના બીજા વર્ષમાં જ એમેઝોન ચેન્નાઈમાં 2 મહિનાની ઇન્ટર્નશિપ મેળવી હતી. સારા પ્રદર્શનને આધારે ત્રીજા વર્ષમાં ફરીથી 6 મહિનાની રીટર્ન ઇન્ટર્નશિપ માટે તેની પસંદગી થઈ હતી. આ ઇન્ટર્નશિપ દરમિયાન એમેઝોનની કોર ટીમ સાથે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોલ્યુશન્સ પર સફળતાપૂર્વક કામ કર્યા બાદ કંપની દ્વારા તેને આ પ્લેસમેન્ટ ઓફર કરવામાં આવ્યું છે.

પૂજા રામાણી માત્ર અભ્યાસમાં જ નહીં, પરંતુ અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય રહી છે. તેણે AI/ML (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ) પર અનેક રિસર્ચ પેપર્સ તૈયાર કર્યા છે. રોબોટિક્સ સ્પર્ધાઓ, રાષ્ટ્રીય કક્ષાની હેકાથોન અને ઈનોવેશન પ્રોજેક્ટ્સમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. યુનિવર્સિટી લેવલ સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્ય તરીકે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગનું પ્રતિનિધિત્વ કરીને પોતાની લીડરશિપ અને મેનેજમેન્ટ સ્કીલ્સનો પરિચય આપ્યો છે.

પૂજા કહ્યું કે આ સિદ્ધિ મારા જીવનના નવા અધ્યાયની શરૂઆત છે. હું મારા માતા-પિતા, પરિવારની આભારી છું. મારી ઇન્ટર્નશિપ દરમિયાન CSPITના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ અને ચારૂસેટ યુનીવર્સીટી તરફથી મને ખૂબ સહકાર અને પ્રોત્સાહન મળ્યું હતું. તમામ ફેકલ્ટિ મેમ્બર્સ હંમેશા supportive અને motivate કરતા રહ્યા છે. તેમણે મારા માટે ઓનલાઈન કલાસીસ પણ શિડયુઅલ કરી આપ્યા, જેથી હું ઇન્ટર્નશીપ અને એકેડેમિક્સ બંને સારી રીતે મેનેજ કરી શકી. ખાસ કરીને પ્રિન્સીપાલ ડો. તૃષિત ઉપાધ્યાય અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વડા ડો. નિકિતા ભટ્ટની આભારી છું, જેમણે મને એમેઝોનમાં ઇન્ટર્નશીપ કરવા કોલેજ તરફથી NOC આપી અને સતત guidance, encouragement અને support આપ્યો. તેમના સહકારના કારણે જ હું મારી ઇન્ટર્નશીપ અને એકેડેમિક્સ સફળતાપૂર્વક આગળ વધારી શકી. અહીં મળેલા સતત માર્ગદર્શન અને રિસર્ચ પ્રવૃત્તિઓના પ્રોત્સાહનને કારણે જ મારો આત્મવિશ્વાસ વધ્યો છે. ટેક્નોલોજીના માધ્યમથી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવો એ જ મારો આગામી ધ્યેય છે.

પૂજાની આ સિદ્ધિ બદલ ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ, ડીન, પ્રિન્સિપાલ અને તમામ ફેકલ્ટિ સભ્યોએ તેને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પૂજાની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પોતાના સપના સાકાર કરવા માટે એક મોટી પ્રેરણા બનશે. પૂજાની સફળતાની સફર સ્પષ્ટ લક્ષ્ય, સતત સમર્પણ અને અવિરત મહેનતનું પ્રતિબિંબ છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડમાં એમેઝોન જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ થવું ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ છે, જે પ્રતિભા, ધીરજ અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

સરકારના મંત્રીમંડળના ફેરબદલની અટકળો, શું બંગાળને મળશે વધુ હિસ્સેદારી?

નવી દિલ્હીઃ આશરે એક વર્ષ પછી મોદી સરકારની મંત્રી પરિષદની બેઠક યોજવામાં આવી રહી છે. વડા પ્રધાન  નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસથી પરત ફરતા જ ગુરુવારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપની આગેવાની હેઠળની NDA સરકારની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે અને મંત્રીઓના કામકાજનું મૂલ્યાંકન પણ થશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને ઓઇલ તથા ગેસના સપ્લાયમાં અછતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગામી વર્ષો માટે નવો રોડમેપ અને એજન્ડા તૈયાર કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભવિષ્યના પડકારો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંત્રી પરિષદમાં ફેરફાર અને વિસ્તરણની શક્યતા નકારી શકાય નહીં.

મોદી સરકારમાં હાલમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી

મંત્રી પરિષદની આ બેઠક સેવા તીર્થ ખાતે યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી કેબિનેટમાં હાલમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્ય મંત્રી અને પાંચ સ્વતંત્ર પ્રભારવાળા મંત્રીઓ છે. અહેવાલો અનુસાર બેઠકમાં સરકાર અને દરેક મંત્રાલયના કામકાજની સમીક્ષા કરવામાં આવશે. મંત્રાલયોને સરકારી યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે પણ સૂચના આપવામાં આવી શકે છે.

 કેબિનેટમાં બંગાળની ભાગીદારી વધવાની શક્યતા

કેન્દ્રમાં NDAની સરકાર સતત ત્રીજી વખત સત્તામાં છે અને આગામી વર્ષે સરકાર પોતાનો અડધો કાર્યકાળ પૂર્ણ કરશે. આને ધ્યાનમાં રાખીને મંત્રી પરિષદમાં થોડો ફેરફાર થઈ શકે છે. સૂત્રોના કહેવા મુજબ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ મોદી કેબિનેટમાં આ રાજ્યની ભાગીદારી વધારી શકાય છે. એ ઉપરાંત, આગામી વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી વ્યૂહરચના ભાગરૂપે આ રાજ્યોમાંથી આવતા સાંસદોને મંત્રી બનાવવામાં આવી શકે છે. હાલમાં NDA સરકારમાં બિહારમાંથી આવતા મંત્રીઓની સંખ્યા આઠ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાંથી માત્ર બે મંત્રી છે.

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ક્યાં પડવાનો છે બે દિવસ વરસાદ?

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન (Temperature) 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ (Weather)દ્વારા 21 મેના રોજ આગામી સાત દિવસનું સત્તાવાર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, આગામી 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ (Rain) ની અથવા ઝાપટાં પડવાની સંભાવના છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વરસાદી માહોલ માત્ર ગણતરીના જિલ્લા પૂરતો જ સીમિત રહેશે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભેજ વધવાને કારણે આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં નવસારી, વલસાડ, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર (Saurastra) ના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 22 મેથી વાતાવરણ પલટાશે. હવામાન વિભાગ મુજબ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં અમરેલી અને ગીર સોમનાથના લોકોને થોડી રાહત મળશે. આ જિલ્લાઓમાં 22 મેથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભાવનગર જિલ્લામાં 23 મેના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

અભિષેક બેનર્જીના ‘ગોડફાધર’ નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ

કલકત્તાઃ હાઈકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ પોલીસને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજી વિરુદ્ધ 31 જુલાઈ સુધી કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો છે. આ સ્ટે ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી સભા દરમિયાન કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓ સંબંધિત નોંધાયેલી FIR મામલે આપવામાં આવી છે. જસ્ટિસ સૌગતા ભટ્ટાચાર્યે કહ્યું હતું કે આ વચગાળા સુરક્ષા એ શરતે આપવામાં આવી રહી છે કે અભિષેક બેનર્જી પોલીસ તપાસમાં સહકાર આપશે.

કોર્ટે આદેશ આપતાં કહ્યું હતું કે આ તબક્કે કોર્ટ પોલીસને નિર્દેશ આપે છે કે તે અરજદાર (બેનર્જી) સામે 31 જુલાઈ સુધી કોઈ પણ દંડાત્મક કાર્યવાહી ન કરે. જોકે અરજદારે તપાસમાં સહકાર આપવો પડશે. જો અરજદાર સહકાર નહીં આપે તો સંબંધિત રાજ્ય પ્રતિવાદીઓને કોર્ટનો સંપર્ક કરવાની છૂટ રહેશે.

અભિષેક બેનર્જી વિદેશ નહીં જાય – હાઈકોર્ટ

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અભિષેક બેનર્જી કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને જઈ શકશે નહીં. કોર્ટે વધુમાં કહ્યું હતું કે અરજદારે (પોલીસ) નોટિસોનું પાલન કરવું પડશે. અરજદારને ઓછામાં ઓછા 48 કલાકનો સમય આપીને નોટિસ આપવામાં આવશે. તાજેતરમાં પૂર્ણ થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી સભાઓમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને બેનર્જી સામે નોંધાયેલા ફોજદારી કેસને રદ કરવાની અરજી પર કોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો હતો.

ફરિયાદકર્તાએ બેનર્જી પર વિરોધી પક્ષના કાર્યકરોને નિશાન બનાવી ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો અને ગૃહ મંત્રી અમિત શાહને ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે હું જોઈશ કે ચોથી મેએ તેમને બચાવવા કોણ આવે છે. હું જોઈશ કે દિલ્હીમાંથી કયો ગોડફાધર (કથિત રીતે અમિત શાહનો ઉલ્લેખ કરતાં) તેમની મદદ માટે આવે છે.

કોર્ટે બેનર્જીની ટિપ્પણીઓની આકરી ટીકા કરી

કોર્ટે વકીલને સવાલ કરતાં કહ્યું હતું કે આવાં નિવેદનો શા માટે આપવામાં આવ્યાં? ચૂંટણી પહેલાં આવાં બેદરકારીભર્યાં નિવેદનો શા માટે આપવામાં આવ્યાં? આ રાજ્યનો ઈતિહાસ કાળો રહ્યો છે. ચૂંટણી બાદ હિંસા થઈ હતી. મિડિયામાં પણ દરેક જગ્યાએ આ બતાવવામાં આવ્યું હતું. શું આ અરજદાર (અભિષેક બેનર્જી)ના રાજકીય પક્ષના મહાસચિવ તરીકેના પદને અનુરૂપ છે?

એક્ટર મોટો કલાકાર નીકળ્યો, હત્યાના આરોપમાં 12 વર્ષથી હતો ફરાર

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ (Crime Brnach) દ્વારા ધરપકડ કરવામાં આવેલા એક આરોપીની (કહાની તો ખરેખર ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી રસપ્રદ નીકળી. હત્યાના આરોપમાં આજીવન કેદની સજાનો પાકો કેદી છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. સૌથી રસપ્રદ વાત એ હતી કે આ આરોપી પોલીની નજરોની સામે હતો, તો પણ પોલીસ તેને આટલાં વર્ષોથી પકડી શકી નહીં. હેમંત મોદી નામનો આ આરોપી પોતાની અસલ ઓળખ છુપાવીને મુંબઈમાં અભિનેતા તરીકે કાર્યરત હતો. વર્ષ 2005માં કરી હતી હત્યા

આ સમગ્ર ગુનાઈત મામલાની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી. જ્યારે હેમંત મોદીએ નરોડા વિસ્તારમાં એક ઘાતકી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતા તેને મહેસાણા જેલમાં મોકલી અપાયો હતો. જેલવાસ દરમિયાન માનસિક રીતે તૂટી ગયેલા હેમંતે પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા. કારણ કે તેને લાગતું હતું કે હવે તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પૂરી થઈ જશે. 2014માં તેને કોર્ટ તરફથી પેરોલ મળ્યા હતા. જેલની બહાર આવતાં જ તેણે પાછા ફરવાને બદલે કાયમ માટે ગાયબ થઈ જવાનો પ્લાન બનાવ્યો.

મુંબઈમાં ઓળખ છુપાવીને ‘અભિનેતા’ બન્યો

પેરોલ જમ્પ કરીને ભાગ્યા બાદ હેમંત સીધો મુંબઈ પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાનો લોહિયાળ ભૂતકાળ છુપાવીને એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર તરીકે નાટકો અને ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે પોતાની ઓળખ ‘સ્પંદન મોદી’ તરીકે સ્થાપિત કરી. ઈન્ટરનેટ ડેટા બેઝમાં પણ તેણે કરેલી ફિલ્મોમાં આ જ નામની ક્રેડિટ અપાઈ હોવાનું જોવા મળે છે. 

નવાઈની વાત એ છે કે, જે પોલીસ રેકોર્ડમાં તે એક મોટો વોન્ટેડ ગુનેગાર હતો, તે જ સમયે તે મોટા પડદા પર બોલિવૂડની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘53મું પાનું’  જેવી ફિલ્મોમાં રણવીર સિંહ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કરી રહ્યો હતો. આ ઉપરાંત અનેક હિન્દી સીરિયલો અને નાટકોમાં પણ નાની-મોટી ભૂમિકાઓ કરી. આશ્ચર્યની વાત એ છે કે, આ દરમિયાન તેણે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ કોઈને ખબર ન પડી કે, આ શખસ ગંભીર ગુનામાં ફરાર ગુનેગાર છે.

ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસે ક્રાઈમ બ્રાન્ચે ગોઠવી જાળ

લાંબા સમયથી ગુમ થયેલો આ કેદી અમદાવાદમાં જ ક્યાંક છુપાયો હોવાની અને કોઈને મળવા આવવાનો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેઇલન્સ ગોઠવ્યું અને તેના જૂના સંપર્કોની કડીઓ જોડીને વોચ રાખવાનું શરૂ કર્યું હતું. આખરે ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીક ક્રાઈમ બ્રાન્ચે ગોઠવેલી જાળમાં હેમંત મોદી આબાદ ફસાઈ ગયો હતો. તે ઝડપાયો ત્યારે પણ તેણે ‘અભિનય કળા’ના જોરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આ કારીગરી ચાલી નહીં અને તેણે પોલીસ સમક્ષ તમામ કબૂલાત કરી લીધી. હવે પોલીસે તેને ફરી જેલ ભેગો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

શું EPS-95 પેન્શનધારકોને મે, 2026થી મળશે રૂ. 7500?

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા અને વોટ્સએપ ગ્રુપ્સ પર છેલ્લા બે દિવસથી એક કથિત સરકારી પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રને કારણે દેશના લાખો પેન્શનરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વાયરલ પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રમ અને રોજગાર મંત્રાલયે એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS-95) હેઠળ મળતી ન્યૂનતમ માસિક પેન્શન સીધું વધારીને રૂ. 7500 કરી દીધું છે. 

આ સમાચાર ફેલાતા જ પેન્શનરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી, પરંતુ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતે સામે આવીને આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. EPFOએ પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી આ પત્રને સંપૂર્ણપણે ‘ફેક’ ગણાવ્યો છે અને પેન્શનધારકોને આવી અફવાઓથી સાવચેત રહેવાની સલાહ આપી છે।

 વાયરલ પત્રમાં શો દાવો કરવામાં આવ્યો હતો?

ઇન્ટરનેટ પર ફરી રહેલા આ નકલી સર્ક્યુલરને સાચો દેખાડવા માટે તેમાં સરકારી લેટરહેડ અને નકલી સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે EPS-95 હેઠળનું ન્યૂનતમ પેન્શન વધારીને રૂ. 7500 પ્રતિ મહિના કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુધારેલો નિયમ 30 એપ્રિલ, 2026થી દેશમાં અમલમાં આવશે અને તમામ પાત્ર પેન્શનરોને 1 મે, 2026થી વધારેલું પેન્શન મળવાની શરૂઆત થશે.

EPFOએ સત્તાવાર નિવેદન જાહેર કરતાં સોશિયલ મિડિયા પર આ નોટિફિકેશનની તસવીર શેર કરી અને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે ધ્યાન આપો, ન્યૂનતમ EPS પેન્શનમાં વધારો અંગે જે પત્ર ફરતો કરવામાં આવી રહ્યો છે, તે સંપૂર્ણપણે નકલી છે.

 હાલમાં કેટલું મળે છે ન્યૂનતમ પેન્શન?

હાલના નિયમો અનુસાર સંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને EPS-95 હેઠળ ન્યૂનતમ ગેરંટી પેન્શન તરીકે રૂ. 1000 પ્રતિ મહિના મળે છે. સરકારે આ ન્યૂનતમ મર્યાદા 1 સપ્ટેમ્બર, 2014થી લાગુ કરી હતી અને ત્યારથી અત્યાર સુધી તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પેન્શનરો લાંબા સમયથી આ રકમ વધારવાની માગ કરી રહ્યા છે, પરંતુ હાલમાં તે હજુ પણ રૂ. 1000 પર જ યથાવત્ છે.

અમદાવાદમાં BRTS બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

અમદાવાદ: શહેરમાં રાણીપ (Ranip) વિસ્તારમાં આવેલી D-Mart પાસે BRTS બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત (accident) થયો છે. સ્પીડમાં આવી રહેલી BRTS બસે બાઈકને જોરદાર ટક્કર મારતા ચાલક અને અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ભયાનક અકસ્માત

બી.આર.ટી.એસ. (BRTS) બસ અને બાઈક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે આસપાસ ઉભેલા લોકો પણ ધડાકો સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. બસની સ્પીડ વધારે હોવાના કારણે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા.

અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર

દુર્ઘટના સર્જાયા બાદ તરત જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેના કારણે રોડ પર મોટા પ્રમાણમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાના ડરથી હોબાળો મચતા જ બસ ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો અને પછી પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.

108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

સ્થાનિક લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ અને ભારે રક્તસ્ત્રાવ થયો હોવાથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો.

પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનમાં ઠાર

ભારત વિરૂદ્ધ કાવતરાં ઘડતા આતંકવાદીઓ માટે પાકિસ્તાનની ધરતી હવે સેફ ઝોન નથી રહી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા સૈન્ય કાફલા પરના આત્મઘાતી હુમલાના મુખ્ય માસ્ટરમાઈન્ડ અને વોન્ટેડ આતંકી હમઝા બુરહાનને પાકિસ્તાનમાં જ યમસદન પહોંચાડી દેવામાં આવ્યો છે. ડિફેન્સ સૂત્રો પાસેથી મળતી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના મુઝફ્ફરાબાદમાં કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ આતંકી હમઝા બુરહાન પર ઘાતક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના ત્યારે બની જ્યારે હમઝા બુરહાન પીઓકે સ્થિત પોતાની હાઈ-સિક્યોરિટી ઓફિસમાં બેઠો હતો. એ જ સમયે અચાનક હથિયારધારી અજ્ઞાત હુમલાખોરો ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ કંઈ સમજે તે પહેલા જ હમઝા પર ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. અસંખ્ય ગોળીઓ વાગવાને કારણે આ ખુંખાર આતંકી ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

પુલવામાનો જ વતની હતો, 2017 માં પાકિસ્તાન ભાગી ગયો હતો

ચોંકાવનારી બાબત એ છે કે હમઝા બુરહાન મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી હતો. વર્ષ 2017 માં તે સ્થાનિક સ્તરે આતંકવાદી પ્રવૃત્તિઓમાં લિપ્ત થયો હતો અને ત્યારબાદ ભારતીય સુરક્ષા દળોથી બચવા માટે સરહદ પાર કરીને પાકિસ્તાન ભાગી ગયો હતો.

પાકિસ્તાન ગયા બાદ તેણે ત્યાં પોતાનું એક નવું સેટઅપ ઊભું કર્યું હતું. સ્થાનિક સ્તરે કાયદાકીય એજન્સીઓથી બચવા માટે તે પોતાને એક નિર્દોષ ‘શિક્ષક’ (ટીચર) તરીકે ઓળખાવતો હતો. પરંતુ આ પડદા પાછળ તેનો અસલી ચહેરો આતંકવાદનો જ હતો. તે 2019 ના પુલવામા હુમલા પછી પણ સતત ભારત વિરૂદ્ધની અનેક આતંકી ઘટનાઓમાં સક્રિય રીતે સામેલ રહ્યો હતો. તે પીઓકેના અલગ-અલગ કેમ્પમાં નવા આતંકીઓને હથિયાર ચલાવવાની અને બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ આપતો હતો તેમજ સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનું નેટવર્ક સંભાળતો હતો.

ISI એ આપી હતી ‘સ્પેશિયલ સિક્યોરિટી’ અને ઓફિસ

હમઝા બુરહાન આતંકી સંગઠનોમાં ‘ડોક્ટર’ ના કોડનેમથી પણ જાણીતો હતો. તે માત્ર હુમલાના પ્લાનિંગ જ નહોતો કરતો, પરંતુ કાશ્મીરી યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમનું બ્રેઈનવોશ કરવાનું અને તેમને કટ્ટરપંથના રસ્તે ધકેલવાનું મુખ્ય કામ કરતો હતો. ભારત વિરૂદ્ધ તેના આ કાળા કારનામાને કારણે જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI તેની પર ઓળઘોળ હતી. ISI એ જ તેને મુઝફ્ફરાબાદમાં એક સુસજ્જ ઓફિસ પૂરી પાડી હતી અને તેની સુરક્ષા માટે ચોવીસેય કલાક AK-47 રાઈફલ સાથેના ખાસ કમાન્ડો અને ગનર્સ તૈનાત રાખ્યા હતા. છતાં પણ અજ્ઞાત હુમલાખોરો આ કડક સુરક્ષાચક્રને ભેદીને તેની ઓફિસમાં ઘૂસ્યા અને તેનું ધી એન્ડ કરી નાખ્યું.

પુલવામા હુમલો અને ભારતનો ઐતિહાસિક બદલો

ઉલ્લેખનીય છે કે, 14 February 2019 ના રોજ બપોરે આશરે 3:15 PM વાગ્યે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભારતનો અત્યાર સુધીનો સૌથી ઘાતક આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી અને સ્થાનિક યુવક આદિલ અહમદ ડારે આશરે 300-350 kg (કિલોગ્રામ) વિસ્ફોટકો (IED) થી ભરેલી સ્કોર્પિયો એસયુવી કારને સીધી જ CRPF ના કાફલાની બસ સાથે અથડાવી દીધી હતી.

આ ભયાનક આત્મઘાતી વિસ્ફોટમાં ભારતના 40 CRPF જવાનો શહીદ થયા હતા અને અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વર્ષ 1989 પછી કાશ્મીરમાં સુરક્ષા દળો પર થયેલો આ સૌથી મોટો હુમલો હતો, જેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

આ કાયરતાપૂર્ણ હુમલાના બરાબર 12 days (12 દિવસ) બાદ, એટલે કે 26 February 2019 ના રોજ ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ રાતના અંધકારમાં પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ટ્રેનિંગ કેમ્પ પર સર્જિકલ એર સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશન બાલાકોટમાં ભારતે સેંકડો આતંકીઓનો સફાયો કરીને પુલવામાના શહીદોનો બદલો લીધો હતો. હવે તે જ હુમલાના બાકી રહેલા માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાનનો પાકિસ્તાનની અંદર જ અંત આવતા ભારતના પરિવારોને મોટી શાંતિ મળી છે.

Ebola વાયરસનો કાળોકેર: ભારત સરકાર એક્શન મોડમાં

વિશ્વભરમાં ફરી એકવાર જીવલેણ વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. આફ્રિકાના મધ્ય અને પશ્ચિમ દેશોમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલા અને જીવલેણ સાબિત થઈ રહેલા ઇબોલા વાયરસ (Ebola Virus) ને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વૈશ્વિક સ્તરે હેલ્થ ઇમરજન્સી (Global Health Emergency) ની જાહેરાત કરી દીધી છે. આ વૈશ્વિક સંકટને જોતા ભારત સરકાર પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશવ્યાપી હેલ્થ એડવાઇઝરી જારી કરીને હાઇ-એલર્ટ જાહેર કર્યું છે. નવી માર્ગદર્શિકા અનુસાર, દેશના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દરિયાઈ બંદરો પર વિદેશથી, ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી આવતા તમામ મુસાફરોનું કડક સ્ક્રીનિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વહીવટીતંત્રને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે કડક સૂચનાઓ અપાઈ છે.

આફ્રિકામાં ભારે તબાહી: 130 થી વધુ લોકોના મોત

હાલમાં ઇબોલા વાયરસ મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશો જેવા કે કોંગો, યુગાન્ડા, સુદાન, ગિની, લાઇબેરિયા અને સિએરા લિયોનમાં આતંક મચાવી રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ દેશોમાં ઇબોલાની ચપેટમાં આવવાથી અત્યાર સુધીમાં 130 થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે આશરે 500 થી વધુ લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત છે. આ પરિસ્થિતિને જોતા ભારત સરકારે આ દેશોમાંથી સીધા આવતા અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ થઈને ભારત પહોંચતા મુસાફરો પર વિશેષ નજર રાખવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનથી આવતા મુસાફરો વાયરસના વાહક બની શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

લક્ષણો દેખાય તો તરત જ એક્શન: હેલ્થ મિનિસ્ટ્રીની અપીલ

સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે, જો આ પ્રભાવિત દેશોમાંથી આવતા કોઈપણ મુસાફરમાં સંક્રમણના મામૂલી લક્ષણો પણ દેખાય, તો ઇમિગ્રેશન ચેકિંગ પહેલા જ એરપોર્ટ પર બનેલા હેલ્પ ડેસ્ક અથવા હેલ્થ ઓફિસરનો સંપર્ક કરવો અનિવાર્ય રહેશે. આ સાથે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેઓ કોઈપણ રીતે કોઈ ઇબોલા સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તો સ્વેચ્છાએ સ્વાસ્થ્ય સત્તાવાળાઓને તેની જાણ કરે. સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે જો ઇબોલાને લઈને જરા પણ બેદરકારી દાખવવામાં આવશે, તો તે કોરોના મહામારીની જેમ જંગલી આગની જેમ ફેલાઈ શકે છે અને અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે બોલાવી હાઇ-લેવલ મીટિંગ

ભારત માટે રાહતની વાત એ છે કે દેશમાં હજુ સુધી ઇબોલા વાયરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે, ભવિષ્યના જોખમને પહોંચી વળવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઇ-લેવલ બેઠક યોજી હતી. આ મીટિંગમાં તમામ રાજ્યોને સંક્રમણનો સામનો કરવા માટે અગાઉથી જ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર તરફથી તમામ રાજ્ય સરકારોને એક વિશેષ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ સોંપવામાં આવી છે. આ SOP માં એરપોર્ટ સ્ક્રિનિંગ, ક્વોરેન્ટાઇન પ્રોટોકોલ, કેસ મેનેજમેન્ટ, આઇસોલેશન, રેફરલ સિસ્ટમ અને લેબ ટેસ્ટિંગની પ્રક્રિયાઓ સામેલ છે.

ખૂબ જ ઘાતક છે આ વાયરસ, જાણો તેના મુખ્ય લક્ષણો

જૈવિક દ્રષ્ટિએ, આ વાયરસ ‘ઓર્થોઇબોલાવાયરસ’ (Orthoebolavirus) પરિવારનો એક ઝૂનોટિક (Zoonotic) વાયરસ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે અને તે માનવ શરીર માટે અત્યંત ઘાતક માનવામાં આવે છે.

સંક્રમિત થવા પર દર્દીને અચાનક તીવ્ર તાવ આવે છે.

શરીરમાં ભારે નબળાઈ, અત્યંત થાક, અસહ્ય માથાનો દુખાવો અને ગળામાં ખરાશ થાય છે.

સ્નાયુઓ અને સાંધાઓમાં તીવ્ર દુખાવો શરૂ થાય છે.

રોગ વધવાની સાથે ઉલ્ટી અને ઝાડા (ડાયેરિયા) ની સમસ્યા થાય છે.

આ રોગનું સૌથી મુખ્ય અને ડરામણું લક્ષણ એ છે કે દર્દીના શરીરના આંતરિક અને બાહ્ય અંગો (જેમ કે નાક, કાન કે આંખ) માંથી કોઈ પણ કારણ વગર અચાનક લોહી વહેવા (Bleeding) લાગે છે, જે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરનું કારણ બને છે.