Home Blog Page 441

ભારતનું તેજસ ફાઈટર જેટ દુબઈ એર શો દરમિયાન ક્રેશ

દુબઈ: અહીં આયોજિત એર શો દરમિયાન ભારતનું સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસ અચાનક ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે થઈ. ભારતીય સમય મુજબ બપોરે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો. હજારો દર્શકો દુબઈ એર શો દરમિયાન ત્યાં લડાકૂ વિમાનના કરતબ જોઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે ભારતીય વાયુસેના દ્વારા સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

ભયાનક વિસ્ફોટ
અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેજસ વિમાન કરતબ કરી રહ્યું હતું, ત્યારે અચાનક જ તેણે નિયંત્રણ ગુમાવ્યું. ગણતરીની સેકન્ડમાં વિમાન સીધું જ જમીન પર ક્રેશ થયું. ક્રેશ થતાંની સાથે જ મોટો વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ. દુબઈ એર શોમાં દુનિયાભરના વિવિધ દેશો પોતાના ફાઈટર જેટ મોકલતા હોય છે.

પાયલટનું મૃત્યું
તેજસના પાઇલટનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળનાં કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.

આ બીજી ઘટના

વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.

મુખ્યમંત્રીના હસ્તે વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ 

ગાંધીનગર: વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 22 નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિક કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. 22 અને 23 નવેમ્બર સુધીના બે દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બીજા દિવસે ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાના-રીરી મહોત્સવ અને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની વર્ષ 2010માં શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત સમ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

સંગીત સમારોહ
આ બે દિવસીય કાર્યક્રમાં પ્રથમ દિવસે સાંજે 6.30 વાગ્યે કલાપિની કોમકલી દ્વારા શાસ્ત્રીય ગાયન, નિલાદ્રી કુમાર દ્વારા શાસ્ત્રીય વાદન અને ઇશાની દવે દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે. બીજા દિવસે ડૉ. સુભદ્રા દેસાઇ દ્વારા શાસ્ત્રીય ગાયન, નિનદ અધિકારી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રીય વાદન અને પાર્થ ઓઝા અને તેમની ટીમ દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે.

ગુજરાતના સંગીત ઇતિહાસમાં અમર થયેલું નામ ‘તાના-રીરી’
ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ તેમના સંગીત પ્રત્યેના સમર્પણથી ગુજરાતના સંગીત ઇતિહાસમાં તેમનું નામ અમર કરી દીધું છે. સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ છેડ્યો ત્યારે તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થઇ હતી, જેને મલ્હાર રાગ ગાઇને તાના-રીરીએ શાંત કરી હતી. તેમની કલાના સન્માન ખાતર તેમણે આત્મબલિદાન આપ્યું હતું. આ સંગીતની કલાધારિણી બહેનોના સન્માનમાં વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ ખાતે વર્ષ 2003થી દર વર્ષે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે.

દેશમાં 44 દિવસોમાં રેકોર્ડ 46 લાખ લગ્ન, રૂ. 6.5 લાખ કરોડનો ખર્ચ

નવી દિલ્હીઃ દેશમાં હાલ લગ્ન સીઝન અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે, કારણ કે પહેલી નવેમ્બરથી 14 ડિસેમ્બર વચ્ચે કુલ 46 લાખ લગ્ન થવાનો અંદાજ છે. આ નાના સમયગાળામાં થનારા આ લગ્નોથી દેશભરમાં લગભગ 6.5 લાખ કરોડ રૂપિયાના વ્યવહાર થવાની અપેક્ષા છે, એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) જણાવ્યું છે. લગ્ન ઉદ્યોગમાં આવનાર આ રકમ હોટેલ્સ, બેન્ક્વેટ હોલ્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, ડેકોરેશન ટીમ અને ફૂડ કેટરિંગ સેવાઓ જેવા સેક્શનમાં જબરદસ્ત ચહલપહલ લાવી રહી છે.

વેન્યુઝ પર બેક-ટુ-બેક ઇવેન્ટ્સ

હોટેલ્સ અને બેન્ક્વેટ હોલ્સની વાત કરીએ તો લગભગ બધાં મોટાં લોકેશન્સ આખી સીઝન માટે સંપૂર્ણપણે બુક છે. ઘણી જગ્યાઓ પર તો સતત અનેક દિવસ સુધી બેક-ટુ-બેક ફંક્શન રાખવામાં આવી રહ્યાં છે. દરેક જગ્યાએ લગ્નનો જશ્ન, બેન્ડ-બાજા, બારાત અને ભવ્ય સજાવટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વખતે ડેકોરેશન પરનો ખર્ચ સૌથી વધુ વધ્યો છે. લગ્ન કરનારા પરિવારો ખાસ થીમ ડેકોર, લાઇટિંગ અને ફૂલોથી સજાવટ પર પહેલા કરતાં અનેક ગણી વધુ ખર્ચ કરી રહ્યા છે.

દિલ્હીમાં રૂ. 1.8 લાખ કરોડનો લગ્ન ખર્ચ

દિલ્હીમાં 1.8 લાખ કરોડ રૂપિયાની લગ્ન ખરીદી અને વેડિંગ ખર્ચ થવાનો અંદાજ છે. એટલે કે દેશના કુલ લગ્ન ખર્ચનો લગભગ 30 ટકા હિસ્સો માત્ર દિલ્હી  આપશે. અહીંના પરિવારો ડેકોરેશન પછી સૌથી વધુ ખર્ચ ભોજન પર કરી રહ્યા છે. ખાસ કરીને એગઝોટિક ફ્રૂટ્સ અને પ્રીમિયમ વેજિટેબલ્સની ભારે માગ છે. હેલ્ધી ફૂડ અને સ્પેશિયલ મેન્યુ હવે દરેક લગ્નની પ્રથમ પસંદગી બની રહ્યાં છે.

રેકોર્ડ વેચાણની આશા

લગ્નનું આ વિશાળ બજાર માત્ર હોટેલ્સ કે ઇવેન્ટ કંપનીઓ પૂરતું સીમિત નથી. કપડાંની દુકાનોથી લઈ જ્વેલરી શોરૂમ સુધી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. બેન્ડ-બાજાની ટીમથી લઈને મીઠાઈની દુકાનો સુધી દરેક જગ્યાએ રેકોર્ડ વેચાણની અપેક્ષા છે, કારણ કે એટલી મોટી સંખ્યામાં થનારાં લગ્ન લગભગ દરેક ઉદ્યોગને મોટો લાભ આપી રહ્યા છે.

ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન-મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હબ બનાવાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે વૈશ્વિક હબ બનવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ- ECMS પર વધુ ભાર મૂકવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સહયોગ આપતી વિશ્વ કક્ષાની ઉત્પાદન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેમ,સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.ગુજરાતની ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ અને ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ-ECMS પર ધ લીલા હોટલ, ગાંધીનગર ખાતે સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે, આ સંવાદ સત્રમાં ૨૫થી વધુ ECMS ઉદ્યોગ અગ્રણીઓ સહભાગી થયા છે. જેમાં મુખ્યત્વે TATA Electronics, Kaynes, CG Semi, GnBS Korea, SyrmaSGS, Epitomem Unitio, અને Mink9નો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નેતાઓ અને વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ વચ્ચે સીધી ચર્ચા સુનિશ્ચિત કરે છે, જે સરકારને વાસ્તવિક ઉત્પાદકતાની જરૂરિયાતો અને પડકારો પર આધારિત નીતિઓને સુધારવા અને પ્રોજેક્ટની ઝડપી અમલવારી સુનિશ્ચિત કરવા માટે મદદ કરે છે.

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ECMS પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, આ સત્રમાં પેસિવ કમ્પોનન્ટ્સ અને PCBsથી લઈને અદ્યતન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુધીના વિશિષ્ટ અપસ્ટ્રીમ ઉત્પાદકોને આકર્ષવા માટે ગુજરાતની વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો, જેનાથી ભારતની આયાત પરની નોંધપાત્ર નિર્ભરતા ઘટાડી શકાય. આ પહેલ થકી મોટા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, હજારો ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન કરવા અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) ક્ષેત્રમાં ગુજરાતને એક મુખ્ય ઉત્પાદન ડેસ્ટિનેશન તરીકે મજબૂત રીતે સ્થાપિત કરવામાં આવશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દ્વારા રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવાની તકો ઉપલબ્ધ કરવામાં આવી છે.

સત્રના પ્રારંભમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન-GSEMના મિશન ડાયરેક્ટર, નેહા કુમારી દ્વારા ‘એડવાન્ટેજ ગુજરાત’ પર એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ સેગમેન્ટે રાજ્યના મજબૂત નીતિગત વાતાવરણ, માળખાકીય સુવિધાઓની તત્પરતા અને કમ્પોનન્ટ ઉત્પાદકોને આકર્ષવા માટે ખાસ તૈયાર કરાયેલા પ્રોત્સાહનો પર પ્રકાશ પાડ્યો હતો. સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી દ્વારા વિશેષ સંબોધનમાં ગુજરાતના મહત્વાકાંક્ષી ઔદ્યોગિક લક્ષ્યો માટે વ્યૂહાત્મક સંદર્ભ નક્કી કરવામાં આવ્યો હતો.

છેલ્લાં 26 વર્ષમાં 33 લાખ લોકોએ આત્મહત્યા કરી?: શાળા વહીવટી તંત્ર કે માબાપ જવાબદાર?

નવી દિલ્હીઃ દેશમાં યુવાનોમાં આત્મહત્યાના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકો હોય, કોલેજના વિદ્યાર્થીઓ હોય કે પછી નોકરી કરતા યુવાનો—અલગ-અલગ કારણોસર લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ધોરણ 10મા અભ્યાસ કરતા શૌર્ય પાટીલે પણ કૂદીને આત્મહત્યા કરી હતી. તે સેન્ટ કોલંબિયા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સુસાઇડ નોટમાંથી બહાર આવ્યું કે તેના પર અનેક શિક્ષકો ત્રાસ ગુજારતા હતા. તેણે ફરિયાદો પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. શૌર્ય સાથે હકીકતમાં શું બન્યું—તે તપાસનો વિષય છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે—એક નિર્દોષ બાળક જીવનથી હારી ગયો અને આત્મહત્યા જેવા મોટા પગલા માટે મજબૂર બન્યો.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા બતાવે છે કે 1995થી 2021 વચ્ચે 1,34,735 યુવાનોએ આત્મહત્યા કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લાં 26 વર્ષમાં દેશમાં અંદાજે 33 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી 40 ટકા યુવાન અને બાળકો હતાં.

NCRBના આંકડા અનુસાર વર્ષ 2022માં દેશમાં 1,70,924 આત્મહત્યા નોંધવામાં આવી હતી, જે 2021ની તુલનામાં 4.2 ટકા વધુ છે.

દેશમાં વર્ષ 2022માં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા, જ્યારે બીજા નંબર પર તામિલનાડુ, ત્રીજા પર મધ્ય પ્રદેશ, ચોથા પર કર્ણાટક અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ રહ્યું છે. જો કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દિલ્હીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે બીજા ક્રમે પુડુચેરી રહ્યું છે.

NCRBના 2022ના આંકડા મુજબ દેશમાં 1,22,724 પુરુષોએ, જ્યારે 48,172 સ્ત્રીઓએ આત્મહત્યા કરી હતી. રિપોર્ટ એ પણ દર્શાવે છે કે 18થી 30 વર્ષની ઉંમરના યુવાનોમાં આત્મહત્યાના કેસ સૌથી વધુ છે. આ વયજૂથની હિસ્સેદારી 34.6 ટકા નોંધવામાં આવી છે.

જુનિયર મહિલા હોકી ટીમના કોચ પર યૌન શોષણનો આક્ષેપ

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ મંત્રાલયે ભારતીય જુનિયર મહિલા હોકી ટીમના કોચ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને FIH હોકી જુનિયર વર્લ્ડ કપ 2025માં ભાગ લેવા માટે ચિલીના સાન્તિયાગો જવાનું છે. આ ટુર્નામેન્ટ પહેલી ડિસેમ્બરથી શરૂ થવાની છે અને એ પહેલાં જ સ્પોર્ટ્સ મંત્રાલયે આ પગલું લીધું છે.

જુનિયર મહિલા હોકી ટીમના કોચ પર યૌન શોષણનો આક્ષેપ

ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે છેલ્લા દિવસોમાં કરેલા વિદેશી પ્રવાસોમાંથી એક દરમિયાન ખોટા વર્તનની જાણ કરવામાં આવી હતી. આ પ્રવાસો જૂનમાં આર્જેન્ટિના, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ અને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના હતા. માનવામાં આવે છે કે મહિલા ટીમની એક સભ્ય ઘણી વાર કોચના રૂમમાં જતા જોવા મળી હતી.

આ મામલે સ્પોર્ટ્સ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે અમે પહેલાં તપાસના રિપોર્ટની રાહ જોઈશું અને પછી કોઈ પગલું લઈશું. અમારો વિભાગ આવા મામલાઓને ખૂબ ગંભીરતાથી લે છે અને જો કોઈ દોષી હશે તેને અમે કડક કાર્યવાહી કરીશું. જોકે હજુ સુધી ન તો સ્પોર્ટ્સ મંત્રાલય, ન ભારતીય રમત પ્રાધીકરણ અને ન તો ભારતમાં ફીલ્ડ હોકીની ગવર્નિંગ બોડી હોકી ઇન્ડિયા પાસે કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી નથી.

સ્પોર્ટ્સ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

આ મામલો પછી સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા પાસે પહોંચ્યો હતો અને તેમણે તપાસના આદેશ આપ્યા છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના એક સૂત્રે જણાવ્યું હતું કે આ ગંભીર મામલો અમારા ધ્યાન પર લાવવામાં આવ્યો હતો અને તેથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં અમે જલદીમાં કંઈ કહેવું નથી ઈચ્છતા, કારણ કે પહેલા અમારે વિગતો જાણવી જોઈએ. અમે રિપોર્ટની રાહ જોઈશું અને પછી પગલું લઈશું.

આ મામલે હોકી ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ભોલાનાથ સિંહે જણાવ્યું કે આ પહેલી વાર છે જ્યારે હું આવા મામલા વિશે સાંભળી રહ્યો છું. હું એવી કોઈ બાબતે ટિપ્પણી કરી શકતો નથી જે હોકી ઇન્ડિયા સામે રજૂ કરવામાં આવી નથી. અમે મિનિસ્ટ્રીની રિપોર્ટની રાહ જોઈશું, છતાં તેઓએ (મિનિસ્ટ્રીના અધિકારીઓએ) હજુ સુધી આ સંવેદનશીલ મામલે અમારો સંપર્ક કર્યો નથી.

ડ્રગ્સ કેસમાં ઓરીનું દાઉદ ઈબ્રાહિમ કનેક્શન આવ્યું સામે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટા ભાગની ઈવેન્ટ દરમિયાન લાઈમ લાઈટમાં રહેતા ઓરીની મુશ્કેલી વધી રહી છે. તેનું નામ ડ્રગ કેસમાં સામે આવ્યું છે. આ કેસમાં આરોપીઓમાંથી એકે દાવો કર્યો છે કે ઓરીનો દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ છે.

ઓરી, ફિલ્મ સ્ટાર્સ અને સ્ટાર કિડ્સ સાથે, ઘણીવાર બોલિવૂડ પાર્ટીઓમાં લાઈમલાઈટનો આનંદ માણે છે. તે સોશિયલ મીડિયા પર સ્ટાર્સ સાથે ફોટા અને વીડિયો પણ શેર કરે છે, ઘણીવાર પાર્ટીની ઝલક કેપ્ચર કરે છે. ઓરી હવે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તેનું નામ રૂ. 252 કરોડના ડ્રગ કેસમાં સામે આવ્યું છે. મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે બુધવારે તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. જોકે, ઓરી ગુરુવારે હાજર થયો ન હતો. તેના વકીલે 25 નવેમ્બર સુધીનો સમય માંગ્યો છે. આ ડ્રગ કેસમાં ઓરીના દાઉદ ઈબ્રાહિમ સાથેના જોડાણની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રગ કેસમાં ઓરીનું નામ કેવી રીતે બહાર આવ્યું?

તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) માંથી દેશનિકાલ કરાયેલા ડ્રગ તસ્કર મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહૈલ શેખની પૂછપરછ કરવામાં આવી ત્યારે તપાસમાં ઓરીનું નામ સામે આવ્યું. તેણે અધિકારીઓને રેવ પાર્ટીઓ વિશે જણાવ્યું. તેણે ખુલાસો કર્યો કે આ પાર્ટીઓમાં બોલિવૂડ, ફેશન જગતના ઘણા ટોચના સ્ટાર્સ અને રાજકીય વર્તુળોના સભ્યો પણ હાજરી આપતા હતા.

ફિલ્મ હસ્તીઓ પણ આ પાર્ટીઓમાં હાજરી આપી હતી

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ મુંબઈ અને દુબઈમાં આ પાર્ટીઓનું આયોજન ભાગેડુ ડ્રગ કિંગપિન સલીમ ડોલાના નજીકના સહયોગી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહૈલ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. સલીમ ડોલા દાઉદ ઇબ્રાહિમનો મુખ્ય સભ્ય છે. 13 નવેમ્બરના રોજ, મહારાષ્ટ્રના મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને કહેવામાં આવ્યું કે શેખે દુબઈ અને મુંબઈમાં સેલિબ્રિટીઓ માટે ભવ્ય પાર્ટીઓનું આયોજન કરવાનો દાવો કર્યો હતો. ડ્રગ કેસના આરોપી શેખે પણ ઓરીનું નામ લીધું અને દાઉદ ઇબ્રાહિમ સાથે પોતાનો સંબંધ જાહેર કર્યો.

ઓરીનો દાઉદ ઇબ્રાહિમ સાથે શું સંબંધ છે?

મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખે પૂછપરછ દરમિયાન પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઓરી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ભાણેજ અલીશાહ પારકર સારા મિત્રો છે. અલીશાહ દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે. ઓરી અને દાઉદની બહેનનો પુત્ર પણ ડ્રગ કેસમાં તપાસ હેઠળની પાર્ટીઓમાં સામેલ હતા. શેખે દુબઈ અને મુંબઈમાં સેલિબ્રિટીઓ માટે ભવ્ય પાર્ટીઓનું આયોજન કરવાનો પણ દાવો કર્યો હતો. પૂછપરછ દરમિયાન શેખે પોલીસને જણાવ્યું હતું કે આ પાર્ટીઓમાં દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર ઓરી, અભિનેતા નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર અને તેનો ભાઈ સિદ્ધાર્થ કપૂર, ફિલ્મ નિર્માતા અબ્બાસ-મસ્તાન, રેપર લોકા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ઝીશાન સિદ્દીકીનો સમાવેશ થતો હતો.

શેખના દાવાઓની ચકાસણી બાકી છે

જોકે, ઓરી અથવા ડ્રગ કેસ અંગે શેખે અત્યાર સુધી કરેલા કોઈપણ દાવા કે ખુલાસાની ચકાસણી બાકી છે. આ કેસની તપાસ હાલમાં તેના પ્રારંભિક તબક્કામાં છે. શેખે એવો પણ દાવો કર્યો છે કે ઓરી ડ્રગ્સનો ઉપયોગ કરે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ANCના એક અધિકારીએ કહ્યું, “અમે શેખના દાવાઓ વિશે ઓરીની પૂછપરછ કરીશું. ઓરીની પૂછપરછ કર્યા પછી, અમે નક્કી કરીશું કે શેખે ઉલ્લેખિત અન્ય સેલિબ્રિટી અને રાજકીય નેતાઓની પૂછપરછ કરવી કે નહીં.” ઓરીને ગુરુવાર, 20 નવેમ્બરના રોજ હાજર થવાનું હતું, પરંતુ તે શહેરની બહાર હોવાને કારણે હાજર થયા નહીં. તેમણે 25 નવેમ્બર સુધીનો સમય માંગ્યો છે.

ઓરી કોણ છે?

ઓરી અભિનયની દુનિયામાં સક્રિય નથી, પરંતુ તે ફિલ્મ ઉદ્યોગમાં દરેક કાર્યક્રમ, એવોર્ડ સમારંભ અને પાર્ટીમાં વારંવાર હાજર રહે છે. તેને ફિલ્મ હસ્તીઓનો પ્રિય માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓરી એક ઉદ્યોગપતિનો પુત્ર છે. તેણે અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર તરીકે પણ કામ કર્યું હતું. તેને ગ્રાફિક ડિઝાઇનમાં પણ રસ છે. વધુમાં, ઓરી એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને ટ્રેન્ડ એનિમેટર છે. મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન ઓરી આ ડ્રગ્સ કેસમાં કયા નવા ખુલાસા કરે છે અને તે પોતાના બચાવમાં શું દલીલો કરે છે તે જોવું રસપ્રદ રહેશે!

ઝારખંડ, બંગાળમાં કોલસા માફિયા પર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) ગેરકાયદે કોલસા ખનન અને તે સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસોમાં કડક વલણ અપનાવીને શુક્રવારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં મોટે પાયે દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ થઈ રહેલી આ કાર્યવાહીમાં બંને રાજ્યોમાં 40થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન કોલસા ચોરી, તસ્કરી અને ગેરકાયદે પરિવહન સંબંધિત મોટા કેસો સાથે જોડાયેલું છે, જેને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા

આ કાર્યવાહીની શરૂઆત શુક્રવારની સવારમાં ધનબાદથી થઈ હતી, જ્યાં EDએ કોલસા વેપારી એલ.બી. સિંહના નિવાસ અને તેમની સંબંધિત સંસ્થાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા. દેવ બિલ્ડા વિસ્તારમાં સહિત ધનબાદના આશરે 18 સ્થળોએ EDની ટીમો સક્રિય રહી હતી. એજન્સીને શંકા છે કે આ સ્થળોથી ગેરકાયદે કોલસા ખનન અને તસ્કરી દ્વારા મેળવવામાં આવેલા કાળાં નાણાંનું મોટું નેટવર્ક સંચાલિત થઈ રહ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા મુજબ જેમાં કેસોની તપાસ થઈ રહી છે, તેમાં અનિલ ગોયલ, સંજય ઇન્ડસ્ટ્રીઝ, એલ.બી. સિંહ અને અમર મંડલ જોડાયેલા કોલસા તસ્કરીના મોટા નેટવર્કનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે આ કેસોમાં સંગઠિત રીતે કોલસા ચોરી અને ગેરકાયદે સપ્લાય કરવામાં આવ્યા હતા, જેને કારણે સરકારી ખજાનાને હજ્જારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

બંગાળમાં 24 સ્થળોએ કાર્યવાહી

ઝારખંડની સાથે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતા જિલ્લાઓમાં પણ EDએ આશરે 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ તમામ સ્થળોએ ગેરકાયદે કોલસા ખનન, ગેરકાયદે પરિવહન અને ગેરકાયદે સંગ્રહ સંબંધિત તપાસનો ભાગ છે. અહીં જેમનાં સ્થળોએ શોધખોળ કરવામાં આવી છે તેમાં નરેન્દ્ર ખારકા, અનિલ ગોયલ, યુધિષ્ઠિર ઘોષ, કૃષ્ણ મુરારી કયાલ સહિતનું નામ છે.

બ્લડ શુગરનું લેવલ બરાબર જાળવવા આટલું ધ્યાન રાખો

પ્રશ્ન: ડાયાબિટીસ માટે મેથીના દાણા કેટલા અને કઈ રીતે અસરકારક છે? એ સિવાય શુગર કન્ટ્રોલ માટેનો બીજો કોઈ વિકલ્પ છે?

છાયા પાઠક (સુરત)

ઉત્તર: ડાયાબિટીસ માટે મેથીના દાણા ખૂબ જ ફાયદાકારક છે. એમાં રહેલા ફાઈબર તથા એમિનો ઍસિડ્સ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મેથીના દાણામાં સોલ્યુબલ ફાઈબર અને આલ્કલોઈડ્સ હોય છે, જે શરીર દ્વારા કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ શરીરમાં ભળવાની પ્રક્રિયા ધીમી પાડે છે, જેથી જમ્યા પછી શુગર વધતી રોકાય છે. મેથીના દાણામાં રહેલું ટ્રોગોનેલિન નામનું તત્ત્વ (આલ્કલોઈડ) ઈન્સ્યુલિનના સ્રાવને વધારવામાં મદદ કરે છે એ પણ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે.

આ ઉપરાંત, મેથી સીડ્સ પ્રોબાયોટિક્સ પણ છે, જે તમારા ચયાપચયને વધુ સારી રીતે કાર્ય કરવામાં હેલ્પ કરે છે. એ ટાઈપ-વન અને ટાઈપ-ટુ બન્ને પ્રકારના ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે ફાયદાકારક છે. મેથી ખાવાથી ખોરાકના પાચન પછી એ શરીરમાં સારી રીતે ભળે છે (એબ્ઝોર્પ્શન થાય છે), જેનાથી શુગર કન્ટ્રોલમાં રહે છે.

મેથીના દાણા ઉપરાંત કારેલાંનો જ્યુસ પણ ખૂબ ફાયદાકારક છે, એને કુદરતી ઈન્સ્યુલિન ગણવામાં આવે છે, એમાં પી-ઈન્સ્યુલિન નામનું ઈન્સ્યુલિન જેવું કમ્પાઉન્ડ હોય છે. એ લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. એમ તો પનીરનાં ફૂલ, જાંબુના ઠળિયાનો પાવડર, વગેરે પણ શુગરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

અલબત્ત, આવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તમારું શુગર લેવલ જાણવું જરૂરી છે. એ પ્રમાણે જ તમે શુગર ઘટાડનારાં તત્ત્વોનો ઉપયોગ કરો એ હિતાવહ છે, અન્યથા તમારું શુગર એકાએક વધી કે ઘટી શકે છે અને એ જોખમી બની શકે છે. બહેતર છે કે એ માટે કોઈ ક્વૉલિફાઈડ ડાયેટિશિયનની સલાહ લેવામાં આવે.

પ્રશ્ન: ઠંડીની ઋતુમાં રાતે દહીં ખાવાથી શરદી થાય એ વાતમાં કેટલું તથ્ય છે?

કિંજલ ચાવડા (અમદાવાદ)

ઉત્તર: એક વાત ચોક્કસ છે કે શરદી થવાનું મુખ્ય કારણ વાઈરસ છે, જે એક વ્યક્તિ બીજીને, બીજી ત્રીજીને એમ ફેલાવતા જાય છે. દહીં તો આપણાં પેટ, હાડકાં અને તંદુરસ્તી માટેનો એક ઉત્તમ આહાર છે. એક કપ દહીં કૅલ્શિયમની દૈનિક જરૂરતનાં ૭૦ ટકા પૂરા પાડે છે, એમાં કૅલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંના નિર્માણમાં તથા એને સારાં રાખવામાં પણ મદદ કરે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ તથા લેક્ટિક ઍસિડ હોય છે, જે પાચનતંત્ર માટે સારા છે. પ્રોબાયોટિક એટલે સારા બૅક્ટેરિયા. નિષ્ણાતોનાં મંતવ્ય મુજબ સારા બૅક્ટેરિયાનું સંતુલન જાળવવામાં આવે તો ખરાબ બૅક્ટેરિયા આપણને નુકસાન કરી શકતા નથી અથવા એની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. ખરેખર તો દહીંમાં રહેલા હેલ્ધી બૅક્ટેરિયા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી-ફ્લૂથી દૂર રાખે છે.

દહીં તમે દિવસે કે રાત્રે ખાઈ શકો છો. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે કોઈ એલર્જી, ન્યુમોનિયા અથવા બ્રોન્કાઈટિસથી પીડાતા હોય એવા લોકોએ દહીં લેવાનું ટાળવું જોઈએ. એમાં પણ બહુ ખટાશવાળું તેમ જ ઠંડું દહીં આવા લોકોને નુકસાન કરી શકે છે. આયુર્વેદ મુજબ સાંજે અથવા રાત્રે દહીં લેવાથી એ પાચનને લગતી સમસ્યા ઊભી કરે છે. જે લોકોને આર્થરાઈટિસની તકલીફ હોય એમને તો કોઈ પણ સમયે દહીં લેવું હિતાવહ નથી, કારણ કે દહીંના ઍસિડિક કમ્પાઉન્ડને કારણે એમને સોજા આવી શકે છે. મતલબ કે અગર તમે સંપૂર્ણપણે સ્વસ્થ હો તો તમે દિવસના ગમે તે સમયે દહીં ખાઈ શકો. એટલું ચોક્કસ છે કે તમારું રાતનું ભોજન સૂતાંના બે કલાક પહેલાં લઈ લેવું, જેથી એ પચવા માટે પૂરતો સમય મળી રહે. બજારમાં તૈયાર મળતા ફ્રોઝન યોગર્ટ બને ત્યાં સુધી ટાળવા.

પ્રશ્ન:: કૉલેસ્ટરોલ ઘટાડવામાં ફ્લેક્સ સીડ્સ કઈ રીતે ઉપયોગી છે? દિવસ દરમિયાન ફ્લેક્સ સીડ્સ કેટલાં પ્રમાણમાં લેવાં જોઈએ? એનો પાવડર બનાવીને ઉપયોગ કરવો વધુ ફાયદેમંદ છે?

દીપ્તિ ઠક્કર (અંધેરી-મુંબઈ)

ઉત્તર: અળસી એટલે કે ફ્લેક્સ સીડ્સમાંથી ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ્સની સાથે સાથે ફાઈબર અને લિગ્નન્સ મળે છે, જે શરીર માટે જોખમી ગણાતું કૉલેસ્ટરોલ (બૅડ કૉલેસ્ટરોલ/એલડીએલ) તેમ જ ટોટલ કૉલેસ્ટરોલ લેવલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. ફ્લેક્સ સીડ્સને પાવડર બનાવીને લેવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે આખાં સીડ્સ કરતાં એ પચવામાં સરળ છે.

ફ્લેક્સ સીડ્સ આમ તો ઓમેગા-થ્રી ફૅટી ઍસિડનો બહુ સારો સ્રોત છે એ સાચું, પણ સાથે સાથે એ ચરબીયુક્ત પણ હોય છે એટલે તમે રોજના પાંચથી દસ ગ્રામ પણ લઈ રહ્યા છો તો તમારે એટલી ચરબીની તમારા રોજિંદા આહારમાંથી બાદબાકી કરવી જોઈએ. રોજનું કેટલું ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ લેવું જોઈએ એનું કોઈ નિશ્ર્ચિત પ્રમાણ નથી, છતાં પણ એકથી દોઢ ગ્રામ લઈ શકાય. એક ટેબલ સ્પૂનમાંથી ૧.૬ ગ્રામ ઓમેગા ફૅટી ઍસિડ્સ મળી રહે છે, જેમાંથી તમારી દૈનિક જરૂરત પૂરી થઈ શકશે. ખોરાકમાં અળસીનાં બીજ ઉમેરવાથી આંતરડાંની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. એનાથી પેટ ફૂલવું, ગૅસ, પેટમાં દુખાવો તેમ જ ઊબકા જેવી આડઅસર પણ થઈ શકે છે આથી એને નિયંત્રિત માત્રામાં લેવાય એ જરૂરી છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

શું ભાજપ, એકનાથ શિંદે વચ્ચે બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું?

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અને શિવસેનાપ્રમુખ એકનાથ શિંદે છેલ્લા મહિને બે વખત ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા છે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને જીત મળ્યા પછીથી શિંદે એક ડઝનથી વધુ વખત અમિત શાહને મળી ચૂક્યા છે. ગયા મહિને જ તેમણે બે વખત મુલાકાત કરી હતી. બુધવારે શિંદે ફરી શાહને મળ્યા, રાજ્ય BJP પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ દ્વારા તેમના નેતાઓને પોતાની તરફ ખેંચવાના આક્રમક પ્રયત્નો અંગે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી — ખાસ કરીને કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં, જે તેમના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેનો ગઢ છે.

શિંદેની પોતાની પાર્ટી અને રાજ્ય BJP વચ્ચેની સમસ્યાઓ વચ્ચે દિલ્હીના સતત પ્રવાસો અને ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથેની બેઠકો તેમને મુશ્કેલીમાં મૂકી રહી છે અને નેતા તરીકે તેમની છબીને અસર પહોંચાડી રહી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નેતૃત્વે શિંદેના મંત્રીઓ કેબિનેટ મીટિંગમાં હાજર ન રહેવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમને એ પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓ મુદ્દાઓ ઉઠાવવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેમને ધ્યાન રાખવું પડશે કે CM દેવેન્‍દ્ર ફડણવીસ અને ચવ્હાણ માત્ર ભાજપના હિતમાં જ કામ કરી રહ્યા છે.

વિપક્ષના નિશાન પર એકનાથ શિંદે

આ મુલાકાત તેમના મંત્રીઓ દ્વારા સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં હાજર ન રહેવાના એક દિવસ પછી થઈ હતી, જેને કારણે શિંદે વિપક્ષના નિશાન પર આવી ગયા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ મુલાકાતોને બાબા મને બચાવો તરીકે ગણાવી હતી. એ દરમિયાન અટકળોને અંત આપતાં એકનાથ શિંદેએ ગુરુવારે મિડિયાને કહ્યું કે બધું ઠીક છે. તેમણે જણાવ્યું હતું  કે અમે મહાયુતિના બેનર હેઠળ (સ્થાનિક સ્વરાજ્ય) ચૂંટણી લડી રહ્યા છીએ.

ભાજપની સ્પષ્ટતા

ભાજપ મંત્રી ચંદ્રશેખર બવનકુલે કહ્યું હતું કે ગઠબંધન સાથીઓને મળવામાં કોઈ ખોટ નથી. જોકે ભાજપના કેટલાક નેતાઓ પર ભાર મૂક્યો છે કે શિંદે-શાહની સતત બેઠક દર્શાવે છે કે પાર્ટી તેના ગઠબંધન સાથીને મહત્વ આપે છે અને તેમની ચિંતાઓ સાંભળવા તૈયાર છે.