







(જુઓ, ફિલ્મનું ટ્રેલર)
(જુઓ, ફિલ્મનું ટ્રેલર)
નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી માટે ભારત રત્નની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારને આ મામલે કોઈ નિર્દેશ ન આપી શકીએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, મહાત્મા ગાંધીને કોઈ ઔપચારિક માન્યતાની આવશ્યકતા નથી. તેઓ રાષ્ટ્રપિતા છે, તેઓ આ પ્રકારની માન્યતાથી પર છે, લોકો તેમનું ખૂબ સન્માન રાખે છે.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ગત દિવસોમાં મહાત્મા ગાંધીને લઈને થયેલા વિવાદ વચ્ચે ખૂબ મહત્વની છે. ઘણા લોકો સમય-સમય પર મહાત્મા ગાંધી પર સવાલો ઉઠાવતા રહે છે. તાજેતરમાં જ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને લઈને સંસદમાં નિવેદન આપ્યું હતું જેનાથી ખૂબ વિવાદ થયો અને બાદમાં ભાજપ સાંસદને માફી પણ માંગવી પડી.
નવી દિલ્હીઃ નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યાકાંડના ચારેય દોષિતો પૈકી એક મુકેશ સિંહની દયા અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. ગૃહ મંત્રાલયે નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની દયા અરજીને ગુરુવાર રાતે રાષ્ટ્રપતિ પાસે મોકલી મોકલી હતી. મુકેશે સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ પિટીશન ફગાવ્યા બાદ રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2016માં મુકેશ સહિત ચાર દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. હવે મુકેશ માટે તમામ કાયદાકીય વિકલ્પો પૂરા થઈ ગયા છે.
પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયા કેસના ચારેય દોષિતો મુકેશ સિંહ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુર વિરૂદ્ધ ડેથ વોરંટ જાહેર કરતા તમામને 22મી જાન્યુઆરીએ ફાંસીની સજા આપવાનો હુમલ કર્યો હતો. જોકે દોષિતો પાસે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરવાનો છેલ્લો વિકલ્પ બાકી હતો. મુકેશે દયાની અરજી કરી હતી જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે.
મુકેશે દયા અરજીનો હવાલો આપીને ટ્રાયલ કોર્ટ પાસે 22 જાન્યુઆરીએ ડેથ વોરંટ રદ કરવાની માંગ કરી છે. ટ્રાયલ કોર્ટે તિહાર તંત્ર પાસે આરોપીઓને નક્કી કરેલી તારીખે ફાંસી આપવાની સ્થિતિ અંગે શુક્રવાર સુધી રિપોર્ટ દાખલ કરાવવા માટે કહ્યું હતું. જોકે અન્ય ત્રણ દોષિતો પાસે હજી રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરવાનો વિકલ્પ ખુલો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દયાની અરજી ફગાવી હતી. પરંતુ દોષિતોને થઈ રહેલા વિલંબને લઈને પીડિતાની માતા આશા દેવીએ કહ્યું હતું કે, અત્યાર સુધી મેં ક્યારેય પણ રાજકારણની વાત નથી કરી પણ આજે કહેવા માંગું છું કે, જે લોકો 2012માં રસ્તા પર ઉતર્યા હતા, આજે એ જ લોકો મારી દીકરીના મોત પર રાજકીય ફાયદા માટે રમત રમી રહ્યા છે.
બેઈજિંગ: અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વોરને પગલે ચીનને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ચીનમાં ગ્રાહક માંગ ઘટી ગઈ, જેને પગલે 2019માં જીડીપીની રફતાર છેલ્લા ત્રણ દાયકાના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગઈ છે. 30 વર્ષમાં પ્રથમ વખત ચીનનો જીડીપી માત્ર 6.1 ટકાની ગતિએ આગળ વધ્યો છે.
શુક્રવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, વર્ષ 2019માં જીડીપીનો દર 2018ના 6.6 ટકાથી પણ નીચે આવી ગયો, જે 1990 પછીનો સૌથી ન્યૂનતમ સ્તર છે. ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળા માટે ગ્રોથની રફતાર 6 ટકા પર રહી છે.
ચીનના ટ્રેડ સરપ્લસ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા હિતોને લઈને ચીન અને અમેરિકા વચ્ચે લડાઈમાં અમેરિકાએ ટેરિફ વધારી દીધું હતું, જેના કારણે ચીની નિકાસકારો પર અસર પડી છે. જોકે, સમગ્ર ચીની ઈકોનોમી પર અનુમાન કરતા ઓછી અસર પડી છે.
આ સપ્તાહે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર પર વિરામ લે તેવા સંકેતો મળી રહ્યા છે અને બંને દેશોએ પહેલા ફેઝની ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ અમેરિકા દ્વારા વધારાની ટેરિફ વૃદ્ધિને કેન્સલ કરવા અને ચીન દ્વારા અમેરિકન ફાર્મ એક્સપોર્ટની ખરીદારી પર સહમતિ બની છે. બંને તરફથી પહેલાથી લાગુ ટેરિફ વૃદ્ધિમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
2019 માટે વિકાસ દર ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીક ટાર્ગેટ રેન્જમાં તો છે, પણ નીચેની તરફ. ટાર્ગેટ 6-6.5 ટકા રાખવામાં આવ્યો હતો, જે ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિકમાં 6 ટકા નોંધાઈ છે. વર્ષ 2019માં ગ્રાહક ખર્ચ, રોકાણ અને ફેક્ટ્રી આઉટપુટ, તમામ નબળા પડયા છે.
અમદાવાદઃ મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2020-21નું રૂ. 8500 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. 2020ના અંતમાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે જેની અસર બજેટમાં જોવા મળી છે. અમદાવાદ મ્યુનિ. કમિશનરે ગત વર્ષ 2019-20માં રૂ.7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતુ. આ વખતે બજેટમાં રૂ.1000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
મધ્યમ વર્ગ માટે રૂ. 500થી રૂ.700નો ટેક્સ વધારો સૂચવાયો છે. ચાલી અને ઝૂંપડામાં રહેતા ગરીબો માટેના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પોળ અને તળમાં રહેતા સામાન્ય વર્ગ માટે રૂ.300નો વેરા વધારો, ફ્લેટ, રો- હાઉસ કે ટેનામેન્ટમાં રહેતા મધ્યમ વર્ગ માટે અંદાજીત રૂ. 500થી 700નો વેરા વધારો, જ્યારે બંગલા માટે રૂ.3 હજારથી 4 હજારનો વેરા વધારો સૂચવાયો છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે ‘આ બજેટ વડાપ્રધાનની ન્યૂ ઇન્ડિયાની થીમ તૈયાર કરવામાં આવ્યું છે. ‘ન્યૂ અમદાવાદ ફોર ન્યૂઝ ઇન્ડિયા’ની થીમ પર આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. વિજય નહેરાએ ઉમેર્યુ કે 15 ઑગસ્ટ 20222 આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધી બે નાણાકિય વર્ષમાં ક્યાં પ્રકારની યોજના આપણે લાવીએ ત્યારે 15 ઑગસ્ટ 2022 સુધીમાં નવું અમદાવાદ આકાર લે તેવો પ્રયાસ છે.
ન્યૂ અમદાવાદની પરિકલ્પના વિશે નહેરાએ જણાવ્યું કે, ‘ન્યૂ અમદાવાદ ઝૂપડપટ્ટી મુક્ત, ગંદકી મુક્ત, પ્રદૂષણ મુક્ત હોય, પિરાણાના કચરાના ઢગલામાંથી મુક્તિ મળે. પ્લાસ્ટિકની સમસ્યા, રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ મળે. સામાન્ય વર્ગને પણ પાયાની જરૂરિયાતો મળી શકે.
બજેટના મુખ્ય મુદ્દા
|
ગાંધીનગરઃ સરકારે 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગના નિયમોમાં થોડા સમય માટે રાહત આપી છે કેમ કે, અત્યારે ત્યાં હજુ પણ લોકો ટોલ ટેક્સની ચૂકવણી રોકડમાં કરે છે. આ 65 ટોલ પ્લાઝા પર 25 ટકા રસ્તાઓને 30 દિવસ માટે રોકડ ચૂકવણી અને ફાસ્ટેગ લેન બંને લાઈનમાં છૂટ આપવામાં આવી છે. હાઈબ્રિડ અથવા ફાસ્ટેગથી ચૂકવણી અને રોકડ ચૂકવણી કરનારા બંને પ્રકારના વાહનો જઈ શકે છે. બંને વ્યવસ્થામાં બંને પ્રકારના વાહનો જઈ શકે છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા, ટોલ પ્લાઝાઓને આગામી ૩૦ દિવસ સુધીમાં રપ ટકા જેટલી લેનને હાઇબ્રીડ એટલે કે ફાસ્ટ ટેગ લેન અને રોકડ વસુલાત એમ બંને વ્યવસ્થા ધરાવતી લેન બનાવવાની સુચના આપવામાં આવી છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, આ અસ્થાયી વ્યવસ્થા 30 દિવસની છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વિનંતી પર આ પગલું લેવામાં આવ્યું છે, જેથી કરીને નાગરિકોને કોઈ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.
સરકારે 15 ડિસેમ્બરથી NHAIના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરી દીધી છે. તેના અંતર્ગત ટોલ પ્લાઝાની ઓછામાં ઓછી 75 ટકા લેન પર રોકડ ચુકવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટોલ પ્લાઝા પર વધુમાં વધુ 25 ટકા લેન પર રોકડ ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ 65 ટોલ પ્લાઝા ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં સ્થિત છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ 65 ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સ્થિતિ અનુસાર 25 ટકા સુધી ‘ફાસ્ટેગ લેન ઓફ ફી પ્લાઝા’ને અસ્થાયી રીતે હાઈબ્રિડ લેનમાં ફેરવી શકાય છે. મંત્રાલય દ્વારા નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યા પ્રમાણે, આ એક અસ્થાયી વ્યવસ્થા છે જે 30 દિવસની છે. તેની પાછળનો હેતુ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાનો છે જેના કારણે કોઈને અસુવિધા ન થાય.
આજે, 17 જાન્યુઆરીથી રિલીઝ થયેલી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘કેમ છો?’ના અભિનેતા તુષાર સાધુ અને અભિનેત્રી કિંજલ રાજપ્રિયા તથા નિર્માતા શૈલેષ ધામેલિયા હાલમાં જ ‘ચિત્રલેખા’ના મુંબઈ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને આ ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી હતી.
જુઓ એમની મુલાકાતનો વિડિયો…
અમદાવાદ – ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની બીજી ખાનગી ટ્રેન અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને આજે સવારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનની કમર્શિયલ સેવા જોકે 19 જાન્યુઆરીથી શરૂ થશે.
તેજસ એક્સપ્રેસ શ્રેણીની આ બીજી ટ્રેન છે. પહેલી ટ્રેન લખનઉ-નવી દિલ્હી વચ્ચે ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ગુરુવારને બાદ કરતાં અઠવાડિયાના છ દિવસ દોડાવાશે. ગુરુવારનો દિવસ ટ્રેનનું જાળવણી કાર્ય હાથ ધરવા માટે ફાળવવામાં આવ્યો છે. આ ટ્રેનનો નંબર છે – 82902/82901. સંપૂર્ણ એરકન્ડિશન્ડ એવી આ ટ્રેન આજે માત્ર ઉદઘાટન સફરમાં અમદાવાદથી આજે સવારે 9.30 વાગ્યે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ સાંજે 4.30 વાગ્યે પહોંચશે. વળતી સફરમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સાંજે 5.15 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાતે 11.30 વાગ્યે પહોંચશે.
19 જાન્યુઆરીથી આ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ ખાતે બપોરે 1.10 વાગ્યે પહોંચશે. વળતી સફરમાં, ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાતે 9.55 વાગ્યે પહોંચશે. ટ્રેન 533 કિ.મી.નું અંતર 6 કલાક અને 30 મિનિટમાં પૂરું કરશે.
અમદાવાદથી ઉપડ્યા બાદ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી ઉભી રહેશે. મુંબઈથી ઉપડીને ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ ખાતે ઊભી રહેશે.
ટ્રેનમાં બે એક્ઝિક્યૂટિવ ક્લાસ ચેર કાર છે. દરેક ડબ્બામાં 56 સીટ છે. તે ઉપરાંત આઠ ચેર કાર બોગી છે, જે દરેકમાં 78 સીટની વ્યવસ્થા છે. ટ્રેનની કુલ ક્ષમતા 736 પેસેન્જરો માટેની છે.
ટ્રેનમાં અનેક આધુનિક સુવિધાઓ છે, જેમ કે સ્લાઈડિંગ દરવાજા, વ્યક્તિગત વાંચન માટેની લાઈટ, મોબાઈલ ફોન ચાર્જિંગ પોઈન્ટ્સ, અટેન્ડન્ટ કોલ બટન, બાયો-ટોઈલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા, સીસીટીવી કેમેરા, આરામદાયક સીટ.
અમદાવાદ-મુંબઈ તેજસને કારણે બીજી 33 ટ્રેનોનો સમય બદલાયો
તેજસ એક્સપ્રેસ ટ્રેન સમયસર દોડી શકે એ માટે આશરે 33 જેટલી ટ્રેનોના સમયમાં સહેજ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો માટે જુદા જુદા સ્ટેશનો ખાતેના સમયને એડજસ્ટ કરવામાં આવ્યો છે. આમાં અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 25 મિનિટ મોડી ઉપડશે, પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ મોડી ઉપડશે. અન્ય 16 મેલ/એક્સપ્રેસ ટ્રેનો તથા ચાર મેમૂ ટ્રેનો પણ અમદાવાદ સ્ટેશનેથી પાંચથી લઈને 10 મિનિટ મોડી રવાના થશે.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ માટે તત્કાલ ક્વોટા કે પ્રીમિયમ તત્કાલ ક્વોટાની ટિકિટો રાખવામાં આવી નથી. આમાં માત્ર જનરલ અને ફોરેન ટુરિસ્ટ ક્વોટા જ છે. ફોરેન ટુરિસ્ટ ક્વોટામાં એક્ઝિક્યૂટિવ ચેર કારમાં 6 સીટ રાખવામાં આવી છે જ્યારે ચેર કાર બોગીઓમાં 12 સીટ વિદેશી પર્યટકોને ફાળવવામાં આવી છે.
આ ટ્રેનમાં પ્રવાસીઓને ટ્રાવેલ વીમાનું કવચ આપવા ઉપરાંત IRCTC કંપની જો ટ્રેન એક કલાકથી વધુ સમય મોડી પડશે તો દરેક પ્રવાસીને રૂ. 100નું વળતર આપશે અને બે કલાકથી વધુ સમય મોડી પડશે તો અઢીસો રૂપિયાનું વળતર આપશે.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનનું બુકિંગ માત્ર IRCTCની વેબસાઈટ પરથી અથવા Paytm, Ixigo, PhonePe, Make My Trip, Google, Ibibo, Railyatri જેવા તેના ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ પાર્ટનર્સ મારફત કરી શકાશે. રેલવે રિઝર્વેશન કાઉન્ટરો પરથી આની ટિકિટ નહીં મળે.