Home Blog Page 4472

30 વર્ષમાં ઈન્ટરનેટે આવી રીતે સરળ બનાવી આપણી જિંદગી!!

જે લોકો સમયનું મહત્વ જાણે છે તેઓ કાયમ કહેતા આવ્યા છે કે, એક મિનિટ એટલે કે, ફક્ત 60 સેકન્ડ પણ કેટલી કિંમતી હોય છે. તમે આ ક્યારેક અનુભવ્યું પણ હશે. જેમ કે, એક મિનિટમાં બસ, ટ્રેન, પ્લેનમાં બેસવાનું ચૂકી જાઓ છો ત્યારે. આ સિવાય ઘણાં કિસ્સામાં આવું બનતું હોય છે. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટની વાત કરીએ તો, 1 મિનિટમાં ઈન્ટરનેટની દુનિયામાં કેટકેટલું બની જતું હોય છે, અપલોડ્સ, ઈ મેઈલ, મેસેજિસ, વેબ સાઈટ જોવી, આવી કેટ કેટલી પ્રવૃત્તીઓ એક મિનિટમાં બની જતી હોય છે.

ઓફિસથી ઘરે જવામાં મોડુ થયું હોય અને તેમ બસ કે ટ્રેનમાં મુસાફરી નથી કરવા ઈચ્છતા તો બસ તમારા સ્માર્ટફોનમાં રહેલી એપની મદદથી ટેક્સી બોલાવી લો….

ઘરે જમવાનું બનાવવાની ઈચ્છા નથી? તો પરેશાન થવાની જરુર નથી. બસ તમારા સ્માર્ટફોન પર આંગળીઓ ફેરવો અને તમારુ મનભાવતું ભોજન તમારા ઘરે ડિલિવરી થઈ જશે…..

ટ્રાવેલિંગમાં કંટાળો આવી રહ્યો છે? તમારો સ્માર્ટ ફોન ઉઠાવો અને જુઓ નવી સીરીઝ, જેની આજકાલ દરેક જગ્યાએ ચર્ચા છે….

 

હવે આપણે આપણા ફોન સાથે કનેક્ટેડ રહેવા ઉપરાંત પણ ઘણા બધા કામો માટે ઉપયોગ કરીએ છીએ અને આ બધું શક્ય બન્યું છે ઈન્ટરનેટના કારણે. માર્કેટિંગ પ્રોફેશનલ સુદર્શન સેનગુપ્તાનું કહે છે કે, મારી મોટાભાગની જરૂરીયાતોને પૂર્ણ કરવા માત્ર મારો સ્માર્ટફોન જ કાફી છે. ઓનલાઈન શોપિંગ હોય, ટ્રાવેલ બુકિંગ હોય, કોઈ માહિતી મેળવવી હોય, કે પછી એ બધુ જેની મેં કલ્પના કરી હોય એ તમામ વસ્તુઓ માટે મારા ફોનનો ઉપયોગ કરું છું. ઈન્ટરનેટે ખરેખર ફોનની સંભાવનાઓને નવા સ્તરેથી પરિભાષિત કરી છે. પછી એ મનોરંજન હોય, હરતા ફરતા ઈમેલ ચેક કરવા હોય, કે પછી તમે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવવા માગતા હોવ, ઈન્ટરનેટની સુવીધા વાળો સ્માર્ટફોન આજના જમાનાનું એક શક્તિશાળી યંત્ર બની ગયું છે.

સતત બદલાતી રહેતી ઈન્ટરનેટની દુનિયાની સાથે તાલમેલ મેળવવા માટે ટેલીકોમ કંપનીઓ પણ તેમના નેટવર્કમાં સતત ફેરફાર કરી રહી છે. જેમકે, અત્યારે ભારતમાં 4જી ઈન્ટરનેટના કારણે મોબાઈલ ફોન ઉપયોગની તમામ સીમાઓ પાર થઈ ગઈ છે. તમે ચાલુ ટ્રેનમાં ભીડભાડ વચ્ચે એચડી વિડિયો સ્ટ્રીમિંગ કરી શકો છો. ટુંકમાં મોબાઈલમાં ઈન્ટરનેટની મદદથી તમે આ બધુ એકદમ સરળતાથી કરી શકો છો.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિવેક તેઝુઝા, જેમના ટ્વિટર પર 26 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે, એ કહે છે કે, મને દરેક સમયે મારા ફોલોઅર્સ સાથે જોડાયેલુ રહેવું પસંદ છે. ખાસ કરીને જ્યારે હું ટ્રાવેલિંગ કરું છું ત્યારે.

ઈન્ટરનેટે ટ્રાવેલિંગ વગર પણ આપણા માટે એવા અનેક દરવાજા ખોલ્યા છે જ્યાં આપણે ઘણુ બધુ કરી શકીએ છીએ. આજે તમે જ્યાં ફરવા જવા માગતા હોવ ત્યાં જતાં પહેલા જ સરળતાથી એ સ્થળની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો. જો તમને કોઈ ટ્રિપ દરમ્યાન એડવેન્ચરનો મૂડ બની જાય અને તમારા ફોનમાં ઈન્ટરનેટ હોય તો સમજી લો કે વાત બની ગઈ. ઈન્ટરનેટને કારણે ગ્લોબલ ટૂરિઝમને પણ વેગ મળ્યો છે.  ઈન્ટરનેટ હવે આપણી લાઈફસ્ટાઈલનો એક મહત્વનો હિસ્સો બની ચૂક્યું છે. જોવાનું રહેશે કે, આગામી 30 વર્ષોમાં આ ઈન્ટરનેટ આપણે કયાં લઈ જશે!

રાશિ ભવિષ્ય 16/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,

મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય,


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.

ઝાયરા વસીમની છેડતીના કેસમાં ઉદ્યોગપતિને 3 વર્ષની જેલ

મુંબઈ – 2017ના ડિસેંબરમાં એક વિમાન સફર દરમિયાન બોલીવૂડ અભિનેત્રી ઝાયરા વસીમની કથિતપણે છેડતી કરવા બદલ વિકાસ સચદેવ નામના એક ઉદ્યોગપતિને સ્થાનિક કોર્ટે 3 વર્ષની જેલની સજા ફરમાવી છે.

સચદેવે પોતાના બચાવમાં કહ્યું હતું કે એણે ભૂલથી ઝાયરાને સ્પર્શ કર્યો હતો. પરંતુ, સચદેવે જાણીજોઈને પોતાની છેડતી કરી હતી એવા ઝાયરાનાં આરોપને કોર્ટે માન્ય રાખ્યો છે અને સ્પેશિયલ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સીસ (POSCO) કાયદા હેઠળ 3 વર્ષની સજા ફરમાવી છે.

આ ઘટના બની હતી ત્યારે ઝાયરા સગીર વયની – 17 વર્ષની હતી. એ દિલ્હીથી મુંબઈ ફ્લાઈટમાં આવી રહી હતી ત્યારે એ ઘટના બની હતી. મુંબઈ એરપોર્ટ પર ઉતરીને એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડિયો મૂકીને જણાવ્યું હતું કે પોતે જ્યારે સીટ પર ઊંઘી ગઈ હતી ત્યારે પાછળની સીટ પર બેઠેલા વિકાસ સચદેવે પોતાને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

ઝાયરાએ 2016માં આવેલી ‘દંગલ’ ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનય કર્યો હતો. ત્યારબાદ એણે ‘સીક્રેટ સુપરસ્ટાર’માં પણ અભિનય કર્યો હતો. પરંતુ ગયા વર્ષે એણે જાહેરાત કરી હતી તે પોતાને એના ધર્મ પ્રત્યે વધારે લગાવ હોવાથી એ ફિલ્મલાઈનને છોડી રહી છે.

રશિયામાં PM મેડવેડેવની સરકારે પ્રમુખ પુતિનને રાજીનામું આપ્યું

મોસ્કો – રશિયાના વડા પ્રધાન દમિત્રી મેડવેડેવે આજે દેશના પ્રમુખ વ્લાદિમીર પુતિનને પોતાનું અને એમની કેબિનેટનું રાજીનામું સુપરત કરી દીધું છે.

સેવા બજાવવા બદલ પુતિને મેડવેડેવનો આભાર માન્યો છે, પરંતુ એવી ટકોર કરી છે કે વડા પ્રધાનની સરકાર એને માટે નક્કી કરવામાં આવેલા તમામ મુદ્દાઓ પર યોગ્ય રીતે કામગીરી બજાવવામાં નિષ્ફળ ગઈ છે.

રશિયન મિડિયામાં અહેવાલો છે કે પુતિન હવે મેડવેડેવને રાષ્ટ્રપતિ માટેની સુરક્ષા પરિષદના નાયબ વડા બનાવશે.

મેડવેડેવ પુતિનના ઘણા જૂના ગાઢ સહયોગી છે. એ 2012ની સાલથી રશિયાના વડા પ્રધાન તરીકે ફરજ બજાવતા આવ્યા છે. 2008-2012ના ચાર વર્ષના સમયગાળામાં એ રશિયાના પ્રમુખપદે હતા.

પુતિને મેડવેડેવની કેબિનેટના સભ્યોને કહ્યું છે કે નવી કેબિનેટની રચના ન થાય ત્યાં સુધી તેઓ કામગીરી બજાવતા રહે.

પુતિને આજે સવારે રાષ્ટ્રને કરેલા વાર્ષિક સંબોધનને પગલે પુતિનનું રાજીનામું આવ્યું છે.

પુતિને પોતાના સંબોધનમાં દેશના બંધારણમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. તેઓ બંધારણમાં એવો સુધારો લાવવા માગે છે કે જેથી વડા પ્રધાન તથા કેબિનેટના સભ્યોની સત્તામાં વધારો થાય.

7 કંપની રૂ .8,812 કરોડનાં કમર્શિયલ પેપર્સ BSE પર લિસ્ટ કરશે

મુંબઈ – ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, જુલિયસ બેર કેપિટલ (ઈન્ડિયા), ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી સિક્યુરિટીઝ, શ્રીરામ સિટી યુનિયન ફાઈનાન્સ અને કેઈસી ઈન્ટરનેશનલે તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.4,000 કરોડ, રૂ.1,750 કરોડ, રૂ.1,075 કરોડ, રૂ.1,000 કરોડ, રૂ.490 કરોડ, રૂ.477 કરોડ અને રૂ.20 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 16 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 84 ઈશ્યુઅરોના રૂ.1,97,882 કરોડના કમર્શિયલ પેપર્સના 677 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 148 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.06 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (15 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.5,41,269 કરોડ (76.52 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,36,894 કરોડનું ભંડોળ (33.42 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (15 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,43,376 કરોડ (133.09 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

‘લંડન આઈ’ જેવું મુંબઈમાં બનાવાશે ‘મુંબઈ આઈ’

મુંબઈ – લંડનમાં પર્યટકોમાં અતિ લોકપ્રિય થયેલું વિરાટ કદનું જે ‘લંડન આઈ’ જાયન્ટ વ્હીલ છે એવું મુંબઈ શહેરમાં ‘મુંબઈ આઈ’ મહારાષ્ટ્ર સરકાર બનાવવા માગે છે.

‘મુંબઈ આઈ’ જાયન્ટ વ્હીલ પરથી 800 ફૂટ ઊંચેથી મુંબઈનું દર્શન કરી શકાશે.

આ જાણકારી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આજે પત્રકારોને આપી હતી.

રાજ્ય સરકારે બાન્દ્રા-વરલી સી લિન્ક પાસે અને ટોલ પ્લાઝા પાસેની જગ્યામાં આ મહાકાય ઓબ્ઝર્વેશન વ્હીલ બનાવવાનું નક્કી કર્યું છે. આ મુદ્દે આજે રાજ્યની સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લંડનમાં ‘લંડન આઈ’ ઓબ્ઝર્વેશન વ્હીલ થેમ્સ નદીના કાંઠે બનાવવામાં આવ્યું છે.

કોસ્ટલ રેગ્યૂલેશન ઝોન (CRZ) તથા અન્ય મંજૂરીઓ મેળવવામાં અવરોધ ઊભો ન થાય એવી જગ્યાએ ‘મુંબઈ આઈ’ બનાવવામાં આવશે, એમ અજીત પવારે પત્રકારોને જણાવ્યું.

‘મુંબઈ આઈ’ બંધાયા બાદ મુંબઈ તરફ પર્યટકોની સંખ્યા વધશે. આ ‘મુંબઈ આઈ’માંથી મુંબઈ શહેરનું વિહંગાવલોકન કરવાની પર્યટકોને અને મુંબઈગરાંઓને તક મળશે, એમ પણ પવારે કહ્યું.

‘લંડન આઈ’ ગગનચૂંબી જાયન્ટ વ્હીલ છે. એ 135 મીટર ઊંચું છે અને તે 1999ની 31 ડિસેંબરથી પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દર વર્ષે ‘લંડન આઈ’ જોવા માટે આશરે 35 લાખ પર્યટકો આવે છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે શિવરી ઉપનગરમાં મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પ્રોજેક્ટના પ્રથમ ગર્ડર બેસાડવાના કામકાજનો શુભારંભ કરાવ્યો હતો.

ગાંધીનગર: ભારતીય કૌશલ્ય સંસ્થાનનો શિલાન્યાસ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ગાંધીનગરના નાસ્મેડ ગામે ભારતીય કૌશલ્ય સંસ્થાનો શિલાન્યાસ કર્યો. ટાટા ગ્રુપ દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગની સાથે ભારતીય કૌશલ્ય સંસ્થા,  નોટ-ફોર-પ્રોફિટ જાહેર ખાનગી ભાગીદારી મોડ પર વિકસાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સંસ્થાને જમીન પૂરી પાડી છે, ત્યારે જયારે ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ મૂડી રોકાણમાં ફાળો આપી રહ્યું છે.

રાજ્ય સરકારે ઇન્સ્ટિટ્યુટ માટે નાસ્મેડ ખાતે 20 એકર જમીન ફાળવી છે. ૭૦ ટકા પાસ-આઉટને રોજગાર આપવાનું લક્ષ્ય રાખીને તેની કામગીરી શરૂ થયાના પાંચ વર્ષ પછી ઇન્સ્ટિટ્યૂટમાંથી દર વર્ષે ઓછામાં ઓછા 5000 વિદ્યાર્થીઓ પાસ થશે. શ્રમ અને રોજગાર વિભાગના  અધિક   મુખ્ય સચિવ વિપુલ મિત્ત્રાએ જણાવ્યું હતું કે ભારતીય કૌશલ્ય સંસ્થાઓ સંરક્ષણ, એરોસ્પેસ, તેલ અને ગેસ અને તકનીક જેવા ઉચ્ચ વિશિષ્ટ ક્ષેત્રોની માંગને પહોંચી વળવા તાલીમ પૂરી પાડવા અને ઉચ્ચ કુશળ તકનીક વિકસાવવા માટે છે.

ભારતીય કૌશલ્ય સંસ્થાઓ, ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ(આઈઆઈએમ) અને આઈઆઈટીની તર્જ પર પ્રીમિયર તાલીમ સંસ્થાઓ તરીકે ઉભરી આવશે અને યુવાનો માટે વ્યાવસાયિક તાલીમ પ્રેરણાદાયક  બનાવશે તેવી અપેક્ષા છે. યુવાનોને ભવિષ્યના ઉભરતા અને ઉચ્ચ માંગવાળા ક્ષેત્રો માટે જરૂરી યોગ્ય તાલીમ અને કુશળતાથી સજ્જ કરવા માટેનું એક મોટું પગલું છે.

 

દિગ્ગીરાજા મેદાનમાં: મોદી-શાહે ઝાકિર નાઈકને ઓફર કર્યાનો આક્ષેપ

ભોપાલ: મની લોન્ડ્રિંગના આરોપી ઝાકિર નાઈકને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે આવી ગઈ છે. પહેલા ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, તે ઝાકિર નાઈકનું સમર્થન કરે છે. ત્યારપછી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કરતા કહ્યું કે, મોદી અને શાહે ઝાકિર નાઈકને એક ડીલ ઓફર કરી હતી. દિગ્વિજય સિંહે કહ્યું કે, ઝાકિર નાઈકે નિવેદન આપ્યું હતું કે, મોદી અને શાહે તેમને આર્ટિકલ 370 હટાવવાની વાતનું સમર્થન કરવાની વાત કહી હતી. એટલું જ નહીં ઝાકિર નાઈકને આ કામના બદલે તેમની સામે ચાલી રહેલા તમામ કેસ પણ બંધ કરવાની ઓફર કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, ઝાકિર નાઈક પર મની લોન્ડ્રિંગના અનેક કેસ ચાલી રહ્યા છે અને તે ભારતમાંથી ફરાર છે. આ ઉપરાંત તે પોતાના વિવાદિત નિવેદનોને લીધે પણ ચર્ચામાં રહ્યા છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ અને દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ ઝાકિર નાઈકના ટ્રસ્ટમાંથી ફાયદો મેળવી રહી છે. કોંગ્રેસ અને નાઈક વચ્ચે હંમેશાથી સારા સંબંધો રહ્યા છે. હવે દિગ્વિજયે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. એટલું જ નહીં ભાજપે એવો પણ આરોપ લગાવ્યો કે, દિગ્વિજય સિંહ પોતે ઝાકિર નાઈકને શાંતિ દૂત ગણાવતા આવતા રહ્યા છે.

આ આરોપો પર જવાબ આપતા દિગ્વિજય સિંહે કહ્યું કે, સપ્ટેમ્બર 2019માં ઝાકિર નાઈકે એક નિવેદનમાં કહ્યું હતું કે, મોદી અને શાહે તેમનો એક સંદેશાવાહક(મીડિયેટર) મોકલ્યો હતો. જેના માધ્યમથી ઝાકિર નાઈકને કહેવામાં આવ્યું હતું કે તે આર્ટિકલ 370 હટાવવાના સમર્થન કરે. એના બદલામાં સરકાર એની સામેના બધા કેસ બંધ કરી દેશે અને એને ભારતમાં આવવા દેશે. મોદીએ ને શાહે આ બયાનની નિંદા કેમ ન કરી? દિગ્વિજય સિંહે ઝાકિર નાઈકનો એક વિડિયો ટ્વીટર પર શેર કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર હુમલો બોલ્યો હતો. ભાજપે આ સામે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ પોતે જાકિર નાઈક પાસેથી ફંડ લે છે. દિગ્વિજિય સિંહે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય સત્તાવાર રીતે ઝાકિર નાઈકનું સમર્થન નથી કર્યું, પણ એમણે એ વાત સ્વીકારી કે મુંબઈમાં એકવાર એમણે નાઈકના મંચ પરથી સાંપ્રદાયિક સદભાવ સંમેલનને સંબોધન આપ્યું હતું.

ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ મુદ્દે કહ્યું કે હું મોદી અને શાહની ટીમનો માણસ છું પણ મને નાઈકસંબંધિત કોઈ જાણકારી નથી. દિગ્વિજય સિંહ ખોટી અફવા ફેલાવી દેશનું વાતાવરણ ખરાબ કરી રહ્યા છે.

એમેઝોન ભારતમાં લઘુ ઉદ્યોગો માટે અબજ ડોલર ઈન્વેસ્ટ કરશે

મુંબઈ – એમેઝોન.કોમ કંપનીના વડા જેફ બેઝોસે જાહેરાત કરી છે કે એમની કંપની ભારતમાં લઘુ તથા મધ્યમ સ્તરના ઉદ્યોગોને ઓનલાઈનમાં મદદરૂપ થવા એક અબજ ડોલર (રૂ. 7000 કરોડથી વધુ)નું મૂડીરોકાણ કરશે. આ ઉપરાંત કંપની ભારતમાં-નિર્મિત 10 અબજ ડોલરની કિંમતની (મેક ઈન ઈન્ડિયા)ચીજવસ્તુઓની 2025 સુધીમાં નિકાસ કરવા કટિબદ્ધ છે એવું પણ તેમણે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ઓનલાઈન રીટેલ ગ્લોબલ કંપનીએ ભારતમાં અગાઉ 5.5 અબજ ડોલરની કિંમતનું મૂડીરોકાણ કરવાનું વચન આપ્યું હતું. અમેરિકાની બહાર ભારત દેશ એમેઝોનની સૌથી મહત્ત્વની માર્કેટ છે અને વ્યાપાર વૃદ્ધિ માટે અગ્રસર દેશ છે.

એમેઝોન કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર બેઝોસ ભારતની ત્રણ-દિવસની મુલાકાત માટે આવ્યા છે. એમણે તેમની આ મુલાકાતનો આરંભ આજે સવારે અહીં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક ખાતે દર્શન કરીને કર્યો હતો. ત્યારબાદ એમણે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે આયોજિત એમેઝોન SMBhav શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલન એમેઝોન ઈન્ડિયા દ્વારા લઘુ તથા મધ્યમ સ્તરના ઉદ્યોગો માટે મિલન સમારંભ તરીકેનો હતો.

 

બેઝોસે કહ્યું કે અમે ભારતના લાંબા ગાળાના ભાગીદાર બની રહેવા પ્રતિબદ્ધ છીએ. હવે પછીના પાંચ વર્ષમાં એમેઝોન ભારતભરમાં સૂક્ષ્મ તથા લઘુ ઉદ્યોગોને ડિજિટાઈઝ કરવા માટે 1 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. કંપની આ ઉદ્યોગોને એ રીતે વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ થશે. આ નિર્ણયને પગલે એમેઝોન 2025ની સાલ સુધીમાં ભારતમાંથી મેક ઈન ઈન્ડિયા ચીજવસ્તુઓની 10 અબજ ડોલરની કિંમતની નિકાસ કરશે.

બેઝોસે કહ્યું કે એમેઝોનના આ મૂડીરોકાણથી ભારતમાં સમૃદ્ધિ વધશે અને લાખો લોકોને એમાં આવરી શકાશે.

કંપનીએ અગાઉ એવી જાહેરાત કરી હતી કે એના ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ અંતર્ગત 2023ની સાલ સુધીમાં ભારતમાંથી પાંચ અબજ ડોલર જેટલી ઈ-કોમર્સ નિકાસ કરશે.

એમેઝોનના સ્થાપક બેઝોસે કહ્યું કે, 21મી સદી ભારતની સદી બની રહેવાની છે. આ દેશમાં કંઈક વિશેષ છે, એ છે તેનું સાહસીપણું. 21મી સદીમાં સૌથી મહત્ત્વનો સહયોગ ભારત અને અમેરિકા વચ્ચેનો બની રહેશે.

બેઝોસ ભારતમાંના રોકાણ દરમિયાન અનેક ટોચના સત્તાધિશો તથા ઉદ્યોગક્ષેત્રના મહારથીઓને મળશે એવી ધારણા છે.

જોકે એમેઝોન અને અમેરિકાસ્થિત વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓથી ભારતનાં નાના સ્ટોર્સના માલિકો-વેપારીઓ નારાજ છે અને તેઓ બેઝોસની મુલાકાત સામે દેશના 300 જેટલા શહેરોમાં વિરોધ નોંધાવવાના છે. આ વેપારીઓએ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ સંસ્થા બનાવી છે.

બેઝોસ છેલ્લે 2014માં ભારતની મુલાકાતે આવ્યા હતા. એ વખતે તેમણે એમેઝોનની ભારતીય પેટા-કંપનીને રૂ. બે અબજ ડોલરનો ઈન્વેસ્ટમેન્ટનો ચેક આપ્યો હતો.

એમેઝોન તેની યોજના અંતર્ગત ભારતના શહેરો અને ગામડાઓમાં 100 ડિજિટલ હાટ્સની રચના કરવાની છે.

હાલ ભારતમાં એમેઝોન ઈન્ડિયા માર્કેટપ્લેસ પર સાડા પાંચ લાખથી વધુ સેલર્સ છે અને કંપની 60 હજારથી વધારે ભારતીય ઉત્પાદનો તથા બ્રાન્ડ્સની દુનિયાભરમાં નિકાસ કરે છે.