Home Blog Page 4524

ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કઢાવવા પોલીસે રૂપિયાની ઓફર કરી: નિખિલ સવાણી

અમદાવાદઃ જેઅનયુ હિંસાને પગલે ગયા મંગળવારે શહેરના પાલડીમાં આવેલા ABVPના કાર્યાલય પાસે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી થઈ હતી જેમાં NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ નિખિલ સવાણીને એસવીપી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. આજે તેમને ડિસ્ચાર્જ કરાયા પછી હોસ્પિટલમાંથી સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને પત્રકાર પરિષદ કરીને પોતા સાથે બનેલી ઘટના મીડિયા સમક્ષ રજૂ કરીને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

સવાણીએ કહ્યું છે કે, મારા સહિત NSUIના કાર્યકરો પર હુમલા એ પૂર્વાયોજિત ષડયંત્રનો એક ભાગ હતો અને તેનો દોરીસંચાર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ કર્યો હતો. ખુદ પ્રદીપસિંહે તે વખતે પોતાની નજીક આવીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાનું જણાવી સવાણીએ ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કઢાવવા પોલીસે રૂપિયાની ઓફર કરી હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે.

નિખિલ સવાણીએ કહ્યું હતું કે, તે દિવસે જે થયું તે કાંઈ અચાનક વણસેલી વાત નહોતી. ABVPના નેતાઓ અને કાર્યકરોએ અગાઉથી જ ષડયંત્ર રચી રાખ્યું હતું કે કોને ટાર્ગેટ કરવા અને કોને પતાવી દેવા. હું રેલીમાં NSUIના કાર્યકરો સાથે હતો તે સમયે જ પ્રદીપસિંહ એકાએક મારા તરફ ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે, તું જ નિખિલ છો ને… મેં હા પાડી એટલે તેમણે મારો કોલર પકડીને મારા માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હું લોહી નિતરતી હાલતમાં હતો અને કાંઈ સમજું તે પહેલાં જ પ્રદીપસિંહ અને સાગરીતો ખસી ગયા અને પછી મહિલાઓ મારા તરફ ધસી આવી હતી.

પોલીસની કામગીરી પર પણ પ્રહાર કરતા નિખિલે કહ્યું હતું કે, હું જ્યારે લોહી નિતરતી હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ગયો ત્યારે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ મારી પાસે દોડી આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે, કોઈ પણ ભોગે ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કાઢી નાંખવું પડશે. આ માટે તારે જે જોઈતું હોય તે અમે આપવા તૈયાર છીએ. તારે જે મદદ જોઈએ, જે ફેસિલિટી જોઈએ, રૂપિયા જોઈએ તો રૂપિયા બોલ… જે જોઈએ તે આપવા તૈયાર છીએ. પણ આ ફરિયાદમાંથી ગમે તે ભોગે આ બંનેના નામ કાઢવા જ પડશે.

સવાણીએ કહ્યું હતું કે, આ સમગ્ર મામલે પોલીસની ભૂમિકા પર જ પ્રશ્નો થાય છે. એક તો પોલીસ તે સમયે ત્યાં હાજર હતી અને ABVPના ગુંડાઓ અમને મારી રહ્યા હતા ત્યાં સુધી પોલીસે કશું કર્યું નહોતું. જ્યારે NSUIના કાર્યકરોએ સ્વબચાવ કર્યો તો પોલીસ ઊલટાનું અમારી પર તૂટી પડી. હવે પોલીસ સરકારની સ્ક્રીપ્ટ મુજબ જ કામ કરે છે અને અમારી તો ફરિયાદ પણ લેતી નથી. કોઈની ફરિયાદ જ ન નોંધાય તે ક્યાંની લોકશાહી કહેવાય?

હું રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી ઈરાન પરમાણુ હથિયાર પ્રાપ્ત નહી કરી શકેઃ ટ્રમ્પ

નવી દિલ્હીઃ ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી ઈરાન પરમાણુ હથિયાર પ્રાપ્ત નહી કરી શકે. તેમણે કહ્યું કે ઈરાનના અસ્થિર રાષ્ટ્ર હોવાના દિવસો પૂરા થવાના છે. સાથે જ તેમણે કહ્યું કે ઈરાન દ્વારા મિસાઈલ હુમલામાં એક પણ અમેરિકીનું મોત થયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનનું હવે પતન થઈ રહ્યું છે જે દુનિયા માટે સારી વાત છે. ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની મહત્વકાંક્ષા છોડવી જ પડશે. ઈરાનને આતંકવાદનું સમર્થન છોડવું પડશે. અમે ઈરાન સાથે એવી સમજૂતી કરવાનો પ્રયત્ન કરીશું કે જેનાથી દુનિયાને શાંતી તરફ આગળ વધારી શકાય.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન એક સારો દેશ બની શકે છે. શાંતિ અને સ્થિરતા મધ્ય-પૂર્વમાં ત્યાં સુધી સ્થાપિત નહી થઈ શકે જ્યાં સુધી ઈરાનમાં હિંસા ચાલુ રહેશે. વિશ્વને એકજુટ થઈને ઈરાન વિરુદ્ધ એ સંદેશ જાહેર કરવો પડશે કે ઈરાન દ્વારા ચલાવવામાં આવી રહેલા ટેરર કેમ્પેનને આગળ વધારવાની મંજૂરી નહી આપવામાં આવે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મધ્ય-પૂર્વમાં નાટોની ભૂમીકાને વધારવાની જરુર છે. જનરલ કાસિમ સુલેમાની આખા વિશ્વમાં સિવિલ વોરની સ્થિતિ સર્જી રહ્યો હતો. તેના આ પ્રયાસમાં અમારા હજારો સૈનિકો માર્યા ગયા છે. ઈરાન અમારી સહાયતા કરવાની જગ્યાએ અમેરિકાના મોતની માંગણી કરી રહ્યો હતો. ઈરાન આતંકના રસ્તે આગળ વધ્યું અને ન્યૂક્લિયર ડીલ દ્વારા આખા વિસ્તારને નર્ક બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાન વિરુદ્ધ ચીન, રશિયા, ફ્રાંસ અને બ્રિટનને અમેરિકાનો સાથ આપવો જોઈએ. તેમણે કહ્યું કે ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની અમેરિકા વિરુદ્ધ મોટુ ષડયંત્ર રચી રહ્યો હતો. તેમણે કહ્યું કે અમે બગદાદીને પણ માર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની આતંકવાદી હતો. તેણે અમેરિકી નાગરિકોની હત્યા કરી હતી. ઈરાનને આતંકવાદ વિરુદ્ધ અમેરિકાનો સાથ આપવો જોઈએ, પરંતુ તે આતંકવાનો પ્રયોજક બની ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ આઈએસઆઈએસના 10 હજાર જેટલા આતંવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનની ઉપર વધારે કડક પ્રતિબંધો લગાવવામાં આવશે. પેટ્રોલિયમ અને ઈંધણ પર ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પાસે પર્યાપ્ત માત્રામાં ઓઈલ અને નેચરલ ગેસ છે. અમેરિકા દુનિયાનું સૌથી મોટુ ઉત્પાદક છે. આપણે મધ્ય-પૂર્વથી તેલ લેવાની કોઈ જરુર નથી.

સુરત: ટ્રકમાં LPG સિલિન્ડરો ફાટતાં આગ લાગી; સ્કૂલબસ આબાદ બચી ગઈ

સુરત: સુરતના ઓલપાડમાં આજે મોટી દુર્ઘટના ઘટી હતી. વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડરો ભરેલી બસ અને શાળાની બસ વચ્ચે ટક્કર થઈ હતી અને ત્યારબાદ ભીષણ ધડાકા સાથે આગ લાગી હતી. ટ્રકમાંના સિલિન્ડરો હવામાં ઉછળ્યા હતા અને ધડાકાભેર ફાટ્યા હતાં. અવાજ એટલો મોટો હતો કે  આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. આગ લાગતા ટ્રકમાં રહેલા સિલિન્ડરો એક પછી એક ફાસ્ટ હતાં. રાહતની વાત એ છે કે આ બસના 20થી વધુ બાળકોને બચાવી લેવાયા છે.સુરતના ઓલપાડના માસમા ગામે મોટી દુર્ઘટના થઈ હતી. આજે વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડરો ભરીને જઈ રહેલી ટ્રક સાથે સામાન્ય બસ ટકરાતા ગાડી પલટી મારી ગઈ હતી. ઘટના આજે સવારે આશરે સાડા છ વાગ્યે ઓલપાડ રોડ પર બની હતી. ઓલપાડના માસમા ગામે ગેસના બાટલાઓ લઈને જતી ઈન્ડિયન ઓઈલ કંપનીની ટ્રક સાથે અન્ય ટ્રકની ટક્કર થતા ગાડી પલટી ખાઈ ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ બસ સાથે સિલિન્ડરો ભરેલી ટ્રક અથડાયા બાદ તેના એન્જિનમાં આગ લાગી હતી. આગની લપેટોમાં સિલિન્ડરો આવતા વિસ્ફોટ થવાના શરૂ થઈ ગયાં હતા. જોતજોતામાં તો આખી ટ્રક આગની જ્વાળાઓમાં હોમાઈ ગઈ હતી. તે જ સમયે ત્યાંથી રેડિયન્ટ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી જે આગની લપેટમાં આવી ગઈ હતી. બસ ભડભડ સળગી ઉઠી હતી. જો કે રાહતની વાત એ રહી કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બસના તમામ બાળકોને રેસ્ક્યુ કરી લેવાયા હતા.અકસ્માતના પગલે થોડા સમય માટે રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. આગ પર કાબુ મેળવી લેવાયા બાદ જો કે રોડ ખુલ્લો કરાયો હતો. આગની જાણ થતા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

16 વિદેશી રાજદૂતો જમ્મુ-કશ્મીરની મુલાકાત માટે શ્રીનગર પહોંચ્યાં

શ્રીનગર – લેટિન અમેરિકા, આફ્રિકા અને મધ્યપૂર્વ વિસ્તારોના અમુક દેશોનાં 16 રાજદૂતો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની મુલાકાત માટે આજે અહીં આવી પહોંચ્યાં છે. તેઓ અહીં બે દિવસ રહેશે અને પ્રદેશમાંની સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવશે.

આ રાજદૂતો નાગરિક સમાજનાં આગેવાનોને પણ મળવાના છે.

આજના પ્રતિનિધિમંડળમાં બ્રાઝિલ, ઉઝબેકિસ્તાન, નાઈઝર, નાઈજિરીયા, મોરોક્કો, ગયાના, આર્જેન્ટિના, ફિલિપીન્સ, નોર્વે, માલદીવ, ફિજી, ટોન્ગો, પેરુ તેમજ બાંગ્લાદેશના રાજદૂતોનો પણ સમાવેશ થાય છે.

2019ના ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે યુરોપીયન સંસદના 23 સભ્યોને કશ્મીરની મુલાકાત લેવાની પરવાનગી આપી હતી. એ નેતાઓ સ્થાનિક લોકોને મળ્યા હતા અને પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભાજપ-એનડીએ સરકારે જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની વિવાદાસ્પદ કલમ 370ને 2019ની પાંચમી ઓગસ્ટે રદ કરી હતી. અને સાથોસાથ, જમ્મુ-કશ્મીરનો રાજ્યનો દરજ્જો રદ કરી એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો. 370મી કલમ રદ થવાથી ભારતના સામાન્ય કાયદાઓ આ નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ થયા છે. જમ્મુ અને કશ્મીર રાજ્યનો દરજ્જો રદ કરીને કેન્દ્ર સરકારે એનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરી દીધું છે. એક છે જમ્મુ અને કશ્મીર અને બીજો છે લડાખ.

 

યુરોપીયન યુનિયનના દેશોના રાજદૂતો આજની મુલાકાતમાં જોડાયા નથી. એમણે કહ્યું છે કે તેઓ કોઈ અન્ય તારીખે જમ્મુ-કશ્મીર જશે. એ લોકો જમ્મુ-કશ્મીરના 3 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો – ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મેહબૂબા મુફ્તીને મળવા માગે છે, જેમને સરકારે નજરકેદમાં રાખ્યા છે.

16 વિદેશી રાજદૂતો આજે જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર જી.સી. મૂર્મૂ તથા અન્ય અધિકારીઓને પણ મળશે અને આવતીકાલે દિલ્હી જવા રવાના થશે.

બંધારણની 370મી કલમને રદ કરાયા બાદ કશ્મીર ખીણપ્રદેશમાં પ્રવર્તતી પરિસ્થિતિની જાતતપાસ કરવા માટે ત્યાં જવા દેવા માટે અનેક દેશોનાં રાજદૂતોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.

દ્રષ્ટિમર્યાદા છતાં સૌથી નાની ઉંમરમાં મેળવી પીએચડી

હૈદરાબાદ: શારીરિક મર્યાદા છતાં ઘણા લોકો પોતાની કાબેલિયત સિદ્ધ કરી બતાવે છે. હૈદરાબાદની જ્યોત્સના ફનિજા દિવ્યાંગ છે. દ્રષ્ટિહીન છે, પણ માત્ર 25 વર્ષની ઉંમરમાં એણે પીએચડી પૂરી કરી લીધી છે. આ એક વિક્રમ છે. જ્યોત્સના ભારતીય વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી સાહિત્યમાં સૌથી નાની ઉંમરમાં પીએચડી પૂરી કરનાર વિદ્યાર્થી બની છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે જ્યોત્સના જન્મજાત અંધ છે. ઈગ્લિશ એન્ડ ફોરેન લેન્ગ્વેજ યુનિવર્સિટીમાંથી એણે આ ઉપલબ્ધિ મેળવી છે. દસમા ધોરણ સુધી એણે બ્લાઈન્ડ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું, જ્યાત્સનાને જ્યારે એક કોલેજના પ્રિન્સિપાલે એડમિશન આપવાની મનાઈ કરી હતી એને એણે પચકાર તરીકે લીધું હતું.

એના પીએચડીનો વિષય પોસ્ટ કોલોનિયલ વુમન રાઈટર્સ હતો. એણે 10 લેખો ને 6 સંશોધનપત્રો લખેલો છે. 2011માં એ નેટ પાસ થઈ ગઈ હતી. એને શૈક્ષણિક લાયકાતને આધારે હવે દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી ગઈ છે.

150 પેસેન્જર ટ્રેનોના ખાનગીકરણની તૈયારીમાં મોદી સરકાર!!

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 150 પેસેન્જર ટ્રેનોને પ્રાઈવેટ પ્લેયરોના હાથમાં સોંપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયની સાર્વજનિક ખાનગી ભાગીદારી મૂલ્યાંકન સમિતિએ આ પ્રોજેક્ટના સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્લાન હેઠળ 150 ટ્રેનોને 100 જેટલા રૂટ પર ચલાવવામાં આવશે. રેલ મંત્રાલય આ પ્લાનને કાર્યાન્વિત કરવા માટે કામ કરી રહી છે. પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે હરાજી પ્રક્રિયા કરવામાં આવશે. મહત્વનું છે કે, ભારતની સૌથી પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ છે જેને હાલમાં જ લીલી ઝંડી આપવામાં આવી. ખાનગી કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહેલી તેજસ એક્સપ્રેસ પ્રથમ ટ્રેન છે.

તેજસ પછી હવે રેલવે મંત્રાલય 150 ટ્રેન અને 50 સ્ટેશનોનું ખાનગીકરણ કરવાની તૈયારીમાં છે. રેલવે મંત્રી અને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત વચ્ચે વાતચીત પછી રેલવે મંત્રાલયે આ નિર્ણય લીધો છે. રેલવે મંત્રી સાથેની બેઠક પછી નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવને પત્ર લખ્યો હતો, જેના અનુસાર એ નક્કી થયું કે, પ્રથમ તબક્કામાં 150 ટ્રેનોના પરિચાલનનું કામ ખાનગી ઓપરેટરોને આપવામાં આવશે. રેલવેના 100 રૂટ ઉપર ખાનગી ટ્રેન દોડાવવા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કંપની પણ રસ દાખવી શકશે જે કંપનીને ટુરીસ્ટ અને રેલવે સેકટરનો અનુભવ હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે.

પત્રમાં આગળ લખ્યું છે કે, પંસદગી કરેલા 400 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવાના હતા પણ અનેક વર્ષોના પ્રયાસો છતા પણ એ થઈ શક્યું નહીં, માત્ર અમુક મામલાઓને છોડીને જ્યાં ઈપીસી મોડ મારફતે કામ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ નિર્ધારિત સમય પર ન પહોંચી તો તેમાં પ્રવાસ કરનાર મુસાફરોને વળતર ચૂકવવામાં આવશે. જેમાં નિયમ અનુસાર જો ટ્રેન એક કલાકથી વધુ મોડી પડશે તો મુસાફરને 100 રૂપિયા અને બે કલાકથી વધુ મોડી પડશે તો 250 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. એટલું જ નહીં આ ટ્રેનમાં યાત્રા કરનાર મુસાફરોને 25 લાખ રૂપિયાનું વિમા કવચ પણ આપવામાં આવશે. આ ઉપરાંત જો યાત્રા દરમ્યાન લૂંટફાટ કે સામાન ચોરીની ઘટના પર એક લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે.

રાશિ ભવિષ્ય 09/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય,


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.

સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી શહીદોનાં કુટુંબીજનોને સહાય

મુંબઈ – શહેરમાં પ્રભાદેવી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ તરફથી જમ્મુ-કશ્મીરના પુલવામા વિસ્તારમાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા દેશના જવાનોનાં કુટુંબીજનોની મદદ અર્થે રૂ. 51 લાખની રકમનું દાન મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવ્યું છે.

સીઆરપીએફના અધિકારી સંજય લાટકરને ચેક સુપરત

મંદિર ટ્રસ્ટે આ ઉપરાંત મુંબઈમાં પોલીસ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનસામગ્રીઓની ખરીદી કરવા માટે દોઢ કરોડ રૂપિયાનું બીજું દાન પણ આપવામાં આવ્યું છે.

આ બંને દાનની રકમના ચેક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સુપરત કરવામાં આવ્યા હતા જે બાદમાં સંબંધિત વિભાગને સુપરત કરી દેવામાં આવ્યા હતા.

ગયા વર્ષે પુલવામા હુમલામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો માટે રૂ. 51 લાખની સહાયતાના દાનનો ચેક ઠાકરેને સુપરત કરવામાં આવ્યો એ વખતે સીઆરપીએફ માટેના પોલીસ અધિકારી સંજય લાટકર પણ ઉપસ્થિત હતા. ઠાકરેએ એ ચેક લાટકરને સુપરત કર્યો હતો.

એ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ આદેશ બાંદેકર તથા અન્ય સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેને ચેક સુપરત

મુંબઈમાં પોલીસ હોસ્પિટલમાં અત્યાધુનિક ઉપકરણોની ખરીદી કરવા માટે દોઢ કરોડ રૂપિયાની રકમનો ચેક ઉદ્ધવ ઠાકરેના હસ્તે મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેને સુપરત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના શનિવારે સંસદમાં રજૂ કરાશે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. 2019માં સત્તા પર ફરી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપનું આ પહેલું પૂરા-વર્ષનું બજેટ હશે.

1 ફેબ્રુઆરીના શનિવારે મુંબઈ શેરબજાર (બીએસઈ) ખુલ્લું રાખવામાં આવશે. શનિવાર સામાન્ય રીતે બીએસઈમાં રજાનો દિવસ હોય છે તે છતાં આ વખતે બજેટનો દિવસ હોઈ શેરબજાર ચાલુ રાખવામાં આવશે, એમ બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહામે આજે એક બિઝનેસ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.

કેન્દ્રીય બજેટ દર વર્ષે ફેબ્રુઆરીના આખરી કામકાજના દિવસે સંસદમાં રજૂ કરવાની બ્રિટિશ હકૂમતના વખતની પ્રથા દાયકાઓ સુધી ચાલુ રખાઈ હતી, પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે એ પ્રથાનો 2017માં અંત લાવી દીધો હતો અને જાહેરાત કરી હતી કે બજેટ હવેથી વહેલું, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

આ નિર્ણય લેવા પાછળ સરકારનો આઈડિયા એવો છે કે બજેટને લગતી તમામ પ્રક્રિયા 31 માર્ચ સુધીમાં પૂરી થઈ જાય તેથી યોજનાઓના અમલ માટે ખર્ચ કરવાનું 12-મહિનાનું કામકાજ 1 એપ્રિલથી શરૂ થઈ શકે.

નાણાં મંત્રાલયના સૂત્રોએ અગાઉ એવો નિર્દેશ કર્યો હતો કે આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે એવી ધારણા છે અને કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે દેશનું અર્થતંત્ર વિકાસ પામી શકે એ માટે બજેટ અંગે તેમને જે કોઈ સૂચન, ઈચ્છા, માગણી કે અપેક્ષા હોય તો તેઓ સરકારને જણાવી શકે છે.

કેન્દ્રીય બજેટ દેશની 130 કરોડની જનતાની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશના વિકાસનો માર્ગ નક્કી કરે છે. તેથી હું આપણને આમંત્રણ આપું છું કે તમે આ વર્ષના બજેટ માટે તમારા વિચારો અને સૂચનો MyGov ઉપર અને આ લિન્ક પર શેર કરો. https://www.mygov.in/group-issue/inviting-ideas-and-suggestions-union-budget-2020-2021/https://t.co/zVCL06TdLn