મુંબઈઃ શાહરૂખ ખાન સાથે ‘ફેન’ ફિલ્મમાં ચમકેલી અભિનેત્રી શીખા મલ્હોત્રાને સ્ટ્રોક આવ્યા બાદ મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. શીખાનાં શરીરના જમણા ભાગને માઠી અસર પડી છે. એ બરાબર રીતે બોલી શકતી નથી. આ જાણકારી એની પબ્લિક રિલેશન્સ મેનેજરે આપી છે.
હજી એક મહિના પહેલાં જ શીખા કોરોના વાઈરસની બીમારીમાંથી સાજી થઈ હતી.
શીખા પોતે નર્સિંગ વ્યવસાયની ડિગ્રી ધારક છે, એને કોરોના દર્દીઓની સ્વૈચ્છિક દેખભાળ કરતી વખતે કોરોનાનો ચેપ લાગ્યો હતો. એણે લોકડાઉનની શરૂઆતથી જ સેવા આપવાનું શરૂ કર્યું હતું. લગભગ છ મહિના સુધી સેવા આપ્યાં બાદ ઓક્ટોબરમાં એને પોતાને કોરોના થયો હતો.
અબુધાબીઃ અહીં એક રજિસ્ટર્ડ આયુર્વેદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં લોકોને હઠીલા દર્દો માટે વૈકલ્પિક અને પૂરક (કોમ્પ્લીમેન્ટરી) સારવાર આપવામાં આવશે. આ આયુર્વેદ કેન્દ્રનું નામ છે ‘વૈદ્યશાળા’. ત્યાં રજિસ્ટર્ડ આયુર્વેદિક ડોક્ટરો સહિત 10-સભ્યોની ટીમ કામ કરી રહી છે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય ભારતીય મૂળના આયુર્વેદિક વિજ્ઞાન સાથે પરંપરાગત દવાઓના સુમેળનો છે.
આ કેન્દ્રનું ઉદઘાટન અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસના ડેપ્યૂટી ચીફ ઓફ મિશન કુમાર બય્યાપુએ કર્યું હતું. ‘વૈદ્યશાળા’ના વડા છે શ્યામ વિશ્વનાથન. આ કેન્દ્રમાં પીઠનું દર્દ, આર્થરાઈટીસ, જુદા જુદા પ્રકારની એલર્જી, સ્ત્રીઓને લગતા રોગોની પૂરક સારવાર આપવામાં આવશે.
સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં આયુર્વેદને 2002ની સાલમાં રોગનિવારક સારવાર (ક્યૂરેટિવ ટ્રીટમેન્ટ) તરીકે માન્યતા આપવામાં આવી હતી.
મુંબઈ, તા. 11 ડિસેમ્બર, 2020: ભારતના અગ્રણી, અનેકવિધ ઍસેટ્સમાં કાર્યરત તથા વિશ્વના સૌથી વધુ ઝડપી સ્ટૉક એક્સચેન્જ – બીએસઈએ કૃષિપેદાશોનાં ખરીદી-વેચાણ માટે ઓનલાઇન હાજર બજાર શરૂ કર્યું છે. એક્સચેન્જની પેટા કંપની – બીએસઈ ઇન્વેસ્ટમેન્ટ્સ લિ. મારફતે “બીએસઈ ઈ-ઍગ્રિકલ્ચરલ માર્કેટ્સ લિ. (BEAM – ‘બીમ’)” નામે સ્થાપવામાં આવેલા આ ઓનલાઇન મંચ પરથી રાષ્ટ્રીય સ્તરે કામકાજ થઈ શકશે.
કૃષિપેદાશો માટે દેશવ્યાપી એક માર્કેટ ઉપલબ્ધ કરાવવાના વડા પ્રધાનના ધ્યેયને અનુરૂપ સંસ્થાકીય માળખું ધરાવતો આ મંચ ઈલેક્ટ્રોનિકલી તથા પારદર્શક રીતે કાર્ય કરશે. ખેડૂતો, મધ્યસ્થો, પૂરક સેવાઓ પૂરી પાડનારાઓ તથા ગ્રાહકો એ બધા જ લોકો તેની મદદથી કૃષિપેદાશોના હાજર સોદાઓ પાર પાડી શકશે. ‘બીમ‘ મંચ પ્રાયોગિક ધોરણે 11મી ડિસેમ્બર, 2020થી શરૂ થયો છે.
‘બીમ’માં ખેડૂતો, વેપારીઓ તથા અન્ય સહભાગીઓ કૃષિપેદાશોની ખરીદી-વેચાણનું જોખમમુક્ત અને સગવડભર્યું કામકાજ કરી શકે તે માટે અદ્યતન તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રત્યક્ષ ખરીદી-વેચાણ શક્ય હોવાથી કામકાજ કરવાનો ખર્ચ આ મંચની મદદથી ઘટશે, કૃષિપેદાશો પ્રાપ્ત કરવાનું સરળ બનશે, ઉત્પાદકોને વધુ મૂલ્ય પ્રાપ્ત થઈ શકશે તથા ગ્રાહકો પણ સ્પર્ધાત્મક ભાવે ખરીદી કરવા સક્ષમ બનશે. આ મંચ કૃષિપેદાશોની પ્રાપ્તિ તથા ટ્રેડિંગમાં રહેલા અવરોધોને દૂર કરશે.
બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શ્રી આશિષકુમાર ચૌહાણે ‘બીમ‘ના શુભારંભ નિમિત્તે જણાવ્યું હતું કે “ખેડૂતોને તથા ભારતીય અર્થતંત્રને લાભ થાય એ દૃષ્ટિએ કૃષિપેદાશો માટે બીએસઈ પોતાના રાષ્ટ્રવ્યાપી વિતરણ નેટવર્કનો તથા અદ્યતન તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને વૈશ્વિક દરજ્જાનું માળખું પૂરું પાડશે. ‘બીમ‘માં નિયમનબદ્ધ તથા પારદર્શક બજાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેની મદદથી એક સાથે મોટી સંખ્યામાં ખરીદદારો તેનો ઉપયોગ કરી શકશે. રોકડ સીધી લાભાર્થીના બૅન્ક ખાતામાં જમા થશે તથા મધ્યસ્થો પાછળ થતો ખર્ચ ઘટશે.”
‘બીમ‘ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શ્રી રાજેશ સિંહાએ જણાવ્યા મુજબ દેશમાં ખેડૂતોને નુકસાન થાય નહીં એવા કૃષિપેદાશોના હાજર બજાર તરીકે અલાયદી ઈલેક્ટ્રોનિક માર્કેટની જરૂર છે. ‘બીમ‘ આવી જરૂરિયાત પૂરી કરનારી એકમાત્ર કંપની છે. દેશમાં કૃષિપેદાશોનું સક્ષમ અને અસરદાર હાજર બજાર રચવામાં ‘બીમ‘ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
‘બીમ‘ની મદદથી એક રાજ્યના ખેડૂતો બીજાં રાજ્યોનાં બજારોના સંપર્કમાં આવીને પોતાનાં ઉત્પાદનોનું લિલામ કરી શકશે. આ રીતે ખેડૂતોને તથા તેમનાં સંગઠનોને પોતાનાં ઉત્પાદનોની ગુણવત્તાના આધારે ઉચિત ભાવ મળી શકશે અને સાથે સાથે મધ્યસ્થો, પ્રોસેસરો તથા નિકાસકારો વિવિધ રાજ્યોમાંથી ઉત્પાદનોની ખરીદી કરી શકશે.
અમદાવાદઃ કેન્દ્ર સરકારે હાલમાં જ નિર્ણય લીધો હતો કે આયુર્વેદ ડોક્ટરો પણ સર્જરી કરી શકશે. આ નિર્ણય વિરુદ્ધ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ આઠ ડિસેમ્બરે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આઇએમએનું માનવું છે કે આ નિર્ણયથી મિક્સોપથીને પ્રોત્સાહન મળશે. અને દર્દીઓની સ્થિતિ બગડશે. જેથી સરકાર પર નિર્ણય પરત લેવા માટે ડોક્ટરો 12 કલાકની આજે હડતાળ પર છે. આઇએમએ શુક્રવારે આ કારણે રાષ્ટ્રવ્યાપી દબાણ આણવા માટે ડોક્ટરો 12 કલાકની હડતાળ પર છે.
કેન્દ્ર સરકારના નિર્ણય સામે દેશભરમાં 1.10 લાખ ડોક્ટરો હડતાળ પર છે, જેમાં ગુજરાતના 28,000થી વધુ ખાનગી ડોક્ટરો હડતાળ પર જોડાયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચ, અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા તબીબો સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કામકાજથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ હડતાળમાં કોરોના ઉપરાંત ઈમર્જન્સી સેવાઓને કોઈ અસર નહિ થાય, પરંતુ એ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે.
આઇએમએ-ગુજરાતના સેક્રેટરી ડો. કમલેશ સૈનીએ કહ્યું હતું કે શુક્રવારે તમામ પ્રકારની બિન-કોવિડ સેવાઓ બંધ રહેશે. ઇમર્જન્સી, લેબર, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયના વિરોધમાં સુરતમાં પણ શહેરના 3000થી વધુ તબીબો અને 500 જેટલી હોસ્પિટલો અને નર્સિંગ હોમ સવારે છ કલાકથી સાંજે છ કલાક સુધી પોતાના દૈનિક કાર્યથી દૂર રહેશે. જોકે આ સમય દરમિયાન ઇમર્જન્સી અને કોવિડને લગતી સેવાઓ ચાલુ રહેશે.
બેંગલુરુઃ ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) તરફથી આજે આની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રોહિતને ક્રિકેટ મેચ રમવા માટે ફિટ ઘોષિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં આઈપીએલ-2020 દરમિયાન રોહિતના ઘૂંટણની પાછળની બાજુની મોટી નસ ખેંચાઈ ગઈ હતી. પરિણામે એને ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત હતી. રોહિત ગઈ 19 નવેમ્બરે એનસીએમાં ગયો હતો અને ત્યાં રિહેબિલિટેશન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરથી એડિલેડ ઓવલમાં શરૂ થશે, જે ડે-નાઈટ હશે. કેપ્ટન વિરાટ કોહલી એની પત્ની અનુષ્કાને પહેલી ડિલિવરીનો સમય નિકટ આવી ગયો હોવાથી એની પાસે રહેવા માટે પહેલી ટેસ્ટ મેચમાં રમ્યા બાદ તે ભારત પાછો ફરશે. બીજી ટેસ્ટ મેચ 25 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. અને ત્યારબાદ ત્રીજી અને ચોથી મેચ અનુક્રમે સિડની અને બ્રિસ્બેનમાં 6 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીથી રમાશે.
32-વર્ષીય રોહિત હવે 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. જોકે બીસીસીઆઈ તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ રોહિતને 14-દિવસ સુધી હાર્ડ ક્વોરન્ટાઈન અવસ્થામાં અને ભારતીય ટેસ્ટ ટીમથી અલગ રહેવું પડશે. ત્યારબાદ એ છેલ્લી બે ટેસ્ટમેચમાં રમી શકશે.
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી, જેમાં મોડી રાત્રે અને સવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેથી ભરશિયાળે ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં અને મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના વિવિધ જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ, અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદ થતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમને વિવિધ પાકોમાં મોટા નુકસાનનો ભય સતાવી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતાં ખેતીના પાકને નુકસાનની ભીતિ છે. તુવેર સહિત કઠોળના પાક અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને ‘પડ્યા પર પાટુ’ સમાન સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં એક લાખ ગૂણી મગફળી પાણીમાં પલળી જતાં લાખોનું નુકસાન થયું છે.
વડોદરામાં વરસાદ વરસતા વિવિધ પાકને નુકસાન
વડોદરામાં પણ માવઠાને લીધે પાકને નુકસાન થવાની સંભાવના છે. કમોસમી વરસાદ થતાં કપાસ, મકાઈ, તુવેરના પાકમાં જીવાત પડવાની શક્યતાઓ છે. આ સાથે ખેતરમાં ઉગાડેલાં શાકભાજી, ઘાસચારો બગડી જાય અને ખેડૂતોએ કરેલી ખેતી માટેની મહેનત પાણીમાં જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.
જોકે હવામાન ખાતાની આગાહી છે કે આવતી કાલથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો વાતાવરણ સાફ જ રહેવાનું છે. આજે બપોર પછી મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ સ્વચ્છ થવા લાગશે અને અમદાવાદમાં પણ આવતી કાલથી હવામાન રાબેતા મુજબનું થઈ જશે. દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રવિવારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને આકાશ પણ સ્વચ્છ રહેશે.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે વિજયની તકો ઊભી કરવા માટે પાર્ટીના નેતાઓ સતત પ્રયત્નશીલ છે. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા બંગાળની બે-દિવસની મુલાકાતે ગયા છે. ગઈ કાલે એમના કાફલા પર કથિતપણે શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના સમર્થકોએ પથ્થરમારો કરતાં ખળભળાટ મચી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નડ્ડા અને પક્ષના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયને ફોન કરીને તે ઘટનાની જાણકારી મેળવી હતી.
નડ્ડાનો કાર કાફલો ગઈ કાલે ડાયમંડ હાર્બર વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે અમુક કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. નડ્ડાની કાર બુલેટપ્રુફ હતી એટલે તેઓ તો બચી ગયા હતા, પણ વિજયવર્ગીયને હાથ પર ઈજા થઈ છે. આ હુમલા બાદ ભાજપ વધારે આક્રમક મૂડમાં આવી ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંગાળમાં પ્રવર્તતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અહેવાલ મોકલવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. રાજ્યના ગવર્નર જગદીપ ધનકરે અહેવાલ મોકલ્યો છે અને કહ્યું છે કે નડ્ડાના કાફલા પર જ્યારે હુમલો કરાયો હતો ત્યારે કાફલા માટે સુરક્ષા બંદોબસ્ત પૂરતો નહોતો.
ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ મૂકીને ટીએમસી સરકાર અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીને સીધો પડકાર ફેંક્યો છે અને ધમકી આપી છે કે અમારી સરકાર આવશે તો અમે બદલો લઈશું, વ્યાજ સાથે વસૂલ કરીશું.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 97 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,398 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 414 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 97,96,769 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,42,186 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 92,90,834 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,63,749એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.83 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
રિજિયોનલ કોરોના વેક્સિન સ્ટોરેજ કેન્દ્ર તૈયાર
કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત વેક્સિનના સ્ટોરેજ તેમ જ વિતરણ માટે વહીવટી તંત્ર દ્વારા હાલ જોરશોરથી આયોજન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે રિજિયોનલ વેક્સિન સ્ટોર પૂર્ણ ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યું હોવાનુ આરોગ્ય અને તબીબી સેવાઓ, વિભાગીય નિયામક ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું છે. રાજકોટમાં આઠ જિલ્લા અને ત્રણ મહાનગરપાલિકામાં વેક્સિન સપ્લાય કરવામાં આવશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ તમારું વોટર આઇડી-કાર્ડ હવે આધાર કાર્ડની જેમ ડિજિટલ થઈ જશે. ચૂંટણી પંચ વોટર કાર્ડને ડિજિટલ સ્વરૂપે લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. એક વાર અંતિમ નિર્ણય લઈ લેવાઈ જાય એ પછી મતદાતા પોતાના વોટર ઓળખ કાર્ડને ડાઉનલોડ કરી શકશે અને ડિજિટલ વર્ઝનના માધ્યમથી મતદાન પણ કરી શકશે. ડિજિટલી સેવા આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીથી પહેલાં દેશભરના મતદાતાઓ માટે ઉપલબ્ધ થાય એવી શક્યતા છે.
ચૂંટણી પંચનાં સૂત્રોના જણાવ્યા મુજબ પોલ પેનલ યોજના તૈયાર છે અને કમિશન આગળ વધવાની મંજૂરી આપે એ પછી મતદાતાઓને આ સુવિધા ટૂંક સમયમાં એ આપવામાં આવશે. એનો લાભ લેવા માટે નવા નોંધાયેલા અને હાલના મતદાતાઓએ મતદાતા હેલ્પલાઇન એપના માધ્યમથી કેટલીક ઔપચારિકતાઓ પૂરી કરવાની રહેશે.
આ ડિજિટલ વોટર કાર્ડમાં બે QR કોડ હશે. આમાં એક કોડમાં મતદાતાનું નામ, પિતાનું નામ, ઉંમર, જાતિ અને ફોટાની માહિતી હશે અને બીજા QR કોડમાં સરનામું, ક્રમાંક સહિત અન્ય માહિતી હશે.
આ સાથે ચૂંટણી પંચની દેશવાસીઓ માટે યોજના પૂરી થાય એ પછી વિદેશમાં વસતા મતદાતાઓને પણ આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. હાલમાં તેમની પાસે ફિઝિકલ વોટર ઓળખ કાર્ડ નથી આપવામાં આવ્યાં. આ સુવિધા એ મતદાતાઓ માટે લાભકારક હશે, જેમની ટ્રાન્સફર કે અન્ય કોઈ કારણસર સરનામાં બદલાય છે અને તેમણે નવા મતદાન કેન્દ્રોમાં નામ નોંધાવવાની જરૂર પડે છે. આ સિવાય જે મતદાતાઓનાં ચૂંટણી કાર્ડ ખોવાઈ જાય છે અને નવા કાર્ડ માટે અરજી કરે છે અથવા કરવી પડે છે, તેઓ આ સેવાનો ઉપયોગ નવાં કાર્ડ મેળવવા માટે કરી શકશે.
મુંબઈઃ રક્તનો સ્ટોક ઘટી રહ્યો હોવાથી દર્દીઓને પડી રહેલી તકલીફને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યમાં સરકાર-સંચાલિત હોસ્પિટલોમાં 12મી ડિસેમ્બરથી દર્દીઓને મફતમાં લોહી પૂરું પાડવું. યોગાનુયોગ, 12 ડિસેમ્બરે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારનો 80મો જન્મદિવસ છે. મહારાષ્ટ્રમાં ‘મહાવિકાસ આઘાડી’ની સંયુક્ત સરકારમાં શિવસેના, કોંગ્રેસની સાથે એનસીપી પણ ભાગીદાર છે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જાણકારી આપી છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં આવતા શનિવાર, 12 ડિસેમ્બરથી 36 જિલ્લા હોસ્પિટલો, 200 સબ-જિલ્લા હોસ્પિટલો, 350 પ્રાદેશિક હોસ્પિટલો, 5,000 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 1,800 સબ-સેન્ટરો સહિત રાજ્ય સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને રક્ત મફતમાં પૂરું પાડવામાં આવશે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ સૂચિત પહેલનો અમલ કરવામાં આવશે. રાજ્ય સરકારી હોસ્પિટલો ઉપરાંત, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલો અને રાજ્યમાં મેડિકલ કોલેજો સાથે સંલગ્ન હોસ્પિટલોમાં પણ રક્ત મફતમાં પૂરું પાડવામાં આવશે.
એનસીપીના વિધાનસભ્ય રાજેશ ટોપેએ ગઈ કાલે એમના પક્ષનાં સાથી અને એનસીપીનાં લોકસભા સદસ્ય સુપ્રિયા સુળેની સાથે રક્તદાન કર્યું હતું. એમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં 344 સક્રિય બ્લડ બેન્ક્સ છે. લોકો રક્તદાન કરવા આગળ આવે એવી અપીલ પણ ટોપેએ કરી છે.