Home Blog Page 4550

સમાવિષ્ટની શક્તિ

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

હું જે અનુભવુ છું, અથવા કોઈ પ્રકારની પરિસ્થિતિ કે અમુક પ્રકારના લોકોને મળુ છું ત્યારે, હું એ ક્ષણે માત્ર બેસું છું, અને ફક્ત તેમને જ જોઉં છું અને મારે તેમના વિશે વિચારવાની પણ જરૂર નથી. હું તે લોકોને મારો જ ભાગ ગણું છું. જે રીતે હું પોતાની સાથે વાત કરું છું તે રીતે તેમની સાથે વાત કરું છું. જ્યારે પણ તમે પોતાની સાથે વાત કરો છો, ત્યારે તમે ખુલ્લા મને વાત કરો છો. તેમાં કોઈ મુશ્કેલી કે અડચણ આવતી નથી; અને આ કોઈ મોટી વાત નથી. તમે માત્ર એ કરો છો જે કરવાની જરૂર છે. 

એકવાર જો સમાવિષ્ટ કરવાની સંભાવના ઉત્પન થશે, તો જાગરૂકતા અને ચેતના કુદરતી રીતે આવી જશે. જાગરૂકતા જીવન છે અને જીવન જાગરૂકતા છે. આ સીવાય અન્ય કોઈ માર્ગ નથી. આ ઉપેક્ષાના કારણે જ જાગરૂકતાનો અભ્યાસ જરૂરી છે. સમાવિષ્ટ કરવાની ભાવનાથી લોકો પોતાની જાતને બાકાત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓએ પોતાની જાતને સંકુચિત રાખવા માંગે છે. 

આમાંથી બહાર  નિકળવા, ચેતનાની જરૂર છે અને ચેતના એ વ્યક્તિગત નથી. ચેતના હંમેશા સર્વનો સ્વીકાર કે સમાવિષ્ટ કરવા સમાન છે. જો તમે સભાન છો, તો બધું સમાવિષ્ટ કરી શકો છો. તમારે આત્મવિશ્વાસ કે આત્મસંદેહની જરૂર નથી. તમે કોઈપણ ખચકાટ વગર તમારી બૌદ્ધિક ક્ષમતા અને સંપૂર્ણતાથી કોઈ પણ કાર્ય કરી શકો છો. 

ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે, સંકોચ મહાપાપ છે. ખૂબ અજૂગતુ લાગે છે, નહીં? હત્યા એ મહાપાપ નથી. લુંટ પણ મોટું પાપ નથી. દુષ્કર્મએ પણ પાપ નથી. સંકોચ મહાપાપ છે. કારણે કે સંકોચમાં તમે જીવી શકતા નથી. કૃષ્ણ એ જીવનના હકારાત્મ કથન સમાન છે. તેઓ કોઈ શિખામણ નથી આપતા. શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં સંકોચથી મોટો કોઈ અર્ધમ નથી. આનો અર્થ એ નથી કે તમે આ પાપ સીવાય અન્ય પાપ કરવા માટે મુક્ત છો. તમારા વિચાર અને બુદ્ધિ સક્ષમ છે, કે તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ. 

આજના સમયમાં લોકો વિશિષ્ટતાની ભાવના ગ્રહણ કરીને બેઠાં છે અને પીડાય છે. મજાની વાત એ છે કે મોટાભાગના લોકો આ પીડાથી અજાણ છે. કારણે કે તેઓ સભાનપણે આ માને છે કે આ જ રીતે, વિશિષ્ટ બની ને તમે દુનિયા નું ધ્યાન આકર્ષિત કરી શકો છો. ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિઓમાં, બાળપણથી જ આ ભાવના, બાળકોને વિશિષ્ટતાની ટ્રેનિંગ આપવામાં આવે છે. વિશેષ્ટતાની ભાવના એ અત્યંત ખરાબ રોગ છે, કારણ કે એક વખત લાગુ પડ્યા પછી તેમાંથી મુક્ત નથી મળતી. તમે જ્યાં પણ જાઓ છો, ત્યાં તમારી વિશિષ્ટ્તા સાબિત કરવા માટે કંઈક મૂર્ખતાપૂર્ણ કામ કરવું પડે છે. ઇશા યોગ આપને વિશેષ બનાવવા માટે નહીં પરંતુ અસાધારણ બનાવવા માટે છે.

જુના બ્રોશર્સમાં અમે કહેતા ‘ઇશા યોગ- સાધારણ થી અસાધારણ’. લોકો વિચારતા તે જો તેઓ કાર્યક્રમમાં ભાગ લેશે તો તેઓ વિશિષ્ટ બની જશે. તેઓના આગમન પછી, હું તેમને કહેતો કે ના, તમે બીજા કરતાં પણ સાધારણ બનશો, અસાધારણ!! ‘જ્યારે તમે વિશિષ્ટ બનવા માટે કોઈ ખાસ પ્રયત્ન નથી કરતા, જ્યારે તમે બસ સામાન્ય બનો છો ત્યારે તમે અસાધારણ રીતે ઝળકી ઊઠો છો. તમામ પ્રકારની સ્વીકારૂતિ એ અસાધારણ લક્ષણ છે. એ જીવવાનો માર્ગ છે. જ્યારે હું સમાવિષ્ટ કહું છું, એ મારી કોઈ ફિલસૂફી કે એવું કાંઈ નથી કે જેનું મેં સર્જન કર્યું હોય – આ એક સનાતન વસ્તુ છે. જો તમે તમારી જાતને વિશિષ્ટ માનો છો, તો શા માટે તમે અન્ય કોઈની જેમ શ્વાસ લો છો? અલગથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરીને જુઓ, તમે મારી જશો. આ સમાવિષ્ટતા ના કારણે જ જીવનની પ્રક્રિયા થઈ રહી છે. 

જ્યારે અમે સમાવિષ્ટતા વિશે વાત કરીએ છીએ, ત્યારે અમે તમને કોઈ નવી ફિલસૂફી શીખવી નથી રહ્યા. અમે સામાન્ય જીવન વિષે વાત કરી રહ્યા છીએ. તે સામાન્ય છે. પણ સાથે ભવ્ય પણ છે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

પંચાંગ 07/12/2020

સલમા આગાની પુત્રી ઝારાને બળાત્કારની ધમકી આપનાર પકડાયા

મુંબઈઃ પાકિસ્તાનમાં જન્મેલાં બ્રિટિશ અભિનેત્રી સલમા આગાની દીકરી ઝારા ખાન પર બળાત્કાર કરવાની ઈન્સ્ટાગ્રામ પર ધમકી મળ્યા બાદ એમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. ઓશિવરા (જોગેશ્વરી) પોલીસે આ મામલે બે જણને અટકમાં લીધા છે. એમાં 23 વર્ષની એક યુવતી છે. માહિતી અનુસાર, આરોપી નૂરા યુવતી હૈદરાબાદની છે. તે એમબીએનું ભણે છે. ઈન્સ્ટાગ્રામ પર એણે પોતાનો નકલી પ્રોફાઈલ બનાવ્યો છે.

નૂરા અને તેનો સાથી કોઈક રાજકીય પક્ષ માટે કામ કરે છે. એ બંનેએ ઝારા ખાનને ધમકી આપી હતી. ઝારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સાઈબર સેલને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસો આઈપી એડ્રેસના માધ્યમથી આરોપીઓ સુધી પહોંચ્યા હતા.

ઝારા ખાન બોલીવૂડમાં નસીબ અજમાવી રહી છે. એણે અર્જૂન કપૂર સાથે ઔરંગઝેબ ફિલ્મમાં કામ કરીને બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ એ દેશી કટ્ટા ફિલ્મમાં પણ જોવા મળી હતી. પાકિસ્તાની મૂળની સલમા આગાનો જન્મ લંડનમાં થયો હતો. તરૂણાવસ્થામાં એ બોલીવૂડમાં નસીબ અજમાવવા ભારત આવી હતી. બી.આર. ચોપરા દિગ્દર્શિત નિકાહ સાથે એમણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. દેખાવે સુંદર ઉપરાંત સલમા આગા ગાયિકા તરીકે પણ જાણીતાં થયાં છે.

લાલબાગ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટતાં 16 ઘાયલ

મુંબઈઃ મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલી ગણેશ ગલીના સારાભાઈ મકાનના બીજા માળ પર આજે સવારે લગભગ સાત વાગ્યાના સુમારે ગેસનું સિલિન્ડર ફાટ્યું હતું જેને કારણે 16 જણ ઘાયલ થયા હતા.

એક બંધ ઘરમાં રાખેલું સિલિન્ડર ફાટ્યું હતું અને એને કારણે આગ લાગી હતી. ધડાકાને કારણે બાજુના ઘરની દીવાલ પણ તૂટી ગઈ હતી અને એ ઘરની વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. તે ઘરમાં લગ્નનો પ્રસંગ હતો અને સિલિન્ડર વિસ્ફોટને કારણે નવવધુનાં પિતા મહેશ રાણે ગંભીર રીતે જખ્મી થયા છે.

બનાવની જાણ થતાં અગ્નિશામક દળના જવાનો તાત્કાલિક વોટર ટેન્કરો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી. લગ્ન માટે લાવેલી તમામ ચીજવસ્તુઓ આગને કારણે નાશ પામી હતી. ઈજાગ્રસ્તોમાંના 12 જણને કેઈએમ હોસ્પિટલમાં અને બીજા ચાર જણને ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થયા બાદ મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે  ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

ભારતીય સેનાની સ્વર્ણિમ વિજય વર્ષ સાઈક્લોથોનનું સમાપન

લોન્ગેવાલા (રાજસ્થાન): પશ્ચિમી ક્ષેત્રના સરહદીય જિલ્લાઓમાં કોણાર્ક કોર દ્વારા આયોજિત સ્વર્ણિમ વિજય વર્ષ સાઈક્લોથોનનું આજે 1971 કિલોમીટર પૂરા થતા લોન્ગેવાલા નગરમાં સમાપન કરવામાં આવ્યું. ટીમનું સ્વાગત કર્નલ હેમ સિંહ (સેવાનિવૃત્ત), સેના મેડલ 10 PARA SF દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ 1971ની સાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે ‘ચાચરો છાપામાર’ ટૂકડીના સભ્ય હતા. યુદ્ધ વખતે ભારતીય સેનાએ દુશ્મનો પર એ છાપો માર્યો હતો. 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતના વિજયની સુવર્ણ જયંતિ નિમિત્તે આ સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

1971 કિ.મી.ની સાઈક્લોથોન ઝુંબેશના અંતિમ ચરણનું નેતૃત્ત્વ લેફ્ટેનન્ટ જનરલ અનિલ પુરી, સેના મેડલ, વિશિષ્ય સેવા મેડલ, જનરલ ઓફિસર કમાન્ડિંગ, કોણાર્ક કોરે કર્યું હતું. લોન્ગેવાલા નગરમાં રહેતા સેવાનિવૃત્ત લશ્કરી અધિકારીઓ, જવાનોએ કોણાર્ક કોર ટીમના સ્વાગત સમારોહમાં હાજરી આપી હતી. આ સાઈક્લોથોનની શરૂઆત 26 નવેમ્બર, 2020ના રોજ ગુજરાતના લખપતમાં સીમા ચોકી ખાતેથી કરવામાં આવી હતી.

સાઈક્લોથોનના સંચાલન દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં જુદા જુદા સ્થળોએ અનેક ચિકિત્સા શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતપૂર્વ સૈનિકો અને એમના પરિવારજનોની ચિકિત્સા તપાસ કરવામાં આવી હતી અને એમને આવશ્યક દવાઓનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. સાઈકલચાલકોએ સ્થાનિક લોકોમાં કોવિડ-19 બીમારી અંગે જાગૃતિ ફેલાવવાનું પણ કામ કર્યું હતું. 1971ના યુદ્ધના દિગ્ગજ અધિકારીઓ તથા અન્ય ભૂતપૂર્વ જવાનોએ લોન્ગેવાલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

T20I સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કર્યું

સિડનીઃ વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે અહીં આજે બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6-વિકેટથી હરાવીને ત્રણ-મેચોની સિરીઝ 2-0થી કબજામાં લઈ લીધી છે. ત્રીજી અને સિરીઝની આખરી મેચ 8-ડિસેમ્બરે આ જ સ્થળે રમાશે. ભારત પહેલી મેચ 11-રનથી જીત્યું હતું. કોહલીએ ટોસ જીત્યો હતો અને ઈજાગ્રસ્ત આરોન ફિન્ચની જગ્યાએ સુકાનીપદ સંભાળનાર ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર અને ઓપનર મેથ્યૂ વેડની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ વેડના 58 (32), સ્ટીવન સ્મીથના 46 (38), મોઝીસ હેન્રીક્સના 26 (18)રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં  5 વિકેટે 194 રનનો સ્કોર કર્યો હતો. ભારતે તેના જવાબમાં 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે 195 રન કરીને મેચ જીતી લીધી હતી.

ભારતના દાવમાં ઉલ્લેખનીય સ્કોરકર્તા રહ્યાઃ શિખર ધવન 52 (36), વિરાટ કોહલી 40 (24), કે.એલ. રાહુલ 30 (22), હાર્દિક પંડ્યા અણનમ 42 (22) અને શ્રેયસ ઐયર અણનમ 12 (5). ટ્વેન્ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમનો વિદેશની ધરતી પર આ સતત 10મો વિજય છે. (વેસ્ટ ઈન્ડિઝમાં 3, ન્યૂઝીલેન્ડમાં પાંચ અને ઓસ્ટ્રેલિયામાં 2). ભારતની આગળ હવે માત્ર અફઘાનિસ્તાન છે, જેણે 12 મેચ જીતી છે. હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના દાવ વખતે એણે સ્ટીવન સ્મીથનો કેચ પણ પકડ્યો હતો.

ખેડૂતોના સમર્થનમાં બોક્સર વિજેન્દ્ર સિંહ પણ જોડાયો

નવી દિલ્હીઃ હરિયાણાના ભિવાની-નિવાસી અને ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલવિજેતા બોક્સર વિજેન્દર સિંહે આજે દિલ્હીના સિંઘુ વિસ્તારમાં ખેડૂતોના આંદોલનની એક સભામાં હાજરી આપી હતી અને એવી ધમકી આપી હતી કે જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તો પોતે એનો ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ સરકારને પરત કરી દેશે.

35 વર્ષીય કોંગ્રેસી નેતા વિજેન્દર સિંહે કહ્યું હતું કે હવે બહુ થયું. જો સરકાર ખેડૂતોની માગણીઓને સાંભળશે નહીં તો ખેડૂતોના સમર્થનમાં મેં મારો ખેલરત્ન એવોર્ડ પાછો આપી દેવાનું નક્કી કર્યું છે. હું ખેડૂતો અને લશ્કરી જવાનોના પરિવારમાંથી આવું છું. તેથી એમની પીડા અને ચિંતાને હું સમજી શકું છું. હવે સમય આવી ગયો છે કે સરકાર એમની માગણીઓ પર ધ્યાન આપે.

વિજેન્દર સિંહે 2008ની બીજિંગ ઓલિમ્પિક્સમાં પુરુષોની બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારતે આ રમતમાં જીતેલો તે પહેલો જ ઓલિમ્પિક મેડલ હતો. 2009માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેની આ બે સિદ્ધિને પગલે એને ‘ખેલ રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બીજિંગ ઓલિમ્પિક્સ દરમિયાન ભારતીય બોક્સિંગ ટીમના ઈન-ચાર્જ રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રીય બોક્સિંગ કોચ ગુરબક્ષ સિંહ સંધુએ પણ ધમકી આપી છે કે જો સરકાર ખેડૂતોની માગણીઓ નહીં સ્વીકારે તો પોતે એમનો ‘દ્રોણાચાર્ય એવોર્ડ’ પાછો આપી દેશે.

મુંબઈમાં ‘મહાપરિનિર્વાણ દિવસ’ નિમિત્તે આંબેડકરને અપાઈ શ્રદ્ધાંજલિ…

ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના હિમાયતી ‘ભારત રત્ન’ ડો. બાબાસાહેબ આંબેડકરના પુણ્યતિથિ દિવસ 6 ડિસેમ્બરને ‘મહાપરિનિર્વાણ દિન’ તરીકે મનાવવામાં આવે છે. આજે, રવિવારે 64મા મહાપરિનિર્વાણ દિવસને મુંબઈના દહિસર (પૂર્વ)ના કેતકીપાડા વિસ્તારમાં દલિત સમાજના લોકોએ મીણબત્તી પેટાવીને ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. (તસવીરોઃ દીપક ધુરી)

મહાપરિનિર્વાણ દિવસે દલિત લોકો બોરીવલી ઉપનગરના ગોરાઈ વિસ્તારમાં આવેલા ગ્લોબલ વિપસ્સના મેડિટેશન સેન્ટર ‘પેગોડા’ની મુલાકાતે પણ જતા હોય છે, પરંતુ આ વખતે કોરોના વાઈરસ રોગચાળાને કારણે પેગોડાને 5-7 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો મહાનગરપાલિકા તંત્રએ આદેશ આપ્યો છે તેથી એ સૂમસામ દેખાય છે.

કૃષિ કાયદાઓના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના ધરણા

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાઓએ સંગઠન પ્રભારી રાજીવ સાતવની આગેવાની હેઠળ ગાંધીનગરમાં સત્યાગ્રહના સ્તરે ધરણા કર્યા છે અને કેન્દ્રીય કૃષિ કાયદાઓની જોગવાઈઓને નાબૂદ કરવામાં આવે એવી માંગણી કરી છે. કોંગ્રેસના નેતાઓએ ખેડૂત સંગઠનોએ એલાન કરેલા 8 ડિસેમ્બરના ‘ભારત બંધ’માં જોડાવાની લોકોને અપીલ કરી છે.

ખેડૂતોના અધિકારોની રક્ષા માટે કોંગ્રેસ પાર્ટીએ આજે સત્યાગ્રહનું આયોજન કર્યું હતું. કેન્દ્ર સરકારે આ કાયદા દ્વારા ખેડૂતો પર વજ્રાઘાત કર્યો છે એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે ભાજપ સરકાર ત્રણ કૃષિ કાયદા હિટલરશાહી ઢબે લાવી છે. આમ કરીને તેણે ખેડૂતોની પીઠ પર ઘા કર્યો છે, કારણ કે તેનાથી એમને કોઈ ફાયદો નહીં થાય. આ કાયદાઓથી દેશના અર્થતંત્રને નુકસાન પણ પહોંચ્યું છે. ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનને વિશ્વના તમામ દેશો સમર્થન આપી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર ખેડૂતોને સબસિડી આપવા માગતી  નથી. ખેડૂતોને સસ્તા ભાવે સિંચાઈ માટે પાણી પણ નહીં મળે અને કેન્દ્ર સરકારે ખેડૂતોનું શોષણ કરવાનો કારસો રચ્યો છે. આ કાયદાઓથી તો દેશમાં ખેડૂતો ખતમ થઈ જશે.

 

તામિલનાડુમાં હવે વાવાઝોડું ‘અર્ણબ’ ફૂંકાવાની સંભાવના

ચેન્નાઈઃ તામિલનાડુનાં લોકોએ છેલ્લા બે અઠવાડિયામાં બે ચક્રવાતી વાવાઝોડા – ‘નિવાર’ અને ‘બુરેવી’નો સામનો કર્યો છે. એમની તકલીફનો હજી અંત આવવાનો નથી. હવે એક ત્રીજું વાવાઝોડું ફૂંકાવાની તૈયારીમાં છે, જેનું નામ અપાયું છે ‘અર્ણબ’.

તામિલનાડુ રાજ્યમાં છેલ્લા કેટલાક વખતમાં એક ડઝન કરતાંય વધારે વાવાઝોડા ફૂંકાઈ ચૂક્યા છે. નવું વાવાઝોડું હિંદ મહાસાગરમાં આકાર લઈ રહ્યું છે. વાવાઝોડાને ‘અર્ણબ’ નામ વાંચીને ઘણાયને આશ્ચર્ય થશે, પણ આ નામને મોટી બૂમો પાડીને રિપબ્લિક ટીવી ચેનલ ગજાવતા પત્રકાર અર્ણબ ગોસ્વામી સાથે કશી લેવાદેવા નથી. વાસ્તવમાં, ભારતીય ઉપખંડ અને દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તારમાં જેમના આકાશ પર ચક્રવાતી વાવાઝોડા આકાર લઈ રહ્યા છે તેવા 13 દેશોએ આ વર્ષે ફૂંકાવાની સંભાવનાવાળા 169 વાવાઝોડાઓને ચોક્કસ નામ આપ્યા છે. ‘અર્ણબ’ નામ પણ એમાંનું એક છે.

બંગાળના અખાત અને અરબી સમુદ્ર પરના આકાશમાં આકાર લેતા વાવાઝોડાઓના નામોની યાદી આ 13 દેશોએ તૈયાર કરી છેઃ ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતર, સાઉદી અરેબિયા, યૂએઈ અને યમન. દરેક દેશે આઠ-આઠ નામ આપ્યા હતા.