Home Blog Page 4553

‘ગુજકોસ્ટ’ માસિકનું લોકાર્પણ

અમદાવાદઃ રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ હરિત શુક્લા દ્વારા ‘ગુજકોસ્ટ’ માસિકનું પ્રથમ સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વિજ્ઞાનની લોકપ્રિયતા અને ઉપલબ્ધ તકોથી સંબંધિત માહિતીના પ્રસાર માટે ‘ગુજકોસ્ટ’ ડી.એસ.ટી. દ્વારા આયોજિત અને તેમના સમર્થન સાથે જાગૃતિ અને પ્રવૃત્તિને ફેલાવવાની આ પહેલ કરી છે.

આ માસિકની સંપૂર્ણ રચના ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહોના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. આ માસિક દર મહિને ડિજિટલ ફોર્મેટમાં પ્રકાશિત કરવામાં આવશે અને ‘ગુજકોસ્ટ’ વેબસાઇટમાંથી મળી શકશે અને તેના વ્યાપક ફેલાવા માટે સોશિયલ મિડિયા હેન્ડલ પર પણ મૂકવામાં આવશે.

‘ગુજકોસ્ટ’ સતત “વિજ્ઞાનમાં રોકાણ, ભવિષ્યમાં રોકાણ”ના લક્ષ્યને હાસંલ કરવા માટે કાર્યરત છે. આ માસિક એ દિશામાં વધુ એક પગલું આગળ છે. તે બધાને તક પૂરી પાડે છે જેઓ તેનાથી વંચિત રહી ગયા છે. આ ઈ-બુક ‘ગુજકોસ્ટ’ વેબસાઇટ એટલે કે https://gujcost.gujarat.gov.in/ પર મફત ઉપલબ્ધ છે.

 

 

 

અમદાવાદનાં સેન્ટરોમાં પોલીસ જવાનોનાં કોરોના ટેસ્ટિંગ કરાયાં

અમદાવાદઃ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓનાં 16 જેટલાં સ્થળોએ ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એક તરફ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાના નવા કેસ સતત વધતા જાય છે. દિવાળી જેવા તહેવાર, ઉત્સવો અને ઋતુમાં ફેરફારને કારણે  સંક્રમણ વધતાં અમદાવાદ જેવા મોટા શહેરમાં રાત્રિ દરમિયાન સંચારબંધી લાદી દેવામાં આવી છે.

કોરોનાએ જ્યારનો પગપેસારો કર્યો અને લોકડાઉન શરૂ થયું. ક્યાંક કરફ્યુ પણ લાદવામાં આવ્યા ત્યારથી માર્ગો પર ઊભા રહી તમામ પ્રકારની કામગીરીમાં પોલીસ વિભાગ ખડેપગે ઊભો રહ્યો છે. ઘણા પોલીસ કર્મચારીઓ સંક્રમિત પણ થયા, પણ પોલીસ વિભાગનું કામ માસ્ક વહેંચવાથી માંડી, ભૂખ્યા ને ભોજન પહોંચાડવા, પરપ્રાંતીય શ્રમિકોને ઘેર મોકલવા જેવી અનેક કામગીરીમાં અવ્વલ રહ્યો છે. ફરી એક વાર પોલીસ કર્મચારીઓ સંક્રમિત છે કે નહીં એ ટેસ્ટિંગ કરવા સેન્ટરો ખોલવામાં આવ્યાં.

સંનિષ્ઠ પોલીસ જવાનોનો જોશ વધારવા અને ખબરઅંતર પૂછવા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીએ જે સ્થળોએ કોરોના ટેસ્ટિંગ થયું, એ સ્થળોની મુલાકાત લીધી હતી.

જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીએ કોરોના ટેસ્ટિંગ ના સ્થળે મુલાકાત લઇ ડોકટર્સ અને પોલીસ ફોર્સનું મનોબળ વધાર્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સબસ્ટિટ્યૂટ ચહલ ચમક્યોઃ ભારત પહેલી T20I 11-રનથી જીત્યું

કેનબેરાઃ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં બોલિંગ કરવા ઉતરેલા લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 3-વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયાનો આજે અહીં પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત સામે 11-રનથી પરાજય થયો છે. ટોસ હારી જતાં પહેલા બેટિંગ કરવાનું જણાવાયા બાદ ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા હતા. એમાં ડાબોડી બેટ્સમેન જાડેજાનો ફાળો માત્ર 23 બોલમાં પાંચ ચોગ્ગા, એક છગ્ગા સાથે અણનમ 44 રન હતો. ભારતના દાવની આખરી ઓવરમાં બેટિંગ કરતી વખતે જાડેજાને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનો એક શોર્ટ બોલ માથા પરની હેલ્મેટ પર વાગ્યો હતો. એ વખતે તો જાડેજાના માથાની ઈજાની તપાસ કરાઈ નહોતી, કારણ કે ચાર બોલ જ બાકી હતા. બાદમાં, ઈનિંગ્ઝ બ્રેક વખતે ભારતીય ટીમે જાડેજાને આરામ આપવાનું નક્કી કર્યું હતું. નિયમ અનુસાર, ભારતે કન્કશન સબસ્ટિટ્યૂટ માટે માગણી કરી હતી. જાડેજા ટીમનો અગ્રગણ્ય સ્પિનર હોવાથી એની જગ્યાએ ચહલને સામેલ કરવાની ભારતે કરેલી વિનંતીનો મેચ રેફરી ડેવિડ બૂને સ્વીકાર કર્યો હતો. ચહલ બોલિંગમાં ચમક્યો હતો અને પોતાના હિસ્સાની 4 ઓવરમાં 25 રન આપીને કેપ્ટન આરોન ફિન્ચ (35), સ્ટીવ સ્મીથ (12) અને વિકેટકીપર મેથ્યૂ વેડ (7) જેવી કિંમતી વિકેટો પાડી હતી. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ફાસ્ટ બોલર ટી. નટરાજને પણ 3 વિકેટ લીધી હતી.

ભારતના દાવમાં ઓપનર અને વિકેટકીપર કે.એલ. રાહુલ 51 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. જાડેજાએ એની આગવી સ્ટાઈલમાં બેટિંગ ન કરી હોત તો ભારતનો સ્કોર પાંગળો બની ગયો હોત. શિખર ધવન (1) અને કેપ્ટન વિરાટ કોહલી (9) નિષ્ફળ ગયા બાદ સંજુ સેમસને 23, મનીષ પાંડેએ 1, હાર્દિક પંડ્યાએ 16 રન કર્યા હતા. સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરે સિડનીમાં અને ત્રીજી તથા આખરી મેચ 8 ડિસેમ્બરે સિડનીમાં જ રમાશે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા પર ભારતનો છેલ્લી 10 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં આ છઠ્ઠો વિજય છે. આ મેચ પૂર્વેની વન-ડે ઈન્ટરનેશનલ્સ સિરીઝ ભારત 1-2થી હારી ગયું હતું.

વરુણ, નીતુ કપૂરને કોરોના થયો; ફિલ્મનું શૂટિંગ સ્થગિત

મુંબઈઃ આગામી હિન્દી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ સ્થગિત કરી દેવું પડ્યું છે, કારણ કે એના બે કલાકારો – વરુણ ધવન અને નીતુ સિંહ-કપૂરને તેમજ દિગ્દર્શક રાજ મહેતાને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. આ સૌ ફિલ્મના આઉટડોર શૂટિંગ માટે થોડા દિવસ પહેલાં ચંડીગઢ ગયા હતા.

ફિલ્મફેર.કોમના અહેવાલ મુજબ, કલાકારો અને દિગ્દર્શકને કોરોના થતાં શૂટિંગ સ્થગિત કરી દેવાયું છે. ફિલ્મના અન્ય બે મુખ્ય કલાકારો – અનિલ કપૂર અને કિયારા અડવાનીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. યુનિટમાં બીજી કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. નવેમ્બરના બીજા સપ્તાહમાં ચંડીગઢમાં શૂટિંગ શરૂ કરાયું એ પહેલા જ તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મમાં મનીષ પૌલ અને યૂટ્યૂબ પર થયેલી પ્રાજક્તા કોલી પણ છે. આ ફિલ્મ દ્વારા નીતૂ કપૂર ફિલ્મના પડદા પર પુનરાગમન કરશે. સાત વર્ષ પહેલાં એમણે તેમનાં દીકરા રણબીર કપૂરની ફિલ્મ બેશરમમાં એક્ટિંગ કરી હતી.

કોરોનાના ટેસ્ટ માટે હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થતાં કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડોક્ટરની ભલામણ વગર પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપવામાં આવી છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યાનુસાર ICMRની નવી ટેસ્ટિંગ ગાઇડલાઇન અનુસાર જે નાગરિકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માગતા હોય તેમણે હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં. આરોગ્ય સચિવ દ્વારા આ માટે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વિભાગોને પત્ર લખીને જાણ કરી દેવામાં આવી છે.

ગુજરાત RT-PCR ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા કરાયો

રાજ્યમાં પહેલી ડિસેમ્બરે સરકારે કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોનાના કેસ માટે કરવામાં આવતા RT-PCR ટેસ્ટની કિંમત રૂ. 800 રૂપિયા રહેશે, એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં રૂ. 800 ચાર્જ ચૂકવાની RT-PCR ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.

રાજ્યમાં 14913 સક્રિય કેસો

રાજ્યમાં અત્યાર સુધીમાં 80.33 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 ,14,309ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4031એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 1,93,938 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સક્રિય કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,913 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,817 દર્દીની હાલત સ્થિર છે.

 

 

 

 

 

63 મૂન્સ ટેક્નોલોજીસ ‘સેબી’ના આદેશને પડકારશે

મુંબઈઃ 63 મૂન્સ ટેક્નોલોજીસ કંપનીએ સિક્યોરિટીઝ માર્કેટમાં એસટીપી ગેટ સર્વિસીસ પૂરી પાડવા માટેની મંજૂરી નકારનારા સેબીના આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે. સેબીનો આદેશ આશ્ચર્ય સર્જનારો છે અને તેનાથી બજારનું કામકાજ ખોરવાઈ શકે છે. માર્કેટની નિયમનકાર સંસ્થા આવો આદેશ આપે એ બાબત માનવામાં આવે એવી નથી, એવું કંપનીનું કહેવું છે.

કંપનીએ જણાવ્યા મુજબ સેબીએ ત્રીજી ડિસેમ્બરના રોજ બહાર પાડેલો આદેશ એસટીપી ગેટ સર્વિસ બાબતે છે. ગ્રુપની અન્ય ટેક્નોલોજી સર્વિસીસ સાથે તેનો કોઈ સંબંધ નથી. જો કે, એસટીપી ગેટ સર્વિસીસનો બજારહિસ્સો 97 ટકા છે. આવા સંજોગોમાં સેબીના આદેશ પાછળનો આશય સમજાય એવો નથી.

નોંધનીય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાનું ‘નાઉ’ ટ્રેડિંગ પ્લેટફોર્મ બંધ કરવાનું જાહેર કર્યું તેને પગલે સિક્યોરિટીઝ માર્કેટમાં 63 મૂન્સની ઓડિન સર્વિસીસ અગ્રણી સોલ્યુશન બની છે.

63 મૂન્સે જણાવ્યા મુજબ સેબીએ સાત વર્ષ અગાઉના ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ‘ફિટ એન્ડ પ્રોપર’ આદેશના આધારે ઉક્ત આદેશ બહાર પાડ્યો છે. વાસ્તવમાં ફિટ એન્ડ પ્રોપરનો આદેશ કંપનીને કોઈ પણ એક્સચેન્જમાં ઈક્વિટી હિસ્સો નહીં રાખવા દેવા માટેનો હતો. કંપનીએ ટેક્નોલોજી સર્વિસીસ પૂરી પાડવી કે નહીં એની સાથે એનો કોઈ સંબંધ નથી. એફએમસીના આદેશને કંપનીએ અદાલતમાં પડકાર્યો છે અને એનો કેસ હજી ચાલી રહ્યો છે. સાત વર્ષ બાદ સેબીએ બહાર પાડેલો આદેશ બજારના કામકાજને ખોરવી નાખશે. નિયમનકાર તરીકે સેબીનું કર્તવ્ય બજારની સ્થિરતા ટકાવી રાખવાનું અને તેનો વિકાસ કરવાનું છે. આથી તેણે પોતાના ઉદ્દેશ્યથી વિપરીત ચુકાદો આપ્યો છે.

63 મૂન્સનું મેનેજમેન્ટ સંપૂર્ણપણે પ્રોફેશનલ છે અને તેમાં ખ્યાતનામ વહીવટદારો, ન્યાયમૂર્તિઓ, બેન્કરો, વગેરે સામેલ છે. પ્રમોટર અનુચિત વગ ધરાવતા હોવાનો સેબીનો આક્ષેપ પાયાવિહોણો છે, એવું કહેતાં કંપનીએ ઉમેર્યું છે કે તેને ન્યાયતંત્રમાં અડગ વિશ્વાસ છે. સેબીના આદેશની સામે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે.

દરમિયાન, કંપનીના બ્રોકરેજ ટેક્નોલોજી સોલ્યુશન્સના સીઈઓ કેશવ સામંત અને એક્સચેન્જ ટેક્નોલોજીના વડા મહેમૂદ વાઇદે જણાવ્યું છે કે સેબીના આદેશની કોઈ અસર ઓડિન અને એક્સચેન્જ ટેક્નોલોજી પર થઈ નથી. કંપનીની કુલ આવકમાં એસટીપી ગેટ સર્વિસીસની આવકનો હિસ્સો ફક્ત 1.56 ટકા છે.

HCLનાં ચેરપર્સન રોશની નાડર દેશનાં સૌથી શ્રીમંત-મહિલા

નવી દિલ્હીઃ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એચસીએલના સંસ્થાપક શિવ નાડરના એકમાત્ર પુત્રી અને કંપનીનાં ચેરપર્સન રોશની નાડર દેશનાં સૌથી શ્રીમંત મહિલા છે. હુરુન ઇન્ડિયાના સર્વે અનુસાર રોશની નાડરની કુલ સંપત્તિ રૂ. 54,850 કરોડ છે. રોશનીએ દિલ્હીની વસંત વેલી સ્કૂલમાંથી શાળાકીય ભણતર પ્રાપ્ત કર્યું હતું. તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી-ઇવાનસ્ટોન, ઇલિનોઇસથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન અને કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.

બાયોકોનના કિરણ મજુમદાર શૉ બીજા સ્થાને

આ યાદી કોટક વેલ્થ અને હુરુન ઇન્ડિયાએ વર્ષ 2020 માટે તૈયાર કરી છે. આ યાદીમાં બીજા સ્થાને બાયોકોનનાં સંસ્થાપક અને કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર કિરણ મજુમદાર શૉ છે. તેમની કુલ સંપત્તિ રૂ. 36,600 કરોડ છે. મુંબઈ આધારિત ફાર્મા કંપની યુએસવી પ્રા. લિ.નાં લીના ગાંધી તિવારી રૂ. 21,340 કરોડની સંપત્તિની સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

આ યાદીમાં 31 સેલ્ફ મેઇડ મહિલાઓ

અહેવાલ અનુસાર ટોચની 100 શ્રીમંત મહિલાઓમાંથી 31 સેલ્ફ મેઇડ છે, જેમણે સ્વબળે આ સફળતા પ્રાપ્ત કરી છે. આમાં છ પ્રોફેશનલ મેનેજર અને 25 ઉદ્યોગપતિ છે.

કંપનીના વ્યૂહાત્મક નિર્ણયોમાં મોટી ભૂમિકા ભજવનાર રોશની નાડરને માત્ર 28 વર્ષની ઉંમરે CEO બનાવવામાં આવ્યાં હતાં. એક વર્ષ પછી તેઓ કંપનીનાં કાર્યકારી ડિરેક્ટર નિમાયાં હતાં. IIFL વેલ્થ ઇન્ડિયા મુજબ 2019માં રોશનીની કુલ સંપત્તિ રૂ. 36,800 કરોડ હતી. ફોર્બ્સે 2017-18 અને 2019માં તેમને વિશ્વનાં 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કર્યાં હતાં. તેમનાં પતિ શિખર મલ્હોત્રા એચસીએલ હેલ્થકેરના વાઇરસ ચેરમેન છે.

 

 

 

 

 

 

 

નેવી ડેઃ આદિત્ય ઠાકરેએ ‘સી હેરિઅર જેટ સ્મારક’નું ઉદઘાટન કર્યું…

4 ડિસેમ્બર, શુક્રવારે ભારતીય નૌકાદળ દિવસ (નેવી ડે)ની ઉજવણીના ભાગસ્વરૂપે મુંબઈમાં મહારાષ્ટ્રના પર્યાવરણ અને ટૂરિઝમ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ જંક્શન વિસ્તારમાં ભારતીય નૌકાદળના જેટ વિમાન ‘સી હેરિઅર સ્મારક’નું ઉદઘાટન કર્યું હતું.

વિમાનની પ્રતિકૃતિને એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી એનું મુખ અરબી સમુદ્ર તરફ રહે.

એ પ્રસંગે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ (મહારાષ્ટ્ર એરિયા) રીયર એડમિરલ વી. શ્રીનિવાસ તથા અન્ય અધિકારીઓ મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્મારક સ્થાનિક કોંગ્રેસી નગરસેવક આસીફ ઝકરીયાના પ્રયાસોથી તૈયાર કરવામાં આવ્યું છે.

સી હેરિઅર યુદ્ધવિમાનને ભારતીય નૌકાદળના આઈએનએસ વિરાટ યુદ્ધજહાજ પરથી ઓપરેટ કરવામાં આવતું હતું. 1983માં સી હેરિઅર વિમાનને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે શોર્ટ ટેક-ઓફ્ફ અને વર્ટિકલ રીતે લેન્ડિંગ અને ટેક-ઓફ્ફ કરવા માટે સક્ષમ હતું.

આસીફ ઝકરીયાએ એમના ટ્વિટર પર લખ્યું છે કે આ સ્મારક ભારતીય નૌકાદળે મુંબઈને ભેટ આપ્યું છે, જે સશસ્ત્ર દળોના જવાનોએ દેશને આપેલી નિઃસ્વાર્થભાવની સેવાની આપણને કાયમ યાદ અપાવતું રહેશે.

કોરોના-રસી અમુક સપ્તાહમાં તૈયાર થઈ જશેઃ મોદી

નવી દિલ્હીઃ આજે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે દેશના વિજ્ઞાનીઓને ખૂબ જ આત્મવિશ્વાસ છે કે કોરોના રસી અમુક અઠવાડિયામાં જ તૈયાર થઈ જશે. વિજ્ઞાનીઓ તરફથી મંજૂરી મળે કે તરત જ દેશમાં કોરોનાનો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

પીએમ મોદીએ દેશના અગ્રગણ્ય રાજકીય પક્ષોના 12 જેટલા નેતાઓની બેઠકમાં એમ પણ કહ્યું કે દુનિયાની સૌથી સસ્તી અને સુરક્ષિત કોરોના રસી ભારત બનાવે તેની પર આખી દુનિયાની મીટ મંડાયેલી છે. હાલ આશરે આઠ રસી અજમાયશના જુદા જુદા તબક્કાઓમાં છે.

મોદીએ કહ્યું કે મોદીએ રસીનું વિતરણ અને સંચાલન રાષ્ટ્રીય નિષ્ણાતોના એક ગ્રુપને આપવામાં આવ્યું છે. તેમના તરફથી સલાહ લેવામાં આવશે. રસીનું મોટા પાયે ઉત્પાદન કરવાની ભારતમાં સુવિધાઓ છે. વાસ્તવમાં, બીજા દેશો કરતાં આપણી તૈયારી વધારે સારી છે. રસીની કિંમત શું રાખવી એ વિશે કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારો સાથે વાતચીત કરી જ રહી છે. જનતાનાં આરોગ્યને ખાસ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

કોરોનાના 36,595 નવા કેસો, 540નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 95 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,595 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 540 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 95,71,559 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,39,188 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 90,16,289 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 42,916 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,16,082એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.