(મયંક રાવલ)
પંચાંગ 03/12/2020
ભીડ ભેગી કરનાર ભાજપના નેતા કાંતિ ગામીતની ધરપકડ
સોનગઢ (તાપી જિલ્લો): ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને સોનગઢ તાલુકામાંથી સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદકોના યૂનિયન લિમિટેડ)ના ડિરેક્ટર કાંતિ ગામીતે હાલમાં જ એમની પૌત્રીની સગાઈમાં હજારોની સંખ્યામાં માનવ મેદની એકઠી કરતાં તેમના સહિત 18 લોકોની આઇપીસીની કલમ 308 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સગાઈના પ્રસંગમાં હજારોની મેદનીનો વિડિયો વાઇરલ થયો હતો. તે કાર્યક્રમમાં લોકો માસ્ક વગર ગરબા ગાતા-નાચતા જોવા મળ્યા હતા. તે પ્રસંગમાં કોવિડ-19ની ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થયું હતું. ગુજરાત હાઇકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરવાની રાજ્ય સરકારને સૂચના આપી હતી.
‘હું આ ભૂલ બદલ માફી માગું છું. અમે તુલસી વિવાહનું આયોજન કર્યું હતું, મારી પૌત્રીની સગાઈનો પ્રસંગ હતો, પણ અમે કોઈને પણ વ્યક્તિગત રીતે આમંત્રણ નહોતું આપ્યું. અમે 2000 લોકો માટે ભોજન તૈયાર કર્યું હતું અને ડાન્સનું પણ આયોજન કર્યું હતું. કોઈએ એનો વિડિયો ઉતાર્યો હતો અને એ વિડિયો વાઇરલ થયો હતો,’ એમ ગામીતે કહ્યું હતું.
અહેવાલો મુજબ આ પ્રસંગ 30 નવેમ્બરે તાપી જિલ્લાના ડોસાવાડા ગામમાં ઊજવવામાં આવ્યો હતો. આ વાઇરલ વિડિયોમાં હજારો લોકો કોવિડ-19ની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરીને ડાન્સ કરતા દેખાય છે. આ વાઇરલ વિડિયોના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ સગાઈના પ્રસંગમાં કોવિડ-19ની ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે વિડિયોના આધારે વિશ્લેષણ કરીને કાર્યવાહી કરવામાં આવશે. હાઈકોર્ટના જજ પારડીવાલાએ પણ આ સંદર્ભે પૂછ્યું હતું કે, ‘તમારા એસપી એ વખતે ક્યાં હતા અને શું કરતાં હતાં.’ સમગ્ર કેસની તપાસ સુરત જિલ્લા DYSP ઉષા રાડાને સોંપવામાં આવી છે. સાત દિવસમાં રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દિલ્હીના સીમાડે ખેડૂતોનું આંદોલન યથાવત્…


આંદોનલકારી કિસાનો રસ્તા પર બેસીને સાથે મળીને ભોજન લઈ રહ્યા છે.
એક ખેડૂત તેની ગાયને ખવડાવી રહ્યો છે
દિલ્હી-યૂપી સરહદ પર હવન કરતા કિસાનો
દિલ્હી-નોઈડા સરહદ પર પોલીસ બંદોબસ્ત
ટીમ ઈન્ડિયાએ ત્રીજી ODI જીતી ક્લીન-સ્વીપ હાર ટાળી
કેનબેરાઃ ભારતના બોલરો આખરે સાથી બેટ્સમેનોની મદદે આવ્યા એ સાથે જ ટીમ ઈન્ડિયા આજે અહીં માનુકા ઓવલ મેદાન પર ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 13-રનથી હરાવવામાં સફળ રહી. સિડનીમાં પહેલી બંને મેચ હારી જવાથી ભારત સિરીઝ ગુમાવી બેઠું હતું, પણ આજની જીત સાથે પરાજયનો માર્જિન ઘટીને 1-2 થયો છે. 0-3થી ક્લીન સ્વીપ પરાજયમાંથી બચવામાં વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પહેલા જંગ ખેલ્યો હતો. કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું નક્કી કર્યા બાદ બેટ્સમેનોએ 50-ઓવરમાં પાંચ વિકેટે 302 રનનો સુરક્ષિત સ્કોર ખડો કર્યો હતો. ત્યારબાદ ભારતના બોલરોએ પણ જોરદાર દેખાવ કરીને ઓસ્ટ્રેલિયાને જીતતા અટકાવ્યું. 49.3 ઓવરમાં એમનો દાવ 289 રનમાં સમાપ્ત કરી દીધો.
ભારતનો સ્કોર 300ની પાર લઈ જવામાં કેપ્ટન કોહલીએ 78 બોલમાં 63 રન કર્યા હતા. ટોપ-5 બેટ્સમેનોમાં તે એકમાત્ર હાફ સેન્ચુરી હતી, પરંતુ ભારતના દાવને ખરી મજબૂતી આપી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ. હાર્દિક 76 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 92 રન કરીને નોટઆઉટ રહ્યો તો જાડેજાએ આક્રમક બેટિંગ કરીને 50 બોલમાં 3 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 66 રન કર્યા હતા. આ બંનેએ છઠ્ઠી વિકેટ માટે 150-રનની બહુમૂલ્ય અતૂટ ભાગીદારી કરી હતી.
ઓસ્ટ્રેલિયાના દાવમાં, કેપ્ટન આરોન ફિન્ચ (75) અને ગ્લેન મેક્સવેલ (59)એ પ્રતિકાર કર્યો હતો, પણ ભારતના તમામ બોલરોએ સહિયારી સફળતા મેળવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ફાસ્ટ બોલર શાર્દુર ઠાકુર 51 રનમાં 3 વિકેટ સાથે ટીમનો સૌથી સફળ બોલર રહ્યો તો અન્ય બે ફાસ્ટ બોલર – જસપ્રિત બુમરાહ અને નવોદિત ખેલાડી થાંગારાસુ નટરાજને 2-2, અને કુલદીપ યાદવ અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ અને સ્ટીવન સ્મિથને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરાયો હતો.
કોરોના-રસીને બ્રિટને મંજૂરી આપીઃ આવતા અઠવાડિયાથી નાગરિકોને અપાશે
લંડનઃ બ્રિટને ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19ની રસીને મંજૂરી આપી છે. આ સાથે કોરોના વાઇરસ સામેના વૈશ્વિક જંગમાં કોરોના-રસીને મંજૂરી આપનાર તે દુનિયાનો પહેલો દેશ બન્યો છે. બ્રિટનમાં આવતા સપ્તાહથી આ કોરોના રસીનું વિતરણ શરૂ કરાશે અને નાગરિકોને તે ઉપલબ્ધ કરાશે. કોવિડ-19 રોગચાળાની સામે આ રસી 95 ટકા કારગત હોવાનો દાવો કંપનીએ કર્યો છે, એમ બ્રિટિશ રેગ્યુલેટર, મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ કહ્યું છે. અમેરિકી ફાર્માસ્યુટિકલ જાયન્ટ ફાઇઝર અને જર્મન બાયોટેક કંપની બાયોએનટેક દ્વારા સંયુક્તપણે ઉત્પાદિત આ રસીની હાલમાં જ ટ્રાયલ કરાઈ હતી. બધી જ ઉંમરના લોકો અને નવી પેઢી માટે આ રસી અસરકારક રીતે કામ કરશે.
યુકે સરકારે MHRAને ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતાના માપદંડોને પૂરાં કરવા માટે ઉપયોગમાં લેવા માટે ડેટા જોવા માટે કહ્યું હતું. બ્રિટનને 2021ના અંત સુધીમાં કુલ ચાર કરોડ ડોઝ પ્રાપ્ત થવાની અપેક્ષા છે, જે દેશની વસતિના એક તૃતિયાંશ ભાગને રસીકરણ માટે પર્યાપ્ત છે, જેમાંથી મોટા ભાગના ડોઝ આવતા વર્ષના પહેલા અર્ધવાર્ષિક ગાળા સુધી મળવાનો અંદાજ છે.
મંજૂરી મળી જાય તો નેશનલ હેલ્થ સર્વિસ (MHS) વિશ્વભરમાં આ વેક્સિન સપ્લાય કરવા તૈયાર છે. NHS વ્યાપક વેક્સિનેશન કાર્યક્રમ કરવા માટે મોટો અનુભવ ધરાવે છે અને લોજિસ્ટિકલી નિપુણતા, ટ્રાન્સપોર્ટ અને કાર્યબળ ધરાવે છે, જેથી ઝડપથી રસીનું ઉત્પાદન હાથ ધરી શકે, એમ યુકેના આરોગ્ય સચિવ મેટ હેનકોકે ગયા મહિને કહ્યું હતું. યુકે સરકારે ભાર દઈને કહ્યું હતું કે કોવિડ-19 વેક્સિન માત્ર યુકેના સ્વતંત્ર નિયામક દ્વારા જ સપ્લાય કરવામાં આવશે, જે ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતાના માપદંડોનું પાલન કરશે. જો આ રસીથી તે સંતુષ્ટ થશે તો રસીનું મોટા પાયે ઉત્પાદન હાથ ધરવામાં આવશે.
અમે કોઈનો બિઝનેસ છીનવી લેવા મુંબઈમાં નથી આવ્યા: યોગી આદિત્યનાથ
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે કહ્યું કે દેશના આર્થિક પાટનગરમાંથી ફિલ્મ બિઝનેસ છીનવી લેવાની એમના રાજ્યની કોઈ ઈચ્છા નથી. તે છતાં આ તો ખુલ્લી હરીફાઈ છે અને પ્રતિભાશાળી લોકો કામ કરી શકે એવું યોગ્ય વાતાવરણ અને સુરક્ષા જે પૂરા પાડે તો એને ઈન્વેસ્ટમેન્ટ મળે, એમ આદિત્યનાથે અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આદિત્યનાથ લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન (એલએમસી) બોન્ડ્સના મુંબઈ શેરબજાર (બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઈ)માં લિસ્ટિંગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ આવ્યા છે.
મુંબઈમાંથી હિન્દી ફિલ્મ ઉદ્યોગ (ફિલ્મ સિટી)ની પ્રવૃત્તિઓને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં લઈ જવાની યોજના આદિત્યનાથે અમુક દિવસો પૂર્વે જાહેર કર્યા બાદ મહારાષ્ટ્રમાં શાસક સંયુક્ત સરકારની પાર્ટીઓ – શિવસેના અને એનસીપીના નેતાઓએ વિરોધી મંતવ્ય રજૂ કર્યા છે. તેના સંદર્ભમાં આદિત્યનાથે આજે કહ્યું કે અમે કોઈનું ઈન્વેસ્ટમેન્ટ છીનવી લેવા માટે અહીં આવ્યા નથી. અમે તો કંઈક નવું સર્જન કરવા માગીએ છીએ. એ લોકો શા માટે આટલા બધા ચિંતિત થાય છે. અમે નવું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાના છીએ. તેથી દરેક જણે વિશાળ મન રાખવું જોઈએ. અમે વધારે સારી સુવિધાઓ આપવાના છીએ. રાજ્યના ગૃહ પ્રધાન અને એનસીપીના નેતા અનિલ દેશમુખે કહ્યું છે કે મુંબઈમાંથી કંઈ પણ અન્યત્ર શિફ્ટ થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. મુંબઈનું ફિલ્મ સિટી પોતાની રીતે કામ કરશે, અને યૂપીનું ફિલ્મ સિટી એની રીતે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે આજે સવારે એમ કહ્યું હતું કે મુંબઈમાંથી ફિલ્મ સિટીને બીજે ક્યાંક લઈ જવી એ કંઈ ખાવાના કામ નથી. આવા પ્રયાસો અગાઉ પણ કરવામાં આવી ચૂક્યા છે. મુંબઈ જેવો ફિલ્મ ઉદ્યોગ બીજે ક્યાંક બનાવવો એ મુશ્કેલ છે. મુંબઈ શહેર ફિલ્મ ઉદ્યોગનો ભવ્ય ઈતિહાસ અને ભૂતકાળ ધરાવે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ચેતવણી ઉચ્ચારી હતી કે અમે અમારા રાજ્યમાંથી કોઈ પણ બિઝનેસને જબરદસ્તીથી લઈ જવા દઈશું નહીં. જો ઉચિત સ્પર્ધાની વાત હોય તો કોઈ રાજ્ય પ્રગતિ કરે તો મહારાષ્ટ્ર એની ઈર્ષ્યા કરતું નથી.
(તસવીરોઃ દીપક ધુરી)
ગણપત યુનિવર્સિટી દ્વારા કોવિડ-19 કેર કિટનું વિતરણ
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટી ગુજરાતના મહેસાણામાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે, જેનું સંચાલન મહેસાણા જિલ્લા શિક્ષણ સંગઠન દ્વારા કરવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા હાલમાં જ આસપાસનાં 10 ગામડાંઓમાં ઘરમાં જ ક્વોરોન્ટિન થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓને 500 કરતાં વધુ કોવિડ-19 કેર કિટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીએ જે કોવિડ-19 કેર કિટનું વિતરણ કર્યું એ કિટમાં નાસ લેવાનું મશીન, કપૂર, સૂંઠની ગોળીઓ, હોમિયોપથી દવાઓ, માસ્ક, ઇમ્યુનિટીવર્ધક ખાખરાઓ, આયુર્વેદિક ઉકાળા, સેનેટાઇઝર, આમળાનો રસ અને સંશમની વટીનો સમાવેશ થાય છે.
આ પહેલાં પણ ગણપત યુનિવર્સિટી દ્વારા આસપાસનાં ગામડાઓમાં મોટા પાયે સેનિટાઇઝેશન, ઉકાળા, ઔષધ અને માસ્ક વિતરણનાં સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.ગણપત યુનિવર્સિટી દ્વારા 500 જેટલી કિટ્સનું આશરે 10 ગામોમાં વિતરણ પહેલા તબક્કામાં કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા ઓક્સિજન કિટ પણ વિનામૂલ્યે જ પૂરી પાડવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા યુનિવર્સિટીના સેવાકાર્યમાં જોડાવા ઇચ્છતી હોય તો તેણે યુનિવર્સિટીનો સંપર્ક કરવો. યુનિવર્સિટીનો હેતુ વધુ ને વધુ દર્દીઓને રાહત પહોંચાડી શકાય- એનો છે.
માસ્કવિહોણા લોકોએ કોવિડ-કેર સેન્ટરમાં સેવા બજાવવી પડશે
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે કોરોના સંબંધિત પરિસ્થિતિની સુઓ-મોટો અરજી મામલે વિજય રૂપાણી સરકારને આદેશ આપ્યો છે કે માસ્ક વિના ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવાનું તે જાહેરનામું બહાર પાડે. હાઈકોર્ટે માસ્ક ન પહેરનારા સામે પણ સખત નારાજગી વ્યક્ત કરી છે. આ આદેશનો અમલ તાત્કાલિક ધોરણે કરાવવા અને એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે.
પાંચથી 15 દિવસનો સમયગાળો સરકાર નક્કી કરે
હાઇકોર્ટના આદેશ મુજબ હવે માસ્ક વગર પકડાયેલા લોકોએ કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત પાંચથી છ કલાકની કોમ્યુનિટી સેવા આપવી પડશે. જોકે પાંચથી ૧૫ દિવસનો સમયગાળો સર્વિસ માટેનો સરકાર નક્કી કરી શકે છે. એ સિવાય ઉંમર અને લાયકાતને ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે, જેમાં મોટા ભાગે જવાબદારી નોન-મેડિકલ પ્રકારની રહેશે. 
આ ઉપરાંત કોર્ટે માસ્ક ન પહેરનારાઓ પાસેથી દંડ વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. કોરોનાની રસી નથી શોધાઈ ત્યાં સુધી માસ્ક જ રસી છે. આ પગલાથી રાજ્ય સરકારને કોવિડનો ફેલાવો રોકવામાં મદદ મળશે, એમ હાઇકોર્ટ કહ્યું હતું.
ચીનને જવાબઃ ભારત અરૂણાચલ પ્રદેશમાં ડેમ બાંધશે
ઈટાનગર (અરૂણાચલ પ્રદેશ): તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર ડેમ બનાવવાની ચીને જાહેરાત કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. ચીનને વળતો જવાબ આપવા ભારતે અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં મોટો ડેમ બાંધવાનું નક્કી કર્યું છે. તે સ્થળે 10 ગીગાવોટનો હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ પણ નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બ્રહ્મપુત્ર નદી ચીનના સ્વાયત્ત પ્રદેશ તિબેટમાંથી નીકળીને અરૂણાચલ પ્રદેશ અને તેનાથી નીચે આસામમાંથી થઈને બાંગલાદેશ સુધી વહે છે.
અરૂણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી પર ડેમ બાંધવાથી દેશના પૂર્વોત્તર વિસ્તારોમાં પાણીની તંગી અને અચાનક પૂર આવવાના જોખમથી બચી શકાશે.
કેન્દ્રના જળશક્તિ મંત્રાલયના સિનિયર અધિકારી ટી.એસ. મેહરાએ કહ્યું છે કે ચીની ડેમની અવળી અસરોને ઘટાડવા માટે અરૂણાચલ પ્રદેશમાં એક ડેમ બાંધવાની જરૂર છે. અમે ભારત સરકારના ટોચના સત્તાધિશોને પ્રસ્તાવ મોકલી આપ્યો છે. આ ડેમ બની જશે તો ભારત પાસે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા અનેકગણી વધી જશે. આપણે ચીનની કોઈ પણ હરકતનો વળતો જવાબ આપી શકીશું. ચીન પહેલેથી જ તિબેટમાં 11,130 કરોડના ખર્ચે વિશાળ હાઈડ્રોપાવર મથક બનાવી ચૂક્યું છે. ચીનનો આ સૌથી મોટો બંધ છે. હવે તે તિબેટના મેડોગ વિસ્તારમાં ગ્રાન્ડ કેનિયન નામે નવો બંધ બાંધવા માગે છે. જેને ચીને સુપર હાઈડ્રોપાવર સ્ટેશન કહ્યું છે.
























