Home Blog Page 4557

‘આખા દેશની જનતાને કોરોના-રસી આપવામાં નહીં આવે’

નવી દિલ્હીઃ કોવિડ-19ની વેક્સિન સમગ્ર દેશની વસતિને લગાવવાની વાત ક્યારેય નથી કરવામાં આવી, એમ કેન્દ્ર સરકારે કહ્યું હતું. કોવિડ-19ના રસીકરણનો હેતુ વાઇરલ ટ્રાન્સમિશનની શૃંખલાને તોડવાનો છે, એમ ICMRના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે પત્રકારો સાથે વાતચીતમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. અમારો ઉદ્દેશ વાઇરસના ટ્રાન્સમિશનની શૃંખલાને તોડવાનો છે. જો અમે મોટી સંખ્યાના લોકોને રસીકરણ કરીને ટ્રાન્સમિશનની ચેઇનને તોડવામાં સફળ રહીશું તો દેશની વસતિને રસીકરણ આપવાની જરૂર નથી.

માસ્કની ભૂમિકા બહુ અગત્યની છે અને રસીકરણ પછી પણ માસ્ક પહેરવાની આવશ્યકતા રહેશે, કેમ કે અમે વસતિના એક નાના ગ્રુપથી શરૂ કરવાના છીએ અને એટલા માટે માસ્કનો ઉપયોગ ચાલુ રાખવો પડશે, જેથી વાઇરલ ટ્રાન્સમિશનની ચેઇન તોડવામાં મદદ મળી શકે, એમ ભાર્ગવે કહ્યું હતું.

દેશની સંપૂર્ણ વસતિને કોવિડ-19ની વેક્સિનની સાથે રસીકરણની વાત ક્યારેય કરવામાં નથી આવી, એમ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારે દેશમાં રસીકરણ કરવાની વાત ક્યારેય કરી નથી. એ મહત્ત્વનું છે કે આપણે માત્ર વૈજ્ઞાનિક મુદ્દાઓ પર ચર્ચા કરીએ અને એનું વિશ્લેષણ કરીએ.

 

 

 

૨ ડિસેમ્બર ૨૦૨૦

૨ ડિસેમ્બર ૨૦૨૦

ખટ્ટીમીઠી કોમેડી એટલે દેવેન વર્મા

હિન્દી ફિલ્મોમાં યાદગાર રમૂજી ભૂમિકાઓ કરનારા અભિનેતા દેવેન વર્માની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. ૨ ડીસેમ્બર, ૨૦૧૪ના રોજ તેમનું ૭૭ વર્ષની વયે નિધન થયું હતું.

પોતાના સમયના ટોચના નિર્દેશકો બાસુ ચેટરજી, હૃષીકેશ મુખરજી અને ગુલઝારની ફિલ્મોમાં દેવેને કોમેડિયનની ભૂમિકા અદભૂત રીતે ભજવીને અપાર લોકચાહના મેળવી હતી. ‘નાદાન’, ‘બડા કબૂતર’ અને ‘બેશરમ’ જેવી ફિલ્મોનું નિર્માણ-નિર્દેશન કરવા ઉપરાંત ‘યકીન’, ‘ચટપટી’ કે ‘દાનાપાની’ જેવી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. દેવેને હિન્દી ઉપરાંત મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

દેવેન વર્માનો જન્મ કચ્છમાં ૨૩ઓક્ટોબર,૧૯૩૭ના રોજ થયો, પણ એમનો ઉછેર થયો પુણેમાં. ૧૯૫૩-૫૭ દરમ્યાન પુણે યુનિવર્સિટીની નવરોજજી વાડિયા કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં ભણીને એ પોલીટીક્સ અને સોશિયોલોજી વિષયમાં ઓનર્સ સાથે ગ્રેજ્યુએટ થયા હતા. મહાન અભિનેતા અશોક કુમારના દીકરી અને અભિનેત્રી પ્રીતિ ગાંગુલીના બહેન રૂપા ગાંગુલી સાથે એમના લગ્ન થયા હતા.

દેવેન વર્માને ‘ચોરી મેરા કામ’, ‘ચોર કે ઘર ચોર’ અને ‘અંગૂર’માં અભિનય માટે ફિલ્મફેરના શ્રેષ્ઠ કોમેડીયન એવોર્ડ્ઝ મળ્યા હતા. વિલિયમ શેક્સપિયરના યાદગાર નાટક ‘કોમેડી ઓફ એરર્સ’ આધારિત અને ગુલઝાર લિખિત-નિર્દેશિત માલિક અને નોકરની બેવડી ભૂમિકાવાળી યાદગાર કોમેડી ફિલ્મ ‘અંગૂર’માં સંજીવકુમાર અને દેવેન વર્મા બંનેએ ડબલ રોલ કર્યા હતા. આ ફિલ્મને ભારતની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.

૧૯૬૧ની ‘ધર્મપુત્ર’થી લઇને ૨૦૦૩ની ‘કલકત્તા મેઈલ’ સુધી દોઢસોથી વધુ હિન્દી ફિલ્મોમાં દેવેન વર્માએ અનેકવિધ ભૂમિકા અદા કરી હતી. અનેક મોટા કલાકારો સાથે એ કોમેડીયનની હળવી ભૂમિકામાં દેખાતા રહ્યાં. એવી થોડી ફિલ્મોમાં ગુમરાહ, અનુપમા, દેવર, મિલન, સંઘર્ષ, યકીન, ખામોશી, બુઢ્ઢા મિલ ગયા, ધુંદ, કોરા કાગઝ, ઝીંદગી, મુક્તિ, બેશરમ, ચોર કે ઘર ચોર, ખટ્ટા મીઠા, લોક પરલોક, ગોલમાલ, દો પ્રેમી, થોડી સી બેવફાઈ, જુદાઈ, કુદરત, સિલસિલા, પ્યાસા સાવન, આહિસ્તા આહિસ્તા, અંગૂર, રંગબિરંગી, આજ કા એમએલએ, સાહેબ, દિલ, દીવાના, એક હી રાસ્તા, અંદાઝ અપના અપના, દિલ તો પાગલ હૈ, ક્યા કહના જેવી ફિલ્મોને યાદ કરી શકાય.

હાર્ટ એટેક અને કીડનીની નિષ્ફળતાથી ૨ ડીસેમ્બર, ૨૦૧૪ની રાત્રે બે કલાકે પુણેમાં એમનું નિધન થયું હતું.

(નરેશ કાપડીઆ-સુરત)

રાશિ ભવિષ્ય 02/12/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા, પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ, સરકારીક્ષેત્ર, જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

શું સ્ટ્રેસ વગરનું જીવન શક્ય છે?

પૃથ્વી પરની પ્રત્યેક જીવંત વ્યક્તિનું એક સર્વ સામાન્ય ધ્યેય છે, તણાવ મુક્ત થવું! દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવન મુક્ત અને ઉલ્લાસપૂર્ણ હોય, સ્ટ્રેસનો સદંતર અભાવ હોય! આવું કઈ રીતે બને? શું સ્ટ્રેસ વગરનું જીવન શક્ય છે ખરું? 

જયારે તમે ખુશ હો છો, ત્યારે શું અનુભવ કરો છો? જાણે તમારી અંદર કઈંક વિસ્તરણ થઇ રહ્યું છે, એવું લાગે છે. અને જયારે તમે દુ:ખી હો છો ત્યારે અંદર કઈંક સંકોચન થઇ રહ્યું હોય એમ લાગે છે, ખરું? તો આ “કઈંક” જે ભીતર વિસ્તરણ પામે છે અને સંકોચન પામે છે તે વાસ્તવમાં જાણવા યોગ્ય છે. જયારે મન મૌન છે અને સમત્વની સ્થિતિમાં છે, મનની આ અવસ્થા એ જ સમાધિ છે. માત્ર થોડી ક્ષણોનો પણ આ અનુભવ ઊંડો વિશ્રામ આપે છે અને સઘળો તણાવ દૂર થાય છે. 

આપણું અસ્તિત્વ પ્રેમથી બન્યું છે અને ઊંડા વિશ્રામની અવસ્થામાં, આપણા પ્રેમપૂર્ણ સ્વભાવ ઉપર સ્ટ્રેસનું આવરણ છવાઈ ગયું હતું તે દૂર થાય છે અને પ્રેમના પ્રકાશથી આપણે ઝળકી ઉઠીએ છીએ. જેમ આપણું શરીર પ્રોટીન, કાર્બો હાઇડ્રેટ્સ અને એમિનો એસિડથી બન્યું છે તે જ રીતે આપણા આત્માનું મૂળ તત્વ પ્રેમ છે. સમાધિ અને ધ્યાન એટલે પ્રેમ તત્વમાં, આત્મતત્વમાં ડૂબી જવું! માત્ર થોડી ક્ષણોનો આ અનુભવ પૂર્ણ સંતોષ અને મુક્તિ આપે છે. 

એક રિસર્ચ અનુસાર એક શિશુ દિવસમાં 400 વખત સ્મિત કરે છે. એક ટીન એજર 17 વખત સ્મિત કરે છે અને એક પુખ્ત વયની વ્યક્તિ લગભગ સ્મિત કરતી નથી. અને પોતાની કારકિર્દીમાં, સમાજમાં વ્યક્તિ જેટલી સફળ, તેટલી તેનામાં મૃદુતા ઓછી થતી જાય છે. સ્મિત કરવાનું તે ભૂલી જાય છે. શું રુક્ષતા એ સફળતાની નિશાની છે? સમૃદ્ધિ અને પ્રગતિતો જ શક્ય બને જો તણાવ હોય? ના! કઠિનથી કઠિન સંજોગોમાં પણ ચહેરા પરથી સ્મિત વિલાય નહિ તે સાચી સફળતા છે. 

તો ખુબ હસો! સવારમાં ઉઠીને પહેલું કામ કરો, અરીસામાં જોઈને પોતાની જાતનું એક સુંદર, નિખાલસ સ્મિતથી અભિવાદન કરો. આ કરી શકાય ને? તમે હસો છો ત્યારે શું થાય છે? તમારા ચહેરાના બધા સ્નાયુઓને વિશ્રામ મળે છે. તમારાં મસ્તિષ્કનાં જ્ઞાન તંતુ, ચેતા તંતુ, નર્વસ સિસ્ટમને પ્રગાઢ વિશ્રામ મળે છે. અને તમારામાં ઉર્જાનો સંચાર થાય છે, તમે આત્મવિશ્વાસ અને જોમથી છલકાઈ ઉઠો છો. જો તમે ઉદાસ ચહેરા સાથે સવારે ઉઠશો તો દિવસ આખો તમે ઉદાસ રહેશો. જાણે તમારી ઉપર આભ તૂટી પડ્યું છે એવું તમને લાગશે. 

જીવનના પથ પર હંમેશા ગુલાબ નહિ મળે. કપરા સંજોગો પણ આવશે. ગમતી અને ન ગમતી ઘટનાઓ જીવનમાં ઘટવાની જ છે. આપણે આ બધા સંજોગોનો સામનો કરવાનો છે જ અને તે માટે જોશ, ઉર્જા, ઉત્સાહનું પણ આપણે જ સર્જન કરવાનું છે. 

પૃથ્વી પર આવીને સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ? શ્વાસ લઈએ છીએ અને રડીએ છીએ. અને પૃથ્વી પરથી જઈશું ત્યારે અંતિમ કાર્ય શું કરીશું? શ્વાસ છોડીશું અને બીજા લોકો રડશે. પ્રથમ અને અંતિમ શ્વાસની વચ્ચે જે જીવન છે તેમાં આપણે જુદાં જુદાં કારણોને લઈને રડ્યા કરીએ છીએ. અને તણાવથી જીવન ભરાઈ જાય છે, જીવનની સુંદરતાને આપણે જાણી શકતા નથી અને રોઈ રોઈને જીવન વેડફી દઈએ છીએ. 

જીવન ખીલે છે હાસ્ય માં! હાસ્ય એ એક પવિત્ર ઉપહાર છે, સુંદર જીવનનું રહસ્ય છે. હાસ્યને જાળવી રાખીએ, જીવંત રાખીએ તો જીવન પ્રસન્નતાથી છલકી ઉઠશે. આપણું હાસ્ય પણ એટલું નાજુક હોય છે કે કોઈ એક અણગમતો ફોન કૉલ આવે અને મુરઝાઈ જાય છે. કેટલાય દિવસો સુધી મન એક અણગમતા ફોન કૉલને લઈને ઉદાસ રહે છે. મનની આ વૃત્તિમાં પરિવર્તન આવે તો જીવનની ગુણવત્તા બદલાઈ જાય છે. 

મન સ્થિર, સંતુલિત, શાંત અને પ્રસન્ન કઈ રીતે બને?

આ રહસ્ય આપણા શ્વાસમાં છુપાયેલું છે. શ્વાસ આપણાં અસ્તિત્વનું મહત્વનું અંગ છે. શ્વાસની જુદી જુદી લય-રિધમ સાથે, જુદી જુદી ભાવનાઓ સંયોજાયેલી હોય છે.  જેમ કે તમે ગુસ્સો કરો છો ત્યારે શ્વાસની ગતિ તેજ હોય છે, અને શાંત હો છો ત્યારે શ્વાસ દીર્ઘ અને હળવા હોય છે. દુ:ખી અને ઉદાસ હો છો ત્યારે શ્વાસ અનિયમિત અને મંદ હોય છે. તો દરેક નકારાત્મક ભાવના સાથે શ્વાસની ચોક્કસ લય જોડાયેલી છે. નકારાત્મક ભાવનાઓને મન ના સ્તરથી કે વિચારો દ્વારા દૂર કરી શકાતી નથી. જેમ ભાવનાઓ બદલાય છે તેમ શ્વાસની ગતિ બદલાય છે, તો તેના થી અવળું પણ એટલું જ સાચું છે.

શ્વાસની રિધમને બદલાવીને તમે નકારાત્મક ભાવનાઓને સકારાત્મક બનાવી શકો છો. યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા દ્વારા તમે તમારું શ્વસન લયબદ્ધ કરી શકો છો, અને લયબદ્ધ શ્વસન બધી જ નકારાત્મકતા નિર્મૂળ કરીને જીવન ને ઉલ્લાસિત બનાવે છે. પછી કોઈ કાર્ય અઘરું નથી. સ્થિર મનની અવસ્થામાં સઘળા સંકલ્પ પૂરા થાય છે. હાસ્ય ખીલી ઉઠે છે. 

ગુરુ નાનક દેવ કહે છે, પ્રત્યેક શ્વાસ પર ઈશ્વરનું સ્મરણ કરો. શ્વાસ પ્રત્યે સજગ રહીને જયારે તમે ઈશ્વરનાં સ્મરણમાં ડૂબી જાઓ છો,ત્યારે તમે સાચી સ્વતંત્રતાનો અનુભવ કરો છો. 

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

 

 

પંચાંગ 02/12/2020

(મયંક રાવલ)

Chitralekha Marathi – December 07, 2020

PDF Version
This post is only available to members.

રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનું નિધન

રાજકોટઃ ગુજરાતના રાજ્યસભાના સંસદસભ્ય અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાઇરસની સારવાર દરમિયાન આજે નિધન થયું છે. તે 66 વર્ષના હતા. ગયા જૂન મહિનામાં તે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. કોરોના વાઈરસ લાગુ પડ્યા બાદ એમને રાજકોટની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં એક મહિનો રખાયા બાદ એમની તબિયત લથડતાં તેમને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારદ્વાજના નિધન અંગે વડા પ્રધાન મોદીએ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું છેઃ ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા. તે વાતનું દુઃખ છે કે આપણે એક તેજસ્વી અને વિચારશીલ વ્યક્તિને ગુમાવી દીધા છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ સંવેદના. ઓમ શાંતિ.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અંગત મિત્ર

અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના કાર્યકર્તા તેમ જ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અંગત મિત્ર હતા. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ પણ હતા. રાજકોટ બાર એસોસિયેશનમાં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતા. કાયદા પંચમાં તેમની નિમણૂક વડા પ્રધાને કરી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણક પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ તેમણે સેવા આપી હતી. વકીલાતના વ્યવસાયમાં સફળતા મેળવનાર અભયભાઈની નીચે 210 જેટલા જુનિયર વકીલો હતા. તેમણે બ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના કરી હતી.

23 વર્ષની ઉંમરે રાજકારણમાં ઝંપલાવ્યું હતું

1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે ભારદ્વાજ રાજકોટ શહેર જિલ્લા જનતા પક્ષના મંત્રી બન્યા હતા. તેઓ ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા તથા અખિલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું.

કિસાનો-સરકાર વચ્ચેની બેઠક સમાધાનવિહોણી રહી; ગુરુવારે ફરી મળશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કરેલા નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના સીમાવિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી આંદોલન કરી રહેલા કિસાનોના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે વિજ્ઞાન ભવન ખાતે બપોરે યોજાઈ ગયેલી બેઠક અધૂરી રહી છે. બંને પક્ષ સમાધાન સાધવામાં નિષ્ફળ ગયા છે. કૃષિ કાયદાને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવાનો સરકારનો પ્રસ્તાવ કિસાનોએ ફગાવી દીધો છે.

આંદોલનકારી કિસાનોના 32 યૂનિયન પંજાબના કિસાનોના છે. આજની બેઠકમાં હરિયાણાના કિસાનોના બે પ્રતિનિધિ તેમજ ઉત્તર પ્રદેશના એક અન્ય કિસાન નેતા હાજર રહ્યા હતા. આજની બેઠકમાં હાજર રહેલા કિસાન નેતાઓએ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એમણે સ્પષ્ટપણે કહી દીધું કે સરકાર નવા કૃષિ કાયદાઓને રદ કરે અને તે વિશે અમે કોઈ ચર્ચા કરીશું નહીં. અમારું આંદોલન ચાલુ જ રહેશે.

બેઠક બાદ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે પત્રકારોને કહ્યું હતું કે આજે કિસાન યૂનિયનના નેતા આવ્યા હતા. બેઠક સારી રહી હતી. કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કાની ચર્ચા આજે પૂરી કરી. અમે બધાએ નિર્ણય લીધો છે કે પરમ દિવસે, ગુરુવારે ચર્ચાનો ચોથો દોર શરૂ કરીશું. અમે કિસાનોને અપીલ કરી છે કે તેઓ એમનું આંદોલન સ્થગિત કરે અને ચર્ચા કરવા આવે. તે છતાં આ નિર્ણય કિસાનોના યૂનિયન અને કિસાનોએ લેવાનો છે.

નવેમ્બરમાં પણ GST-વસૂલાત 1-લાખ કરોડથી વધુ રહી

નવી દિલ્હીઃ નવેમ્બરમાં સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલાત રૂ. 1.04 લાખ કરોડ રહી હતી. ગયા વર્ષના નવેમ્બરના GSTની વસૂલાતની તુલનામાં એ 1.4 ટકા વધારે રહી છે, પરંતુ આ વર્ષના ઓક્ટોબરની તુલનામાં GSTની વસૂલાતમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં રૂ. 105 લાખ કરોડ વસૂલી રહી હતી, જ્યારે નવેમ્બર, 2019માં GST વસૂલાત રૂ. 1,03,491 રહી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર સતત બીજો મહિનો છે, જેમાં GST વસૂલાતનો આંકડો એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે. દેશની આર્થિક પરિસ્થિતિ સુધરવાનો આ સંકેત છે, એમ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું.

સમીક્ષા હેઠળના મહિનામાં ચીજવસ્તુઓની આયાતની આવક ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 4.9 ટકા વધુ રહી હતી. જ્યારે ઘરેલુ લેવડદેવડથી આવક ગયા વર્ષની સરખામણીએ 0.5 ટકા વધુ રહી હતી.

નવેમ્બર, 2020માં કુલ GST વસૂલાત રૂ. 1,04,963 કરોડ રહી હતી. એમાં સેન્ટ્રલ GST રૂ. 19,189 કરોડ, સ્ટેટ GST 25,540 કરોડ અને ઇન્ટિગ્રેટેડ GST રૂ. 51,992 કરોડ હતી. આમાં રૂ. 22,078 કરોડ ચીજવસ્તુઓ અને આયાતથી એકત્ર કરવામાં આવ્યા છે. આમાં સેસનું યોગદાન રૂ. 8,242 કરોડ (ચીજવસ્તુઓની આયાત પર એકત્ર કરવામાં આવેલા રૂ. 809 કરોડ સામેલ)નું રહ્યું હતું.

ગયા નાણાકીય વર્ષ 2019-20માં 12માંથી આઠ મહિનામાં GST વસૂલાત રૂ. એક લાખ કરોડથી વધુ રહી હતી. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના રોગચાળાને કારણે લગાડવામાં આવેલા લોકડાઉનથી GST વસૂલાત પ્રભાવિત રહી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલમાં GST વસૂલાત માત્ર રૂ. 32,172 કરોડ, મેમાં રૂ. 62,151 કરોડ, જૂનમાં રૂ. 90,917 કરોડ, જુલાઈમાં 87,422 કરોડ, ઓગસ્ટમાં રૂ. 86,449 કરોડ, સપ્ટેમ્બરમાં રૂ. 95,480 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 1,05,155 કરોડની GST વસૂલાત રહી હતી.