Home Blog Page 4572

સકારાત્મક વિચારોથી પરિવર્તન….

(બી. કે. શિવાની)

સકારાત્મક વિચારોથી જીવનમાં આપણે ખુશીનો અનુભવ કરીએ છીએ. આ કોઇ જાદુ નથી કે, તમે એક જ દિવસમાં શીખી જાવ. તેના માટે તમારે અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો પડશે. કારણ કે ઘણાં લાંબા સમયથી તમે જે વિચારધારા સાથે ચાલી રહ્યા છો તેમાં બદલાવ (પરિવર્તન) લાવવા માટે લાંબો સમય લાગી શકે. આજથી આપણે ફક્ત એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે, પરિસ્થિતિઓ તથા વ્યક્તિઓના વ્યવહાર ઉપર આપણે ધ્યાન રાખવાના બદલે, આપણે આપણા મનના વિચારો (સંકલ્પો)નું ધ્યાન રાખવું વધુ જરૂરી છે. તમે એક દિવસ માટે જુવો કે વિભિન્ન પરિસ્થિતિઓમાં મનમાં કયા પ્રકારના અને કેવા વિચારો (સંકલ્પો) કરી રહ્યાં છો?

 

જો મન નકારાત્મક સંકલ્પો કરતું હોય તો તેને તરત જ બદલવાનો પ્રયત્ન ન કરો. સંકલ્પ સકારાત્મક હોય કે નકારાત્મક તે અગત્યનું નથી, પરંતુ આ સંકલ્પ કોણ ઉત્પન્ન કરી રહ્યું છે? તેની આપણને જાણકારી હોવી જરૂરી છે. મારા મનના વિચારો હું પોતે જ ઉત્પન્ન કરી રહેલ છું. ધારો કે, કાલે મારી નોકરી છૂટી જાય કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય, પરંતુ તે પ્રસંગે જે પ્રકારના વિચારો મારા મનમાં આવે છે, તે હું પોતે જ પેદા કરી રહી છું.

મારા બોસે બધાની હાજરીમાં મારા ઉપર ગુસ્સો કર્યો, એથી મને દુઃખની અનુભૂતિ થઈ. બધાની સામે મારી આબરૂ ગઈ. આવા સમયે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે, મારી તો કોઈ ભૂલ જ ન હતી. છતાં પણ તેઓ મારા ઉપર ગુસ્સે થયા. અહીં તો મહેનત કરવાનો કોઈજ ફાયદો નથી. ગમે તેટલી મહેનત કરો, બોસ તો ક્યારેય ખુશ થવાના જ નથી. આ પ્રકારના વિચારોથી આપણે દુઃખ તથા હતાશાનો અનુભવ કરીશું. આ ઘટનામાં આપણે એવું પણ વિચારી શકીએ છીએ કે, તેમણે બોસ તરીકે તેમનો રોલ (પાર્ટ) કર્યો.

પહેલા આપણે આપણા કાર્યને જોઈ લઈએ કે પછી વિચારીએ કે, શક્ય છે કે તેઓએ મારું કાર્ય ધ્યાનપૂર્વક ન પણ જોયું હોય. એવું પણ બની શકે કે આજે બોસનો મૂડ બરોબર ન હોય. જ્યારે તેમનો મૂડ બરોબર થશે ત્યારે હું તેમની પાસે જઈને સાથે સ્પષ્ટતા કરી લઈશ. જ્યારે કોઈ આપણા ઉપર ગુસ્સો કરે છે ત્યારે આપણું અપમાન થતું નથી. તે સમયે ત્યાં અન્ય હાજર રહેનાર વ્યક્તિઓ આ દ્રશ્યને જોઈ રહ્યા હોય છે. તેઓને ખબર છે કે કોણ પોતાની જાતને નિયત્રણ કરી શકે છે અને કોણ નથી કરી શકતું. અન્ય લોકો મારા માટે એવું જ વિચારશે જેવું હું મારા માટે વિચારતી હોઇશ. જો આવા સમયે મારી આંતરિક સ્થિતિ એકરસ રહી, મારા ચહેરા ઉપર કોઈ પ્રકારની દુઃખની એક રેખા માત્ર દેખાતી નથી તો બધા લોકોને મારા માટે સહાનુભૂતિ થશે.

આમ, આવા સમયે અન્ય લોકો મારા વિષે શું વિચારશે તેની ચિંતા કર્યા વગર હું પોતે કેવા વિચારો કરીશ? તે બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. કારણ કે, લોકો શું વિચારશે? તે તો હું જાણતી નથી, પરંતુ જેવા વિચારો હું મારા માટે કરીશ, લોકો પણ તેવા જ વિચારો કરશે. આપણે સકારાત્મક વિચારો દ્વારા જે શક્તિ (ઉર્જા) ઉત્પન્ન કરીશું તે શક્તિ (ઉર્જા) વાતાવરણમાં ફેલાશે અને વ્યક્તિઓના વિચારોને પ્રભાવિત કરશે. આમ લોકો મારા વિશે સારું વિચારે કે ન વિચારે, પરંતુ સૌ પહેલા હું મારા પોતાના વિશે સારા વિચારો ઉત્પન્ન કરું.

જો હું એવું વિચારીશ કે, બોસને તો મારી કોઈ કિંમત જ નથી, હવે હું કંઈ નવું કરીશ જ નહીં.  કારણ કે અહીં આપણા કરેલા કાર્યની કદર જ થતી નથી. હું આટલી બધી મહેનત કરું છું, છતાં પણ બધાની હાજરીમાં મારું અપમાન જ થવાનું હોય, તો મહેનત શા માટે કરું? આવા પ્રકારના નકારાત્મક  વિચારોની સાથે હું મારા ટેબલ પર કે મારી જગ્યાએ જઈને કામ શરૂ કરીશ, તો જરૂર કોઈને કોઈ ભૂલ મારાથી થશે. પરંતુ તેના બદલે જો હું એમ વિચારું કે, મારા પહેલાના કરેલા કામથી બોસ ગુસ્સે થયા હતા. પરંતુ હવે હું ધ્યાનપૂર્વક નવું કાર્ય કરીશ.

અગાઉ કારણ વગર બોસ મારા ઉપર ગુસ્સે થયા હતા. હવે જોવું છું કે, આ વખતે તેમને મારું કામ ગમે છે કે કેમ? પરંતુ હવે આ સમયે મારે કોઈ નકારાત્મક વિચારો કરવાના નથી. અત્યારે જ આપણે એકાગ્રતાપૂર્વક નવું કામ શરૂ કરી શકીશું. મારાથી સિનિયર પ્રત્યે ખોટા વિચારો ઉત્પન્ન નહીં કરું. હું વિચારી શકું કે, તેમણે પણ કોઇ વ્યક્તિગત અલગ સમસ્યા હશે. અથવા તો તેઓ કોઈ પણ કારણથી ડિસ્ટર્બ હશે. આમ આપણે અન્ય પ્રત્યે શુભભાવના ત્યારે જ રાખી શકીશું જ્યારે આપણું મન ડિસ્ટર્બ નહીં હોય.

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.) 

 

પંચાંગ 20/11/2020

(મયંક રાવલ)

જમ્મુમાં ચાર ત્રાસવાદીનો ખાત્મો; શસ્ત્રો-દારૂગોળો જપ્ત…

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના જમ્મુ જિલ્લામાં 19 નવેમ્બર, ગુરુવારે નાગ્રોટા વિસ્તારમાં ટોલ પ્લાઝા ખાતે સુરક્ષા જવાનોએ એક એન્કાઉન્ટરમાં ચાર ત્રાસવાદીને ઠાર માર્યા હતા. જવાનોએ મૃત ત્રાસવાદીઓ પાસેથી અનેક શસ્ત્રો તથા દારૂગોળો જપ્ત કર્યો હતો.

ત્રાસવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થયા બાદ ટોલ પ્લાઝા ખાતે એક ટ્રક પર ગોળીના નિશાન જોઈ શકાય છે. 

Chitralekha Marathi – November 23-30, 2020

PDF Version
This post is only available to members.

અમદાવાદમાં સોમવાર સુધી સંપૂર્ણ-બંધ; શનિ-રવિ પણ કર્ફ્યૂ

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ શહેરમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. મહાનગરપાલિકાએ અત્યંત કડક પગલાં લીધા છે. આવતીકાલ, શુક્રવારે રાતે 9 વાગ્યાથી છેક સોમવાર સવાર સુધી શહેરમાં સંપૂર્ણ બંધ રખાશે. શનિવાર અને રવિવારે દિવસ દરમિયાન પણ કર્ફ્યૂ રહેશે. સોમવારે સવારે 6 વાગ્યાથી દિવસે દુકાનો ખુલશે. સોમવારથી રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. અમદાવાદ શહેરમાં આશરે 60 કલાક સુધી સતત કર્ફ્યૂ રહેશે. અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ પહેલાં ગઈ એક ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

કોરોના પરિસ્થિતિ વિશે આજે મોડી રાતે સમીક્ષા કર્યા બાદ ગુજરાતના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ આ ટ્વીટ બહાર પાડ્યું હતુંઃ

અમદાવાદમાં નવરાત્રિનો તહેવાર ખાસ કરીને શરદપૂનમ બાદ કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો આવ્યો હતો. હવે જ્યારે કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. જેને ધ્યાનમાં લઇને આવતી કાલથી રાત્રે 9 કલાકથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે. હવે શિયાળાની ઋતુનો પ્રારંભ થયો છે, જેથી કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ અમદાવાદ માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છો.

આ સાથે બિનજરૂરી લોકોએ બહાર નહીં નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ટોળે વળતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદના ખાણીપીણી બજારો અને રાત્રિ બજારો ધમધોકાર ચાલી રહ્યાં હતાં, જેમાં ખૂબ ભીડ ઊમટતી હતી અને લોકો માસ્ક અને સામાજિક અંતરનું  ધ્યાન રાખતાં નહોતા, જેથી શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે.

કોરોના દર્દીઓ માટે વધારાની વ્યવસ્થા

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં 400 બેડ, સોલા સિવિલમાં 400 બેડ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની જુદી-જુદી ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સરકારી હોસ્પિટલોમાં 2237 અને ખાનગી હોસ્પિટલોમાં 400 બેડ- એમ કુલ 2637 બેડ ખાલી છે.

આ ઉપરાંત 108 ઇમર્જન્સી સર્વિસની હાલ 20 એમ્બ્યુલન્સ ઉપરાંત 20 વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી સરકાર દ્વારા 300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની ફાળવણી કરવામાં આવી છે.

ડો. રાજીવ ગુપ્તાનું વિડિયો નિવેદનઃ

 

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત

 

CBI-તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરીઃ SC

નવી દિલ્હીઃ કોઈ પણ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ કરાવતાં પહેલાં જે તે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. કેન્દ્રીય એજન્સી રાજ્ય સરકારની મંજૂરી વગર તપાસ કરી ન શકે. આઠ રાજ્યો દ્વારા સામાન્ય મંજૂરીને પરત લીધા પછી સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ જોગવાઈઓ બંધારણના સંઘીય ચરિત્રને સુસંગત છે, જે એની મૂળભૂત રચનાઓમાંની એક હોવાનું માનવામાં આવે છે, એમ જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને બી.આર. ગવઈની ખંડપીઠે કહ્યું હતું.

દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટની કલમ પાંચ અને છ હેઠળ જે વિશેષ સત્તા અને અધિકાર ક્ષેત્ર માટે સીબીઆઇએ કોઈ પણ કેસની તપાસ પહેલાં સંબંધિત રાજ્ય સરકારથી મંજૂરી લેવી જરૂરી છે. જોકે DSPE એક્ટની કલમ પાંચ કેન્દ્ર સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપર સીબીઆઇની સત્તા અને અધિકાર ક્ષેત્રનો વિસ્તાર કરવા માટે સક્ષમ બનાવે છે, પણ જ્યાં સુધી DSPE એક્ટની કલમ 6 હેઠળ રાજ્ય સંબંધિત ક્ષેત્રની અંદર આ પ્રકારે વિસ્તાર માટે મંજૂરી નથી આપતું, ત્યાં સુધી એ સ્વીકાર્ય નથી.જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ગવઈની ખંડપીઠે આ ચુકાદો ઉત્તર પ્રદેશમાં ફર્ટિકો માર્કેટિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યની સામે સીબીઆઇ દ્વારા નોંધાયેલા કેસ સંભળાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટએ આ ચુકાદો કેટલાક આરોપીઓએ, ખાનગી અને સરકારી સેવકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સામે આવ્યો છે, જેમાં ભ્રષ્ટાચારના કેસમાં તેમની સામેની સીબીઆઇની તપાસને માન્યતાને પડકારતી હતી કે રાજ્ય સરકારની તપાસ માટે પૂર્વ સંમતિ લેવામાં નથી આવી. આ અપીલમાં ફર્ટિકો માર્કેટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિ. અને અન્ય લોકો સામે અલાહાબાદ હાઈકોર્ટે ઓગસ્ટ, 2019માં આપેલા ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. કોર્ટનું અવલોકનને મહત્ત્વ એટલા માટે  વધારે મહત્ત્વનું છે, કારણ કે તાજેતરમાં પંજાબ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢની સરકારોએ સીબીઆઇ તપાસની સામાન્ય સંમતિ પાછી ખેંચી હતી.

 

 

 

અક્ષયકુમારે યૂટ્યૂબર પર 500-કરોડનો માનહાનિનો દાવો માંડ્યો

મુંબઈઃ પોતાની વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે એક યૂટ્યૂબ યુઝર પર રૂ. 500 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. રાશીદ સિદ્દિકી નામના એ યૂટ્યૂબરે એક ફેક ન્યૂઝમાં એવો દાવો કર્યો હતો કે સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં અભિનેત્રી રીયા ચક્રવર્તીને ભારતમાંથી કેનેડામાં છટકી જવામાં અક્ષય કુમારે મદદ કરી હતી.

સુશાંતસિંહના કેસમાં આ પહેલાં ખોટા સમાચાર ફેલાવવા બદલ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેનું નામ ઢસડવા બદલ સિદ્દિકીની ધરપકડ કરવામાં આવી હતી. એણે પોતાના અનેક વિડિયોમાં અક્ષય કુમારનું નામ અનેક વાર લીધું હતું અને એની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. એક વિડિયોમાં એણે એમ કહ્યું હતું કે સુશાંતસિંહને ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી મોટી ફિલ્મો મળતી હોવાથી અક્ષય નારાજ હતો. અક્ષયે આદિત્ય ઠાકરે અને મુંબઈ પોલીસ સાથે ગુપ્ત બેઠકો યોજી હતી.

સિદ્દિકી બિહારનો સિવિલ એન્જિનીયર છે. માનહાનિના કેસમાં એને આરોપી ગણાવાયો છે. કહેવાય છે કે સિદ્દિકીએ આવા વિડિયો પોસ્ટ કરીને ચાર મહિનાના ગાળામાં રૂ. 15 લાખની કમાણી કરી હતી અને એના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2 લાખથી વધીને 3 લાખ થઈ ગઈ હતી.

દુકાનદારને દુકાનના નામમાં ‘કરાચી’ શબ્દ ઢાંકવો પડ્યો

મુંબઈઃ અહીંના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં આવેલી ‘કરાચી સ્વીટ્સ’ નામની મીઠાઈની દુકાનના નામમાંથી ‘કરાચી’ શબ્દને ઢાંકી દેવાની તેના માલિકને ફરજ પડી છે. શિવસેનાના નેતા નીતિન નાંદગાંવકરે દુકાનમાં જઈને તેના માલિકને કહ્યું હતું કે તમને વિનંતી સાથે કહું છું કે તમે તમારી દુકાનના નામમાંથી કરાચી શબ્દ કાઢી નાખો, કારણ કે પાકિસ્તાનનું એ શહેર ત્રાસવાદીઓની ધરતી છે અને ત્યાંના ત્રાસવાદીઓને કારણે આપણા જવાનોના જાન જાય છે.

પોતે જ ફેસબુક પર શેર કરેલા વિડિયોમાં નાંદગાંવકર દુકાનમાલિકને એવું કહેતા સંભળાય છે કે તમે મુંબઈમાં ભલે ધંધો કરો, પણ દુકાનના નામમાં કરાચી શબ્દ ન રાખો. કરાચી શબ્દથી અમને બહુ તકલીફ થાય છે. તમારી દુકાનને તમારું કે તમારા પરિવારનું નામ આપો, પણ કરાચી શબ્દ નહીં ચાલે. હું તમને એ માટે સમય આપું છું. તમારે નામ બદલવું જ પડશે. તમે કરાચી નામ બદલી નાખશો તે પછી હું તમારી દુકાનમાં આવીશ અને ખાઈશ.

દુકાનમાલિકે પોતાનું નામ જાહેર કરવાની અનિચ્છા બતાવી છે, પણ એમણે બાદમાં પોતાની દુકાનના બોર્ડ પરના નામને છાપાના કાગળોથી ઢાંકી દીધું હતું. વિડિયોમાં એ નાંદગાંવકર સમક્ષ એવો ખુલાસો કરતા હતા કે ભારતના ભાગલા થયા એ પહેલાં એમના પૂર્વજો કરાચીમાં રહેતા હતા. પૂર્વજોની યાદને ખાતર એણે દુકાનના નામમાં કરાચી શબ્દ રાખ્યો છે, બાકી પાકિસ્તાન સાથે અમારે કશી લેવાદેવા નથી. દુકાનદારે બાદમાં પત્રકારોને કહ્યું કે નીતિન નાંદગાંવકરે એકદમ નમ્રતાપૂર્વક વાત કરી હતી અને નામ બદલી નાખવાનું કહ્યું હતું. હું આ મુદ્દે કોઈ મુસીબત ઊભી થાય એવું ઈચ્છતો નથી. દુકાનના નામમાંથી કરાચી શબ્દ કાઢી નાખવો કે નહીં એ વિશે હું મારા વકીલો સાથે મસલત કરીશ.

પાકિસ્તાનસહિત 12-દેશો માટે UAEનો વિઝા-પ્રતિબંધ; ભારત બાકાત

ઇસ્લામાબાદઃ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ પાકિસ્તાન સહિત 12 દેશોના પ્રવાસીઓ માટે નવા વિઝિટ વિઝા જારી કરવા માટે હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે. આ 12 દેશોમાં ભારતનો સમાવેશ કરાયો નથી. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે યુએઈના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલો નિર્ણય દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરને સંબંધિત માનવામાં આવે છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિસ ચૌધરીએ કહ્યું હતું કે યુએઈએ પાકિસ્તાન સહિત 12 દેશો માટે હંગામી ધોરણે નવા પ્રવાસી વિઝા જારી કરવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે તેમણે કહ્યું હતું કે પહેલેથી જારી કરાયેલા વિઝા માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે.

યુએઈ સરકારે પાકિસ્તાન ઉપરાંત તુર્કી, ઈરાન, યમન, સિરિયા, ઈરાક, સોમાલિયા, લિબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનના લોકો પર પ્રવાસી વિઝા જારી કરવા માટે પ્રતિબંધ મૂક્યો છે. યુએઈ સરકારનો આ નિર્ણય પાકિસ્તાનમાં કોવિડ-19ના કેસો વધી જતાં લેવામાં આવ્યો છે.

ગયા જૂનમાં યુએઈએ પાકિસ્તાનમાં કોરોનાના કેસ વધી જતાં પ્રવાસી સેવાઓ પર હંગામી રીતે પ્રતિબંધની ઘોષણા કરી હતી. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 3,65,927 કેસ નોંધાયા છે.

ત્રણ-ચાર મહિનામાં કોરોના-રસી આવી જશેઃ ડો.હર્ષવર્ધનને વિશ્વાસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ડો. હર્ષવર્ધને આજે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ-19 રસી આવતા ત્રણ-ચાર મહિનામાં તૈયાર થઈ જશે. એમણે એમ પણ કહ્યું કે દેશના તમામ 135 કરોડ નાગરિકોને આ રસી પૂરી પાડવામાં આવશે અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે રસી આપવામાં પ્રાધાન્ય નક્કી કરવામાં આવશે.

કોરોના વાઈરસ અંગે FICCI FLO દ્વારા આયોજિત એક વેબિનારમાં સંબોધન કરતી વખતે ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી પહેલા આપવામાં આવશે. ત્યારબાદ મોટી ઉંમરવાળા લોકોને તથા રોગના શિકાર બનવાનું જોખમ વધારે હોય એવા લોકોને આપવામાં આવશે રસીકરણ માટે વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બાબતમાં બ્લુપ્રિન્ટ તૈયાર કરવા વિશે ચર્ચા કરવા એક ઈ-વેક્સિન ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મની રચના પણ કરવામાં આવી છે. એવી આશા છે કે 2021નું વર્ષ આપણા સહુના માટે વધારે સારું બની રહેવું જોઈએ.

ડો. હર્ષવર્ધને વધુમાં કહ્યું કે આવતા વર્ષના જુલાઈ-ઓગસ્ટ સુધીમાં 25-30 કરોડ લોકો માટે કોરોના વેક્સિનના 40-50 કરોડ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે. આપણા વિજ્ઞાનીઓ કોરોના રસીને વિક્સાવવાના સંશોધનમાં અન્ય કરતાં ઘણા આગળ છે. આવતા બે મહિનામાં તો આપણી પાસે રસી આવી જશે એવો અમને વિશ્વાસ છે.