Home Blog Page 4574

સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ; કોઈ જાનહાનિ નહીં

સુરતઃ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલ (કોવિડ સેન્ટર)માં આજે બપોરે લગભગ બે વાગ્યાના સુમારે આગ લાગી હતી. આગ લાગવાની ખબર મળતાં જ ફાયર બ્રિગેડના જવાનોની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં કોરાનાની સારવાર લઈ રહેલા તમામ 16 દર્દીઓને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું છે. સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.  

સર્વર રૂમમાં આગ લાગી
બપોરે બે વાગ્યાની આસપાસ હોસ્પિટલના પ્રથમ માળ પર આવેલા સર્વર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં જ ઝેરી ધુમાડો ચારે તરફ ફેલાયો હતો. જોકે, દર્દીઓને બચાવવા માટે એલિવેશનનો ભાગ તોડી નખાયો હતો. હોસ્પિટલની નોન-કોવિડ વિંગમાં આગ લાગી હતી. જ્યાં આઇસીયુમાં રહેલા 16 દર્દીઓને સફળતાથી ખસેડવામાં આવ્યા હતા. એની સાથે જ હોસ્પિટલના સ્ટાફને પણ સાવચેતીથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આસપાસના લોકો દોડી આવ્યા
ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગ લાગતાં આસપાસમાંથી લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કાફલાને લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડવામાં લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલના સંચાલકે જણાવ્યું હતું કે આગ લાગતા જ હોસ્પિટલનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલ પાસે તમામ પ્રકારની એનઓસી છે. તેમજ તમામ સિસ્ટમ પણ કાર્યરત છે.

ઈન્ડિયા INXમાં દૈનિક ટર્નઓવર વધીને $10-અબજની સર્વોચ્ચ સપાટીએ

ગાંધીનગરઃ ગિફ્ટ સિટી સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે આવેલા BSEના ઈન્ડિયા INXમાં તાજેતરમાં ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવર વધીને 10 અબજ યુએસ ડોલર (આશરે રૂ.74,509 કરોડ)ની સપાટીએ પહોંચ્યું હતું.   આ સાથે ગિફ્ટ સિટી IFSCમાં ઈન્ડિયા આઈએનએક્સનો બજાર હિસ્સો 91 ટકા થયો છે.

આ એક્સચેન્જ 16 જાન્યુઆરી, 2017થી શરૂ થયું ત્યારથી દૈનિક ટર્નઓવર નવી નવી ઊંચી સપાટી સર કરતું જાય છે. નવેમ્બર 2020માં સરેરાશ દૈનિક ટર્નઓવર 6.50 અબજ યુએસ ડોલર (આશરે રૂ.48,442 કરોડ)નું થઈ ગયુ્ં છે જે આગલા મહિનાની તુલનાએ 20.23 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અત્યાર સુધીમાં 1.33 ટ્રિલ્યન યુએસ ડોલરનાં કામકાજ અહીં થયાં છે. નવાં પ્રોડક્ટ્સ લોન્ચ કરાવાને પગલે બજાર સહભાગીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભારતના શહેરીકરણમાં મૂડીરોકાણ કરવાની ઉજળી તકઃ મોદી

 નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને ભારતના શહેરી કેન્દ્રોમાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રિત કર્યા છે, કેમ કે દેશનું લક્ષ્ય કોરોના રોગચાળાને કારણે ધીમા પડેલા અર્થતંત્રને વેગ આપવાનું છે. વડા પ્રધાન મોદીએ બ્લુમબર્ગ ન્યુ ઈકોનોમી ફોરમને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતાં કહ્યું હતું કે જો તમે શહેરીકરણમાં મૂડીરોકાણ કરવા ઇચ્છતા હો તો ભારતમાં એ માટે ઊજળી તક છે, જો તમે ઊભરતાં માર્કેટમાં મૂડીરોકાણ કરવા ઇચ્છો છો તો ભારતમાં એ માટે અનેક ઊજળી તકો છે.

તેમણે કહ્યું હતું કે આ રોગચાળાએ દરેક ક્ષેત્રમાં નવા પ્રોટોકોલ વિકસિત કરવાની તક આપી છે. આપણે વિશ્વની કોવિડ-બાદની જરૂરિયાતો વિશેની તકોને ઝડપી લેવી જોઈએ, જેથી આપણાં શહેરોનો કાયાકલ્પ થઈ શકે. ભારત એક પસંદગીનું ગ્લોબલ મૂડીરોકાણ સ્થળ બનવામાં કોઈ કસર નહીં છોડે. શહેરી કેન્દ્રોના લાભાલાભ પર પ્રકાશ ફેંકતાં મોદીએ કહ્યું હતું કે રોગાચાળાએ ફરીથી આપણા સૌથી મોટા સ્રોત સમાજો અને વ્યવસાયોના રૂપમાં આપણા લોકો છે, એ સમજાવ્યું છે. તેમને પોષણક્ષમ બનાવવામાં આવવા જોઈએ.

તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અફોર્ડેબલ હાઉસિંગ, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (રેરા) અને 27 શહેરોમાં મેટ્રો રેલવે જેવી સુવિધા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં 2022 સુધીમાં દેશમાં 1000 કિલોમીટર સુધીની મેટ્રો રેલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. અમે બે તબક્કાની પ્રક્રિયા દ્વારા 100 સ્માર્ટ શહેરોને પણ પસંદ કર્યાં છે. આ શહેરોમાં આશરે રૂ. બે લાખ કરોડ અથવા 30 અબજ ડોલરના પ્રોજેક્ટ તૈયાર છે. આ ઉપરાંત આશરે રૂ. 1.40,000 કરોડના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે, એમ તેમણે રોકાણકારોને જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાનાં ઓછા પરીક્ષણો; નવા કેસ ઘટ્યા

મુંબઈઃ મંગળવારે સતત ચોથા દિવસે મુંબઈમાં કોરોના વાઈરસના કેસો 1,000થી પણ ઓછી સંખ્યાના નોંધાયા હતા. નવો ચેપ લાગ્યો હોય એવા 541 કેસ નોંધાયા હતા અને આ વૈશ્વિક રોગચાળાને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા 14 હતી. આ સાથે મુંબઈમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 2,70,654 થઈ છે અને મરણાંક 10,596 થયો છે.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે મુંબઈમાં કોવિડ-19 ટેસ્ટિંગની સંખ્યામાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે અને એને કારણે જ આ રોગના નવા કેસોની નોંધણીમાં ઘટાડો થયો છે. ઘણા કેસોમાં કોરોનાની તપાસ થઈ નથી એને નિષ્ણાતોએ ચિંતાજનક બાબત ગણાવી છે.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગયા અઠવાડિયે મુંબઈમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા 10,000 સુધી ઘટી ગઈ હતી. આ આંક નવેમ્બરના આરંભમાં 13,000-14,000 હતો. દિવાળીનું સપ્તાહ શરૂ થયું ત્યારથી કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો થયો હતો. તેથી ચિંતા થઈ રહી છે કે ઘણા લોકોને કોરોનાના લક્ષણ હશે, પરંતુ તેઓ ટેસ્ટિંગ માટે આગળ આવ્યા નથી.

અમદાવાદમાં કોરોનાનો ઊથલોઃ હોસ્પિટલો ફુલ, જનતા કરફ્યુ

અમદાવાદઃ અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમ્યાન ખરીદી માટે બજારમાં લોકોની ઊમટેલી ભીડ હવે કોરોના વાઈરસ બીમારીના ઢગલાબંધ કેસોમાં પરિવર્તિત થઈ રહી છે. શહેરમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા હતા. ગઈ કાલે 145 દિવસ પછી કોરોનાના સૌથી વધુ 234 કેસો નોંધાયા હતા. છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં કોરોના કેસોની બાબતમાં વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સોશિયલ મિડિયામાં આ અંગેના સમાચારો વાઇરલ થતાં અમદાવાદીઓ આજે ઘરમાં ભરાઈ રહ્યા છે. જેથી શહેરમાં જનતા કરફ્યૂ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

કેસ વધતાં હોસ્પિટલો પણ ફુલ

શહેરમાં કેસ વધતાં હોસ્પિટલો પણ ભરાવા માંડી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ઝડપથી પેક થઈ રહી છે. એએમસીના જણાવ્યા અનુસાર હાલ 91 ટકા બેડ પેક છે અને હજી દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ગઈ કાલ સાંજ સુધીમાં શહેરની હોસ્પિટલોના 875 આઇસોલેશન બેડમાંથી 840 દર્દીઓ, 366 આઇસીયુ બેડસમાંથી 90 ટકા તેમ જ 175 આઇસીયુ વેન્ટિલેટર બેડમાંથી 90 ટકા બેડ ફુલ થઈ ગયા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસોમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતાં નવા વોર્ડ ખોલવા પડ્યા અને બેડની સંખ્યા વધારવી પડી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાંથી 625 બેડ ફુલ થઈ ગયા હતા અને ગંભીર દર્દીઓની સંખ્યા 174 હતી. સોલા સિવિડલમાં 450માંથી 280 બેડ ફુલ થયા છે અને વેન્ટિલેટર પર તમામ 50 બેડ હાલ ફુલ છે. જો હવે દર્દીઓ વધશે તો અહીં પણ બેડ્સની સંખ્યા વધારવામાં આવશે.

38 ડૉક્ટર,100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં

 અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના 38 ડૉક્ટરોને કોરોના થયો છે તો 100થી વધુ કર્મચારી કોરોનાના ભરડામાં સપડાયા છે. શહેરમાં કોરોના વિસ્ફોટના ડરના કારણે અમદાવાદ સહિતના શહેરમાં રસ્તાઓ અને બજારોમાં લોકોની અવર જવર ઓછી થઈ ગઈ છે. ર છેલ્લા બે દિવસથી ટ્રાફિકમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે શહેરમાં સંક્રમણનો ડર એટલી હદે વધ્યો છે કે લોકોમાં જ સ્વયંભૂ જનતા કરફ્યૂની અસર દેખાઈ રહી છે.

કોરોનાની બીજી લહેર

રાજ્યમાં કોરોનાના સંક્રમણની બીજી લહેર હોવાનો મત અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પ્રભાકરે આપ્યો હતો. દિવાળી તહેવારોમાં મોટા ભાગના વિસ્તારોમાં લોકો બેદરકાર બની માસ્ક તેમ જ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા હતા. બાપુનગર, ત્રણ દરવાજા સહિતનાં બજારોમાં ખરીદી કરવામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા હતા, જેના કારણે હવે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.

મનમોહનસિંહના એ નિર્ણય પાછળનું કારણ ઓબામાએ જણાવ્યું

વોશિંગ્ટનઃ મુંબઈમાં 2008ની 26 નવેમ્બરે ભયાનક આતંકવાદી હુમલાઓ કરાયા બાદ પાકિસ્તાન પર એનું વેર લેવાની અનેક માગણીઓ થઈ હતી, પણ એ વખતના વડા પ્રધાન મનમોહન સિંહે એ સ્વીકારી નહોતી. પરંતુ, એમનો એ સંયમ રાજકીય રીતે એમને બહુ ભારે પડી ગયો હતો. આ વાત અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એમના જીવનના સંસ્મરણો વિશેના પુસ્તકમાં લખી છે. ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ શિર્ષકવાળું આ પુસ્તક હાલ બુકસ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

26/11 હુમલાઓ થયા હતા ત્યારે અમેરિકામાં ઓબામા પ્રમુખપદે હતા. એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, હું જ્યારે 2010 ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે ગયો હતો ત્યારે મનમોહન સિંહ સાથેની મારી ચર્ચામાં 26/11 હુમલાઓનો ઉલ્લેખ થયો હતો. એમણે મારી સમક્ષ એવો ભય વ્યક્ત કર્યો હતો કે પોતે પાકિસ્તાન પર આક્રમણ કરવાનું એટલા માટે ટાળ્યું હતું કે ક્યાંક મુસ્લિમ-વિરોધી વધતી લાગણીનો ફાયદો ભારતનો સૌથી મોટો વિરોધપક્ષ ભારતીય જનતા પાર્ટી ઉઠાવી ન જાય, કારણ કે ભારતમાં વધી રહેલી મુસ્લિમ-વિરોધી લાગણીને કારણે ભાજપ વધારે મજબૂત થયો હતો.

 

ઓબામાએ પોતાના પુસ્તકમાં ડો. મનમોહન સિંહને બુદ્ધિમાન, ઉત્તમ વિચારોવાળા અને ઈમાનદાર વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે. મનમોહન સિંહ અને મેં સાથે મળીને ભારત-અમેરિકા વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોને વિકસાવ્યા હતા.

કોરોનાના નવા 29,164 કેસો, 449નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 88 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,164 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 449 લોકોનાં મોત થયાં છે. છેલ્લા ચાર મહિનામાં પહેલી વાર દેશમાં કોરોના સંક્રમણના 30,000 ઓછા કેસ નોંધાયા છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 89,12,907 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,30,993  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 83,35,109 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,46,805એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.47 ટકા થયો છે.

દિલ્હીમાં 17 દિવસમાં એક લાખથી વધુ પોઝિટિવ

દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેથી 17 દિવસોમાં એક લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

વડોદરામાં ટેમ્પો-ડમ્પર અથડાયાઃ 11નાં મોત, 18 ઘાયલ

અમદાવાદઃ વડોદરાના નેશનલ હાઇવે પરની વાઘોડિયા ચોકડી પાસે આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કમસે કમ 11 યાત્રીઓનાં મોત થયાં છે અને 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની માહિતી મળતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે અધિકારીઓને ઝડપી કામગીરી માટે સૂચના આપી છે તેમ જ ઘાયલ થયેલા લોકોને ત્વરિત સારવાર આપવા માટે સૂચના આપી હતી.

સુરતનો આહીર પરિવારને નડ્યો અકસ્માત 
વડોદરાના ડીસીપી ઝોન-3 કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આઇસર ટેમ્પોના ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહિર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીનાં દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઇસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. આ અકસ્માતમાં પરિવારના 11 લોકોના મોત થયાં છે, જેમાં પાંચ મહિલા, ત્રણ પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે.

 

ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ

આઇસર ટેમ્પોમાં સવાર 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતની જાણ થતા જ ફાયર વિભાગે રેસ્ક્યૂની કામગીરી તાત્કાલિક હાથ ધરી હતી. તો ઘવાયેલા યાત્રીઓને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતાં જ એડિશનલ સીપી, કલેક્ટર અને એસડીએમ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તો એસએસજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક હોસ્પિટલમાં હાજર રહ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સુરતમાં રહેતા આહિર સમાજના લોકો દોડી આવ્યા હતા. વડોદરામાં રહેતા સમાજના કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા. જેથી મૃતકો અને ઈજાગ્રસ્તોને ઓળખ કરવામાં મદદ થઈ હતી.

 

 

 

 

 

પીએમ મોદીએ બાઈડનને ફોન કરી અભિનંદન આપ્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જૉ બાઈડન સાથે ગઈ કાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રમુખપદે ચૂંટાવા બદલ બાઈડનને એમણે અભિનંદન આપ્યા હતા. બંને નેતાએ કોવિડ-19 રોગચાળા સામેના જંગમાં સહકાર આપવા તથા, ભારત-અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો-ભાગીદારી મુદ્દે ચર્ચા કરી હતી. ડેમોક્રેટિક પાર્ટીના બાઈડન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકાના 46મા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

પોતે બાઈડન સાથે ટેલિફોન પર વાતચીત કરી હોવાની જાણકારી પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી છે. મોદીએ બાઈડનને એમ પણ કહ્યું હતું કે તમારા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાં કમલા હેરિસને પણ મારા વતી અભિનંદન આપજો. ચૂંટણીમાં એમની સફળતા ભારતીય-અમેરિકન સમુદાય માટે મોટા ગૌરવ અને પ્રેરણાની બાબત છે.

જૉ બાઈડન ભૂતકાળમાં યૂએસ પ્રમુખ બરાક ઓબામાના વહીવટીતંત્રમાં ઉપપ્રમુખ પદે હતા. એ વખતે તે હોદ્દાની રૂએ તેઓ પીએમ મોદીને મળ્યા હતા. 2016ના જૂનમાં એમણે યૂએસ કોંગ્રેસ (સંસદ)ના સંયુક્ત સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું અને એમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.

૧૮ નવેમ્બર ૨૦૨૦

૧૮ નવેમ્બર ૨૦૨૦