Home Blog Page 4580

આ વર્ષે બોલીવૂડ હસ્તીઓની દિવાળી ઓછી ધામધૂમવાળી

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ 14 નવેમ્બર, શનિવારે દિવાળી તહેવારને ઉજવવા સજ્જ બની છે, પરંતુ આ વવર્ષની દિવાળી ઉજવણીમાં ધામધૂમ ઓછી હશે. ઘણાં કલાકારોએ કોરોના વાઈરસને લગતા નિયંત્રણોને કારણે સાત મહિના બાદ એમની ફિલ્મી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી છે અને તેઓ દિવાળી પર્વના અઠવાડિયાના દિવસોમાં પણ કામ કરી રહ્યાં છે. તેથી આ વખતે દિવાળીની ઉજવણી એમનાં શૂટિંગ લોકેશન્સ ખાતે જ કરી લેશે.

કોરોના વાઈરસ રોગચાળો હજી સંપૂર્ણપણે દૂર થયો નથી, તેથી આ વર્ષે બોલીવૂડમાં ઘણી મોટી દિવાળી પાર્ટીઓને રદ કરી દેવામાં આવી છે. ઘણી હસ્તીઓએ આ વર્ષે દિવાળી તહેવાર પોતપોતાનાં સ્વજનો સાથે સાદાઈથી ઉજવવાનું નક્કી કર્યું છે. કરીના કપૂર-ખાન અને સૈફ અલી ખાન એમનાં પુત્ર તૈમુરની સાથે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં કુદરતી સાંન્નિધ્યમાં દિવાળીની ઉજવણી કરવા ગયાં છે. સૈફ અલી ખાન એ જ સ્થળે એની નવી ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો છે. કરીના પુત્ર તૈમુરની સાથે ધર્મશાલા જવા મુંબઈથી રવાના થઈ છે.

સંજય દત્ત એના પરિવારજનો સાથે દુબઈ ગયો છે. ત્યાં પણ કોરોના નિયંત્રણો લાગુ હોવાથી એમની દિવાળીની ઉજવણી જરાય ઝાકઝમાળભરી નહીં હોય. એવી જ રીતે, અભિનેત્રી દીપિકા પદુકોણ પણ આ વખતે દિવાળી સાદાઈપૂર્વક ઉજવવાનાં છે. એ ઘરમાં જ રહેવાની છે અને પરિવારજનો સાથે એક સિમ્પલ પૂજા કરવાની છે. ટાઈગર શ્રોફ અને એની ગર્લફ્રેન્ડ દિશા પટની હાલ માલદીવ ગયાં છે અને ત્યાં જ દિવાળી ઉજવશે. એમની સાથે ત્યાં કદાચ ટાઈગરની બહેન ક્રિષ્ના અને એનો બોયફ્રેન્ડ એબન હેમ્સ પણ જોડાશે.

મરિયમ નવાઝનો ઈમરાન સરકાર પર આરોપ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝે વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. એમનો દાવો છે કે પોતાને તાજેતરમાં જ્યારે જેલમાં પૂરવામાં આવ્યાં હતાં, ત્યારે તેમના બેરેકના બાથરૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા જ તે કેમરા લગાડવામાં આવ્યા હતા. આ તો એક મહિલાનું અપમાન કહેવાય, એમ તેમણે કહ્યું હતું.

હજી થોડા દિવસ પહેલાં પાકિસ્તાન સેના અને આઇએસઆઇના અધિકારી કરાચીમાં મરિયમ નવાઝ જે હોટેલમાં ઉતર્યાં હતાં ત્યાં એમની રૂમમાં દરવાજો તોડીને જબરદસ્તીથી ઘૂસી ગયા હતા અને મરિયમનાં પતિની ધરપકડ કરી હતી. મરિયમે જણાવ્યું હતું કે ઇમરાન ખાન સરકારે તેમને બે વાર જેલમાં મોકલ્યાં હતાં. ત્યાં મહિલાઓ સાથે કેવી રીતનું વર્તન થાય છે, જો હું સાચી વાત કહીશ તો વહીવટીતંત્ર અને સરકારનો ચહેરો જોવા લાયક નહીં રહે. આ કેવી સરકાર છે, જ્યાં એક મહિલા અને તેના પતિની ધરપકડ કરવામાં આવે છે અને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે. 

નવાઝ શરીફ હાલ સારવાર માટે લંડનમાં ગયા છે. ત્યાં નવાઝ શરીફે વિડિયો કોન્ફરન્સિંગ કરીને સેનાનું નામ લઈને કેટલાય ગંભીર આરોપ લગાવ્યા છે. એમના પુત્રી મરિયમે કહ્યું હતું કે દેશની સેનાનું કામ સરહદનું રક્ષણ કરવાનું છે, નહીં કે રાજકારણ રમવાનું.

દિવાળીમાં રંગો, આકૃતિઓથી સજાવવા રંગોળી બજારમાં આવી

અમદાવાદઃ દિવાળી પર દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણામાં રંગોળી કરે છે. દિવાળીની રોનક અને ઉજવણી રંગોળી વિના અધૂરી રહે છે. દીપોત્સવીમાં ઘરના આંગણાને મનગમતા રંગો અને આકૃતિઓથી સજાવવા રંગોળી બજારમાં આવી ગઈ છે. જુદા-જુદા રંગોની સાથે રંગોળી પૂરવામાં સરળતા રહે એ માટે પ્લાસ્ટિક, કાગળ અને ધાતુની જાળીઓમાં દેવી-દેવતા, શુભ ચિહનો, આકૃતિઓ. બજારમાં ઉપલબ્ધ છે. શહેરના તમામ વિસ્તારના બજારો દીપોત્સવી પહેલાં રંગબેરંગી થવા માંડ્યા છે.

દિવાળીના તહેવારો નજીક આવતા જાય છે એ સાથે જ રંગો ભરેલી લારીઓ, પાથરણાંવાળાં બજારમાં આવી જાય છે. આ વખતે કોરોના કાળને કારણે દિવાળીમાં લોકોએ ઘરઆંગણે રંગોળી ખાસ દોરવી જોઈએ, જેથી છૂટક આવક કરીને પેટિયું રળીને કમાણી કરતા લોકોને મદદ મળી રહે.

દિવાળીની ઉજવણીની તૈયારીઓ દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. લોકો ઘરની સાફ સફાઈ કરી તેને શણગારે છે. માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર વિચરણ કરે છે. માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ કરે છે, જે ઘર સ્વચ્છ હોય અને જેના આંગણામાં સુંદર રંગોળી માતાના સ્વાગત માટે બનેલી હોય.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રાજ્યોને કેન્દ્ર તરફથી રૂ. 4,381.88 કરોડની નાણાકીય સહાય

નવી દિલ્હીઃ તાજેતરમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી કુદરતી આફતોનો ભોગ બનેલા છ રાજ્યોને કેન્દ્ર સરકારે રૂ. 4,381.88 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ આ નિર્ણય લીધો છે.

આ છ રાજ્યો છે – પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને સિક્કીમ. આ રાજ્યોમાં અમ્ફન અને નિસર્ગ વાવાઝોડાઓ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોએ ભારે વિનાશ વેર્યો હતો.

આ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) અંતર્ગત કેન્દ્ર તરફથી આ સહાયતા આપવામાં આવી છે. અમ્ફન ચક્રવાતનો ભોગ બનેલા પશ્ચિમ બંગાળને રૂ. 2,707.77 કરોડ અને ઓડિશાને રૂ. 128.23 કરોડ આપવામાં આવ્યા છે. નિસર્ગ વાવાઝોડાનો ભોગ બનેલા મહારાષ્ટ્રને રૂ. 268.59 કરોડ આપવામાં આવ્યા છે. આ વર્ષના ચોમાસાની મોસમમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી બરબાદ થયેલા કર્ણાટકને રૂ. 577.84 કરોડ, મધ્ય પ્રદેશને રૂ. 611.61 કરોડ અને સિક્કીમને રૂ. 87.84 કરોડની સહાયતા કરવામાં આવી છે.

આ દિવાળીએ ઘરે બનાવો પૌષ્ટિક વાનગી

(૧) ઓટસ લાડુ-
ઓટસ એ ખૂબ જ હેલ્ધી અને પોષણક્ષમ ગ્રેઇન છે. તો આ દિવાળી એ પૌષ્ટિક ઓટસ લાડુ બનાવીએ.

ઓટસ લાડુ બનાવવાની રીત:-
ઓટસ અને બધા ડ્રાયફ્રુટસ એકવાર અલગ અલગ ડ્રાય રોસ્ટ કરી લો. ત્યારબાદ ડ્રાયફુટ્રસને અધકચરા ક્રશ કરી લો. હવે ઓટસ, ડ્રાયફ્રુટસ (ક્રસ્ડ) ખજુર, ખસખસ, તજ પાવડર અને મધ તેમજ બાઈડીંગ માટે ઘી ઉમેરી બધુ સરસ હલાવી નાના નાના લાડુ તૈયાર કરી દો તો તૈયાર છે હેલ્દી અને ટેસ્ટી લાડુ.

(૨) સ્ટફડ્ ખજૂર:-

સરળ અને ઝડપથી બની જતી અને હેલ્ધી રેસીપી એટલે સ્ટફડ્ ખજૂર
સ્ટફડ્ ખજૂર બનાવવાની રીત:-
-ખજુરને ઘી માં શેકી દેવી જેથી ખુબજ સરસ Fragrance આવે. તેમજ ખજૂર અને ઘી ખાવામાં પણ પૌષ્ટીક હોય.
-ખાંડને પેનમમાં ૧ મીનીટ માટે ગરમ કરવી, પછી ફલેમ ઓફ કરી તેમાં ડ્રાયફ્રુટ પાવડર નાંખી દેવો અને સરસ હલાવી દેવું આમ caramlised ડ્રાયફુટ પાઉડર તૈયાર થઇ જશે.
– હવે ખજૂરમાંથી સાચવીને સાઇડમાં કાપો મુડી સીડસ કાઢી નાંખવા અને એમાં આ પાઉડર ભરી દેવો.
– તો તૈયાર છે ડ્રાયફ્રુટસ ખજૂર, થોડી ઠંડી કરી ગુલાબની પાંદડીઓથી સજાવી સર્વ કરવી.

(૩) પાલક પુરી:-

પાલક એ લોહી તેમજ હિમોગ્લોબીન વધારનારી ભાજી છે અને તેનો મહત્તમ ઉપયોગ આપણા ફાયદા માટે છે.

પાલક પુરી બનાવવાની રીત:-
-ઘઉંના લોટમાં બધા મસાલા નાખી પાલકની pure થી જ લોટ બાંધો. હવે નાના નાના લુવા બનાવી સરસ  પુરી વણી, કાંટ વાળી ચમચીથી કાણાં પાડી બધી પુરીને તળી લો.
-Mix herbs થી પુરીમાં અલગ અને ટેસ્ટી ફ્લેવર આવશે.
-ગ્રીન ચટની કે ગળી ચટણી સાથે ખાવાની મજા આવશે.

(૪) ઇમ્યુનીટી બુસ્ટર વડા:-

ગુજરાતીઓ એટલે વર્ષોથી ટ્રેડીંગ માટે બહારગામ જતી પ્રજા અને એટલે જ ગુજરાતી ફુડ કલ્ચરમાં સુકા અને લાંબો સમય સુધી ઉપયોગ થાય તેવા નાસ્તાનું બહુ મહત્વ છે. તો જોઇએ ઇમ્યુનીટી બુસ્ટર વડા.
ઇમ્યુનીટી બુસ્ટર વડા બનાવવાની રીત:
-ત્રણે લોટ મીક્સ કરી તેમાં બધા કોરા મસાલા, ભાજી (જીણી સમારેલી), આદુ, મરચા લસણની પેસ્ટ નાંખો
-મસાલા તમારા સ્વાદ અનુસાર મીક્ષ કરવા
-૨ ચમચી તેલનું મોણ નાંખવું અને તલ નાંખવા.
-હવે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી સરસ કણક બાંધવો
-બંને હાથની હથેળીનો ઉપયોગ કરી ગોળ વડા થેપી દેવા અને ૧ થી ૧.૫ કલાક એને સુકવવા દેવા. પછી ધીમી આંચ પર એને તળી લેવા.
-તો તૈયાર છે ઇમ્યુનીટી બુસ્ટર વડા, ચા, કોફી સાથે તેમજ એકલા પણ ખાવાની મજા આવે એવા.

(અભિનિષા ઝુબિન આશરા)

(લેખિકા ફૂડ અને લાઇફસ્ટાઇલ બ્લોગર છે.)

દિવાળીની ઉજવણીઃ રંગોળીમાં કોરોના રોગચાળાથી બચવાના સંદેશ

અમદાવાદઃ શહેરના જગતપુર નજીક નવા જ વિકસિત એવા ગોદરેજ ગાર્ડન  સિટીના  જુદા-જુદા એપાર્ટમેન્ટના પરિવારોએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે સોસાયટી પ્રાંગણમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ઘટાદાર વૃક્ષો અને હરિયાળી માટે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર જાણીતો છે. જગતપુર અને એસ.જી. હાઇવે નજીક આવેલા આ વિસ્તારમાં અંદાજે 4500 જેટલા કુટુંબો વસવાટ કરે છે. 

ગુજરાત રાજ્યમાં દેશના ખૂણે-ખૂણેથી આવીને વસતા લોકો ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર અને ઉત્સવો ભેગા મળી ઊજવવાનો પ્રયાસ કરે છે. કોરોનાના કપરા કાળમાં પણ સમાજના દરેક વર્ગ સુધી સંદેશ પહોંચે અને જાગૃતિ આવે એ રીતે ઉત્સવોમાં સકારાત્મક વિષયોને વણી લેવામાં આવે છે.

જીજીસીયુ, ગોદરેજ ગાર્ડન સિટીના નવીનભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે દિવાળીનો માહોલ ઓછો જણાતો હતો. લાંબા લોકડાઉનથી લોકો પરેશાન હતા. વિશાળ પરિસર ધરાવતા ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોમાં એક દિવાળીના તહેવારમાં સકારાત્મક ઊર્જા આવે એ જરૂરી હતું. આ સાથે ઉત્સવનો ઉત્સાહ વધે અને એકતાની ભાવના વધુ પ્રબળ બને એ હેતુથી રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. કેમ્પસમાં સ્પર્ધા એટલા માટે કે આટલા મોટા સિટીમાં તહેવાર વખતે સ્વચ્છતાની સાથે સુંદરતા જળવાય. રચનાત્મક વિચારો આવે, સૌ પોતાના પરિસરમાં રંગોળી પૂરે અને આંગણું સુંદર બનાવવા પ્રયાસ કરે.

રંગોળીમાં માસ્ક અને સેનિટાઇઝર દોર્યા

ઓર્ચાડ,  બેલવેડેર અને તીવોલી જેવા ગોદરેજ ગાર્ડન સિટીના જુદા-જુદા ભાગોમાં 30 કરતાં વધારે જગ્યાએ લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રાંગણને રંગોળીની સાથે ફૂલો અને દીવડાંથી સજાવ્યું હતું. એપાર્ટમેન્ટના દરવાજા પર કલાત્મક છત્રી અને રંગબેરંગી પડદાની સાથે સુશોભન કરવામાં આવ્યું હતું.

ભારતના જુદા-જુદા પ્રાંતના લોકો વસવાટ કરતા હોવાથી રંગોળીમાં પણ વિવિધતા જોવા મળી હતી. આ વર્ષે કોરોનાથી બચવાના ઉપાયો અને મહામારીના સમયને વણી લેતી કેટલીક બાબતો રંગોળીમાં દર્શાવવામાં આવી હતી. રંગોળી ના રંગોમાં માસ્ક અને સેનિટાઇઝર દોરવામાં આવ્યાં હતાં.

(પ્રજ્ઞેશ વ્યાસ)

આ દિવાળીએ બજારમાં રોશનીનો ઝળહળાટ ઘટ્યો

અમદાવાદઃ દેશમાં ઉત્સવો-તહેવારોમાં ઉમંગ અને ઉત્સાહ જળવાઈ રહે એ માટે લોકો જુદા-જુદા પ્રયોગો કરતા જ રહે છે. દિવાળી જેવા તહેવારમાં પોતાનું ઘર, ઓફિસ, ઇમારતો, ધાર્મિક સ્થળો બીજાથી કંઇક અલગ જ રીતે ઝગમગી ઊઠે એ માટે અવનવા આકારમાં રોશની કરે છે.

દર વર્ષે દુકાનો, મોલ મલ્ટિપ્લેક્સ, શોપિંગ સેન્ટરો, મંદિરો ઉપર દીપોત્સવી દરમિયાન મોટા પ્રમાણમાં રોશની કરવામાં આવતી હોય છે, પરંતુ કોરોનાના રોગચાળા, મંદી અને મોંઘવારીના કારણે આ વર્ષે બજારમાં અને ઇમારતો પર 15 ટકા જેટલી પણ રોશની કરવામાં આવી નથી.

કપડાં, દાગીના, બુટ ચંપલ, હોટલ-રેસ્ટોરન્ટ ,મીઠાઇ નમકીન, બેંકિંગ સેક્ટર, મોલ મલ્ટિપ્લેક્સ, બિલ્ડર્સ  જેવા અનેક ધંધા-વેપાર સાથે સંકળાયેલા લોકો ગ્રાહકોને આકર્ષવા ઇમારતો પર ઝગમગતી રોશની કરતા હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ શહેરની જ વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બજારના વેપારના સ્થળોમાં ખૂબ જ ઓછી ઇમારતો પર રોશની જોવા મળી રહી છે.

કોરોનાના રોગચાળાથી ઉત્સવોનો ઉત્સાહ ઓસર્યો નથી, પણ ખોટા ખર્ચા અને ઉડાઉપણું ઓછા થઇ ગયા છે. દરેક વિસ્તારોના નાના-મોટાં બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું જ વેચાણ હાલપૂરતું વધારે જોવા મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કૃણાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ કરાઈ

મુંબઈઃ વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ હોવાની શંકા જતાં ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગના અધિકારીઓએ એને અટકાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, કૃણાલ યુએઈથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા બાદ મુંબઈ આવી પહોંચ્યો હતો. ત્યારે ડીઆરઆઈના જવાનનોએ એને અટકાવ્યો હતો. કૃણાલ ગઈ 10 નવેમ્બરે દુબઈમાં આઈપીએલ-2020નું વિજેતાપદ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય હતો. ટીમે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો. કૃણાલ આઈપીએલમાં અત્યાર સુધીમાં મુંબઈ ટીમ વતી 71 મેચોમાં રમ્યો છે. 2017ની ફાઈનલમાં એ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

એનડીટીવીના અહેવાલ મુજબ, ડીઆરઆઈ સૂત્રના જણાવ્યા મુજબ, કૃણાલ પાસે હીરાજડિત બે લક્ઝરી કાંડાઘડિયાળો હતી (બે ઓડેમર્સ પિગેટ અને બે રોલેક્સ ઘડિયાળ). આ કેસ પ્રમાણમાં નાનો હોવાથી ડીઆરઆઈ વિભાગે સામાન્ય નિયમો અનુસાર કેસને એરપોર્ટ કસ્ટમ્સ વિભાગને સુપરત કરી દીધો હતો. અધિકારીઓએ એની ત્રણેક કલાક સુધી પૂછપરછ કરી હતી. ઘડિયાળો જપ્ત કરી લીધા બાદ એને જવા દેવામાં આવ્યો હતો એવું અહેવાલોનું કહેવું છે. નિયમાનુસાર, જો કૃણાલ આ ઘડિયાળ લેવા માગતો હશે તો એણે કસ્ટમ્સ ડ્યૂટી અને દંડની રકમ ભરવી પડશે. આ કેસમાં ઈમ્પોર્ટેડ ઘડિયાળો પર 38.5 ટકા કસ્ટમ્સ ડ્યૂટી લાગી શકે છે.

અમદાવાદમાં વંચિત દીકરીઓને દિવાળીની ભેટ

અમદાવાદઃ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, કપરા કોરોના કાળમાં ઉત્સવોની ઉજવણીમાં ઓટ જોવા મળે છે, પરંતુ સમાજમાં જે વર્ગ વંચિત છે, એમને મદદ કરવા માટે અનેક સંસ્થાઓ સદાય તત્પર રહે છે. એ કોરોના કાળમાં લોકો એ કરેલી મદદ દ્વારા જોવા મળ્યું.

શહેરના રામદેવનગર, થલતેજ, ગુલબાઈ ટેકરા અને વાસણા વિસ્તારમાં સોલ બે અને શ્વાસ સંસ્થાએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. સોલ બે સંસ્થાએ  શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી વંચિત દીકરીઓને પગરખાં, જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને માસ્ક પૂરા પાડ્યા હતા.

સોલ બે સંસ્થાના દર્શિની અને યામા ચિત્રલેખા. કોમ ને કહે છે દીપોત્સવી દર વર્ષે આવે છે. કોરોનાને કારણે આ દિવાળી સૌ માટે અલગ અનુભવ છે. ઉત્સવોમાં વંચિતો અને એમાંય દીકરીઓને મદદ કરવાથી અનેરો આનંદ મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોરોનાના કેસોની સંખ્યા 87 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 87 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,879 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 547 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 87,28,795 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,28,668  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 81,15,580 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,84,547એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

તામિલનાડુ સરકારે સ્કૂલ ખોલવાનો નિર્ણય પાછો ખેંચ્યો

તામિલનાડુ સરકારે બાળકોનાં માતા-પિતાની સલાહ લઈને થોડા દિવસની અંદર જ ગુરુવારે રાજ્યમાં 9મા ધોરણથી 12 ધોરણની શાળાઓને નવેમ્બરમાં ખોલવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. સરકકારે જણાવ્યું છે કે હમણાં સ્કૂલ બંધ જ રહેશે. રાજ્યમાં 16 નવેમ્બરથી કોલેજ ખૂલી ગઈ છે. પણ સરકારે કહ્યું કે કોલેજ અને યુનિવર્સિટી ખાલી સંશોધનકર્તા, વિજ્ઞાન અને ટેક્નિકલ પાઠ્યક્રમના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે જ બે ડિસેમ્બરથી ખૂલશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.