Home Blog Page 4590

૭ નવેમ્બર ૨૦૨૦

૭ નવેમ્બર ૨૦૨૦

કમાલના કલાકાર કમલ હાસન

ભારતીય ફિલ્મોના અત્યંત પ્રતિભાશાળી અભિનેતા, નિર્માતા, નિર્દેશક, સ્ક્રીન રાઇટર, ગાયક અને ગીતકાર કમલ હાસનનો જન્મ ૭ નવેમ્બર, ૧૯૫૪ના રોજ મદ્રાસ રાજ્યના પરમકુડી મુકામે થયો હતો. એમનું મૂળ નામ પાર્થસારથી શ્રીનિવાસન, પણ ઓળખાયા કમલ હાસનથી. મૂળ તમિલ ફિલ્મોના કલાકાર. શ્રેષ્ઠ અભિનેતાના ચાર નેશનલ એવોર્ડ તો ૧૯ ફિલ્મફેર એવોર્ડ્ઝ એમના ખાતામાં છે. પોતાની નિર્માણ કંપની રાજકમલ ઇન્ટરનેશનલ દ્વારા એમણે અનેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.

તમિલ ફિલ્મમાં બાળકલાકાર તરીકે પડદા પર આવતાં જ એમને રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૧૯૮૩ની ‘મુંદ્રમ પરાઈ’ માં બાળક જેવી સ્મૃતિભ્રંશ નાયિકાની સંભાળ લેતાં સ્કૂલ શિક્ષકની ભૂમિકા માટે એમને પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. પછીથી એ ફિલ્મ હિન્દીમાં ‘સદમા’ તરીકે આવી. શ્રીદેવી અભિનિત આ ફિલ્મ ખૂબ જ વખણાઇ. ‘નાયાગન’, ‘હે રામ’, ‘વિરુમંડી’ કે ‘વિશ્વરુપમ’નું નિર્માણ કરી ખૂબ સફળતા મેળવી. ‘દશાવતારમ’ (૨૦૦૮)માં હાસને દસ વિવિધ ભૂમિકાઓ કરી હતી. ૧૯૯૦માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણ અને ૨૦૧૬માં ‘ઓર્ડર ડેસ આર્ટસ એટ લેટર્સ’ એવોર્ડથી એમનું સમ્માન થયું હતું.

કમલ પહેલાં એવા તમિલ અભિનેતા છે, જેમણે પોતાની ફેન-ક્લબ્સને કલ્યાણ કાર્ય કરનારી સંસ્થાઓમાં ફેરવી નાખી છે. આ માટે એમને એવોર્ડ્ઝ પણ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડતા કમલે મદ્રાસનું માદામબક્કમ તળાવ સાફ કરવાની જવાબદારી પણ લીધી હતી.

(નરેશ કાપડીઆ-સુરત)

રાશિ ભવિષ્ય 07/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 07/11/2020

બંગાળમાં ભાજપ 200 સીટ જીતશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઝુંબેશ શરૂ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધુ સીટો જીતશે અને સરકાર બનાવશે. પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યની જનતાને પાંચ વર્ષમાં સોનાર બાંગ્લા બનાવવાનું વચન પણ આપ્યું હતું. રાજ્યમાં ભાજપનો વ્યાપ વધ્યો છે. રાજ્યના લોકોએ લોકસભા ચૂંટણીમાં અમને આશીર્વાદ આપ્યા હતા અને ફરી વિધાનસભા ચૂંટણીમાં પણ લોકો અમને આશીર્વાદ આપશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પશ્ચિમ બંગાળ માટે કેન્દ્રના ફંડ પર શાહે મમતા સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે હવે જો નાણાં મોકલવામાં આવશે તો એને ટીએમસીના કાર્યકર્તાઓ એ લૂટી લેશે. કેન્દ્રીય પ્રધાને ફરી એક વાર રાજ્યમાં બહુમતીથી ભાજપ સરકાર ચૂંટાશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવતા વર્ષે બધું બદલાઈ જશે.

ગૃહપ્રધાને રાજ્યના લોકોને અપીલ કરી હતી કે તમે કોંગ્રેસસ કોમ્યુનિસ્ટો અને ટીએમસીને વહીવટ કરવાની તક આપી છે… તો નરેન્દ્ર મોદીના નેતૃત્વને પણ એક તક આપો. અમે પાંચ વર્ષમાં સોનાર બાંગ્લા બનાવીશું. અમારો ઉદ્દેશ પશ્ચિમ બંગાળનો વિકાસ કરવાનો છે.

શાહે બંગાળ સરકારની આલોચના કરતાં કહ્યું હતું કે 2010માં પશ્ચિમ બંગાળે મમતા બેનરજીને રાજ્યનો વહીવટ સોંપ્યો હતો, પણ 10 વર્ષમાં તેમનાં વચનો પોકળ સાબિત થયાં અને લોકોની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. તેમણે કહ્યું હતું કે મા, માટી અને માનુષનું સૂત્ર તુષ્ટિકરણ અને ટોળાબાજીમાં પરિવર્તિત થઈ ગઈ છે. જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, તૃણમૂલ સરકાર અને રાજ્યનાં મુખ્ય પ્રધાન એ અપેક્ષાએ ખર્યાં નથી ઊતર્યાં.

કોરોના વાઇરસ અને પૂર રાહત કાર્ય દરમ્યાન પણ તૃણમૂલ ભ્રષ્ટાચારથી દૂર નથી રહ્યો. તેમણે રાજ્યમાં ત્રણ કાનૂન બનાવ્યા, જેમાં એક ભત્રીજા (મમતા બેનરજીના), એક તેમની વોટ બેન્ક માટે અને એક સામાન્ય બંગાળી માટે, એમ તેમણે કહ્યું હતું.

રાજકીય કાર્યકર્તાઓની હત્યાઓની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ દેશમાં સૌથી આગળ છે. છેલ્લા એક વર્ષમાં 100થી વધુ ભાજપના કાર્યકર્તાઓની હત્યા થઈ હતી, પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

 

 

પુતિનને પાર્કિન્સન્સઃ કદાચ આવતા વર્ષે સત્તા છોડશે

મોસ્કોઃ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન (68) પાર્કિન્સન્સ રોગને કારણે આવતા વર્ષના જાન્યુઆરીમાં પ્રમુખપદ છોડે એવી શક્યતા છે, એમ મોસ્કોનાં સૂત્રોએ દાવો કર્યો છે. તેમને તેમનો પરિવાર આરોગ્યની ચિંતાઓને લઈને નિવૃત્ત થવા માટે દબાણ કરી રહ્યો છે. પુતિનના 37 વર્ષીય પ્રેમિકા અલિના કાબેબા અને તેમની બે પુત્રીઓ તેમને પદ છોડવા માટે પ્રેરિત કરી રહ્યાં છે, એમ ન્યુ યોર્ક પોસ્ટના એક અહેવાલમાં મોસ્કોના વૈજ્ઞાનિક વલેરી સોલોવીના હવાલો આપીને કહેવામાં આવ્યું છે.

પોલિટિકલ સાયન્ટિસ્ટે દાવો કર્યો હતો કે પુતિન પાર્કિન્સન્સથી પીડિતા હોવાની શક્યતા છે, કેમ કે રાષ્ટ્રપ્રમુખમાં  આ રોગનાં લક્ષણો  જોવા મળ્યા હતા. વિશ્લેષકોએ જ નોંધ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ પુતિનના પગ સતત કાંપતા હોવાનું જોવા મળ્યું હતું, જે પાર્કિન્સન્સ બીમારીનાં લક્ષણો છે. આ ઉપરાંત તેમનાં હાથની આંગળીઓમાં પણ તકલીફ છે, જે ફુટેજમાં જોવા મળ્યું હતું. તેમણે એક પેન પકડી રાખી હતી અને પેનકિલર્સ કોકટેલનો કપ પણ પકડી રાખ્યો હતો, એમ અમેરિકી સને દાવો કર્યો હતો.

પુતિનના પદ છોડવાના અહેવાલ એવા સમયે આવ્યા હતા, જ્યારે રશિયાના વિધાનસભ્યો એક બિલ લાવવા પર વિચાર કરી રહ્યા છે, જેના હેઠળ ગુનાઇત કાર્યવાહીથી તેમને આજીવન રાહત થઈ જશે.

લશ્કરી વડા નરવણેને ‘જનરલ ઓફ નેપાલ આર્મી’ની માનદ્દ રેન્ક એનાયત…

લશ્કરી વડા જનરલ મનોજ મુકુંદ નરવણેને 6 નવેમ્બર, શુક્રવારે કાઠમંડુમાં નેપાળનાં પ્રમુખ બિદ્યાદેવી ભંડારીએ એમનાં સત્તાવાર નિવાસસ્થાન ‘શિતલ નિવાસ’ ખાતે આયોજિત ખાસ સમારંભમાં ‘જનરલ ઓફ નેપાલી આર્મી’ની માનદ્દ રેન્ક એનાયત કરી હતી. લશ્કરી વડા જનરલ નરવણે ભારત-નેપાળ વચ્ચેના સંબંધોને સુદ્રઢ કરવા માટે નેપાળની 3-દિવસની મુલાકાતે ગયા છે.

લશ્કરી વડા જનરલ નરવણે કાઠમંડુમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરે છે.

લશ્કરી વડા જનરલ નરવણે કાઠમંડુમાં તેઓ નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીને મળ્યા હતા.લશ્કરી વડા જનરલ નરવણે કાઠમંડુમાં નેપાળના લશ્કરી વડામથક ખાતે એમની મુલાકાતની યાદગીરી રૂપે એક છોડ રોપી રહ્યા છે.

પપ્પાએ ક્યારેય મારા માટે ફિલ્મ બનાવી નથીઃ અભિષેક બચ્ચન

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના અકાળે મૃત્યુને પગલે બોલીવૂડમાં નેપોટિઝમ (સગાવાદ) મામલે ચર્ચા ચાલી રહી છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જૂથવાદ અને સગાવાદ પ્રવર્તતો હોવા વિશે ઘણી ચર્ચા ચાલે છે. આ મુદ્દે અભિનેતા અભિષેક બચ્ચને પોતાના મંતવ્યો શેર કર્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું કે મારા પિતા (મેગાસ્ટાર અમિતાભ બચ્ચન)એ ક્યારેય કોઈને ફોન કરીને મને ફિલ્મ અપાવવાનો પ્રયત્ન કર્યો નથી કે ક્યારેય મારા માટે કોઈ ફિલ્મ બનાવી નથી.

એનાથી ઊલટું, મેં એમના માટે એક ફિલ્મ બનાવી હતી – ‘પા’, એમ અભિષેકે વધુમાં કહ્યું.

અભિષેકે કહ્યું કે, જ્યારે કોઈ કલાકાર એની પહેલી જ ફિલ્મમાં દર્શકોને પ્રભાવિત કરી ન શકે કે ફિલ્મ કમાણી કરી ન શકે તો એ કલાકારને નવી ફિલ્મ મેળવવામાં બહુ તકલીફ પડતી હોય છે.

‘મને ખબર છે કે જ્યારે મારી ફિલ્મો સારી નહોતી ચાલી ત્યારે બીજી ફિલ્મોમાં મારી જગ્યાએ અન્ય અભિનેતાને પસંદ કરવામાં આવ્યા હતા. એવી જ રીતે, મારી અમુક ફિલ્મો સારી કમાણી કરી શકી નહોતી એટલે મારી ફિલ્મો માટે બજેટ પણ રખાતું નહોતું, કારણ કે એ વખતે હું પૈસા કમાવી આપું એવો કલાકાર નહોતો, ’ એમ અભિષેકે કહ્યું.

ભારત અનેક દેશોને કોરોનાની રસી પૂરી પાડશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ મહાબીમારીની રસી બનાવવાની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. સરકારી વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી, 2021માં દેશમાં કોવાક્સિન મળે એવી શક્યતા છે. કોરોના વેક્સિન વિશે માહિતી આપતાં વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ કહ્યું હતું કે અમે કેટલાક સાથી દેશો સાથે મળીને કોરોના વેક્સિનના ટ્રાયલના સંચાલનની સંભાવના શોધી રહ્યા છીએ. અમે વેક્સિન બનાવવા માટે ઉત્સુક છીએ.  શ્રૃંગલાએ કહ્યું હતું કે વેક્સિનનો પુરવઠો પ્રાપ્ત કરવા માટે અનેક દેશો આપણો સંપર્ક કરી રહ્યા છે. ભારત વેક્સિનના વિતરણ માટે પોતાની કોલ્ડ ચેઇન અને સ્ટોરેજ ક્ષમતા વધારવામાં ઇચ્છુક દેશોને મદદ કરશે.

ફેબ્રુઆરી સુધી કોવાક્સિન લોન્ચ થવાની શક્યતા

કોરોના વેક્સિન આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી આવવાની શક્યતા છે. સરકારી વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી, 2021માં દેશમાં કોવાક્સિન મળે એવી સંભાવના છે. આ વેક્સિન સંપૂર્ણ રીતે સ્વદેશી હશે. ભારતની આ ઝડપને દુનિયાના દેશો મોટી સફળતા તરીકે માની રહ્યા છે.

એક વરિષ્ઠ સરકારી વૈજ્ઞાનિકે કહ્યું હતું કે વેક્સિનના અંતિમ તબક્કાનું પરીક્ષણ આ મહિને શરૂ થઈ જશે. કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના સભ્ય અને ICMR વૈજ્ઞાનિક રજની કાંતે કહ્યું હતું કે અત્યાર સુધી તમામ સંશોધનથી માલૂમ પડે છે કે વેક્સિન સુરક્ષિત છે અને અસરકારક છે. આશા છે કે આવતા વર્ષના પ્રારંભે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધી વેક્સિન મળી જશે.

ઓટો ક્ષેત્રમાં ‘મેડ ઈન ગુજરાત’ની બોલબાલા

અમદાવાદઃ પેસેન્જર કાર ઉત્પાદનમાં ગુજરાત દેશનું સૌથી મહત્ત્વપૂર્ણ હબ બની રહ્યું છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM- સિયામ)ના ડેટા અનુસાર વર્ષ 2019-20માં ભારતમાં 21.75 લાખ પેસેન્જર કારનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 7.10 લાખ કારોનું ઉત્પાદન ગુજરાતમાં થયું. આ રીતે જોઈએ તો દેશમાં બનતી દરેક ત્રીજી કાર ‘મેડ ઇન ગુજરાત’ છે. રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કાર કંપનીઓએ રૂ. 13,000 કરોડનું મૂડીરોકાણ કર્યું છે.

સરેરાશ રીતે જોઈએ તો દેશમાં તૈયાર થતી પેસેન્જર કારોમાંથી આશરે 33 ટકા કારોનું ઉત્પાદન ગુજરાત કરે છે. રાજ્યમાં હાલ ચાર કંપનીઓ –મારુતિ સુઝુકી, ટાટા, ફોર્ડ અને એમજી મોટર્સના કાર ઉત્પાદનના પ્લાન્ટ્સ છે. હોન્ડા પણ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે કાર્યરત છે અને આવતા વર્ષમાં સંભવતઃ એનું કામ પણ શરૂ થઈ જશે.

સાણંદમાં ટાટા મોટર્સનો પ્લાન્ટ

2010માં સાણંદમાં ટાટા મોટર્સ પ્લાન્ટમાં પહેલી નેનો કાર બની હતી. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એ સમયે ટાટા મોટર્સને સાણંદમાં પોતાની ડ્રીમ કાર નેનોનો પ્લાન્ટ લગાવડાવ્યો હતો. હવે આ પ્લાન્ટમાં ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન થઈ રહ્યું છે.

1996માં અમેરિકાની ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સે ગુજરાતના વડોદરાની પાસે હાલોલમાં પ્લાન્ટ લગાવ્યો હતો. જોકે 2017માં વેચાણ ઓછું થવાને કારણે અને વૈશ્વિક સ્તરે આર્થિક સંકટને કારણે કંપનીએ ગુજરાતમાં ઉત્પાદન બંધ કર્યું હતું. 2017-18માં એમજી (મોરિસ ગેરેજ) મોટરે જનરલ મોટર્સના હાલોલ પ્લાન્ટને ટેકઓવર કરીને પોતાની વિવિધ બ્રાન્ડનું ઉત્પાદન શરૂ કર્યું છે.

જ્યારે 2015માં ફોર્ડ મોટર ઇન્ડિયાએ સાણંદમાં પોતાની કારનું ઉત્પાદન શરૂ કર્યું હતું. વર્ષ 2017માં સુઝુકી મોટર કોર્પોરેશને બલેનો કારનું ઉત્પાદન શરૂ કર્યું અને 2018માં સ્વિફ્ટ ગાડીઓનુ ઉત્પાદન પણ અહીં જ થઈ રહ્યું છે.

 બે વર્ષમાં સ્થાપિત ક્ષમતા 15 લાખે પહોંચવાની ધારણા

રાજ્ય સરકારના ઉચ્ચાધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ મળીને 10.90 લાખથી વધુ પેસેન્જર કારની ઉત્પાદન ક્ષમતા છે. મારુતિ આવનારા સમયમાં ઉત્પાદન ક્ષમતા વધારીને 2.50 લાખ કારોની કરવાની છે. આ સિવાય ફોર્ડ અને એમ એન્ડ એમ ગુજરાતમાં કાર બનાવવાની યોજના પર કામ કરી રહી છે. એક અંદાજ મુજબ આવતાં બે વર્ષમાં રાજ્યમાં કાર ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા 15 લાખ સુધી પહોંચે એવી ધારણા છે. હાલ રાજ્યમાં મારુતિ સુઝુકીની પાંચ લાખ, ફોર્ડની 2.40 લાખ, ટાટા મોટર્સની 2.50 લાખ અને એમજી મોટરની એક લાખ કારોની ઉત્પાદન ક્ષમતા છે.

2010થી અત્યાર સુધી કેટલું મૂડીરોકાણ આવ્યું?

રાજ્યમાં કાર ઉત્પાદનને 2009થી વેગ મળ્યો છે, જ્યારે ટાટા મોટર્સે એની ડ્રીમ કાર નેનોનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાં જમીન વિવાદ પછી ગુજરાતમાં આવવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે મમતા સરકારે ટાટાનો સખત વિરોધ કર્યો હતો અને એનો લાભ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવતાં ટાટાને ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતમાં 2010થી અત્યાર સુધી ચાર કાર ઉત્પાદકો દ્વારા આશરે રૂ. 13,000 કરોડનું મૂડીરોકાણ થઈ ચૂક્યું છે. જેમાં ફોર્ડ દ્વારા રૂ. 5000 કરોડ, ટાટા મોટર્સ દ્વારા રૂ. 4500 કરોડ, એમજી મોટર્સ દ્વારા રૂ. 2250 કરોડ અને મારુતિ સુઝુકી દ્વારા રૂ. 1250 કરોડનું મૂડીરોકાણ થયું છે.    

હોન્ડા રૂ. 1200 કરોડનું મૂડીરોકાણ કરશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર હોન્ડાનો ટૂ વ્હીલર પ્લાન્ટ ગુજરાતમાં છે. હવે કંપની અહીં એની કારોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવા ઇચ્છે છે. એના માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે. કંપની રાજ્યમાં રૂ. 1200 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપની એનો નવો પ્લાન્ટ એના વિઠ્ઠલપુર સ્થિત પ્લાન્ટની બાજુમાં જ સ્થાપશે.

ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન પણ ગુજરાતમાં

અન્ય દેશોની જેમ કેન્દ્ર સરકાર પણ ઇલેક્ટ્રિક વેહિકલને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં હાલ ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરી રહી છે. એમાં ટાટાની ઈ-કાર ટિગોર એના સાણંદ સ્થિત પ્લાન્ટમાં બની રહી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિકલને મામલે ટાટાની કારો સૌથી વધુ વેચાય છે.