Home Blog Page 4594

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી-2020 માટે મતદાન…

અમેરિકામાં 45મા પ્રમુખની ચૂંટણી માટે 3 નવેમ્બર, મંગળવારે મતદાન યોજાયું હતું. દેશના દરેક રાજ્યોમાં લોકોએ મતદાન કરવામાં ઉત્સાહ બતાવ્યો હતો. સીએટલ, ઓરેગોન, કોલોરાડો, ડલાસ, ફ્લોરિડા સહિત અનેક રાજ્યોમાં ઠેકઠેકાણે મતદારોની આવી લાઈન જોવા મળી હતી. વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદતમાં જીતવા ચૂંટણીમાં ઊભા છે જ્યારે એમના હરીફ છે ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડન. મતગણતરીમાં બંને નેતા વચ્ચે જોરદાર રસાકસી ચાલી છે.

મતદાન કરવા નંબર આવે તેની રાહ જોતા મતદારો

સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મતદાન કરતા લોકો

મતદાન કરતા લોકો

બેલટ બોક્સને સેનિટાઈઝ કરતી ચૂંટણી કર્મચારી

મતપત્રકોની ચકાસણી અને વર્ગીકરણ

ચૂંટણી કર્મચારી વર્ગીકરણ કરવા અને મતગણતરી કરવા માટે બેલટ બોક્સમાંથી મતપત્રકો બહાર કાઢે છે.

2021માં 87% ભારતીય કંપનીઓ પગારવધારો કરશેઃ સર્વે

અમદાવાદઃ ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના રોગચાળાને કારણે આર્થિક ફટકા પછી ભારતીય કોર્પોરેટ જગતમાં ઝડપથી આર્થિક સુધારાની આશા છે, ત્યારે ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે દિવાળી ટાણે સારા સમાચાર આવ્યા છે. ગ્લોબલ પ્રોફેશનલ સર્વીસીસ કંપની એઓને ભારતમાં લેટેસ્ટ સેલરી ટ્રેન્ડ વિશે એક સર્વેક્ષણ હાથ ધર્યો હતો. એના પરથી એણે એવું તારણ આપ્યું છે કે 87 ટકા કંપનીઓએ 2021માં પોતપોતાના કર્મચારીઓનો પગાર વધારવાની યોજના બનાવી છે. જ્યારે 2020માં 71 ટકા કંપનીઓએ કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો.

આગામી વર્ષે અનેક કંપનીઓ કર્મચારીઓની સેલરીમાં વધારો કરવાની યોજના ઘડી રહી છે, પણ આ વધારો 60 ટકાથી વધુ નહીં હોય. જોકે 61 ટકા કંપનીઓ આશરે 2020માં 4.5 ટકા વધારાની તુલનામાં 5-10 ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે.

પરિણામે 2020માં વાસ્તવિક સરેરાશ પગારવધારો 6.1 ટકાની તુલનાએ વર્ષ 2021માં 7.3 ટકા વધારો થવાનો અંદાજ છે. જોકે આ સર્વેક્ષણ એઓન વેતન ટ્રેન્ડ્સએ 20થી વધુ ઉદ્યોગોની 1050 કંપનીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું છે.

આ સર્વેક્ષણમાં આઇટી, ફાર્મા, લાઇફ સાયન્સિસ અને આઇટી સંબંધિત ક્ષેત્રો સામેલ છે, જેમાં ઊંચો પગારવધારો થવાની શક્યતા છે, જ્યારે હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ ક્ષેત્રે નીચો પગારવધારો થવાની શક્યતા છે. જોકે વર્ષ 2020માં 6.1 ટકાનો સરેરાશ પગારવધારો ઇતિહાસમાં સૌથી ઓછો છે, વળી, એ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી નોંધાયેલા 6.3 ટકાના પગારવધારા કરતાં પણ ઓછો છે.

બીજી બાજુ આ સર્વેની બે તૃતીયાંશ કંપનીઓ 2020ની સરખામણીએ 2021માં સમાન અથવા ઊંચો પગારવધારો કરવાનું લક્ષ્ય ધરાવે છે. જોકે 26.7 ટકા કંપનીઓએ 2021માં ઊંચા પગારવધારાનો અંદાજ માંડ્યો છે, જ્યારે 39.8 ટકા કંપનીઓની 2020 જેટલા જ સમાન પગારવધારાની યોજના છે, જ્યારે 33.5 ટકા કંપનીઓ 2021માં ઓછો પગારવધારો કરવાની યોજના ધરાવે છે.

એઓનના ડિરેક્ટર નવનીત રતને કહ્યું છે કે રોગચાળાએ વિવિધ ક્ષેત્રો અને ઓર્ગેનાઇઝેશનો પર માઠી અસર કરી છે.

ક્વાલિફાયર-1: દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ્ફની કમનસીબીનો અંત લાવી શકશે?

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝન અથવા આઈપીએલ-2020નો લીગ તબક્કો સમાપ્ત થયો છે. 56 મેચો પૂરી થઈ ચૂકી છે અને હવે શરૂ થશે પ્લેઓફ્ફ તબક્કો.

આ ચાર ટીમ પ્લેઓફ્ફમાં પહોંચી છેઃ

મુંબઈ ઈન્ડિયન્સ (14 મેચમાં 9 જીત સાથે 18 પોઈન્ટ), દિલ્હી કેપિટલ્સ (14 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ), સનરાઈઝર્સ હૈદરાબાદ (14 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ, +0.608 રનરેટ) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (14 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ, – 0.172).

કોલકાતા નાઈટ રાઈડર્સે પણ 14 મેચમાં 7 જીતીને 14 પોઈન્ટ હાંસલ કર્યા હતા, પણ બેંગલોર કરતાં એનો નેટ રનરેટ ઓછો છે – માઈનસ 0.214

હવે, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પાંચ નવેમ્બરે દુબઈમાં પહેલી ક્વાલિફાયર-1 મેચ રમાયા બાદ 6 નવેમ્બરે અબુ ધાબીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. ત્યારબાદ 8 નવેમ્બરે અબુ ધાબીમાં જ ક્વાલિફાયર-1 મેચની પરાજિત ટીમ અને એલિમિનેટર મેચની વિજેતા ટીમ વચ્ચે ક્વાલિફાયર-2 મેચ રમાશે. 10 નવેમ્બરે દુબઈમાં ફાઈનલ મેચ રમાશે, જેમાં ક્વાલિફાયર-1 વિજેતા અને ક્વાલિફાયર-2ની વિજેતા વચ્ચે મુકાબલો થશે.

(ચાર કેપ્ટન – ડાબેથી જમણે) રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ), શ્રેયસ ઐયર (દિલ્હી કેપિટલ્સ), ડેવિડ વોર્નર (સનરાઈઝર્સ હૈદરાબાદ), વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર)

દિલ્હીને પ્લેઓફ્ફમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધાની છેક 55મી મેચના પરિણામ સુધી રાહ જોવી પડી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદે તેની છેલ્લી લીગ મેચમાં મુંબઈ ટીમ પર 10-વિકેટથી જીત હાંસલ કરી હતી. શું આ કારમી હારથી મુંબઈ ટીમના ખેલાડીઓના મનોબળને ફટકો પડશે? જવાબ છે – ના. કારણ કે એ મેચના પરિણામથી મુંબઈ ટીમના ભાવિ પર કોઈ અસર પડવાની નહોતી. એ પહેલેથી જ પ્લેઓફ્ફમાં પહોંચી ચૂકી હતી. વળી, તે મેચમાં મુંબઈએ જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા કાતિલ ફાસ્ટ બોલરોને આરામ આપ્યો હતો. આ બંને બોલર આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં સાથે મળીને કુલ 43 વિકેટ પાડી ચૂક્યા છે. તેથી હવે આવતીકાલની પ્લેઓફ્ફ મેચમાં આ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ફરી પૂરી તાકાતથી ઉતરશે.

બીજી બાજુ, દિલ્હી કેપિટલ્સ ટીમ પ્લેઓફ્ફમાં હારી જવાની એની કમનસીબીનો આ વખતે અંત આવી જાય એવું પસંદ કરશે. પરંતુ વર્તમાન સ્પર્ધામાં તે મુંબઈ ઈન્ડિયન્સ સામે બે લીગ મેચમાં હારી ચૂકી છે. એ તેની મોટી હાર હતી. તેથી જ પ્લેઓફ્ફ જીતવા મુંબઈ ફેવરિટ છે. તે છતાં આ વખતની સ્પર્ધામાં ઘણું બધું પહેલી વાર જોવા મળ્યું છે. જેમ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલી જ વાર પ્લેઓફ્ફ માટે ક્વોલિફાઈ થઈ શકી નથી.

2012 અને 2016ની આઈપીએલમાં બે નવી ટીમ ટુર્નામેન્ટ જીતી હતી તેથી દિલ્હી કેપિટલ્સ ટીમને પણ થોડીક આશા રહેશે કે તેઓ મુંબઈને હરાવી શકશે અને ફાઈનલમાં પ્રવેશ કરી શકશે.

બીજી બાજુ, ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તેનું પ્રભુત્વ યથાવત્ રહે એવા પ્રયત્નો કરશે.

ગોસ્વામીની ધરપકડ, સત્તાનો દુરુપયોગઃ અમિત શાહનો આક્રોશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની આજે સવારે મુંબઈમાં કરાયેલી ધરપકડ મામલે રોષની લાગણી વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે ગોસ્વામીની ધરપકડ સત્તાનો ખુલ્લંખુલ્લા દુરુપયોગ છે. પ્રેસ (પત્રકારત્વ)ની આઝાદી પર આ હુમલાનો વિરોધ જરૂર કરવો જોઈએ.

અમિત શાહે વિરોધપક્ષોને ટાર્ગેટ કરીને કહ્યું કે એમણે લોકશાહીને ફરીથી કલંકિત કર્યું છે. આજની ઘટના પોતાને કટોકટીના દિવસોની યાદ અપાવે છે, એમ પણ શાહે કહ્યું.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ નજીકના અલીબાગ નગરમાં 53-વર્ષીય ઈન્ટીરિયર ડિઝાઈનર, આર્કિટેક્ટ અન્વય નાઈક અને એમના માતાએ 2018ના મે મહિનામાં કથિતપણે કરેલી આત્મહત્યાના સંબંધમાં અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. અન્વય નાઈકે એમની સુસાઈડ નોટમાં અર્ણબ ગોસ્વામીનું નામ આપ્યું હતું. એમણે એમાં લખ્યું હતું કે અર્ણબે એમની રિપબ્લિકન ટીવી ચેનલના સ્ટુડિયોમાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગનું કામ કરાવ્યું હતું, પણ એના પૈસા ચૂકવ્યા નહોતા, જે રકમ 5.40 કરોડ રૂપિયામાં થવા જાય છે. અન્વય નાઈક અને એમના માતાના મૃતદેહ અલીબાગ સ્થિત એમના બંગલામાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.

તે કેસના સંબંધમાં મુંબઈ પોલીસના અધિકારીઓએ આજે સવારે અહીંના વરલી વિસ્તારસ્થિત અર્ણબ ગોસ્વામીના નિવાસસ્થાને જઈને એમની ધરપકડ કરી હતી. પોલીસે સહકાર આપવાની વિનંતી કરી હતી, પણ ગોસ્વામીએ ઈનકાર કર્યો હતો. પરિણામે પોલીસો ગોસ્વામીને ઢસડીને લઈ ગયા હતા અને પોલીસ વેનમાં બેસાડી દીધા હતા. એ વખતે ગોસ્વામીના પત્ની ત્યાં હાજર હતા અને એમણે ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો, જે રિપબ્લિક ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

અમિત શાહે નામ દઈને કહ્યું કે કોંગ્રેસ અને એની સહયોગી પાર્ટીઓએ ફરી વાર લોકશાહીને કલંકિત કરી છે.

અમિત શાહ જેવા જ આકરા પ્રત્યાઘાત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ આપ્યા છે.

અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગઃ 9નાં મોત

અમદાવાદઃ અમદાવાદના પિરાણા-પીપળજ રોડ ઉપર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કાપડના એક ગોડાઉનમાં આજે લાગેલી ભીષણ આગમાં નવ વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે અને ચાર વ્યક્તિની હાલત ગંભીર છે. આ આગમાંથી નવ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આગ પ્રસરતાં બાજુમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ રિએક્શનને લીધે બ્લાસ્ટ થયો હતો. આ ઘટના પર ફાયર ચીફ એમ.એન.દસ્તુરે પણ અત્યાર સુધી નવ લોકોનાં મોત થયા હોવાની પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત આગ લાગવાને કારણે એક દીવાલ ધરાશાયી થઈ હતી, જેથી અંદર કામ કરતા 15 વ્યક્તિઓ દબાઈ ગઈ હતી, જેમાંથી અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તેમ છતાં હજી બે-ત્રણ લોકો ફસાયા છે. જેમને કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 15થી વધુ ટીમ ઘટના સ્થળે પહોચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

હાલ ફાયરબ્રિગ્રેડના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. આ ગોડાઉનમાં કાપડ હોવાને કારણે આ આગ બહુ જ જલદી પ્રસરી હતી. ફાયરના અધિકારીઓને આશંકા છે કે હજી આ કાટમાળમાં અન્ય લોકો ફસાયા હોવાની આશંકા છે.

આ દુર્ઘટનાના મૃતકો અને ઇજાગ્રસ્ત લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં આઠ મૃતકો છે અને અન્ય બે ઇજાગ્રસ્ત લોકોની હાલત ઘણી જ ગંભીર છે. મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફેરવાઈ ગયું છે. આ સાથે એલ. જી. હોસ્પિટલમાં પણ પરિવારજનોની રોકકળથી આખું વાતાવરણ ગમગીન થયું છે. આ દુર્ઘટનામાં એક 18 વર્ષના યુવાને પગ ગુમાવાનો વારો આવ્યો છે.

108ની ટીમ ઘટનાસ્થળે

આ આગની દુર્ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જે ઇજાગ્રસ્તોને સારવાર કરી રહી છે. આ બનાવને પગલે આ વિસ્તારમાં લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં.

પ્રમુખપદ ચૂંટણી-2020 એક બનાવટઃ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ

વોશિંગ્ટનઃ દેશના પ્રમુખપદની ચૂંટણી-2020ને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બનાવટ તરીકે ગણાવી છે. ગઈ મોડી રાત સુધી મતગણતરી ચાલુ રાખવામાં આવી એટલે તેઓ ભડકી ગયા છે. એમણે કહ્યું છે કે પોતે આની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરશે.

આજે વ્હાઈટ હાઉસ ખાતે પોતાના સમર્થકો અને પરિવારજનોને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની જનતા સાથે એક છેતરપીંડી કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામને પોતે સુપ્રીમ કોર્ટમાં પડકારશે એમ તેમણે કહ્યું હતું.

આવો આક્ષેપ કરતી વખતે ટ્રમ્પે કોઈ પુરાવો આપ્યો નહોતો. વળી, એમણે જ્યારે આવો આરોપ મૂક્યો હતો ત્યારે લાખો મતોની ગણતરી બાકી હતી.

એમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આ અમેરિકાની જનતા સાથે કરાયેલી એક છેતરપીંડી છે. આ આપણા દેશ માટે શરમજનક બાબત છે. ‘પ્રામાણિકપણે કહું તો આપણે આ ચૂંટણી જીતી ગયા હતા. તમામ પ્રકારનું મતદાન બંધ થવું જોઈએ,’ એ તેમણે કહ્યું હતું.

એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે હું તો મંગળવારે સાંજે આપણી જીતની ઘોષણા કરવાનો હતો. આપણે મોટી ઉજવણી કરવા માટે સજ્જ પણ બની ગયા હતા અને અચાનક બધું બંધ કરી દેવાયું. લાખો લોકોએ આપણને વોટ આપ્યો હતો.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે ઉમેદવારે કુલ 538 ઈલેક્ટોરલ વોટમાંથી ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ વોટ હાંસલ કરવા પડે. રોઈટર સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ ટ્રમ્પે અત્યાર સુધીમાં 213 ઈલેક્ટોરલ વોટ જીત્યા છે જ્યારે, બાઈડને 210 વોટ હાંસલ કર્યા હતા.

તે છતાં ફોક્સ ન્યૂઝના દાવા મુજબ બાઈડન સરસાઈમાં હતા.

કોરોનાના કેસોની સંખ્યા 83 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 83 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,253 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 514 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 83,13,876 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,23,611 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 76,56,478 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,33,787એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીઃ બાઈડને કેલિફોર્નિયા જીત્યું

વોશિંગ્ટનઃ અમેરિકામાં નવા પ્રમુખની ચૂંટણીમાં ઊંચા મતદાન પછી મતોની ગણતરી ક્યારની શરૂ થઈ ગઈ છે. ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડન સરસાઈમાં છે. એમણે કેલિફોર્નિયા રાજ્યમાં પણ જીત હાંસલ કરી છે. અત્યાર સુધીમાં એમણે 223 ઈલેક્ટોરલ વોટ્સ હાંસલ કર્યા છે જ્યારે વર્તમાન પ્રમુક અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 204 ઈલેક્ટોરલ વોટ્સ હાંસલ કર્યા છે. ઇન્ડિયાના અને કેન્ટુકી રાજ્યોમાં પણ ટ્રમ્પની જીત થઈ છે. બાઇડન વેરમોન્ટમાં વિજયી થયા છે. સૌથી વધુ ખરાખરીનો જંગ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યો- ફ્લોરિડા, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં છે. પ્રારંભિક પરિણામોમાં ફ્લોરિડામાં ટ્રમ્પ અને બાઇડન વચ્ચે કાંટાની ટક્કર છે.

ફ્લોરિડામાં અત્યાર સુધી 80 મતોની ગણતરી થઈ ચૂકી છે અને ટ્રમ્પ અને બાઇડન વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. આ મુકાબલામાં બધાની નજર ફ્લોરિડા પર ચોંટેલી છે. જોકે આ રાજ્ય ટ્રમ્પના ખાતામાં જાય એવી શક્યતા છે. વર્ષ 2016માં પણ ફ્લોરિડામાં ટ્રમ્પ જીત્યા હતા. ચૂંટણીની દ્રષ્ટિએ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યો- જ્યોર્જિયા, ઓહિયો અને નોર્થ કેરોલિનામાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને અહીં પણ ખરાખરીનો જંગ છે.

ફ્લોરિડાનું ચૂંટણી પરિણામ ફરી એક વાર અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પસંદ કરવામાં અગત્યની ભૂમિકા ભજવશે. વર્ષ 2016માં ટ્રમ્પ અહીંથી માત્ર એક ટકા મતોથી જીતી ગયા હતા. ટ્રમ્પ ખુદને ફ્લોરિડાના નાગરિક ગણાવે છે. તેમણે ઓક્ટોબરમાં ફ્લોરિડા જઈને મતદાન કર્યું હતું. જોકે ચૂંટણીપ્રચાર દરમ્યાન બંને ઉમેદવારોએ એકબીજા પર ભારે આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા હતા.

ફ્લોરિડામાં ટ્રમ્પ અને બાઇડનમાં કાંટાની ટક્કર ચાલુ છે. ટ્રમ્પ અહીં બે પોઇન્ટથી લીડ કરી રહ્યા છે. અહીં 29 ઇલેક્ટોરલ મત છે અને બંને માટે આ રાજ્ય જીતવું બહુ જરૂરી છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ  ટ્રમ્પે ટેનેસી, સાઉથ કેરોલિના અને ઓકલાહોમામાં જીત મેળવી છે. ઓકલાહોમામાં સાત ઇલેક્ટોરલ વોટ છે અને 2016માં ટ્રમ્પે અહીંથી સરળ જીત મેળવી હતી.

 

 

 

મુંબઈઃ રિપબ્લિક ટીવીના તંત્રી અર્ણબ ગોસ્વામીની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ વિભાગના અધિકારીઓએ રિપબ્લિક ટીવી ચેનલના તંત્રી અર્ણબ ગોસ્વામીને આજે સવારે એમના ઘરમાં પ્રવેશીને ધરપકડ કરી છે.

રિપબ્લિક ટીવી ચેનલનો દાવો છે કે પોલીસ અધિકારીઓએ ગોસ્વામી પર હુમલો કર્યો હતો અને બળજબરીથી એમને પોલીસ વેનમાં બેસાડીને લઈ ગયા હતા.

અહેવાલો અનુસાર, ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને એમના માતા કુમુદ નાઈકના 2018માં નિપજેલા મૃત્યુના સંબંધમાં ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે.

એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે ગોસ્વામીને કેસના સંદર્ભમાં પૂછપરછ માટે રાયગડ જિલ્લાના અલીબાગ ખાતે લઈ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટીઆરપી કૌભાંડના સંબંધમાં પણ હાલ ગોસ્વામી સામે તપાસ ચાલે છે.

2018ના મે મહિનામાં 53 વર્ષીય ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને એમના માતા કુમુદ નાઈક અલીબાગમાં આત્મહત્યા કરાયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા.

કથિતપણે અન્વયે લખેલી સુસાઈડ નોટ મલી આવી હતી જેમાં તેમણે એવું લખ્યું હતું કે ગોસ્વામી તથા અન્ય બે જણે એમને રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી જેને કારણે પોતે આર્થિક ભીંસમાં આવી ગયા છે.

રિપબ્લિક ટીવી ચેનલે અર્ણબના ઘરમાં પ્રવેશેલા પોલીસના દ્રશ્યો ટીવી પર દર્શાવ્યા હતા. એમાં જોઈ શકાયું હતું કે ઘરમાં ઝપાઝપી થઈ હતી. એ દ્રશ્યોના સ્ક્રીનશોટ્સ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

૪ નવેમ્બર ૨૦૨૦

૪ નવેમ્બર ૨૦૨૦