
PM મોદીએ મેલોની સાથે કરી ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસે બંને દેશોના સંબંધોને એક અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડી દીધા છે. રોમમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે યોજાયેલી એક હાઈ-પ્રોફાઈલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (Special Strategic Partnership) તરીકે અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેના સહયોગને એક તદ્દન નવી દિશા અને વેગ આપશે. આ સાથે જ પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન મેલોનીને ભારત આવવાનું ભાવભર્યું આમંત્રણ પણ આપ્યું છે.

બે પ્રાચીન સંસ્કૃતિઓનું ઐતિહાસિક મિલન
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ રોમ અને ભારતના સંબંધોને ભાવનાત્મક રીતે જોડતા કહ્યું કે, રોમ આખી દુનિયામાં ‘ઇટરનલ સિટી’ (શાશ્વત નગર) તરીકે ઓળખાય છે, તો ભારતમાં કાશી (વારાણસી)ને પણ અનાદિ અને શાશ્વત નગર માનવામાં આવે છે. જ્યારે આવી બે પ્રાચીન સભ્યતાઓ એકબીજાને મળે છે, ત્યારે તેમની વાતચીત માત્ર ઔપચારિક એજન્ડા સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ તેમાં ઇતિહાસની ઊંડાઈ, ભવિષ્યની દ્રષ્ટિ અને મિત્રતાની સહજતા પણ સ્પષ્ટપણે જોવા મળે છે. છેલ્લા લગભગ 3.5 વર્ષોમાં પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે ઘણી વખત મુલાકાતો થઈ છે, જે બંને દેશોની નિકટતા દર્શાવે છે. પીએમ મોદીએ નોંધ્યું કે મેલોનીના નેતૃત્વમાં દ્વિપક્ષીય સંબંધોને એક નવો આત્મવિશ્વાસ મળ્યો છે.

એક્શન પ્લાન 2025-2029 અને 20 Billion Euroનો લક્ષ્યાંક
બંને નેતાઓએ આગામી સમયના રોડમેપ તરીકે ‘જોઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-2029’ પર વિગતવાર ચર્ચા કરી છે. આ પ્લાન બંને દેશોની ભાગીદારીને વધુ વ્યવહારિક અને ભવિષ્યલક્ષી બનાવશે. હાલમાં ભારત અને ઇટાલી વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને બંને દેશો 20 Billion Euroના વિશાળ વ્યાપારી લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ભારતમાં 800થી વધુ ઇટાલિયન કંપનીઓ સક્રિય છે, જે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, “ઇટાલી તેના ઉત્કૃષ્ટ ડિઝાઇનિંગ અને પ્રિસિઝન માટે જાણીતું છે, જ્યારે ભારત સ્કેલ, ટેલેન્ટ અને એફોર્ડેબલ ઇનોવેશનનું પાવરહાઉસ છે. હવે બંને દેશો ‘ડિઝાઇન એન્ડ ડેવલપ ઇન ઇન્ડિયા એન્ડ ઇટાલી, એન્ડ ડિલિવર ફોર ધ વર્લ્ડ’ના મંત્ર સાથે આગળ વધશે.” આ સહયોગ ફેશન, ફિનટેક, લેસર, લોજિસ્ટિક્સ, મોબિલિટી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં વ્યાપક સ્તરે જોવા મળશે. પીએમ મોદીએ ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)માં ઇટાલીના સહયોગ બદલ આભાર પણ માન્યો હતો.
ટેકનોલોજી, ડિફેન્સ અને બ્લુ ઇકોનોમી પર ફોકસ
આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને ઇનોવેશનને આ ભાગીદારીનું મુખ્ય એન્જિન ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ ટેકનોલોજી, સ્પેસ (અંતરિક્ષ) અને સિવિલ ન્યુક્લિયર એનર્જી જેવા ક્ષેત્રોમાં બંને દેશો સાથે મળીને કામ કરશે. આ માટે ‘ઇન્ડિયા-ઇટાલી ઇનોવેશન સેન્ટર’ સ્થાપવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.
સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધ્યો છે. ‘ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ રોડમેપ’ દ્વારા કો-ડેવલપમેન્ટ (સહ-વિકાસ) અને કો-પ્રોડક્શન (સહ-ઉત્પાદન)ના નવા રસ્તાઓ ખૂલ્યા છે. આ ઉપરાંત, દરિયાઈ ક્ષેત્રે કનેક્ટિવિટી વધારવા અને શિપિંગ મોર્ડનાઇઝેશન તેમજ બ્લુ ઇકોનોમી (દરિયાઈ અર્થતંત્ર) પર સાથે કામ કરવા સહમતિ સધાઈ છે. એટલું જ નહીં, બંને દેશો પોતાની પાર્ટનરશિપને આફ્રિકા ખંડના ત્રીજા દેશો સુધી લઈ જઈને ત્યાં પણ સંયુક્ત પ્રોજેક્ટ્સ શરૂ કરશે.
આતંકવાદના ફાઇનાન્સિયલ નેટવર્કને તોડવાનો આકરો સંદેશ
વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદના મુદ્દે ભારતે ઇટાલી સાથે મળીને દુનિયાને બહુ કડક સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે, આતંકવાદ એ સમગ્ર માનવતા માટે મોટો ખતરો છે. ટેરર ફાઇનાન્સિંગ (આતંકવાદીઓને મળતું આર્થિક ભંડોળ) રોકવા માટે ભારત અને ઇટાલીની સંયુક્ત પહેલ વિશ્વ માટે એક ઉદાહરણ છે. જવાબદાર લોકશાહીઓ માત્ર આતંકવાદની નિંદા નથી કરતી, પરંતુ તેના નાણાકીય નેટવર્કને મૂળમાંથી તોડવા માટે મજબૂત પગલાં પણ ભરે છે. બીજી તરફ, યુક્રેન અને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના તણાવપૂર્ણ સંકટો અંગે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ રાખતા કહ્યું કે, તમામ સમસ્યાઓનો ઉકેલ માત્ર યુદ્ધથી નહીં પરંતુ સંવાદ અને ડિપ્લોમેસી (રાજદ્વારી વાતચીત) દ્વારા જ શક્ય છે.
સાંસ્કૃતિક સંબંધો અને આગામી વર્ષે ‘ઈયર ઓફ કલ્ચર’
ભારત અને ઇટાલી વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો પણ ખૂબ જ રસપ્રદ છે. ઇટાલીમાં ભારતીય કલા, યોગ, આયુર્વેદ અને ભારતીય ભોજનનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ભાષાકીય દ્રષ્ટિએ પણ સંસ્કૃત અને લેટિન જેવી પ્રાચીન ભાષાઓ એક જ ભાષા પરિવારમાંથી આવે છે, જે બંને દેશોની સદીઓ જૂની સમાનતા દર્શાવે છે.
“વન નેશન વન ઇલેક્શન” બિલનો ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ
ગાંધીનગર: રાજ્યમાં વન નેશન, વન ઇલેક્શન બિલ (One Nation, One Election Bill) ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિ (JPS)ની બેઠક યોજાઈ. જેનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પાર્ટી તરફથી સખત વિરોધ નોંધાવ્યો. તેમનું કહેવું છે, “આ સમગ્ર પ્રક્રિયા પાછળ સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો કેન્દ્ર સરકારનો છુપો એજન્ડો છે. આ બિલ ભારતીય બંધારણની મૂળ ભાવના અને દેશના સંઘીય માળખાની વિરુદ્ધ છે, જે રાજ્યોની સ્વાયત્તતા અને સત્તા પર તરાપ મારે છે.”
વધુમાં અમિત ચાવડા (Amit Chavda) એ જણાવ્યું, ચૂંટણીના ખર્ચ અને સરકારી તંત્રની બચતનો જે તર્ક આપવામાં આવે છે તે પણ જમીની હકીકતથી તદ્દન અલગ છે. કારણ કે ચૂંટણી પાછળ થતો ખર્ચ કેન્દ્ર અને રાજ્યોના કુલ બજેટના એક ટકા કરતાં પણ ઓછો છે. તેની સામે, આખા દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા મોટી સંખ્યામાં સુરક્ષાબળ બંદોબસ્ત કરવા અને અબજો રૂપિયાના ખર્ચે નવા EVM તથા VVPAT મશીનો ખરીદવા એ વ્યવહારિક અને આર્થિક બંને દ્રષ્ટિએ અયોગ્ય છે.”
કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે, એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાથી રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થઈ જશે. જેના કારણે સ્થાનિક કક્ષાના પાયાના પ્રશ્નો પર કોઈ ધ્યાન આપશે નહીં.
વર્ષ 2026માં રેકોર્ડ તોડ ગરમી લાવશે સુપર અલ નિનો
નવી દિલ્હીઃ વિશ્વના વૈજ્ઞાનિકો આ વર્ષે સંભવિત ‘સુપર અલ નિનો’ને લઈને ચિંતિત છે. શરૂઆતના સંકેતો દર્શાવે છે કે આ હવામાન સંબંધિત ઘટના અપેક્ષા કરતાં વધુ ઝડપથી વિકસી રહી છે અને છેલ્લા ઘણા દાયકાઓમાંના સૌથી શક્તિશાળી અલ નિનોમાં બદલાઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો સુપર અલ નીનો બનશે, તો તેના અસર દુનિયા પર પડી શકે છે. દેશમાં નબળા ચોમાસા, દુષ્કાળ, ભયંકર ગરમી અને ખેતી પર મોટી અસર જોવા મળી શકે છે.
આખરે અલ નિનો શું છે?
અલ નિનો એક કુદરતી જલવાયુ ઘટના છે. તે ત્યારે બને છે જ્યારે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગનું સમુદ્રી પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. સમુદ્રના તાપમાનમાં આવતો આ ફેરફાર સમગ્ર દુનિયાની પવનો અને હવામાનની પેટર્નને અસર કરે છે. તેને કારણે અનેક દેશોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળે છે. ક્યાંક દુષ્કાળ પડે છે તો ક્યાંક પૂર અને ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે.
વૈજ્ઞાનિકોએ ચેતવણી કેમ વધારી?
અમેરિકાની NOAA (National Oceanic and Atmospheric Administration)એ ચેતવણી આપી છે કે 2026માં અલ નિનો ખૂબ જ મજબૂત બની શકે છે. NOAA અનુસાર પ્રશાંત મહાસાગરમાં અલ નિનોની સ્થિતિ ઝડપથી વિકસી રહી છે. ઘણા હવામાન મોડેલ દર્શાવે છે કે આ 1982-83, 1997-98 અને 2015-16 જેવા મોટા અલ નિનોની બરાબરી કરી શકે છે અથવા તેનાથી પણ વધુ શક્તિશાળી બની શકે છે.
ભારત માટે મોટો ખતરો કેમ?
ભારતની સૌથી મોટી ચિંતા ચોમાસાને લઈને છે. દેશમાં લગભગ 70 ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે આવતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર આધારિત છે. જ્યારે અલ નિનો મજબૂત બને છે, ત્યારે ચોમાસાની પવનો નબળી પડી જાય છે. તેને કારણે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો પડી શકે છે. જોકે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
કયાં રાજ્યો પર સૌથી વધુ અસર પડી શકે?
મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યો અલ નિનો દરમિયાન સૌથી વધુ દુષ્કાળની ચપેટમાં આવ્યા છે. બીજી તરફ કેટલાક દરિયાકાંઠાનાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
BCCIનો મોટો એક્શન પ્લાન: 2026-27ના ડોમેસ્ટિક સીઝનનું શેડ્યૂલ જાહેર
ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ 2026-27 માટેના ઘરેલું ક્રિકેટ સીઝનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે ભારતીય પીચો પર ક્રિકેટનો અદભુત રોમાંચ જોવા મળશે, કારણ કે આગામી સીઝનમાં પુરુષ અને મહિલા બંને કેટેગરીના વિવિધ વય જૂથો (Age Groups) ને મળીને કુલ 1788 મેચો રમાવાની છે. ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના આ મહાકુંભની શરૂઆત 23 August 2026 થી દલીપ ટ્રોફી સાથે થશે. 6 ઝોનલ ટીમો વચ્ચે રમાનારી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ લાંબા ફોર્મેટ (મલ્ટી-ડે ક્રિકેટ) ની શરૂઆત કરશે, ત્યારબાદ 1 Octoberથી ઈરાની કપ રમાશે.
🚨 News 🚨
BCCI announces the schedule for the Indian Domestic Season 2026-27, which will feature 1,788 matches across age groups and formats in men’s and women’s cricket.
More Details 🔽 | @IDFCFIRSTBank https://t.co/eWfVBxBNkQ
— BCCI Domestic (@BCCIdomestic) May 20, 2026
ખેલાડીઓની ફિટનેસ માટે મોટો નિર્ણય: રણજી ટ્રોફી બે તબક્કામાં રમાશે
BCCI એ આ વખતે મલ્ટી-ડે એટલે કે લાંબા ફોર્મેટના ક્રિકેટને વધુ મહત્વ આપ્યું છે. ખેલાડીઓને સતત રમવાના કારણે થતી ઈજાઓથી બચાવવા અને રિકવરી માટે પૂરતો સમય આપવા માટે રણજી ટ્રોફી અને કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીને બે અલગ-અલગ તબક્કામાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. આગામી રણજી ટ્રોફીના માળખાની વાત કરીએ તો, એલીટ (Elite) ગ્રૂપમાં કુલ 32 ટીમોને 4 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ ઉપરાંત પ્લેટ (Plate) ગ્રૂપમાં 6 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે.
શેડ્યૂલમાં કરવામાં આવેલા 3 મોટા ફેરફારો
નવી ટૂર્નામેન્ટની વાપસી: અંડર-23 (U23) ના ઉભરતા યુવા ખેલાડીઓને વધુ સારી તક આપવા માટે ‘કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી વિનર્સ વિરુદ્ધ રેસ્ટ ઓફ ઈન્ડિયા’ મેચને શેડ્યૂલમાં ફરી સામેલ કરાઈ છે. આ મેચ 1 થી 4 October 2026 દરમિયાન રમાશે.
વન-ડેના બદલે હવે T20 ફોર્મેટ: મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં મોટો બદલાવ કરતા, પુરુષોની U23 સ્ટેટ એ ટ્રોફી અને વિજય ટ્રોફીને હવે 50 ઓવરના વન-ડે ફોર્મેટને બદલે રોમાંચક T20 ફોર્મેટમાં રમાડવામાં આવશે.
તારીખો અને વેન્યુમાં ફેરફાર: કૂચ બિહાર ટ્રોફી (એલીટ ગ્રૂપ) ની નૉકઆઉટ મેચો ટીમો વચ્ચે સમાન ટક્કર જાળવી રાખવા માટે બેંગલુરુ અને મૈસૂરુમાં આયોજિત કરાશે. જ્યારે વિજય મર્ચન્ટ ટ્રોફી (U16) ને નવી ટાઈમલાઈન આપવામાં આવી છે, જે હવે November થી January દરમિયાન રમાશે.
રણજી ટ્રોફી 2026-27 માટે નક્કી કરાયેલા ગ્રૂપ્સ (Ranji Trophy Groups):
BCCI દ્વારા આગામી રણજી ટ્રોફી માટે ટીમોનું વિભાજન નીચે મુજબ કરવામાં આવ્યું છે:
ગ્રૂપનું નામ સામેલ ટીમોની વિગત
Elite A – જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, બરોડા, ઉત્તર પ્રદેશ, પુડુચેરી, ગોવા.
Elite B – કર્ણાટક, આંધ્રપ્રદેશ, સૌરાષ્ટ્ર, છત્તીસગઢ, હૈદરાબાદ, ત્રિપુરા, પંજાબ, આસામ.
Elite C – બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર, સર્વિસીસ, ગુજરાત, કેરળ, દિલ્હી, ઓડિશા.
Elite D – ઉત્તરાખંડ, મુંબઈ, હરિયાણા, રેલવે, રાજસ્થાન, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ.
Plate – નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ.
યુવા પ્રતિભાઓને ચમકવાની સોનેરી તક
સ્પોર્ટ્સ એક્સપર્ટ્સના મતે, આ વર્ષે BCCI એ જે રીતે શેડ્યૂલ તૈયાર કર્યું છે, તેનાથી ન માત્ર સિનિયર ખેલાડીઓને ફિટ રહેવામાં મદદ મળશે પરંતુ જુનિયર અને કલબ લેવલના ખેલાડીઓને પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની શાનદાર તક મળશે. આટલી મોટી સંખ્યામાં મેચોનું આયોજન ભારતીય ક્રિકેટના બેન્ચ સ્ટ્રેન્થને વધુ મજબૂત બનાવશે.
કંગાળ પાકિસ્તાનને લૂંટી રહી છે વિદેશી કંપનીઓ
નવી દિલ્હીઃ પાકિસ્તાનની ગરીબ જનતા આસમાને પહોંચેલી મોંઘવારી અને ગરીબીથી ત્રસ્ત છે. બીજી તરફ, પાકિસ્તાનમાં કાર્યરત વિદેશી કંપનીઓ ભારે કમાણી કરી રહી છે અને પોતાના દેશોમાં મોટી રકમ મોકલી રહી છે.સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પાકિસ્તાનમાં કામગીરી કરતી વિદેશી કંપનીઓએ એપ્રિલ, 2026 દરમિયાન પોતાના મુખ્ય મથકોને 17.2 કરોડ અમેરિકી ડોલરનો નફો પરત મોકલ્યો હતો. આ રકમ ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 42 ટકા વધુ છે.
નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 10 મહિનામાં પરત મોકલાયેલ કુલ નફો થોડો વધીને બે અબજ અમેરિકી ડોલરથી વધુ થયો છે, જે ગયા નાણાકીય વર્ષ 2024-25ની સમાન સમયગાળાની તુલનામાં 8.7 ટકા વધુ છે. પાકિસ્તાનનું નાણાં વર્ષ એક જુલાઈથી 30 જૂન સુધી ગણવામાં આવે છે.
આ કંપનીઓએ કરી મોટી કમાણી
સ્ટેટ બેન્કે પોતાની ડેટા રિપોર્ટમાં જણાવ્યું કે ફંડની પરત મોકલવામાં થયેલો વધારો મુખ્યત્વે નાણાકીય વેપાર ક્ષેત્રને કારણે થયો, જ્યાંથી 72 મિલિયન અમેરિકી ડોલરનો આઉટફ્લો થયો. ડેટા મુજબ એ પછી ખાદ્ય ક્ષેત્રનો નંબર રહ્યો, જ્યાંથી 30 મિલિયન અમેરિકી ડોલર પરત મોકલાયા, જ્યારે તમાકુ અને સિગારેટ બનાવતી કંપનીઓએ 26 મિલિયન અમેરિકી ડોલર પોતાના દેશોમાં પાછા મોકલ્યા હતા. સેન્ટ્રલ બેન્કના એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનું બાહ્ય દેવું 3.6 ટકા વધીને વિત્ત વર્ષ 2025-26માં PKR 22,959 અબજ સુધી પહોંચી ગયું છે. સ્ટે બેન્ક ઓફ પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ પાકિસ્તાનના કુલ દેવાં 80 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા (PKR)ને પાર કરી ગયાં છે. સેન્ટ્રલ બેન્કે જણાવ્યું કે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારનું કુલ દેવું PKR 80,524 અબજ સુધી પહોંચી ગયું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 9.3 ટકા વધુ છે. ગયા વર્ષે આ આંકડો PKR 73,688 અબજ હતો.
યુનાઇટેડ કિંગડમમાં ગયો સૌથી વધુ પૈસા
બેન્કે જણાવ્યું કે વિદેશી કંપનીઓના ફંડનો સૌથી મોટો પ્રવાહ UK તરફ ગયો, જે 81 મિલિયન અમેરિકી ડોલર હતો.
બંગાળમાં સત્તા ગુમાવતા જ મમતા બેનર્જીની TMCમાં ભંગાણના સંકેત?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટા ભંગાણની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે યોજાયેલા પાર્ટીના પ્રથમ મોટા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાંથી મોટી સંખ્યામાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, જેને કારણે બંગાળના રાજકીય ગલીયારાઓમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યની સત્તા પર સતત 15 વર્ષ સુધી રાજ કર્યા બાદ વિપક્ષની બેંચ પર ધકેલાઈ ગયેલી TMC માટે આ પ્રથમ મોટું અને સંગઠિત આંદોલન હતું. ચૂંટણી પછીની હિંસા અને ફેરીવાલાઓને હટાવવાના અભિયાન વિરૂદ્ધ TMC ધારાસભ્યોના એક જૂથે વિધાનસભા પરિસરમાં આંબેડકર પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું. આ ધરણામાં શોભનદેવ ચટ્ટોપાધ્યાય, નયના બેનર્જી, કુણાલ ઘોષ અને ઋતબ્રત બેનર્જી જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

80માંથી માત્ર 35 ધારાસભ્યો જ પહોંચ્યા: ભંગાણની અટકળો
જોકે, આ આંદોલન દરમિયાન ચિંતાજનક બાબત એ સામે આવી કે પાર્ટીના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 35 ધારાસભ્યો જ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અડધાથી વધુ ધારાસભ્યોની ગેરહાજરી એવા સમયે સામે આવી છે જ્યારે પાર્ટી ચૂંટણીના આંચકામાંથી બહાર આવીને પોતાને ફરીથી સંગઠિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આ ઘટનાથી સંગઠનની અંદર મોટી તિરાડ હોવાની આશંકાઓને બળ મળ્યું છે. જોકે, આ આંતરિક કલહની વાતોને નકારતા TMCના વરિષ્ઠ ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે બચાવ કર્યો હતો. તેમણે ધારાસભ્યોની ગેરહાજરી પાછળ ભૌગોલિક મુશ્કેલીઓ અને સંગઠનાત્મક જવાબદારીઓનું બહાનું કાઢ્યું હતું. તેમણે ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા જણાવ્યું કે, “આજના કાર્યક્રમમાં આશરે 35 ધારાસભ્યો હાજર હતા. ચૂંટણી પછી જે વિસ્તારોમાં હિંસા થઈ છે ત્યાં ધારાસભ્યો પોતાના સ્થાનિક કાર્યકરોની મદદમાં વ્યસ્ત હોવાથી આવી શક્યા નથી. આ ઉપરાંત આ કાર્યક્રમ માત્ર 1 દિવસની નોટિસ પર રાખવામાં આવ્યો હતો, તેથી દૂર-દરાજ વિસ્તારમાં રહેતા ધારાસભ્યો માટે તાત્કાલિક પહોંચવું મુશ્કેલ હતું.

કાલીઘાટની બેઠકમાં નેતૃત્વ સામે ફૂટ્યો હતો આક્રોશ
બુધવારના વિરોધ પ્રદર્શનમાં જોવા મળેલી આ પાંખી હાજરી એટલા માટે વધુ મહત્વની માનવામાં આવે છે કારણ કે તેના ઠીક 1 દિવસ પહેલા મંગળવારે કલકત્તાના કાલીઘાટમાં એક હાઈ-લેવલ બેઠક મળી હતી. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તે બેઠકમાં જ સંગઠનની અંદરની નારાજગી સામે આવી ગઈ હતી. કેટલાક ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, TMC માત્ર બંધ બારણે રણનીતિઓ ઘડીને પોતાની જૂની તાકાત પાછી મેળવી શકશે નહીં. તેના માટે જમીની સ્તર પર જઈને જનતા સાથે ફરીથી જોડાવું પડશે.
પાર્ટીના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, મંગળવારની બેઠકમાં પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ હાજર હતા. આ બેઠકમાં કેટલાક ધારાસભ્યોએ ચૂંટણી હાર્યા બાદ જનતાની વચ્ચે જઈને ‘રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન’ ન કરવા બદલ હાઈકમાન્ડની શૈલી સામે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્યોનું માનવું છે કે, બંધ રૂમમાં બેઠકો કરવાથી જે રાજકીય જમીન પક્ષે ગુમાવી દીધી છે તે ક્યારેય પાછી મેળવી શકાશે નહીં.
વિપક્ષ તરીકે અસ્તિત્વ ટકાવી રાખવાનો મોટો પડકાર
રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણીમાં હાર બાદ કોઈપણ પક્ષ માટે પોતાના નેતાઓને એકજૂથ રાખવા અઘરા હોય છે. 15 વર્ષ સુધી સત્તા ભોગવ્યા બાદ હવે વિપક્ષમાં બેસવું ટીએમસીના ઘણા નેતાઓ પચાવી શકતા નથી. જો મમતા બેનર્જી વહેલી તકે આ નારાજગી દૂર નહીં કરે, તો આગામી દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ભંગાણ ચોક્કસ જોવા મળી શકે છે.
PM મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરતા જ રાહુલ ગાંધી પર વરસ્યા ભાજપના નેતાઓ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક નિવેદને દેશભરમાં રાજકીય ઘમસાણ મચાવી દીધું છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને ‘ગદ્દાર’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ તીખા અને વિવાદિત નિવેદન બાદ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતાઓ આગબબૂલા થઈ ગયા છે. ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન મોદીનો વિરોધ કરવાની લ્હાયમાં તેઓ હવે વિદેશી શક્તિઓના હાથની કઠપુતલી બની ગયા છે, જેનું અસલી રિમોટ કંટ્રોલ પાકિસ્તાન પાસે છે.

નિતિન નવીનનો આકરો પ્રહાર: ‘માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે રાહુલ’
રાહુલ ગાંધીના આ નિવેદન પર પલટવાર કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને આ ટિપ્પણીને અત્યંત કમનસીબ અને અરાજકતાવાદી માનસિકતાનું પ્રતીક ગણાવી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “મને લાગે છે કે રાહુલ ગાંધી પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. તેમની આ ભાષા દેશના 140 કરોડ લોકોનું ઘોર અપમાન છે. તેથી તેમણે તાત્કાલિક દેશની જનતાની માફી માંગવી જોઈએ. નિતિન નવીને વડાપ્રધાનના કાર્યોની યાદ અપાવતા સવાલ કર્યો કે, “જે વ્યક્તિએ દેશમાં આતંકવાદી ઘટનાઓ પર લગામ લગાવી, નક્સલવાદનો સફાયો કર્યો અને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગાનું સન્માન વધાર્યું, તેવા રાષ્ટ્રના નેતા માટે તમે આવા અપશબ્દોનો ઉપયોગ કરો છો? આ દેશ ક્યારેય સહન નહીં કરે.”
‘રાહુલ ગાંધીનું રિમોટ કંટ્રોલ પાકિસ્તાનમાં’ – પ્રદીપ ભંડારી
બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી માટે ‘ગદ્દાર’ જેવા હીન શબ્દનો પ્રયોગ કરીને કોંગ્રેસ નેતાએ દેશની લોકશાહી અને જનતાનું અપમાન કર્યું છે. ભંડારીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, “રાહુલ ગાંધીનું રિમોટ કંટ્રોલ પાકિસ્તાન અને અન્ય ભારત વિરોધી તાકાતોના હાથમાં છે, જેના ઈશારે તેઓ દેશના વડાપ્રધાનને નિશાન બનાવી રહ્યા છે.”
ઓબીસી પૃષ્ઠભૂમિના કારણે પીએમ મોદીનું અપમાન: શહઝાદ પૂનાવાલ
ભાજપના અન્ય એક ફાયરબ્રાન્ડ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ આ વિવાદમાં કોંગ્રેસની વિચારધારા પર સવાલો ઉઠાવ્યા છે. પૂનાવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી બહારથી તો ‘મોહબ્બત કી દુકાન’ હોવાનો દાવો કરે છે, પરંતુ નફરત ફેલાવવી એ જ તેમની અસલી ઓળખ છે. તેમણે હંમેશા પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાનું પણ અપમાન કર્યું છે. વડાપ્રધાન મોદી એક પછાત (OBC) પૃષ્ઠભૂમિમાંથી આવે છે, એટલા માટે જ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના મનમાં તેમના પ્રત્યે આટલી નફરત છે અને તેઓ વારંવાર તેમનું અનાદર કરે છે.
વધતો જતો રાજકીય ગરમાવો
રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણીઓ અને સંસદના સત્રો પહેલા આ પ્રકારની ભાષાબાજીથી વાતાવરણ વધુ તંગ બનશે. ભાજપે આ મુદ્દાને દેશના સન્માન અને ઓબીસી અસ્મિતા સાથે જોડીને દેશવ્યાપી આંદોલન આદરવાના સંકેતો આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં કોંગ્રેસ બેકફૂટ પર આવી શકે છે.





