
મુંબઈમાં જિમ્નેશિયમ્સ ફરી શરૂ…
અમદાવાદના હોમગાર્ડ્ઝ ભવનમાં શસ્ત્ર-પૂજન કરાયું
અમદાવાદઃ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ્ઝ ભવન ખાતે આજે વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર-પૂજન કરવામાં આવ્યું હતું. દશેરા નિમિત્તે કરવામાં આવેલા શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના જવાનોએ કેમ્પસમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કોરોના વાઈરસ મહામારીને કારણે સંક્રમણ ન ફેલાય એની પૂરતી તકેદારી રાખી હોમગાર્ડ્ઝના વિશાળ સંકુલમાં બોર્ડર વિંગ તેમજ અન્ય જવાનો શસ્ત્ર-પૂજનમાં જોડાયા હતા.
શહેરના લાલ દરવાજા ખાતેના હોમગાર્ડ્ઝ સંકુલમાં શસ્ત્ર-પૂજનમાં પિસ્તોલ, કાર્બાઇન, રાઈફલ જેવા હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.
શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના સિનિયર સ્ટાફ ઓફિસર આર.કે. ભોઈ, કે.આર. અવસ્થી તેમજ અને જવાનોએ ભાગ લીધો હતો.
– પ્રજ્ઞેશ વ્યાસ
મહાન ગુજરાતી ગાયક, સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન
ગાંધીનગર: ગુજરાતી ફિલ્મોના જાણીતા ગાયક, સંગીતકાર, ભૂતપૂર્વ સંસદસભ્ય (પાટણ) મહેશ કનોડિયાનું ગાંધીનગર સ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું છે. એ ૮૩ વર્ષના હતા. એમણે ચાર દાયકા સુધી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
પુરુષ અને સ્ત્રી, એમ બંનેના અવાજમાં ગીત ગાઈ શકવાની મહેશ કનોડિયામાં ગજબની કુદરતી કળા હતી.
એ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાના મોટા ભાઈ હતા.
નરેશભાઈ કોરોના થયો હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મહેશભાઈને શ્રધ્ધાંજલિ.🙏
કોરોના નિયંત્રણો વચ્ચે આજે દેશભરમાં દશેરાની ઉજવણી
મુંબઈઃ માતાજીના 9 સ્વરૂપની ભક્તિ, શક્તિની આરાધના સાથે 9-દિવસનો નવરાત્રી તહેવાર સમાપ્ત થયો છે અને આજે દેશભરમાં વિજયાદશમી અથવા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાનો ભય હજી યથાવત્ છે અને એને કારણે સુરક્ષાને લગતા નિયંત્રણો લાગુ છે ત્યારે દેશભરમાં લોકો ધાર્મિક ઉત્સાહ સાથે દશેરા ઉજવી રહ્યા છે.
દશેરા દિવસ આખા વર્ષમાં ખૂબ જ શુભતિથિઓમાંની એક ગણાય છે.
દશેરા તહેવારની ભારતના જુદા જુદા ભાગોમાં જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે.
મહિષાસુર નામના રાક્ષસના દુર્ગા માતાએ કરેલા વધને હિન્દુ શ્રદ્ધાળુઓ દર વર્ષે દશેરા-વિજયાદશમી પર્વ તરીકે ઉજવે છે. પ્રાચીન દંતકથા અનુસાર મહિષાસુર નામના અસુરે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું હતું અને દેવતાઓને પરાસ્ત કરી દીધા હતા. દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માગી હતી. ભગવાન મહિષાસુર પર ગુસ્સે ભરાયા હતા અને એમાંથી એક તેજ પ્રગટ્યું હતું. જે નારી સ્વરૂપમાં બદલાઈ ગયું હતું. ભગવાન શંકરે એ દેવીને ત્રિશૂળ આપ્યું હતું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર આપ્યું હતું. દેવતાઓએ પણ માતાજીને અલગ અલગ શસ્ત્રની ભેટ આપી હતી. એ પ્રકારે દેવતાઓની શક્તિઓ પ્રાપ્ત કરીને માતા દુર્ગા મહિષાસુર પર ત્રાટક્યાં હતાં અને એનો વધ કર્યો હતો. દુર્ગા માતાને મહિષાસુરમર્દિની પણ કહેવામાં આવે છે.
દશેરાના દિવસને અધર્મ ઉપર ધર્મની જીતના પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. આ તહેવાર રામલીલાના સમાપનને પણ દર્શાવે છે અને રાક્ષસોના રાજા રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રીરામે લંકા પર આક્રમણ કરીને આજના જ દિવસે ત્યાંના જુલમી, અધર્મી, લોભી, અભિમાની રાજા રાવણનો વધ કર્યો હતો.
આજના દિવસે ઉત્તર ભારતમાં ઠેરઠેર રાવણ, રાવણના ભાઈ કુંભકર્ણ અને રાવણના પુત્ર મેઘનાદના પૂતળાઓનું જાહેર કાર્યક્રમમાં દહન કરવામાં આવે છે. રાવણના દસ માથા એનામાં રહેલા દસ વિકાર – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, હિંસા અને ચોરીનું પ્રતીક છે.
પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતમાં પણ દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં દુર્ગા માતાને ચામુંડેશ્વરી માતા તરીકે પૂજવામાં આવે છે.
પંચાંગ 25/10/2020
(મયંક રાવલ)
સ્માર્ટફોનમાંથી સિક્રેટ ડેટા કેવી રીતે ડિલિટ કરવા?
સ્ટોરેજ ઓછુ પડે છે… સ્લો પડી ગયો છે… હેન્ગ થઇ જાય છે…” જેવા કારણો આગળ ધરીને ઊંચા કન્ફીગ્યુરેશનનાં નવા મોંઘા સ્માર્ટફોન આજકાલ ધડ દઈને ખરીદી લેવામાં આવે છે. એટલે જ; વર્ષ ૨૦૨૨ની સાલ સુધીમાં સ્માર્ટફોનની સંખ્યા આપણા દેશમાં વધીને ૪૪ કરોડ થઇ જવાનું તારણ એક સર્વેક્ષણ દરમિયાન નીકળ્યું છે. હકીકતમાં તો કોઈપણ સ્માર્ટફોનનું આયુષ્ય મિનીમમ ૪ થી ૫ વર્ષ હોય છે, પરંતુ આંકડા એવું બોલે છે કે ૩૦% જેટલા યુઝર્સ પોતાનાં ફોનને એકાદ વર્ષમાં જ બદલી નાખે છે. જો બિનઉપયોગી, નકામા અને ફાલતુ ડેટાને ફોનમાંથી જડમૂળથી ડીલીટ કરી આપતી એપ નિયમિત રીતે વાપરવાની ટેવ પાડીએ તો આવા ક્ષુલ્લક કારણોસર નવો ફોન ખરીદવાની કદાચ જરૂર પણ ન પડે અને પૈસા પણ બચે.

બીનઉપયોગી ડેટા ઉપર બુલડોઝર ફેરવવા ઉપયોગી છે અમુક એપ
જ્યારે સ્માર્ટફોનમાંથી આપણે અનાવશ્યક ડેટાને ડીલીટ કરીએ છીએ ત્યારે ઓપરેટીંગ સિસ્ટમ ફક્ત તે ડેટાનો સંદર્ભ દૂર કરે છે, પરંતુ વાસ્તવિક ડેટા તો સ્ટોરેજમાં પડ્યો જ રહે છે. આવી અધકચરી રીતે રોકાયેલી સ્ટોરેજ-સ્પેસને થોડાથોડા સમયે ડીલીટ કરતાં રહીએ તો ફોન સ્લો પડવાનો કે હેન્ગ થવાનો પ્રોબ્લેમ ઘણાબધા અંશે દૂર થઇ શકે છે. આ માટે પ્લે-સ્ટોરમાં એક ખૂબ જ જાણીતી એપ્લીકેશન હાજર છે. પ્રોટેક્ટસ્ટાર નામની અમેરિકા સ્થિત કંપનીએ ડેવલપ કરેલી iShredder™ Android® 6 નામની એપ્લીકેશન ફોનનાં સ્ટોરેજને એકદમ સાફસુથરો અને સલામત રાખવા માટે જગમશહુર છે.

જો તમે iShredder™ Android® 6 એપ ખરીદી હોય તો તે તમારા સ્માર્ટફોનનાં સ્ટોરેજની ચોખ્ખાઈનું ચીવટપૂર્વક ધ્યાન રાખે છે. આ એપ્લીકેશન નિયમિત રીતે વાપરનાર યુઝરનાં ફોનની સ્પીડ અને પરફોર્મન્સમાં ખાસ્સો વધારો થતો હોવાથી નવો ફોન ખરીદવા પાછળ નાહકનો ખર્ચો કરવો પડે તેવી શક્યતા સાવ ઓછી થઇ જાય છે.
સિક્રેટ ડેટાનું કાયમી ધોરણે નામોનિશાન મીટાવી શકે છે
iShredder™ Android® 6 સ્માર્ટફોનમાં સ્ટોર થયેલા SMS, MMS, ઈમેજીસ, વિડિયોઝ, ડોક્યુમેન્ટસ, નોટ્સ, પાસવર્ડ, કોન્ટેક્ટ બુક, કેલેન્ડર, બુકમાર્ક્સ, ટેમ્પરરી કેશ મેમરી ડેટા, WhatsApp ડેટા તથા ઈમેઈલ્સને દેશદુનીયાનાં અનેક સત્તામંડળો દ્વારા માન્યતાપ્રાપ્ત એલગોરીધમથી એવા તો કચડી નાખે છે કે તેને ફરીવાર રિસ્ટોર કરવા અસંભવ બની જાય છે. ડેટાને આ રીતે ડીલીટ કર્યો હોવાથી તમારો ફોન અન્ય કોઈના હાથમાં જાય તો પણ તમારા પર્સનલ અને સિક્રેટ ડેટા બાબતે કોઈ પણ ચિંતા રાખવાની જરૂર રહેતી નથી. iShredder™ Android® 6 દ્વારા સ્માર્ટફોનનાં આંતરિક સ્ટોરેજ ઉપરાંત SD કાર્ડ અને USB ડ્રાઈવમાંથી પણ ડેટાનું હમેંશ માટે નામોનિશાન મિટાવી શકાય છે.
ડેટાને કાયમી ધોરણે ડીલીટ કરવા માટે iShredder™ Android® 6 સિવાય પણ બીજી અનેક એપ્લીકેશન્સ પ્લે-સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. ચીન અને પાકિસ્તાન સ્થિત ડેવલપર દ્વારા નિર્મિત અનેક એપ્લીકેશન્સ પણ પ્લે-સ્ટોર પર જોવા મળે છે.
ડેટાનાં કાયમી વિનાશ માટે આ બધાં છે વિશ્વમાન્ય અલગોરિધમ…
| ડેટાના કાયમી વિનાશ માટે DoD 5220.22-M (E), US Air Force (AFSSI-5020), US Army AR380-19, DoD 5220.22 ECE, CSEC ITSG-06, BSI TL-03423, NZSIT 402, ISM 6.2.92, RUSSIAN GOST R 50739-95, NAVSO P-5239-26(MFM), NAVSO P-5239-26(RLL), NCSC-TG-025, ProtectStar ASDA(2017), BSI-2011-VS, Bruce Schneier’s Algorithm, CANADIAN RCMP TSSIT OPS-II, ProtectStar SDA(2007), BSI-2011-VS, NATO Standard, Gutmann, HMG InfoSec No.5, DoD 5220.22 SSD અને અન્ય બીજા કેટલાક માન્યતાપ્રાપ્ત સુરક્ષાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. પ્રોટેક્ટસ્ટાર દ્વારા ડેટા ડીલીટ કરવા માટે માર્કેટમાં લોન્ચ થયેલી અલગ-અલગ એપ્સમાં આ બધાં આંતરરાષ્ટ્રીય અલગોરિધમનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. |
WhatsAppમાંથી ઠલવાતા ડેટાને જ માત્ર ડીલીટ કરવો હોય તો…
તમારા ફોનમાં વાહિયાત ડેટા ક્યાંથી ઠલવાય છે તે જરા ચકાસો. ચોક્કસપણે તે WhatsApp જ હોવાનું. આ હકીકત ખુદ WhatsAppનાં ડેવલપર પણ સ્વીકારે જ છે. એટલે જ; WhatsAppનાં માધ્યમે ઘૂસી જતાં નકામા ડેટાનાં વર્ગીકરણ અને સાફસૂફી માટેનાં એક નવા ફીચરને ઉમેરવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે.

WhatsAppમાં હવે શું ફેરફારો અને ફીચર્સ આવશે તેની માહિતી આપતી WABetaInfo.com વેબસાઈટ ઉપર WhatsAppની આગામી અપડેટમાં સ્ટોરેજ સેક્શનને લગતા કેવા સુધારાઓ કરાશે તેની જાણકારી થોડા સમય પહેલા જોવા મળી હતી. આ સેક્શનમાં ફોટો અને વિડીયો, ફોરવર્ડેડ ફાઈલ્સ અને લાર્જ ફાઈલ્સ તથા સૌથી છેલ્લે ચેટ જેવા વિભાગોમાં કેટલી ડેટા સ્પેસ રોકાયેલી છે તેની વિગતો દર્શાવવાનું અને ડીલીટ કરવાનો વિકલ્પ આપવાનું આયોજન કરાયું છે. આ નવું ફીચર લોન્ચ થઇ જશે પછી સ્માર્ટફોનની સ્પીડ જાળવી રાખવા અને વારંવાર હેન્ગ થતો અટકાવવામાં યુઝરને ઘણી સુગમતા રહેશે તેવું મોબાઈલ નિષ્ણાતોનું માનવું છે. જો કે WhatsAppનાં આ ફીચરથી iShredder™ Android® 6 માફક ડેટાની હસ્તી કાયમી ધોરણે મિટાવી દઈ શકાય તેવી કોઈ શક્યતા નથી.
જૂના ફોનથી કંટાળીને નવો સ્માર્ટફોન ખરીદવા તલપાપડ યુઝર માટે…
સ્લો પડી ગયેલા અથવા હેન્ગ થઇ જતાં જૂના ફોનથી કંટાળેલા યુઝર પોતાનો જૂનો ફોન નજીકની કોઈ વ્યક્તિને ગીફ્ટ કરી દેશે અથવા તો વેચી દેશે એ વાત પાક્કી છે. પરંતુ; નવાં ફોન પાછળ પૈસા ખર્ચતા પહેલા યુઝરે એકવાર iShredder™ Android® 6 એપ ઇન્સ્ટોલ કરીને તેનાથી ફોનની સ્પીડ અને પરફોર્મન્સ કેટલા વધે છે તે ચેક અવશ્ય કરવું જોઈએ. શક્ય છે કે નવો ફોન ખરીદવાની જરૂર જ ન પડે.

આમ છતાં; જો નવા ફોન પાછળ ખર્ચ કરવાનું તમે નક્કી કરી જ લીધું હોય તો પોતાનો જૂનો ફોન કોઈને સોંપતા પહેલા તેમાં રહેલા તમારા પસર્નલ, ગુપ્ત કે સવેદનશીલ ડેટાને ક્યારેય રીકવર ન થઇ શકે તેવી રીતે iShredder™ Android® 6 એપ દ્વારા ડીલીટ કરવાની કાળજી લેવાનું ભૂલશો નહી.
(પુનીત આચાર્ય–સોમપુરા)
ITR ભરવાની મુદત 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવાઈ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ટેક્સ પેયર્સને કોરોના કાળમાં મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ એક મહિના માટે વધારી દીધી છે. જેથી હવે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે (CBDT) આ વિશે માહિતી આપી હતી. CBDT તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી વધારી દેવામાં આવી છે.
CBDT તરફથી કહેવામાં આવ્યું છે કે, અંતિમ તારીખ એટલા માટે વધારવામાં આવી છે જેનાથી કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં વધારાનો સમય મળી રહે.
In view of constraints being faced by taxpayers due to COVID-19,CBDT further extends due dates for various compliances for FY 2019-20:
The due dt of furnishing Income Tax Returns(ITRs)for taxpayers whose accounts require to be audited has been extended to 31st, January,2021 (1/5) pic.twitter.com/cWWbXu80K9— Income Tax India (@IncomeTaxIndia) October 24, 2020
ટેક્સપેયર્સના એકાઉન્ટના ઓડિટ માટે અંતિમ તારીખ જાન્યુઆરી 2020
જોકે ટેક્સપેયર્સના એકાઉન્ટનું ઓડિટ કરવાની છે, તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ બે મહિના સુધી એટલે કે 31મી જાન્યુઆરી, 2021 સુધી વધારી દેવામાં આવી છે.

પહેલા નવેમ્બર, 2020 સુધી વધી હતી અંતિમ તારીખ
આ પહેલાં સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખને 31 જુલાઈ, 2020થી વધારીને 30 નવેમ્બર, 2020 કરી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં સરકારે આ નિર્ણય લીધો હતો. જેનાથી કરદાતાઓને ITR ફાઇલ કરવામાં સમય મળી રહે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે આવકવેરા વિભાગ તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખમાં એક-બે મહિનાનો વધારો કરવામાં આવતો હતો છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે તેમાં વધારે છૂટ આપવામાં આવી છે. રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ જતી રહ્યા બાદ જો રિટર્ન ફાઇલ કરવામાં આવે તો તેના પર દંડ ભરવો પડે છે.
કોરોના કાળમાં આવકવેરા વિભાગે રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારી દેતાં મોટા ભાગના પગારદારો આ સમયે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમને પણ લાભ થયો છે. તેઓ હવે ITR રિટર્ન દાખલ કરવામાં વિલંબ થવા પર પેનલ્ટી અને ડિફોલ્ટ વગેરે થવાથી બચી શકે છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ કોરોના સંક્રમિત
મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભાજપના બિહાર ચૂંટણીના પ્રભારી દેવેન્દ્ર ફડનવીસ કોરોના સંક્રમિત થયા છે. આ માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી. હાલ તેઓ આઇસોલેશનમાં છે. ડોક્ટરની સલાહથી દવા અને ઉપચાર લઈ રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને જરૂર પડે તો ટેસ્ટ કરાવી લેવા પણ કહ્યું છે.
દેવેન્દ્ર ફડણનવીસ પહેલાં ભાજપના નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી તેમ જ બે મોટા નેતા- શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી પણ કોરોના સંક્રમિત થયા હતા.
I have been working every single day since the lockdown but now it seems that God wants me to stop for a while and take a break !
I have tested #COVID19 positive and in isolation.
Taking all medication & treatment as per the advice of the doctors.— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 24, 2020
ભાજપના મિશન બિહારને ફટકો
બિહારમાં ટોચના નેતાઓ જ કોરોના પોઝિટિવ આવતાં ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ બિહારના ચૂંટણી પ્રભારી છે. સુશીલ મોદી બિહાર ભાજપનો મોટો ચહેરો છે. શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી જેવા નેતાઓ પણ બિહારમાં સારી એવી પકડ ધરાવે છે. આમ ખરા ટાણે જ તેઓ કોરોના સંક્રમિત થતાં ભાજપના મિશન બિહારને ઝટકો લાગ્યો છે.




















