Home Blog Page 4610

‘દરેક રાજ્યને કોરોનાની મફત રસી અપાશે’

નવી દિલ્હીઃ બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જીતીને જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપની સરકાર સત્તા પર પાછી આવશે તો રાજ્યમાં દરેક વ્યક્તિને કોરોના વાઈરસની રસી મફતમાં આપવામાં આવશે એવી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પક્ષના ચૂંટણીઢંઢેરાને રિલીઝ કરતી વખતે જણાવ્યા બાદ થોડોક વિવાદ થયો છે. એ વિવાદને ડામવા માટે કેન્દ્રના રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાનન અને ભાજપના નેતા અશ્વિની ચૌબેએ સ્પષ્ટતા કરી હતી કે એકલા બિહારમાં જ નહીં, પણ દેશના દરેક રાજ્યને કોરોનાની મફત રસી આપવામાં આવશે.

ચૌબેએ આ સ્પષ્ટતા કરી છે.

બિહારમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપે આજે તેનું ચૂંટણી ઘોષણાપત્ર રિલીઝ કર્યું હતું અને વચન આપ્યું છે કે ICMR તરફથી કોરોનાવાઈરસની રસી માટે મંજૂરી મળી જશે તે પછી બિહાર રાજ્યમાં દરેક વ્યક્તિને મફતમાં રસી આપવામાં આવશે.

નિર્મલા સીતારામને કહ્યું હતું કે કોવિડ-19 રસી સામુહિક સ્તર પર ઉત્પાદન માટે ઉપલબ્ધ થશે એ પછી તરત જ બિહારમાં દરેક વ્યક્તિને મફતમાં રસી આપવામાં આવશે. અમારા ચૂંટણીઢંઢેરામાં આ પહેલું વચન દર્શાવ્યું છે.

સીતારામનની આ જાહેરાત બાદ તરત જ આમ આદમી પાર્ટીએ ટ્વિટરના માધ્યમથી ટકોર કરી હતી કે ‘બિન-ભાજપ શાસિત રાજ્યોનું શું? જે ભારતીયો ભાજપને વોટ નહીં આપે એમને મફત કોવિડ રસી નહીં મળે?’

બિહારની ચૂંટણીમાં ભાજપ અને નીતિશ કુમારની જનતા દળ (યૂનાઈટેડ) સાથે મળીને જંગ ખેલી રહી છે. 243-સભ્યોની વિધાનસભામાં, જેડીયૂ 122 સીટ અને ભાજપ 121 સીટ પર ચૂંટણી લડે છે.

બિહારમાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થશે. 10 નવેમ્બરે મતગણતરી કરાશે અને પરિણામ જાહેર કરાશે.

લદાખ મામલે ભારત સરકારની ટ્વિટરને કડક ચેતવણી

નવી દિલ્હીઃ ભારતના નકશામાં લદાખને ખોટી રીતે દર્શાવવા બદલ ભારત સરકારે ટ્વિટર કંપનીના CEO જેક ડોરસેને આજે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્વિટર પર કડક ચેતવણી આપતાં IT સચિવે લખ્યું હતું કે આવાં કાર્યોથી ના તો માત્ર ટ્વિટરની શાખ નીચે જાય છે, પણ ટ્વિટરની તટસ્થતા અને નિષ્પક્ષતા પર પણ સવાલ ઊભા થાય છે. આ પત્ર પછી તરત જ ટ્વિટરે ભૂલ માનતાં નિવેદન જારી કર્યું હતું.

આ પહેલાં 18 ઓક્ટોબરે ટ્વિટરે પોતાના પ્લેટફોર્મ પર લેહના જિયો-ટેગ લોકેશનને જમ્મુ-કાશ્મીર ચીનમાં દેખાડ્યું હતું. IT સચિવે ટ્વિટરને સ્પષ્ટ કર્યું હતું કે લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખનો હિસ્સો છે અને લદ્દાખ તથા જમ્મુ-કાશ્મીર ભારતના અવિભાજ્ય હિસ્સા છે, જે ભારતના સંવિધાન દ્વારા શાસિત છે. સચિવે ટ્વિટરને કહ્યું હતું કે લેહ લદ્દાખની રાજધાની છે- આ વાત ટ્વિટરને ખબર હોવી જોઈએ.

આવું અપમાન સ્વીકાર્ય નહીં

અજય સાહનીએ ટ્વિટરને સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહ્યું હતું કે ટ્વિટરે ભારતના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. ટ્વિટર દ્વારા ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, જે નકશા દ્વારા પણ પ્રતિબિંબિત થાય છે, એની સાથે કરવામાં આવેલું અપમાન સ્વીકાર્ય નથી અને આ કાયદાનું પણ ઉલ્લંઘન છે. ભારતે વાંધો ઉઠાવતા પત્ર સામે ટ્વિટરની પ્રતિક્રિયા આવી છે. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું હતું કે ટ્વિટર ભારત સરકારની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ મામલે સંવેદનશીલતાનું અને સન્માન કરીએ છીએ. આ પત્રની વિગતોને હંમેશાં ધ્યાનમાં રાખવામાં આવશે.

 

 

 

26-27 ઓક્ટોબર સુધીમાં મુંબઈમાંથી ચોમાસાની વિદાય

મુંબઈઃ આ મહાનગરમાંથી વર્ષ 2020નું ચોમાસું વિદાયને આરે છે. 26 કે 27 ઓક્ટોબર સુધીમાં મેઘરાજા મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાંથી વિદાય લે એવી ધારણા છે.

એ પહેલાં મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) ક્ષેત્રમાં – કલ્યાણ અને થાણે વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડે એવી સંભાવના છે. ગઈ કાલે સાંજના સમયે આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને વીજળીના ચમકારા અને કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આવું કદાચ હજી એકાદ-બે દિવસ ચાલુ રહે એવી સંભાવના છે.

પરંતુ આ સપ્તાહાંતે ચોમાસાની વિદાય નિશ્ચિત છે. એની રવાનગીની શરૂઆત પણ થઈ ચૂકી છે.

બંગાળના અખાત પરના આકાશમાં ઊભા થયેલા નીચા દબાણના ક્ષેત્રને કારણે છેલ્લા અમુક દિવસોમાં આસપાસના વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડ્યો હતો. એને કારણે ચોમાસાની વિદાયમાં થોડોક અવરોધ ઊભો થયો હતો, પરંતુ હવે તે અવરોધ દૂર થયો છે. ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં એકાદ-બે દિવસ મુસળધાર વરસાદ પડી શકે છે.

શુક્રવારે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં અને શનિવારે આસામ, મેઘાલયમાં મુસળધારથી અતિ મુસળધાર વરસાદ પડી શકે છે.

તેની થોડીક અસર ગોવા, મહારાષ્ટ્રના કોકણ અને મધ્ય ભાગોમાં થઈ શકે છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

કોરોનાના કેસ 77 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 77 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,839 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 702 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 77,06,946 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,16,616 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 68,74,518 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 79,415 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,15,812એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.

ટ્રાયલમાં એક વોલેન્ટિયરનું મોત

કોરોના વાઇરસ સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની જે રસીથી અત્યાર સુધી સૌથી વધુ આશા વ્યકત કરવામાં આવી રહી હતી, તેમાં બ્રાઝિલમાં તેના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં એક વોલેન્ટિયરનું મોત થઈ ગયું છે, એમ બ્રાઝિલિયન હેલ્થ ઓથોરિટી અન્વિસાએ આ માહિતી આપી. જોકે આ વોલેન્ટિયરને રસી આપવામાં આવી ન હતી અને તેથી જ રસીનું ટ્રાયલ રોકાશે નહીં.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

સાબુદાણાના લાડુ

સાબુદાણાની દરેક ફરાળી વાનગી ભાવે તેવી છે. જેમ કે, સાબુદાણા વડા, સાબુદાણા ખિચડી, સાબુદાણાની સેવ વગેરે! સાબુદાણાના લાડુ કેવા લાગે છે ? જાણવા માટે, બનાવી જુઓ આ લાડુ!


સામગ્રીઃ

  • 1 કપ સાબુદાણા
  • ¾ કપ નાળિયેરનું ખમણ
  • ½ કપ દળેલી ખાંડ (તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો)
  • 6-7 ટે.સ્પૂન ઘી
  • 8-10 કાજુ અથવા બદામના બારીક ટુકડા
  • ¼ ટી.સ્પૂન એલચી પાવડર
  • ¼ ટી.સ્પૂન જાયફળ પાવડર.


રીતઃ સાબુદાણાને કઢાઈમાં ગેસની ધીમી આંચે હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો. લગભગ 30 મિનિટ જેટલા સમયમાં સાબુદાણા શેકાઈ જશે. સાબુદાણાને એક થાળીમાં ઠંડા કરવા મૂકો. ત્યારબાદ એ જ કઢાઈમાં નાળિયેરનું ખમણ 2-3 મિનિટ સુધી શેકીને બીજા વાસણમાં કાઢી લો.

સાબુદાણા ઠંડા થાય એટલે મિક્સીમાં તેનો બારીક પાવડર કરી લો. આ પાવડર એક મોટી થાળીમાં કાઢી લો. તેમાં નાળિયેરનું ખમણ તેમજ એલચી, જાયફળનો પાવડર પણ મિક્સ કરી લો.

કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ અથવા બદામના ટુકડા સોનેરી રંગના તળી લો. ગેસ બંધ કરીને ઘી તેમજ કાજુને સાબુદાણાના મિશ્રણમાં નાખી દો. ઘી થોડું ઠંડું થાય એટલે તેને એકસરખું મિક્સ કરીને લાડુ વાળી લો.

આ લાડુ એરટાઈટ જારમાં ભરી લો. તમે એને ફ્રીજમાં પણ એક અઠવાડિયા સુધી રાખી શકો છો.

શાહનવાઝ, રૂડીને કોરોના થયોઃ બિહાર ચૂંટણીપ્રચારમાં અવરોધ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બધી પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહી છે, ત્યારે ભાજપ માટે માઠા સમાચાર છે. ભાજપના બે મોટા સ્ટાર પ્રચારક નેતા શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી કોરોના સંક્રમિત થયા છે. આ સાથે ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદી અને આરોગ્યપ્રધાન મંગલ પાંડેની તબિયત પણ ઠીક નથી. જોકે સુશીલ મોદીનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે, પણ આ બંને નેતાઓએ પોતાને હાલ આઇસોલેટ કરી લીધા છે.

ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી

કોરોના સંકટની વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ યોજવામાં આવી રહી છે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે છે. પહેલા તબક્કામાં 16 જિલ્લાઓની 71 સીટો પર મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 17 જિલ્લાઓમાં 94 બેઠકો પર મતદાન થશે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં 15 જિલ્લાઓમાં 78 સીટો પર મતદાતાઓ તેમના મદાધિકારનો ઉપયોગ કરશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

બિહારમાં અત્યાર સુધી 1019 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,08,238 થઈ ગઈ છે અને અત્યાર સુધી 1,96,208 લોકો ઠીક થઈ ચૂક્યા છે. 11,010 દર્દીઓની સારવાર ચાલી રહી છે. બિહારમાં 93,89,946 સેમ્પલોની તપાસ થઈ ચૂકી છે.

 વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર

બિહાર ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં બુધવારે 1411 ઉમેદવારો નામાંકન દાખલ કર્યું હતું. ત્રીજા તબક્કામાં 78 સીટો માટે સાત નવેમ્બરે મતદાન થવાનું છે. એના પહેલાં બીજા તબક્કામાં મતદાન ત્રીજી નવેમ્બરે છે. મત ગણતરી 10 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં કુલ 71 વિધાનસભા ક્ષેત્રો માટે 1066 ઉમેદવારો તથા બીજા તબક્કાની 94 સીટો માટે કુલ 1464 ઉમેદવારો મેદાનમાં છે.

 

 

 

સુવિચાર – ૨૨ ઓક્ટોબર, ૨૦૨૦

સુવિચાર – ૨૨ ઓક્ટોબર, ૨૦૨૦

BSE બોન્ડ પ્લેટફોર્મ: FCIએ રૂ.8000 કરોડ એકત્ર કર્યા

મુંબઈઃ દેશના અગ્રણી એક્સચેન્જ BSEના BSE બોન્ડ પ્લેટફોર્મ પરથી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)એ સફળતાપૂર્વક રૂ.8000 કરોડ બોન્ડ ઈશ્યુ મારફત એકત્ર કર્યા છે.

FCIને બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પર રૂ.27,392.40 કરોડની કુલ 351 બિડ્સ મળી હતી જે તેના બોન્ડ ઈશ્યુના કદના 13.5 ગણાથી અધિક છે.

કોવિદ-19 મહામારી દરમિયાન પણ ભારતીય કંપનીઓ મૂડી એકત્ર કરી શકે એ માટે BSE સતત પ્રયત્નશીલ છે. ઓક્ટોબર, 2020માં BSEમાં રૂ.1,03,202.05 કરોડના કોર્પોરેટ બોન્ડ્સ અને કમર્શિયલ પેપર્સ લિસ્ટ થયાં છે. નાણાકીય વર્ષ 2020-21માં BSEના ડેટ પ્લેટફોર્મ પરથી કંપનીઓએ 21 ઓેક્ટોબર સુધીમાં રૂ.8,32,545.1 કરોડ (આશરે 68.70 અબજ ડોલર) એકત્ર કર્યા છે. ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.9,05,016.85 કરોડ ( 122.78 અબજ યુએસ ડોલર) એકત્ર કરાયા હતા.

૨૨ ઓક્ટોબર ૨૦૨૦

૨૨ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 22/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.