Home Blog Page 4612

કોરોનાના કેસ 76 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 76 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 54,044 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 717 લોકોનાં મોત થયાં છે. દેશમાં હવે કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 76,51,07 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,15,914 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 67,95,103 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 70,338 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,40,090એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.

WHOએ ભારતનો આભાર માન્યો

દુનિયાભરમાં કોરોના વાઇરસની દવા અને વેક્સીન વિકસિત કરવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( WHO) કોવિડ-19 રોગચાળામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ દરમિયાન WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેસિયસે  હિન્દીમાં ટ્વિટ કરીને ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.  આ મામલો કોરોના વેક્સિનની ઉપલબ્ધતા અને વિતરણ સાથે જોડાયેલો છે.

WHOના પ્રમુખે કહ્યું કે, ધન્યવાદ ભારત અને દક્ષિણ આફ્રિકા, બૌદ્ધિક સંપદાના મુદ્દા પર કોવિડ-19ના સંદર્ભમાં પુનર્વિચારની ભલામણ માટે જેથી વેક્સીન, દવા વગેરે ઓછા ભાવે ઉપલબ્ધ કરાવી શકાય. આ એક પ્રશંસનીય પગલું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ભારતે ચીનને સૈનિક પરત કર્યો

લદ્દાખઃ ભારતીય સેનાએ ચીનને એનો સૈનિક પરત કર્યો છે, જે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાર કરીને લદ્દાખ આવી ગયો હતો. આ સૈનિક ફરતાં-ફરતાં પૂર્વ લદ્દાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાં આવી ગયો હતો. ગઈ કાલે રાત્રે ચુશુલ મોલ્દોમાં બેઠક સ્થળ પર ચીની સેનાના કોર્પોરલ વાંગ હાં લોન્ગને ચીની સેનાને સુપરત કરવામાં આવ્યો હતો.

પૂર્વ લદ્દાખમાં સીમાવિવાદને લઈને ચાલી રહેલા ટેન્શન વચ્ચે ભારતીય સેનાએ ચીની સૈનિક પકડ્યો હતો. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પણ આવાતની પુષ્ટિ કરી હતી કે એ સૈનિક રવિવારે રાતે સીમાની નજીક લાપતા થયો હતો.

ચીને ભારતીય સેનાને પ્રોટોકોલના હિસાબે પોતાનો સૈનિક પરત કરવા માટે વિનંતી કરી હતી. ભારતીય સેનાએ સોમવારે કહ્યું હતું કે સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીના એક સૈનિકને પૂર્વ લદ્દાખના ડેમચોક સેક્ટરમાં સોમવારે પકડ્યો છે, જેની ઓળખ કર્નલના રૂપમાં થઈ હતી.

યાકની શોધમાં સીમા પાર

પશ્ચિમી થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુડલીએ સોમવાર રાતે લાપતા PLA સૈનિક પર એક નિવેદન જારી કર્યું હતું અને કહ્યું હતું કે અમારો એક સૈનિક એ સમયે લાપતા થયો હતો, જ્યારે તે 18 ઓક્ટોબરની રાતે એક ભરવાડ પોતાના યાકને શોધવામાં મદદ કરી કરી રહ્યો હતો. જોકકે તેણે પોતાના સૈનિકની ઓળખ નથી જાહેર કરી. પશ્ચિમી થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગે નિવેદન કર્યું હતું કે આ ઘટનામાં ચીની સીમા સુરક્ષા સૈનિકોએ ભારતીય પક્ષને આ ઘટનાની સૂચના આપી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ભારતીય પક્ષ ચીની સૈનિકની શોધવામાં અને તેને રેસ્ક્યુ  કરવામાં મદદ કરશે.

 

મોટેરામાં જાન્યુઆરી-2021માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ રમાશે

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે આ વર્ષના ફેબ્રુઆરીમાં યોજાઈ ગયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના 11 મહિના પછી – આવતા જાન્યુઆરી મહિનામાં અહીંના મોટેરા સ્થિત નવા બંધાયેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ રમાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ સમાચારને સમર્થન આપ્યું છે.

ગાંગુલીએ કહ્યું છે કે આવતા જાન્યુઆરીમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પિન્ક બોલથી ટેસ્ટ મેચ રમાશે અને તે દિવસ-રાત્રી હશે.

સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

ભારતીય ક્રિકેટ ટીમની આંતરરાષ્ટ્રીય મેચોનો આ વર્ષના ડિસેમ્બરથી ફરી શરૂ થશે, જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.

ત્યારબાદ આવતા વર્ષના આરંભમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.

કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ તે પૂર્વે ભારતીય ટીમનો છેલ્લો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન્યૂઝીલેન્ડ ખાતેનો હતો, જ્યાં તે પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને બે ટેસ્ટ મેચ રમી હતી.

ત્યારબાદ કોરોના રોગચાળો ફેલાવાથી ભારત-સાઉથ આફ્રિકા સિરીઝને મુલતવી રાખી દેવાઈ હતી.

ઈંગ્લેન્ડની ટીમ આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચના સમયગાળા દરમિયાન ભારતમાં પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ અને વન-ડે મેચોની સિરીઝ રમવાની છે.

સૌરવ ગાંગુલીએ ગઈ કાલે કોલકાતા પ્રેસ ક્લબ ખાતે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું હતું કે અમદાવાદમાં આવતા વર્ષના આરંભમાં ભારત-ઈંગ્લેન્ડ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવામાં આવશે.

૨૧ ઓક્ટોબર ૨૦૨૦

૨૧ ઓક્ટોબર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 21/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

નવરાત્રિ એટલે મનુષ્ય ઉપર ઈશ્વરનો અનુગ્રહ !

નવરાત્રિ! રા એટલે મુક્તિ અને ત્રિ એટલે ત્રિવિધ- ત્રણ પ્રકારનાં દુ:ખ! આધિભૌતિક- સાંસારિક, આધિદૈવિક- દૈવી અને આધ્યાત્મિક-આત્મિક દુ:ખ, આ ત્રણ પ્રકારનાં દુ:ખ રાત્રિ હરી લે છે. નિદ્રાવસ્થા દરમ્યાન કોઈ દુ:ખ સ્પર્શી શકતું નથી. નવ નો એક અર્થ થાય છે સંખ્યા અને બીજો અર્થ છે નૂતન! એક શિશુ નવ માસ પછી જેમ નવો જન્મ મેળવે છે, તેમ નવરાત્રિનો આ સમય અંતર્યાત્રાનો છે. શક્તિની આરાધના દ્વારા ત્રણ પ્રકારનાં દુ:ખોમાંથી મુક્તિ મેળવીને સર્જનાત્મક અને નૂતન બનવાનો સમય છે.

દેવી ભાગવતમાં એક સુંદર કથા છે. શુમ્ભ અને નિશુમ્ભ નામના બે અસુરો દેવી ઉપર મોહ પામે છે અને તેની સાથે વિવાહ કરવા ઈચ્છે છે. ત્યારે દેવી કહે છે કે તે માટે તેમણે યુદ્ધમાં દેવીને પરાજિત કરવાં પડશે. અસુરોને આ શરત ખુબ સરળ લાગે છે, અને તેમના સાથી ધૂમ્રલોચનને દેવી સામે યુદ્ધ કરવા મોકલે છે. દેવી ધૂમ્રલોચનનો વધ કરે છે, ત્યાર પછી ચંડ-મુંડ નામના બે અસુરો દેવીને પરાજિત કરવા યુદ્ધ કરે છે, દેવી તેમનો પણ સંહાર કરે છે, અને અંતે શુમ્ભ-નિશુમ્ભનો પણ દેવી સંહાર કરે છે. આ કથા પ્રતીકાત્મક છે. આપણાં પુરાણો પ્રતીકાત્મક છે. મનની ગહનતાથી માંડીને બ્રહ્માંડની ચેતના સુધીના રહસ્યોનું કથાત્મક નિરૂપણ પુરાણોમાં કરવામાં આવ્યું છે.

શુમ્ભ એટલે પોતાના પ્રતિ ઉઠતી શંકા, આત્મવિશ્વાસનો અભાવ અને નિશુમ્ભ એટલે અન્ય લોકો પ્રત્યે ઉઠતી શંકા! મનોજગતમાં આ બંને અસુર જ છે. જો તમારા મિત્રો કે તમારા ઉપરી તમારા પર બિલકુલ વિશ્વાસ ન કરે, તો તમને કેવું લાગે? અથવા તો કોઈ અગત્યના ઇન્ટરવ્યૂ વખતે તમારો પોતાનો આત્મવિશ્વાસ ડગી જાય, પોતાની ક્ષમતા પ્રત્યે શંકા ઉઠે ત્યારે કેવું લાગે છે? તો શંકા જીવનમાં દુ:ખ લાવે છે, સંચાલન શક્તિ, સર્જનાત્મકતા જેવા ગુણોને અવરોધે છે. અને દ્રષ્ટિકોણ ભ્રાંતિપૂર્ણ, ધૂમિલ બને છે. અને આ વખતે જો તમારી સંગતમાં ધૂમ્રલોચન જેવી વ્યક્તિ છે, ધૂમ્રલોચન અર્થાત જેની આંખો આગળ ધુમાડો છવાયેલો છે અને એટલે તેને સ્પષ્ટ દેખાતું નથી, તો તે તમારા ભ્રમને, ખોટા દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે.

ચંડ એટલે માત્ર મસ્તિષ્ક અને મુંડ એટલે ધડ! ચંડ એટલે માત્ર મસ્તક, અર્થાત માત્ર વિચારો, દલીલો અને ઉગ્રતા! મુંડ એટલે માત્ર શરીર અને મસ્તકનો અભાવ! જેની કોઈ જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા નથી, માત્ર કાર્ય જ કરી શકે! ચંડ અને મુંડ બંને અલગ અલગ છે અર્થાત વ્યક્તિના વિચારોમાં અને તેનાં કાર્યમાં સામંજસ્ય નથી. વ્યક્તિ જો માત્ર મસ્તિષ્કનો આધાર લઈને ચાલે તો તેનામાં વ્યવહારિકતાનો અભાવ હોય છે, તે માત્ર બીજાની આલોચના કરે છે પરંતુ કોઈ કાર્ય કરવા સમર્થ નથી. અને જો વ્યક્તિ જ્ઞાન વગર માત્ર કાર્ય કરે છે તો એ કાર્ય કોઈને ઉપયોગી થતું નથી અને મૉટે ભાગે હાનિ પહોચાડનારું હોય છે. જયારે ઉપવાસ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા વ્યક્તિમાં પ્રાણ શક્તિ રૂપી દેવીનું પ્રકટીકરણ થાય છે, ત્યારે શંકા, અસ્પષ્ટતા, ભ્રાંતિ, ભ્રમણા, નિંદા અને કુતર્ક તથા નકારાત્મક પ્રવૃત્તિઓ જેવા અસુરોનો વિનાશ થાય છે.

એ જ રીતે રક્તબીજ નામના અસુરનો પણ દેવી વિનાશ કરે છે. રક્તબીજ એક એવો અસુર છે કે તેનાં રક્તનાં એક ટીપા માંથી બીજા અનેક અસુરો જન્મે છે. રક્તબીજ ડીએનએનું પ્રતીક છે. વ્યક્તિનું ડીએનએ, એક સૂક્ષ્મ અંશ, તેના પૂર્વજો વિષે અને વંશજો વિષે બધી જ માહિતી આપે છે..જયારે પ્રાણ ઉર્જા રૂપી દેવી પ્રગટ થાય છે ત્યારે ડીએનએના સ્તર થી પણ નકારાત્મકતા નિર્મૂળ થઇ જાય છે.

તો મહિષાસુર કોણ છે? મહિષાસુર જડતા અને પ્રમાદનું પ્રતીક છે. વ્યક્તિમાં ગમે તેટલી વિશેષતા, કુશળતા કેમ ન હોય પણ જો જડતા અને આળસ વ્યક્તિ પર પ્રભાવી બને છે તો જીવન દુર્ગમ બને છે. જયારે પ્રાણશક્તિનું પ્રસ્ફુરણ થાય છે ત્યારે જડતા અને પ્રમાદ દૂર થાય છે. એટલે જ આ શક્તિને દુર્ગા કહેવાય છે. જેના આવિર્ભાવથી અશક્ય લાગતાં કાર્યો પણ સંભવ બને છે.

મધુ અને કૈટભ, જે વિષ્ણુના કાનના મેલ માંથી જન્મેલા અસુરો છે. મધુ એ રાગનું અને કૈટભ એ દ્વેષનું પ્રતીક છે. કાનથી કોઈ વ્યક્તિ વિષે કે સ્થળ વિષે વધુને વધુ સાંભળીએ કે “સુંદર છે, સુંદર છે” તો મોહ ઉત્પન્ન થાય છે. એજ રીતે કોઈના વિષે સાંભળીને જ દ્વેષ પણ ઉત્પન્ન થાય છે. અને રાગ-દ્વેષ મજબૂત બનતા જાય છે. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે અત્યંત આકર્ષણ હોય કે અણગમો હોય, બંને સ્થિતિમાં ઘટનાઓ અને પરિસ્થિતિઓને સાચી રીતે સમજી શકવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. જેને કારણે યોગ્ય અભિવ્યક્તિ થઇ શક્તિ નથી અને એટલે સર્જનશીલતા, રચનાત્મકતા, મૌલિકતા જેવા ગુણો ખીલી શકતા નથી. પરંતુ શક્તિનો અવિર્ભાવ થતાં જ રાગ-દ્વેષ જડમૂળથી નાશ પામે છે.

તો દેવી નું પ્રાક્ટ્ય એટલે વ્યક્તિની ચેતનામાં પ્રાણ શક્તિનું સંચારણ, ઉર્ધ્વીકરણ!  હળવો ખોરાક, પ્રાણાયામ, યોગ, ધ્યાન અને યજ્ઞ દ્વારા આપણી ચેતનામાં દેવી પ્રકટ થાય છે, અને મનોજગતના આ બધાજ અસુરોનો સર્વથા વિનાશ કરે છે. સહસ્ત્રદલ કમળની જેમ આપણી ચેતના ખીલી ઉઠે છે. નવરાત્રિ એટલે નૃત્ય, ભક્તિ અને ધ્યાન વડે આપણી અંદર દિવ્ય પ્રાણ ઉર્જાનું પ્રસ્ફુરણ કરવાનો ઉત્સવ, અંતર્યાત્રાનો અવસર!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 21/10/2020

(મયંક રાવલ)

જોન, દિવ્યાની ‘સત્યમેવ જયતે-2’નું લખનઉમાં શૂટિંગ શરૂ

નવી દિલ્હીઃ જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર અપકમિંગ ફિલ્મ સત્યમેવ જયતે-2નું શૂટિંગ લખનઉના અલગ-અલગ ભાગોમાં કરશે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2021 સુધી જારી રહેશે. ફિલ્મનું યુનિટ લખનઉના અલગ-અલગ કિલ્લાઓ અને કોલેજોમાં શૂટિંગ કરશે. કાસ્ટની સલામતીને ધ્યાનમાં રાખતાં શૂટિંગના સમયે પબ્લિક માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે.

ફિલ્મના ડિરેક્ટર મિલાપ ઝવેરીએ જણાવ્યું હતું કે શૂટિંગ લીડ કાસ્ટની સાથે શરૂ કરવામાં આવશે અને પછી અન્ય કલાકારો ધીરે-ધીરે જોડાશે. હર્ષ છાબડા, ગૌતમી કપૂર, શાદ રંધાવા, અનુપ સોની અને સાહિલ વેદ જેવા અન્ય એક્ટર્સ આમાં સામેલ થશે. જોકે શૂટિંગ દરમ્યાન કેટલાંક લાઇવ લોકેશન્સ સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવશે, જેથી ભીડ એકઠી ના થાય. માત્ર કાસ્ટ અને ક્રૂ જ સ્પોટ પર હાજર રહેશે, એમ તેમણે કહ્યું હતું.

ઝવેરીએ કહ્યું હતું કે લખનઉના રસ્તાઓ પર એક્શન સિક્વન્સિસ શૂટ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે તેમણે ફિલ્મના લીડ એક્ટર જોન અબ્રાહમને લોકેશન્સની એક વર્ચ્યુઅલ ટુર કરાવી છે અને તે એ જગ્યાએ શૂટ કરવા માટે શૂટિંગ કરવો ઉત્સુક છે. લખનઉના રસ્તાઓ પર થનારી એક્શન સિકવન્સને લઈને પ્રોડ્યુસર પણ ઘણા એક્સાઇટેડ છે.

 સત્યમેવ જયતે-2 પહેલા ભાગ કરતાં વધુ સારી બનશે

અમે વચન આપીએ છીએ કે સત્યમેવ જયતેનો બીજો ભાગ પહેલી ફિલ્મથી સારો હશે, જ્યારે અમે એક ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવાનો નિર્ણય કરીએ છી ત્યારે આપણે સ્ટોરી અને પાત્રો સાથે તૈયાર રહેવું પડશે. મિલાપે લોકડાઉન દરમ્યાન જોનની સાથે એક્શન દ્રશ્યો પર બહુ મહેનત કરી છે. લખનઉમાં મિલાપની સાથે હાજર નિર્માતા નિખિલ અડવાણી દાવો કરે છે કે મિલાપે આ વિષયને વિકસિત કર્યો છે, એટલા માટે લખનઉમાં સેટિંગ થશે અને ત્યાં સ્ટોરીને સેટ કરવામાં આવશે.

 

લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા મહિલાઓને કેન્દ્રની લીલી ઝંડી

મુંબઈઃ આવતીકાલથી તમામ મહિલાઓને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાની મહારાષ્ટ્ર સરકારની પરવાનગીને કેન્દ્ર સરકારે પણ લીલી ઝંડી બતાવી દીધી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપી છે.

આવતીકાલથી મહિલાઓ મુંબઈની લોકલ ટ્રેનોમાં સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી અને ત્યારબાદ સાંજે 7 વાગ્યાથી રાતે લોકલ ટ્રેન સેવા બંધ થાય ત્યાં સુધી પ્રવાસ કરી શકશે.

મહિલાઓને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા માટે મહારાષ્ટ્ર સરકારે રેલવે બોર્ડને પત્ર લખ્યો હતો, પરંતુ રેલવે બોર્ડે તે પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો.

આજે પીયૂષ ગોયલે કહ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે આવતીકાલથી તમામ મહિલા પ્રવાસીઓ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી અને ત્યારબાદ સાંજે 7 વાગ્યાથી મુંબઈની ઉપનગરીય ટ્રેન સેવા ચાલુ રહે ત્યાં સુધી ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. અમે એ માટે પરવાનગી આપીએ છીએ. રેલવેની તો એ માટે પહેલેથી જ તૈયારી હતી, પરંતુ અમને મહારાષ્ટ્ર સરકાર તરફથી પત્ર મોડો મળ્યો.

અમે પાકિસ્તાનથી સ્વતંત્ર થઈને જ રહીશું: બલૂચ નેતા

પેશાવરઃ બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોમાં ગુસ્સો સતત વધતો જાય છે. બલૂચ લોકો અવારનવાર પાક સરકાર અને સેનાવિરોધી દેખાવો કરી રહ્યા છે. બલૂચ નેશનલ પાર્ટીના અધ્યક્ષ અખ્તર મિંગલે પાકિસ્તાની સરકારની મુસીબતો વધારી દીધી છે. ‘બલૂચિસ્તાન 1947થી પહેલાં સુધી આઝાદ હતું અને એના પર પાકિસ્તાન સરકારે ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે અને બલૂચ લોકો સતત પોતાની સ્વતંત્રતા માટે લડાઈ લડી રહ્યા છે. બલૂચોના ખાતમા માટે પાક સરકારે કેટલીય વાર સેના દ્વારા ઓપરેશન ચલાવ્યા છે અને સેંકડો નિર્દોષોને મારી નાખ્યા છે, સેંકડોને જેલમાં ગોંધી રાખ્યા છે. જેમની આજ સુધી કોઈને જાણ નથી, એમ મિંગલે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર અપરાધીઓ સાથે મળેલી છે. તે અહીંની નિર્દોષ અને ભોળી પ્રજા પર અત્યાચાર કરી રહી છે. મહિલાઓ, માનવાધિકારની સામે અવાજ ઉઠાવવાળા અને સ્વતંત્રતાની વાત કરવાવાળા સામે ગેરવર્તન કરે છે.

અખ્તર બલૂચિસ્તાનના મોટા ગજાના નેતા

અખ્તર બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે અને તે મોટા ગજાના બલૂચ નેતા છે. 2013માં જ્યારે તેઓ પાકિસ્તાનની સંસદ માટે ચૂંટાયા હતા, ત્યારે તેમણે પાકિસ્તાનના નામે સોગંદ લેવાને બદલે બલૂચિસ્તાનને નામે સોગંદ લીધા હતા. તેમણે કહ્યું હતું કે ન જાણે કેટલા બલૂચ અત્યાર સુધી પાકિસ્તાનના દમનના શિકાર થઈ ચૂક્યા છે.

નિર્દોષ બલૂચોને ડિટેન્શન સેન્ટરમાં યાતના

સરકાર વારંવાર ખંડન કરે છે કે બલૂચોના ગુમ થવા પાછળ તેનો હાથ નથી તો પછી જે બલૂચોની સાથે અત્યાચાર થઈ રહ્યા છે- એની પાછળ કોણ છે?  નિર્દોષ બલૂચોને ડિટેન્શન સેન્ટરમાં યાતનાઓ ભોગવવી પડે છે. આ સેન્ટરમાં તેમને ત્યાં સુધી યાતના આપવામાં આવે છે, જ્યાં સુધી તેઓ મોતને ઘાટ ના ઊતરે. એક બહેનને તેનો ભાઈ અને એક માતાને તેનો પુત્રનો ચહેરો એ કારણથી જોવા ના દેવામાં આવ્યો, કેમ કે તેમનાં મોત આ જ ડિટેન્શન સેન્ટરમાં યાતનાઓને કારણે થયાં હતાં. આ બંને જણે પોતાના ભાઈ અને પુત્રની ઓળખ  તેનાં કપડાં અને પગથી કરી હતી. એક દિવસ બલૂચોનું પાકિસ્તાનથી સ્વતંત્ર થવાનું સપનું જરૂર પૂરું થશે, એમ તેમણે કહ્યું હતું.