Home Blog Page 4614

૨૦ ઓક્ટોબર ૨૦૨૦

૨૦ ઓક્ટોબર ૨૦૨૦

આઇપીઓમાં રોકાણ કરતી વખતે કઈ કઈ ભૂલો નિવારવી? 

ભારતીય શેરબજારની પ્રાઇમરી માર્કેટ છેલ્લા થોડા વખતથી ધમધમી રહી છે. એમસબીઆઇ કાર્ડ્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસીસ લિ, કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સર્વિસીસ લિ, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ, રોઝરી બાયોટેક લિ, હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નૉલૉજીસ લિ, રુટ મોબાઇલ લિમિટેડ વગેરે કંપનીઓનાં ભરણાં બજારમાં આવ્યાં. કોઈપણ કંપની પહેલી વાર પોતાના શેર ઇસ્યૂ કરે એ પ્રસંગ રોકાણકારો માટે યાદગીરી સમાન બની જતો હોવાનો અત્યાર સુધીનો અનુભવ છે.  

ઘણા રોકાણકારો માને છે મોટા-મોટા આઇપીઓ સતત આવ્યા કરે એ બજાર માટે સારી વાત નથી, કારણ કે તેને લીધે બજારમાંથી નાણાંની પ્રવાહિતા ઘણી ઓછી થઈ જાય છે. એક સમયે બજારમાં આવું થતું હતું, પરંતુ આજકાલ મોટા મોટા ઇસ્યૂ આવ્યા પછી પણ બજારમાં પ્રવાહિતા ટકેલી જોવા મળે છે.

સારા સંચાલકો અને મજબૂત નાણાકીય સ્થિતિ અને રેકર્ડ ધરાવતી કંપનીઓના આઇપીઓ આવે ત્યારે તેમના શેર ખરીદવા માટે મોટી સંખ્યામાં ખરીદદારો તૈયાર જ હોય છે. આઇપીઓના શેર માટે ઉંચી માગ રહે એ સ્થિતિ સંબધિત શેરના લિસ્ટિંગના દિવસે નફો કમાવા માગતા લોકો તથા લાંબા ગાળા માટે એ શેર રાખી મૂકવા માગતા લોકો એ બન્ને માટે સારી હોય છે.  

વર્ષ 2020માં આવેલા ટોચના 10 આઇપીઓ પર નજર નાખીએ તોઃ

કંપનીનું નામ  ઇસ્યૂ સાઇઝ  કેટલા ગણો ભરાયો 
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ.  443  157.41 
હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નૉલૉજીસ લિ.  702  150.98 
કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ  318  149.3 
રોઝરી બાયોટેક લિ.  496  79.37 
રુટ મોબાઇલ લિ.  600  73.3 
કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સર્વિસીસ લિ.  2244  46.99 
એસબીઆઇ કાર્ડ્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસીસ લિ.  10354  26.54 
માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ  4500  12.96 
લિખિતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ.  61  9.5 
એન્જલ બ્રોકિંગ લિ.  600  3.94 

 

વોરેન બફેટે કહ્યું છે કે શેરબજાર એ અધીરા લોકો પાસેથી ધીરજવાન લોકો સુધી નાણાં પહોંચાડવા માટેનું સાધન છે. આ વાત પ્રાઇમરી અને સેકન્ડરી એમ બન્ને માર્કેટને લાગુ પડ છે.

જો કે, આઇપીઓમાં રોકાણ કરવા સંબંધે અનેક ગેરલાભ પણ છે. ખાસ કરીને નવા રોકાણકારો લિસ્ટિંગના દિવસે લાભ મળવાની ધારણાએ રોકાણ કરતા હોય છે. તેઓ જાણ્યે-અજાણ્યે કેવી ભૂલો કરે છે તેના વિશે વાત કરીએ, જેથી આગામી સમયમાં લોકો એ ભૂલોનું પુનરાવર્તન કરતાં અટકે.  

1) ફક્ત લિસ્ટિંગના દિવસે લાભ થાય એ માટે રોકાણ કરવાનું ટાળોઃ 

રોકાણજગતના માંધાતા વોરેન બફેટે કહ્યું છે કે જો તમે 10 વર્ષ સુધી કોઈ શેર રાખી મૂકવાની ધીરજ ધરાવતા ન હો તો તમારે એ શેર દસ મિનિટ માટે પણ પોતાની પાસે રાખવો નહીં. કેટલાક આઇપીઓમાં અનેક ગણી અરજીઓ આવી જતી હોય છે, પરંતુ લિસ્ટિંગ થાય ત્યાર સુધીમાં બજારનું માનસ બદલાઈ જવાને કારણે લિસ્ટિંગના દિવસે નફો મળે નહીં એ શક્ય છે. આવામાં મહેનતની કમાણી ફસાઈ જવાની શક્યતા રહે છે. આમ છતાં, જો તમે લિસ્ટિંગના દિવસના નફાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે રોકાણ કર્યું હોય તો તમારો સ્ટોપ-લોસ નક્કી કરો અને બજારમાંથી ક્યારે નીકળી જવું છે એ પણ નક્કી કરો.  

2) માર્કેટિંગની માયાજાળમાં ફસાવું નહીં: 

કોઈપણ આઇપીઓ આવે ત્યારે તેનું મોટાપાયે માર્કેટિંગ થતું હોય છે. રોકાણની દૃષ્ટિએ આઇપીઓ નબળો હોય તો પણ તેને આકર્ષક બનાવવામાં કોઈ કચાશ રખાતી નથી. આ કામ કરતા અંડરરાઇટર્સનું તો કામ જ રોકાણકારોને એમનો ઇસ્યૂ વેચવાનું હોય છે. આથી માર્કેટિંગની આવી માયાજાળમાં ફસાવું નહીં.  

3) મોટા બ્રાન્ડ નેમમાં રોકાણઃ 

ઘણી વાર રોકાણકારો કંપનીનું મોટું નામ જોઈને આઇપીઓમાં નાણાં રોકવા તૈયાર થતા હોય છે. એમને કહેવાનું કે વાસ્તવિક જગતનાં ઉદાહરણોને તેમણે ધ્યાનમાં લેવાં જોઈએ. દા.ત. વર્ષ 2008માં સબ-પ્રાઇમ ક્રાઇસીસ આવ્યા બાદ આવેલો રિલાયન્સ પાવરનો આઇપીઓ. તેની ઘણી પબ્લિસિટી કરવામાં આવી અને કંપનીનું નામ પણ મોટું હતું. લિસ્ટિંગમાં તો ઘણો નફો થયો, પરંતુ પછીથી કંપની નબળી પડી. આ ઉદાહરણ પરથી ધ્યાનમાં લેવાનું કે ક્યારેક નામ બડે, દર્શન ખોટે જેવો ઘાટ ઘડાઈ શકે છે.  

4) ગ્રે માર્કેટ પર વધુ પડતો ભરોસોઃ 

આઇપીઓ આવતાં પહેલાં ગ્રે માર્કેટમાં તેની કેટલી માંગ છે તેના આધારે લોકો રોકાણ કરવાનો નિર્ણય લેતા હોય છે. જો કે, ગ્રે માર્કેટ કદી સંપૂર્ણપણે વિશ્વસનીય હોઈ શકે નહીં. બજારમાં સ્થિરતા હોય ત્યારે કદાચ એની માંગનો અંદાજ સાચો પડે, પણ અનિશ્ચિતતાભર્યા સમયમાં એના પર ભરોસો કરાય નહીં.  

5) આંધળું અનુકરણઃ 

તમારા મિત્રો કે સંબંધીઓ નવા આઇપીઓ માટે ઘણા ઉત્સાહી છે એ જોઈને તમારો ઉત્સાહ વધી જાય અને તમે એમનું આંધળું અનુકરણ કરો એ ઇચ્છનીય નથી. તમે માર્કેટ વિશે પૂરતી જાણકારી ધરાવતા ન હો અને બીજાને અનુસરો ત્યારે ભૂલ થવાની શક્યતા વધારે હોય છે. તેજીના સમયમાં બધા જ આઇપીઓ ઓવરસબ્સ્ક્રાઇબ થતા હોય છે, પરંતુ બધામાં લિસ્ટિંગનો નફો મળતો નથી.  

6) વધારે પડતી બિડ કરવી નહીં: 

સેબીએ આઇપીઓના શેરની ફાળવણી બાબતે અનેક ફેરફાર કર્યા છે. આજકાલ બે લાખ રૂપિયા કરતાં ઓછું રોકાણ કરનારા રિટેલ અરજદારોને સમાન સ્તરે ગણીને શેરની ફાળવણી થાય છે. આથી રોકાણ માટેની અરજી નાની રકમની હોય કે પ્રમાણમાં મોટી હોય, તેનો કોઈ ફરક પડતો નથી. ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં ફાળવણીની શક્યતા બન્ને બાજુ સરખી હોય છે. વધુ પડતી અરજીઓ કરીને રોકાણકારો નાહકના મોટી રકમ બ્લોક કરી દેતા હોય છે. વાસ્તવમાં, ફાળવણીની સંભાવના સરખી જ રહે છે.  

આઇપીઓ માટે તમે ભલે કંપનીઓની સ્થિતિ જૂઓ, પરંતુ જ્યારે તમારા પર્સનલ ફાઇનાન્સની વાત આવે ત્યારે આઇપીઓમાં રોકાણ કરતી વખતે અનેક બાબતોને લક્ષમાં લેવી પડે છે. આથી તમારા ફાઇનાન્શિયલ પ્લાનર કે કોચ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.  

હાલની આઇપીઓની મોસમ માટે આપ સૌને શુભેચ્છા. તમે ઉપરોક્ત ભૂલોને ટાળો એ અગત્યનું છે.  

(ખ્યાતિ મશરૂ-વસાણી)

 

પંચાંગ 20/10/2020

(મયંક રાવલ)

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધી શકે છે

નવી દિલ્હીઃ લાખો કેન્દ્રીય કર્મચારીઓને બહુ જલદી સારા સમાચાર મળે એમ છે. સરકાર મોંઘવારી ભથ્થાં (DA) પર મોટો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓની સેલરી વધારે એવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર ઔદ્યોગિક કામદારો માટેનો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)નું બેઝ યર એટલે કે આધાર વર્ષમાં ફેરફાર કરે એવી શક્યતા છે. જો સરકાર આ આધાર વર્ષને 2016 કરશે તો કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થાંમાં વધારો નક્કી માનવામાં આવશે. આ ફેરફારથી દેશના 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે.

સરકાર 21 ઓક્ટોબરે મોટો નિર્ણય લે એવી સંભાવના છે. સરકારના આ કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)નું આધાર વર્ષમાં ફેરફાર કરવાની પૂરી સંભાવના છે. આ સંબંધે સરકાર દ્વારા વિગતવાર માહિતી જારી કરવામાં આવે એવી શક્યતા છે.

આ વર્ષના પ્રારંભમાં કેન્દ્ર સરકારે DAની ચુકવણીને મંજૂરી આપી દીધી હતી અને પ્રક્રિયા પણ શરૂ થવાની હતી, પણ માર્ચમાં રોગચાળાને કારણે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સરકારે DAની ચુકવણી અટકાવી દીધી હતી. સરકાર દ્વારા આ પ્રતિબંધ વર્ષ 2021 સુધી જારી રહેશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા લેખે મોંઘવારી ભથ્થાની ચુકવણી થઈ રહી છે.

રાહ હવે 21 ઓક્ટોબરની

કેન્દ્રીય કર્મચારીઓને હવે 21 ઓક્ટોબરે સરકારે શો નિર્ણય લે છે એના પર નજર રહેલી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગારપ્રધાન સંતોષકુમાર ગંગવાર આ દિવસે CPI-IW સૂચકાંક જારી કરે એવી ધારણા છે. જો સરકાર આમાં ફેરફાર કરશે તો કર્મચારીઓના વેતનમાં વધારો નક્કી છે. વેતન અને DAનું આકલન આ CPI-IWને આધારે હોય છે. જો એના આધાર વર્ષમાં ફેરફાર થશે તો સીધી મોંઘવારી ભથ્થાં પર અસર થાય છે. CPI-IWના આધાર વર્ષ બદલાશે તો ખાનગી ક્ષેત્રના કામદારોના ન્યૂનતમ વેતનમાં પણ વધારો થશે.

શું હોય છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ

કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ એક મહત્ત્વપૂર્ણ માપદંડ હોય છે. એનો ઉપયોગ ચીજવસ્તુઓની સરેરાશ કિંમતના માપ માટે હોય છે. ચીજવસ્તુઓ અને સેવાઓના એક સ્ટાન્ડર્ડ ગ્રુપની સરેરાશ મૂલ્યની ગણતરી કરીને એનું કેલક્યુલેશન થાય છે. એનો ઉપયોગ અર્થતંત્રમાં રિટેલ ફુગાવાના આકલન કરીને કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી માટે પણ કરવામાં આવે છે.

 

 

 

BSE-SME પ્લેટફોર્મ પર વીર ગ્લોબલ ઈન્ફ્રાકંસ્ટ્રક્શન લિસ્ટેડ

મુંબઈ તા. 19 ઓક્ટોબર, 2020ઃ BSE SME પ્લેટફોર્મ પર તાજેતરમાં 330મી કંપની વીર ગ્લોબલ ઈન્ફ્રાકંસ્ટ્રક્શન લિ. લિસ્ટ થઈ હતી. વીર ગ્લોબલ ઈન્ફ્રાકંસ્ટ્રક્શન લિ.નો રૂ.10ની મૂળ કિંમતના 17,56,000 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.4.92 કરોડનો પબ્લિક ઈશ્યુ 9 ઓક્ટોબર, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.28ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા.

વીર ગ્લોબલ ઈન્ફ્રાકંસ્ટ્રક્શન રીયલ એસ્ટેટ કંપની છે, જે મુખ્યત્વે કમર્શિયલ, રેસિડેન્શિયલ, રિયલ એસ્ટેટ અને એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ હાથ ધરે છે. કંપનીના પ્રોજેક્ટ્સ મુંબઈ, વસઈ, ઉમરોલી, બોઈસર, વિરાર અને શહાડમાં ચાલી રહ્યા છે.

BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ 329 કંપનીઓએ 19 ઓક્ટોબર, 2020 સુધીમાં રૂ.3,374.88 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.21,287.90 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 61 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.

પાકિસ્તાનમાં પોલીસ દમનઃ મરિયમ નવાઝનાં પતિની ધરપકડ

કરાચીઃ PML-Nનાં ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે કહ્યું છે કે તેમના પતિ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના જમાઈ, નિવૃત્ત લશ્કરી અધિકારી મોહમ્મદ સફદરની કરાચીની એક હોટેલથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે અમે જે હોટેલમાં ઉતર્યાં હતા ત્યાં પોલીસોએ અમારી રૂમનો દરવાજો તોડીને મારાં પતિ કેપ્ટન સફદરની ધરપકડ કરી હતી. હું રૂમમાં સૂતી હતી અને ત્યારે પોલીસો અંદર ઘૂસી આવ્યા હતા.

પોલીસો ઘૂસી આવ્યા બાદ રૂમનું તાળું જમીન પર પડ્યું હતું એનો વિડિયો મરિયમે સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો. સફદરે મોહમ્મદ અલી જિન્નાહની સમાધિ પર સરકારવિરોધી સૂત્રો પોકાર્યા પછી આ ઘટના બની હતી, જેના એક દિવસ પછી કરાચીમાં પાકિસ્તાનના ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) કરાચીમાં શક્તિશાળી પ્રદર્શન કર્યું હતું, એમ ડોન ન્યૂઝે અહેવાલ આપ્યો હતો.

સમાધિ (મકબરા)ની પવિત્રતાના ભંગ બદલ મરિયમ નવાઝ, સફદર અને અન્ય 200 લોકો સામે FIR નોંધવામાં આવ્યો છે. દરમ્યાન સમુદ્રી બાબતોના કેન્દ્રીય પ્રધાન સૈયદ અલી હૈદર ઝૈદીએ PML-Nના વાઇસ પ્રેસિડેન્ટના તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા.

મજાર-એ-કાયદેનું અપમાન કરવાવાળા ગુંડાઓની સામે IG સિંહ દ્વારા લેવાયેલાં પગલાંની તેમણે પ્રશંસા કરી હતી. કાયદાએ એનું કામ કર્યું છે. મરિયમ ફરી એક વાર ખોટું બોલી રહ્યાં છે કે હોટેલનો દરવાજો તોડ્યો છે. તેઓ વિડિયો બતાવે. શું તમને કોઈ હાથકડીઓ દેખાય છે?  શું એવું લાગે છે કે તેમની જબરદસ્તી ધરપકડ કરવામાં આવી હોય?  એવા તેમણે સવાલો કર્યા હતા.

યૂએઈના સમુદ્રમાં રોમેન્ટિક-મૂડમાં ‘વિરુષ્કા’; ડીવિલિયર્સે પાડી તસવીર

દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ આનંદિત મૂડમાં છે. એક, આઈપીએલ-13 અથવા આઈપીએલ-2020 સ્પર્ધામાં એની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સારો દેખાવ કરી રહી છે. ટીમે 9માંથી છ મેચમાં જીત મેળવી છે અને તે પ્લે-ઓફ્ફમાં પહોંચવા અગ્રેસર છે.

બીજું, એ પિતા બનવાની તૈયારીમાં છે અને એની પત્ની અનુષ્કા શર્મા હાલ એની સાથે સંયુક્ત આરબ અમિરાતમાં છે.

ગઈ કાલે, રવિવારે કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર તેની અને પત્ની અનુષ્કાની એક તસવીર શેર કરી હતી. આ તસવીર તેની ટીમના સાથી ખેલાડી એબી ડી વિલિયર્સે પાડી હતી. તસવીરમાં, સ્ટાર પતિ-પત્ની દરિયામાં નાહવા પડ્યાં છે અને એકબીજાની આંખોમાં પ્યારભરી નજરે જુએ છે, પાછળ દુબઈનો સૂર્યાસ્ત નજરે પડે છે.

આ તસવીર ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મિડિયા પર રિલીઝ કરાઈ એની અમુક જ મિનિટોમાં કોહલી અને અનુષ્કા પર અભિનંદન તથા શુભેચ્છાનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. આ તસવીરને લાખોની સંખ્યામાં લાઈક્સ મળ્યા છે અને અઢળક કમેન્ટ્સ પણ આવી છે.

આઈપીએલની પૂર્વેની મેચોમાં પણ અનુષ્કા સ્ટેન્ડ્સમાંથી એનાં પતિને પાનો ચડાવતી જોવા મળી હતી.

કોહલી અને અનુષ્કા આવતા જાન્યુઆરીમાં એમનાં પ્રથમ સંતાનના જન્મની આશા રાખે છે. અનુષ્કા ગર્ભવતી થયાના સમાચાર તેમણે ગયા ઓગસ્ટમાં સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યા હતા.

શાળાઓ ફરી ક્યારે ખોલવી? ગુજરાત સરકાર બધાયનાં મંતવ્યો જાણશે

અમદાવાદઃ રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી. આ અંગે શિક્ષણપ્રધાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે સરકાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહી છે, અનેક શિક્ષણવિદોનાં મંતવ્ય લેવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવશે અને એ પછી કેબિનેટમાં ચર્ચા કરીને યોગ્ય સમયે નિર્ણય કરવામાં આવશે.

રાજ્યમાં હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પણ બાળકોની પરીક્ષા અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં હજી શૈક્ષણિક સંકુલો ફરી ધબકતા થયા નથી ત્યારે આજે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ક્યારેક તો શાળા ચાલુ કરવી પડશે, પરંતુ સરકાર એકલી નિર્ણય કરે એ યોગ્ય નથી. આરોગ્ય વિભાગનો અભિપ્રાય મહત્વનો છે. અમે વાલીઓ, શિક્ષણવિદો સાથે ચર્ચાઓ કરી છે. હું અને શિક્ષણ વિભાગ સતત વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોની સાથે ચર્ચા અને વેબિનાર કર્યા છે. હવે એ તબક્કો નજીક છે. વેબિનારથી અમે અભિપ્રાય મેળવીએ છીએ.

દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં

ગઈ કાલે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શાળાના સંચાલકો વચ્ચે શાળાઓને લઈ એક વેબિનારનું આયોજન થયું હતું. આ વેબિનારમાં ગુજરાતમાં શાળાઓ ખૂલવા અંગે મોટો સંકેત મળ્યો હતો. રાજ્યમાં ધોરણ 1થી 5 સુધીનાં બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં. દિવાળી વેકેશન પછી ધો. 9થી 12નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે.

ધોરણ 6થી 8નાં બાળકોને છૂટ

આ ઉપરાંત ગ્રામ્યમાં ધોરણ 6થી 8નાં બાળકોને છૂટ આપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. એટલું જ નહીં, પણ દિવાળી વેકેશન પણ સરકાર દ્વારા ટૂંકાવી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં 9થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબૂમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરવામાં આવશે.

ધો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે

તાજેતરમાં શાળા સંચાલકોના યોજાયેલા એક વેબિનારમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓ દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દિવાળી પછી ધો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ શકે છે.

બીજી બાજુ, બાળકોના વાલીઓને આશા હતી કે સરકાર આ વખતે બાળકોને માસ પ્રમોશન આપશે. પણ શિક્ષણ વિભાગે વાલીઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.

1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ

વાલી મંડળે ધોરણ 1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ કરી હતી. પણ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવા માટે પણ અપીલ કરી હતી.

 

 

 

ડ્રગ્સ-કેસઃ એક્ટર રામપાલની વિદેશી ગર્લફ્રેન્ડનાં ભાઈની ધરપકડ

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં બહાર આવેલા નશીલી દવાઓના સેવન-ગેરકાયદેસર ધંધાના વેચાણના કૌભાંડ કેસમાં તપાસ કરતી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીના અધિકારીઓએ એક મોટું પગલું ભરીને અભિનેતા અર્જુન રામપાલની સાઉથ આફ્રિકન ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ડમિટ્રીએડ્સનાં ભાઈ ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સની ધરપકડ કરી છે.

ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સ પણ દક્ષિણ આફ્રિકાનો નાગરિક છે, પણ મોટે ભાગે ભારતમાં જ રહેતો હોય છે. સુશાંતના કેસમાં પકડાયેલા ડ્રગ્સના દાણચોરોના સંપર્કમાં ઓગિસીલાઓસ ડમિટ્રીએડ્સ પણ હતો એવું જાણવા મળ્યા બાદ એનસીબીના અધિકારીઓએ એની ધરપકડ કરી છે.

અધિકારીઓએ આજે તેને એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો અને ન્યાયાધીશે એને વધુ તપાસ તથા પૂછપરછ માટે એનસીબીની કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે.

ગેબ્રિયેલા અર્જુન રામપાલની લિવ-ઈન પાર્ટનર છે. હવે આ બંને જણની પણ એનસીબી અધિકારીઓ પૂછપરછ કરે એવી ધારા રખાય છે.

ઉલ્લેખનીય છે કે આ કેસના સંબંધમાં એનસીબી એજન્સીએ અગાઉ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, એનાં ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, અંગત સહાયક દિપેશ સાવંત તથા બીજા અનેક જણની પણ ધરપકડ કરી હતી.

રિયાને મુંબઈ હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ એનસીબીએ તેને 28 દિવસ પછી જેલમાંથી મુક્ત કરી હતી.

એનસીબીના અધિકારીઓ બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ ઉપરાંત સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવી યુવા અભિનેત્રીઓની પણ ડ્રગ્સના કેસમાં પૂછપરછ કરી ચૂકી છે.

એનસીબી એજન્સીએ નિર્માતા કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સના ભૂતપૂર્વ એક્ઝિક્યૂટિવ ક્ષિતિજ રવિપ્રસાદની પણ ધરપકડ કરી છે.

સુશાંતસિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એના ઘરમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન ડ્રગ્સના ઉલ્લેખવાળી અનેક વોટ્સએપ ચેટ્સ ધ્યાનમાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કેન્દ્રીય એજન્સીએ કરેલી વિનંતીને પગલે એનસીબી એજન્સીએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

ફ્લિપકાર્ટનું બમ્પર-સેલઃ બે-દિવસમાં 70 વેચાણકારો કરોડપતિ બન્યા

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ અગ્રણી ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર 16 ઓક્ટોબરની મધરાતથી ‘બિગ બુલિયન ડેઝ’ સેલ શરૂ કર્યાના પહેલા ત્રણ દિવસમાં જ 70થી વધુ વેચાણકર્તાઓ કરોડપતિ બની ગયા છે, જ્યારે 10,000 જેટલા વેચાણકર્તાઓ લખપતિ બની ગયા છે, એમ આ કંપનીએ જણાવ્યું છે. પ્રારંભિક વેચાણના આંકડાઓ બહાર પાડતાં કંપનીએ કહ્યું હતું કે વેચાણકર્તાઓના બે દિવસના વેચાણનો ગ્રોથ ગયા વર્ષના છ દિવસના વેચાણના ગ્રોથ સમાન છે. 16 અને 17 ઓક્ટોબર દરમ્યાન ફ્લિપકાર્ટ હોલસેલ અને બેસ્ટ પ્રાઇઝ સ્ટોર્સમાં 35,000 રિટેઇલર્સ અને 18,000 કરિયાણા, ફેશન, ફેશન એક્સેસરીઝ કેટેગરીમાં વેચાણ માટે કાર્યરત હોવાનો દાવો કંપનીએ કર્યો હતો.

એમેઝોન ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે તેના પ્રાઇમ વેચાણ શરૂ થયું એના પ્રથમ 48 કલાકમાં 1.1 લાખ વેચાણકર્તાઓને ઓર્ડર મળ્યા હતા. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન  ફેસ્ટિવલ સેલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 3.5 લાખ ફોન EMIથી વેચ્યા હતા. કંપનીએ ઉમેર્યું હતું કે પ્રથમ 48 કલાકમાં 5000થી વધુ વેચાણકર્તાઓએ રૂ. 10 લાખનું વેચાણ કર્યું છે, જેમાંથી 66 ટકા વેચાણકર્તાઓના ઓર્ડર ટિયર-II, ટિયર-III શહેરોમાંથી મળ્યા છે.

1.1 લાખ વેચાણકર્તાઓને ઓર્ડર્સ મળ્યા છે, જેમાંથી 66 ટકા વેચાણકર્તાઓને 91 ટકા નવા ગ્રાહકો અને 66 ટકા નવા પ્રાઇમ મેમ્બર નાના શહેરોમાંથી  તેમ જ પાંચ ભારતીય સ્થાનિક ભાષાઓમાં ખરીદદારી કરી છે અને ભારતના 98.4 ટકાથી વધુ ઓર્ડર્સ પિન-કોડથી માત્ર 48 કલાકમાં મળ્યા છે. આ એમેઝોન પર હકીકતમાં સૌથી મોટો ઉત્સવ છે, એમ એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ  મનીષ તિવારીએ જણાવ્યું હતું.

બીજી બાજુ, સ્નેપડીલે જણાવ્યું હતું કે વેચાણકર્તાઓ 65 ટકા ઓર્ડર્સ ભારતના ટોચનાં પાંચ મેટ્રોપોલિટન શહેરોમાંથી મળ્યા છે, જેમાં દિલ્હી, એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન, કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરુનો ‘કમ મેં દમ સેલ’ના ત્રણ દિવસના વેચાણમાં કુલ ઓર્ડર્સમાં 35 ટકા હિસ્સો હતો.

કેટલાક એવા પણ ગ્રાહકો છે, જે ઓનલાઇન ખરીદી નથી કરતાં, પણ તેઓ ચીજવસ્તુઓની વધુ પસંદગી સુરક્ષા સુવિધાને લીધે ઈકોમર્સથી ખરીદી કરી રહ્યા છે. અમે અમારા પ્લેટફોર્મ પર 60 લાખ નવા ખરીદદરો જોડ્યા છે, એમ સ્નેપડીલના સંસ્થાપક કુણાલ બહેલે જણાવ્યું હતું.