Home Blog Page 4617

ભારતમાં કોવિડ-19 રસી કોને પહેલા આપવામાં આવશે?

નવી દિલ્હીઃ કોવિડ-19ની સાથે જંગ લડતા લોકોને સૌથી પહેલા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જે લોકોને એની સૌથી વધુ જરૂર છે, તેમને માટે વેક્સિન સુલભ બનાવવામાં આવશે, પછી ભલે એ તેમને પરવડે કે ના પરવડે, એમ એક અહેવાલ કહે છે. કેન્દ્રીય હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રાલય આગામી વર્ષના મધ્ય ભાગ સુધી દેશમાં 40થી 50 કરોડ વેક્સિનના ડોઝ વિતરિત કરવાની આશા રાખી રહ્યું છે, એમ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને ગ્રુપ ઓફ મિનિટસ્ટર્સને વાતચીતમાં કહ્યું હતું, એમ અહેવાલ કહે છે.  

ફ્રન્ટલાઇન વર્કર્સની ઓળખનું કામ કરવાનું કામ ડિજિટલ પ્લેટફોર્મનું રિકેલિબ્રેશન, નોન-વેક્સિનના પુરવઠા માટે લોજિસ્ટિક, કોલ્ડ ચેઇનની વૃદ્ધિને વિસ્તરણ કાર્ય યોજના અનુસાર કરવામાં આવી રહ્યું છે, એમ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશનના વડા વીકે પોલે જણાવ્યું હતું.

નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન  વેક્સિન એડમિનિસ્ટ્રેશનની સમિતિ કે જે વેક્સિન માટે સંભવિત પહેલા ઉમેદવારોની યાદી તૈયારી કરી રહી છે, જેમાં ડો. વીકે પોલ, એમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, વિદેશ બાબતોના પ્રતિનિધિઓ, બાયોટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ, નેશનલ એઇડસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ રાજ્યોના પ્રતિનિધિઓ સામેલ છે. તેમણે વ્યાપક ઊંડો અભ્યાસ કર્યો છે અને લોકોની પ્રાથમિકતા અનુસાર વેક્સિન તેમને આપવામાં આવશે. સમિતિએ અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ અને WHO પાસેથી આના માટે પ્રેરણા લીધી છે.

આરોગ્ય મંત્રાલયે એ પણ કહ્યું છે કે eVIN નેટવર્ક જે વેક્સિનનો તાજો સ્ટોક, સંગ્રહ સુવિધાનું તાપમાન અને જિયોટેગ હેલ્થ સેન્ટર્સને ટ્રેક કરી શકે છે અને કોવિડ-19ની વેક્સિનને ડિલિવરી માટે એને પુનઃખરીદી કરવામાં આવી રહી છે.

હાલમાં ભારતમાં ત્રણ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે, જેમાં ભારત બાયોટેક ઇન્ટનેશનલ લિમિટેડ, અને ICMRની કોવાક્સિન સામેલ છે, જે ભારતની પહેલી સ્વદેશી વેક્સિન બની શકે છે, હાલમાં એનું પરીક્ષણ બીજા તબક્કામાં ચાલી રહ્યું છે.

ઝાયડસ કેડિલા દ્વારા ZyCoV-Dનું ક્લિનિકલ પરીક્ષણ બીજા તબક્કામાં છે. જ્યારે છેલ્લી અને સૌથી આગળ એસ્ટ્રાઝેનકાની કોવિડ-19ની વેક્સિન છે, જે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવી છે અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદન હાથ ધરવામાં આવી રહ્યું છે.

 

 

ભડકાઉ ટિપ્પણીઃ અર્ણબ ગોસ્વામીને મુંબઈ પોલીસની નોટિસ

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના એક ગામમાં તાજેતરમાં બે સાધુના મોતના સંબંધમાં કોમી તંગદિલી ઊભી કરવાનો રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી પર આરોપ મૂકાયો છે. ગયા એપ્રિલ મહિનામાં કોરોના લોકડાઉન લાગુ હતું ત્યારે મુંબઈમાં બાન્દ્રા રેલવે સ્ટેશનની બહાર એકત્ર થયેલા લોકોના ટોળાની ઘટના માટે પણ ગોસ્વામીને આરોપી ગણવામાં આવ્યા છે. ઊંચા ટીઆરપી રેટિંગ્સ મેળવીને જાહેરખબરોમાંથી મોટી રકમની કમાણી કરવા માટે ગેરરીતિ આચરવાનો પણ રિપબ્લિક ટીવી પર આરોપ છે.

મુંબઈ પોલીસે ગોસ્વામીને કારણદર્શક નોટિસ મોકલી છે અને એમને જણાવ્યું છે કે 16 ઓક્ટોબરે એમણે વરલી પોલીસ સ્ટેશનના એડિશનલ કમિશનર સમક્ષ હાજર થવું.

સૂત્રોનું કહેવું છે કે પોતે ભડકાઉ ટિપ્પણીઓ, નિવેદનો નહીં કરે અને એવી સામગ્રી ટીવી ચેનલ પર પ્રસારિત નહીં કરે એવા એક બોન્ડ પર સહી કરવાનું એમને જણાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાલઘર જિલ્લાના ગડચિંચલે ગામમાંથી કેટલાક આંચકાજનક વિડિયો વિઝ્યુઅલ્સ જોવા મળ્યા હતા જેમાં હાથમાં લાઠીઓ અને પથ્થર સાથે સજ્જ થયેલા લોકોનું એક બેકાબૂ ટોળું બે સાધુ અને એમના ડ્રાઈવરને બચાવવાનો પ્રયત્ન કરતા પોલીસ અધિકારીઓ પર હુમલો કરે છે. ત્યારબાદ બંને સાધુ અને ડ્રાઈવરનું મારપીટ વડે મોત નિપજાવવામાં આવે છે.

ગઈ 21 એપ્રિલે ગોસ્વામીએ તે બનાવ અંગે ‘પૂછતા હૈ ભારત’ નામે ટોક-શો કર્યો હતો જેમાં એમણે એવો સવાલ પૂછ્યો હતો કે શું હિન્દુ બનવું અને કેસરી પહેરવેશ ધારણ કરવો એ ગુનો છે? ભોગ બનેલાઓ જો બિન-હિન્દુઓ હોત તો શું લોકો શાંત બેસી રહેત? ગોસ્વામીની આ જ ટિપ્પણીઓ સામે મુંબઈ પોલીસે વાંધો ઉઠાવ્યો છે અને એમને નોટિસ ફટકારી છે.

તે ટીવી કાર્યક્રમ પ્રદર્શિત કરાયા બાદ ગોસ્વામી સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 153 (રમખાણ ફાટી નીકળે એવી ઉશ્કેરણી ઊભી કરવી) અને 153-A (ધર્મના આધારે જુદા જુદા જૂથ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવું) તથા અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

બાન્દ્રામાં બનેલી ઘટનામાં, એપ્રિલમાં કોરોના-લોકડાઉનની મુદત લંબાવાઈ તેની સામે વિરોધ કરવા હજારો પરપ્રાંતિય મજૂરો-કામદારો સ્ટેશનની બહાર ભેગા થયા હતા. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી કોઈએ બહાર નીકળવું નહીં અને સોશિયલ ડિસ્ટન્સ નિયમનું પાલન કરવું એવી સરકારે સ્પષ્ટ ચેતવણી આપી હોવા છતાં હજારો કામદારો ટોળા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પોલીસે બાદમાં એ તમામને વિખેરી નાખ્યા હતા અને કહ્યું હતું કે લોકડાઉન લાગુ હતું એટલે જ રમખાણો ટાળી શકાયા હતા.

દરમિયાન, રિપબ્લિક ટીવીએ મહારાષ્ટ્ર સરકાર પર આરોપ મૂક્યો છે કે પાલઘરમાં સાધુઓની હત્યાના કેસ વિશે ગોસ્વામીએ ટીવી પર રજૂ કરેલા કવરેજ બદલ એમની પજવણી કરવા મુંબઈ પોલીસે એમને કારણ-દર્શક નોટિસ મોકલી છે.

રિપબ્લિક ટીવીએ એમ પણ કહ્યું છે કે મુંબઈ પોલીસની નોટિસ ગેરકાયદેસર છે, કારણ કે સુપ્રીમ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટે ગોસ્વામી સામે કોઈ પણ પગલું ભરવાની મનાઈ ફરમાવી છે.

12,000 તરુણીઓને સેનિટરી પેડ વિતરિત કરવાનું લક્ષ્ય

અમદાવાદ: અમદાવાદની શાળાઓમાં અભ્યાસ કરતી વંચિત વર્ગની તરુણીઓમાં માસિક કાળ દરમિયાન સ્વચ્છતા જાળવવાની સમજ કેળવવા માટે હાથ ધરાયેલા TGB ચેરિટેબલ કેમ્પેઇન ફોર મેનસ્ટ્રુઅલ હાઈજિન અંતર્ગત ગઈ કાલે  200 તરુણીઓને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનિટરી પેડઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.

TGB ચેરિટી મારફતે બાપુનગર અને અમદાવાદમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલ નં. 16માં વંચિત વર્ગની તરુણીઓને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના સેનિટરી પેડઝના વિતરણમાં યુનિપેડ ઇન્ડિયા પ્રા. લિમિટેડની જોડે સાથ ચેરિટેબલ ટ્રસ્ટ-અમદાવાદ પણ જોડાયુ હતું. હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારીના સંદર્ભમાં કાર્યક્રમના સ્થળે ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનના નિયમનું પાલન કરવામાં આવ્યું હતું.


સેનિટરી પેડઝની કિટસનું વિતરણ
આ સમારંભમાં ચર્ચા દરમ્યાન તરુણીઓને માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા અને આ સમયગાળા અંગે ચાલી આવેલી જૂની માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુનિપેડઝ ઇન્ડિયાએ ઉત્પાદન કરેલા તથા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા સેનિટરી પેડઝની કિટસની સાથે તરુણીઓને માસિક કાળ દરમ્યાન સ્વચ્છતાની જાળવણી અંગે સ્થાનિક ભાષામાં પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કિટ વડે તરુણીઓ એક વર્ષ સુધી માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા જાળવી શકશે.

યુનિપેડઝ ઇન્ડિયા પ્રા. લિમિટેડના સ્થાપક ગીતા સોલંકીએ જણાવ્યું હતું કે સમાજના નબળા વર્ગમાંથી આવતી તરુણીઓ યોગ્ય શિક્ષણના અભાવે, જાણકારીની ઊણપ તથા નાણાકીય કારણોથી આ બાબતે ધ્યાન આપી શકતી નથી. આ ઝુંબેશના ભાગ તરીકે અમે અમારા સહયોગી TGB ચેરિટી અને સાથ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમે આગામી ચાર માસમાં શાળામાં ભણતી કિશોર વયની તરુણીઓમાં માસિક કાળ દરમ્યાન સ્વચ્છતા જાળવવાના મુદ્દે તથા તેમને કાપડનાં સેનિટરી નેપ્કિનની વહેંચણી કરવા માટે અમે રાજ્યની અર્ધશહેરી, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં 12,000 તરુણીઓ સુધી પહોંચવા માટે ઝુંબેશ હાથ ધરી છે.

અમે છેલ્લાં ત્રણ સપ્તાહમાં 1000 તરુણીઓને આવરી લીધી છે અને બીજા તબક્કામાં વધુ 5000 તરુણીઓ સુધી પહોંચવાનું અમારું ધ્યેય છે. આગામી ચાર માસના ત્રીજા તબક્કામાં 6,000 તરુણીઓને આવરી લેવાશે, એમ તેમણે કહ્યું હતું.

ગાંધીધામમાં ‘તનિષ્ક’ શો-રૂમના માલિકને માફી માગવી પડી

ગાંધીધામ: ટાટા ગ્રુપની કંપનીની જ્વેલરી બ્રાન્ડ ‘તનિષ્ક’ની એક કમર્શિયલ જાહેરખબર ફિલ્મ કારણે મોટો વિવાદ થયો છે. કંપનીએ એ જાહેરખબર ગઈ કાલે જ પાછી ખેંચી લીધી છે, પરંતુ એ પહેલાં સોમવારે ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાંના ‘તનિષ્ક’ શોરૂમમાં રોષે ભરાયેલા કથિતપણે હિન્દુ સમર્થકો ધસી ગયાનો અને સ્ટોરના માલિક/મેનેજરને આ જાહેરખબર બદલ હિન્દુઓની માફી માગતી ગુજરાતી ભાષામાં એક નોંધ લખીને તે કાગળ સ્ટોરના કાચના દરવાજા પર ચોંટાડવાની ફરજ પાડી હોવાનો ઈન્ડિયન એક્સપ્રેસ, એનડીટીવી તથા અન્ય પ્રચારમાધ્યમોના અહેવાલ છે.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે.

દરમિયાન, ગાંધીધામમાં તનિષ્ક સ્ટોરના મેનેજર રાહુલ મનુજાએ કહ્યું છે કે એમના સ્ટોર પર કોઈ હુમલો કરાયો નથી, પરંતુ એમને કેટલીક ધમકીભર્યા ફોન કોલ્સ મળ્યા હતા.

કચ્છ (પૂર્વ)ના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ મયૂર પાટીલે કહ્યું છે કે બે જણ ગાંધીધામમાં તનિષ્કના સ્ટોર ખાતે ગયા હતા અને ગુજરાતી ભાષામાં માફી નોંધ દરવાજા પર ચોંટાડવાની માગણી કરી હતી. સ્ટોરના માલિકે એ પ્રમાણે કર્યું હતું. પરંતુ એમને કચ્છમાંથી ધમકીભર્યા ફોન કોલ્સ પણ મળી રહ્યા હતા. સ્ટોર પર હુમલો કરાયો હોવાના સમાચાર ખોટા છે.

ઉલ્લેખનીય છે કે, ‘તનિષ્ક’ જ્વેલરીની તે જાહેરખબર ફિલ્મમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મમાં માનતા લોકોના એક પરિવારને બતાવવામાં આવ્યો હતો. આભૂષણ કલેક્શન ‘એકત્વમ’ને પ્રસિદ્ધ કરવા માટે તેણે આ જાહેરખબર ગયા અઠવાડિયે રિલીઝ કરી હતી. પરંતુ સોશિયલ મિડિયા પર ભારે વિરોધ થયા બાદ ‘તનિષ્ક’એ તે જાહેરખબરને પાછી ખેંચી લીધી છે. રોષે ભરાયેલા હિન્દુ લોકોનો આક્ષેપ છે કે આ જાહેરખબર ‘લવ જિહાદ’ના સામાજિક દૂષણ અને નકલી ધર્મનિરપેક્ષતાને ઉત્તેજન આપે છે.

પરંતુ જાહેરખબર રિલીઝ કરાયા બાદ ટ્વિટર પર હેશટેગ ‘બોયકોટ તનિષ્ક’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ ટાટાની બ્રાન્ડ્સનો બહિષ્કાર કરવાની માગણી કરતા ટ્વીટ્સ કર્યા હતા.

આવી ટીકા થયા બાદ ‘તનિષ્ક’એ તેની જાહેરખબરને એમ કહીને પાછી ખેંચી લીધી હતી કે તેનો ઈરાદો કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. પણ તે છતાં અજાણતાં કોઈને ઠેસ પહોંચી હોય તો અમને તેનું દુઃખ છે. સાથોસાથ, અમે અમારા કર્મચારીઓ, ભાગીદારો તથા સ્ટોરના કર્મચારીઓની સલામતી અને રક્ષણને ધ્યાનમાં રાખીને આ એડફિલ્મને પાછી ખેંચી લીધી છે.

‘તનિષ્ક’એ એ પહેલાં જ યૂટ્યૂબ પર તેની આ જાહેરખબર પર કમેન્ટ્સ તથા લાઈક્સ અને ડિસલાઈક્સના બટન બંધ કરી દીધા હતા અને ગઈ કાલે તો એ જાહેરખબરનો વિડિયો સંપૂર્ણપણે પાછો ખેંચી લીધો હતો.

કોરોનાના કેસોની સંખ્યા 72 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 72 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 63,509 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 730 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 72,39,390 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,10,586 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 63,01,927 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 74,632 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,26,876એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થયો છે.

 વિટામિન સીનો ઓવરડોઝ નુકસાનકારક

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન કહે છે કે માત્ર વિટામિન સી જ નહીં પરંતુ કોઈ પણ ગોળી ડોક્ટરની સલાહ પર જ લેવી જોઈએ. વિટામિન સી એક એન્ટિઓકિસડન્ટ છે જે લોહીમાં રહેલા લ્યુકોસાઇટ શ્વેત રક્ત કોશિકાઓ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી છે. આને કારણે શરીરમાં વાઇરસ સામે લડવાની શક્તિ મળે છે, પરંતુ તેમ છતાં  પણ ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા નુકસાનકારક છે.  જો વિટામિન સીનો ઓવરડોઝ લેવામાં આવે તો  પેટમાં બળતરા, ઊલટી, ઝાડા, પેટ ભારે, કબજિયાત જેવી સમસ્યાઓ સર્જાય છે. તેનાથી ગળામાં દુખાવો અથવા શુષ્કતા, માથાનો દુખાવો અને થાક પણ થાય છે. વિટામિન સીની અતિશયતા આંખોમાં શુષ્કતા, બળતરા અને પટલ સ્ટેનિંગનું કારણ બની શકે છે, ગોળીઓનો વધુ માત્રા સ્નાયુઓની જકડાઇ જવા અને બિનજરૂરી પીડા પણ પેદા કરી શકે છે, તેનાથી કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે. અને વિટામિન સીનું  વધારે સેવન અને લાંબા સમય સુધી સેવન કરવાથી લીવરને પણ નુકસાન થાય છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

એપલે આઇફોન 12 સિરીઝના 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા

નવી દિલ્હીઃ અમેરિકી ટેક કંપની એપલે આઇફોન 12 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. એપલે ગઈ કાલે ડિજિટલ ઇવેન્ટ દ્વારા આઇફોન 12 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીના આ નવા મોબાઇલ ફોન A14 બાયોનિક ચિપ અને 5G ક્નેક્ટિવિટીથી લેસ છે. કંપનીના CEO ટિમ કુકે ઘોષણા કરી હતી કે અમે આઇફોનની પૂરી સિરીઝમાં 5G લાવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે આઇફોન માટે આ એક નવા યુગની શરૂઆત છે. એપલે આ વખતે એક, બે નહીં ચાર આઇફોન એકસાથે લોન્ચ કર્યા છે. આઇફોન 12, આઇફોન 12 મિની, આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ- આ ચારે મોબાઇલ ફોનની કિંમત રૂ. 69,900થી રૂ, 1,29,900ની વચ્ચે છે.

આઇફોનના ચાહકોએ નવાં મોડલોની રાહ જોવાની હવે જરૂર નથી. એપલે આ નવો ફોન A14 બાયોનિક ચિપ અને 5G ક્નેક્ટિવિટીથી લેસ છે. જોકે નવા આઇફોનના બોક્સમાં ગ્રાહકોને પાવર એડપ્ટર્સ એટલે કે ચાર્જર નહીં મળે. એક નાના આઇફોન 12 મિનીને પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આઇફોન 12 મિની વિશ્વમાં સૌથી નાનો 5G ફોન છે.

 

આઇફોન 12 સિરીઝના સ્માર્ટફોનમાં OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું હતું કે આઇફોન 12 સિરીઝમાં A14 બાયોનિક ચિપ અથવા પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ એને કન્સોલ ક્વોલિટીની ગેમિંગને લાયક બનાવે છે. વળી, આઇફોન 12માં Magsafe વાયરલેસ ચાર્જિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 15 વોટ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

એપલના આઇફોનની 12 સિરીઝના મોબાઇલ ફોન

એપલના આઇફોન 12 સિરીઝના મોબાઇલ ફોનોમાં આઇફોન 12 મિનીની કિંમત રૂ. 69,900, આઇફોન 12ની કિંમત રૂ. 79,900, આઇફોન 12 પ્રોની કિંમત રૂ. 1,19,900 અને આઇફોન 12 પ્રો મેક્સની કિંમત રૂ. 1,29,900 છે.

સૌથી સ્લિમ, સ્મોલ અને ફાસ્ટ 5G સ્માર્ટફોન

કંપનીનો દાવો છે કે આ વિશ્વના સૌથી સ્લિમ, સ્મોલ અને ફાસ્ટ 5G સ્માર્ટફોન છે. આઇફોન 12 મિની 5.4 ઇંચ સાઇઝવાળા વેરિયન્ટને 699 ડોલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જ્યારે આઇફોન 12 મિનીના 6.1 ઇંચ સાઇઝવાળા વેરિયેન્ટને 799 ડોલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

 ભારતમાં 30 ઓક્ટબરથી વેચાણ માટે ઉપલબ્ધ

આઇફોન 12 અને આઇફોન 12 મિની 64GB, 128GB અને 256GB વેરિયેન્ટ અને ચાર કલર ઓપ્શનમાં લોન્ચ થયા છે. જ્યારે આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ 128 GB, 256GB અને 512GB વેરિયેન્ટ અને ગ્રેફાઇટ, સિલ્વર, ગોલ્ડ અને પેસિફિક બ્લુ કલરમાં લોન્ચ થયો છે. એપલ આઇફોન 12 સિરીઝના સ્માર્ટફોન્સનું 30 ઓક્ટોબરથી ભારતમાં વેચાણ શરૂ થઈ જશે.

સુપર હોટ અનન્યા પાંડે…

બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ એક ફોટોશૂટ વખતે આવાં હોટ પોઝ આપ્યાં હતાં. બ્લુ રંગના આઉટફિટમાં એ બહુ જ સુંદર લાગે છે.બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ એક ફોટોશૂટ વખતે આવાં હોટ પોઝ આપ્યાં હતાં.

અનન્યાની નવી ફિલ્મ ‘ખાલી પીલી’ હાલમાં જ રિલીઝ થઈ છે. એક નિર્માણાધીન ફિલ્મમાં એ સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પદુકોણ સાથે કામ કરી રહી છે, જ્યારે એક અન્ય ફિલ્મ ‘ફાઈટર’માં એ દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા વિજય દેવરકોંડા સાથે ચમકવાની છે.

અનન્યાની આ તસવીરોને સોશિયલ મિડિયા પર પ્રશંસકોએ ખૂબ પસંદ કરી છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અનન્યાની નિકટની સહેલી છે. એણે પણ પોતાનાં પ્રત્યાઘાત આપ્યાં છે. એણે અનન્યાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે, ‘Wow’.

૧૪ ઓક્ટોબર ૨૦૨૦

૧૪ ઓક્ટોબર ૨૦૨૦

પરમ શક્તિ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા રાખો

સિકંદર જયારે વિશ્વ ઉપર વિજય મેળવવા દેશ દેશ ફરીને આક્રમણ કરતો હતો, યુદ્ધ કરતો હતો તે સમયની વાત છે. દક્ષિણ ભારતનાં એક ગામમાંથી તે પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને ભોજનની પ્રબળ ઈચ્છા થઇ. ગામનાં લોકોમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ. થોડી જ વારમાં સિકંદર માટે ભોજનનો થાળ હાજર થઇ ગયો. પણ તેના આશ્ચર્ય વચ્ચે થાળમાં બધી જ વાનગીઓ સોનાની હતી.

સિકંદરે કહ્યું : અરે, આ ભોજન હું કઈ રીતે ખાઈ શકું? તો ગ્રામજનો એ કહ્યું કે આપ તો મહાન સિકંદર છો. આપને અમે ખાતા હોઈએ તેવું સાદું અન્ન કઈ રીતે ધરી શકાય? સિકંદરે કહ્યું કે ભોજન તો તે પણ સામાન્ય લોકો કરે છે તેમ ઘઉં, ચોખા, શાકભાજી અને અન્ય અનાજથી બનેલું જ કરે છે.

ત્યારે ગ્રામજનોએ કહ્યું : ઓહો! તો પછી દુનિયા સર કરવા આપ શા માટે નીકળ્યા છો? આપ રહો છો તે જગ્યાએ શું અનાજ નથી ઉગતું? આપ શા માટે દેશ દેશમાં પરિભ્રમણ કરીને યુદ્ધ કરો છો અને હત્યા કરો છો? આપ પણ અનાજનો જ ભોજનમાં ઉપયોગ કરો છો તે વાત અમે માની શકતા નથી.

કહેવાય છે કે આ ઘટના પછી થોડા સમય બાદ સિકંદરે જાહેર કર્યું કે મારા મૃત્યુ વખતે મારી મુઠ્ઠીઓ ખાસ ખુલ્લી રાખવામાં આવે, જેથી સૌ જાણે કે જગત સર કરનાર સિકંદર પણ પોતાની સાથે કઈં જ લઇ જઈ શકતો નથી.

તો, કામનાઓ અને તેની પૂર્તિ માટે દોડધામ, સતત નફા-ખોટનો હિસાબ આ બધામાં મનને વ્યસ્ત રાખીને તમે દુ:ખ અને અશાંતિને જ નિમંત્રણ આપો છો. મને શું મળશે, મને શું મળશે એવી સતત ગણતરી કરવાની મનને ટેવ પડી જાય છે. લોકો મારા માટે શું વિચારે છે, પેલી વ્યક્તિએ મારું અપમાન કર્યું, મારી પીઠ પાછળ નિંદા કરી આ બધા વિચારોમાં કેટલો બધો સમય વેડફાઈ જાય છે? ઈચ્છા, ઈચ્છા અને ઈચ્છાઓ તેમ જ તેની પ્રાપ્તિ પછી શું? ભૌતિક સુવિધાઓનો ભોગ કરવાની તમારી ક્ષમતા કેટલી? સુખ મેળવવાની તૃષ્ણાને છોડી દો. તૃષ્ણાઓ ઉઠે છે, તમે બેચેન થઇ જાઓ છો, દુ:ખી થઇ જાઓ છો અને તમે તમારી જાતને તુચ્છ માનવા લાગો છો, જે તમે સહી શકતા નથી એટલે ગુસ્સો કરો છો અને ફરીથી તે બાબતે પશ્ચાતાપ કરો છો. આ દુષ્ચક્રમાંથી નીકળવું જાણે અસંભવ લાગે છે. આ બધાંને લીધે તમે જીવનમાં પ્રેમનો અનુભવ ચૂકી જાઓ છો. જયારે હૃદય પ્રેમપૂર્ણ નથી હોતું ત્યારે મન નિરાશાથી ઘેરાઈ જાય છે.

મન વિશ્રામ પામી શકતું નથી, સ્થિર થઇ શકતું નથી. જીવન તો સુખપૂર્ણ અને દુઃખપૂર્ણ અનુભવોનું મિશ્રણ છે. સુખ અને દુ:ખ પરસ્પર વિરોધાભાસી લાગે છે, પરંતુ વાસ્તવમાં બંને એકબીજાનાં પૂરક છે. એક સિવાય બીજું સંભવ નથી. સૈદ્ધાંતિક રીતે, જીવનમાં માત્ર એક જ પ્રકારના, કહો કે, માત્ર સુખપૂર્ણ જ અનુભવો જ મળે તે શક્ય નથી. જ્યાંથી સુખ મળે છે, ત્યાંથી જ દુ:ખ પણ મળે છે. ઈચ્છાઓ આવે છે અને જાય છે. નફો થાય છે, નુકશાન થાય છે! જીવનના આ ક્રમને સમજો અને નિરાશ થઈને બેસી ન જાઓ. અનંત ધૈર્ય રાખો. જયારે જયારે તમે દુ:ખ, નિરાશા અને ઉદાસીનો અનુભવ કરો છો ત્યારે તમે અનુભવો છો કે તમારું અસ્તિત્વ સીમિત છે અને આ જ ક્ષણે તમે તમારી મર્યાદા પ્રત્યે સજાગ બની જાઓ છો અને ત્યારે જ તમે જીવનને વધુ સારું બનાવવા વિશે વિચારો છો.

સત્ય અર્થાત એકનિષ્ઠા, પ્રતિબદ્ધતા, શૌચ – આંતરિક અને બાહ્ય શુદ્ધતા તથા કરુણા જેવા સિદ્ધાંતોના પાલનથી જીવનમાં આમૂલ સકારાત્મક પરિવર્તન આવે છે. આ સઘળું તમારી અંદર છે જ. તમે જ સ્વયં સત્ય છો, નિતાન્ત શુદ્ધ છો- ભૂતકાળ ગમે તેવો રહ્યો હોય પણ વર્તમાન ક્ષણમાં તમે શુદ્ધ જ છો, અને અતીવ કરુણામય છો. આમ માનીને જ ચાલો. જો તમે ગુસ્સો કરી બેસો છો તો તે માત્ર સ્ટ્રેસને કારણે, ક્રોધ તમારો સ્વભાવ કદાપી હોઈ શકે નહીં. રોજ થોડી વાર ધ્યાન કરો અને જુઓ કે વાસ્તવમાં તમે શાંત અને પ્રેમમય છો. જીવનમાં ધ્યેય રાખો પરંતુ અંદરથી શાંત રહો, મનને પ્રસન્ન રાખો અને સત્ય, શુદ્ધતા તથા કરુણા વડે જીવનને સભર રાખો. વિશ્વનું સંચાલન કરનાર પરમ શક્તિ પ્રજ્ઞાવાન છે. તે પરમ શક્તિ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા રાખો.

સતત બદલતી રહેતી લાગણીઓ અને ચિંતા, દુ:ખનાં આ બે કારણ છે. પરંતુ લાગણીઓ હૃદયનો વિષય છે જયારે ચિંતા મનનો વિષય છે. જયારે લાગણીના પ્રબળ પ્રવાહમાં તમે વહો છો ત્યારે મન ચિંતા કરી શકતું નથી. તો તીવ્ર લાગણીઓ દ્વારા ચિંતાથી તો મુક્તિ મળે છે, પરંતુ લાગણીઓના ઉતાર-ચડાવ અને તેને કારણે ઉત્પન્ન થતું દુ:ખ માત્ર અને માત્ર પરમ શક્તિ સાથેનાં અતૂટ સંબંધથી જ દૂર થાય છે. ઈશ્વરને બધું જ કહો. તેનાથી કઈં જ છૂપું ન રાખો. તમારાં દુ:ખની તેને ભાગીદારી સોંપી દો. કહો કે, મારું દુ:ખ એ તારું દુ:ખ છે. ભજનનો અર્થ જ થાય છે વહેંચવું, તો ઈશ્વર સાથે સુખ દુ:ખ, સર્વ ભાવનાઓ શૅર કરો.

નારદ ભક્તિ સૂત્ર અનુસાર : सर्वथा सर्वभावेन निश्चिन्तैर्भगवानेव भजनीय:। પ્રત્યેક ભાવથી સદા સર્વદા નિશ્ચિંન્તતાપૂર્વક ઈશ્વરનું ભજન કરો. સમસ્યા છે તો ઈશ્વર પાસે ખરા હૃદયથી મદદ માંગો, પ્રાર્થના કરો. મૌન એ ઈશ્વર સાથેના સંવાદની પરિભાષા છે. પ્રાર્થના દ્વારા તમે ઈશ્વરને કહો છો અને ધ્યાન દ્વારા તમે ઈશ્વરને સાંભળો છો.

હૃદયમાં જયારે પ્રેમનો આવિર્ભાવ થાય છે ત્યારે જીવન આનંદથી છલકી ઉઠે છે. ઈશ્વર તમને ખૂબ પ્રેમ કરે છે. તેની સાથે આ ક્ષણે જ સંબંધનો અનુભવ કરો. એ માટે કઈં જ પ્રયત્નો કરવાની જરૂર નથી. આંખ બંધ કરો અને તેની સાથે પ્રેમથી જોડાઈ જાઓ. જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તમારાં માતા-પિતા અને પૂર્વજોનું સર્જન કર્યું છે, તે પરમ શક્તિમાન ઈશ્વર તમને ખૂબ ચાહે છે, બસ, આટલું જાણી લો અને જુઓ કે સિદ્ધિ, સમૃદ્ધિ, ભક્તિ, મુક્તિ અને શાંતિ સઘળું તમારી પ્રત્યે આકર્ષાશે, સામે ચાલીને તમારી પાસે આવશે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 14/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ જો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.