Home Blog Page 4619

સુરતીલાલાઓ માટે ય વિકટ છે નવરાત્રિ

સુરતઃ નવરાત્રિની ઉજવણી હવે નહીં કરી શકાય એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતના અમદાવાદ સહિત મોટા શહેરોમાં આ તહેવાર સાથે સંકળાયેલો વ્યવસાય કરતા ધંધાર્થીઓ સામે પણ આર્થિક પ્રશ્નો ઉભા થયા છે.

સુરતની વાત કરીએ તો અહીં સરસાણામાં આવેલા ઈન્ટરનેશનલ કન્વેશન સેન્ટરના ઈન્ડોર એસી ડોમમાં નવરાત્રિમાં 15000થી વધુ લોકો ગરબે ઘૂમે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં પણ રોજ 10,000થી વધુ લોકો રમણે ચડે. ત્રીજું મોટું આયોજન છે સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટના એસી ડોમની નવરાત્રિ. આ ત્રણની સાથે બીજા અનેક આયોજન થાય છે. સરસાણા કન્વેનશન સેન્ટર અને ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજન માટે તો લાખો રૂપિયાના ટેન્ડર નીકળે!

છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ડોર સ્ટેડિયમમાં નવરાત્રિનું આયોજન સોલ્યુશન્સ નામની ઇવેન્ટ કંપની કરે છે. આ કંપનીના ડેની નિર્બાન સુરતમાં યોજાયેલા અનેક મોટી ઇવેન્ટમાં સહભાગી રહ્યા છે. આ વર્ષે નવરાત્રિ યોજવી ન જોઈએ એવી રજૂઆત મુખ્યમંત્રીને કરનારા પ્રતિનિધિમંડળમાં એ હતા.

ડેની નિર્બાન ચિત્રલેખા ને કહે છે કે ઓર્કેસ્ટ્રા, ગાયક, મંડપ-સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ, સેલિબ્રિટી મેનેજમેન્ટ, સિક્યુરિટી સર્વિસ, એડવર્ટાઈઝિંગ, પ્રિન્ટિંગ (એન્ટ્રી પાસ, બેનર) 40 થી 50 રોજિંદા મજૂર, ટ્રોફી-મોમેન્ટો બનાવનારા જેવા કેટલાય લોકો અમારી સાથે સંકળાયેલા હોય છે. એ તમામને આ વર્ષે નુકસાન છે. આ બધાને ભેગા કરવાનું કામ આયોજક કરે. નવરાત્રિ ન યોજવાનો નિર્ણય સારો જ છે. અલબત્ત, આર્થિક નુકસાન તો છે જ. આ ઉપરાંત એક વાત સમજવાની જરૂર છે. નવરાત્રિ દરમિયાન અમારો સંપર્ક અનેક લોકો સાથે થાય, સંબંધ બને. માર્કેટિંગમાં જેને નેટવર્કિંગ કહીએ છીએ તે ખૂબ થાય. નવરાત્રિના કારણે વર્ષ દરમિયાન ઇવેન્ટ યોજવાના કામ અમને મળતા રહે. એ રીતે જૂઓ તો નુકસાન અત્યારે દેખાય છે એના કરતાં પણ મોટું થવાનું છે અને આમાંથી ઉગારતા સહેજે એકાદ વર્ષ નીકળી જશે.

આવા બીજા કેટલાક કિસ્સા જોઈએ: ઘણી જગ્યાએ નવરાત્રિ માટે ગાવા-રમવાની તાલીમ ચારેક મહિના પહેલા શરૂ થઈ જાય. એકલા સુરતમાં દોઢિયા ગરબા શીખવતા 70થી વધુ ક્લાસ છે. છેલ્લા 25 વર્ષમાં અંદાજે 20,000 લોકોને ગરબાના સ્ટેપ્સ શીખવનાર ભાવિન કઢીવાલા ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ ચલાવે છે. દર વર્ષે સરેરાશ હજાર યુવક-યુવતી એ શીખવા આવે. ભાવિન કઢીવાલા ચિત્રલેખા ને કહે છે કે આમ તો હું કાપડ ઉદ્યોગમાં છું. મતલબ મારી આવકનો મુખ્ય સ્ત્રોત ગરબા ક્લાસ નથી, પણ એવા ઘણાને હું ઓળખું છું જેમની આવકનો મુખ્ય સ્ત્રોત નવરાત્રિ જ છે, આ આવક પર જ એમનું ઘર ચાલે છે. કોરોનાએ એમના ઘરની રોનક છીનવી લીધી છે.

અમારા ક્લાસમાં 350થી વધુ યુવક-યુવતી એવા છે જે અમારા ગ્રુપના નામે ગરબા રમવા એક સરખા ડ્રેસ સાથે સ્પર્ધામાં જાય. એવા યુવાન એક સરખી ઓછામાં ઓછી ત્રણ કફની દર વર્ષે સીવડાવે એ કામ દરજીને મળે, કાપડ વેચનારને મળે. એવું જ યુવતીઓનું પણ છે. આ વખતે તો એ વિશે કઈ બોલવા જેવું જ નથી.

ગરબા ક્લાસ અને નવરાત્રિ દરમિયાન જેટલી આવક થતી એ રકમ ભાવિનભાઈ સુરતના મૂક-બધિર ટ્રસ્ટને દાનમાં આપતા. જેમનાં ઘર અટકી પડ્યાં છે એમની સામે પ્રશ્ન વિકટ છે તો આવા ટ્રસ્ટને મળતા દાન પણ પર કાપ આવ્યો છે.

(ફયસલ બકીલી-સુરત)

 

નવરાત્રિમાં ટોળાં ન થાય એ માટે સોસાયટીની પહેલ

અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ વધતું અટકાવવા રાસ ગરબાની સાથે મોટી સંખ્યામાં લોકો ટોળે વળતા હોય એવાં મેળાવડા પર સરકાર દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા છે ત્યારે હવે નવરાત્રિ કે દીવાળી જેવા તહેવારો પણ જાહેરમાં નહીં ઉજવી શકાય એ સ્પષ્ટ થઇ ગયું છે.

આ સંજાગોમાં લોકો નિયંત્રણો વચ્ચે પણ ટોળાંમાં ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ માટે શહેરના કેટલીક સોસાયટીના આગેવાનોએ અત્યારથી જ અગમચેતીના પગલાં ભરવાની શરુઆત કરી દીધી છે. કેટલાક જાગૃત નાગરિકો સરકારના આદેશની સાથે જ સંક્રમણ અટકાવવા સજ્જ થઇ ગયા છે. શહેરના ચાંદલોડીયા – ગોતા વિસ્તારની વિશ્વાસ સિટી-૩ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજાણી નહીં કરવાના નિર્ણયના બેનર્સ લગાડેલા જોવા મળે છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલી વિશ્વાસ સિટી 3 નામની આ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ અંગેના બેનર્સ લગાડવામાં આવ્યા છે. બેનર્સ માં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ‘કોરોનાની મહામારી ને લીધે નવરાત્રિની ઉજવણી બંધ છે. સોસાયટીમાં ફક્ત માતાજીની માંડવી મૂકી અને મહારાજના હસ્તે આરતી ઉતારવામાં આવશે. રહીશો એ પોતાના ઘરેથી દર્શન કરવા.’

સોસાયટીના ચેરમેન ચિત્રલેખા.કોમ ને કહે છે, સરકાર આદેશ આપે એ પહેલાં જ સોસાયટીના રહીશો અને હોદ્દેદારો દ્વારા કોરોના કાળમાં નવરાત્રિ કેવી રીતે ઉજવવી એ નક્કી કરી દેવામાં આવ્યું હતું.

અન્ય એક સોસાયટી દેવમ રેસિડન્સીના અગ્રણી મનોજ વાલિયા કહે છે, દેશ અને દુનિયામાં વધતા જતાં કોરોનાના સંક્રમણ ને જ્યાં જ્યાં મોટા પાયે નવરાત્રિ મહોત્સવ થતાં હોય ત્યાં સ્વયંભૂ શક્તિની પૂજા કરી છૂટા પડવું જોઇએ. રાસ ગરબાની રમઝટ બંધ રાખવી જોઇએ.

ચેરમેન ચિરાગ રાવલ કહે છે, અમારી સોસાયટીમાં પણ એક નવરાત્રિ અંગેનો પત્ર તૈયાર કરાવી દીધો છે. જેમાં સરકારની ગાઇડ લાઇન પ્રમાણે જ ચાલવાનો ઉલ્લેખ કરાયો છે. આ કપરા સમયમાં મેળાવડા કરવા યોગ્ય નથી.

(પ્રતીકાત્મક તસવીર)

મહામારી દરમિયાન ગામ-શહેરના શેરી, મહોલ્લા, સોસાયટીના અગ્રણીઓ સરકારની કેટલીક અવઢવમાં મૂકી દે એવી અધકચરી જાહેરાતો-નિયમો-નિર્ણયોથી વધારે મુંઝવણમાં મૂકાઇ જાય છે. એમાં ક્યાંક રાજકીય લાભો પણ જોવાતા હોય છે. ઉત્સવ મહોત્સવ ઘેલી પ્રજા મતદાન વખતે નારાજ ના થાય એ માટે કડક કાયદામાં ઢીલાશ પણ આવી જાય છે.

એની સામે શહેરની સોસાયટીના આવા કેટલાક અગ્રણીઓ મહામારી કે આફતોમાં સાવધાની અને સલામતીભર્યા પગલાં પહેલેથી જ લઇ લેતા હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોરોનાના 55,342 નવા કેસો, 706નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 71 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,342 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 706 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 71,75,880 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,09,856 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 62,27,295 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 77,760 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,38,853 પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થયો છે.

જોન્સન એન્ડ જોન્સને પણ વેક્સિનનું પરીક્ષણ અટકાવ્યું

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધતા જઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં દર્દીઓની સંખ્યા 71 લાખને પાર પહોંચી છે. કોરોના વેક્સિન વિકસિત કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સને હાલમાં કોરોનાની વેક્સિનનું પરીક્ષણ અટકાવું દીધું છે. આ પરીક્ષણમાં ભાગ લઈ રહેલો શખસ કોઈક રીતે બીમાર થયા પછી પરીક્ષણને અટકાવવામાં આવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

નવરાત્રિઃ સૂના છે મંડપો ને સૂના બજાર

અમદાવાદઃ શહેરના પૂર્વ , પશ્ચિમ અને મધ્ય માં ઉત્સવો અને તહેવાર માં સિઝનેબલ ચીજવસ્તુઓ નો વેપાર ધંધો કરતાં હજારો પરિવારો છે, જે હાલની કોરોનાની મહામારીના કારણે ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2020 ના મોટાભાગના ઉત્સવો, તહેવારની લોકો ઉજવણી કરી શક્યા નથી. હવે નવરાત્રિ અને દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્સવને સુશોભિત અને સુગંધિત કરતી ચીજવસ્તુઓની ખરીદીમાં પણ બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે.


નવરાત્રિ મહોત્સવમાં ઉપયોગી સામગ્રી પહેલાં કેટલાક પરિવાર ટોપલાં, લારી અને દુકાનો માં વેચતા હતા. હવે જૂદા જૂદા વિસ્તારોમાં વિશાળ જગ્યાઓમાં મંડપમાં તહેવાર ને અનુરૂપ સુશોભન, શણગાર અને પૂજાની સામગ્રીનું વેચાણ થાય છે.
પરંતુ અત્યારે હાલત એવી છે વિશાળ જગ્યાઓમાં મંડપ ભાડે રાખીને બેઠલા વેપારીઓને આ સિઝનમાં પણ કોરોનાના કારણે કમાણી થતી નથી.

વર્ષોથી સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરતાં ચિરાગ પટણી ચિત્રલેખા. કોમ ને કહે છે આ વર્ષે નવરાત્રિ મહોત્સવને લગતી તમામ ચીજવસ્તુઓનો માલ ભર્યો છે. જૂદા જૂદા હાર, ચૂંદડીઓ, પૂજાની સામગ્રી તેમજ મંડપ સુશોભનની વસ્તુઓ પણ મોટા પ્રમાણમાં છે. વેરાઇટી અને ક્વોલિટીવાળી ઉત્સવની ચીજ વસ્તુઓ છે, પણ વેચાણ હાલ પચાસ ટકા કરતાં પણ ઓછું છે.

એમાંય સરકારી ગાઇડલાઇન મુજબ મોટા આયોજનો થઇ શકશે નહીં એવી જાહેરાતને કારણે છેલ્લી ઘડીએ પણ માલ વેચાવવાની સંભાવના ઓછી છે. બજારમાં ફરતાં એવું લાગે છે કે મોટા મોટા મંડપ ગ્રાહકો વગર સાવ ખાલીખમ જોવા મળે છે. સૂના સૂના ભાસે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

જોન્સન એન્ડ જોન્સને પણ વેક્સિનનું પરીક્ષણ અટકાવ્યું

વોશિંગ્ટનઃ ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધતા જઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં દર્દીઓની સંખ્યા 71 લાખને પાર પહોંચી છે. કોરોના વેક્સિન વિકસિત કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સને હાલમાં કોરોનાની વેક્સિનનું પરીક્ષણ અટકાવી દીધું છે. આ  પરીક્ષણમાં ભાગ લઈ રહેલો શખસ કોઈક રીતે બીમાર થયા પછી પરીક્ષણને અટકાવવામાં આવ્યું છે.

કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બધી કોવિડ-19 વેક્સિનનું ક્લિનિકલ પરીક્ષણ  હંગામી રીતે અટકાવી દેવામાં આવ્યું છે. કંપનીએ એનું કારણ પરીક્ષણ દરમ્યાન ભાગ લઈ રહેલી વ્યક્તિ બીમાર પડી હોવાનું જણાવ્યું હતું.

કંપનીએ હાલમાં આ વેક્સિનના છેલ્લા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું હતું. કંપનીએ ત્યારે કહ્યું હતું કે આના હેઠળ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચિલી, કોલમ્બિયા અને મેક્સિકો અને પેરુમાં 60,000 લોકો પર વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવશે. કંપનીએ વેક્સિનનું પરીક્ષણ અટકાવ્યું એ ન્યૂઝ એક મોટો ઝટકો છે. આ પહેલાં એસ્ટ્રાઝેનકાની વેક્સિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોરોનાની વેક્સિન બનાવવાની રેસમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનકાની વેક્સિન સૌથી આગળ ચાલી રહી હતી, પણ પાછલા દિવસોમાં કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ છઠ્ઠી સપ્ટેમ્બરે ત્રીજા તબક્કામાં પરીક્ષણ અટકાવવામાં આવ્યું હતું. જોકે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનકાની વેક્સિનનું બ્રિટન અને ભારતમાં ફરીથી પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. અમેરિકા અથવા અન્ય દેશો પાસેથી કંપનીને હજી ફરીથી પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી નથી મળી.

 

 

 

 

 

ગુજરાતી સુગમસંગીતનાં સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદીબેન મુનશીનું નિધન

મુંબઈઃ ગુજરાતી ભાષાના ગીત – સંગીતનાં શિરમોર ગાયિકા, ગુજરાતનાં ‘કોકીલ કંઠી’ તરીકે પ્રખ્યાત કૌમુદીબેન મુનશીનું મુંબઈમાં નિધન થયું છે. એ 93 વર્ષનાં હતાં. ગઈ કાલે મધરાત બાદ લગભગ બે વાગ્યે એમણે આખરી શ્વાસ લીધો હતો.

કૌમુદીબેને એમનાં સ્વર વડે ગુજરાતી સુગમ-ભક્તિ સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું. એમણે ઠુમરી, ગઝલ વગેરે માટે જાણીતાં ભારતીય શાસ્ત્રીય ગાયિકા સિદ્ધેશ્વરી દેવી પાસેથી તાલીમ મેળવી હતી. ઠુમરી ગાવામાં નિપુણતા પ્રાપ્ત કરનાર કૌમુદીબેન બહુ જૂજ ગુજરાતી ગાયકોમાંના એક હતાં.

કૌમુદીબહેન મુનશી જાણીતાં સંગીતકાર, ગીતકાર સ્વ. નીનૂ મઝુમદારના પત્ની હતાં અને ગાયક ઉદય મઝુમદારના માતા હતાં.

1929ની 3 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મેલાં કૌમુદીબેને ગુજરાતી ભાષામાં ગાયેલાં ભજન અને ગરબા એટલાં જ લોકપ્રિય થયાં છે.

એમણે પોતાની કારકિર્દી હિન્દી અને રાજસ્થાની ગીતો ગાઈને કરી હતી. 21 વર્ષની વયે મુંબઈમાં સ્થાયી થયાં બાદ એમણે ઓલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.

મૂળ ગુજરાતના વડનગરનાં હતાં, પણ એમનાં જન્મના અનેક દાયકાઓ પૂર્વે એમનાં પૂર્વજ બનારસમાં સ્થાયી થયા હતા. તેથી કૌમુદીબેન હિન્દીભાષામાં નિપુણ બન્યાં હતાં.

એમનાં માતા અનુબેન જાણીતા ગુજરાતી સાહિત્યકાર રમણલાલ દેસાઈનાં બહેન હતાં.

પારિવારિક મિત્ર નીનુ મઝુમદાર સાથે 1954માં કૌમુદી મુનશીનાં લગ્ન થયાં હતાં.

કૌમુદીબેને ગાયેલાં અમુક ખૂબ જાણીતા ગીતો, ભજન, ગરબા છેઃ

કિને કાંકરી મોહે મારી રે, ચોર્યાસી રંગનો સાથિયો, ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ, હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું, તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ.

દંતકથાસમાન શાસ્ત્રીય ગાયિકા કૌમુદીબેનનાં નિધનના સમાચાર જાણ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટ કરીને એમને શબ્દાંજલિ અર્પણ કરી છે.

કૌમુદીબહેનને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વીટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એમણે દુ:ખ સાથે શોકની લાગણી વ્યકત કરી છે.

શ્રદ્ધાંજલિ આપતા રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતી સુગમ સંગીતના શિરમૌર ગાયિકા કૌમુદીબહેને પોતાનાં મધૂર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલિન બની રહેશે.

રૂપાણીએ સ્વ. કૌમુદીબહેનના આત્માને પરમશાંતિની પ્રાર્થના સાથે સદ્દગતના પરિવારજનોને આ દુ:ખ સહન કરવા ઇશ્વર શકિત આપે તેવી પ્રાર્થના પણ કરી છે.

અંબા રમવા આવશે પણ લક્ષ્મીના પગલાં નહીં પડે…

છે આનંદ અને ઉત્સાહનું પર્વ, પણ દિલોદિમાગમાં હજુ કોરોનાનો ડર છવાયેલો છે. દિલ ઢોલીડાના ઢોલના તાલે નાચવા થનગને છે, પણ દિમાગ એ ટોળામાં ભળવાની ના પાડે છે. પહેલીવાર જ્યારે ગુજરાતીઓના આ સૌથી વધુ પ્રિય તહેવારની ઉજવણી સામે રોક લાગી છે ત્યારે એવું નથી કે ફક્ત ખેલૈયાઓના દિલ જ ઘવાયા છે. આર્થિક ઘસરકો તો આ તહેવાર સાથે સંકળાયેલા કલાકારો અને વેપારીઓથી માંડીને સૌને લાગ્યો છે.

નવરાત્રિના એ આર્થિક પાસાં પર એક નજર નાખીએ…

——————————————————–

એક…..બે…..ત્રણ……આંખને ચકાચૌંધ કરી નાંખે એવી લાઈટસ, બાજુમાં ઊભેલી વ્યક્તિ પણ શું બોલે એ સંભળાય નહીં એવો બુલંદ ધ્વનિ, છેલ્લા બે ત્રણ મહિનામાં જેનો ટ્રેન્ડ હોય એવા લયથી ધબકતાં ગીતો-પરંપરાગત ગરબા કે જૂની, પણ ધમાલ મચી જાય એવી રચના… ગણતરી થાય એક… બે… અને દસ ગણાય કે ડ્રમ પર સ્ટીક, ઢોલક પર દાંડી અને કી બોર્ડ પર આંગળી પડે અને આખા ગુજરાતમાં શરૂ થાય વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્યોત્સવ-નવરાત્રિ. અર્વાચીન ગરબા-રાસનું ગુજરાતને છેલ્લા ત્રણ દાયકાથી ઘેલું લાગ્યું છે. નોરતાં આમ પર્વ શક્તિ ઉપાસનાનું. પરંતુ એક બહુ મોટો વર્ગ આ નવ દિવસ-નવરાત ગરબે ઘૂમે. યુવાનો આખું વર્ષ આ નૃત્યપર્વની રાહ જોતા હોય. સાથે સાથે વ્યાવસાયિક રીતે આ ઉત્સવ સાથે સંકળાયેલા હોય એ સૌને પણ આ ઉત્સવની પ્રતીક્ષા રહે.

કોરોનાના અસુરે આખી દુનિયાને ફરતી અટકાવી દીધી છે અને એટલે આ વર્ષે ગરબાના ચક્કર પણ મોટા ભાગે બંધ રહેશે. ગુજરાતમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં રાસ-ગરબાના ઘણા ખરા આયોજન આ વર્ષે બંધ છે. ચિત્રલેખા એ જ્યારે આ અંગે થોડા ઊંડા ઉતરીને વિગતો મેળવી ત્યારે ખબર પડી કે આ વર્ષે ખેલૈયાઓ જ નહીં ફરે એવું નથી, હજારો લોકોના હાથમાં કરોડો રૂપિયા પણ આ વર્ષે નહીં ફરે.

રાજકોટથી શરૂઆત કરીએ તો અહીં આધુનિક ગરબા-રાસના સૌથી મોટા આયોજક એવા સહિયર અને સરગમ ક્લબ દ્વારા તો સરકાર નિર્ણય કરે એ પહેલાં જ જાહેર થઈ હતું કે એ લોકો રાસોત્સવ નહીં યોજે. એક-બે આયોજકે ટોકન ફી લેવાનું શરુ કરી દીધું હતું. પરંતુ મોટાભાગના સમજુ આયોજક તો આ વખતે માનતા હતા કે રાસ ગરબા શક્ય નથી.

જૂન-જૂલાઈથી રાસની તાલીમના વર્ગ અને ઓગસ્ટથી પરંપરાગત ગરબીની પ્રેક્ટિસ શરુ થઇ જાય એ પણ નથી થયાં એટલે એવું લાગતું હતું કે આ વખતે તો કલાકારથી લઈને અનેક લોકોને ખોટ જશે. જ્યારે નવરાત્રિને મંજૂરી આપવી કે નહીં એવી ગડમથલ ચાલતી હતી ત્યારે નાટ્ય નિર્માતા અભિલાષ ઘોડાએ કલાકારોની લાગણીને વાચા આપીને નિયમ પાલન સાથે આયોજનને મંજુરી આપવા માંગણી કરી હતી. એમની દલીલ સ્પષ્ટ હતી કે નાના કલાકારોની રોજી પર અત્યંત માઠી અસર પડી છે. નવરાત્રિ પણ નહીં થાય તો એમની સ્થિતિ વધારે બગડશે.

કલાકાર, આયોજકોની વાત તો પછી આવે. આર્થિક નુકસાનમાં સૌથી પહેલાં તો આવશે કેટલાંક સરકારી તંત્ર. માત્ર રાજકોટની વાત કરીએ તો અહીં રાસના ત્રીસ આયોજન દર વર્ષે થાય છે એમાંથી દસ મેદાન રાજકોટ મહાપાલિકાના છે. પ્રત્યેકનું દસ દિવસનું ભાડું 10 લાખ છે. કોર્પોરેશન આ વર્ષે એક કરોડ ગુમાવશે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની પ્રત્યેક આયોજન દીઠ વીજકનેક્શન-બીલ પેટે 4.50 લાખ રૂપિયા મેળવે છે. ત્રીસ સાઈટના થાય દોઢ કરોડ. આ વર્ષે એ આવક નહીં થાય.

આ તો હજી શરૂઆત છે. લઈ લો કેલ્ક્યુલેટર. હજી તો ઘણાં આંકડા માંડવાના છે. જૂન મહિનાથી રાજકોટમાં દાંડિયારાસની તાલીમના ક્લાસ શરુ થાય. એક મહિનાની ફી 500 થી 700 રૂપિયા. દરેક આયોજનમાં દર વર્ષે ઓછામાં ઓછા 5000 ખેલૈયા રમતા હોય એમાંથી 3000 તો ગરબી શીખવા જાય. સરવાળો થાય આશરે 90000 ખેલૈયા. મતલબ સાવ-દોઢ કરોડ રુપિયા તો આ તાલીમના થાય. દરેક રાસના સ્થળે મળીને કુલ 300 સિક્યોરિટી ગાર્ડ્ઝ કામ કરતા હોય એમને આ વખતે પૈસા નહીં મળે. રાસના જુદા જુદા સ્થળે મળીને એલઈડી અને બીજી લાઈટના પાંચેક કરોડ થતા હશે.

હવે સ્ટેજની વાત. રાસના સ્ટેજ પર સરેરાશ પંદર રિધમિસ્ટ હોય, કારણ કે સંગીતનો આખો મદાર એમના પર હોય. ડ્રમ-ઢોલક,તબલાં પર એ લોકો ધમાલ બોલાવતા હોય. સામાન્ય રિધમિસ્ટનો ચાર્જ 12000 ગણીએ અને આ ચાર્જ એક  લાખ સુધી પણ
પહોંચે. ઉપરાંત ગિટાર, સેક્સોફોન, ફ્લ્યુટ વગેરે વગાડનારા તો અલગ. આ વર્ષે એ બધા નવરાત્રિમાં નવરા રહેશે.

સાવ સામાન્ય ગાયક-ગાયિકા આ દસ દિવસના 50 હજારથી 60 હજાર રૂપિયા લે. ફિલ્મમાં પણ ગાઈ ચૂક્યા છે એવા એક બહુ જાણીતા ગઢવી ગાયકનો ચાર્જ 2015માં રુ. 35 લાખ હતો અને 2019માં આયોજકે એમને દસ દિવસના દોઢ કરોડ ચૂકવ્યા હતા! બીજા ગાયકો અને દરેક જગ્યાએ એક એક એન્કર આ બધાનો ખર્ચ પણ આમાં ઉમેરો.

ગુજરાતના 33 જિલ્લા છે, રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરાને બાદ કરીએ તો બાકીના જિલ્લામાં પંદર-સત્તર મોટા આયોજન થાય છે. સરેરાશ કુલ 300 આયોજન થાય. અહીં જેટલો ખર્ચ ગણ્યો એ તમામ ખર્ચ આ આયોજનમાં ઓછો-વત્તો થાય.

– અને હજી દસ દિવસના લગભગ 6 કરોડ રુપિયાનું સાઉન્ડ સિસ્ટમનું બિલ, મંડપનું 3 કરોડનું બિલ તો બાકી છે. રાજકોટમાં તો પ્રિ અને પોસ્ટ નવરાત્રિનો ટ્રેન્ડ છે. વેલકમ અને બાયબાય નવરાત્રિ તરીકે જાણીતા આવાં એક એક રાતના ગરબા વીસેક ઠેકાણે યોજાતાં હોય છે. આ એક દિવસ કે દસ દિવસ માટે પાર્ટી પ્લોટનું ભાડું, કેટરીંગ સર્વિસ આ બધો આંક લાખોમાં જાય અને કમનસીબે આ વર્ષે એ બધું બંધ છે.

આ પર્વમાં બ્યૂટીપાર્લરનો બિઝનેસ પણ ખાસ્સો વધી જાય. ડ્રેસ સાથે હવે સ્કિન અને બ્યુટી ટ્રીટમેન્ટ પણ અનિવાર્ય બની ગઈ છે. ફેશિયલ, સ્કીન પોલિશિંગ, ફેસ હાઈલાઇટીંગ માટે અલગ અલગ પેકેજ. પાર્લરની વાર્ષિક આવકના 25 ટકા આવક તો આ ગાળામાં જ ઘણા પાર્લરધારકો મેળવી લેતા હોય છે.

15 વર્ષથી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા રાજકોટનાં તૃપ્તિ જાની ચિત્રલેખા ને કહે છે નવરાત્રિ દરમિયાન ખેલૈયા ઉપરાંત ગાયક-ગાયિકા, એન્કર અને ખુદ ઓર્ગેનાઇઝર પણ સલૂન કે પાર્લરમાં આવે. લેટેસ્ટ ટ્રેન્ડ અનુસાર એમની માંગણી હોય અને એ સામે હોય અમારા પેકેજ. નવ દિવસનું બાળકો માટેનું પેકેજ 5000 થી 15000 રૂપિયા. યુવાનો માટે એ 25000 સુધી પહોંચે.છોકરાઓ પણ નવરાત્રિમાં મેનીકયોર, હેરસાઈન અને મસાજ સહિતની ટ્રીટમેન્ટ કરાવે છે. નવરાત્રિ એવો તહેવાર છે જેની પહેલાં ઘણા નવા બ્યુટી પાર્લરનો આરંભ કરે. જન્માષ્ટમી પછી લોકો નવરાત્રિ માટેના બુકિંગ કરાવવા લાગે, પરંતુ આ વર્ષે પેકેજ બુકિંગની વાત તો દૂર રહી, ભાગ્યે જ કોઈ પાર્લરને પૂછપરછ માટે ફોન આવ્યો છે!

ઇમિટેશન જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા જીજ્ઞેશ પટેલ ચિત્રલેખાને કહે છે નવરાત્રિ અને લગ્નગાળો આ બિઝનેસ માટે અગત્યના ગણાય છે. અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈની જેમ આફ્રિકા, દુબઈ, ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાનમાં પણ રાજકોટથી ઈમિટેશન જવેલરી જાય. નવરાત્રિમાં ખાસ નવી ડિઝાઈન બને. આ વર્ષે બધું ઠપ છે.

ઇમિટેશનના અન્ય વેપારી અર્પણ વાછાણી કહે છે નવરાત્રિમાં કાનમાં પહેરવાની બુટી, ઝૂમર, બાલી, કંદોરો, બાજુબંધ, ફેન્સીમાળાની માંગ વધુ રહે. નવરાત્રિના તહેવાર પહેલાના પંદર દિવસ અમારી પાસે બપોરે જમવા માટેનો પણ સમય હોતો નથી. પરંતુ કોરોના વાઈરસની કઠણાઈ અમને નડી ગઈ.

નવરાત્રિ માટે ડ્રેસ ભાડે આપતા રાકેશ કડિયા કહે છે કે રાજકોટમાં ઘેરદાર ચણિયા-ચોળીની માંગ વધારે હોય છે. એક ડ્રેસ અમને 4500 રૂપિયામાં પડે. મારી પાસે એવા 600 જોડી ડ્રેસ છે. છ મહિનાથી બધો સ્ટોક એમને એમ પડ્યો છે. એવી આશા હતી કે નોરતાંમાં ખોટ સરભર થશે. હવે એ પણ શક્ય નથી એટલે મહિને 19000 રૂપિયાના ભાડાની દુકાન માલિકને પછી આપી નાની દુકાન ભાડે લઈ રહ્યો છું.

રાજકોટમાં ઝીલ એન્ટરટેન્મેન્ટ ઈવેન્ટ કંપની ચલાવતા તેજસ શિશાંગિયાએ અત્યાર સુધી સિત્તેર નવરાત્રિ ઉપરાંત 1000થી વધુ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ ચિત્રલેખા ને કહે છે, આટલાં વર્ષોમાં કલાકારો માટે આ નવરાત્રી સૌથી ખરાબ જશે. અનેક લોકોએ વ્યવસાય બદલી નાંખ્યા. લૉકડાઉન દરમિયાન જેમણે ઉછીના પૈસા લેવા પડ્યા હતા એનવરાત્રી વખતે ચૂકવાઈ જવાની આશા હતી, પરંતુ હવે એ શક્ય નથી. કલાકાર કે લાઈટ-સાઉન્ડની જ વાત નથી, ફ્લેક્સ બેનર, પાસ કે બ્રોશર પ્રિન્ટ કરનારા લોકો પણ આ વર્ષે કંઇ કમાવાના નથી. હા, પ્રાચીન ગરબીમાં કદાચ થોડી આવક થઈ શકે.

પ્રાચીન ગરબી- શેરી કે ચોકમાં જે પરંપરાગત ગરબી થાય જેમાં મોટાભાગે બાળા-કન્યા રમે. છોકરાઓના રાસ હોય તો પણ અલગ હોય. રાજકોટમાં તો એવી ગરબી પણ સિત્તેર-એંસી વર્ષ જૂની છે. જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ આ પરંપરા હજી છે. આવા શેરી ગરબા જોવા માટે એક એક સ્થળે પાંચ-છ હજાર લોકો એકઠાં થાય છે. કદાચ ગરબીની મંજુરી મળે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગને લીધે કોણ જોવા જશે અને કોણ પોતાની દીકરીને એમાં રાખશે એ પ્રશ્ન તો છે જ.

જન્માષ્ટમી અને ગણેશોત્સવ પછી હવે નવરાત્રિનું પણ આયોજન નથી. કોરોના માણસના ફેફસાં, આંખ, હ્રદય પર અસર કરે છે એ તો તબીબી વિજ્ઞાનનો વિષય છે. દેશના અર્થતંત્ર,શેરબજાર કે જીડીપી પર એની અસર પણ નિષ્ણાતોની ચર્ચામાં આવી જાય, પરંતુ અહીં તો સ્પષ્ટ છે કે આ ઉત્સવના અર્થતંત્રને કોરોનાએ સંપૂર્ણ સંક્રમિત કરી નાંખ્યું છે.

(જ્વલંત છાયા, જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)

(નવરાત્રિની પ્રતીકાત્મક તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

રાશિ ભવિષ્ય 13/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

૧૩ ઓક્ટોબર ૨૦૨૦

૧૩ ઓક્ટોબર ૨૦૨૦

શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું

શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું

 

શિયાળો ઠંડી ઋતુ છે. આરોગ્યપ્રદ ઋતુ પણ છે. આ ઋતુમાં ગોબરની ગુણવત્તા પણ સારી જોવા મળે છે. કદાચ ઠંડક છે એટલે થાપ્યા પછી એ સૂકાય છે, પણ ઝાઝું કોહવાતું નથી. આ છાણું નક્કર હોય છે. એન્જિનિયરીંગની ભાષામાં કહીએ તો એની કેલોરીફીકવેલ્યુ પણ સારી હોય છે. મારી માં આખા વરસ માટે શિયાળામાં થાપેલાં છાણાં ભરી લેતી ચૂલો સળગાવવા માટે. એવું પણ મનાય છે કે, શિયાળામાં ઘડેલી માટલીમાં પાણી સારૂં ઠરે છે.

બરાબર આ જ રીતે, જુવાનીમાં આપણી શક્તિ ખૂબ હોય છે. ખૂબ કામ કરીએ તો પણ થાક નથી લાગતો. થોડું વધારે કામ ખેંચવું હોય તો આરામથી ખેંચી શકાય છે. આ સમય છે કમાણી કરવાનો, પણ સાથોસાથ આગળ જતાં તાકાત ઘટશે, સામાજિક પ્રસંગો ઉકેલવા કે સાજે-માંદે નાણાંની જરૂર પડશે એ સમજીને જુવાનીમાં મહત્તમ બચત કરવાની વૃત્તિ રાખીએ, ઊડાઉ ન બનીએ તો આગળ જતાં મોટી ઉંમરે એ નાણું પણ શિયાળાના છાણાની માફક ખૂબ મોટી હૂંફ આપે છે. એટલે આ કહેવત આપણને જુવાનીથી બચત કરવાની ટેવ પાડવાની શીખ આપે છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)