Home Blog Page 4620

આવતી કાલે સૂર્ય, પૃથ્વી અને મંગળ સીધી લાઇનમાં

ખગોળ વિજ્ઞાન માટે 13 ઓક્ટોબર એટલે કે આવતી કાલની રાત ખૂબ જ વિશેષ રહેશે. આવતી કાલે રાત્રે લાલ ગ્રહ મંગળ પૂર્વ દિશામાં સરળતાથી જોવા મળશે. આ દિવસે મંગળ એટ ઓપોઝિશનની ઘટના પણ બની રહી છે. તેનો અર્થ એવો છે કે મંગળવારે સૂર્ય, પૃથ્વી અને મંગળ આ ત્રણેય ગ્રહ એકસાથે સીધી એક લાઇનમાં આવી જશે.

ભોપાલનાં વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારુએ જણાવ્યું હતું કે હાલના દિવસોમાં સૂર્યાસ્ત પછી પૂર્વ દિશામાં લાલ ગ્રહ મંગળ સરળતાથી જોવા મળી રહ્યો છે. મંગળવારે મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું રહેશે. એ દિવસે મંગળ ગ્રહ 6.20 કરોડ  કિમીના અંતરે સ્થિત રહેશે. જેને કારણે મંગળવારની રાત્રે મંગળ ગ્રહ વધુ મોટો અને લાલ જોવા મળશે. 2020 પછી 11 સપ્ટેમ્બર, 2035એ મંગળ ગ્રહ વધારે નજીક આવી જશે. એ સમયે મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘટીને 5.69 કરોડ કિમી રહી જશે. એ સમયે પણ મંગળ વધુ મોટો અને લાલ જોવા મળશે.દર 26 મહિનામાં મંગળ-પૃથ્વી એકબીજાની નજીક
મંગળ અને પૃથ્વી બંનેની વચ્ચેનું અંતર દર 26 મહિનામાં સામાન્ય અંતરથી ખૂબ જ ઓછું થઈ જાય છે. એવું એટલા માટે થાય છે કે આ બંને ગ્રહ અંડાકાર માર્ગ પર સૂર્યની પરિક્રમા કરે છે. આ બંને ગ્રહ પોતાની કક્ષામાં થોડી ડિગ્રી નમેલા હોય છે. જેના કારણે બંને ગ્રહોની વચ્ચેનું અંતર વધઘટ થતું રહે છે.

20 વર્ષ પછી ગુરુ અને શનિ પણ એકમેકની પાસે
આ સમયે ગુરુ અને શનિની વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. આ બંને ગ્રહ આકાશમાં આપણા માથા ઉપર જોવા મળી રહ્યા છે. ટેલિસ્કોપ અને કોઇ ખગોળ નિષ્ણાતની મદદથી આ બંને ગ્રહોને સરળતાથી જોઈ શકાય છે. હાલ ચંદ્ર ઉદય ખૂબ જ મોડો થાય છે એટલે મંગળ, ગુરુ અને શનિને ઓળખવા વધારે મુશ્કેલ નથી.

મંગળ ગ્રહની જાણી-અજાણી વાતો

મંગળ એ પૃથ્વી જેવી જ સપાટી ધરાવતો ગ્રહ છે, તેના પર જ્વાળામુખીથી માંડીને ખીણો, રણ અને ધ્રુવીય બર્ફીલા શિખરો આવેલાં છે, પરંતુ મનુષ્યનું આ ગ્રહ ઉપર રહેવું અશક્ય છે.

પૃથ્વી 365 દિવસ અને છ કલાકમાં સૂર્યની ફરતે એક પરિક્રમા પૂરી કરે છે, જ્યારે મંગળને સૂર્યની એક પરિક્રમા પૂરી કરવા માટે 687 દિવસ લાગે છે. આ પૃથ્વી કરતાં લગભગ બમણો સમય છે. તેથી મંગળ પર એક વર્ષ 687 દિવસનું હોય છે.

મંગળ પર ધ્રુજાવી દેતી ઠંડી અને ધૂળવાળા વાવાઝોડા પૃથ્વી કરતાં ઘણાં વધારે છે. ઉનાળામાં અહીંનું તાપમાન 30 ડિગ્રીની આસપાસ હોય છે, પરંતુ શિયાળામાં એ માઈનસ 140 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જાય છે. આવી ઠંડીમાં તો માણસ જામીને બરફ થઈ જાય.

 મંગળ અને પૃથ્વી પર એક સામ્યતા

મંગળ અને પૃથ્વી પર એક સામ્યતા છે. પૃથ્વીની જેમ મંગળ ઉપર પણ વર્ષમાં ચાર ઋતુઓ હોય છે – પાનખર, ઉનાળો, શરદ અને શિયાળો. જોકે મંગળ ઉપરની દરેક ઋતુઓ પૃથ્વીની સરખામણીમાં લગભગ બમણી હોય છે.

પૃથ્વી અને મંગળ પરના ગુરુત્વાકર્ષણનું બળ અલગ-અલગ છે. જેના કારણે કોઈ વ્યક્તિનું પૃથ્વી ઉપર 100 કિલોગ્રામ વજન છે, તો મંગળ ઉપર જવાથી તેનું વજન 38 કિલોગ્રામ થઈ જશે.

પૃથ્વીને એક જ ચંદ્ર છે ત્યાં મંગળ ઉપર ફોબોસ અને ડેમિયોસ નામના બે ચંદ્ર છે. ફોબોસનો વ્યાસ 13.8 માઇલ છે, જ્યારે ડેમિયોસનો વ્યાસ 7.8 માઇલ છે.

પૃથ્વી અને મંગળ લગભગ દર બે વર્ષે એકબીજાની સૌથી નજીક આવે છે. આ સમય દરમિયાન મંગળ પૃથ્વી પરથી નરી આંખે પણ જોઇ શકાય છે.

ફેબ્રુઆરી, 2021એ મંગળ ઉપર નાસાનું રોવર ઊતરશે
દર અઢી વર્ષે મંગળ અને પૃથ્વીની વચ્ચેનું અંતર ઘટી જાય છે, એવામાં આ સમયે મંગળ મિશન માટે સૌથી સારું રહે છે. ફેબ્રુઆરી 2021માં નાસાનું પર્સેવેરેન્સ રોવર મંગળ ઉપર ઉતરશે. આ સિવાય ચીન અને યુએઈના અંતરિક્ષ યાન પણ મંગળની યાત્રા કરી રહ્યાં છે.

 

 

શાળાઓ બંધ રહેવાથી ભારતને $400 અબજની ખોટ

વોશિંગ્ટન/નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેવાથી ભારતને કદાચ ભાવિ કમાણીની દ્રષ્ટિએ 400 અબજ ડોલરની ખોટ જાય એવો સંભવ છે. તે ઉપરાંત આ દેશોના બાળકોને શિક્ષણ-ગ્રહણમાં પણ મોટું નુકસાન જશે. આવો ઉલ્લેખ વિશ્વ બેન્કે તેના એક રિપોર્ટમાં કર્યો છે.

વર્લ્ડ બેન્કના અહેવાલમાં જણાવાયું છે કે હાલના સંજોગોમાં શાળાઓ બંધ રહેવાથી દક્ષિણ એશિયા વિસ્તારના દેશોને 622 અબજ ડોલરની ખોટ જવાનો સંભવ છે. આ આંકડો 880 અબજ ડોલર સુધી વધવાની પણ સંભાવના છે. આ પ્રાદેશિક ખોટ મુખ્યત્વે ભારતને કારણે છે. બીજા દેશોને પણ એમના જીડીપીનો નોંધનીય હિસ્સો ગુમાવવો પડશે.

અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે દક્ષિણ એશિયાના દેશો 2020માં અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક મંદીમાં પટકાશે, કારણ કે કોરોના વાઈરસની વિનાશકારી અસર આ વિસ્તારની અર્થવ્યવસ્થા પર પડશે.

અહેવાલમાં જણાવાયું છે કે શાળાઓ કામચલાઉ ધોરણે બંધ રખાવાથી તમામ દક્ષિણ એશિયાઈ દેશોમાં વિદ્યાર્થીઓ ઉપર ઘણી માઠી અસર ઊભી થશે. આ દેશોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના 39 કરોડ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ શાળાએ જઈ નથી શકતા. આગળ જતાં એમને માટે ભણતરની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

કોરોના મહાબીમારીને કારણે આશરે 55 લાખ વિદ્યાર્થીઓ ભણવાનું જ છોડી દે એવું બની શકે છે. આને કારણે આ દેશોના બાળકોને શિક્ષણ-ગ્રહણમાં પણ મોટી હાનિ થશે.

અભિનેત્રી ખુશ્બૂને હવે ભાજપ સુંદર લાગે છે…

ચેન્નઇઃ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી ખુશ્બૂ સુંદરે કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપી દીધા પછી તામિલનાડુની ચૂંટણીના કેટલાક મહિના પહેલાં જ ભાજપમાં સામેલ થઈ ગઈ છે. તેમના રાજીનામા પહેલાં કોંગ્રેસે પણ તેમને પાર્ટી પ્રવક્તાપદથી મુક્ત કર્યાની ઘોષણા કરી હતી. કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં તેમણે લખ્યું હતું કે તેમને એવા લોકો દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો અને સાઇડલાઇન કરવામાં આવતા હતા, જેમનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નહોતો.

કેટલાંક તત્ત્વોને પાર્ટીની અંદર વરિષ્ઠ પદોએ બેસાડવામાં આવ્યાં હતાં, જે લોકો વાસ્તવિકતા સાથે અથવા જાહેર જનતાની વચ્ચે સાથે કોઈ ઓળખ નહોતી. તેઓ તેમની જોહુકમી કાર્યકર્તાઓ પર લાદી રહ્યા હતા અને મારા જેવા લોકો જે નિષ્ઠાથી પાર્ટી માટે સારું કામ કરવા ઇચ્છતા હતા, તેમને તેઓ સાઇડલાઇન કરી રહ્યા હતા, એમ ખુશ્બૂએ લખ્યું હતું.

એક લાંબા મનોમંથન પછી પાર્ટી સાથે મેં પાર્ટીમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો હતો. આ પત્ર પહેલાં તેમને કોંગ્રેસે પ્રવક્તાપદથી દૂર કર્યા હતા. પાર્ટીએ કહ્યું હતું કે તેમના બહાર જવાથી પાર્ટીને તામિલનાડુમાં રતીભારે નુકસાન નહીં થાય.

ખુશ્બૂ સુંદરે ભાજપમાં સામેલ થયા પછી સંવાદદાતાઓને કહ્યું હતું કે જો રાષ્ટ્રને આગળ વધારવું હશે તો આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવી કોઈ વ્યક્તિ જ દેશને યોગ્ય દિશામાં લઈ જઈ શકશે. ભાજપ માટે ખુશ્બૂ સુંદર દક્ષિણી રાજ્યોમાં એક મોટું હુમનું પત્તું છે. તેઓ 2014થી આશરે છ વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં રહ્યાં હતાં. જોકે તે ટીવી ડિબેટમાં કોંગ્રેસ માટે પાર્ટીનો પક્ષ રાખનારાં મહિલા હતાં, પણ 2014 પછી પાર્ટી સત્તામાંથી દૂર થયા પછી સુંદરની રાજકીય કેરિયરમાં સ્થિરતા આવી ગઈ હતી. તેઓ 2010માં રાજકારણમાં જોડાયા પછી તેમની પહેલી પાર્ટી દ્વવિડ મુનેત્ર કઝઘમ (DMK) હતી.

 

 

 

 

 

મુંબઈમાં અઢી કલાક સુધી વીજળી વેરણ રહી

મુંબઈઃ મહાનગર મુંબઈ, ઉપનગરો, પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં આજે સવારે પાવર ગ્રીડમાં મોટી ટેકનિકલ ખામી ઊભી થતાં લગભગ 10 વાગ્યાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. એને કારણે કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવા વચ્ચે રહેવાસીઓને નવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ તથા પડોશના વિસ્તારોને વિદ્યુત પુરવઠો પૂરો પાડતી લાઈનો અને ટ્રાન્સફોર્મર (કળવા-પેડઘે અને ખારઘર આઈસીટી)માં ટ્રિપિંગ થયું હતું. એને કારણે મુંબઈમાં 360 મેગાવોટની સપ્લાય અટકી ગઈ હતી. સમસ્યા રાષ્ટ્રીય ગ્રીડમાં નહીં, પણ મહારાષ્ટ્રના ગ્રીડમાં આવી હતી. ગયા શનિવારે કળવા-પેડઘેની એક લાઈનમાં ફોલ્ટ ઊભો થયો હતો. એક સર્કિટ પર સમારકામ ચાલુ હતું એટલે બધો લોડ બીજી સર્કિટ પર આવી ગયો હતો. એમાં બાકીની લાઈનો ઓવરલોડ થઈ ગઈ હતી તેથી મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈમાં વીજપુરવઠો ખંડિત થયો હતો.

ટાટા પાવર કંપનીના ગ્રીડમાં મોટી ટેકનિકલ ખામી ઊભી થતાં ટ્રેક્શન પાવર પણ ખંડિત થતાં લોકલ ટ્રેનો પણ જ્યાં હતી ત્યાં જ અટકી ગઈ હતી, પરિણામે નોકરી, કામકાજ માટે નીકળેલા આવશ્યક સેવાઓના કર્મચારીઓ પણ ખરાબ રીતે અટવાઈ ગયાં હતાં. અમુક સ્થળે ટ્રેનો અધવચ્ચે અટકી જતાં પ્રવાસીઓને ઉતરી જઈને પાટા પર ચાલીને સ્ટેશને જવું પડ્યું હતું.

મુંબઈમાં જૂના વિસ્તારો તથા ઉપનગરોમાં ટાટા પાવર તથા અદાણી ઈલેક્ટ્રિસિટી કંપનીઓ વિદ્યુત પુરવઠાનું વિતરણ કરે છે.

બપોરે 12.30થી વીજ-સપ્લાય ધીમે ધીમે પ્રસ્થાપિત થવાનું શરૂ થયું હતું. પહેલાં દક્ષિણ મુંબઈમાં વીજળી પાછી આવી હતી અને ત્યારબાદ દોઢ-બે વાગ્યા સુધીમાં ઉત્તર મુંબઈના લોકોને પણ નિરાંત થઈ હતી.

વીજપુરવઠો ખંડિત થવાથી બંધ પડેલી લોકલ ટ્રેનો પણ ત્યારબાદ ફરી પાટા પર દોડતી થઈ હતી.

સવારે અચાનક વીજળી ચાલી જતાં રહેવાસીઓ પરેશાન થઈ ગયાં હતાં. ધીમે ધીમે ખબર પડી હતી કે માત્ર એક બિલ્ડિંગમાં કે એક એરિયામાં નહીં, પણ સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

વીજ-સપ્લાય બંધ થતાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ઊર્જા પ્રધાન નીતિન રાઉત સાથે ફોન પર ચર્ચા કરી હતી. તાબડતોબ રાઉત ઉપરાંત સરકારી યંત્રણાઓએ ટ્વિટર મારફત જાણકારી આપી હતી કે ગ્રીડમાં ખામી ઊભી થવાથી વીજપુરવઠો ખોરવાયો છે અને એને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ચાલુ છે.

હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક સપ્લાય અવિરત ચાલુ રહે એ માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે પણ એ માટે તાબડતોબ જરૂરી સૂચનાઓ આપી હતી.

વીજપુરવઠો ખંડિત થવાના સમયગાળામાં કોઈ અકસ્માત સર્જાય નહીં એ માટે અગ્નિશામક દળ તથા પોલીસ કન્ટ્રોલ રૂમને પણ સતર્ક રહેવાના રાજ્યના મુખ્ય સચિવ તથા મંત્રાલયમાંથી જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકાએ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો મદદરૂપ થવા માટે નાગરિકોજોગ હેલ્પલાઈન નંબરો ઈસ્યૂ કર્યા હતા.

વીજપુરવઠો ખંડિત થવાની ઘટનામાં તપાસનો આદેશ

દરમિયાન, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાથી ઊર્જા પ્રધાન નીતિન રાઉતને આદેશ આપ્યો છે કે ‘મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR)માં આજે વીજળી કેમ જતી રહી હતી? આની તાત્કાલિક તપાસ કરાવો અને ભવિષ્યમાં આવું ફરી બને નહીં એ માટે સતર્કતા લેવી રહી.’

મોરબીઃ પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓને રાહત

અમદાવાદઃ રાજ્ય સરકારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા વિરુદ્ધ ટંકારામાં થયેલો કેસ પરત ખેંચ્યો છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર જાહેર સભા અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જાહેરનામા ભંગ બદલ 34 લોકો પર કેસ કર્યો હતો. જે પૈકી બે આરોપીઓનાં મોત થયાં છે અને બે આરોપીઓ દંડ ભરીને છૂટી ગયા હતા. આ કેસ અંગે જુલાઈ 2018માં પોલીસે ટંકારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ પહેલાં પણ 2018માં કોર્ટે હાર્દિક પટેલ, લલિત વસોયાને હાજર રહેવાના સમન્સ પાઠવ્યા હતા, પરંતુ હાર્દિક પટેલ, વસોયા અને અન્ય નેતાઓ હાજર ન રહેતાં કોર્ટે નોન-બેલેબલ વોરન્ટ ઇશ્યુ કર્યાં હતાં.

સરકારી વકીલ કેસ પાછો ખેંચવાના કાગળો લઈ ટંકારા કોર્ટ પહોંચ્યા હતા. કાગળો કોર્ટમાં રજૂ કરતાં હવે આ કેસ નહીં ચાલે, ત્યારે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓને મોટી રાહત મળી છે. ટંકારામાં 2017માં મંજૂરી વગર કરેલી જાહેર સભાનો કેસમાં કોર્ટે કેસ પાછા ખેંચવાની મૌખિક સૂચનાને પગલે કોંગ્રેસી નેતાઓને રાહત મળી રહી છે. સત્તાવાર પત્ર બાદ કેસ પાછો ખેંચાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

હાઈકોર્ટની સૂચનાને પગલે આજે ટંકારા કોર્ટનું તેડું આવતાં કોંગ્રેસના લલિત વસોયા અને લલિત કગથરા જેવા નેતાઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. 2015માં શરૂ થયેલા આંદોલનથી ભેગા થયેલા તમામ નેતાઓ સામે આ કેસ નોંધવામાં આવ્યો હતો. 2017ની ચૂંટણી પહેલાં આ નેતાઓ ભાજપ સામે પ્રચાર કરતા હતા, એ વખતનો કેસ છે. ચૂંટણીના પ્રચાર માટે જ ભેગા થયેલા કોંગ્રેસના નેતાઓ પર મંજૂરી વગર સભા કરવાનો કેસ થયો હતો. 2017માં મંજૂરી વગર સભા કરવાના કેસમાં ટંકારાની કોર્ટે કોંગ્રેસ-પાસના આગેવાનોને તેડું મોકલ્યું હતું. જોકે સરકારે આ કેસ પરત ખેંચતાં મોટી રાહત મળી છે.

 

 

 

 

કોરોનાના કેસોની સંખ્યા 71 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 71 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 66,732 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 816 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 71,20,538 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,09,150 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 61,49,535 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 71,559 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,61,853 પહોંચી છે. રિકવરી રેટ વધીને 86.36 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.53 ટકા થયો છે.

કોરોના વાઇરસના વ્યક્તિઓથી પ્રાણીઓમાં ફેલાયો

કોવિડ-19થી તબાહીની વચ્ચે અમેરિકાના ફર ફાર્મ્સમાં લગભગ 10,000 અમેરિકન જળ બિલાડી(મિંક)ને મારી નાખવામાં આવી છે. આ ઘટના બાદ નિષ્ણાતો કોરોના વાઇરસના વ્યક્તિઓથી પ્રાણીઓમાં ફેલાવાનો દાવો કરી રહ્યા છે. આ અમેરિકન જળબિલાડી ઉટાહ અને વિસકોન્સિનમાં આવેલા ફર ફાર્મ્સમાં મૃત મળી આવી છે.

એક રિપોર્ટ પ્રમાણે એકલા ઉહાટમાં જ અંદાજે 8000 અમેરિકન જળબિલાડીનાં મોત થયા છે. આ સમસ્યા માત્ર ઉટાહ સુધી સીમિત નથી. વિસ્કોન્સિનમાં અધિકારીઓએ કહ્યું કે અહીં પણ લગભગ 2000 મિંક કોરોના વાઇરસની ઝપટમાં છે. આ પહેલાં નેધરલેન્ડ, સ્પેન અને ડેનમાર્કમાં પણ આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂકયા છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની ‘નેશનલ વેટરનરી સર્વિસ લેબોરેટરી’એ પણ ડઝનબંધ પ્રાણીઓમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ કરી હતી. રિપોર્ટ પ્રમાણે તેમાં કૂતરા, બિલાડી, વાઘ અને સિંહ જેવા પ્રાણીઓમાં કોવિડ-19થી સંક્રમિત થયાની વાત કહી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

ધોનીની પુત્રીને ધમકી આપનાર શખસની મુંદ્રાથી ધરપકડ

અમદાવાદઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના IPLમાં ખરાબ પ્રદર્શન પછી સોશિયલ મિડિયા પર તેમની પાંચ વર્ષની પુત્રીથી દુષ્કર્મ કરવાની ધમકી આપનાર શખસની ગુજરાત પોલીસે મુંદ્રાથી ધરપકડ કરી છે. જે પછી ફેન્સ ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. જોકે ધોનીની પુત્રીને ધમકી આપનાર શખસની ગુજરાતના મુંદ્રામાંથી ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે માહિતી આપી હતી.

આ ધમકી આપનાર શખસ સગીર છે અને મુંદ્રાના કપાયા ગામનો રહેવાસી છે. તે 12મા ધોરણનો વિદ્યાર્થી છે, તેને જલદી રાંચી પોલીસને સોંપી દેવામાં આવશે. આ ધમકી પછી રાંચીમાં ધોની સમર્થકો અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારોભાર ગુસ્સો પ્રવર્તે છે.

રવિવારે ક્રિકેટરો અને તેમના પ્રશંસકોએ બેનર-પોસ્ટરની સાથે રાંચીના અલબર્ટ એક્કા ચોક પર પ્રદર્શન કર્યું હતું અને ધમકી આપનારાની ધરપકડ અને સખત કાર્યવાહીની માગ કરી હતી.

બુધવારે ધોનીની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈએ આ પ્રકારની ધમકી આપી હતી. આ ધમકી સંબંધે રાતુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી સાઇબર સેલની ટેક્નિકલ શાખાને માહિતી મળી હતી કે ગુજરાતથી કોઈ વ્યક્તિની સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપી હતી.

પોલીસે કહ્યું હતું કે આ યુવકે સ્વીકાર કર્યો હતો કે તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે IPL 2020 મેચ પછી ઇન્સ્ટાગ્રામ પર ધમકીને લગતો સંદેશ પોસ્ટ કર્યો હતો.

 

 

 

 

Chitralekha Marathi – October 19, 2020

PDF Version
This post is only available to members.

લોકોને ભડકાવતી ટીવીચેનલો પર પારલેની જાહેરખબરો નહીં

મુંબઈઃ લોકપ્રિય બિસ્કીટ બ્રાન્ડ પારલે-Gની ઉત્પાદક કંપની પારલે પ્રોડક્ટ્સે એવી ટીવી ચેનલો પર પોતાની પ્રોડક્ટ્સની જાહેરખબરો ન કરવાનો નિર્ણય લીધો છે જેઓ રાષ્ટ્ર-વિરોધી, લોકોને ભડકાવતી અને સમાજમાં ઝેર ઓકતી વિગતો પ્રસારિત કરે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે ગયા જ અઠવાડિયે ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) ગેરકાયદેસર રીતે વધારવાના ટીવી ચેનલોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ગેરરીતિ આચરનાર ત્રણ ટીવી ચેનલના નામ પણ આપ્યા છે. આ ત્રણ ચેનલ છે – રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા.

પારલે-G હવે આ ચેનલો પર પોતાના ઉત્પાદનોની જાહેરખબર નહીં કરે.

આવો જ નિર્ણય આ પહેલાં બજાજ ગ્રુપ પણ લઈ ચૂક્યું છે.

ટીઆરપી કૌભાંડ બહાર આવ્યા બાદ ઘણી ટોચની એડવર્ટાઈઝિંગ એજન્સીઓ તથા મિડિયા કંપનીઓએ કહ્યું છે કે તેઓ આ મામલે બારીક નજર રાખી રહી છે.

પારલે-Gના વરિષ્ઠ અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યું છે કે સમાજમાં ઝેર ફેલાવતી સામગ્રી પ્રસારિત કરનાર ન્યૂઝ ટીવી ચેનલોને એમની કંપની જાહેરખબરો નહીં આપે. અમે એવી સંભાવનાને પણ તપાસી રહ્યા છીએ જ્યાં અન્ય એડવર્ટાઈઝર્સ ભેગા થાય અને સમાચાર ટીવી ચેનલો પર જાહેરખબરો આપવા પાછળના ખર્ચ પર સંયમ રાખે, જેથી સમાચાર ચેનલોને સ્પષ્ટ સંકેત મળે કે તેમણે એમની કન્ટેન્ટ (સામગ્રી)માં ફેરફાર કરવો જ પડશે.

પ્યારની વાત – ૧૨ ઓક્ટોબર, ૨૦૨૦

પ્યારની વાત – ૧૨ ઓક્ટોબર, ૨૦૨૦