Home Blog Page 4622

રાશિ ભવિષ્ય 11/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


:  આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 11/10/2020

ગર્વીલી ગુજરાતણ ટાઈમ મેગેઝિનના મુખપૃષ્ઠ પર

વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝીનના કવર પેજ પર ચમકવું એ નાનીસૂની વાત નથી. અગાઉ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નરેન્દ્ર મોદી અને ફિલ્મ અભિનેત્રી પરવીન બાબી જેવા ગુજરાતીઓને આ સમ્માન મળ્યું છે. એ પછી હમણાં ગુજરાતી પૅરા બૅડમિન્ટન-ઍથ્લીટ માનસી ગિરિશચંદ્ર જોશીને એ માન મળ્યું છે. અફકોર્સ, એની પાછળનું  શ્રેય એમણે મેળવેલી સિદ્ધિને જ જાય છે.

કેવુંક ફિલ કરે છે માનસી આ જગવિખ્યાત મેગેઝીનના કવરપેજ પર ચમક્યા પછી? સૌ પ્રથમ એ ચિત્રલેખા.કોમ સાથે વાત કરે છે. વાંચો, એ એક્સક્લુઝિવ મુલાકાત… 

(કેતન મિસ્ત્રી-મુંબઈ)

———————————————————

આનંદો. એક ભારતીય અને ગુજરાતી તરીકે આપણે માટે પોરસાવા જેવી વાત છે. જગવિખ્યાત ટાઈમ મૅગેઝિને તાજેતરમાં પૅરા બૅડમિન્ટન-પ્લેયર માનસી જોશીને પોતાની એશિયન આવૃત્તિના મુખપૃષ્ઠ પર ચમકાવી છે. તથા મુખ્ય તેમ જ તમામ એડિશનમાં એની નોંધ લીધી છે. માનસીની વિશેષ નોંધ લેવામાં આવી છે દિવ્યાંગોના અધિકાર માટે અવાજ ઉઠાવનારી વીરાંગના તરીકે.

હજી ગયા જ વર્ષે સ્વિત્ઝરલૅન્ડમાં બીડબ્લ્યુએફ પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી માનસી આ વિશે અમદાવાદથી ટેલિફોનિક ટૉકમાં ચિત્રલેખા.કોમ ને કહે છેઃ ‘ટાઈમ જેવા મેગેઝિનના કવરપેજ પર મારી તસવીર હશે એવી તો મેં કલ્પના પણ કરી નહોતી એ પણ નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં… દોઢેક મહિના પહેલાં મને ઈ-મેલ આવેલો કે અમે તમારું નામ આવનારી પેઢીનાં દસ નેતાના અમારા વાર્ષિક લિસ્ટ (નેક્સ્ટ જનરેશન લીડર્સ)માં લેવાનું વિચારી રહ્યા છીએ. એ પછી કન્ફર્મેશન આવ્યું અને એમના ન્યૂ યૉર્ક તથા સિંગાપોરના પ્રતિનિધિઓએ મારા વિડિયો ઈન્ટરવ્યૂઝ લીધા…’

ઈન્ટરવ્યૂ બાદ અમદાવાદનાં કન્નગી ખન્ના નામના એક ફોટોગ્રાફરને એમણે માનસીબહેનની તસવીરો લેવાનું કામ સોંપ્યું. ટાઈમ ઉપરાંત બીબીસી જેવાં માધ્યમ માટે
ફોટોગ્રાફી કરતાં કન્નગીબહેને અમદાવાદમાં માનસીના કેટલાક સુંદર ફોટોગ્રાફ્સ લીધા.

પરિણામ? મુખપૃષ્ઠ જુઓઃ

અચ્છા, કોરોના મહામારીનો સમયગાળો કેવો રહ્યો?

જવાબમાં માનસી કહે છે: ‘બધા માટે આ સમયગાળો કપરો હતો અને છે. મારી અનેક ટુર્નામેન્ટ્સ રદ થઈ. ફેબ્રુઆરીના અંતમાં હું પેરુ, બ્રાઝિલ, વગેરેમાં ટુર્નામેન્ટ રમી હૈદરાબાદ ટ્રેનિંગ માટે ગઈ. ત્યાં સમાચાર મળ્યા કે મારાં વહાલાં દાદીમા, ઈન્દિરાબહેન જોશીનો દેહાંત થયો છે. એ માટે હું હૈદરાબાદથી અમદાવાદ આવી ને ત્યાં લૉકડાઉન જાહેર થયું ને મારે અમદાવાદ રોકાઈ જવું પડ્યું.’

માનસી ઉમેરે છે કે દરરોજ હું 8-9 કલાક એક્સરસાઈઝ તથા પ્રૅક્ટિસ પાછળ વિતાવતી એને એકાએક બ્રેક લાગી ગઈ. આમ છતાં મેં શક્ય એટલી પ્રૅક્ટિસ ચાલુ રાખી. આ ઉપરાંત સાઈકલિંગ તથા મુંબઈથી વિશેષ પ્રોસ્થેસીસ મેળવી દોડવાનું ચાલુ કર્યું. કોરોના પેન્ડેમિક કે એના જેવી અચાનક આવી પડેલી આપદાનો સામનો કેવી રીતે કરવો એ વિષય પર બાળકો-યુવાનો તથા કૉર્પોરેટ્સ માટે વેબિનાર્સ કર્યાં.

દુનિયાભરમાંથી પર્યાવરણ, પરફૉરમિંગ આર્ટ્સ, શિક્ષણ, ખેલકૂદ જેવાં વિવિધ ક્ષેત્રના લીડરની પસંદગીમાં માનસીનું નામ આવતાં દિવ્યાંગો માટે લોકોની માનસિકતા,દષ્ટિકોણ
બદલાશે તથા આવનારી પેઢીને આમાંથી પ્રેરણા મળશે. છ વર્ષની વયથી પિતા સાથે બૅડમિન્ટન રમતી માનસીના જીવનમાં નાટ્યાત્મક વળાંક આવ્યો 2011માં. એક રોડ એક્સિડન્ટમાં માનસીએ ડાબો પગ ગુમાવ્યો. એ સાથે જ આ સૉફ્ટવેર એન્જિનિયર માનસીનું જીવન સમૂળગું બદલાઈ ગયું. જો કે અથાગ મહેનત અને અડગ નિર્ધારથી એ આજે યુવાનો માટે પ્રેરણામૂર્તિ બની ગઈ છે. મહામારી બાદ એની પહેલી ટુર્નામેન્ટ 2021ના માર્ચમાં સ્પેનમાં યોજાશે. ત્યાં સુધી પ્રેક્ટિસ…પ્રૅક્ટિસ પ્રૅક્ટિસ.

 

ગુજરાત અફોર્ડબલ હાઉસિંગમાં સૌથી અગ્રેસર 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી સંકલ્પ કરીને એલાન કર્યું હતું કે 2022 સુધીમાં દરેક ગરીબ અને મધ્યમ વર્ગીય વ્યક્તિને પાકું મકાન મળી જશે. વડા પ્રધાનની આ જાહેરાત પછી જ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ બની જેમાં શહેરી અને ગ્રામીણ એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં આ યોજના અંતર્ગત કામગીરી ચાલી રહી છે. આ યોજના અંતર્ગત દરેક રાજ્યને ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. સરકારી દાવાનું માનીએ તો ગુજરાત 2021માં જ પોતાના લક્ષ્યાંકને હાંસલ કરી લેશે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ની જ વાત કરીએ તો અમલીકરણની બાબતમાં ગુજરાત દેશમાં સૌથી અગ્રેસર રાજ્યોમાં છે.

બીજા હજારો આવાસ નિર્માણાધીન

‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ – અર્બન (પીએમએવાય-યુ) યોજના હેઠળ 7,21,512 મકાનોના બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પૈકી 4,21,512 બંધાઈ ચૂક્યા છે. એવું ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (શહેરી)ની વેબસાઇટ ઉપરના ડેટા કહે છે. ભારત સરકારની સમયમર્યાદાના એક વર્ષ પહેલાં એટલે 2021 સુધીમાં એ પૂર્ણ થશે. છેલ્લાં બે વર્ષમાં, ગુજરાત હાઉસિંગ બોર્ડ (જીએચબી) અને યુએલબી (શહેરી સ્થાનિક સંસ્થાઓ) દ્વારા બીજા હજારો આવાસ નિર્માણાધીન છે. સમાંતરે જ ‘મુખ્યમંત્રી આવાસ યોજના’, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ જેવા અનેક સ્તર ઉપર સસ્તા અને પોસાય એવાં ઘરોનું નિર્માણ સરકારી ધોરણે અને સરકારની ભાગીદારી સાથે ખાનગી ડેવલપર દ્વારા પણ થઈ રહ્યું છે.

સમય અફોર્ડેબલ હાઉસિંગનો

વિશ્વભરમાં કોરોનાની મહામારી પછી તમામ વર્ગના લોકોની આવક ઉપર વ્યાપક અસર પડી છે. લોકોની આવક અને રોજગારી ઉપરની અસર પછી જાણકારોના માટે હવે પછીનો રિયલ એસ્ટેટનો સમય એ અફોર્ડેબલ હાઉસિંગનો જ હશે, કારણ કે  દેશની માત્ર 11 ટકા વસતિ જ મહિને 60,000 કે એથી વધુ આવક ધરાવે છે. બાકીની 89 ટકા પ્રજા એનાથી ઓછી આવકમાં જીવનનિર્વાહ કરે છે. આજની બજાર સ્થિતિ મુજબ દરેક મોટા શહેરમાં સરેરાશ 50 ચોરસ મીટરના નાના ઘરની કિંમત સરેરાશ 30 લાખ થાય છે, જે મહત્તમ પ્રજાને પરવડે એમ જ નથી. એટલે આ પ્રજાને ઘર તો જોઈએ છે, પણ તેમને પછી એનાથી ઓછી કિંમતનાં ઘરો જ ખિસ્સાને પરવડે એમ છે. એટલે હવે જ્યારે આવકમાં ઘટાડો થયો છે ત્યારે અફોર્ડેબલ હાઉસિંગની માગ ખૂબ વધશે એવું અનુમાન છે અને મહત્તમ પુરવઠો તો સરકારી યોજનામાં પૂરો થશે.

છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૦ લાખ આવાસોનું નિર્માણ

વાત ગુજરાતની જ છે તો રાજ્યની લગભગ 43 ટકા વસ્તી એટલે કે બે કરોડ 60 લાખ લોકો શહેરોમાં વસે છે. રાજ્યમાં આઠ મહાનગરપાલિકા સહિત 171 જેટલી વિવિધ સ્તરની પાલિકાઓ છે અને આ તમામ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત આવરી લેવામાં આવી છે. ગુજરાતમાં અફોર્ડેબલ હાઉસિંગ એટલે કે પોસાય એવા ઘરની કામગીરી બહુ સારી રીતે ચાલે છે એવું કેન્દ્ર સરકાર પણ કહી ચૂકી છે.  થોડા જ સમય પહેલાં થાનગઢમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નું લોકાર્પણ કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે  રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે એ માટે રાજ્ય સરકારે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અને ‘મુખ્યમંત્રી આવાસ યોજના’માં છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા છે. દરેક માનવીને પોતાના ઘરનું સપનું હોય છે. ગરીબ-વંચિત માનવીનું એ સપનું સાકાર કરવા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’  અને ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ આશીર્વાદરૂપ બની છે.

‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ની સબસિડી અને સહાય

વાત તો સાચી જ છે. શહેરોમાં જે રીતે જમીન અને મકાનની કિંમત વધી છે તેવા સમયે સરકારી યોજના અંતર્ગત બનેલાં લાખો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાનું “ઘર નું ઘર” વસાવી શક્યા છે. પીએમએવાયના ગુજરાતના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ભાવિન પટેલ ચિત્રલેખા.કોમને માહિતી આપતાં કહે છે, ગુજરાતને મળેલું ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નું લક્ષ્ય આવતા વર્ષે 2021માં પૂરું કરી દેવામાં આવશે  એવી ગતિથી જ કામ ચાલે છે. અલગ-અલગ રીતે વર્ગીકૃત કરેલી યોજનાઓ છે. ગુજરાતમાં બનતી દરેક સરકારી બિલ્ડિંગમાં પર્યાવરણની જાળવણીની કાળજી લેવામાં આવે છે. તમે જે એનર્જી એફિસિયન્ટ બિલ્ડિંગની વાત કરો છો એ મુજબ જ અમારી યોજનાઓમાં કામ ચાલે છે. ઇડબલ્યુએસ (ઈકોનોમી વીકર  ક્લાસ)   આવાસ 30 ચોરસ મીટર સુધીના હોય છે જે છથી દસ લાખ સુધીના હોય છે, જે 5.5 લાખમાં આપવામાં આવે છે. જ્યારે બીજા 40 ચોરસ મીટરનાં મકાનો લાભાર્થીને 5.5 લાખ સુધીમાં મળે છે. સાથે જ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ની સબસિડી, સહાય પણ લાખો લોકોને મળી છે. બજારભાવ કરતાં આ મકાનો ખૂબ સસ્તાં તો છે જ પણ સાથે એમને પૂરતી સુવિદ્યા મળે એનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

 

ગુજરાત સરકારમાં શહેરી આવાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ  ચિત્રલેખા.કોમ ને કહે છે, અમે બનાવતાં પહેલાં કેટલાં મકાનોની જરૂરિયાત છે એનો સર્વે કરાવ્યો છે. અમારા ધ્યાનમાં એવું આવ્યું હતું કે ભૂતકાળમાં બની ગયેલાં અનેક મકાનો અલગ-અલગ કારણસર વેચાયાં ન હતાં એટલે હવે અમે તકેદારી રાખીએ છીએ કે લાભાર્થી સુધી એ બરાબર પહોંચે. સાથે જ અફોર્ડેબલ હાઉસિંગના સ્થળની પસંદગી બાબતે પણ અમે નવા માપદંડ બનાવ્યા છે. અમે બહુ સીધો અને સાદો નિયમ બનાવ્યો છે આ ઘર એવા બનવા જોઈએ, જેમાં અંદર રહેનાર માણસને ગમવું જોઈએ. પર્યાવરણની જાળવણી અમે પૂરી તકેદારી રાખી છે, જ્યાં પણ મોટા પ્લોટ છે એમાં અમે બગીચા બનાવ્યા છે, વૃક્ષો વાવ્યાં છે અને બાળકો માટે રમવાની જગ્યા પણ રાખી છે. વડા પ્રધાનની મહત્ત્વની યોજનાઓ પૈકી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નું લક્ષ્ય અમે એક વર્ષમાં હાંસલ કરી લઈશું એવો વિશ્વાસ છે.

એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગની વાત આવે તો એની સાથે ઘરની અંદર થર્મલ કમ્ફર્ટની ચર્ચા જરૂર થાય છે. થર્મલ કમ્ફર્ટ એટલે કે ઘરની અંદર ગરમી કે ઠંડીની માત્રા બહારના વાતાવરણના અનુરૂપ રહેવી જોઈએ. એટલે કે ગરમીમાં ઠંડું અને ઠંડીમાં હૂંફાળું. મંત્રી યોગેશ પટેલ આ આખી ટેક્નિકલ વાતને બહુ સરળ કહીને સમજાવે છે, તમે બારી મોટી કરો તો આ પ્રશ્ન ખાસ્સો હલ થઈ જાય છે. ઘરમાં હવા આવે એ પસાર પણ થાય તો ઘરની અંદરનું વાતાવરણ જળવાયેલું રહે છે.

મકાનની ડિઝાઇનમાં થર્મલ કમ્ફર્ટ ખૂબ અગત્યનું

મકાનની ડિઝાઇનમાં થર્મલ કમ્ફર્ટ ખૂબ અગત્યનું છે એના સતત પક્ષધર રહેલા અને એ દિશામાં જાગૃતિ માટે અનેક સેમિનાર કરનાર દિલ્હી સ્થિત જાણીતા આર્કિટેક્ટ પ્રોફેસર અશોક લાલ કહે છે, મકાનની અંદર થર્મલ કમ્ફર્ટ આજે અત્યંત જરૂરી છે અને આવતી કાલે પણ એટલું જ જરૂરી રહેવાનું છે. થર્મલ કમ્ફર્ટને પ્રાથમિક જરૂરિયાતમાં સામેલ કરવું જોઈએ એ એટલું જરૂરી છે અને એ દિશામાં વિશ્વ કક્ષાએ ચર્ચા અને ચિંતા ચાલે છે. તકલીફ જ એ છે એક આપણી બિલ્ડિંગ ડિઝાઇન અને બાંધકામની દિશા જ ખોટી દિશામાં આગળ વધી ગઈ છે. કોઈપણ મકાનની ડિઝાઇનમાં આ ત્રણ બાબત શેડો, ઇન્સ્યુલેશન અને વેન્ટિલેશનનો બરાબર ઉપયોગ કરવામાં આવે તો સાત ટકા સુધીના તાપમાનનો ફરક પડી શકે છે. 

પ્રોજેક્ટ એનર્જી એફિશિયન્ટ અને થર્મલ કમ્ફર્ટના વિચારને મૂર્ત સ્વરૂપે

પ્રોફેસર અશોક લાલે ધ ઇન્ડો-સ્વિસ એનર્જી એફિશિયન્ટ પ્રોજેક્ટ (બીપ) સાથે મળીને ગુજરાતમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા આદર્શ સ્માર્ટ ઘર-3ની ડિઝાઇનમાં સહયોગ કર્યો હતો. રાજકોટનો  આ  પ્રોજેક્ટ એનર્જી એફિશિયન્ટ અને થર્મલ કમ્ફર્ટના વિચારને મૂર્ત સ્વરૂપે સાકાર કરવામાં આવ્યો છે. રાજકોટના આ ઘર ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત બન્યા છે, પરંતુ એની ડિઝાઇન માટે બીપ દ્વારા ટેક્નિકલ સહયોગ પૂરું પાડવામાં આવ્યું હતું. અલબત્ત, રાજકોટના આ ઘર આ વિચારને અપનાવનાર પ્રથમ પૈકીના છે. એક વખતના ટેક્નિકલ સહયોગ પછીની સફળતાને જોઈને રાજકોટ સહિત ગુજરાતનાં અનેક શહેરોઆ એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગ તરફ વળ્યાં છે અને સરકારી યોજના અંતર્ગત બનતા ઘર એને અપનાવી રહ્યા છે. બદલાતા વાતાવરણ અને બદલાતા અર્થતંત્રમાં સ્વસ્થ અને સસ્તાં ઘર જ જરૂરિયાત છે અને માર્કેટ એ જ દિશામાં આગળ પણ વધી રહ્યું છે.

(ફયસલ બકીલી)

(આ લેખ સીએમસ (CMS –  સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ) અને બીપ  (BEEP – ઈન્ડો-સ્વિસ બિલ્ડિંગ એનર્જી એફિશિયન્ટ પ્રોજેક્ટ) ફેલોશિપ અંતર્ગત લખવામાં આવ્યો છે) 

ગુજરાતમાં હવે ફ્લાઇંગ કાર બનશે

ગાંધીનગરઃ હવે ભારતમાં તમને ફ્લાઇંગ કારની મજા મળી શકે છે. ચાલતી કાર ત્રણ મિનિટમાં દોડતી ઊડતી કારમાં ફેરવાઈ જશે. શહેરોમાં ભારે ટ્રાફિકમાં ફસાઈ જવા પર તમે કહેતા હો છો કે કોઈ ફ્લાઇંગ કાર હોત તો અમે ઊડીને નીકળી ગયા હોત. પરંતુ આ સપનું હવે જલદી પૂરું થઈ શકશે. નેધરલેન્ડની Pal-V (પર્સનલ એર લેન્ડ વેહિકલ) ટૂંક સમયમાં ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે. Pal-Vના વાઇલ પ્રેસિડન્ટ કાર્લો માસબોમિલે અને ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસની વચ્ચે MOU પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે.

કારની કિંમત રૂ. 3.5 કરોડથી રૂ. ચાર કરોડ

નેધરલેન્ડની ફ્લાઇંગ કાર બનાવતી કંપની Pal-V નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે. આ ગાડીને તમને ટ્રાફિકમાંથી કાઢવી હશે તો કાઢી શકાશે, પણ  ટ્રાફિકથી કાઢવા માટે તમને માત્ર 30x 30 ફૂટની ખુલ્લી જગ્યા જોઈશે. આ કારની કિંમત રૂ. 3.5 કરોડથી રૂ. ચાર કરોડ હશે.  

MOU પર હસ્તાક્ષર

Pal-Vના વાઇલ પ્રેસિડન્ટ કાર્લો માસબોમિલે અને ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસની વચ્ચે MOU પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. કંપનીના સત્તાવાર નિવેદન મુજબ રાજ્ય સરકાર Pal-Vને પ્લાન્ટ સ્થાપવા માટે દરેક પ્રકારની મંજૂરી મળવામાં મદદ કરી રહી છે.

ચાલતી કાર ત્રણ મિનિટમાં દોડતી ઊડતી કારમાં તબદિલ

Pal-Vના ઇન્ટરનેશનલ બિઝનેસ વાઇસ પ્રેસિડન્ટ કાર્લો માસબોમિલેએ જણાવ્યું હતું કે ચાલતી કાર ત્રણ મિનિટમાં દોડતી ઊડતી કારમાં તબદિલ થઈ જશે. જ્યારે એ લેન્ડ કરશે, ત્યારે એનું એક એન્જિન કામ કરશે, જેની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક રહેશે.

રૂ. 10,000 કરોડનું મૂડીરોકાણ

Pal-V ભારતમાં ઓટો અથવા એવિયેશનથી જોડાયેલી મોટી કંપનીઓની સાથે ભાગીદારી કરવા ઇચ્છે છે અને ગુજરાતમાં આશરે રૂ. 10,000 કરોડનું મૂડીરોકાણ કરીને પ્લાન્ટ સ્થાપવા ઇચ્છે છે. સમયમર્યાદા તો કહેવી મુશ્કેલ છે પણ ભવિષ્યમાં દેશના રસ્તાઓ પર ફ્લાઇંગ કાર એક હકીકત હશે.

 

 

 

‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ પર કંગનાએ દીપિકાને આડે હાથ લીધી

નવી દિલ્હીઃ 10 ઓક્ટોબરે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ ઊજવવામાં આવે છે. આ પ્રસંગે કંગના રણોતે સોશિયલ મિડિયા પર નામ લીધા વગર દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું હતું. કંગનાએ ટ્વીટ કરતાં ફેન્સને એની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ જોવાની અપીલ કરી હતી. દીપિકા વિશે તેણે વગર નામ લેતાં કહ્યું હતું કે ‘એ જે ડિપ્રેશનની દુકાન ચલાવે છે.’

ટ્વીટમાં કંગનાએ લખ્યું હતું કે ‘ફિલ્મ અમે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે બનાવી હતી, એને લોકોએ કોર્ટમાં ખેંચી ગયા- જે ડિપ્રેશનની દુકાન ચલાવે છે, મિડિયા બેન પછી ફિલ્મનું નામ બદલવામાં આવ્યું, જેનાથી એના માર્કેટિંગ પર બહુ અસર પડી, પણ આ એક સારી ફિલ્મ છે અને એને આજે જ જુઓ.’

બીજી બાજુ, દીપિકા પાદુકોણ મેન્ટલ હેલ્થ વિશે ઘણી ચર્ચા કરે છે. તે અનેક વાર પબ્લિક પ્લેટફોર્મ પર પોતાના ડિપ્રેશનની સમસ્યા વિશે વાત કરી ચૂકી છે અને સોશિયલ મિડિયા પર મેન્ટલ હેલ્થ અવેરનેસ વિશે ઘણુબધું લખે છે. કેટલાક દિવસો પહેલાં દીપિકા પાદુકોણએ ડિપ્રેશનની ઉપર એક પોસ્ટ લખી હતી, જેના જવાબમાં એની ભાષામાં કંગનાએ સીધી દીપિકાને ટાર્ગેટ કરી હતી.

પ્રકાશ કોવેલામુડીના ડિરેક્શનમાં બનેલી કંગનાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’માં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતો. ફિલ્મમાં જિમી શેરગિલ, અમાયરા દસ્તૂર અને અમૃતા પુરી પણ સપોર્ટિંગ રોલમાં હતા. પહેલાં આ ફિલ્મનું નામ ‘મેન્ટલ હૈ ક્યા’ રાખવામાં આવ્યું હતું, પરંતુ કેટલાંક સામાજિક સંગઠનોના વિરોધ પછી એનું નામ બદલવામાં આવ્યું હતું. આ ફિલ્મ 26 જુલાઈ, 2019એ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે 33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ચીને ભારતીય સરહદે 60,000 સૈનિકો તહેનાત કર્યાઃ અમેરિકા

વોશિંગ્ટનઃ LAC પર ભારત અને ચીનની વચ્ચે ટેન્શન જારી છે. સરહદે અવરોધ વચ્ચે ચીને LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા) પર 60,000થી વધુ સૈનિકો તહેનાત કરી રાખ્યા છે, એમ અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ આ વાત કહી હતી. તેમણે ચીનના ખરાબ વલણ અને ક્વાડ દેશો માટે ચેતવણી આપતાં ચીન પર નિશાન સાધ્યું હતું.

ચાર દેશોની આ બેઠક હિંદ-પ્રશાંત, દક્ષિણી ચીન સાગર અને પૂર્વ લદ્દાખમાં LAC પર ચીનના આક્રમક સૈન્ય વલણની વચ્ચે જાપાનના પાટનગર ટોક્યોમાં યોજવામાં આવી હતી. ટોક્યો બેઠકમાં ભાગ લઈને અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતીય ઉત્તરીય સીમા પર 60,000 ચીની સૈનિકોની હાજરી જોવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે હું ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના મારી સમકક્ષ વિદેશપ્રધાનોની સાથે હતો. હું ક્વાડની બેઠકમાં ભાગ લેવા ગયો હતો. ચાર મોટા લોકતંત્ર, ચાર શક્તિશાળી અર્થતંત્રો, ચાર દેશો, જેમાં સૌથી અસલ ચિંતા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અને ઊભા થયેલા જોખમોથી જોડાયેલી છે.

ચીનના પ્રયાસો તેની વિસ્તારવાદી આક્રમકતાનો ભાગ

બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)એ કહ્યું કે ભારત પાસે આવેલી LAC પર તાકાતના બળ પર નિયંત્રણ કરવાની ચીનના પ્રયાસો તેની વિસ્તારવાદી આક્રમકતાનો ભાગ છે અને એ વાત સ્વીકારવાનો સમય હવે આવી ગયો છે કે વાતચીત અને સમજૂતીથી આ વાત  હલ થાય એવી નથી. આ ઉપરાંત ચીન પોતાનું આક્રમક વર્તન નહીં બદલે.
આ પહેલાં અમેરિકી NSAના રોબર્ટ ઓ બ્રાયનને આ સપ્તાહની શરૂઆત ઉટાહમાં ચીનની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ભારતની સાથે લાગતી પોતાની સીમાને વિસ્તારવાદ મામલે પોતાની આક્રમકતા જાળવી રાખશે અને ચીનની તાકાત અને બળના જોરે LAC પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ચીનની વિસ્તારવાદી આક્રામકતા ઉદાહરણ તાઇવાનમાં જોવા મળે છે જ્યાં એની નૌસેના અને વાયુસેના સતત સૈન્ય અભ્યાસ કરીને પોતાનો દબદબો બનાવાનો પ્રયાસ કરે છે.

 

 

 

વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે ગાઇડલાઇન જાહેર

અમદાવાદઃ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાઇરસના સંક્રમણ અને લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ચૂંટણી પંચના દિશા-નિર્દેશોને પગલે રાજ્ય સરકારે ચૂંટણીપ્રચાર સંદર્ભે કેટલીક માર્ગદર્શક અગત્યની સૂચનાઓ SOP જાહેર કરી છે. અબડાસા, ધારી, લીંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના મતે ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ સૂચનાઓના પાલન સાથે પેટા ચૂંટણીઓ માટેનો પ્રચાર કરી શકાશે.

આ માર્ગદર્શિકા ની મુખ્ય બાબતો નીચે મુજબ છે…

  • જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જેતે જિલ્લા મેજિસ્ટ્રેટ-પોલીસ કમિશનરની મંજૂરી મેળવી નીચે મુજબની ગાઈડ લાઈન સાથે સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે
  • સભાના આયોજન માટે બંધ જગ્યામાં જગ્યા-સ્થળની ક્ષમતાના ૫૦ ટકા, પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદા રહેશે.
  • ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન / સ્થળના વિસ્તારને ધ્યાને લઈ છ ફૂટની દૂરી સાથેનું સામાજિક અંતર, સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને પર માસ્ક રાખવો , થર્મલ સ્કેનિંગની સગવડતા તેમ જ હેન્ડ વોશ, સેનેટાઇઝરની સુવિધાની શરતે ૧૦૦થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજૂરી આપી શકાશે.
  •  સભા અને મિટિંગના સ્ટેજ ઉપર સામાજિક અંતર સાથે વ્યક્તિગત ખુરશી પર (સોફા રાખી શકાશે નહીં) અને સાતથી વધુ વ્યક્તિ સ્ટેજ ઉપર બેસી શકશે નહીં. જો સ્ટેજ મોટું હોય તો આગળ–પાછળ હરોળમાં વધુમાં વધુ ૧૪ લોકો ( હરોળદીઠ સાત વ્યક્તિ) બેસી શકશે.
  • આવા કાર્યક્રમમાં હાજર રહેનાર વ્યક્તિઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે.
  • ઘેર-ઘેર પ્રચારમાં ઉમેદવાર સહિત ૫ વ્યક્તિની મર્યાદા રાખી શકાશે.
  • વાહનોના કાફલામાં દર પાંચ વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે.
  • . વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ૩૦ મિનિટનો સમયગાળો રાખવાનો રહેશે.
  • કોવિડ-19ની માર્ગદર્શક સૂચનોને અનુરૂપ રહીને જાહેર રેલી યોજી શકાશે.
  • . જિલ્લા ચૂંટણી અધિકારીએ સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાનાં રહેશે,  . જેમાં આવ-જાની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે.
  • લોકોની સંખ્યા વધે નહિ એ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકે કાળજી લેવાની રહેશે.
  • કોવિડ-19 સંદર્ભે આપવામાં આવેલી સૂચનાઓ જેમ કે માસ્ક પહેરવો, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય એ માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે.
  • ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહીં.

 

કોરોનાના 73,272 નવા કેસ, 926નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 70 લાખની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 73,272 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 926 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 69,79,152 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,07,416 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 59,88,22 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 82,753 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,83,185 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

શિયાળામાં કોરોના કેસોમાં ઉછાળો આવે એવી શક્યતા

કોરોના વાઇરસના  કેસોમાં એક વખત ફરીથી ઉછાળો જોવા મળે એવી શક્યતા છે. અનેક નિષ્ણાતો પહેલાં જ કહી ચૂક્યા છે કે શિયાળામમાં કોરોના વાઇરસના કેસો ઝડપથી  વધી શકે છે. એમ્સના AIIMSના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ  પણ હવે ચેતવણી આપી છે કે પ્રદૂષણમાં થોડી વૃદ્ધિ પણ કોરોનાના કેસમાં વધારે ઉછાળો લાવી શકે છે. કોરોનાની સાથે પ્રદૂષણથી ફેફસાં અને શ્વાસ સંબંધી બીમારીઓ પણ વધુ વધી શકે છે

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

રેલવેના રિઝર્વેશન ટિકિટના નિયમોમાં આજથી ફેરફાર

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં આજથી મોટા ફેરફાર લાગુ કરવાની છે. આજથી થનારા નવા ફેરફાર મુજબ હવે ટ્રેનોમાં ટિકિટ રિઝર્વેશનનો બીજો ચાર્ટ ટ્રેન સ્ટેશનથી ઊપડવાના 30 મિનિટ પહેલાં તૈયાર કરવામાં આવશે. જેથી પેસન્જરોએ છેલ્લી ઘડીએ પણ રિઝર્વેશન ટિકિટનો લાભ મળી શકશે.

ટ્રેન ઊપડવાના અડધા કલાક પહેલાં રિઝર્વેશનની સુવિધા

હવે ટ્રેન ઊપડવાના અડધા કલાક પહેલાં સુધી રિઝર્વેશન કરાવવાની સુવિધા મળશે. આ સુવિધા કરંટ બુકિંગ કાઉન્ટર અને ઓનલાઇન બંને પર ઉપલબ્ધ રહેશે. અનલોક શરૂ થયા પછી રેલવે વહીવટી તંત્રએ કેટલીક ટ્રેનો શરૂ કરી દીધી છે અને ધીમે-ધીમે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. સ્પેશિયલ ટ્રેન માટે પ્રથમ ચાર્ટ ટ્રેન ઊપડવાના ચાર કલાક પહેલાં બનાવવામાં આવતો હતો. વર્તમાન વ્યવસ્થામાં કેટલીય સ્પેશિયલ ટ્રેનોમાં બર્થ ખાલી હોય છે. છેલ્લી ઘડીએ પેસેન્જર રિઝર્વેશન ટિકિટ નહોતા લઈ શકતા, પણ હવે પેસેન્જરો છેલ્લી ઘડીએ પણ ટિકિટ રિઝર્વેશન કરાવી શકશે.

વેઇટિંગ લિસ્ટના પેસેન્જરોને રિઝર્વેશન ટિકિટની તક

રેલવેના આ નવા નિયમથી એ સુવિધા પેસેન્જરોને મળશે, જેઓ વેઇટિંગ ટિકિકટ લઈ ચૂક્યા છે. આ પેસેન્જરોને છેલ્લી ઘડીએ રિઝર્વેશન ટિકિટ કરાવવાની તક મળશે. આ સાથે TTની મનમાની ખતમ થશે.

ઓનલાઇન અને ઓફલાઇન- બંને સુવિધા ઉપલબ્ધ

રેલવે વહીવટી તંત્ર 10 ઓક્ટોબરથી વ્યવસ્થામાં ફેરફાર કરી રહ્યું છે. ટ્રેન પ્રથમ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઊપડવાના  ચાર કલાક પહેલા તૈયાર થશે. બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઊપડવાના  30થી મિનિટ પહેલાં બનશે. જેથી પેસેન્જર ખાલી બર્થ પર રિઝર્વેશન કરાવી શકશે અને ટિકિટ પરત પણ કરાવી શકશે. જે સ્ટેશને કરન્ટ બુકિંગ કાઉન્ટર છે, પેસેન્જર ત્યાંથી પણ ટિકિટ ખરીદી શકશે. રેલવેની આ સુવિધાથી એવા લોકોને ખાસ મદદ મળશે, જેમને ઇમર્જન્સીમાં ટ્રેનનો પ્રવાસ કરવો પડે છે. આ સુવિધા બંને રીતે ઓનલાઇન અને ઓફલાઇન મળશે.