Home Blog Page 4625

TRP કૌભાંડઃ રિપબ્લિક TV સામે પોલીસ તપાસ

મુંબઈઃ શહેરના પોલીસ કમિશનર પરમબીર સિંહે આજે ચોંકાવનારી માહિતી આપતા કહ્યું કે ઘાલમેલ કરીને TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) રેટિંગ્સ મેળવવાના કૌભાંડના મામલે રિપબ્લિકન ટીવી તથા અન્ય બે ચેનલ સામે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડના સંદર્ભમાં હાલ બે જણની ધરપકડ કરવામાં આવી છે.

પરમબીર સિંહે પત્રકારોને જણાવ્યું કે ટીઆરપી મેનિપ્યુલેશનના મામલે અત્યાર સુધી થયેલી તપાસમાં માલૂમ પડ્યું છે કે રિપબ્લિક ટીવી તથા અન્ય બે મરાઠી ચેનલ – ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા આ ગેરરીતિમાં સંડોવાયેલી છે.

પોલીસ તપાસમાં એ પણ માલૂમ પડ્યું છે કે ટીવી જાહેરખબરોની માર્કેટ આશરે રૂ. 40,000 કરોડની છે અને રિપબ્લિક ટીવીએ ગેરરીતિ આચરીને ખૂબ કમાણી કરી છે.

પોલીસનું કહેવુું છે કે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) સંસ્થા દર સપ્તાહે ટીઆરપી રેટિંગ ઈસ્યૂ કરે છે. બ્રોડકાસ્ટર્સ, એડવર્ટાઈઝર્સ અને એડવર્ટાઈઝિંગ અને મિડિયા એજન્સીઓની બનેલી આ સંસ્થાએ 2000 ઘરોમાં ટીઆરપી મોનિટરિંગ માટે ગુપ્ત રીતે બેરોમીટર મશીનો બેસાડ્યા હતા. હંસા રિસર્ચ ગ્રુપ પ્રા.લિ. નામની એક કંપની ટીવી ચેનલોના ટીઆરપી રેટિંગ્સ પર દેખરેખ રાખે છે, જે અત્યંત ખાનગી હોય છે. પરંતુ, પકડાયેલા માણસોએ જે ઘરોમાં બેરોમીટર બેસાડવામાં આવ્યા હતા તેના લોકોને એમ જણાવ્યું હતું કે એમણે ચોક્કસ ચેનલને જ જોવી અથવા આખો દિવસ ચાલુ રાખવી.

પોલીસે આ કૌભાંડના સંદર્ભમાં હાલ બે જણની ધરપકડ કરી છે.

રિપબ્લિક ટીવી હાલ અન્ય ટીવી ચેનલો કરતાં ખૂબ વધારે ટીઆરપી ધરાવે છે.

પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે પોલીસ ટીવી ચેનલોના બેન્ક એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે. તદુપરાંત એમને એડવર્ટાઈઝર્સ તરફથી મળેલા ફંડની પણ તપાસ કરાશે અને એ ચેક કરાશે કે એ પૈસા ગુનાખોરીની પ્રવૃત્તિઓમાંથી મેળવેલા છે કે નહીં.

ફરિયાદ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે મલાડ ઉપનગરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પોતે BARCનો જ એક ભાગ એવી એક કંપની માટે કામ કરે છે. ત્યારબાદ અન્ય એક જણની પણ ધરપકડ કરાઈ હતી તથા હંસા રિસર્ચ ગ્રુપ પ્રા.લિ.ના બે કર્મચારી પોલીસની નજરે ચડ્યા છે.

આરોપીઓએ એમને અપાયેલી ખાનગી માહિતીનો દુરુપયોગ કર્યો હતો. અનેક ટીવી ચેનલોને ખોટી રીતે લાભ કરાવવા માટે તેમણે આવું ખોટું કામ કર્યું હતું. આને કારણે અનેક એડવર્ટાઈઝર્સ અને એમની એજન્સીઓને આર્થિક ખોટ ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં એવું પણ માલૂમ પડ્યું છે કે આરોપીઓએ ઘરના માણસોને પૈસા આપીને કહ્યું હતું કે એમણે ચોક્કસ ટીવી ચેનલો જ જોવી. એમ કરીને આરોપીઓએ સેમ્પલિંગ મીટરિંગ સેવામાં ઘાલમેલ કરી હતી. જે ઘરોમાં બેરોમીટર બેસાડવામાં આવ્યા હતા એમાંના ઘણા લોકોએ કબૂલ કર્યું હતું કે એમને તેમના ટીવી સેટ ચોક્કસ ચેનલ પર રાખીને સતત ચાલુ રાખવા જણાવવામાં આવ્યું હતું, પછી ભલે તેઓ એ જોતા નહોતા.

આ વિશે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જેમણે તેમને 9 ઓક્ટોબર સુધી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી છે.

રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીનો વળતો આરોપ

રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે અમે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે સવાલ ઉઠાવ્યો હતો એટલે તેમણે અમારી ચેનલનું નામ આપ્યું છે. રિપબ્લિક ટીવી એમની સામે ક્રિમિનલ માનહાનિનો કેસ નોંધાવશે. BARCના એક પણ અહેવાલમાં રિપબ્લિક ટીવીનું નામ આપવામાં આવ્યું નથી.

ગોસ્વામીએ એમ પણ કહ્યું છે કે પરમબીર સિંહે અમારી સત્તાવાર રીતે માફી માગવી પડશે નહીં તો કોર્ટમાં માનહાનિના કેસનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

BSE StAR MF પર ઈક્વિટી રોકાણ વધ્યું

મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર સતત ત્રીજા મહિને નેટ ઈક્વિટી ઈન્ફ્લો પોઝિટવ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મ્ચુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ચોખ્ખા ઈક્વિટી રોકાણ પ્રવાહમાં રૂ.734 કરોડનો ઘટાડો નોંધાયો છે ત્યારે BSE સ્ટાર MF પર રૂ. 1,488 કરોડનો વધારો નોંધાયો છે.

સપ્ટેમ્બરમાં BSE સ્ટાર MF પર 71.93 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા જ્યારે સૌથી વધુ ટ્રાન્ઝેક્શન ઓગસ્ટ, 2020માં 73.34 લાખ થયા હતા.

દેશ વ્યાપી મહામારી અને લોકડાઉન વચ્ચે પણ BSE સ્ટાર MFએ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને સરળ પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સર્વિસ પૂરી પાડી છે. નાણાકીય વર્ષ 2020-21ના સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં આ પ્લેટફોર્મે પર કુલ ટ્રાન્ઝેક્શન્સના 70 ટકા એટલે કે 4 કરોડના ટ્રાન્ઝેક્શન્સ થયા છે. આની તુલનામાં નાણાકીય વર્ષ 2019-20ના સમાન સમયગાળામાં 5.75 કરોડના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. એસઆઈપી બુકનું કદ આ એપ્રિલથી સપ્ટેમ્બરમાં ૫૩.૫૯ લાખનું રહયું હતું. સપ્ટેમ્બરમાં ૩.૭૩ લાખ નવી એસઆઈપી ખુલી હતી.

ફાફડા

ફાફડા તો તાજાં ગરમા ગરમ જ ભાવે, સાથે લીલાં મરચાં તળેલાં હોય અને જલેબીની સંગત હોય તો જલસો થઈ જાય! વારે-તહેવારે દરેક ગુજરાતી એના દિવસની શરૂઆત સવારે ફાફડા-જલેબી ખાઈને જ કરવા ઈચ્છે છે!

જો કે, ફાફડા બનાવવા સહેલાં છે. ઝટપટ બની પણ જાય છે. ફક્ત થોડી સાવધાનીપૂર્વક બનાવવા પડે છે!


સામગ્રીઃ

1 કપ ચણાનો લોટ, ¼ ટી.સ્પૂન હળદર પાવડર, ½ ટી.સ્પૂન મરચાં પાવડર, ¼ ટી.સ્પૂન અજમો, ¼ ટી.સ્પૂન પાપડ ખારો, 2 ટે.સ્પૂન તેલ, ¼ ટી.સ્પૂન કાળા મરી અધકચરા વાટેલા, મીઠું સ્વાદ મુજબ, ચપટી હીંગ


રીતઃ 

એક બાઉલમાં થોડું ગરમ પાણી, મીઠું અને પાપડ ખારો લઈ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, હળદર, હીંગ, વાટેલાં કાળાં મરી, 2 ટે.સ્પૂન તેલ લઈને બધી સામગ્રીને મિક્સ કરીને મુલાયમ લોટ બાંધી દો. 5 મિનિટ સુધી લોટને કૂણો. થોડું તેલ ચોપડીને લોટને 30 મિનિટ માટે રહેવા દો.

30 મિનિટ બાદ લોટમાંથી એક નાનો લૂવો લઈ તેને લંબગોળ આકાર આપી પાટલા પર મૂકો. હથેળી વડે લૂવાને દાબીને લાંબી સ્ટ્રીપ બનાવી દો. આ જ રીતે બાકીના લૂવા લઈ, ફાફડા વણી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરીને એકવારમાં બે થી ત્રણ ફાફડા તળો. ફાફડાને સોનેરી રંગના તળી લો, બહુ ગુલાબી ના તળવા.

ફાફડા તૈયાર થઈ જાય એટલે એ જ તેલમાં લીલા મરચાંમાં ચીરા પાડીને મરચાં તળી લો. (ચીરા મૂક્યા વગર મરચાં તળશો, તો તળતી વખતે મરચાં ફાટશે અને તેલ ઉડશે.)

તૈયાર ફાફડાને તળેલાં મરચાં સાથે પીરસો. તમે જલેબી પણ સાથે પીરસી શકો છો. ઈન્સ્ટન્ટ જલેબીની રીત માટેની લિન્કઃ https://chitralekha.com/variety/cooking-tips/instant-jalebi-recipe/

ભારતનો GDP 9.6% ઘટવાની શક્યતાઃ વિશ્વ બેન્ક

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ રોગચાળો તથા એને એને અટકાવવા માટે કરવામાં આવેલા લાંબા લોકડાઉનને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં 9.6 ટકાનો ઘટાડો આવે એવી શક્યતા છે, એમ વિશ્વ બેન્કે અંદાજ જાહેર કર્યો હતો. બેન્કે કહ્યું હતું કે ભારતની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે કંપનીઓ અને લોકોને આર્થિક આંચકા લાગ્યા છે. એની સાથે રોગચાળાને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનની પ્રતિકૂળ અસર પડી છે.

વિશ્વ બેન્કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સાથે વાર્ષિક બેઠકથી પહેલાં હાલમાં જ સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસના પ્રોજેક્શનમાં આ અંદાજ મૂક્યો હતો, જેના અનુરૂપ અન્ય અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યા હતા, પણ અન્ય લોકોના દ્વિઅંકી ઘટાડાના અંદાજોની તુલનાએ આ અંદાજ સારો છે. જોકે આ અહેવાલમાં વિશ્વ બેન્કે સાઉથ એશિયા ક્ષેત્રમાં 2020માં 7.7 ટકાના આર્થિક ઘટાડો થવાની આશંકા જાહેર કરી હતી. જોકે આ ક્ષેત્રમાં પાછલાં પાંચ વર્ષ દરમ્યાન વાર્ષિક છ ટકાની આસપાસ વૃદ્ધિ જોવા મળી હતી. તાજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2020માં શરૂ  થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના GDPમાં 9.6 ટકાના ઘટાડાનું અનુમાન છે. જોકે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 2022માં આર્થિક વૃદ્ધિદર પરત ફરી શકે છે અને 5.4 ટકા રહેવાની શક્યતા છે.

પ્રતિ વ્યક્તિની આવક 2019ના અંદાજથી છ ટકા નીચે રહેવાની શક્યતા

આ વર્ષે વસતિમાં વૃદ્ધિના હિસાબે જોઈએ તો પ્રતિ વ્યક્તિ આવક 2019ના અંદાજથી છ ટકા નીચે રહેવાની શક્યતા છે.એનાથી સંકેત મળે છે કે 2021માં આર્થિક વૃદ્ધિદર ભલે સકારાત્મક થઈ જાય, પણ ચાલુ નાણાકીય વર્ષમાં નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. સાઉથ એશિયા માટે વિશ્વ બેન્કમાં મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટિમરે કહ્યું હતું કે અમે અત્યાર સુધી જે જોયું છે- ભારતમાં સ્થિતિ એનાથી બદતર છે. એ ભારત માટે એક અભૂતપૂર્વ સ્થિતિ છે.

વિશ્વ બેન્કે મધ્યવર્તી સમયગાળામાં ફુગાવાને RBIના લક્ષ્યની મર્યાદા ચાર ટકાની આસપાસનો અંદાજ્યો છે. જોકે કોવિડ-19ના આંચકાએ ભારતની રાજકોષીય ખાધમાં મોટા ઘટાડાનું અનુમાન છે. ભારતીય રાજ્યોની સંયુક્ત ખાધ GDPના 4.5-5 ટકાની અંદર છે, જે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધને ધીરે-ધીરે સુધારતાં પહેલાં નાણાં વર્ષ 2021માં 12 ટકા ઉપર જવાનું અનુમાન છે.

જાહેર દેવાં આશરે 94 ટકાએ

વળી, રિકવરી ધીમી ગતિએ વધવાને કારણે જાહેર દેવાં આશરે 94 ટકાએ રહેશે. વર્લ્ડ બેન્કના ઉપાધ્યક્ષ હાર્ટવિગ શેફર કહે છે કે કોવિડ-19ના પ્રકોપ માટે કેન્દ્ર સરકારની ઝડપી અને વ્યાપક હતી.

નીતિ હસ્તક્ષેપોએ અત્યાર સુધી નાણાકીય બજારોના સામાન્ય કમકાજોને સુરક્ષિત કર્યા છે. જોકે માગમાં ઘટાડાને કારણે દેવાંમાં ઘટાડો અને જોખમમાં વધારો થવાની શક્યતા છે. જોકે ભારત એના સેફ્ટી નેટ કાર્યક્રમોમાં દૂરગામી સુધારા કરી રહ્યું છે. વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડિરેક્ટર જુનૈદ અહમદ કહે છે કે એનાથી દેશને ગરીબીની સામે મુશ્કેલ લાભને હાંસલર કરવામાં મદદ મળશે, કેમ કે બધાં ઘરોમાંથી અડધા પરિવારો અસુરક્ષિત છે અને મોટા ભાગના કર્મચારીઓની પાસે સોશિયલ સિક્યોરિટીના લાભાલાભનો અભાવ છે.

ગરીબ પરિવારો અને કંપનીઓને ટેકો આપ્યા પછી પણ ગરીબી દરમાં ઘટાડાની ગતિ અટકી નથી, પણ સુસ્ત જરૂર થઈ છે. ટિમરે કહ્યું છે કે અમે સર્વેમાં જોયું છે કે કેટલાય લોકોની નોકરીઓ ચાલી ગઈ છે, NPAમાં વધારો થઈ રહ્યો છે, ભારતે આ બધાથી ઝઝૂમવું પડશે.

88મા ‘એરફોર્સ ડે’ની ઉજવણી કરાઈ…

ભારતીય હવાઈ દળના 88મા સ્થાપના દિવસ ‘એરફોર્સ ડે’ની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિન્ડન એરબેઝ ખાતે પરંપરાગત સૈન્ય પરેડ, લડાકુ વિમાનો, હેલિકોપ્ટરો સાથે જવાનોના દિલધડક કરતબ, એરોબેટિક સ્ટન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હવાઈ દળના વડા એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયાએ ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરની તસવીરમાં હવાઈ દળના હેલિકોપ્ટર દ્વારા ફ્લાય-પાસ્ટ કરવામાં આવી રહી છે.

હવાઈ દળમાં નવા સામેલ કરાયેલા રાફેલ ફાઈટર વિમાનના અવકાશી કરતબ

હવાઈ દળમાં નવા સામેલ કરાયેલા રાફેલ ફાઈટર વિમાનના અવકાશી કરતબ

રાફેલ ફાઈટર વિમાન

રાફેલ ફાઈટર વિમાન એર-શો દરમિયાન આગનાં ગોળા ફાયર કરે છે

Su-30 વિમાન એર-શો દરમિયાન આગનાં ગોળા ફાયર કરે છે સારંગ હેલિકોપ્ટરની ડિસ્પ્લે ટીમનાં જવાનો દ્વારા અવકાશમાં એરોબેટિક સ્ટન્ટ્સ સારંગ હેલિકોપ્ટરની ડિસ્પ્લે ટીમનાં જવાનો દ્વારા અવકાશમાં એરોબેટિક સ્ટન્ટ્સ હવાઈ દળના જવાનો દ્વારા માર્ચ-પાસ્ટ

હવાઈ દળના જવાનો દ્વારા માર્ચ-પાસ્ટહવાઈ દળના જવાનો દ્વારા માર્ચ-પાસ્ટ હવાઈ દળના જવાનો દ્વારા માર્ચ-પાસ્ટ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરે છે

જવાનોને સંબોધન કરતા એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા

લશ્કરી વડા મનોજ નરવણેનું આગમન

દુનિયા આખીમાં કોરોનાની ધાસ્તી; ચીનમાં છે મોજમસ્તી

બીજિંગઃ દુનિયાભરમાં કોરોના વાઈરસ મહાબીમારીનો શિકાર બનેલાઓની સંખ્યા 3 કરોડને ક્યારની પાર ગઈ છે અને 10 લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. એક તરફ, તમામ મોટા દેશો આ રોગચાળાની ભીંસમાં આવેલા છે ત્યારે બીજી બાજુ, ચીનમાં ઘણા લોકો એમના ઘરની બહાર નીકળીને એમના રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહ્યાં છે.

એવું કહેવાય છે કે આ ભયાનક, જીવલેણ બીમારી ચીનમાંથી ઉદ્દભવી છે, પરંતુ ત્યાંના લોકોને હવે આ રોગચાળાનો કોઈ ભય લાગતો નથી. ચીનમાં લોકો રસ્તા પર ઉતરીને નાચગાન કરી રહ્યાં હોય એવી તસવીરો અને વિડિયો ક્લિપ્સ સોશિયલ મિડિયા પર ફરી રહી છે, જે ભારત સહિત દુનિયાના બીજા દેશોનાં લોકોને અચરજ પમાડે છે.

ચીનમાં દર વર્ષે 1-8 ઓક્ટોબરે રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ જે તસવીરો વાઈરલ થઈ છે એ આ વખતની ઉજવણીને લગતી જ છે. ચીની લોકો, પર્યટકોએ કોરોનાના ભયને ભૂલાવી દીધો છે અને તેઓ સપ્તાહ-લાંબી રજાની મોજ માણી રહ્યાં છે. લોકો ઐતિહાસિક સ્થળોની મુલાકાતે જઈને સાથે મળીને, ગ્રુપ બનાવીને નાચે છે, ગીતો ગાય છે. કોઈના મોઢા પર માસ્ક દેખાતા નથી, કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાતું નથી. આ બધું જોતાં તો એમ જ લાગે કે ચીન કોરોના વાઈરસને લગતા સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમોનું બેફામ રીતે ઉલ્લંઘન કરે છે.

ચીનમાં નેશનલ હોલીડેને ગોલ્ડન વીક તરીકે ઓળખવામાં આવે છે, જે 1 ઓક્ટોબરથી શરૂ થઈ 8 ઓક્ટોબર સુધી ચાલે છે. આ ચીલો 1949ની સાલથી શરૂ થયો છે અને હવે તે દર વર્ષે ઉજવવામાં આવે છે.

કોરોનાના 78,524 નવા કેસ, 971નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 68 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 78,524 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 971 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 68,35,656 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,05,526 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 58,27,704 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 83,011 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,02,425 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

તમારી સાથે છેતરપીંડી થઈ? અપનાવો આ વિકલ્પ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળા દરમ્યાન ડિજિટલ લેવડદેવડ તો વધી, પણ એની સાથે બેન્ક એકાઉન્ટમાં છેતરપિંડીની ઘટનાઓ પણ વધી ગઈ છે. હેકર્સ તમારા એકાઉન્ટની ડિટેલ્સ હાંસલ કરીને તમારા ખાતાથી પૈસા કાઢી લે છે. ઓનલાઇન ફ્રોડ, ડિજિટલ ફ્રોડ અથવા સાઇબર ફ્રોડના મામલામાં મોટા ભાગના લોકો એ વિચારી કશું નથી કરતા કે તેમના પૈસા ડૂબી ગયા. હવે તમારે આવા મામલાઓમાં ચૂપ રહેવાની જરૂર નથી, કેમ કે તમને તમારા પૂરા પૈસા પરત મળી શકે છે. આના માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે.

RBIના જણાવ્યાનુસાર જો તમારા ખાતામાં કોઈ પણ ગેરકાયદે વ્યવહાર થયો છે તો તમને તમારા પૈસા પરત મળી શકે છે, પણ એના માટે તમારે સર્તકતા દાખવવી પડશે. આવા ગેરકાયદે વ્યવહારની માહિતીની જાણ તમારે તરત તમારી બેન્કને કરવી પડશે.

RBI કહે છે જો ગેરકાયદે રીતે ઇલેક્ટ્રોનિક લેવડદેવડથી તમને નુકસાન થયું છે તો તમારી જવાબદારી મર્યાદિત હોવાની શક્યતા છે. બલકે, ઝીરો પણ હોઈ શકે છે, જો તમે બેન્કને તરત સૂચિત કરો છો તો. આવું કરવાથી તમને તમારા પૈસા પરત મળી શકે છે.

ત્રણ દિવસની અંદર ફરિયાદ કરો

જો તમારા બેન્ક ખાતામાંથી કોઈ રકમ ગેરકાયદે રીતે રકમ કાઢવામાં આવી છે તો તમારે ત્રણ દિવસની અંદર એની ફરિયાદ તમારી બેન્કમાં કરવી જોઈએ. આ સ્થિતિમાં તમને તમારી રકમ 10 દિવસની મળી શકે છે. RBI અનુસાર જો તમે બેન્ક છેતપિંડીનો રિપોર્ટ 4-7 દિવસ પછી કર્યો હશે તો ગ્રાહકને રૂ. 25,000 સુધીનું નુકસાન ભોગવવું પડશે.

ઇન્સ્યોરન્સને લીધે પરત મળશે પૈસા

બેન્ક કાઇબર ફ્રોડના મામલે ઇન્સ્યોરન્સ  પોલિસી લે છે. બેન્ક તમારી સાથે થયેલી છેતરપિંડીની માહિતી ઇન્સ્યોરન્સ કંપની આપશે અને ત્યાંથી ઇન્સ્યોરન્સના પૈસા લઈને તમારા નુકસાનના બદલામાં એ તમને ભરપાઈ કરશે. ઇન્સ્યોરન્સ કંપનીઓ સાઇબર છેતરપિંડીને મામલે ખાતાધારકોને સીધું કવર કરે છે.

સાઇબર છેતરપિંડી માટે વીમો ઉતરાવી શકાય

હાલના દિવસોમાં સાઇબર છેતરપિંડીના કેસોને વધતા જોઈ એનાથી બચવા માટે તમે તમારા બેન્ક એકાઉન્ટ માટે વીમો ઉતરાવી શકો છએ. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ સાઇબર ફ્રોડ માટે ઇન્સ્યોરન્સ પૂરો પાડે છે. આનાથી છેતરપિંડીની સ્થિતિમાં તમારા પૈસા પરત મળવાની શક્યતાઓ વધી જાય છે.

 

 

 

સુવિચાર – ૮ ઓક્ટોબર, ૨૦૨૦

સુવિચાર – ૮ ઓક્ટોબર, ૨૦૨૦

૮ ઓક્ટોબર ૨૦૨૦

૮ ઓક્ટોબર ૨૦૨૦