ગીરમાં રતન ઘુના થી સૌ કોઇ વાકેફ હોય, અમે એક વાર સવારીની સફારી લગભગ પુરી કરવા તરફ હતા અને રતનઘુના પાસે આવ્યા અને અમને (રોરીંગ)સિંહના હુંકવાનો અવાજ સંભળાયો. અવાજ એટલા જોરથી હતો કે જીપ્સીમા બેઠેલા બધા એલર્ટ થઇ ગયા અને આસપાસ જોવા લાગ્યા.
અમે કેમેરા બેગમાં મુકવાની તૈયારી કરી રહ્યા હતા અને પાછા કાઢી અને આસપાસ જોવા લાગ્યા, થોડી વાર જીપ ઉભી રાખી થોડા આગળ ગયાને જોયુ તો બે સિંહ સામેથી રોડ પર ચાલતા આવે છે જરા આગળ જ રેલ્વે લાઇન પસાર થાય એટલે માનવ રહીત ફાટકથી આગળ જ અમે રેલ્વેના પાટા પર સિંહ દેખાય એમ તૈયાર ઉભા રહ્યા અને બન્ને સિંહ નો રેલવે ક્રોસિંગ પરનો ફોટો મળ્યો.
મુંબઈઃ અત્રે આવેલા વિશ્વના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર – ધારાવીમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવામાં મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર સરકાર લીધેલાં પગલાં અને સ્થાનિક રહેવાસીઓએ આપેલા સહકારની વિશ્વ બેન્કે આજે પ્રશંસા કરી છે.
વોશિંગ્ટનસ્થિત વર્લ્ડ બેન્કે ગરીબી અને વહેંચાયેલી સમૃદ્ધિ વિષય પર તેના દ્વિ-વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આ સફળતા બધાયને અનુકૂળ પડે એવા ઉકેલો શોધવાથી, જૂથોની સામેલગીરીથી અને દ્રઢતાથી હાંસલ કરી શકાઈ છે.
ધારાવી વિસ્તાર મધ્ય મુંબઈના માહિમ-બાન્દ્રા ઉપનગરોમાં પૂર્વ ભાગમાં આવ્યો છે અને ત્યાં આશરે 7 લાખ લોકો વસે છે. આ ઝૂંપડપટ્ટી વિસ્તાર 1884ના વર્ષ જેટલો જૂનો છે. આનો વિસ્તાર આશરે 2.5 સ્ક્વેર કિલોમીટરમાં પ્રસરેલો છે. અહીં અસંખ્ય ઝૂંપડાઓ અને બિસ્માર હાલતવાળા મકાનો છે. સાંકળી ગલીઓ અને ખુલ્લી ગટરોને કારણે આ વિસ્તારમાં રોગ ફેલાવવાની શક્યતા ઘણી જ રહે છે.
વર્લ્ડ બેન્કે અનુમાન વ્યક્ત કર્યું છે કે સત્તાવાળાઓએ ટેલેન્ટેડ વ્યક્તિઓને એકઠી કરીને અને સેવાભાવી-સમર્પિત લોકોના જૂથ બનાવીને કાર્યક્ષમ અભિગમ અપનાવ્યો એનું ધાર્યું પરિણામ આવ્યું. ધારાવીમાં કોરોનાને ફેલાતો રોકવા માટે મુંબઈના અધિકારીઓએ ઘણી ઝડપ બતાવી હતી.
લોકડાઉનના સમયમાં ગરીબ લોકોને ઘેર-ઘેર જઈને સહાયતા કરવામાં આવી હતી. એમાં બિનસરકારી સંસ્થાઓ અને સ્વયંસેવકોએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ઘેર-ઘેર જઈને એમણે રેશન કિટ્સ પૂરી પાડી હતી.
ધારાવીમાં કોરોનાના 3,280 કેસ થયા હતા, એમાંથી 2,795 જણ સાજા થયા હતા.
ગયા જુલાઈમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ધારાવીમાં કોરોના રોગચાળાને અંકુશમાં રાખવાના મુંબઈ મહાનગરપાલિકા, રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી હતી.
ભારતમાં કોરોના વાઈરસનો શિકાર થયેલા લોકોનો આંકડો 67.57 લાખ પર પહોંચ્યો છે. જ્યારે મરણાંક 1 લાખને પાર કરી ગયો છે.
નવી દિલ્હી/અમદાવાદઃ ચૂંટાયેલી સરકારના વડા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા બરાબર 20 વર્ષ પૂર્વે આજના દિવસથી શરૂ થઈ હતી. ગુજરાત માટે એ બહુ મુશ્કેલ સમય હતો, જ્યારે કચ્છમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. એવી મુશ્કેલ સ્થિતિમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું, પણ એ દિવસે તેમણે જે નેતૃત્વ સંભાળ્યા પછી આજ સુધી પાછળ વળીને જોયું નથી.
ગુજરાતના વિકાસનો એક એવો દોર શરૂ થયો, જે સપનું બનીને દેશના 130 કરોડ લોકોની આંખોમાં પણ વસી ગયું. તેઓ હંમેશાં સૌના માટે વિકાસના રસ્તે આગળ વધતા રહ્યા. પોતાની અને પોતાની સરકારની સામે ષડયંત્રો અને નકામા વિવાદોથી તેઓ ક્યારેય હતોત્સાહ થયા નહીં. તેમના કાર્ય અને તેમની સફળતા હંમેશાં તેમના પડખે બોલતી રહી.
ભલે, મુશ્કેલથી મુશ્કેલ દોરમાં રાહત કાર્યોને આગળ વધવાના નેતૃત્વ સંભાળવાની વાત હોય અથવા ગુજરાતમાં ઉત્પાદનનો બેઝ વધારવાનો સંકલ્પ હોય, રાજ્યમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાના સામાજિક અભિયાનનો પ્રારંભ કરવાનો હોય કે પછી વિશ્વ સ્તરીય શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની પહેલ –વિકાસની કોઈ પણ બાજુ સુશાસનના તેમના મંત્ર અને તેમની દૂરંદર્શીથી દૂર નથી રહી.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત આશાનો એક પ્રકાશ-સ્તંભ બની ગયું. એની સાથે જ એ રાજ્ય ન્યુ ઇન્ડિયાની આકાંક્ષાઓને પણ પ્રતિબિંબિત કરવા લાગ્યું. આખરે ભાજપે તેમને 2013માં વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા. ગુજરાતના વિકાસ મોડલથી પ્રેરિત 21મી સદીના નવા ભારતના વિકાસ મોડલના નરેન્દ્ર મોદીના વિઝનને ટેકો પ્રાપ્ત થયો, જે 2014ની લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીતના રૂપમાં સામે આવ્યો.
2014માં એક નવા ભારતનો ઉદય થયો, જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર સંપૂર્ણ બહુમતી મળી હતી. નરેન્દ્ર મોદીએ પોતાને પ્રધાન સેવક તરીકે ગણાવીને ગરીબો, પીડિતો, વંચિતો અને શોષિતો માટે અનેક યોજના શરૂ કરી.ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરતાં તેઓ રાષ્ટ્રહિત પ્રતિ કટિબદ્ધ રહ્યા. કોઈ પણ પડકાર માટે હંમેશાં તૈયાર રહેનારા મોદીએ ભારતની છબીને ઊજળી બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેઓ કુશળ નેતૃત્વ ક્ષમતાથી એક વિશ્વ નેતાના રૂપમાં સામે આવ્યા. તેમણે ભારતને પણ વિશ્વગુરુ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું.
આજે નરેન્દ્ર મોદી જન વિશ્વાસનું બીજું નામ છે, જ્યારે-જ્યારે કોઈ મુસીબત સામે આવે છે, ગરીબોની સાથે તેમનું બોન્ડિંગ વધી જાય છે. જોકે હજી તેમનું અડધું કાર્ય પૂરું થયું છે અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રની સાથે ન્યુ ઇન્ડિયાના નિર્માણની યાત્રા પૂરી થવાની બાકી છે.
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને PMના યોગદાનની પ્રશંસા કરી
વડા પ્રધાનનાં નેતૃત્વનાં 20 વર્ષ પૂરાં આજે થયાં છે, એ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને તેમને ગુજરાતના મુખ્ય પ્રધાનથી માંડીને વડા પ્રધાન બન્યા અને એના પછીના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે 7 ઓક્ટોબર દેશના ઇતિહાસમાં એક બહુ મહત્ત્વપૂર્ણ દિવસ છે. 2001માં આજે જ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાનના પદે શપથ લીધા હતા અને એ દિવસથી શરૂ થયેલી તેમની સફર વિના અટકે, વિના આરામ કર્યે પ્રત્યેક દિવસે દેશહિત અને જનસેવામાં સમર્પિત રહી છે અને નિતનવાં શિખરો સર કરતી જાય છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે રાજ્યમાં વિકાસની ક્રાંતિ લાવ્યા અને હવે વડા પ્રધાનના રૂપે વિવિધ ઐતિહાસિક યોજનાઓ અને કાર્યોથી કરોડ ગરીબ, કિસાન, મહિલા અને સમાજના વંચિત વર્ગને સશક્ત કરીને તેમના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001એ સૌપ્રથમ વાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા અને એ પછી 20 વર્ષની તેમની રાજકીય સફર પર ભાજપ તેમના પ્રતિ વર્ષ એક મુખ્ય સફળતાએ ‘દરેક વર્ષ ખાસ છે’ની એક શૃંખલા જારી કરી છે.
દુબઈઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એના માતા-પિતાના પ્રેમ અને આશીર્વાદ સાથે સંયુક્ત આરબ અમિરાતમાં આઈપીએલ-2020 ક્રિકેટ સ્પર્ધામાં રમવા માટે આવી પહોંચ્યો છે. એ રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટોક્સના પિતાને કેન્સર થયું છે. એમની પાસે રહેવા માટે એ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ગયો હતો. પરંતુ, બીમાર પિતાએ જ એમ કહીને દીકરાનો જુસ્સો વધાર્યો હતો કે, ‘જા અને ક્રિકેટ રમ.’ એને કારણે જ સ્ટોક્સ ન્યૂઝીલેન્ડમાંથી રવાના થઈને ગયા રવિવારે દુબઈ આવી પહોંચ્યો હતો. હાલ એ આઈપીએલ સ્પર્ધા માટે નક્કી કરાયેલા કોવિડ-19 પ્રોટોકોલ્સ અંતર્ગત ફરજિયાત ક્વોરન્ટાઈન અવસ્થામાં છે.
બેન સ્ટોક્સ ક્રાઈસ્ટચર્ચમાં જન્મેલો છે, પણ બ્રિટનમાં સ્થાયી થયા બાદ એ દેશની ટીમ વતી ક્રિકેટ રમે છે.
સ્ટોક્સે બ્રિટનના અખબાર ધ મિરર માટેની કોલમમાં લખ્યું છે કે, ક્વોરન્ટાઈન અવસ્થામાં હોટેલની રૂમમાં બેઠા રહેવું પડે એવા આઈપીએલના આરંભ વિશે મેં ધાર્યું નહોતું, પરંતુ સમય અનુસાર રહેવું જ પડે. હું અહીંયા સારી સ્થિતિમાં છું. ક્રાઈસ્ટચર્ચમાં પિતા, માતા અને ભાઈને ગૂડબાય કહીને નીકળવાનું મને બહુ આકરું લાગ્યું હતું. અમારા પરિવાર માટે હાલ બહુ જ કપરો સમય ચાલી રહ્યો છે. પરંતુ અમે શ્રેષ્ઠ હોય એ રીતે એકબીજાની પડખે રહ્યાં છીએ. મારે ફરી રમવા જવું જોઈએ એવો તેમણે નિર્ણય લીધા બાદ હું મારા માતા-પિતાનાં આશીર્વાદ અને પ્રેમ મેળવીને દુબઈ માટેના વિમાનમાં બેઠો હતો.
પિતાને કેન્સર હોવાનું નિદાન થયા બાદ બેન સ્ટોક્સ ગયા ઓગસ્ટમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝને અડધેથી છોડીને ક્રાઈસ્ટચર્ચ ગયો હતો. ત્યારથી એ ત્યાં જ હતો.
‘મારા પિતા જવાબદારીને ખૂબ જ મહત્ત્વ આપે છે. એમણે જ મને કહ્યું કે ક્રિકેટ રમવું એ મારી ફરજ છે અને મારે એ બજાવવી જોઈએ. મારી એક પતિ અને પિતા તરીકેની પણ ફરજ બજાવવાની છે,’ એમ બેન સ્ટોક્સે લખ્યું છે.
અમે આ વિશે બહુ જ વિસ્તારપૂર્વક અને લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. આખરે અમે નિર્ણય પર આવ્યા અને આજે હું ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા અહીં આવ્યો છું, એમ સ્ટોક્સે વધુમાં લખ્યું છે.
સ્ટોક્સના આગમનથી આઈપીએલ-2020માં રાજસ્થાન રોયલ્સ ટીમની તાકાત ઘણી વધી જશે. ઓસ્ટ્રેલિયન સ્ટીવન સ્મીથની આગેવાની હેઠળની આ ટીમ હાલ સ્પર્ધામાં સંઘર્ષ કરી રહી છે. પાંચ મેચોમાંથી તે માત્ર બેમાં જ જીતી શકી છે અને 3 હારી છે. શુક્રવારે ટીમનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે છે.
સ્ટોકહોમઃ રસાયણ વિજ્ઞાનમાં વર્ષ 2020 માટે નોબેલ પુરસ્કારની ઘોષણા બુધવારે થઈ હતી. આ પુરસ્કાર બે મહિલા વિજ્ઞાનીને આપવામાં આવ્યો છે. એક છે, ફ્રાંસનાં ઈમેન્યુએલ શાર્પેન્ટીયર અને બીજાં છે, અમેરિકાનાં જેનિફર ડાઉડના. ‘જિનોમ એડિટિંગ’ની પદ્ધતિને વિકસિત કરવા માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે CRISPR-Cas9 DNA ‘કૈંચી’ના રૂપે ઓળખાતા જિનોમ એડિંટિંગ ટેક્નિકને વિકસિત કરી છે.
નોબેલ જ્યુરીએ કહ્યું હતું કે આના પ્રયોગથી સંશોધનકર્તાઓ પ્રાણીઓ, છોડો અને સૂક્ષ્મ જીવોના DNA ખૂબ જ ચોકસાઈથી બદલી શકે છે. આ ટેક્નિકનો જીવન વિજ્ઞાન પર એક ક્રાતિકારી પ્રભાવ પડ્યો છે. નવી કેન્સર સારવારમાં યોગદાન કરી રહી છે અને પૂર્વજોથી મળેલી બીમારીઓની સારવારના સપનાને સાચા કરી શકે છે.સ્ટોકહોમમાં સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સિસની પેનલે બુધવારે વિજેતાઓની ઘોષણા કરી છે. નોબેલ પુરસ્કાર હેઠળ સુવર્ણ પદક, એક કરોડ સ્વિડિશ ક્રોના (આશરે રૂ. 8.20 કરોડ)ની રકમ આપવામાં આવે છે. સ્વિડિશ ક્રોના સ્વીડનનું ચલણ છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે. બ્લેક હોલ સંબંધી શોધ માટે ત્રણ વૈજ્ઞાનિકોને આ વર્ષે ફિઝિક્સનું નોબેલ પુરસ્કાર મળ્યો છે.
રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સિસે ગઈ કાલે કહ્યું હતું કે બ્રિટનના રોજર પેનરોસે બ્લેકહોલ સંબંધી શોધ માટે તથા જર્મનીના રિનહાર્ડ ગેન્ઝેલ અને અમેરિકાની એન્ડ્રિયા ગેજને આપણી આકાશગંગાના કેન્દ્રમાં ‘સુપરમેસિવ કોમ્પેક્ટ ઓબ્જેક્ટ’ની શોધ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે. નોબેલ પુરસ્કાર સમિતિએ સોમવારૈ શરીર વિજ્ઞાન અને મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર અમેરિકી વૈજ્ઞાનિકો-હાર્વે જે ઓલ્ટર, ચાર્લ્સ એમ રાઇઝ અને બ્રિટનમાં જન્મેલા વૈજ્ઞાનિક માઇકલ હફટનને આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય સાહિત્ય, શાંતિ અને અર્થંશાસ્ત્ર જેવાં ક્ષેત્રોમાં સરાહનીય કાર્ય માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે.
મુંબઈઃ બોલીવૂડ અને મરાઠી અભિનેતા રીતેષ દેશમુખે માંસાહાર, બ્લેક કોફી અને એરેટેડ પીણાંનો એક ખાસ કારણસર ત્યાગ કરી દીધો છે.
આ વર્ષે આ પહેલાં, રીતેષ અને એની અભિનેત્રી પત્ની જેનેલિયા ડિસોઝાએ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
રીતેષે જણાવ્યું છે કે, મેં માંસાહાર, બ્લેક કોફી અને એરેટેડ ડ્રિન્ક્સનો ત્યાગ કરી દીધો છે. મારે મારું શરીર સ્વસ્થ રાખવું છે. આખરે, જ્યારે મારા મૃત્યુ પછી મારા અંગોનું દાન કરવાનો સમય આવે ત્યારે લોકો કહે, ‘જતા જતા સ્વસ્થ અવયવો છોડીને ગયો.’
પોતે અને પત્નીએ અંગદાન કરવાનું કેવી રીતે નક્કી કર્યું એ પણ રીતેષે જણાવ્યું છે.
‘અમે (રીતેષ અને જેનેલિયા) છેલ્લા અમુક વર્ષોથી અંગદાન કરવાનું વિચારતાં જ હતાં. આ લોકડાઉન વખતે અમને એ વિશે વિચારવાનો સમય મળી ગયો. કમનસીબે, અમારી પાસે અંગદાન વિશે પૂરતી માહિતી નહોતી કે આ માટે કોનો સંપર્ક કરવો કે આ માટેની પ્રક્રિયા શું છે,’ આમ કહીને રીતેષે ‘કૌન બનેગા કરોડપતિ’ શોના ‘કર્મવીર સ્પેશિયલ’ એપિસોડ પરના ડો. સુનીલ શ્રોફને સમર્થન આપ્યું હતું.
‘એક દિવસ અમે બેઉએ નક્કી કર્યું કે એક વિડિયો બનાવીએ અને કહ્યું કે અમે શું ઈચ્છીએ છીએ અને શક્ય હશે એટલું દાન કરીશું,’ એમ રીતેષે વધુમાં કહ્યું છે.
નવી દિલ્હીઃ એમેઝોન ગ્રાહકો હવે એના પ્લેટફોર્મથી ટિકિટનું રિઝર્વેશન કરાવી શકશે. ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે આ સુવિધા આપવા માટે ભાગીદારી કરી છે. આ નવી સુવિધા સાથે એમેઝોન એપ પરથી ગ્રાહકો રેલવેની બધી ટ્રેનોમાં ટિકિટોની ઉપલબ્ધતા અને ક્વોટાની માહિતી મેળવી શકશે. આ સાથે તેઓ એમેઝોન પર સેલ્ફ સર્વિસના વિકલ્પમાંથી PNR સ્ટેટસ (એમેઝોનમાં બુક કરેલી ટિકિટો જ માત્ર) ડાઉનલોડ અને ટિકિટો રદ કરાવી શકશે. કંપનીએ એપ પરથી ટિકિટોનું બુકિંગ કરાવનારા ગ્રાહકો માટે કેશબેકની ઓફરની પણ જાહેરાત કરી છે.
આમાં ગ્રાહકને પહેલી વાર ટ્રેન ટિકિટ બુકિંગ કરાવનારને 10 ટકા કેશબેક એટલે કે રૂપિયા 100 સુધીનું કેશબેક મેળવી શકશે, જ્યારે બીજી બાજુ, પ્રાઇમ મેમ્બર્સ આ ટિકિટ બુકિંગ પર 12 ટકા એટલે કે રૂ. 120 સુધીનું કેશબેક મેળવી શકશે.
પ્રારંભિક ઓફરના ભાગરૂપે એમેઝોન સર્વિસ અને ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરી દીધો છે. જોકે આ ઓફર મર્યાદિત સમયગાળા માટે માન્ય રહેશે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે એમેઝોન પે બેલેન્સ સાથે ચુકવણી કરનારા ગ્રાહકોને બુકિંગના કેન્સલેશન અથવા બુકિંગના ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો તાત્કાલિક રિફંડ મળશે.
બંને એન્ડ્રોઇડ અને iOS એપ યુઝર્સ માટે નવા ફીચર્સ ઉપલબ્ધ છે. ગ્રાહકો એમેઝોન પે ટેબ પર ટ્રેન- ટ્રાવેલ કેટેગરીમાં જઈને ટિકિટ્સ બુક કરાવી શકશે. તેઓ સરળતાથી તેમના રૂટ-પ્રવાસની તારીખને પસંદ કરીને ઉપલબ્ધ ટ્રેનોની યાદી મેળવી શકશે. તેમણે ટિકિટ કેન્સલ કરવા માટે ‘યોર ઓર્ડર્સ’ સેક્શનમાં જઈને ટિકિટ રદ કરાવી શકશે. તેઓ 24×7 (ચોવીસ કલાક) એમેઝોન હેલ્પલાઇન પર ફોન અને ચેટ દ્વારા મદદ મેળવી શકશે.
મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં બહાર આવેલા ડ્રગ્સ કૌભાંડ કેસમાં મુંબઈ હાઈકોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીને આજે જામીન મંજૂર કર્યા છે. જોકે એનાં ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર કરી છે.
કોર્ટે જામીન ઓર્ડરમાં કહ્યું કે નશીલા પદાર્થોના સોદાગરોની ટોળકીનો રિયા ચક્રવર્તી હિસ્સો નથી. એણે પૈસા કમાવવા માટે કે બીજા કોઈ લાભ મેળવવા માટે કોઈને માટે ડ્રગ્સ ખરીદી નહોતી કે કોઈને ફોરવર્ડ પણ કરી નહોતી.
ઉલ્લેખનીય છે કે, આ કેસ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના ભેદ વિશેના કેસ સાથે સંકળાયેલો છે.
હાઈકોર્ટના આદેશને પગલે રિયાને પોતાનો પાસપોર્ટ સત્તાવાળાઓ પાસે જમા કરાવી દેવો પડ્યો છે. જ્યારે એને દેશની બહાર જવું હોય ત્યારે એ પૂર્વે સ્પેશિયલ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ) જજની પરવાનગી મેળવવી પડશે. તેમજ મુંબઈની બહાર જવું હોય ત્યારે તપાસનીશ અધિકારીની પરવાનગી લેવાની રહેશે.
એને આ ઉપરાંત રૂ. 1 લાખના પર્સનલ બોન્ડ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે એમ પણ કહ્યું કે રિયાનો કોઈ પાછલો ક્રિમિનલ રેકોર્ડ નથી અને એ જામીન પર હશે ત્યારે કોઈ ગુનો કરશે એવી કોઈ સંભાવના નથી એવું માનવાનું કોર્ટ પાસે વાજબી કારણ છે. જામીન અરજદાર NDPS કાયદાની કલમો 19, 24 કે 27-એ હેઠળ સજાપાત્ર ગુનેગાર ઠરતી નથી.
રિયા અને એનાં ભાઈની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા ગઈ 8 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. NCBના અધિકારીઓએ ડ્રગ્સના મામલે રિયાની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એની પર NDPS કાયદા, 1985 અંતર્ગત આરોપ મૂક્યો હતો. સ્પેશિયલ NDPS કોર્ટે રિયાને 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી હતી. જે મુદતને બાદમાં લંબાવવામાં આવી હતી. એનસીબીનો આરોપ છે કે રિયા, જે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી, એણે સુશાંત માટે ડ્રગ્સ મેળવી હતી. સુશાંત ગઈ 14 જૂને મુંબઈમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
મુંબઈ પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરી હતી. સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે પટનામાં રિયા અને એનાં પરિવારજનો પર આરોપ મૂક્યો હતો કે એમણેે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો.
આ આક્ષેપોને પગલે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ મુંબઈ પોલીસના હાથમાંથી લઈને સીબીઆઈને સુપરત કરી હતી. તપાસ દરમિયાન આ કેસમાં ડ્રગ્સનો મામલો પણ બહાર આવતાં એનસીબી દ્વારા અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ MICAના પ્રોફેસર અને સંશોધનકર્તા ડો. શેફાલી ગુપ્તાને સોશિયલ સાયન્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત ‘બસંતકુમાર બિરલા રિસર્ચ સ્કોલર એવોર્ડ 2019’ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપલબ્ધિ પાછલાં પાંચ વર્ષોમાં ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં તેમનાં પબ્લિકેશન્સને આધારે ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ અને નિરંતર યોગદાનની માન્યતા સ્વરૂપે આવે છે.
MICAના પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર ડો. શૈલેન્દ્ર રાજ મહેતાએ કહ્યું હતું કે MICAએ હંમેશાં આંતરરાષ્ટ્રીય સ્તરે જર્નલે સૂચવેલી અત્યાધુનિક શોધને પ્રોત્સાહિત કરવા અને તેમની ફેકલ્ટીને જર્નલમાં પ્રકાશન માટે ઉચ્ચ ગુણત્તાવાળા કાગળિયાં ઉપલબ્ધ કરાવવા માટે સંસાધનોની સાથે પ્રદાન કરવામાં વિશ્વાસ દર્શાવ્યો છે. આના પરિણામસ્વરૂપ અમારી ફેકલ્ટીએ ભારત અને વિદેશોમાં પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે.
એક વર્ચુઅલ આયોજિત કાર્યક્રમમાં પ્રો. શેફાલી ગુપ્તાએ કહ્યું હતું કે આ રિસર્ચ વાસ્તવિક, રિવર્સ અને સામાજિક નવીનતા ભારત જેવાં ઊભરતાં બજારોના સંદર્ભમાં નિર્ધારિત કરવામાં મદદ કરે છે. એ સાથે એ લાખો લોકોને રોજગાર પેદા કરવા અને એક સુરક્ષિત ભવિષ્ય બનાવે છે, જેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતા.
પ્રો. ગુપ્તા MICAનામાં વ્યૂહાત્મક માર્કેટિંગમાં એક પ્રોફેસર છે અને વ્યૂહાત્મક માર્કેટિંગ જર્નલના એસોસિયેટ પ્રેસ રિલીઝ એડિટર છે. આ ઉપરાંત તેમની A- શ્રેણી આંતરરાષ્ટ્રીય જર્નલ સિવાય એડિટોરિયલ રિવ્યુ બોર્ડ ઓફ જર્નલ ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગના નિમણૂંક પામનારા એકમાત્ર ભારતીય સભ્ય છે.