Home Blog Page 4627

NDDBએ લદાખ સાથે MOU કર્યા

આણંદઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ડેરી ઉદ્યોગ અને ગ્રામ્ય આજીવિકાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી NDDB અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના વહીવટી તંત્રે સર્વે હાથ ધરવા માટે એક MOU કર્યા છે. NDDBનો આ ડેરી ક્ષમતા સર્વે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના રોડમેપને તૈયાર કરવામાં મદદરૂપ થશે તથા આ પહાડી અને સરહદી વિસ્તારોમાં ગ્રામ્ય લોકોને તેમની આવક વધારવામાં સહાયરૂપ થશે.

 સંચાલકીય અને ટેક્નિકલ સહાય

NDDBના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું કે  NDDB લદાખ પ્રદેશમાં દૂધઉત્પાદકો અને સહકારી ચળવળના હિતમાં ડેરી ઉદ્યોગનો વિકાસ સાધવા માટે પહેલ હાથ ધરનારા વહીવટી તંત્રના પ્રયાસોને સમર્થ પૂરું પાડવા માટે ખૂબ જ ખુશ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડેરી બોર્ડે સહકારી મૂલ્યોને સાચા અર્થમાં વળગી રહેનારી ઉત્પાદકોની માલિકીની સંસ્થાઓને પ્રોત્સાહન આપવા સંચાલકીય અને ટેક્નિકલ સહાય પૂરી પાડવાની રજૂઆત કરી છે.

દુધાળા પશુઓની કેટલી સંખ્યા?

NDDBએ ઓળખી કાઢવામાં આવેલા ગામડાંઓમાં આવેલા તમામ ઘરો તેઓ દુધાળા પશુઓની કેટલી સંખ્યા ધરાવે છે- એને ધ્યાન પર લીધા વિના તેની ગણતરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. NDDBના અધિકારીઓ લેહ અને કારગિલ જિલ્લાઓમાં નિમણૂક કરવામાં આવેલા સંયોજકોને તાલીમ આપશે, તેના બદલામાં આ સંયોજકો સર્વેમાં સામેલ કરવામાં આવનારા ગ્રામ્ય તપાસકર્તાઓને ઓળખી કાઢશે, ફીલ્ડવર્ક પર નજર રાખશે અને તકેદારી લેશે.

ડેરી ઉદ્યોગના વિકાસ માટેનો એક રોડમેપ

આગામી બે મહિનામાં ફીલ્ડ વર્ક પૂરું થઈ ગયા બાદ NDDB આબોહવાકીય સ્થિતિ, પશુઓની જાતિઓની અનુકૂળતા, પ્રાણીઓનું આરોગ્ય અને AI સપોર્ટ, આહાર અને ઘાસચારની ઉપલબ્ધતા, લોજિસ્ટિક્સમાં રહેલા અવરોધો તથા પુરવઠા શૃંખલા, વેચાણની વ્યવસ્થા વગેરે જેવા મહત્ત્વનાં પાસાંઓને ધ્યાન પર લઈ આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટેનો એક રોડમેપ તૈયાર કરશે. પ્રાથમિક તારણો અને રોડમેપ અંગે હિતધારકોમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે અને આ ચર્ચા-વિચારણા બાદ એક યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને વહીવટી તંત્રને સોંપવામાં આવશે

 

 

 

ખેડૂત પુત્ર વિજયે JEE-એડવાન્સ પાસ કરી

અમદાવાદઃ  એક પથ્થરને હીરો બનવા માટે ફક્ત એક તકની જરૂર હોય છે અને 18 વર્ષના વિજય મકવાણાએ આ જ વાત સાબિત કરી આપી છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નવી અખોલ ગામમાં વસતો એક ખેડૂતનો પુત્ર વિજય એ અમદાવાદસ્થિત વિસામો કિડ્સ ફાઉન્ડેશનનો પહેલો વિદ્યાર્થી છે, જેણે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ પાસ કરી લીધી છે. આ પરીક્ષાનાં પરિણામો સોમવારે જાહેર થયાં હતાં.

વિજયે અનુસૂચિત જાતિ (એસસી)ની કેટેગરીમાં 1,849મો ઓલ ઇન્ડિયા રેન્ક (એઆઇઆર) મેળવીને આ સંસ્થાના નામને રોશન કર્યું છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી વિજય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IIT) ખડગપુર અથવા રુડકીમાં એડમિશન મેળવવા માગે છે.

વિજયે આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘વિસામો કિડ્સ ફાઉન્ડેશનને કારણે મને પ્રાપ્ત થયેલા સમર્થન અને તકો માટે હું તેમનો ખૂબ જ આભારી છું, જેણે મને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવામાં અને મારા સપનાઓને સાકાર કરવામાં મને મદદ કરી છે.’

વિસામો કિડ્સ ફાઉન્ડેશનના એડમિનિસ્ટ્રેટર સુદેશના ભોજિયાએ જણાવ્યું હતું કે ‘ વિજય જેવા વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે શિક્ષણમાં જો યોગ્ય તક પ્રાપ્ત થાય તો તે તેમના કૌશલ્યોનું ઘડતર કરવાની સાથે-સાથે તેમને તેમની સાચી ક્ષમતા જાણવા સક્ષમ બનાવે છે અને તેને યોગ્ય દિશા પૂરી પાડી તેમના ભવિષ્યનું ઘડતર પણ કરે છે.’

 

 

કોરોનાના 72,049 નવા કેસ, 986નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 67 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 72,049 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 986 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 67,57,131 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,04,555 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 57,44,693 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 75,787 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,07,883 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

સ્કિન પર નવ કલાક રહે કોરોના વાઇરસ

નિષ્ણાતોનો દાવો છે કે ઇન્ફ્લુએન્ઝા જેવા ઘાતક વાઇરસ પણ માણસની ત્વચા પર બે કલાકથી વધારે ટકી શકતા નથી, પરંતુ કોરોના વાઇરસ નવ કલાકથી પણ વધારે સમય સુધી સ્કિન પર રહી શકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે 80 ટકા આલ્કોહોલવાળું સેનિટાઇઝર ફક્ત 15 સેકન્ડ કોઈ પણ પ્રકારના વાઇરસને સ્કિનથી ગાયબ કરી શકે છે. યુએસ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન પણ આલ્કોહોલવાળા સેનિટાઇઝરથી હાથોને ધોવાની સલાહ આપે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

પાકિસ્તાન એક્ટર દિલીપકુમારનું પેશાવરનું ઘર ખરીદશે

પેશાવરઃ પાકિસ્તાનમાં એક પ્રાંતીય સરકારે પેશાવરમાં ભારતીય ફિલ્મ દિગ્ગજ એક્ટર દિલીપકુમારનું ઘર ખરીદવાનો નિર્ણય લીધો છે અને એને એના મૂળ સ્વરૂપમાં જ સુરક્ષિત કરીને એક મ્યુઝિયમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. એક વિડિયો સંદેશમાં ખૈબર પખતૂનખ્બાના મુખ્ય પ્રધાનની સૂચના પર વિશેષ સહાયક કામરાન બંગેશે કહ્યું છે કે જિલ્લા વહીવટી તંત્ર પેશાવરે મોહલ્લા ખુદાદાદ ક્યુસાસ ખાની બજારમાં દિલીપકુમારના પૂર્વજોના ઘરના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવતાં સેક્શન IV લગાવી છે.

દિલીપકુમારનું ઘર પહેલા તબક્કામાં ખરીદવામાં આવશે, જેના માટે ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા તબક્કામાં ઘરનું સમારકામ કરવામાં આવશે અને એને મૂળ આકારમાં પુનર્વસન કરવામાં આવશે, એમ બંગેશ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે પેશાવર પુનરુદ્ધાર યોજના હેઠળ દિલીપકુમારના ઘરને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે અને એને સુરક્ષિત કરવામાં આવશે. ત્યાર પછી એ સામાન્ય જનતા માટે ખુલ્લું રહેશે, જેથી ઐતિહાસિક પેશાવર શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને ભારતીય ફિલ્મઉદ્યોગમાં શોબિઝ દિલીપકુમારના યોગદાનને દર્શાવી શકાય.

 

 

 

રાશિ ભવિષ્ય 07/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

BSE SME પ્લેટફોર્મ પર અતમ વાલ્વ્સ લિસ્ટેડ

મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર તાજેતરમાં 328મી કંપની તરીકે અતમ વાલ્વ્સ થઈ છે. અતમ વાલ્વસ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 11.25 લાખ ઈક્વિટી શેર રૂ.40ની કિંમતે ઓફર કર્યા હતા. કંપનીનો રૂ.કુલ રૂ.4.5 કરોડનો પબ્લિક ઈશ્યુ 25 સપ્ટેમ્બર, 2020ના રોજ સંપન્ન થયો હતો.

અતમ વાલ્વ્સ બ્રોન્ઝ, કાસ્ટ આયર્ન, કાર્બન સ્ટીલ, સ્ટેઈલેસ સ્ટીલ, ફોર્જ્ડ સ્ટીલ તેમ જ વિવિધ પ્રકારના અને કદના ગન મેટલ ઈન્ડસ્ટ્રિયલ વાલ્વ્સનું ઉત્પાદન કરે છે. કંપની 13થી અધિક દેશોમાં નિકાસ કરે છે, જેમાં મુખ્યત્વે યુનાઈટેડ સ્ટેટ્સ, કુવૈત, કેન્યા, સાઉથ આફ્રિકા, મલેશિયા, દુબઈ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ઓમાન, ફિલિપાઈન્સ, ઈથિઓપિયા, નેપાળ અને યુનાઈટેડ કિંગડમનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં 86 SME કંપનીઓએ મેઈન બોર્ડમાં સ્થળાંતર કર્યું છે. BSE SME પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીમાં 326 કંપનીઓએ રૂ.3,340.36 કરોડ એકત્ર કર્યા છે, જેમનું માર્કેટ કેપિટલાઈઝેશન અત્યારે રૂ20,658.81 કરોડ છે. BSE આ સેગમેન્ટમાં 61 ટકા બજાર હિસ્સા સાથે મોખરે છે.

૭ ઓક્ટોબર ૨૦૨૦

૭ ઓક્ટોબર ૨૦૨૦

એક સફળ લીડર બનવાનું સ્વપ્ન તમે જોયું છે?

કોઈ પણ કાર્ય પરિપૂર્ણ કરવા ટીમ કઈ રીતે બનાવવી અને એ ટીમનું સફળતાપૂર્વક કઈ રીતે સંચાલન કરવું તે માટે પ્રખર નેતૃત્વ શક્તિ હોવી અનિવાર્ય છે. એક શક્તિશાળી લીડરમાં કયા ગુણ હોવા જોઈએ?

તો સર્વ પ્રથમ એક પ્રાથમિક ગુણધર્મ વિષે હું કહીશ કે, પોતાનું નિયંત્રણ આખી ટીમ પર હોય, તેવો આગ્રહ એક સાચા લીડર એ કદાપિ રાખવો ન જોઈએ. નિયંત્રણ કરવાની વૃત્તિનો અભાવ, એ એક સાચા લીડર માટે આવશ્યક એવો સર્વ પ્રથમ ગુણ છે. નિદ્રાવસ્થા કે સ્વપ્નાવસ્થામાં તમારું નિયંત્રણ તમારી જાત પર હોય છે? તમારાં પોતાનાં શરીરનાં અંગોનાં સંચાલન ઉપર શું તમારો  કાબુ  હોય છે? હૃદય રક્તનું પરિવહન કરે છે અને શ્વસન તંત્ર આપમેળે તેનું કાર્ય કર્યા કરે છે. તમારા વિચારોનું તમે નિયમન કરી શકો છો ? નહીં, ને! તો જયારે તમે અનુભવ કરો છો કે જીવનની સર્વાધિક મહત્વપૂર્ણ બાબતો પર તમારું કોઈ જ નિયંત્રણ નથી, ત્યારે અન્ય લોકોને, કે ટીમ ને નિયંત્રિત કરી શકાય તે વિચાર ભ્રાંતિ પૂર્ણ છે. સમજી લો કે તમે કોઈને અંકુશમાં લઇ શકતા નથી. તે અસંભવ છે. આ સત્ય તમને વિશ્રાંત કરે છે. શાંત કરે છે.

ટીમ માટે ઉદાહરણરૂપ બનવું એ સફળ નેતૃત્વ માટેનો અગત્યનો ગુણધર્મ છે. લીડર હંમેશા કોઈ પણ કાર્ય કઈ રીતે થાય તે પહેલાં સ્વયં કરે છે અને પછી ટીમને શીખવે છે. તે કદાપિ કોઈને હુકમ કરતો નથી. એક સારો લીડર હંમેશા નવા લીડર્સ બનાવે છે. ટીમના સભ્યો માત્ર  પોતાના અનુયાયીઓ બનીને રહે તેવું તે ક્યારેય ઈચ્છતો નથી. પોતાની ટીમની એ સંભાળ લે છે. અન્ય વ્યક્તિની પરિસ્થિતિને તે પૂર્ણપણે સમજી શકે છે. અન્ય વ્યક્તિનાં સંજોગો સાથે સારૂપ્ય કેળવી શકવાની તેનામાં અદભુત ક્ષમતા હોય છે અને તેથી જ ટીમની અંદર જવાબદારીઓનું યોગ્ય વિતરણ તે કરી શકે છે.

દૂરદર્શીપણું એક લીડરનો આગવો ગુણધર્મ છે. લાંબા ગાળા માટે તે ધ્યેય સુનિશ્ચિત કરે છે, અને તેને પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાની યોજનાઓ બનાવે છે. પોતાની જરૂરિયાતો કરતાં પોતાની સંસ્થાની કે પોતાના રાષ્ટ્ર માટેની જરૂરિયાતો  તેને માટે વધુ અગત્યની હોય છે. સંસ્થાના કે રાષ્ટ્રનાં હિત માટે પોતાની ઈચ્છાઓનું તે સરળતાથી બલિદાન આપવા તત્પર હોય છે. લીડર હંમેશા પડકારોનો સ્વીકાર અને સજગતાપૂર્વક તેનો સામનો કરે છે. તે ડરતો નથી, ઉદ્વિગ્ન પણ થતો નથી. પ્રત્યેક સમસ્યાને તે અવસરમાં બદલે છે. કઠિન સમય દરમ્યાન તે સ્વસ્થ, કેન્દ્રિત અને નિશ્ચલ રહે છે.

પોતાનાં હૃદય અને મસ્તિષ્ક વચ્ચે સંતુલન સાધવાની કુશળતા એક લીડરમાં સ્વાભાવિકપણે જ હોય છે. કયા નિર્ણયો લેવામાં મસ્તિષ્કનો ઉપયોગ કરવો અને ક્યારે હૃદયની વાત સાંભળવી તે વિવેક એક લીડરમાં હોય છે. વ્યવસાયની બાબતમાં તે મસ્તિષ્કની સલાહ અનુસરે છે, પરંતુ સંબંધો અને જીવનના અન્ય ક્ષેત્રોમાં તે હૃદયને સાંભળે છે. બુદ્ધિમત્તા અને લાગણીશીલતા વચ્ચે સાયુજ્ય સાધીને તે યોગ્ય નિર્ણય કરતો હોય છે.  તેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ હોય છે, અદ્દભૂત અવલોકનશક્તિ અને સુંદર અભિવ્યક્તિ એકે લીડરની મુખ્ય વિશેષતા હોય છે.

પોતાની સુવિધા અને સગવડતાને  એક સાચો લીડર ક્યારેય પ્રાથમિકતા આપતો નથી. તે જાણે છે કે સૃજનાત્મક્તા અને ગતિશીલતાનો આવિર્ભાવ કરવા માટે સુવિધા, સગવડ ભર્યાં વાતાવરણમાંથી બહાર નીકળવું પડશે. કમ્ફર્ટ ઝોનની બહાર જ કાર્ય સિદ્ધિ વસે છે. ધ્યેયની પ્રાપ્તિ આડે આવતાં સઘળાં આકર્ષણ, પ્રમાદ નો એક લીડર દ્રઢતાપૂર્વક સામનો કરે છે અને વિજયી બને છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા એક જ પગલું ભરવાનું છે, અને તે અંગેનું શિસ્ત તેનામાં ભરપૂર હોય છે.

પદ અને સત્તાથી સન્માન પ્રાપ્ત થતું હોય છે. પણ સદ્દગુણોને કારણે જે સન્માન વ્યક્તિ મેળવે છે તે ચિરસ્થાયી અને અનોખું છે. આ સત્યને એક સાચો લીડર સુપેરે  જાણે છે. તેને ખબર છે કે સત્તા અને પદને કારણે મળતી પ્રતિષ્ઠા અલ્પજીવી હોય છે. પદ જતાંની સાથે પ્રતિષ્ઠાનો પણ અંત આવે છે. પરંતુ સ્વયંની કાર્યનિષ્ઠા, ટીમ પ્રત્યેનો અભિગમ અને સંચાલનની કુશળતા થકી જે સન્માન અને આદર પ્રાપ્ત થાય છે તે દીર્ઘજીવી છે. અને એટલે જ પોતાની ટીમ સાથે તેનું વર્તન સૌહાર્દપૂર્ણ હોય છે તથા સ્વ-અનુશાસન દ્વારા તેણે પોતાની કાર્ય શૈલીમાં કૌશલ્ય સાધ્યું હોય છે. તે પોતાને ટીમનો જ ભાગ સમજે છે. તે પોતાને અન્યની તુલનામાં મહાન સમજતો નથી. તેનામાં ઉદ્ધતાઈ અને મિથ્યાભિમાનનો સદંતર અભાવ હોય છે. તેનો વર્તાવ આત્મીયતા સભર હોય છે.

આજે ઘણી જગ્યાએ ઉગ્ર અને જિદ્દી વલણને લીડરશીપ સાથે સાંકળવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે લીડર આક્રમક હોવો જોઈએ, ઉગ્રતાપૂર્વકની વર્તણુક એક લીડર માટે સ્વાભાવિક માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ એક ખોટી માન્યતા છે. જે વ્યક્તિ સ્વયં સંતુલિત રહીને, અન્યનો તણાવ દૂર કરી શકે અને અન્યના ચહેરા પર સ્મિત લાવી શકે તે વાસ્તવમાં સાચો લીડર છે.

તો એક સાચો લીડર સત્યદર્શી, સમદર્શી, પ્રિયદર્શી, પારદર્શી અને દૂરદર્શી છે. આજીવન વિદ્યાર્થી છે. ભીતરથી શાંત પરંતુ તેની પ્રવૃત્તિ ગતિશીલ છે. તેનું પ્રત્યેક કાર્ય ઉત્સવપૂર્ણ, વિશ્રાંતિપૂર્ણ અને આત્મિયતાસભર છે. જીવન તેને માટે પ્રેમ, આનંદ અને ઉત્સાહનો અનુપમ સંગમ છે. તો સજગ બનો, એક ધ્યેય સ્વયં માટે અને એક ધ્યેય સમાજ માટે નિર્ધારિત કરો, નેતૃત્વ શક્તિ કેળવો અને જુઓ કે જીવન અતિ સરળ છે, જીવન એક ઉત્સવ છે!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 07/10/2020

વસઈ, થાણે, કલ્યાણને જોડશે મહત્ત્વાકાંક્ષી જળમાર્ગ

મુંબઈઃ મુખ્ય માર્ગો પર ટ્રાફિક સતત વધતો જ જાય છે એને કારણે વસઈ-થાણે-કલ્યાણ માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આના ઉકેલ રૂપે સત્તાવાળાઓએ લોકોને જળમાર્ગનો વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે.

પાલઘર જિલ્લાના વસઈ અને થાણે જિલ્લાના થાણે તથા કલ્યાણ શહેરો વચ્ચે વોટર ટ્રાન્સપોર્ટ યોજના શરૂ કરવામાં આવશે. આ મલ્ટી-કોરિડોર ઈનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ યોજના થાણે મહાનગરપાલિકાની છે. એની પાછળનો ઉદ્દેશ્ય મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) પર ગીચતાની સમસ્યા હળવી કરવાનો છે.

આ ત્રણ શહેર – વસઈ, થાણે, કલ્યાણ વચ્ચેનો સૂચિત જળમાર્ગ 54 કિલોમીટરનો હશે. હાલ ટ્રેન કે રોડ માર્ગે કલ્યાણ અને વસઈ વચ્ચે પ્રવાસ કરવામાં લોકોને બે કલાકથી પણ વધારે સમય જાય છે. પરંતુ જળમાર્ગ શરૂ થયા બાદ તેઓ માત્ર 70 મિનિટમાં જ પહોંચી શકશે. એ માટે ફેરી સર્વિસની ટિકિટ પણ વાજબી રાખવામાં આવશે અને તે સૌથી સસ્તું પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે.

આ જળમાર્ગ યોજનાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે અને કેન્દ્રીય પરિવહન રાજ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરી આપી છે કે આવતા વર્ષે ચોમાસા પૂર્વે આ વોટર ટ્રાન્સપોર્ટ શરૂ કરી દેવામાં આવશે. એમણે આ ખાતરી શિવસેનાના સંસદસભ્ય રાજન વિચારે સાથેની ઈ-મીટિંગમાં આપી હતી.

આ વોટર ટ્રાન્સપોર્ટ માર્ગ થાણે, મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, વસઈ-વિરાહ, મિરા-ભાયંદરને આવરી લેશે.

આ માર્ગો પર પ્રવાસીઓ માટે 10 નાની જેટ્ટીઓ બાંધવામાં આવશે.

આ યોજનાનો અહેવાલ થાણે મહાનગરપાલિકાએ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીને આપ્યો છે.

આ વોટર ટ્રાન્સપોર્ટ યોજના માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર રાજ્ય, બંને તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવશે.

આ યોજના ત્રણ તબક્કાની હશે. પહેલા તબક્કામાં કલ્યાણ-થાણે-વસઈને જોડવામાં આવશે. બીજામાં થાણેને મુંબઈ સાથે અને ત્રીજા તબક્કામાં થાણેને નવી મુંબઈ સાથે જોડવામાં આવશે.