Home Blog Page 4633

Chitralekha Gujarati – October 12, 2020

PDF Version Password for PDF- CG121020

૨ ઓક્ટોબર ૨૦૨૦

૨ ઓક્ટોબર ૨૦૨૦

લોકડાઉન ડાયરીઃ ખમીરથી છલોછલ છે પાનાં…

લૉકડાઉન છે… ખમીર ડાઉન નથી!

દેશભરમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા 24 માર્ચ, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના પહેલા લૉકડાઉનની જાહેરાત કરી એના છ મહિના નિમિત્તે સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ એક પહેલ કરી- લૉકડાઉનમાં થયેલા સકારાત્મક અનુભવો, લાગણીનીતરતા પ્રસંગો શૅર કરવાનું વાચકોને ઈજન દીધું…

અને ગણતરીના સમયમાં જ ‘ચિત્રલેખા’ના વૉટ્સઍપનંબર તથા ઈ-મેલના ઈનબૉક્સમાં લખાણનાં ઘોડાપૂર ઊમટ્યાં. હવે, ‘ચિત્રલેખા’ના અંકોમાં આ ચૂંટેલાં લખાણ પ્રસિદ્ધ થઇ રહયા છે ત્યારે અમુક કારણસર ‘ચિત્રલેખા’ સામયિકમાં જેનો સમાવેશ કરી શકાયો નથી એવાં કેટલાંક ચૂંટેલાં લખાણને અહીં પ્રકાશિત કરી રહયા છીએ. 

-અને હા, ‘ચિત્રલેખા’ ને એટલી બધી અધધધ સંખ્યામાં લખાણો મળ્યાં છે કે એ બધાનો સમાવેશ એક જ સાથે કરવાનું થોડું અઘરૂં છે એટલે આવતા અઠવાડિયે ફરી મળીશું બીજાં કેટલાંક ચૂંટેલા લખાણો સાથે. ત્યાં સુધી વાંચો…

(1) આપત્તિ કે નવસર્જનની ઘડી?
(અજય મો. નાયક)2020નો પ્રારંભ અત્યાર સુધીનાં વર્ષો કરતાં અલગ રીતે થયો. 2020 માટે ઘણાએ જાતજાતનાં સપનાં જોયા હશે, તેને સાકાર કરવાનાં આયોજન કર્યાં હશે, પણ વર્ષનો પ્રથમ ત્રૈમાસિક ગાળો પૂરો થાય એ પહેલાં જ તેની પર પાણી ફરી વળ્યું. કોરોના નામના રોગે વિશ્વ ભરમાં ભરડો લીધો. કહેવાતા વિકસિત દેશોની પોલ ખૂલી ગઈ. ભારત આટલો મોટો દેશ અને વિકસિત દેશોની સરખામણીએ તદ્દન ગમાર દેશ. છતાં અહીં પરિસ્થિતિ ઘણી કાબૂમાં છે. ટીકા કરનારા તો ટીકા જ કરશે, પણ જમીની હકીકતનો કોઈ ઈનકાર કરી શકે નહીં.મૂળ તો આપણે આસ્થાળુ પ્રજા છીએ. ઈશ્વર કે અન્ય કોઈ શક્તિ પર આપણને ભરોસો હોય છે. આ એક પ્રકારનું બળ છે. બીજું,  આપણા પૌરાણિક ગ્રંથો. દરેક ભારતીય તેના જીવન દરમિયાન ગમે ત્યારે તેનો અભ્યાસ કરે છે, જે સમય આવે કામ લાગે છે. ત્રીજું,  આપણી કૌટુંબિક ભાવના. આનાથી વ્યક્તિને પોતાની સમસ્યાનો સામનો કરવામાં મદદ મળે છે. યુરોપ-અમેરિકાની વાત કરીએ તો ત્યાં વ્યક્તિ પોતાની રીતે પોતાની લડાઈ લડે છે એટલે ત્યાં સ્થિતિ વધુ વિકટ છે.કોરોનાને કારણે હવે પછી દરેકના જીવનમાં થોડાઘણા અંશે પરિવર્તન આવવાનું છે. જીવન પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ જશે, બદલાઈ ગયો છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં સમુદ્રમંથનની ઘટનાનો ઉલ્લેખ છે. બસ, આ આધુનિક સમુદ્રમંથન છે, જેની અસર વર્ષો સુધી રહેશે. આ મંથનમાંથી સારી વસ્તુ સ્વીકારીને અનિષ્ટનો ત્યાગ કરવો એ શીખ છે. ઈશ્વરે આ એક તક આપી છે. હવે આપણા પર છે કે તેને કેવી રીતે ઝડપી લઈએ.

 


(2) અદ્શ્ય વાઈરસે માણસાઈ ઉજાગર કરી….
(કલ્પના ત્રિવેદી, સુરેન્દ્રનગર) લૉકડાઉનની શરૂઆતમાં ગમતું હતું કે પરિવાર સાથે ખાઈ-પી ને આનંદ કરીએ છીએ, પણ બે અઠવાડિયાં બાદ એક માનસિક પ્રવાસ શરૂ થયો કે જે લોકો રોજનું લાવી રોજ ખાય છે એના કોળિયા છીનવાઈ ગયા છે… અને મનમાં એક ઝણઝણાટી થઈ કે આવા પરિવારનું શું? ઘણી સેવાભાવી સંસ્થા એમની ફરજ બજાવતી હતી. અમારા ઘરની બાજુમાં જ રોજ રસોઈની સુગંધ આવે. તપાસ કરી તો છ યુવાનો પોતાની આવકમાંથી રોજ સવારસાંજ જાતે રસોઈ બનાવી, પૅકેટ તૈયાર કરી આવા નિરાધાર પરિવારને પહોંચાડે છે. હૈયું ગદગદ થઈ ગયું. હું નિવૃત્ત પ્રિન્સિપાલ છું. શારીરિક રીતે ખાસ કામ ન આવી શકું એટલે મેં એ યુવાનોને આર્થિક સહાય કરી. પછી તો જાતે જ વૃદ્ધ મહિલાઓ માટે રાશન કિટ બનાવી ઘેર ઘેર પહોંચાડી. આવનારા દિવસોમાં હજુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે એ વિચારી અન્ય એન.જી.ઓ.સાથે સહકારથી કામ કર્યું. એક માજીને દરરોજ કૂતરાને ખવડાવતાં જોયાં એમની સાથે વાત કરી તો એ કહેઃ ‘આપણે એકાદ ટંક ન ખાઈએ તો ચાલશે, પણ આ અબોલ પશુ કોને કહેવા જાશે? હું રોટલા ઉઘરાવી એમને ખવડાવું છું…’ અને મારાં અંતરમાં ઝણઝણાટી થઈ કે આવી અનુકંપાથી જ દુનિયા ટકી રહી છે.ખરો કપરો કાળ મારા માટે શરૂ થયો કે મારા પતિનો જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, આટલું ઓછું હોય એમ અમારી આખી સોસાઈટી ને કંટેન્ટમેન્ટ ઝોનમાં મૂકી. ન બહાર જઈ શકાય કે ન કોઈ ઘરે આવી શકે. રડીને દિવસ પસાર કરવાના, પણ આવા વિપરીત સંજોગોમાં મૈત્રીનું ઉદાહરણ મારી સખી મમતા દવે, સોનલ દવે, અલકાબેન દેવમોરારીએ પૂરું પાડ્યું. સાથે ડૉક્ટર નરેન્દ્રભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરી. ભૂતપૂર્વ વિધાનસભ્ય વર્ષાબેન દોશીએ પણ ખૂબ સહકાર અને હિંમત પૂરાં પાડ્યાં. છ જ દિવસમાં સારું થઈ ગયું. અકળાવી દેનારા દિવસોમાં કોરોના વૉરિયર્સ ભાઈ નરેન્દ્ર, પુત્ર નિકીત, બહેન નિકીતા, ઘરના સર્વેએ અચાનક આવી પડેલી આપદામાં મારું જોમ તૂટવા ન દીધું, એક અનેરી હૂંફ આપી.
ઘણા બાળકોને મદદ કરી એમના સ્મિત માં ઇશ્વર ના દર્શન કર્યા. કેટલો વિષાદ અનુભવ્યો, પણ સાથે સાથે એક આસ્થા નો પ્રકાશ પણ મળ્યો. સકારાત્મક અભિગમની જીત થશે જ. બાપદાદા કરકસરના પાઠ ભણાવતા, પણ આ અદ્શ્ય વાઈરસે માણસને સાચવવાની રીત સમજાવી.

 


(3) ઑલ ઈઝ વેલ
(જયસુખ ઓઝા, વડોદરા) હું 88 વર્ષનો યુવાન છું. જણાવતાં આનંદ થાય છે કે લૉકડાઉનમાં નાની નાની તકલીફમાં ડૉક્ટર પાસે જવાની આદત હતી, પણ સંજોગોએ ઘરગથ્થુ ઉપાય કર્યા તો ફરી તાજામાજા થઈ ગયાં. જેમ કે, 1. છાતીમાં કફ ભરાયો. તો તાવડી પર ગરમ ગોટાનો શેક કર્યો અને ચમત્કારિક ફાયદો થયો. 2. કાનમાં દુખાવો થયો તો લસણને કકડાવી તેલનાં ટીપાં નાખી દુખાવો મટાડી દીધો. 3. ઘરમાં રહેવાથી અને હલનચલન ઓછું થવાથી પગ જકડાઈ ગયા. નબળાઇ વર્તાવા લાગી, ચાલતાં થાક લાગવા માંડ્યો. આનો પણ ઉપાય મળ્યોઃ બે પગ ભેગા કરી તેના પર તકિયો મૂકી, પગને ઉપર નીચે કરવાની કસરત દિવસમાં બે વાર કરી તો થોડા જ દિવસમાં પગ છૂટા થઈ ગયા, ખૂબ રાહત મળી. હવે ઘરમાં છૂટથી હરફર કરું છું. બલકે ચાલવાનું ગમવા લાગ્યું. 4. રોજ સવારે ગરમ પાણીમાં મીઠું નાંખી કોગળા કરવાનો નિયમ બનાવ્યો. ગોળ-સૂંઠ-ઘીનાં સૂંઠાલુની એક ગોળી રોજ ખાવાનું રાખ્યું. આમ, થોડા ઘરગથ્થુ ઉપાયથી તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કર્યો.કોરોનાકાળે એક વાત યાદ કરાવી ને નવી પેઢીને શીખડાવી કે પહેલું સુખ તે જાતે નર્યા. અમારી પેઢીએ તો જાતમહેનત કરી શરીર કેળવ્યું તો ખત્તા ઓછી પડે છે. મન અને તન ને ગાઢ સંબંધ છે. મનથી સ્વસ્થ રહી હકારાત્મક અભિગમ અને વલણ કેળવી ખોટા તણાવ ને દૂર કરવો.ખોટી દોડાદોડી, દેખાદેખી ને છોડવી, દ્વેષભાવથી મુક્ત થવાથી ખૂબ રાહત રહે છે. કોરોનાથી ડરવાની જરૂર નથી. થોડી સાવચેતી લેવાથી જાતને બચાવી શકાશે.બસ તો, ઘરના સભ્યો સાથે ઇસ્ટો અને પત્તાં રમી સમય સારો પસાર થાય છે. નાનાં બાળકો સાથે સાપસીડીની રમત સાથે દાદાની વાતો અને જ્ઞાન તો ખરાં જ. ભગવાનની મહેર છેઃ ઑલ ઈઝ વેલ.

 


(4) સરસ્વતીની અવિરત આરાધના…
(ઐલેશ શુક્લ, સુરત)લૉકડાઉન શરૂ થયું ત્યારે પ્રાથમિકતા ઘરમાં રોજીંદો સામાન ભરવાની હતી, કારણ કે વર્ષો પહેલાં ચિત્રલેખામાં પત્રકાર હતો ત્યારે હુલ્લડ, કરફ્યુ, પ્લેગ, ૧૯૯૮, ૨૦૦૬નાં તાપીમાં આવેલાં પૂરને કારણે સમયે સૂમસામ શહેરમાં ચૂપ થઈ ગયેલી દુકાનોને કારણે હાડમારીનો અનુભવ થઈ ગયો હતો. થોડા નિયમોનું પાલન કરીને બધું ભેગું કરી લીધું.હવે શું? ત્યાં જ ઝબકારો થયો. સરસ્વતીની ઉપાસના કરીએ તો? મારું 500 પાનાંનું, તાપી નદીની પરિક્રમા કરીને લખેલું પુસ્તક ‘તાપી પુરાણ’ જુલાઈ ૨૦૧૯માં પ્રસિદ્ધ થયું હતું. બીજાં રાજ્યના વાચકો, ખાસ તો મધ્ય પ્રદેશ ને મહારાષ્ટ્રમાંથી વહીને આવતી તાપી-ભક્તો માટે તેનું હિન્દી કરવાનું બાકી હતું. લૉકડાઉનમાં એક પરપ્રાંતી યુવતી સુરતમાં અટકી પડેલી. એણે હિન્દી આવૃત્તિ ટાઈપ કરી પ્રૂફ તપાસી આપ્યાં. બે મહિનામાં એ કામ પૂરું થયું.-પણ લૉકડાઉન લંબાતું જતું હતું. હવે શું કરવું ? વળી એક બીજું પુસ્તક. ગુજરાત – રાજસ્થાનમાં એક હત્યાકાંડ થયેલો. તેનું ફેબ્રુઆરી 2020 માં જ રિપોર્ટિંગ કરી આવેલો. તે કામ શરૂ કર્યું. 250 પાનાનું એ પુસ્તક પૂરું કર્યું. એ પછી, વરસ પહેલા જ આખું UK ફરી આવેલો. તો એ પ્રવાસકથાનું પુસ્તક લખી નાખ્યું. આમ છ મહિનામાં ત્રણ પુસ્તક તૈયાર કર્યાં. 200 દિવસમાં 1000 કરતાં થોડાં વધુ પાનાંનાં ત્રણ પુસ્તક પ્રસિદ્ધિ માટે તૈયાર છે.
આભાર કોરોના, આભાર લૉકડાઉન.

 

(5) રામ રાખે તેમ રહીએ ઓધવજી…
(ડૉ. વિનોદ શાહ, સુરત)અમારે મે મહિનામાં અમેરિકા દીકરાને ત્યાં જવાનું હતું – ૬ મહિના પહેલાં ટિકિટ લેવાઈ હતી. અલાસ્કા જવાનો પ્લાન બનાવેલો. દીકરી પણ અમેરિકા છે એટલે સાથે દોહીત્રને મળવાના વિચારે ખૂબ જ આનંદ હતો. પરંતુ એકાએક આનંદ પર રોક લાગી.કોરોનાને લીધે શુભેચ્છકોની બહાર જવાની સ્પષ્ટના હોવા છતાં તબીબ માંહ્યલો ૪ મહિના કલિનિક પર સવાર-સાંજ જતો. જોખમ હતું, છતાં વિઝિટે જતો. તબીબી ક્ષેત્રમાં હેવાથી ફરજનો સંતોષ રહેતો, પણ સ્વાસ્થ્ય માટે એક નિયમ બનાવ્યોઃ દરરોજ થોડું ચાલવાનું રાખવું. લગભગ ૩૩૫ દિવસ થવા આવ્યા છે, પણ જણાવતાં આનંદ થાય છે કે નિયમ પાળ્યો ને ચાલતાં ચાલતાં જાત સાથે વાત કરવાનો દરરોજનો મોકો મળ્યો. વિચારતો રહ્યો, જાત સાથે વાત કરતો રહ્યો. દર્દી તપાસવા એ મારી ફરજ છે એ ભાવનાએ મને સતત જાગ્રત રાખ્યો, આ વૈશ્વિક મહામારીમાં ૩ મહિના જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દવા આપી.આ દરમિયાન એવો પણ સવાલ થયો, નિરીક્ષણ કર્યું કે કોરોનાથી ખરેખર તો લોકો ખોટી રીતે મરી રહ્યા છે. આ વાસ્તવિકતાએ સૌને ખરેખર વિચારતા કરી દીધા. વિચારમાં ને વિચારમાં મને એક સૂત્ર મળી ગયું, જેણે મારો ડર, ભય ઓછો કરી દીધોઃ રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો છોડી, જાત સાથે વાત કરવાનું ચાલુ કર્યું. આમ જિંદગી પ્રત્યે સતત સકારાત્મક અભિગમ- સમાજ અને દેશ તરફ ફરજની તબીબ ભાવનાની સાથે લોકોના અઢળક પ્રેમે મને કોરોનાની મહામારીમાં સતત દોડતો રાખ્યો.

 


(6) ધોળા વસ્ત્રમાં દેવદૂત…
(દિલીપ વી. ઘાસવાળા, સુરત) જૅનીબહેન જેવા સોસાયટીમાં દાખલ થયાં કે તરત જ લોકોએ ગુસપુસ કરવા માંડી. જૅનીબહેનને આશ્ચર્ય થયું કે લોકો કેમ એમને આવી વિચિત્ર નજરે જુએ છે? માસ્ક હટાવી એ ચૂપચાપ દાદર ચડવા લાગ્યાં ત્યાં એમના કાને ગણગણાટ સાંભળ્યોઃ
“તમે કહો, જગદીશભાઈ…”
“ના…ના, તમે જ કહો વિનોદભાઈ. તમે પ્રમુખ છો. આખા એપાર્ટમેન્ટમાં ચેપ લગાવશે…”
એટલે જૅનીબહેને સવાલ કર્યોઃ “કેમ કોઈ કોઈ માંદું છે? દવાની જરૂર છે?”
એમનો સવાલ સાંભળી સોસાયટીના પ્રમુખ વિનોદભાઈએ કહ્યુઃ “જુઓ જૅનીબહેન, તમે નર્સ છો અને સિવિલમાં ચેપી રોગના વોર્ડમાં કામ કરો છો. તો બધાં એવું કહે છે કે તમે થોડા દિવસ બીજે રહેવા જતાં રહો. માફ કરજો, પણ  અમે આ નિર્ણય લીધો છે.”જૅનીબહેને ગુસ્સાને માંડ કાબૂમાં રાખ્યોઃ ‘આ શું કહો છો તમે? તમારા જાન માટે હું સોળ કલાક કામ કરું છું ને તમે મને કાઢી મૂકો છો? હજી ગયા એઠવાડિયે તો તમે થાળી-ઘંટ વગાડી અમારો આભાર માન્યો…’અરે આ શું કહો છો તમે? હું બીજે જાઉં? અરે તમે ઘરમાં શાંતિથી સલામત રહો એટલે હું સોળ કલાક તમારા ભલા માટે કામ કરું છું અને તમે મને બહાર જવાનું કહો છો. અરે ગયા રવિવારે તો તમે થાળી ઘંટડી વગાડી અમારો આભાર માન્યો અને આજે? પણ જવા દો આ બધું મારે તમને ન કહેવું જોઈએ. હું મારા દીકરા સાથે નર્સ ક્વાર્ટરમાં ચાલી જઈશ.’

ત્યાં તો જગદીશભાઈના ઘરેથી જ ચીસ પડીઃ જલદી આવો, બાને હાંફ ચડી છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ડોકટર ને બોલાવો. આ સાંભળી જૅનીબહેને પહેલાં તો કૉલ કરી 108 બોલાવી. પછી ટોળાને ચીરતાં એ જગદીશભાઈને ત્યાં ધસી ગયાં. બાને કૃત્રિમ શ્વાસ આપવાનું અને હૃદયને પંપિંગ કરવાનું ચાલુ કર્યું. ત્યાં તો એમ્બ્યુલન્સ આવી એમને હૉસ્પિટલ લઈ ગઈ. સિવિલના ડૉકટરે કહ્યું કે પ્રાથમિક સારવારે જ એમનો જીવ બચાવ્યો છે. આભાર સિસ્ટર જૅનીબહેન તમે આજે વધુ એક જિંદગી બચાવી.”

જૅનીબહેને કહ્યું, આભાર તો ઈશ્વરનો માનો, હું તો કેવળ એમના આદેશનું પાલન કરું છું, અને હા, ડૉકટર, મારે આજથી અહીં જ રહેવું છે. લોકોને મારો ડર લાગે છે કે ક્યાંક એમને
કોરોના ન થઈ જાય… એટલે હવે મારે અહીં રહીને જ સેવા કરવી છે.” તરત જગદીશભાઈએ કહ્યુઃ “અમારી મોટી ભૂલ થઈ ગઈ. મેં જ લોકોને ઉશ્કેરેલા કે તમે અમારી

સાથે રહેશો તો બધાને કોરોના થશે. મને માફ કરો. તમે તો દેવદૂત છો. તમે અમારી સાથે પાછાં ચાલો. -અને જૅનીબહેન પરત સોસાયટીમાં ફર્યાં એટલે ફ્લૅટવાસીઓએ ફરીથી તાળી પાડીને એમને વધાવી લીધાં.

 


(7) આત્મસંતોષનો ઓડકાર…
(દેવશી મોઢવાડિયા, પોરબંદર) પહેલા અને બીજા લોકડાઉનમાં વહીવટી તંત્રની કડકાઈ અને કોરોનાગ્રસ્ત બની જવાના ભયને કારણે ગરીબથી લઈને તવંગર સુધી સુધી સૌ પોતપોતાનાં ઘરમાં કેદ થઇ ગયા હતા. એ વખતે અમે ભૂખ્યા જનોને રાશન કિટ પહોચાડતાં તથા કોરોના વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા વહીવટી તંત્ર અને પોલીસને ચા-પાણી પહોચાડવાનું કામ કરતાં. હતા. એક સાંજે અજાણ્યાં બહેનનો ફોન આવ્યો કે અમારા પડોશમાં અમુક પરિવારોનાં ઘરમાં રાશન ખૂટી ગયું છે અને ભૂખ્યા સૂવાની નોબત આવી છે. અત્યાર સુધી અમે મદદ કરી પણ અમારી પણ મર્યાદા છે. તમે એમને રાશનની કિટ પહોચાડો તો તમારી મહેરબાની.અમારી પાસે બહાર જવાનો પાસ હતો એટલે એ જ સમયે આપેલા સરનામે જઈ તપાસ કરી તો સાચે જ રેંકડી લઈને ભંગાર લે-વેચનો ધંધો કરતા ચાર-પાંચ પરિવારોના ઘરમાં ૨-૩ દિવસ ચાલે તેટલું અનાજ સુદ્ધાં નહોતું. અમે મોડી સાંજે ગયા ત્યારે દીવાના અજવાળે પાણી સાથે રોટલી ખાઈ ને બધા સૂઈ જવાની તૈયારી કરતા હતા. એનું ઝૂપડું દરીદ્રતાની સાક્ષી પૂરતું હતું. અમે એ જ રાત્રે એમને મહિનો ચાલે તેટલી રાશનની કિટ, જે અમને દાતાઓએ આપી હતી તે પાંચેય પરિવારને પહોચાડી ત્યારે તેમની આંખમાંથી નજરે પડતો અહોભાવ અને જઠરાગ્નિ ઠારવાની ઉપાધિ હળવી થઇ ગયાનો આત્મસંતોષ આછા અંજવાળામાં નજરે પડ્યો એ જીવનભર નહિ ભુલાય. કોરોનાએ એક બોધપાઠ આપ્યો કે અન્નનું મહત્વ શું છે જીવનમાં… હવે અન્નનો એક દાણો પણ બગાડતાં કાળજું ચિરાઈ જશે.

 


(8) હ્રદયને ઝંકૃત કરતી અંતરમનની યાત્રા…
(નીતિન એચ. સાવડિયા, ભાવનગર) સ્વભાવે હું વર્કોહોલિક. ઘરકામ હોય, ઑફિસવર્ક હોય કે પછી હોય સમાજસેવા. દરેક કાર્ય પૂરી નિષ્ઠાથી નિભાવવાનો ભાવ. એ હદે કે ખુદ પરેશાની વેઠવી પડે કે અંગત સ્વજન ને કે પરિવારને તકલીફ ભલે પડે, પણ અન્યના ભલાનો પહેલા વિચાર.લૉક્ડાઉનની શરૂઆત. બે-પાંચ દિવસો તો આરામમાં જ ગયા, પણ પછી સતત કાર્યરત રહેવાની ટેવ લૉકડાઉન જેલની સજા જેવું લાગવા માંડ્યું. દિવસો વીતતા ગયા. આખો દિવસ પરિવારના સભ્યો સાથે ને સાથે. એ હળવી પળોનો આનંદ ગમવા લાગ્યો. કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ વગર, નિરાંત મને, પરિવાર સાથે સમય વિતાવવો- જાણે રોજ પિકનિક. સાથે રહ્યાનો સૌને આનંદ મારા અંતરમનને પરિતૃપ્ત કરી રહ્યો હતો. ઘરના દરેક સભ્યોની પસંદ-નાપસંદની સૌને પરવા, અન્યોન્યની ખુશીની ચાહ જીવનને નવાં કલેવર આપી રહ્યું હતું. પરિવારની આત્મીયતા મને ભીતરથી ભીંજવી રહી હતી. પરિવારે મને પ્રતીતી કરાવી કે મારી હાજરી, મેં તેમને આપેલો સમય તેઓ માટે કેટલો મૂલ્યવાન છે…!!મને થયું, આ ખુશી, સંતોષ એમને પહેલાં કેમ ન આપી શક્યો? પરિવારને ખુશ રાખવાની મારી પ્રાથમિક ફરજ હું ચૂક્યો હતો. તેમની ઈચ્છા, તેમનાં સપનાં, તેમના હિસ્સાના સમયના ભોગે અન્ય જગ્યાએ નિષ્ઠાપૂર્વક કામ કરી આત્મગૌરવ પામવાના મારા સ્વાર્થનું મને ભાન થયું. અન્યો પ્રત્યેની નિશ્વાર્થ સેવાઓ ખરી, પણ પરિવાર પ્રત્યેની પ્રાથમિક જવાબદારીઓની ઉપેક્ષાનો દ્રોહ મને અંદરથી કોરે છે.

-પણ હવે નહી. લૉકડાઉને મને શિક્ષિત કર્યો, મારી ફરજોનું મને ભાન કરાવ્યું. આ નવું સમયપત્રક મારા અંતરમનને અને મારા પરિવારને અનન્ય ખુશી આપે છે. આ આનંદ આહ્લાદક છે.! થેંક્યુ લૉકડાઉન.

 


(9) લૉકડાઉને માનસિક તાળાં ખોલી નાખ્યાં…
(બિંદિયા ભોજક, અમદાવાદ) લૉકડાઉનમાં સેવાસંસ્થાઓ દ્વારા ગરીબોને આપવામાં આવતાં ભોજનમાં સવાર-સાંજ રોટલી વણી, પૅકને પહોંચતી કરવાનો આત્મીય આનંદ મળ્યો. ઘરની આજુબાજુ જીવતાં પ્રાણીઓ, પક્ષીઓ માટે ખોરાક અને પાણી મળે એની કાળજી રાખવામાં પણ અદભુત આત્મીય આનંદ મળ્યો. કામવાળાં બહેનને કામ પર ન આવાનું હોવા છતાં જ્યારે 3 મહિનાનો પગાર તથા ઘર માટે જરૂરી અનાજ, તેલ, નાસ્તા વગેરે આપ્યાં ત્યારે એમની ભીની આંખો ને ચહેરા પરના સ્મિતે સંતોષ આપ્યો.તાળાબંધીમાં અમારા ઘરઆંગણે એક ગૌમાતાએ વાછરડાંને જન્મ આપ્યો, સદનસીબે એ પળની સાક્ષી બની, ઘડીભર બધું ભૂલી એની એ પ્રસવપીડામાં એને રાહત આપવાની કામગીરી કરી ફરી મા બનવા જેટલી જ ખુશી મળી..દીકરી મારી શાળાની રજામાં નાનીમાના ઘરે ગયેલી ને ત્યાં જ રહેવું પડ્યું એટલે પૂરું લૉકડાઉન એનાથી વિડિયો કૉલિંગ મારફત જોડાયેલી રહી..એ અફસોસ રહી ગયો કે સાથે હોત તો એની આ વર્કિંગ મૉમ પાસે આજે એને આપવા સમય જ સમય હતો. જિંદગીમાં આવેલા આ લૉકએ લાઈફના બીજા ઘણા માનસિક લૉક ખોલી આપ્યાં. હા, ગાડી હવે ફરી પાટા પર ચડાવવી અઘરી જરૂર છે, એક બાજુ જીવનો ડર, બીજી બાજુ પડેલી આર્થિક અસર માનસિક ઝંઝોળે છે દરરોજ, પણ હિંમત ખૂબ છે, આ સમય પણ વીતી જશે.

 


(10) એમની ખુમારીને સલામ…
(બીના સંજય ચીતલિયા, મુંબઈ) મારા ઘરની સામે શ્યામ સત્સંગ ભવન નામનું એક મંદિર છે. મંદિરની બહાર શ્યામનાથ નામનો એક ફૂલહારવાળો નાનકડો બાંકડો લગાવી ફૂલહાર વેચે છે. મારા ઘરે પણ ફૂલહાર શ્યામનાથ જ પહોંચાડે. લૉકડાઉન દરમિયાન બે-ત્રણ મહિના સુધી તેની હાટડી બંધ હતી. ધીમે ધીમે ધીમે બધું શરૂ થયું એટલે તેમણે પણ કામકાજ શરૂ કર્યું.એક દિવસ હું તેમને મળવા ગઈ અને પૂછ્યું કે એક સંસ્થા તરફથી જરૂરિયાતમંદોને અનાજની કીટ મળે છે. તમારું નામ અને આધારકાર્ડ, વગેરે વિગત આપો તો તમને અનાજ મળી જશે. ત્યારે તેમણે કહ્યું કે મારું ગુજરાન ચાલી જાય છે. બીજા કોઈ જરૂરિયાતવાળા હોય તેને આપી દો.
કોરોનાને કારણે બધાની રોજગારી,રોજી-રોટી બધું જ બંધ હતું છતાં રોજ કમાઈને રોજ ખાવાવાળા આ ફૂલવાળા એ કોઈની મદદ ન લીધી અને પોતાના કરતાં વધુ જરૂરિયાતમંદને મદદ કરવાની વાત કરી. મેં તેમને મારી ફૂલહારની પડીના પૈસા બાકી હતા તે આપ્યા. તેણે પંદર દિવસ સુધી હાર આપ્યો હતો, પણ મેં તેમને પૂરાં એક મહિનાના પૈસા આપ્યા તો તરત જ તેણે પંદર દિવસના પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે હું મારા હકના જ પૈસા લઈશ. આવી વિષમ પરિસ્થિતિમાં પણ મને એમની ખુમારી સ્પર્શી ગઈ.

મનના વિચારોને જાણો…

(બી.કે. શિવાની)

મોટાભાગે તો આપણે દરરોજ સમયસર ઉઠતાં જ હોઈએ છીએ, પણ ધારો કે કોઈક વાર આપણે સવારે મોડા ઉઠ્યા તો પણ જેમ દરરોજ આપણે પોતાના માટે કસરત, ધ્યાન, ચાલવા, પ્રાર્થના, વાંચન માટે ખાસ સમય આપીએ છીએ તેમ આજે પણ મોડું થવા છતાં 5-10 મિનિટનો સમય પોતાના આ પ્રકારના કામકાજ માટે સમય કાઢવો જ જોઈએ. જે આપણને આજે નહિ તો ભવિષ્યમાં પણ તે બહુ જ ઉપયોગી અને મદદરૂપ થશે. મોડા ઉઠવાના કારણે આપણે 5-10 મિનિટ પોતાના માટે સમય કાઢી ન શક્યા અને બાકી રૂટીનના તમામ કામો આપણે કરતા જ રહ્યા તો તે કામ આપણે તણાવ સાથે કરીશું.

પરિણામે આપણને પોતાનું કામ કરવા માટે વધારે સમય લાગશે. પરંતુ જો આપણે દિવસની શરૂઆતમાં જ પોતાના માટે ફક્ત બે મિનિટનો સમય કાઢીને શાંત ચિત્તે મેડીટેશન અને ધ્યાનાભ્યાસ કરીએ અને એમ વિચારીએ કે, આજે ભલે મને ઊઠવામાં મોડું થયું છે. પરંતુ તે મોડા ઉઠાવાનો પ્રભાવ મારા હવે પછીના આગળના કામકાજ પર નહીં પડે. નિયમિત ધ્યાનાભ્યાસ કરવાથી હવે હું દરેક પરિસ્થિતિઓને મારા નિયંત્રણમાં કે કાબુમાં રાખી શકું તેમ છું, કારણ કે હવે મારું મન મારા નિયંત્રણમાં છે. હવે હું એક ચોક્કસ ધ્યેય સાથે સ્થિરતાપૂર્વક મારા દિવસની શરૂઆત કરી શકીશ.

આ પ્રકારના વિચારો હું પોતે જ મારા મનમાં ઉત્પન્ન કરી શકું છું. વાસ્તવમાં આ મારા મન સાથેનો એક વાર્તાલાપ છે. વારંવાર હું મનનું પ્રોગ્રામિંગ કરી રહી છું. હું વિચારી રહી છું કે, ભલે ને આજે મને ઊઠવામાં મોડું થઈ ગયું, પણ કોઈ વાંધો નહી. ઓકે. ઠીક છે. મારા બધાં જ કામો વ્યવસ્થિત રીતે સારી રીતે જ થશે. હું મારા મનમાં વિચારો મારી જાતે જ ઉત્પન્ન કરી શકું છું. આપણે એ જરૂર ચકાસવું જોઈએ કે આખા દિવસ દરમિયાન મારા વિચારોની ગુણવત્તા કેવી છે? આખો દિવસ પોતાની સાથે આંતરિક વાર્તાલાપ તો ચાલતો જ હોય છે. જેમ કે આ વ્યક્તિ બહુ જ સારી છે. પણ આ ભાઈ તો બહુ જ ખરાબ છે. તેણે આવું કામ નહોતું કરવું જોઈતું. આ ભાઈ કે બહેન તો બહુ જ સારા છે. અથવા તો મારા મિત્ર પાસે પાસે જે કોઈ વસ્તુ કે ચીજ છે તે મારી પાસે નથી. આવી રીતે આમ આખે-આખો દિવસ આપણે આપણા મન સાથે તો વાતો કરી રહ્યા છીએ.

જો હું મનમાં એમ વિચારું કે હવે તો મારે મોડું થઈ ગયું છે. હવે તો આખો દિવસ બહુ જ ખરાબ પસાર થશે અને ગરબડ પણ થવાની છે. વધારે મુશ્કેલીઓ આવવાની છે. આ પ્રકારના નકારાત્મક સંકલ્પો કરવાથી તેનો પ્રભાવ આપણા આખા દિવસના કરેલા કાર્ય ઉપર પડે છે. આથી સવારે ઊઠીને તરત સકારાત્મક સંકલ્પો કરીએ અને મનને શાંત-સ્વસ્થ રાખીએ. ઘણીવાર આપણને એવું લાગે કે, સકારાત્મક સંકલ્પ કરવા થોડા અઘરાં છે, પરંતુ જેમ બીજાઓ સાથે વાતચીત કરવાની તો આપણને પ્રેક્ટિસ હોય છે. તેમ વિચારો સાથે પણ વાત કરવાની એક સારી ટેવ પાડવી હવે જરૂરી છે. ધારો કે તમે મારી સામે બેઠા છો અને હું વારંવાર એમ જ કહું કે, આજે તો મારે ઊઠવામાં મોડું થઈ ગયું છે. આજના દિવસે કઈક ગરબડ તો થવાની છે. આ મારી અને તમારી વચ્ચેની વાતચીત છે. પણ જો હું મારા રૂમમાં એકલી બેઠી છું અને મેં મારી જાતને પોતાને એમ કહ્યું કે, આજે તો ઊઠવામાં બહુ મોડું થઈ ગયું. હવે તો કંઈ પણ સારું કામ થવાનું નથી, કોઈ વાત બરોબર થવાની નથી.

તો આ પ્રકારનો વાર્તાલાપ પોતાની જાત સાથેનો એક પ્રકારનો વાર્તાલાપ કે વાતચીત જ છે. આ પ્રસંગે હું મારી સાથે સકારાત્મક વાતચીત પણ કરી શકું છું. સવારે ઊઠવામાં જો મોડું થઈ ગયું હોય ત્યારે હું મારી જાતને એમ કહી શકું છું કે, કોઈ ચિંતાની વાત છે જ નહીં, બધું બરોબર ઠીકઠાક જ છે. પરંતુ જો મેં મારી જાતને એમ કહી દીધું કે, હવે તો બધી ગરબડ થવાની છે. તો જીવનમાં સમસ્યાઓનો અનુભવ થતો જ રહેશે. મેં મનમાં નકારાત્મક વિચારો ઉત્પન્ન કર્યા. કે હવે શું થશે? બાળકોને લેવા જવામાં કે બીજે મોકલવામાં મોડું થશે. આમ જો નકારાત્મક વિચારો વધતા જશે. તો એકંદરે નુકશાન આપને પોતાને જ થશે. જયારે નકારાત્મક વિચારો મનમાં શરૂ થઈ જાય છે ત્યારે આપણે તેના પ્રત્યે જાગૃત રહેતાં નથી. આવા સંકલ્પો બહુજ ઝડપથી શરૂ થાય છે. પરિણામે મનમાં અરાજકતાની ભાવના ઉત્પન્ન થાય છે. જ્યારે આપણને ટેન્શનનો, પ્રેશરનો અનુભવ થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે મનમાં કંઈક ગરબડ ચાલી રહી છે.

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.

 

પંચાગ 02/10/2020

(મયંક રાવળ)

અનલોક-5: સ્કૂલ-કોલેજોના તાળા ક્યારે ખોલાશે? કેન્દ્રએ યોજના જણાવી

નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોની વચ્ચે 21 સપ્ટેમ્બરથી અનેક રાજ્યોમાં શાળાઓ આંશિક રૂપે ખોલવામાં આવી છે. જોકે મોટા ભાગનાં રાજ્યોમાં શાળાઓ હજી બંધ છે. રાજ્ય સરકારોની સાથે બાળકોનાં માતાપિતા કોરોના વાઇરસના વધતા કેસોને કારણે બાળકોને સ્કૂલે મોકલવા વિશે નક્કર નિર્ણય નથી લઈ રહ્યાં.

કેન્દ્ર સરકારે સ્કૂલો-કોલેજો સહિત બધી શૈક્ષિણક સંસ્થાઓ ખોલવાના નિયમોને જણાવતાં અનલોક 5ના દિશા-નિર્દેશો જારી કર્યા હતા.

15 ઓક્ટોબરથી શૈક્ષણિક સંસ્થાઓ ખૂલશે

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તબક્કાવાર રીતૈ સ્કૂલો-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ ખોલવા માટે લવચિકતા રાખવા કહેવામાં આવ્યું છે. તેઓ નિયમોને આધારે 15 ઓક્ટોબર, 2020 પછી એને ફરી ખોલવાનો નિર્ણય લઈ શકશે. જોકે એના માટે સરકારો સ્કૂલો-સંસ્થાના મેનેજમેન્ટથી વિચારવિમર્શ કરીને અને ગાઇડલાઇન્સનું પાલન કરીને ખોલી શકશે. જોકે હાલના કોરોના કાળમાં ઓનલાઇન એજ્યુકેશન શિક્ષણ એ ફિઝિકલ શિક્ષણ સેશન્સ કરતાં વધુ પસંદગીની પદ્ધતિ છે.  

ઓનલાઇન શિક્ષણ જારી રહેશે અને એને સતત પ્રોત્સાહિત કરાશે. જે સ્કૂલો ઓનલાઇન ક્લાસિસ ચલાવી રહી છે અને જે વિદ્યાર્થી સ્કૂલને બદલે ઓનલાઇન શિક્ષણ લેવા ઇચ્છતો હશે એને તેમ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન અને એજ્યુકેશન મંત્રાલય ગૃહ મંત્રાલય સાથે વિચારવિમર્શ કરીને કોલેજ- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લે એવી શક્યતા છે. ઓનલાઇન ક્લાસિસને પણ જારી રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ક્યારે ખૂલશે?

પીએચડી માટે 15 ઓક્ટોબર, 2020થી  લેબ અને પ્રેક્ટિકલ ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સાયન્સ ટેક્નોલોજીના ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

કોલેજ ખોલવા નવી ગાઇડલાઇન્સ

MHAએ કન્ટેનમેન્ટ ઝોનની બહારનાં ક્ષેત્રોમાં વધુ કામગીરીઓ ખોલવા માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ દિશા-નિર્દેશો એક ઓક્ટોબર, 2020થી લાગુ કરવામાં આવશે. નવા દિશા-નિર્દેશો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી ફીડબેક અને સંબંધિત મંત્રાલયો અને વિભાગોની સાથે ચર્ચા-વિચારણા પર આધારિત છે.

 

 

મિઠાઈઓ પર ઉત્પાદનની તારીખ દર્શાવવાના નિયમ સામે વિરોધ

કોલકાતાઃ આજે 1 ઓક્ટોબરથી તમામ પેક ન કરાયેલી (ખુલ્લી રાખેલી) મિઠાઈઓ ઉપર પણ તે કઈ તારીખ સુધી ખાવા માટે આરોગ્યપ્રદ છે એ (best-before તારીખ) દર્શાવવાનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના આદેશ સામે પશ્ચિમ બંગાળના મિઠાઈની દુકાનોના માલિકોએ વિરોધ કર્યો છે.

મિઠાઈમાલિકોએ કહ્યું છે કે આ આદેશ પશ્ચિમ બંગાળ રાજ્યની આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં અવ્યવહારુ છે, કારણ કે મોટા ભાગની મિઠાઈઓ માત્ર એક જ દિવસ ખાવાલાયક રહેતી હોય છે.

બંગાળના મિઠાઈ અને ફરસાણના ઉત્પાદકોના સંગઠને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પત્ર લખ્યો છે અને કેન્દ્ર સરકાર સાથે આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

એક મિઠાઈ માલિકે કહ્યું કે દરેક મિઠાઈની દુકાનના ગ્રાહકો મિઠાઈઓની ગુણવત્તા અને તાજાપણા વિશે દુકાન પર ભરોસો રાખતા હોય છે. એનું પ્રમાણપત્ર કોઈ સત્તાવાર જાહેરાતથી કરાવી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં તમામ મિઠાઈઓની પ્રત્યેક ટ્રે પર સંબંધિત મિઠાઈ કઈ તારીખ સુધીમાં ખાવા માટે આરોગ્યપ્રદ છે તે દર્શાવતા સ્ટિકર્સ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મિઠાઈમાલિકોનું કહેવું છે કે રસગુલ્લા, રસમલાઈ અને મિસ્ટી દોઈ જેવી મિઠાઈઓની ટ્રે પર ‘બેસ્ટ બીફોર તારીખ’ના સ્ટીકર લગાડવા અશક્ય છે. વધુમાં, મોટી દુકાનો-આઉટલેટ્સવાળા સ્ટિકર્સ લગાડશે, પણ નાની ગલીઓમાંના નાના મિઠાઈવાળાઓ માટે એમ કરવું મુશ્કેલ બનશે.

‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ માટે 500 કરોડ

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પ્રતિભાવંત રમતગમત ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરે એવી સઘન તાલીમ અને તેમની રોજગારીની ચિંતા રાજ્ય સરકાર કરશે, તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના યુવાનો રમતગમત ખેલકૂદમાં કૌશલ્ય દાખવી ગુજરાતનું નામ રોશન કરે અને સાથોસાથ તેમને સરકારી નોકરીઓની તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે જિલ્લાઓમાં રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યાં છે.

મોબાઈલ ટુ સ્પોર્ટસની પહેલ

મુખ્ય પ્રધાને રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે મોબાઇલ ટુ સ્પોર્ટ્સ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રો અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજનામાં ૫૦૦ ગામડાઓમાં રમતનાં મેદાનો વિકસિત કરવાનાં ત્રિવિધ વિકાસકામોને ઈ-લોન્ચિંગ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કર્યાં હતાં. તેમણે રમતગમત રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આ નવતર પહેલના ફેસબુક પેજ પણ લોન્ચ કર્યા હતા.

ગુજરાત જેમ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં, ઇનોવેશનમાં, વિવિધ યુનિવર્સિટીઝની સ્થાપનામાં નંબર વન છે એમ રમતગમત ખેલકૂદ પ્રવૃત્તિઓમાં પણ આવનારા સમયમાં અગ્રેસર બને એવી આપણી નેમ છે. સરકારે છેક ગ્રામીણ સ્તરે રમત ગમત વિકસે તેવા પ્રયાસો રૂપે ૫૦૦ ગામડાઓમાં રમત-ગમતના મેદાનો વિકસિત કરવાની અભિનવ પહેલ કરી છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત મારફતે ખેલકૂદ તાલીમનું વિશાળ નેટવર્ક ઊભું કરીને દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ દ્વારા યુવા શક્તિને ઓલમ્પિકસ ગેમ સુધીની સઘન તાલીમ આપવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

રમશે ગુજરાત, જીતશે માટે ૫૦૦ કરોડનું બજેટ

રાજ્યમાં રમતગમત પ્રવૃતિના વિકાસ માટે ૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. ખેલ મહાકુંભ અને કલા મહાકુંભથી યુવાશક્તિના ધગશ, કૌશલ્ય અને જુસ્સાને નિખારવાનો મંચ આપ્યો છે.

મુંબઈમાં ટીફિનસર્વિસવાળાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ અપાઈ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના રોગચાળાને ફેલાતો રોકવા માટે લાગુ કરાયેલું લોકડાઉન 31 ઓક્ટોબર સુધી લંબાવ્યું છે.

સરકારે જોકે અમુક છૂટછાટોની જાહેરાત પણ કરી છે. એક મહત્ત્વની રાહત આપવામાં આવી છે, ડબ્બાવાળાઓને, જેઓ શહેર અને ઉપનગરોમાં જઈ જઈને લોકોને ટિફિન પહોંચાડવાની સેવા પૂરી પાડે છે.

ડબ્બાવાળાઓએ આ નિર્ણય બદલ મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો છે.

પાટનગર મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં રાજ્ય સરકારે લોકડાઉન નિયંત્રણોમાં ‘મિશન બીગિન અગેન’ પ્રક્રિયા અને અનલોક-5 અંતર્ગત અમુક છૂટછાટો આપી છે.

રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ્સ, બીયર બાર, ફૂડ કોર્ટ્સને પાંચમી ઓક્ટોબરથી 50 ટકાની ક્ષમતા સાથે ફરી ખોલવાની પરવાનગી અપાશે. એમણે રાજ્ય સરકાર તેમજ ટૂરિઝમ વિભાગ, બંનેએ આરોગ્યને લગતા નક્કી કરેલા અલગ અલગ નિયમોનું પાલન કરવાનું રહેશે.

માગણી વધી રહી હોવાથી, રેલવેએ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)ની અંદર લોકલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવાનું નક્કી કર્યું છે.

એવી જ રીતે, MMRની અંદર ડબ્બાવાળાઓને પણ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. એમણે તે માટે મુંબઈના પોલીસ કમિશનરના કાર્યાલયમાંથી QR કોડ્સ મેળવવાના રહેશે.

પુણે શહેરમાં પણ લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં સામાન્ય જનતાને પ્રવાસ ક્યારે કરવા દેવામાં આવશે તે વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

MMRની અંદર બિન-આવશ્યક ચીજવસ્તુઓના તમામ ઔદ્યોગિક અને મેન્યૂફેક્ચરિંગ યુનિટ્સ ફરી શરૂ કરવાની પરવાનગી અપાઈ છે.

તે છતાં, રાજ્યમાં સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, શોપિંગ મોલ્સની અંદરના થિયેટરો અને માર્કેટ સ્થળો, ઓડિટોરિયમ્સ તથા સભાસ્થળો હજી બંધ જ રહેશે. એવી જ રીતે, શાળાઓ, કોલેજો તતા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસ પણ બંધ જ રહેશે.

મેટ્રો રેલવે પણ બંધ જ રહેશે.

ધાર્મિક સ્થળો ખાતે પણ શ્રદ્ધાળુઓને એકત્રિત થવા પરનો પ્રતિબંધ ચાલુ છે.

હોટેલ અને રેસ્ટોરન્ટ્સ માલિકોના સંગઠન AHARના પ્રમુખ શિવાનંદ શેટ્ટીએ રાજ્યમાં 50 ટકાની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ્સને ફરી ખોલવા દેવાના સરકારના નિર્ણયને આવકાર આપ્યો છે.

જેલમાં જ સાંભળવા મળશે રેડિયો પ્રિઝન…

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરૂપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં બંદીવાન ભાઈઓને જેલમાં મનોરંજન મળી રહે તેમ જ તેઓ જેલના બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે એ માટે ગુજરાત જેલ વિભાગ દ્વારા બંદીવાનો માટે અને તેમના દ્વારા જ સંચાલિત ‘’રેડિયો પ્રિઝન’’ સ્ટેશનની શરૂઆત આવતી કાલથી કરવામાં આવશે, જેનો હેતુ જેલમાં રહેલા બંદીવાનોને તેના દ્વારા ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી જ મળી શકે અને બંદીવાન ભાઈઓ તેનો મહત્તમ લાભ લઈ શકે.

આ ઉપરાંત જેલના સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનોને પ્રાથમિક સારવાર ત્વરિત મળી રહે તે માટે જેલ સ્ટાફ લાઇન ખાતે નવનિર્માણ ‘સ્ટાફ ડિસ્પેન્સરી’ નું ઉદઘાટન આવતી કાલે ગાંધી જયંતી નિમિત્તે અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જેલના હસ્તે કરવામાં આવશે.

ઉપરોકત બંને કાર્યક્રમો અમદાવાદ મધ્યસ્થ જેલમાં ૨ ઓક્ટોબર ૨૦૨૦એ સવારે ૮.૩૦ કલાકે યોજાનાર છે, એમ અમદાવાદ મધ્યસ્થ જેલ તરફથી જણાવવામાં આવ્યું છે.