બોલે તેનાં બોર વેચાય
| બોલે તેનાં બોર વેચાય |
આજે આપણે ઉપભોક્તાવાદ અને માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ. માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી થાય છે. બોર જેવી પ્રમાણમાં સાવ નજીવી કિંમતની વસ્તુ વેચવી હોય તો પણ એનાં ગુણગાન ગાવા પડે છે. એટલે જ લારીમાં ફળ લઈને પસાર થતો ફેરીયો કાંઈક આમ કહે છે.

“બોર લ્યો.. બોર… તાજાં–મીઠાં બોર,
દાડમ, જામફળ, કેળાં, પપૈયાંલ્યો
મીઠાં મધ સેતુર કે દરાખ લ્યો.”
એ જો ચૂપચાપ લારી લઈને સોસાયટીમાંથી પસાર થઈ જાય તો ?
માટે જ કહ્યું છે બોલે તેનાં બોર વેચાય.
પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
પંચાગ 29/09/2020
(મયંક રાવળ)
1 ઓક્ટોબરથી ડ્રાઈવિંગ લાઈસન્સ, RC સાથે રાખવાની ઝંઝટ ખતમ
અમદાવાદઃ વાહન ચલાવતી વખતે સાથે RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજોની હાર્ડ કોપી રાખવાનું ટેન્શન હવે ખતમ થવાનું છે. વેહિકલ સાથે સંકળાયેલા આ દસ્તાવેજોની માત્ર વેલિડ સોફ્ટ કોપી સાથે રાખીને પણ તમે તમારું વાહન ચલાવી શકશો. તપાસ દરમ્યાન એ પુરાવા તરીકે માન્ય રહેશે એટલે કે હાર્ડ કોપી બતાવવાની જરૂરત નહીં પડે. આ સાથે ડ્રાઇવિંગ દરમ્યાન રૂટ જોવા માટે હવે મોબાઇલનો પણ ઉપયોગ કરી શકશો. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મોટર વાહન નિયમ 1989માં કરવામાં આવેલાં વિવિધ સંશોધનોનું નોટિફિકેશન જારી કરી દીધું છે, જે આવતી 1 ઓક્ટોબરથી લાગુ થશે.
સરકારે કહ્યું હતું કે 1 ઓક્ટોબર, 2020થી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઈ-ચલણ સહિત વાહનથી સંકળાયેલા તમામ દસ્તાવેજની જાળવણી એક IT પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે. તપાસ દરમ્યાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી કાયદેસર થયેલા વેહિકલ દસ્તાવેજને બદલે હાર્ડ કોપીની માગ નહીં કરવામાં આવે. એ સાથે લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા અયોગ્ય અને રદ કરવામાં આવેલા ડ્રાઇવિંગ લાઇસન્સની ડિટેલ્સ પોર્ટલ પર રેકોર્ડ કરવામાં અને અપડેટ કરવામાં આવશે.
1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનો દંડ
નવા નિયમોમાં એ વાતની જોગવાઈ કરવામાં આવી છે કે ગાડી ચલાવતી વખતે માત્ર રૂટ નેવિગેશન માટે હાથમાં મોબાઇલ અથવા એના જેવા ડિવાઇસનો ઉપયોગ કરી શકાશે, પરંતુ એ ખાતરી કરવાની રહેશે કે ડ્રાઇવરનું ધ્યાન બેધ્યાન ના થાય. ડ્રાઇવિંગ દરમ્યાન ફોન પર વાત કરવાની છૂટ નહીં હોય. એટલે કે એક ઓક્ટોબરથી ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલથી વાત કરવા પર 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે મોટર વેહિકલ રૂલ્સ 1989માં કરવામાં આવેલા સંશોધનો વિશે વટહુકમ જારી કર્યો છે, જેમાં મોટર વેહિકલ રૂલ્સની યોગ્ય રીતે દેખરેખ માટે એક ઓક્ટોબર, 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધી દસ્તાવેજ અને ઈ-ચલણની જાળવણી કરવામાં આવશે.
વાહનચાલકોની હેરાનગતિ બંધ થશે
મંત્રાલયે કહ્યું હતું કે IT સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ મોનિટરિંગના ઉપયોગથી દેશમાં વાહનવ્યવહાર નિયમોને સુચારુ રૂપે લાગુ કરી શકાશે. એની સાથે એનાથી વાહનચાલકોની હેરાનગતિ દૂર થશે અને લોકોને સુવિધા થશે.
પોર્ટલ પર બધું રેકોર્ડ થશે
પોર્ટલ પર ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક રૂપથી સર્ટિફિકેટ મેળવવા અને ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકારે દસ્તાવેજની વેલિડિટી, એને જારી કરવાની તારીખ, એઓની તપાસનો સમય અને તારીખનો સિક્કો અને અધિકારીની ઓળખ આ પોર્ટલ પર રેકોર્ડ કરવામાં આવશે. એનાથી વાહનોની બિનજરૂરી ફરીથી તપાસ અટકાવવામાં મદદ મળશે, જેનાથી ડ્રાઇવરોની હેરાનગતિ બંધ થશે.
નવા નિયમોમાં એ જોગવાઈ કરવામાં આવી છે કે જો એન્ફોર્સમેન્ટ ઓફિસર ઇલેક્ટ્રોનિક માધ્યમથી દસ્તાવેજનું વિવરણ કાયદેસર જુએ છે તો એ દસ્તાવેજની હાર્ડ કોપી નહીં માગવામાં આવે. આમાં એવા મામલા પણ સામેલ છે, જેમાં કોઈ ગુનાને કારણે દસ્તાવેજને જપ્ત કરવામાં આવ્યા છે.
‘તમે હરામખોર કોને કહ્યું હતું એ જણાવો’: સંજય રાઉતને મુંબઈ હાઈકોર્ટનો આદેશ
મુંબઈઃ અભિનેત્રી કંગના રણોતની ફરિયાદ પરથી મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં શાસક ત્રણમાંના એક પક્ષ, શિવસેનાના નેતા સંજય રાઉતને આદેશ આપ્યો છે કે તમે વિવાદાસ્પદ હરામખોર શબ્દ કોને ઉદ્દેશીને વાપર્યો હતો એ કોર્ટને જણાવો.
ઉલ્લેખનીય છે કે, બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણની તપાસ મુદ્દે કંગના અને રાઉત વચ્ચે થોડાક દિવસો પહેલાં સોશિયલ મિડિયા પર ખૂબ વાક્યુદ્ધ ચાલ્યું હતું. એ વખતે કંગનાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મુંબઈ શહેર વિરુદ્ધ વાંધાજનક વિધાનો કર્યા હતા. એને પગલે શિવસેના સંચાલિત મહાનગરપાલિકાએ કંગનાનાં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરસ્થિત નિવાસસ્થાનમાં બનાવાયેલી ઓફિસ ગેરકાયદેસર છે એમ કહીને એ તોડી પાડી હતી.
પોતાની ઓફિસના તોડકામ વિરુદ્ધ કંગનાએ હાઈકોર્ટમાં કેસ કર્યો છે. એની સુનાવણી વખતે કંગનાનાં વકીલોએ ન્યાયાધીશને કહ્યું કે કંગનાએ સરકારની વિરુદ્ધમાં અમુક વિધાનો કર્યાં હતાં. એનાં એક ટ્વીટ ઉપર સંજય રાઉતે અત્યંત આક્રમક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને કંગનાને પાઠ ભણાવવો જોઈએ એમ પણ કહ્યું હતું. કંગનાનાં વકીલે ત્યારે એમ પણ કહ્યું કે સંજય રાઉતે ‘હરામખોર’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. વકીલે એ દર્શાવતો ઓડિયો કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જે સંજય રાઉતનો હિન્દી ઈન્ટરવ્યૂનો ઓડિયો હતો.
એની સામેની દલીલમાં રાઉતના વકીલે રાઉતના બચાવમાં કહ્યું કે ઓડિયોમાં મારા અસીલે અરજદાર (કંગના)નું નામ ઉચ્ચાર્યું નહોતું.
એ સાંભળીને ન્યાયામૂર્તિઓ એસ.જે. કાથાવાલા અને આર.આઈ. ચાગલાએ કહ્યું કે ‘હરામખોર’ શબ્દ તમારા અસીલે કંગના માટે વાપર્યો નહોતો એવું જો તમે કહેતા હો તો અમે એને રેકોર્ડ પર લઈશું. શું તમારું નિવેદન રેકોર્ડ પર લઈએ? ત્યારે રાઉતના વકીલે કહ્યું કે આ માટે આવતીકાલે સોગંદનામું રજૂ કરીશું.
કંગનાની ઓફિસમાં તોડકામ વિશે કોર્ટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં તોડકામની કાર્યવાહી કરાઈ નથી તો આ કેસમાં તમે આટલી ઉતાવળ શા માટે કરી? જો બીએમસી આટલી ઝડપ દરેક કિસ્સામાં બતાવતી રહી હોત તો મુંબઈ શહેર રહેવા માટે આજે વધારે સારું બની ગયું હોત.
શાંતિ બિઝનેસ સ્કૂલમાં ૯મો દીક્ષાંત સમારંભ ઓનલાઇન યોજાયો
અમદાવાદઃ અમદાવાદસ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા “શાંતિ બિઝનેસ સ્કૂલ” (એસબીએસ) દ્વારા ૨૦૧૮-૨૦૨૦ની બેચના “પીજીડીએમ” અને “પીજીડીએમ-સી”ના વિદ્યાર્થીઓ માટે ૯મો દીક્ષાંત સમારંભ ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઓનલાઇન રાખવામાં આવેલા આ દીક્ષાંત સમારંભમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર ૨૦૧૮-૨૦૨૦ બેચના વિદ્યાર્થીઓ ઉપરાંત તેમનાં માતાપિતા અને વર્તમાન બેચના વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભાગ લીધો હતો. 
આ દીક્ષાંત સમારંભમાં કુલ ૧૪૨ વિદ્યાર્થીઓએ તેમના માર્કેટિંગ, એચ.આર, ફાઇનાન્સ, કોમ્યુનિકેશન તેમ જ અન્ય વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના બધા જ વિદ્યાર્થીઓનુ યોગ્ય પ્લેસમેન્ટ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જણાતા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર અને પ્રોવોસ્ટ અને લાલભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદના ડિરેક્ટર પ્રો. ત્રિદિપ સુહરુદે તેમના વક્તવ્યમાં કહ્યું કે “રોગચાળાને કારણે છેલ્લા કેટલાક મહિના દરમ્યાન ઉદભવેલી કઠિન પરિસ્થતિ અને લોકડાઉને આપણને મેનેજમેન્ટના પાઠ જેમ કે “કેવી રીતે અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો કરવો?”, “ઓછા સંસાધનોથી કેવી રીતે નિર્વાહ કરવો?”વગેરે શીખવ્યા છે. તેમણે “ન્યુ નોર્મલ”ને સફળતાપૂર્વક લાગુ કરવા બદલ “એસબીએસ”ના નેતૃત્વને અભિનંદન આપ્યાં હતાં.”
એકેડમિક એક્સલન્સ માટેનો સુવર્ણચંદ્રક હર્ષિતા ગોડાવતને
આ કાર્યક્રમમાં એકેડમિક એક્સલન્સ માટેનો સુવર્ણચંદ્રક હર્ષિતા ગોડાવતને આપવામાં આવ્યો હતો અને ૨૦૨૦ની બેચના શ્રેષ્ઠ વિદ્યાર્થીની ટ્રોફી ગૌતમ સરકારને એનાયત કરવામાં આવી હતી. બ્રિજમોહન, ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ, દીક્ષાંત સમારોહના અધ્યક્ષ સ્થાને હતા. “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના ડિરેક્ટર ડો નેહા શર્માએ પુરસ્કારો મેળવનારા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં હતાં તેમ જ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ કામનાઓ આપી હતી અને ડિપ્લોમા પ્રાપ્ત કરવા માટે વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા બદલ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.
શહેરમાં કોરોનાના કેસો વધતાં ટેસ્ટિંગ માટે કતારો જોવા મળી
અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારાને પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરાવાના મંડપો બનાવવામાં આવ્યા છે. આ મંડપોમાં તાત્કાલિક રિપોર્ટ પણ આપી દેવામાં આવે છે. આજે સવારથી જ કેટલાક કોરોના ટેસ્ટ કરતાં સેન્ટરો પર ભારે ભીડ જોવા મળી હતી.
શહેરના બગીચાઓ, વેપારથી ધમધમતા કોમ્પલેક્સના પરિસર કે જાહેર માર્ગો પર મહાનગરપાલિકા દ્વારા મંડપો તૈયાર કરી ત્વરિત પરિણામ આપતા કોરોના ટેસ્ટિંગ કરાવાનું શરૂ કર્યું છે. કેટલાક વિસ્તારોમાં આ મંડપો કાગડા ઊડતા હોય છે. તો ક્યાંક જાગ્રત નાગરિકો સામેથી જ ચેકઅપ કરાવવા આવી જાય છે. જોકે આજે વહેલી સવારથી જ ઘાટલોડિયા પ્રભાત ચોક, યુનિવર્સિટી જેવા અનેક સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધતાં જ લોકો વહેલી સવારથી જ AMCએ તૈયાર કરેલા આ ડોમમાં તાત્કાલિક રિપોર્ટ કરાવવા મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

આ ઉપરાંત શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 27 વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો અને બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શહેરમાં દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઉપરોક્ત નિર્ણયનો અમલ તાત્કાલિક કરવાનો રહેશે. આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્ર 10.00 વાગ્યા પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે જેમાં દવાની દુકાનો અપવાદ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
મૌની રોયે 35મો જન્મદિવસ માલદીવમાં ઉજવ્યો…




















