(મયંક રાવળ)
પંચાંગ 27/09/2020
કોરોનાના જોખમને લીધે રાજ્ય કક્ષાએ નવરાત્રિ મહોત્સવ રદ
અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે સરકારી નવરાત્રિના આયોજનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આ વખતે વાયબ્રન્ટ નવરાત્રિ નહીં યોજે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્ય કક્ષાનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન રાજ્ય સરકારે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના જે આયોજનો કર્યાં હતાં એ તમામ આયજનો રદ કરવામાં આવ્યાં છે.
મુખ્ય પ્રધાને વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. દર વર્ષે અમદાવાદ GMDCમાં રાજ્ય સરકાર પરંપરાગત રીતે નવરાત્રિ મહોત્સવ ઊજવે છે. જ્યાં હજારો લોકો લાભ લેતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના રોગચાળા વચ્ચે લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે એ માટે લોકોના આરોગ્યને ધ્યાને લઈ રાજ્ય સરકારે નવરાત્રિ નહીં યોજવા મહત્વનો નિર્ણય કર્યો છે.
જોકે આ પહેલાં કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે રાજ્ય સરકારે નવરાત્રિનું આયોજન કરવાના આપેલા સંકેત સામે તબીબી આલમે નારાજગી દર્શાવી હતી. પ્રવર્તમાન સંજોગોમાં નવરાત્રિનું આયોજન થશે તો લોકો મોટા પાયે એકત્ર થશે અને જેના કારણે સંક્રમણ વધી શકે છે તેવી અમદાવાદ મેડિકલ એસોસિયેશને આશંકા વ્યક્ત કરી હતી.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનનાં પ્રમુખ ડો. મોના દેસાઈએ ગુજરાતની પ્રજાને અપીલ કરી હતી કે ‘સપ્ટેમ્બર માસમાં કોરોનાના કેસ વધ્યા છે અને એ સંજોગોમાં લોકો હજુ પણ ઘરે જ રહે. છેલ્લા છ મહિનાથી ડોક્ટરો ઘર-પરિવારને ભૂલીને, પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોનાના દર્દીઓને બચાવવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. હવે મોટી સંખ્યામાં ડોક્ટરો સંક્રમિત થઇ રહ્યા છે. આ કપરા સમયમાં નવરાત્રિનું આયોજનની વાત કરવી કોઇ પણ રીતે યોગ્ય નથી, એમ તેમણે કહ્યું હતું.
UNમાં કાયમી સભ્યપદ માટે ભારતે ક્યાં સુધી રાહ જોવાની?: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સની 75મા સેશનની જનરલ એસેમ્બલીને સંબોધિત કર્યું હતું. તેમણે UNની 75મી વર્ષગાંઠ પર બધા દેશોને શુભકામનાઓ આપી હતી. અમને ગર્વ છે કે ભારત એના સંસ્થાપક સભ્યોમાં સામેલ હતું. આજે આપણી સામે અનેક પડકારો છે. UNની પ્રતિક્રિયાઓમાં બદલાવ, વ્યવસ્થાઓમાં બદલાવ અને સ્વરૂપમાં બદલાવ આજે સમયની માગ છે. 130 કરોડ લોકોની ભાવનાઓને દર્શાવવા હું આવ્યો છું, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આતંકવાદે અમારી સામે ગંભીર પડકારો ઊભા કર્યા છે. આતંકવાદમાં કેટલાય લોકોએ જીવનભરની મૂડી ગુમાવી છે. તેમણે UNમાં મોટા પરિવર્તનો કરવા માટે ભાર મૂક્યો હતો.
Addressing the @UN General Assembly. https://t.co/dvWANn20Mg
— Narendra Modi (@narendramodi) September 26, 2020
તેમણે નીચેની વાત કહી હતી
|
કોવિડથી 65 ટકા લોકોની કમાણી પર પ્રતિકૂળ અસરઃ 56 ટકા મોરેટોરિયમ લીધું : સર્વે
નવી દિલ્હીઃ કોરોના રોગચાળા અને એને પ્રસરતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે લોકોને બહુ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. આશરે 65 ટકા લોકોએ કહ્યું હતું કે એને કારણે તેમની આવક પર પ્રતિકૂળ અસર પડી છે, જ્યારે 56 ટકા લોકોએ દાવો કર્યો હતો કે તેમણે લોન અને ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે મોરેટોરિયમ લીધું હતું.
ડીલિંગ વિથ ધ ડેટઃ હાઉ ઇન્ડિયા પ્લાન્સ ટુ પે EMI નામના શીર્ષક હેઠળ આ સર્વે કરવામાં આવ્યો હતો, જેનો હેતુ એ માલૂમ કરવાનો હતો કે કોરોનાને કારણે ભારતીયોની આવક અને લોન રિપેમેન્ટની ક્ષમતા કેવી રીતે પ્રભાવિત થઈ છે. આ સર્વે અનુસાર 65 ટકા લોકોએ કહ્યું હતું કે કોરોના રોગચાળા અને એને અટકાવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને પગલે તેમની આવકમાં ઘટાડો થયો હતો. એમાંથી 16 ટકાએ દાવો કર્યો હતો કે તેમની આવકને ભારે નુકસાન થયું છે. 28 ટકાએ આવક અડધી થઈ હોવાની વાત કરી હતી.
આ સર્વે મુજબ 56 ટકા લોકોએ કહ્યું હતું કે તેમણે લોનની મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધો હતો. જે હેઠળ તેમણે માર્ચ-ઓગસ્ટ દરમ્યાન લોન-ક્રેડિટ કાર્ડ પરના EMIની ચુકવણી નહોતી કરી. આ સર્વેમાં સામેલ અડધાથી વધુ લોકોએ કહ્યું હતું કે તેઓ લોનનું રિસ્ટ્રક્ચરિંગ માટે અરજી કરવા ઇચ્છે છે.
55 ટકા ગ્રાહકોએ કહ્યું હતું કે લોન રિસ્ટ્રક્ચરિંગ માટે તેઓ બેન્કથી સંપર્ક કરશે, જે પહેલાં મોરેટોરિયમ લઈ ચૂક્યા છે, એમાંથી 70 ટકાએ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે બેન્ક તેમને લોન રિપેમેન્ટમાં કોઈ પણ પ્રકારની છૂટ આપે. આ સર્વેમાં 8616 ગ્રાહકો સામેલ હતા, જેના પર એક લાખ રૂપિયાની વધુનાં લેણાં હતા. આ ગ્રાહકોની વય 24થી 57 વર્ષની વચ્ચે હતી. આ સર્વે 32 શહેરોમાં કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં માસ્ક ના પહેરવા બદલ 52 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો
અમદાવાદઃ કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે, કેમ કે જ્યાં સુધી કોરોના રોગચાળા સામે વેક્સિન તૈયાર ના થાય ત્યાં સુધી માસ્ક જ લોકોને કોરોનાથી બચવાનો ઉપાય છે. દેશ-દુનિયામાં કોરોનાનુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેમ છતાં રાજ્યમાં લોકો માસ્ક પહેરવામાં પણ બેદરકારી રાખી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આવામાં માસ્ક ન પહેરનારાને દંડવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે 103 દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 52,35,61,800 રૂપિયાનો દંડ નાગરિકો પાસેથી વસૂલાયો છે, એટલે કે રોજના સરેરાશ પાંચ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
નાગરિકોને માસ્ક નહીં પહેરવા બદલ 52 કરોડ રૂપિયાનો દંડ થયો
રાજ્યના નાગરિકો પાસેથી પોલીસે માસ્ક નહીં પહેરવા બદલ છેલ્લા ત્રણ મહિનામાં જ એટલે કે 103 દિવસમાં 52 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે. જ્યારે શહેરના નાગરિકો પાસેથી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને મળીને દંડ પેટે 11 કરોડ રૂપિયા પડાવી લીધા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ શહેરની સંખ્યાબંધ હોટેલો, મોલ સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે.

કોરોના કેસમાં ચિંતાજનક વધારો
રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ 1,442 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 12 દર્દીઓનાં મોત થયાં હતાં. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 1,30, 391 પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3396 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 16,505 છે. જ્યારે 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે. શુક્રવારે 1279 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 84.74 ટકા છે.
મારી પાસે એક કાર, વકીલની ફી ચૂકવવા ઘરેણાં વેચ્યાં : અનિલ અંબાણી
નવી દિલ્હીઃ એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પાસે હવે માત્ર એક કાર છે. તેમણે વકીલની ફી ચૂકવવા માટે પોતાની પાસેનાં તમામ ઘરેણાં વેચી દીધાં છે. અનિલ અંબાણીએ ખુદ શુક્રવારે બ્રિટનમાં એક કોર્ટને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ બહુ સાધારણ જિંદગી જીવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષના જાન્યુઆરીથી જૂન દરમ્યાન તેમણે 9.9 કરોડ રૂપિયાનાં ઘરેણાં વેચ્યાં છે. હવે તેમની પાસે કંઈ બચ્યું નથી. લક્ઝરી કારોના કાફલા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ અટકળો આધારિત મિડિયાના અહેવાલ છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોય્સ કાર નહોતી. હાલ માત્ર હું એક કારનો ઉપયોગ કરું છું.
5281 કરોડ રૂપિયાનાં બાકી લેણાં
આ વર્ષે 22 મેએ ઇંગ્લેન્ડની હાઇ કોર્ટે અનિલ અંબાણીને 5281 કરોડ રૂપિયાનાં બાકી લેણાં અને કાનૂની પ્રક્રિયા પર ખર્ચ માટે સાત કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેમણે આ રકમ આ વર્ષની 12 જૂન સુધીમાં ચીનની ત્રણ બેન્કોને આ રકમ ચૂકવવાની હતી. અનિલ અંબાણી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. 15 જૂને ઇન્ડસ્ટ્રિયલ ઓર કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇનાની આગેવાનીમાં ચીનની બેન્કોએ તેમની એસેટ્સ વિશે માહિતી માગી હતી. આ વર્ષની 29 જૂને માસ્ટર ડેવિડસને અનિલ અંબાણીથી તેમની સંપત્તિઓ વિશે સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું.
અનિલ અંબાણી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર
શુક્રવારે અંબાણી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની સામે હાજર થયા હતા. તેઓ હાલ ભારતમાં છે. કોર્ટને તેમણે જણાવ્યું હતું કે તેમની પર તેમની માતાના 500 કરોડ અને પુત્ર અણમોલનું 310 કરોડ રૂપિયાનાં દેવાં છે. તેમણે એ પણ કહ્યું હતું કે તેમણે પાંચ અબજ રૂપિયા રિલાયન્સ ઇનોવેન્ચર્સને આપ્યા હતા. જોકે એ માટેના નિયમ અને શરતો તેમને યાદ નથી. જોકે હાલ તેમના રિલાયન્સ ઇનોવેન્ચર્સના 1.2 કરોડ શેરોની કોઈ વેલ્યુ નથી.
તેમણે કોર્ટને જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2019થી એક જાન્યુઆરી, 2020ની વચ્ચે બેન્કોમાં જમા તેમની રકમ 40.2 લાખ રૂપિયાથી ઘટીને 20.8 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ ઉપરાંત કોર્ટને તેમણે કહ્યું હતું કે મારા ખર્ચ બહુ ઓછા છે. પત્ની અને પરિવાર મારો ખર્ચ ઉઠાવે છે. મારી જીવવાની પદ્ધતિ સાદી છે અને કોઈ આવક નથી. મારા કાનૂની ખર્ચ માટે મેં ઘરેણાં વેચીને રકમ એકત્ર કરી છે. જો હવે મારે વધુ ખર્ચ હશે તો કોર્ટથી મંજૂરી મળ્યા પછી હું મારી અન્ય સંપત્તિઓ વેચીશ.
આ સિવાય કોર્ટે તેમને તેમની પાસેની યોટ, ક્રેડિટ કાર્ડનાં બિલો અને અન્ય વિગતો વિશે સવાલો કર્યા હતા.
કોરોના સંક્રમિતોની સંખ્યા 59 લાખને પારઃ મૃતકોની સંખ્યા 20 લાખે પહોંચવાની વકી
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 59 લાખને પાર થયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 85,362 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1089 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 59,03,932 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 93,420 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 48,49,584 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,60,969 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.14 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.60 ટકા થયો છે.
7.02 કરોડ સેમ્પલ ટેસ્ટ
દેશમાં અત્યાર સુધી કોરોનાના 7.02,69,975 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યાં છે. ગઈ કાલે 13,41,535 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 6.36 ટકા છે.
કોરોનાની ઝડપ આમ રહી તો વિશ્વમાં 20 લાખનાં મોત થવાની શક્યતા
ચીનમાંથી કોરોના વાઇરસ ફેલાયાને નવ મહિનામાં મૃતકોની સંખ્યા એક લાખ થવા જઈ રહી છે. WHOના વરિષ્ઠ સલાહકાર બ્રુસ એયલવોર્ડે કહ્યું હતું કે અમારી વાતચીત ચીનની સાથે એની ભૂમિકા પર રહી છે, જેમાં આગળ વધવામાં મદદ મળી છે. તેમણે તાઇવાનના WHOના કાર્યક્રમમાં સામેલ થવાની પુષ્ટિ કરી હતી. તાઇવાન એ WHOનો સભ્ય દેશ નથી. વિશ્વમાં સખતાઈ અને લોકડાઉનમાં ઢીલ અપાયા પછી યુવાનો કોરોના વાઇરસને ફેલાવી રહ્યા છે. WHOએ કહ્યું હતું કે જો કોરોના આ જ રીતે ફેલાતો રહ્યો તો મૃતકોનો આંકડો 20 લાખ થવાની શક્યતા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

સક્રિય યુઝર્સને મામલે એરટેલે રિલાયન્સ જિયોને પાછળ છોડી
નવી દિલ્હીઃ સક્રિય યુઝર્સને મામલે એરટેલે રિલાયન્સ જિયોને પાછળ છોડી છે. એરટેલના જૂનમાં 37 લાખ સક્રિય મોબાઇલ યુઝર્સ હતા. રિલાયન્સ જિયો ઇન્ફોકોમે જૂનમાં 21 લાખ સક્રિય સબસ્ક્રાઇબર્સ ગુમાવ્યા હતા. આ સિવાય વોડાફોન આઇડિયાને સૌથી વધુ નુકસાન ભોગવવું પડ્યું હતું અને કંપનીએ 37 લાખ સક્રિય યુઝર્સ ગુમાવ્યા હતા, એમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ માહિતી આપી હતી.
એરટેલ નંબર વન
એરટેલનો સક્રિય મોબાઇલ યુઝર બેઝ વધીને 31.1 કરોડ થઈ ગયો છે, જ્યારે જિયોનો 31 કરોડ અને વોડાફોનનો 27.3 કરોડનો રહ્યો છે. ટ્રાઇએ કહ્યું હતું કે મેમાં જિયોથી પાછળ થયા પછી એરટેલે ફરી એક વાર સક્રિય મોબાઇલ સબસ્ક્રાઇબર માર્કેટમાં નંબર વનની પોઝિશન હાંસલ કરી છે.

VLRથી વાસ્તવિક માહિતી
વિઝિટર લોકેશન રજિસ્ટર અથવા VLR દ્વારા કોઈ મોબાઇલ નંબરનો યુઝ કરી રહેલા સક્રિય સબસ્ક્રાઇબર્સના રિયલ નંબર્સ વિશે માલૂમ પડે છે. ટ્રાઇના તાજા આંકડા મુજબ એરટેલના 98.14 ટકા યુઝર્સ એક્ટિવ રહ્યા, જ્યારે Viના 89.49 અને જિયોના 78.15 ટકા યુઝર્સ સક્રિય રહ્યા.
રાશિ ભવિષ્ય 26/09/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post
![]()
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિક કે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપો તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.




