Home Blog Page 4641

મહારાષ્ટ્રમાં ધાર્મિકસ્થળો બંધ રાખવાના મામલે હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટનો ઈનકાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ધાર્મિકસ્થળોને બંધ રાખવાના રાજ્ય સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે સ્પષ્ટ રીતે ઈનકાર કરી દીધો છે.

આમ, જ્યાં સુધી કોરોનાનો પ્રકોપ હશે ત્યાં સુધી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવામાં નહીં આવે એ હવે પાકું થઈ ગયું છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉનને તબક્કાવાર દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. તેથી ઉચિત નિયમોનું પાલન કરીને ધાર્મિક સ્થળોને ફરી ખોલવાની મંજૂરી આપવી જોઈએ એવી માગણી એસોસિએશન ઓફ એડિંગ જસ્ટિસ નામની એક NGO દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં પીટિશન ફાઈલ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે કોર્ટમાં એવી દલીલ કરી છે કે અમુક નિયંત્રણો સાથે ધાર્મિક સ્થળોને ખોલવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ એ વાતની કોઈ ગેરન્ટી નથી કે જનતા સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સ)ના નિયમોનું બરાબર રીતે પાલન કરશે. હાલમાં જ ગણેશોત્સવ દરમિયાન એ જોવામાં આવ્યું હતું તેમજ શાકભાજી તથા ફૂલ બજારમાં પણ સુરક્ષાને લગતા નિયમો નેવે મૂકી દેવાયા હતા. આ અનુભવને આધારે સરકાર માટે રાજ્યમાં ધાર્મિક સ્થળોને ફરી ખોલવા દેવાનું સંભવ નથી અને જ્યાં સુધી કોરોનાની સ્થિતિ એકદમ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી એ ફરી ખોલવા દેવામાં નહીં આવે. રાજ્યમાં કોરોનાના કેસ હજી પણ વધી જ રહ્યા છે.

આ દલીલ બાદ મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની બેન્ચે રાજ્ય સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું કે આ નિર્ણય સરકારને જ લેવા દો.

ભારત સરકારને આંચકોઃ વોડાફોને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ટેક્સ કેસ જીત્યો

હેગ (નેધરલેન્ડ્સ): બ્રિટનસ્થિત વોડાફોન કંપનીએ પાછલી તારીખથી રૂ. 20 હજાર કરોડથી વધુની રકમની કરવસૂલી વિરુદ્ધ ભારત સરકાર સામે કરેલો કેસ જીતી લીધો છે.

અહેવાલો અનુસાર, હેગ શહેરમાં આવેલી પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશને ચુકાદો આપ્યો છે કે ભારતના આવકવેરા વિભાગનું પગલું ઉચિત અને સમાન વ્યવહારની વિરુદ્ધનું છે. તદુપરાંત, ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના વ્યાપાર કરારની પણ વિરુદ્ધ છે. લવાદ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ભારત સરકાર હવે વોડાફોન પાસે ટેક્સની રકમ વસૂલ નહીં કરે તેમજ ભારત સરકારે વોડાફોનને કાનૂની ખર્ચ માટે આંશિક વળતર પેટે 54.7 લાખ ડોલર (લગભગ રૂ. 40 કરોડ) ચૂકવવા પડશે.

બ્રિટિશ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની વોડાફોને 2007માં હોંગકોંગના હચિસન ગ્રુપના માલિક હચિસન હામપોઆના ભારતમાંના મોબાઈલ બિઝનેસ હચિસન-એસ્સારમાં 67 ટકા હિસ્સો 11 અબજ ડલરમાં ખરીદ્યો હતો. વોડાફોને તે હિસ્સો નેધરલેન્ડ્સ અને કેમેન આઈલેન્ડસ્થિત પોતાની કંપનીઓ મારફત ખરીદ્યો હતો.

તે સોદા પર ભારતનો આવકવેરા વિભાગ વોડાફોન પાસે કેપિટલ ગેન ટેક્સ માગે છે.

આ કેસ રેટ્રોસ્પેક્ટિવ (પાછલી તારીખથી લાગુ થાય એ રીતે) કરવસુલીનો છે. વોડાફોન અને ભારત સરકાર વચ્ચે કોઈ સમાધાન ન થતાં 2016માં વોડાફોને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ કર્યો હતો.

એ પહેલાં વોડાફોને ભારતની સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો. 2007માં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સોદો ટેક્સના દાયરામાં ન હોવાથી હવે એની પર ટેક્સ લગાવી શકાય નહીં. જોકે ભારત સરકારે ફાઈનાન્સ એક્ટ, 2012 અંતર્ગત રેટ્રોસ્પેક્ટિવ મુદતથી ટેક્સ લાદ્યો હતો. એટલે કે સરકારે 2012માં એ કાયદો બનાવ્યો કે 2007માં વોડાફોન અને હચિસનનો સોદો કરપાત્ર બન્યો.

વોડાફોને 2013ના જાન્યુઆરીમાં કહ્યું હતું કે એની પાસે રૂ. 14,200 કરોડનો ટેક્સ માગવામાં આવ્યો છે. એમાં મુખ્ય રકમ અને વ્યાજનો સમાવેશ હતો, પણ કોઈ પેનલ્ટી જોડવામાં આવી નહોતી. એણે 2014માં નિર્ણયને પડકાર્યો હતો. 2016ના ફેબ્રુઆરીમાં વોડાફોનને આવકવેરા વિભાગ તરફથી રૂ. 22,100 કરોડનો ટેક્સ ચૂકવવાની નોટિસ મોકલવામાં આવી હતી. સાથોસાથ, એવી ધમકી અપાઈ હતી કે જો એ ટેક્સ નહીં ચૂકવે તો એની ભારતમાંની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

ટીવી અભિનેત્રી દિશા પરમારને કોરોના થયો…

‘વો અપના સા’ અને ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ ટીવી સિરિયલોની અભિનેત્રી દિશા પરમાર પણ કોરોના વાઈરસ મહાબીમારીનો શિકાર બની છે. એની મમ્મીને 10 દિવસ પહેલાં કોરોના થયો હતો. એમની તબિયત હવે સારી છે, પણ દિશાને ગળામાં દુખાવો અને થાક જેવા લક્ષણ જણાયા કે તરત જ એણે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો અને એ કોરોના પોઝિટીવ આવ્યો છે. આમ હવે તે હોમ ક્વોરન્ટાઈન થઈ ગઈ છે. પોતે અને એની મમ્મી કોરોનાને લગતી તમામ માર્ગદર્શિકા-નિયમાવલીનું પાલન કરે છે એમ તેણે જણાવ્યું છે. સોશિયલ મિડિયા પર દિશાનો મોટો ફેન-બેઝ છે.
હિન્દી મનોરંજન ક્ષેત્રના અનેક સિતારાઓ કોરોનાનો ભોગ બની ચૂક્યાં છે, જેમ કે, કનિકા કપૂર, કિરણ કુમાર, હિમાની શિવપુરી, હિમાંશુ સોની, હિમાંશ કોહલી, ઝરીના વહાબ વગેરે.

TV star Disha Parmar tests Covid positive

ગાવસકરની કમેન્ટથી અનુષ્કા નારાજ થઈ; ઘણું સંભળાવ્યું

મુંબઈઃ દંતકથા સમાન બેટ્સમેન સુનીલ ગાવસકર એક નવા વિવાદમાં સપડાયા છે. ગઈ કાલે એમણે ભારતીય ટીમના કેપ્ટન અને આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એની પત્ની અનુષ્કા વિશે એક વિચિત્ર કમેન્ટ કરી હતી. એમની તે કમેન્ટને કારણે અનુષ્કા નારાજ થઈ છે અને સાથોસાથ, વિરાટના પ્રશંસકો પણ ભડકી ગયા છે.

વિરાટ અને અનુષ્કા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ગાવસકર વિશે સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે, એક મહાન ક્રિકેટરની આ શરમજનક હરકત કહેવાય.

ગઈ કાલે દુબઈમાં, આઈપીએલ-13ની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કિંગ્સ ઈલેવન પંજાબ સામે શરમજનક પરાજય થયો હતો.

કોહલી માટે તે મેચ બે-ત્રણ બાબતમાં નિરાશાજનક રહી હતી. પહેલાં, પંજાબી ટીમના દાવ વખતે એણે બે કેચ પડતા મૂક્યા હતા અને બાદમાં, બેટિંગમાં એ માત્ર પાંચ બોલનો સામનો કરીને માત્ર એક જ રન કરી શક્યો હતો. પંજાબ ટીમના 206-3 (20)ના સ્કોરના જવાબમાં બેંગલોરની ટીમ માત્ર 17 ઓવરમાં 109 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

કોમેન્ટરી બોક્સમાં બેઠેલા ગાવસકરે ત્યારે એક કમેન્ટ કરી હતી અને એમાં તેમણે અનુષ્કાનું નામ લીધું હતું. એમણે એવી કમેન્ટ કરી હતી કે, ‘કોહલીએ લોકડાઉનમાં તો માત્ર અનુષ્કાની જ બોલિંગથી પ્રેક્ટિસ કરી હતી. એનાથી કંઈ વળે નહીં.’

ગાવસકર ઈશારો એક વિડિયો ક્લિપ પ્રત્યે હતો, જેમાં વિરાટ અને અનુષ્કાને મુંબઈમાં લોકડાઉન કાળ દરમિયાન એમનાં ઘરમાં ક્રિકેટ રમતાં જોઈ શકાય છે.

ગાવસકરની આ કમેન્ટથી અનુષ્કાને માઠું લાગ્યું છે અને એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શબ્દોમાં પોતાનાં પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં છે.

અનુષ્કાએ ગાવસકરને જવાબ આપતાં લખ્યું છે, મિસ્ટર સુનીલ ગાવસકર, તમારો સંદેશ વિચલિત કરનારો છે. હું આપને એ પૂછવા માગું છું કે તમે પત્નીને એનાં પતિની રમત માટે એની પર આરોપ લગાડવાનું કેમ વિચાર્યું?
‘મને ખાતરી છે કે છેલ્લા અમુક વર્ષોમાં તમે રમત વિશે ટિપ્પણી કરતી વખતે ક્રિકેટરના અંગત જીવનનો આદર કર્યો છે. શું તમને નથી લાગતું કે એ જ આદર અમારે માટે પણ હોવો જોઈએ? ગઈ કાલે રાતની મેચમાં મારાં પતિના દેખાવ વિશે ટિપ્પણી કરવા માટે તમારા મગજમાં અનેક બીજા વાક્યો અને શબ્દો પણ હોઈ શકતા હતા.’

અનુષ્કાએ વધુમાં લખ્યું છે કે, ‘આ 2020નું જ વર્ષ છે અને હજી પણ મારા માટે કંઈ બદલાયું નથી. મને ક્રિકેટમાં ઢસડવાનું ક્યારે બંધ થશે? આદરણીય ગાવસકરજી, તમે ક્રિકેટમાં દંતકથા સમાન છો, જેમનું નામ આ રમત સાથે લાંબા સમયથી સંકળાયેલું છે. હું આપને એટલું જ જણાવવા માગું છું કે તમારા આ નિવેદન પછી મને કેવી મહેસૂસ થયું.’

સોશિયલ મિડિયા પર મિશ્ર પ્રત્યાઘાત આવ્યા છે. અમુક લોકોએ ગાવસકરની વિરુદ્ધમાં મંતવ્ય દર્શાવ્યા છે તો અમુકે એમની તરફેણમાં.

બિહારમાં વિધાનસભા ચૂંટણી 28-ઓક્ટોબરથી ત્રણ-તબક્કામાં; 10 નવેમ્બરે પરિણામ

નવી દિલ્હીઃ 243 બેઠકોની બિહાર વિધાનસભાની ચૂંટણી આવતા ઓક્ટોબરની 28 તારીખથી ત્રણ તબક્કામાં યોજાશે. મતદાન 28 ઓક્ટોબર ઉપરાંત 3 અને 7 નવેમ્બરે યોજાશે. 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આજે અહીં પત્રકાર પરિષદમાં આ તારીખોની જાહેરાત કરી હતી.

બિહાર રાજ્યમાં હાલ જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપની સંયુક્ત સરકાર છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ જાહેરાત કરી જ દીધી છે કે પક્ષ બિહારની ચૂંટણી મુખ્ય પ્રધાન અને જેડી-યૂના નેતા નીતિશ કુમારની આગેવાની હેઠળ લડશે.

અરોરાએ કહ્યું કે 71 બેઠકો માટે 28 ઓક્ટોબરે મતદાન યોજાશે, 94 બેઠકો માટે 3 નવેમ્બરે અને બાકીની 78 બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન યોજાશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી મતદાનનો સમય એક કલાક માટે વધારે રાખવામાં આવ્યો છે. મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. પરંતુ આ નિયમ નક્સલવાદી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં લાગુ નહીં કરાય.

હાલની વિધાનસભાની મુદત 29 નવેમ્બરે પૂરી થાય છે.

રાજ્યમાં કુલ 7.29 કરોડ મતદારો છે. આમાં 3.85 કરોડ પુરુષો છે અને 3.4 કરોડ મહિલા મતદારો છે. 1.6 લાખ સર્વિસ મતદારો છે.

2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ 80 સીટ જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. જેડીયુએ 71 અને કોંગ્રેસે 27 બેઠકો જીતી હતી. ભારતીય જનતા પાર્ટીએ 53 સીટ મેળવી હતી. એલજેપી પાર્ટીએ બે, જિતન રામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા-સેક્યુલર પાર્ટીએ એક સીટ જીતી હતી. અન્યો તથા અપક્ષ ઉમેદવારોએ 10 સીટ કબજે કરી હતી.

53 સીટ જીતવા છતાં ભાજપ સૌથી વધારે વોટ શેર (24%) મેળવવામાં સફળ થયો હતો.

2015માં, જેડી-યૂ, આરજેડી અને કોંગ્રેસે મહાગઠબંધન રચીને સાથે મળીને ચૂંટણી લડી હતી.

બીજી બાજુ, ભાજપની આગેવાની હેઠળના એનડીએ જૂથેે લોકજનશક્તિ પાર્ટી તથા અન્ય પક્ષોની સાથે ચૂંટણી લડી હતી.

ચૂંટણી બાદ, 2017માં, જેડી-યૂ અને આરજેડી વચ્ચે મતભેદો સર્જાયા હતા, પરિણામે મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આરજેડી સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને એમની જેડી-યૂ પાર્ટી ફરી ભાજપ-એનડીએ સાથે જોડાઈ ગઈ હતી. આમ, તેમણે રાજ્યમાં પોતાની સરકાર જાળવી રાખી હતી.

વડા ચૂંટણી કમિશનર અરોરાએ કહ્યું કે બિહારમાં ચૂંટણી ઉમેદવારો ઓનલાઈન અને ઓફ્ફલાઈન, બંને રીતે એમનું ઉમેદવારીપત્ર ભરી શકશે. ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓ મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાન કરી શકશે. કોરોના વાઈરસનો ફેલાવો રોકવા કેન્દ્ર સરકારે ઘોષિત કરેલા નિયમો અને માર્ગદર્શિકાનું ચૂંટણી-મતદાન વખતે પાલન કરવાનું રહેશે, જેમ કે, ફેસ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ સ્કેનર્સ, ગ્લોવ્સ, ફેસ શિલ્ડ, પીપીઈ કિટ્સ, સોશિયલ ડિસ્ટન્સ વગેરે. તમામ મતદારોને વોટર રજિસ્ટર પર સહી કરતી વખતે તેમજ વોટિંગ વખતે ઈવીએમ મશીનનું બટન દબાવતી વખતે હેન્ડ ગ્લોવ્સ પૂરા પાડવામાં આવશે.

ચૂંટણી ઉમેદવારો સિક્યોરિટી ડિપોઝીટની રકમ ઓનલાઈન પણ ભરી શકશે.

કોરોના વાઈરસના રોગચાળા દરમિયાન વિશ્વમાં યોજાનાર આ સૌથી મોટી ચૂંટણી હશે.

જાણીતા પાર્શ્વગાયક એસ.પી. બાલસુબ્રમણ્યમ (74)નું કોરોનાને કારણે નિધન

ચેન્નાઈઃ દક્ષિણ ભારતીય તેમજ હિન્દી ફિલ્મોના જાણીતા પાર્શ્વગાયક એસ.પી. બાલસુબ્રમણ્યમનું કોરોના વાઈરસની બીમારીને કારણે આજે અહીં અવસાન થયું છે. એ 74 વર્ષના હતા. તેઓ છેલ્લા એક મહિનાથી અહીંની એમજીએમ હેલ્થકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને કોરોના બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આખરે આજે બપોરે 1.04 વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

એમજીએમ હેલ્થકેરનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર (મેડિકલ સર્વિસીસ) ડો. અનુરાધા ભાસ્કરને એક નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં બાલસુબ્રમણ્યમની તબિયત વધારે બગડી હતી. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ હતા અને એમની તબિયત અત્યંત ગંભીર બની ગઈ હતી.

કોરોનાના લક્ષણ જણાયા બાદ બાલસુબ્રમણ્યમને ગઈ પાંચ ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પહેલી વાર 13 ઓગસ્ટે એમની તબિયત બગડી હતી અને એમને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.

ત્યારબાદ 19 ઓગસ્ટે એમની તબિયત વધારે બગડી હતી.

ઓગસ્ટના અંતે તેઓ સંપૂર્ણપણે ભાનમાં આવી ગયા હતા અને સારવારમાં પ્રતિસાદ પણ આપતા થયા હતા.

3 સપ્ટેમ્બરે તો હોસ્પિટલે જણાવ્યું પણ હતું કે બાલસુબ્રમણ્યમની તબિયત સ્થિર છે, તેઓ ભાનમાં છે અને સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. એમના સ્વાસ્થ્યમાં સતત સુધારો થતો જણાય છે, પરંતુ અમુક દિવસો બાદ એમની તબિયત વધારે બગડી હતી અને એમને આઈસીયૂમાં જ અને ઈસીએમઓ તથા વેન્ટીલેટર સપોર્ટ પર મૂકવા પડ્યા હતા.

એસ.પી. બાલસુબ્રમણ્યમે ગાયકીના ક્ષેત્રમાં એમની અલગ પહેચાન બનાવી હતી. 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રી અભિનીત સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં એમણે સલમાન માટે ગાયેલા તમામ ગીત સુપરહિટ થયા છે. સલમાનની કારકિર્દીના આરંભની ફિલ્મોનાં ઘણા ગીતો બાલસુબ્રમણ્યમે ગાયા હતા.

બાલસુબ્રમણ્યમે સલમાન ઉપરાંત અન્ય અભિનેતાઓ માટે પણ ગીતોમાં પોતાનો સ્વર આપ્યો હતો.

બાલસુબ્રમણ્યમે 16 ભાષાઓમાં 40 હજારથી વધારે ગીતો ગાયા છે. એમને ચાર ભાષા – કન્નડ, તેલુગુ, તામિલ અને હિન્દીના ગીતો માટે 6 વખત ‘સર્વશ્રેષ્ઠ ગાયક’નો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારત સરકારે એમને 2001માં ‘પદ્મશ્રી’ અને 2011માં ‘પદ્મભૂષણ’ ખિતાબથી સમ્માનિત કર્યા હતા.

પીએમ મોદીની ‘આત્મનિર્ભર ભારત’ પહેલની IMF દ્વારા પ્રશંસા

વોશિંગ્ટનઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આદરેલી આત્મનિર્ભર ભારત પહેલ મહત્ત્વની છે.

IMFના કમ્યુનિકેશન્સ વિભાગના ડાયરેક્ટર જેરી રાઈસે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતમાં કોરોનાવાઈરસથી જે વિનાશ સર્જાયો છે તેવી પરિસ્થિતિમાં સેલ્ફ-રિલાયન્ટ ઈન્ડિયા પહેલ અંતર્ગત જે આર્થિક રાહતો જાહેર કરવામાં આવી છે તેણે ભારતના અર્થતંત્રને ટેકો પૂરો પાડ્યો છે અને અમુક જોખમોને દૂર કરી દીધા છે. તેથી અમે આ આત્મનિર્ભર ભારત પહેલને મહત્ત્વની ગણીએ છીએ.

પીએમ મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ વિશેના એક સવાલના જવાબમાં જેરી રાઈસે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ કહ્યું છે તેમ, આગળના સમયમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત વધારે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તે એવી નીતિઓ ઘડે છે જેનાથી અર્થવ્યવસ્થાની કુશળથા અને સ્પર્ધાત્મક્તામાં સુધારો લાવશે.

ભારતમાં ‘મેક ફોર ધ વર્લ્ડ’ ધ્યેયને હાંસલ કરવા માટે પ્રાધાન્ય એવી નીતિઓ પર કેન્દ્રીત થયેલું રહેશે જે વ્યાપાર, મૂડીરોકાણ અને ટેક્નોલોજી સહિત ‘જાગતિક મૂલ્ય સાંકળ’ની દ્રષ્ટિએ ભારતને વધારે સદ્ધર બનાવવામાં મદદરૂપ થશે.

જેરી રાઈસે કહ્યું કે નીતિ આયોગ અને નાણાં મંત્રાલયની સાથે આઈએમએફ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે આરોગ્ય સંબંધિત વિકાસ લક્ષ્યોમાં ઉચ્ચતમ દેખાવ હાંસલ કરવા માટે ભારતે હેલ્થકેર સેક્ટરમાં ખર્ચો વધારવો પડશે.

 

BSE ડેટ પ્લેટફોર્મ પર કંપનીઓ ધૂમ મૂડી એકત્ર કરી રહી છે

મુંબઈઃ એશિયાના સૌથી જૂના અને વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ બીએસઈમાં તાજેતરમાં એક જ દિવસમાં રૂ. 41,203 કરોડના ડેટ લિસ્ટિંગનો વિક્રમ સર્જાયો હતો. આમાં રૂ.30,995 કરોડનાં કમર્શિયલ પેપર્સ અને રૂ.10,208 કરોડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો સમાવેશ થતો હતો. 1 એપ્રિલ, 2020થી 23 સપ્ટેમ્બર સુધીમાં બીએસઈના ડેટ પ્લેટફોર્મ પર કંપનીઓએ રૂ.10,39,273 કરોડ (140.54 અબજ ડોલર).

વર્તમાન 2020-21 નાણાકીય વર્ષમાં રૂ.4,25,894 કરોડનાં કમર્શિય પેપર્સ અને રૂ.2,81,887 કરોડનાં બોન્ડ્સ બીએસઈના પ્લેટફોર્મ પર લિસ્ટ થયાં છે. આ ડેટ કેપિટલ ઉપરાંત મેઈન બોર્ડ દ્વારા ઈક્વિટી ઈન્સ્ટ્રુમેન્ટ્સ, આઈપીઓ, એસએમઈ આઈપીઓ, એસએમઈ સ્ટાર્ટઅપ્સ, રાઈટ્સ, પ્રેફરેન્શિયલ ઈશ્યુઝ, આરઈઆઈટીએસ, ઈન્વઆઈટીઝ વગેરે દ્વારા રૂ. 3,31,492 કરોડનું લિસ્ટિંગ થયું છે એ ગણતાં કુલ રૂ.10.39 લાખ કરોડનાં ઈન્સ્ટ્રુમેન્ટ્સનું લિસ્ટિંગ થયું છે.

રાશિ ભવિષ્ય 25/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.

Chitralekha Gujarati – October 05, 2020

PDF Version Password for PDF- CG051020