Home Blog Page 4643

મકર સંક્રાંતિ અને ગ્રહોનો સંબંધ

પણા દરેક તહેવાર પાછળ કોઈને કોઈ વિજ્ઞાન અથવા કુદરતી ઘટનાનો આધાર રહ્યો છે. મોટા ભાગે આપણે પૂછવું પડે છે કે આ વખતે એ તહેવાર ક્યારે છે? પણ આ એક તહેવાર એવો છે કે તે હમેશા આપણે એકજ તારીખે ઉજવીએ છીએ. જયારે આકાશ રંગોથી ભરાઈ જાય. અગાસીઓ માણસોથી ઉભરાવા લાગે અને કાપ્યો છે અને નારાથી વાતાવરણ ગુંજવા લાગે ત્યારે બધાને ખબરજ હોય કે આ ઉત્તરાયણ અથવાતો મકર સંક્રાંતિનો તહેવાર છે.

આ બંને નામ પાછળ પણ કારણો છે. સૂર્યની આસપાસ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે તે આપણે સહુ જાણીએ છીએ. પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે. જેના કારણે જયારે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં સીધા કિરણો નાંખે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેની અસર ઓછી થાય છે અને ક્યારે દક્ષિણ ગોળાર્ધમાં સીધા કિરણો જતા હોય ત્યારે ઉત્તરમાં તેની અસર ઓછી રહે છે. તેથીજ આપણે ત્યાં શિયાળો હોય ત્યારે કેન્યામાં ઉનાળો હોય. ઉત્તરાયણના સમયે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ પ્રયાણ કરે છે. તેથી આ સમયને ઉત્તરાયણ કહે છે. જેના કારણે પવનની દિશા પણ બદલાય. પછી પતંગ ચડાવવાની તો મજાજ આવે ને?

સૂર્ય જયારે મકર વૃત પર આવે ત્યારે મકર સંક્રાંતિ થાય છે તેવી એક વાત છે. તો જ્યોતિષના સંદર્ભમાં સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં જાય ત્યારે મકર સંક્રાંતિ થાય છે.  જોકે આવું તો ડીસેમ્બર મહિનામાં થાય છે. વળી આ સમય ખેતી માટે પણ અગત્યનો છે. કારણકે મકર સંક્રાંતિ પછી અમુક જગ્યાએ કાપણી શરુ થાય છે. તેથી ૧૪ ડીસેમ્બર થી ૧૪ જાન્યુઆરી સુધી કોઈ સારા કર્યો કરતા નથી. આ વખતે સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ના ૨૦:૦૫ થી થશે.

આ દિવસે સ્નાન, દાન, પૂજા અને પુણ્ય માટેનો દિવસ ગણાય છે. આત્મ શુદ્ધિ માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે. સાધના માટે પણ આ દિવસનું મહત્વ છે. ઉત્તર ભારતમાં ગંગા સ્નાન જેમ મહત્વનું છે તેવીજ રીતે ગુજરાતમાં તાપી અને નર્મદા સ્નાન કરી શકાય. નદીના પટમાં ઉભા રહી અને સૂર્યને અર્ઘ આપવાથી સારી ઉર્જા મળે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા પુથ્વી પર આવી  અને સમુદ્રને મળી હતી. તેથી સારા સંબંધો માટે પણ આ દિવસની ખાસ પૂજા મદદરૂપ થાય છે. આ દિવસે સૂર્ય એમના પુત્ર શનિદેવને મળ્યા હતા તેથી પિતા પુત્ર વચ્ચે અણબન હોય તો પણ સંક્રાંતિની પૂજા મદદરૂપ થાય છે. ભારતમાં વિવિધ જગ્યાએ આ તહેવારને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા વિગેરે પડોસી દેશોમાં પણ આ તહેવારની ઉજવણી થાય છે.

સ્નાન માટેનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પછી બે કલાકનો છે. આ દરમિયાન સૂર્યની હાજરીમાં નદીમાં સ્નાન કરવાથી સારું રહે. બપોરે બાર વાગ્યા પછી આ સ્નાન નો મહિમા રહેતો નથી. સવારે સૂર્યની સામે ઉભા રહીને શરીર પર કોમળ તાપ આવે તેવી રીતે ઉભા રહેવું કે બેસવું જોઈએ. આ દિવસે દાનનું પણ ખુબજ મહત્વ છે. તલ, ગોળ, ચોખા, હળદર જેવા દ્રવ્યોનું દાન શુભ મનાય છે.

મહારાષ્ટ્રમાં એવું કહે છે કે તિલ ગુડ ધ્યા ગુડ ગુડ બોલા. એટલેકે તલ ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો. એટલેકે પાછળ જે કઈ ગયું તે ભૂલી અને ફરી સંબંધોમાં મીઠાશ લાવીએ.કેવો સરસ વિચાર છે? ઋતુ બદલાતી હોવાથી તલ અને ગોળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ દિવસે ગાયને ઘૂઘરી ખવરાવવાનો પણ રીવાજ છે. ગાય એ એક સમયની જીવાદોરી હતી અને તેના બાળકના જન્મ પહેલા તેને સારો ખોરાક જરૂરી હોય છે. આપણા રિવાજોમાં બધાજ પશુપક્ષીઓ સચવાઈ જાય તેવો વિચાર જોવા મળે છે.

આ દિવસે ગુપ્ત દાનનું મહત્વ છે. તેથીજ તલ ગોળના લાડવામાં કોઈને આપતા પહેલા સિક્કા નાખવામાં આવે છે. સાધના માટે બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત કરી શકાય. સ્ત્રીઓએ ગાયત્રી મંત્રની સાધના યોગ્ય રીતે કરી શકાય. જે તેમની આંતરિક શક્તિ વધારવામાં મદદરૂપ થઇ શકે. ઉત્તર પ્રદેશમાં આ સમયે માઘ મેલા યોજાય છે. જેમાં સ્નાનનું ખુબજ મહત્વ ગણાય છે. પશ્ચિમ બંગાળમાં પણ ગંગાસ્નાન માટે મેળા આયોજિત થાય છે. કેરળમાંઅનુષ્ઠાન કરવામાં આવે છે તો દક્ષિણના અન્ય રાજ્યોમાં સૌભાગ્યવતીને  હળદર અને કંકુ લગાવવામાં આવે છે. આ દિવસે પતંગની મજા લેવા ઉપરાંત આત્મશક્તિ વધારવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ.

ઓમાનના સુલ્તાનનું અવસાનઃ વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ ઓમાનના સુલતાન કબુસ બિન સૈદનું શુક્રવારે સાંજે અવસાન થયું હતું. સ્થાનિક મીડિયાએ શનિવારે તેની પુષ્ટિ કરી છે. જોકે,ઓમાનના સુલતાન કબુસ બિન સૈદ અવસાનનું સત્તાવાર રીતે કારણ હાલ સુધી જણાવવામાં આવેલ નથી. કબુસ બિન સઈદના અવસાન પછી ઓમાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક રજા જાહેર કરવામાં આવ્યો છે.

ઓમાન સાથે ભારતનાં પણ સારા રાજદ્વારી સબંધો છે. ઓમાનનાં સુલતાન કબુસ બિન સૈદ અલ સૈયદના નિધન પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ પોતાનાં ટ્વીટમાં લખ્યું હતું કે “મને મહાશય સુલતાન કબુસ બિન સૈદ અલ સૈયદના નિધન વિશે જાણ થતા ખૂબ દુ:ખ થયું છે. તે એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાજકારણી હતા, જેણે ઓમાનને આધુનિક અને સમૃદ્ધ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યો છે. તે આપણા ક્ષેત્ર અને વિશ્વ માટે શાંતિનો એક આદર્શ હતા.

પીએમ મોદીએ પોતાનાં વધું એક ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે, સુલતાન કબુસ ભારતનાં સાચો મિત્ર હતા અને ભારત અને ઓમાન વચ્ચે જીવંત વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે મજબૂત નેતૃત્વ પ્રદાન કરતા હતા. હું તેની પાસેથી મને મળતી હૂંફ અને સ્નેહની હંમેશા કદર કરીશ. તેના આત્માને શાંતિ મળે.

કાબૂસ બિન સઇદ ઓમાનના સૌથી વધુ સમય સુધી સુલ્તાન રહ્યાં. કાબૂસે 1970માં પોતાના પિતાને ગાદી પરથી હટાવી દીધા હતા અને પોતે સુલ્તાનની ગાદી પર બેઠા હતા. સુલ્તાન કાબૂસે લગ્ન કર્યા નહોતા. તેમના નિધન બાદ સુલ્તાનના પદને લઇને કોઇ ઉત્તરાધિકારી નથી.

આમ આદમી પાર્ટીએ પોતાનું કેમ્પેઈન સોંગ “લગે રહો કેજરીવાલ” લોન્ચ કર્યું

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું કેમ્પેન સોંગ લોન્ચ કર્યુંછે. અરવિંદ કેજરીવાલે આને ટ્વીટર પર શેર કર્યું છે. “લગે રહો કેજરીવાલ” ગીતને વિશાલ ડડલાનીએ તૈયાર કર્યું છે. આમ આદમી પાર્ટીના સદસ્ય ડડલાનીએ ગત વર્ષે પણ આમ આદમી પાર્ટી માટે એક ગીતને કમ્પોઝ કર્યું હતું.

2 મીનિટ 53 સેકન્ડના આ ગીતમાં વિજળી, પાણી, વગેરે સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે બસમાં મફત યાત્રાને પણ દર્શાવવામાં આવી છે. કેજરીવાલને દિલ્હીનો દીકરો ગણાવતા કહેવામાં આવ્યું છે કે તેઓ એક સામાન્યથી પણ સામાન્ય માણસ છે. એપણ કહેવામાં આવ્યું છે કે તેઓ દિલ્હીના લોકોના જીવનને સુખમય બનાવવા માટેની જીદ લઈને બેઠા છે.

ગીતને કેજરીવાલ અને સામાન્ય લોકો પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પાર્ટીના અન્ય નેતાઓને આમાં જગ્યા મળી નથી. માત્ર એક ફ્રેમમાં ડેપ્યુટી સીએમ મનીષ સીસોદિયા દેખાય છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે દાવેદારી કરી રહ્યા છે. તેમની સામે ભાજપ અને કોંગ્રેસે કોઈને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો નથી.

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામો આવશે. અહીંયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રીકોણીય જંગ છે. ગત ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની 70 સીટો પૈકી 67 પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.

વડાપ્રધાન સાથે મુલાકાત બાદ મમતાનું નિવેદનઃ સીએએ-એનઆરસી પાછુ લેવા માંગ કરી

કોલકત્તાઃ નાગરકિતા કાયદો તથા એનઆરસી મુદ્દે મમતા બેનર્જીની આગેવાનીમાં તૃણમુલ કોંગ્રેસ મોદી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજી રહી છે. આવા સંજોગોમાં કોલકાત્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે મહત્વની મુલાકાત યોજાઈ હતી.

કોલકાત્તામાં ઉતરાણ કર્યા બાદ પીએ મોદી સીધા જ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે બેઠક યોજાઇ. એક તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ નાગરિકતા કાયદાના સમર્થનમાં અભિયાન ચલાવી રહી છે.

તો બીજી તરફ ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી નાગરિકતા કાયદાના વિરોધમાં રોડ શો સહિતના કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીએ જણાવ્યું કે મેં વડાપ્રધાન મોદીને નાગરિકતા કાયદો, એનપીઆર અને એનસીઆર પરત લેવાની માંગણી કરી છે. સાથે જ કેટલાક નાણાકીય બાબતોને સ્પર્શતા મુદ્દાઓ પર પણ મેં પીએમ સાથે ચર્ચા કરી હતી.

એરપોર્ટ પર વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

ચારુસેટ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ ગવર્નર આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત

અમદાવાદઃ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ચારૂસેટ, ચાંગા ખાતે નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને દિક્ષાંત પ્રવચન આપ્યુ હતું. તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષા અને જ્ઞાન થકી જ વિશ્વમાં એકતા અને સમાનતા લાવી શકાશે. તેઓએ પદવીધારક વિદ્યાર્થીઓએ ઉદેશ્યતા કહ્યું હતું કે યુનિવર્સિટીનું કામ વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક બનાવવાનું છે અને આ કૌશલ્યો થકી તેઓએ સચોટ અને સ્પષ્ટ વિચારધારા થકી સમાજ અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં જોડાવું જોઈએ. આગળ વધતા તેઓએ વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે જયારે તમને શિક્ષા થકી વિશેષ સન્માન અને ઉપલબ્ધી મળેલી છે ત્યારે સમાજ પ્રત્યેની તમારી જવાબદારી પણ વિશેષ બની રહે છે.

તેઓએ માતૃસંસ્થા, કેળવણી મંડળ, અને ચારૂસેટના સમાજ પ્રત્યેના સેવાભાવ અને સદ્ભાવના થકી  સમાજ ઉત્થાનના કાર્યને બિરદાવ્યું હતું. કેરળના હાલના રાજ્યપાલ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આરીફ મોહમ્મદ ખાન એક સફળ અને લોકપ્રિય રાજનેતા તરીક  ભારતની રાજનીતિમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ એક લોકનેતા તરીકે શિક્ષણ, દહેજ વિરોધી કાનૂન, શારીરિક રીતે વિકલાંગ લોકોના ઉત્થાન, મુસ્લિમ સમાજનાં વિકાસ અને પ્રગતિ વગેરે ક્ષેત્રે અનન્ય ફાળો આપેલ છે.

આ પ્રસંગે અતિથી વિશેષ પદે ઉપસ્થિત રહી વિખ્યાત અમેરિકન લેખક જ્યોર્જ મસરે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજીવન વિદ્યાર્થી બની રહો, સતત શીખતાં રહો, નવું સંશોધન કરતા રહો, અને એકબીજાના સહકારમાં કાર્ય કરી વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ લાવો. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને ફિજીક્સ, કોસ્મોલોજી, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે જેવા ગૂઢ અને મહત્વના વિષયો પર વધુ અભ્યાસ અને સંશોધન કરવા માટે પ્રેર્યાં હતા.

ડો. જ્યોર્જ મસર સાયન્સ વિષયક લેખન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક છે. સાયન્સ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેઓને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ અને અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવેલ છે. તેઓના પુસ્તકો ‘સ્પૂકી એક્શન એટ અ ડિસ્ટન્સ’ અને ‘ધ કમ્પ્લીટ ઈડિયટ્સ ગાઈડ ટૂ સ્ટ્રીંગ થિયરી’ વિજ્ઞાન જગતમાં લોકપ્રિય થયેલ છે. હાલમાં તેઓ વિશ્વ પ્રસિદ્ધ અમેરિકન સાયન્સ મેગેઝીન ‘સાયન્ટિફિક અમેરિકન’ ના એડિટર તરીકે સેવા આપી રહ્યા છે.

 

“સંપર્ક 2020” માં અનેક વિદ્યાર્થીઓએ જ્ઞાન વહેચ્યું અને મેળવ્યું

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટી યુ.વી.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજ ખાતે IEEE ગુજરાત સેક્શનનો વાર્ષિકોત્સવ સંપર્ક 2020 યોજાયો હતો. ગુજરાતની 30 અલગ અલગ એન્જીનીયરીંગ કોલેજો જેવી કે , DA-IICT, PDPU,અમદાવાદ યુનિવર્સીટી,  DDIT, GCET, LD Engineering College, GCET, LDCE,ચરોતર યુનિવર્સીટી, મારવાડી યુનિવર્સીટી, ADIT, LDRP વગેરેના 450 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા આઇઈઈઈ સભ્યો અને સભ્યપદ નથી તેવા વિદ્યર્થીઓ પણ હાજર રહ્યા હતા.

સંપર્ક એક એવો કાર્યક્રમ છે જેમા અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં ભાગ લે છે. વધુમા અહી વિદ્યાર્થીઓને એક એવુ પ્લેટફોર્મ મળે છે કે તેઓ એ વર્ષ દરમ્યાન કઇ કઇ ઈવેન્ટ કરી તેની સવિસ્તાર માહિતીની આપ-લે થઈ શકે, જેનો લાભ નવા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને આવી અલગ અલગ ઇવેન્ટના આયોજન કરવામાં મદદ મળશે.

આ પ્રસંગે દરેક કોલેજમાથી શ્રેષ્ઠ યોગદાન બદલ વિદ્યાર્થીઓને બેસ્ટ વોલેન્ટિયરનો અવોર્ડ આપવામા આવ્યો હતો તથા અલગ અલગ કોલેજોને સામુહિક રીતે તેમને તેમના યોગદાન બદલ અવોર્ડ આપવામા આવ્યો હતો.

ઉત્તરાયણ: વાહનચાલકોની જીવાદોરી ગણાતા સળિયાનું વેચાણ ઘટયું…

અમદાવાદ:  ઉત્સવો અને તહેવારોની મોસમ આવે એટલે સિઝનેબલ ધંધો કરનારા ઉત્પાદકો, વેપારીઓ સજ્જ થઇ જાય. એ પતંગ, ફટાકડા, રાખડીઓ, રંગ-પિચકારી જેવી તમામ ચીજવસ્તુઓ દુકાન-હાટડીયો અને માર્ગો પરના મંડપોમાં જોવા મળે. પણ, મંદી અને ઉત્સવોના ઉત્સાહમાં ફીકાશ આવે ત્યારે વેપાર-ધંધા ધોવાઇ જાય. વેપાર નાનો હોય કે મોટો મંદી અને રસ વિહોણા માહોલની અસર સૌને થાય. પતંગોત્સવ ઉત્તરાયણ આવે એટલે ઘણાં લોકોને પેટિયું રળવાની આશા સાથે નવો વિકલ્પ મળે. પતંગ-દોરી બનાવનાર વેચનાર સાથે અનેક લોકોને રોજગાર મળે.
થોડા વર્ષો પહેલા દિવાળી જાય કે તુરંત જ નાના મોટા સૌ પતંગ રસિયાઓ ધાબે-છાપરે કે મેદાનોમાં પતંગની મોજ માણતા હતા. જેના કારણે દોરીઓ માર્ગો પર પડતી અને રાહદારીઓ અને વાહનચાલકો ઘવાતા હતા. એમાંય ધારદાર ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકો ગંભીર ઇજાઓ પહોંચે છે. દોરીઓથી થતી ઇજાઓને રોકવા વાહન ચાલકોએ અવનવા નુસખા અપનાવવાના શરુ કર્યા. ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ.એમાંય છેલ્લા કેટલાય વર્ષો થી વાહનો ના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરુઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્યતા વધી જાય.

જેના કારણે ઉત્તરાયણ દરમિયાન વાહનોના સ્ટિયરિંગ પર સળિયા લગાવવાનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. આ વર્ષે અમદાવાદ શહેર ના જુદા જુદા વિસ્તારની ફૂટપાથો અને માર્ગને અડીને આવેલા મેદાનોમાં વાહનો પર લગાડનારા સંખ્યાબંધ લોકો વેપાર ધંધા માટે બેઠા છે. પણ…. વેપાર એકદમ ઓછો છે.. કારણ..પહેલાની જેમ ઉત્તરાયણ પૂર્વે આકાશમાં ભરચક પતંગો ચગતી હતી. આ વર્ષે પતંગો આકાશમાં નહિવત ઉડી રહી છે. માર્ગો પર દોરીઓ પડવાનું પ્રમાણ ઘટતા વાહનો પર સળિયા લગાડવાનો વેપાર ઠંડો થઇ ગયો છે. અંદાજે પચ્ચાસ રુપિયામાં ટુ વ્હીલર પર સળિયો લગાડતા અઢળક લોકો રસ્તા પરની ફૂટપાથ અને બ્રિજ પર અંડીગો લગાવી બેઠા છે. પણ લોકોની જીવાદોરી બચાવતા આ સળિયા વાળાનું ધંધા રુપી જીવનચક્ર હાલ મંદુ પડી ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કાતિલ પવનની લહેરો વચ્ચે ગુજરાતમાં ઠંડીનો સપાટો

અમદાવાદ: સમગ્ર દેશમાં બરાબર શિયાળો જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુંઠવાઇ ગયું છે. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ, નલિયામાં તાપમાન 3 ડીગ્રી સુધી નીચે સરકી ગયું. ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.

છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાત્રે તો ઠીક દિવસે પણ લોકો સ્વેટર અને શાલમાં જોવા મળી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 11 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થશે એટલે કે ઠંડીનું જોર ઘટી જશે. આગાહી પ્રમાણે સોમવારે બનાસકાંઠા, જામનગર, દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

‘આગામી 3-4 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો જોવા મળશે’, તેવું IMDએ આગાહીમાં જણાવ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો.

4 ડિગ્રી સેલ્સિઅસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર હતું, આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું હતું. પવનની દિશા બદલાતા અને ઉત્તરપૂર્વીય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન 22.9 ડિગ્રી સેલ્સિઅસ અને 10.1 ડિગ્રી સેલ્સિઅસ હતું, જે સરેરાશ કરતાં અનુક્રમે 4.8 ડિગ્રી અને 2.7 ડિગ્રી ઓછું હતું. શુક્રવારે દિવસ દરમ્યાન શહેરીજનોને ઠંડા પવનનો અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતોએ કહ્યું કે, ગુરુવારથી લઘુત્તમ તાપમાનમાં લગભગ 1 ડિગ્રીનો વધારો થયો છે. શનિવારે એટલે કે આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.

પાકિસ્તાનમાં ક્વેટાની મસ્જિદમાં વિસ્ફોટઃ 16 લોકોના મોત, 20 ઘાયલ

ઈસ્લામાબાદઃ ક્વેટાના ઘૌસાબાદ વિસ્તારમાં આજે થયેલા વિસ્ફોટમાં પોલીસ અધિકારી સહિત 16 લોકોના મોત થયા છે જ્યારે 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર. વિસ્ફોટ સાંજની નમાજના સમયે થયો હતો. મૃતકોમાં ક્વેટાના ડીએસપી અમાનુલ્લાનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ ડીએસપીને નિશાન બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો. ગત મહિને ક્વેટામાં જ ડીએસપીના દિકરાની ગોળઈ મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને બલૂચિસ્તાનના મુખ્યમંત્રી જે. કમાલ ખાને ઘટનાની નિંદા કરી છે. તેમણે ઓફિસરોને જલ્દી જ તપાસ પૂરી કરીને રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે. ક્વેટામાં તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે.

બલૂચિસ્તાનના ગૃહમંત્રી જિયા લંગોવે ઘટના પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મૃતકોની સંખ્યા હજી વધી શકે છે, કારણ કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, ઘાયલોની સારવારમાં કોઈપણ પ્રકારની લાપરવાહી નહી ચલાવી લેવાય. ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકીઓ પાકિસ્તાનના વિકાસથી ડરી ગયા છે. હારી ગયેલા અને ડરી ગયેલા આતંકીઓને ક્યારે સફળ થવા દેવામાં નહી આવે.

ક્વેટા પાકિસ્તાનનું હિંસા પ્રભાવિત ક્ષેત્ર માનવામાં આવે છે. ગત મંગળવારના રોજ પણ અહીંયા ફ્રંટિયર કોર્પ્સ સુરક્ષા દળની ગાડી પાસે રહેલા બાઈકમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તહરીક-એ-ઈન્સાફ નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી અને ક્વેટામાં ગત સપ્તાહે, ઓગસ્ટ અને નવેમ્બરમાં પણ વિસ્ફોટ થયા હતા.