Home Blog Page 4647

દિવ્યતાના માર્ગ પર ચાલવાનો અર્થ શું છે?

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

જ્યારે આપણે શરીર ધારણ કરીએ છીએ, જે દિવસે આપણે આપણી માતાના ઉદરમાંથી બહાર આવીએ છીએ, ત્યારે તે શક્યતાઓ નો જન્મ છે. જીવવિજ્ઞાન તો તમને કેવળ એક પ્રાણી તરીકે જન્મ આપે છે. એ તમે છો જે સ્વયંને માનવી કે દિવ્ય શક્યતામાં રૂપાંતરિત કરી શકો છો. આ કામ વ્યક્તિએ સ્વયં કરવું પડે છે. જ્યારે તેનામાં ઇચ્છા જાગૃત થાય છે, જ્યારે તેનામાં જરુરી સભાનતા આવે છે, જ્યારે તે તેની અંદરના પશુને મારી નાંખે છે અને પવિત્રતાને પાંગરવા દે છે, ત્યારે તેનો જન્મ વાસ્તવિક અર્થમાં અર્થપૂર્ણ બની રહે છે. આ શક્યતા તમારા જીવનની દરેક ક્ષણે અસ્તિત્વ ધરાવે છે.

જે શક્યતા શક્ય ન બને, તે દુઃખદ છે. જે બીજમાંથી અંકુર ન ફૂટે, જે ફૂલ ન ખીલે, તે દુખદ છે. જો કોઈ શક્યતાને અવકાશ જ ન હોય, તો તે જુદી વાત છે. પણ તમે પથ્થર પર ફૂલ ખીલવાની કે ગધેડાને જ્ઞાન પ્રાપ્ત થાય તેવી અપેક્ષા નથી સેવી રહ્યા. આપણે ફૂલ આપતા છોડ પર ફૂલો ખીલે અને માનવી તેના સર્વોચ્ચ સ્વરુપે ખીલી ઊઠે, તેવી અપેક્ષા સેવીએ છીએ. જો આ શક્યતાને નિષ્ક્રિય રાખવામાં આવે, તો તે ઘણું જ દુઃખદ છે.

બ્રહ્મચર્ય એટલે દિવ્યતાના માર્ગ પર ચાલવું. દિવ્યતાના માર્ગ પર ચાલવાનો અર્થ શું છે? તેનો અર્થ એ કે વ્યક્તિ વાસ્તવમાં તેની અનિવાર્ય પ્રકૃતિથી આગળ વધીને જીવનની સચેત પ્રક્રિયામાં પ્રવેશ કરવા માટે મથામણ કરી રહી છે. આ માટેનો પ્રયત્ન પવિત્ર છે. શું તેઓ આજે કે દસ વર્ષોમાં તેમની મર્યાદાઓને પાર કરી જશે? અહીં એ મુદ્દો મહત્વનો નથી. કોઈ વ્યક્તિ તેના અનિવાર્ય પ્રકૃતિને પાર કરવા માટે મથી રહી છે, કોઈ વ્યક્તિ તેની અનિવાર્ય પ્રકૃતિને પાર કરીને સચેત માનવી બનવા માટે પ્રયત્ન કરી રહી છે, તે મહત્વપૂર્ણ છે. આ મથામણ આસપાસની દરેક વ્યક્તિ માટે અસંખ્ય શક્યતાઓ ઊભી કરે છે.

આ સંસ્કૃતિના પ્રાચીન ભૂતકાળની સમજદાર વ્યક્તિઓએ નક્કી કર્યું કે વિશ્વની ત્રીસ ટકા વસ્તીએ સંયમી માર્ગ અપનાવવો જોઈએ. આપણે તો તેની નજીક પણ નથી. ભૂતકાળમાં ઘણા યોગીઓએ તેને પુનઃજીવિત કરવાના મોટાપાયે પ્રયત્નો કર્યા. અગસ્ત્ય આવા જ એક મહાન યોગી હતા, જેમણે હજ્જારો યોગીઓને સંયમી માર્ગ તરફ વાળ્યા. આપણે હજી પણ તેમના પ્રયત્નોના ફળ મેળવી રહ્યા છીએ. આજે, ઇશા ફાઉન્ડેશન એ દિશામાં જ પ્રયત્નશીલ છે કે, ભાવિ પેઢીઓ અફળદ્રુપ ન બની જાય. આ વિશ્વની ભાવિ પેઢીઓ ફક્ત ખાવામાં, સૂવામાં અને પ્રજોત્પાદનમાં જ રસ ન રહે, તે માનવી તરીકે કશુંક ઉત્કૃષ્ટ કાર્ય કરે.

આધ્યાત્મિક પ્રક્રિયા તમારામાં રહેલા પ્રાણીનાં મૂળનો નાશ કરીને દિવ્યતાને ખીલવવા માટેની પરિસ્થિતિનું સર્જન કરે છે. તે બીજનું ફળ તત્કાળ જોઈ શકાતું નથી. જ્યાં-ત્યાં ઊગી નીકળતા નીંદણ પર ત્રણ દિવસની અંદર જ ફૂલો બેસે છે. પણ જો તમે નાળિયેરના વૃક્ષ પર ફૂલો ઊગે તેમ ઈચ્છતા હોવ, તો તે માટે તમારે છ વર્ષ સુધી રાહ જોવી પડે છે. આમ, જો તમે વાસ્તવમાં કશુંક અર્થપૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો તેને થોડો સમય લાગશે. પણ જો બીજ યથાર્થ હોય અને તેનું પાલનપોષણ યોગ્ય હશે, ફળ ઊગવાનું જ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જીવનનો માર્ગ ન જાણતી હોય, કેવળ તેવી અધીરી મૂર્ખ વ્યક્તિ જ ચોથા વર્ષે એમ વિચારીને નાળિયેરીને ઉખાડી ફેંકશે કે આમાંથી તો કશું ઉપજતું નથી.

પ્રાણીઓથી આપણને જુદા પાડતું એકમાત્ર પરિબળ એ છે કે તેઓ ફરાજિયાતપણે કાર્ય કરે છે, જ્યારે આપણે સચેતતાપૂર્વક કાર્ય કરી શકીએ છીએ. જો આપણે આપણી અંદર રહેલા તમામ ફરજિયાતપણા ને કાઢી નાંખીએ અને જીવનના દરેક પાસાંને સચેત પ્રક્રિયા બનાવીએ, તો આપણે સંપૂર્ણપણે પરમ સુખમય જીવન જીવી શકીશું અને આવું જીવન જીવનારી વ્યક્તિએ તેના પરમ મોક્ષની ચિંતા કરવાની પણ જરુર નથી. તે તેનો અધિકાર છે. તે ભગવાન પાસેથી મળેલી ભેટ નથી. તે તેનો અધિકાર છે, કોઈ તેને નામંજૂર કરી શકે નહીં.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

રાશિ ભવિષ્ય 21/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 21/09/2020

નકલી ખાદી ઉત્પાદનો વેચતી 160 વેબ લિન્ક્સને દૂર કરાવાઈ

મુંબઈઃ ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC – ખાદી ગ્રામોદ્યોગ આયોગ)એ ઈ-કોમર્સ પોર્ટલ્સ – એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ તથા અન્યોને જણાવી દીધું છે કે તેઓ ‘ખાદી’ બ્રાન્ડ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચતી 160 વેબ લિન્ક્સને દૂર કરી દે.

ખાદી ગ્રામોદ્યોગ આયોગ કેન્દ્રના માઈક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગસાહસોના મંત્રાલય હેઠળ એક કાનૂની નિગમ (કોર્પોરેશન) છે અને ‘ખાદી ભારત’ બ્રાન્ડનું મૂળ માલિક છે.

ખાદી ઉત્પાદનોની લોકપ્રિયતા વધવાથી ‘ખાદી ઈન્ડિયા’ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનો વેચતી અનેક કંપનીઓ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે.

ખાદી ગ્રામોદ્યોગ આયોગે ‘ખાદી ઈન્ડિયા’ નામનો ઉપયોગ કરીને એમના ઉત્પાદનો વેચતી 1000થી વધારે કંપનીઓને કાનૂની નોટિસ ફટકારી છે. પંચનું કહેવું છે કે આમ કરીને આ કંપનીઓ ખાદી ગ્રામોદ્યોગ પંચની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે અને ખાદી કારીગરોના રોજગાર છીનવે છે.

KVIC દ્વારા લીગલ નોટિસ અપાયા પછી ખાદી ગ્લોબલ કંપનીએ તેની વેબસાઈટનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે અને તેણે ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના સોશિયલ મિડિયા પેજીસ પણ હટાવી દીધા છે. ખાદી બ્રાન્ડનો ઉપયોગ કરીને પોતાના ઉત્પાદનો અને સામગ્રીઓ હટાવી લેવા માટે એણે 10-દિવસનો સમય માગ્યો હતો.

KVICના કડક પગલાને કારણે દેશભરમાં નકલી ખાદી પ્રોડક્ટ્સ વેચતા અસંખ્ય સ્ટોર બંધ થઈ ગયા છે.

KVIC દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ઈ-કોમર્સ પોર્ટલ્સ ખાદી બ્રાન્ડ નામ હેઠળ ખાદી માસ્ક, હર્બલ સાબુ, શેમ્પ, કોસ્મેટિક્સ, હર્બલ મહેંદી, જેકેટ્સ, કુર્તા તથા બીજી ચીજવસ્તુઓ જુદા જુદા વેચાણકારો મારફત વેચતી હતી. આને કારણે ઓનલાઈન ખરીદારોમાં એવી છાપ ઊભી થઈ હતી કે આ પ્રોડક્ટ્સ અને ચીજવસ્તુઓ અસ્સલ ખાદી ઉત્પાદનો છે.

KVICના ચેરમેન વિનયકુમાર સક્સેનાએ કહ્યું છે કે KVICએ ભંગકર્તા લોકોને વિકલ્પ આપ્યો છે કે કાં તો ખાદી નામે ઉત્પાદનો વેચવાનું બંધ કરો અથવા કાનૂની પગલા માટે તૈયાર રહો.

સહકારી, ખાનગી બેન્કોના 10% સ્ટાફને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી અપાઈ

મુંબઈઃ ભારતીય રેલવેએ મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરવાની સહકારી તથા ખાનગી ક્ષેત્રની બેન્કોના પસંદગીના 10 ટકા કર્મચારીઓને પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી ચૂકી છે.

આ જાણકારી રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ટ્વીટ દ્વારા આપી છે.

કોરોના વાઈરસ ચેપી બીમારીના ફેલાવાને કારણે હાલ મુંબઈની લોકલ ટ્રેનોમાં સામાન્ય લોકોને પ્રવાસ કરવા દેવાતો નથી. માત્ર સરકારી કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓમાં સંકળાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવે છે.

મહારાષ્ટ્ર સરકારની વિનંતીને પગલે રેલવે મંત્રાલયે સહકારી તથા ખાનગી ક્ષેત્રની બેન્કોના કુલ સ્ટાફના 10 ટકા ભાગના કર્મચારીઓને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. પશ્ચિમ અને મધ્ય રેલવેએ એક સંયુક્ત અખબારી યાદી દ્વારા આમ જણાવ્યું છે.

રેલવે ગયા જૂનના મધ્ય ભાગથી આવશ્યક તથા ઈમરજન્સી ટ્રેન સેવા ચલાવી રહી છે.

પસંદગીના 10 ટકા સ્ટાફ સભ્યોએ રાજ્ય સરકાર પાસેથી QR ID કોડ્સ મેળવવા જરૂરી રહેશે. ત્યાં સુધી જેમની પાસે કાયદેસર આઈડેન્ટિટી કાર્ડ હોય એને સાથે રાખીને ટિકિટ ખરીદીને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે.

રેલવે મંત્રાલયે તાજેતરમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને રીપેર સ્ટાફને પણ મુંબઈમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી.

રેલવેએ આ તમામ પેસેન્જરોને મોઢા પર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી છે.

લોકડાઉનમાં બોલીવૂડ અભિનેત્રીઓ બની બ્યુટી, હેલ્થ એક્સપર્ટ્સ

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરાતાં ઘણી સેલિબ્રિટી વ્યક્તિઓને નવા કામ શીખવાનો મોકો મળ્યો છે, નવા કૌશલ્ય બતાવવાની એમને તક સાંપડી છે. ઘણાં લોકો રાંધણકળા, બાગકામ કરતા જોવા મળ્યાં તો કોઈક વાળ કાપતું જોવા મળ્યું. બોલીવૂડની અમુક અભિનેત્રીઓ એમનાં પ્રશંસકો માટે બ્યુટી-આરોગ્ય નિષ્ણાત બની છે. એમણે સોશિયલ મિડિયા પર દાંત, ત્વચા અને કેશની સંભાળ લેવાનું શીખડાવતા, મેકઅપના ટ્યુટોરિયલ્સ વિડિયો ક્લિપ્સ દ્વારા, તસવીરો કે ટેક્સ્ટ દ્વારા શેર કર્યાં છે.

આ અભિનેત્રી છે – અનુષ્કા શર્મા, રવીના ટંડન, ભૂમિ પેડણેકર, મલાઈકા અરોરા અને કીર્તિ કુલ્હારી.

અનુષ્કા શર્માઃ

અનુષ્કા હાલ ગર્ભવતી છે અને બસ અમુક જ મહિનાઓમાં એ અને એનો ક્રિકેટર પતિ વિરાટ કોહલી માતા-પિતા બની જશે. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર દાંતના આરોગ્ય (ડેન્ટલ હાઈજીન)ના મહત્ત્વ અંગે એનાં વિચારો શેર કર્યાં છે. આ માટે એ પોતે નિયમિત રીતે એક આયુર્વેદિક પદ્ધતિ અપનાવી રહી છે – ઓઈલ પુલિંગ. એમાં સવારે નયણા કોઠે મોઢામાં એક ચમચી તેલ (કોઈ પણ નાળિયેર કે તલનું તેલ) મોઢામાં ભરી રાખવું અને 20 મિનિટ પછી એને થૂંકી નાખવું. આનાથી દાંત અને પેઢાં મજબૂત બને છે, દાંતમાં સડો થતો અટકે છે, મોઢામાંથી દુર્ગંધ આવતી નથી અને દાંતમાં રહેલા ઝેરી તત્ત્વો પેટમાં જવાને બદલે બહાર નીકળી જાય છે. આનાથી આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

રવીના ટંડનઃ

રવીના ટંડને વાળ ખરતાં અટકાવવા માટેનો ઉપાય બતાવતો એક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એમાં તે આમળાનાં ગુણ અને લાભ દર્શાવે છે. આ જાણકારી એણે હિન્દીમાં આપી છે.

ભૂમિ પેડણેકરઃ

ભૂમિ પેડણેકરે મેકઅપ અંગે એની પ્રશંસકોને માહિતગાર કરતું એક ટ્યુટોરિયલ પ્રસ્તુત કર્યું છે. આ વિડિયોમાં એ મેકઅપ કેવી રીતે કરવો જોઈએ એનું વ્યવસ્થિત રીતે ડેમોન્સ્ટ્રેશન કરે છે.

View this post on Instagram

Being creative 💥

A post shared by Bhumi 🌻 (@bhumipednekar) on

BHUMI PEDNEKAR

 

મલાઈકા અરોરાઃ

મલાઈકા અરોરાએ એલો વેરાનાં લાભ દર્શાવતો એક વિડિયો રજૂ કર્યો છે. પોતાની ત્વચા સંવેદનશીલ હોવાથી તે એલો વેરાનો ઉપયોગ કરે છે એવું તે આમાં જણાવે છે. વિડિયોની સાથે એણે ત્વચા તથા એલો વેરા જેલના ઉપયોગ વિશે જાણકારીનું લખાણ પણ મૂક્યું છે.

કીર્તિ કુલ્હારીઃ

કીર્તિ કુલ્હારીએ શેર કર્યું છે કે કુદરતી રસ તેની શારીરિક ઊર્જાનું રહસ્ય છે. એણે લખ્યું છે કે મિક્સ્ડ વેજિટેબલ્સ જ્યૂસ એનાં સ્વાસ્થ્યનું રહસ્ય છે. જુદા જુદા શાકભાજી અને વનસ્પતિ જેવાં કે, દૂધી, બીટરૂટ, પાલખ, ફૂદીનો, આદુ, ટમેટાં, કાકડી, લીંબુનાં રસ અને સાથે સીંધવ (સિંધાલુણ) મીઠું ઉમેરીને પીવાની કીર્તિ સલાહ આપે છે.

 

 

અમારે હજી ઘણી બાબતોમાં સુધારા અપનાવવાની જરૂર છેઃ ધોની

અબુધાબીઃ ગઈ કાલે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આઈપીએલ-2020ની પ્રારંભિક મેચમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સને પોતાની ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ-વિકેટથી પરાજય આપ્યો તેનાથી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખુશ થયો છે, પણ હજી ઘણી બાબતોમાં ટીમે સુધારા અપનાવવાની જરૂર છે એવું તેણે કહ્યું છે.

ગયા વર્ષની સ્પર્ધામાં, મુંબઈ ટીમ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઈનલ સહિત તમામ ચારેય મુકાબલામાં હારી ગઈ હતી. આમ, આ વખતે પ્રારંભિક મેચમાં જ જીત મળતાં ધોની અને તેના સાથીઓ આનંદમાં આવી ગયા છે.

ગઈ કાલની મેચમાં ચેન્નાઈ ટીમે બોલિંગ અને બેટિંગ, બંને વિભાગમાં મુંબઈના ખેલાડીઓને પરાસ્ત કર્યા હતા.

ધોનીએ કહ્યું કે ગઈ કાલની મેચમાં અમારા દેખાવમાં ઘણી સકારાત્મક્તા જોવા મળી છે, પરંતુ હજી બીજી ઘણી બાબતોમાં અમારે સુધારો કરવાની જરૂર છે.

ધોનીએ કહ્યું કે મેચમાં અમારી ટીમનો કોઈ ખેલાડી ઈન્જર્ડ ન થયો એનાથી તેને બહુ રાહત થઈ છે, કારણ કે અમારી ટીમમાં ઘણા ખેલાડીઓ એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે.

અંબાતી રાયડુ ‘મેન ઓફ ધ મેચ’

શનિવારની મેચમાં, ધોનીએ ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પહેલા બેટિંગ આપી હતી. મુંબઈએ તેના હિસ્સાની 20 ઓવરમાં 9 વિકેટે 162 રન કર્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 166 રન કરીને મેચ જીતી લીધી હતી.

ફાફ ડુ પ્લેસીએ મેચના પરિણામ પૂર્વેના છેલ્લા બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. એ 44 બોલમાં 58 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ ચેન્નાઈના અંબાતી રાયડુને આપવામાં આવ્યો હતો જેણે 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 71 રન ફટકાર્યા હતા. રાયડુ અને પ્લેસીએ ત્રીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી.

આઈપીએલમાં કેપ્ટન તરીકે ધોનીનો આ ૧૦૦મો વિજય છે.

રોહિત શર્માના સુકાનીપદવાળી મુંબઈ ટીમમાં ટોપ સ્કોરર રહ્યો હતો સૌરભ તિવારી – 42 રન. વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 33, રોહિતે 12 રન કર્યા હતા.

વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભાએ કૃષિ ખરડા પાસ કરી દીધા

નવી દિલ્હીઃ લોકસભા બાદ રાજ્યસભાએ પણ કૃષિ ક્ષેત્ર સંબંધિત બે આજે ખરડા પાસ કરી દીધા છે. આ ખરડા કિસાનોને એમની ઊપજના માર્કેટિંગ માટે સ્વતંત્રતા આપવા અંગેના છે. કોંગ્રેસ સહિતના વિરોધપક્ષના ઉગ્ર વિરોધ છતાં મૌખિક મતદાન દ્વારા આ ખરડા પાસ કરી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ રાજ્યસભા ગૃહની કાર્યવાહીને આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

પાસ કરી દેવામાં આવેલા બે ખરડા છે – કૃષિ ઊપજ વ્યાપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળીકરણ) ખરડો, 2020 અને કિશાન (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમતની ખાતરી અંગેનો કરાર અને કૃષિ સેવાઓ ખરડો, 2020. ત્રીજો ખરડો છે – આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) ખરડો, 2020.

રાજ્યસભામાં કુલ 245 બેઠક છે. એમાં શાસક ભારતીય જનતા પાર્ટીના કુલ 86 સભ્યો છે. કોંગ્રેસના 40, તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના 13, સમાજવાદી પાર્ટીના 8, તેલંગાણા રાષ્ટ્રસમિતિ (ટીઆરએસ)ના 7, બિજુ જનતા દળ (બીજેડી)ના 9, જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના 5, ઓલ ઈન્ડિયા અન્નાદ્રમુક (એઆઈએડીએમકે)ના 9, ડીએમકેના 7, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પાંચ.

લોકસભા બાદ રાજ્યસભામાં પણ વિરોધપક્ષના સભ્યોએ આ ખરડાઓ સામે આજે ઉગ્રપણે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સરકારની વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા.

ટીએમસીના સભ્ય ડેરેક ઓબ્રાયને ગૃહના નાયબ અધ્યક્ષ હરિવંશની બેઠક સુધી ધસી ગયા હતા અને એમની નજર સામે ખરડાની કોપીઓ, ગૃહના નિયમોની પુસ્તિકા ખેંચી લઈને ફાડી નાખી.

ચર્ચા દરમિયાન તમામ વિરોધ પક્ષોના સભ્યોએ માગણી કરી હતી કે આ ખરડાઓને ફેરવિચારણા માટે ગૃહની સિલેક્ટ કમિટીને મોકલવા જોઈએ, પરંતુ સરકારે એમની માગણીઓ સ્વીકારી નહોતી.

શાસક ભાજપે તેના તમામ સભ્યોને રાજ્યસભામાં હાજર રહેવાનો આદેશ જારી કર્યો હતો.

પ્રિયંકા ચોપરા-જોનસને ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ કરાઈ

ન્યૂયોર્કઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસને આ વર્ષના ‘ઓસ્કર’ એવોર્ડ્સમાં ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ના એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે.

‘બેવોચ’ની અભિનેત્રી એની આગામી નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ માટે પ્રતિષ્ઠિત એકેડેમી એવોર્ડ જીતે એવી ધારણા રાખી શકાય. પ્રિયંકા ભૂતકાળમાં ઓસ્કર એવોર્ડ્સ સમારંભમાં મહેમાન તરીકે હાજરી આપી ચૂકી છે, પણ આ વખતના સમારંભમાં એ નોમિની (નામાંકિત) તરીકે રેડ કાર્પેટ પર ઉપસ્થિત થશે.

‘ધ વ્હાઈટ ટાઈગર’ ફિલ્મ રામીન બેહરાનીએ બનાવી છે અને તે આ જ નામ સાથે પ્રકાશિત કરાયેલી ભારતીય-ઓસ્ટ્રેલિયન લેખક-પત્રકાર અરવિંદ અડિગની નવલકથાનું ફિલ્મી રૂપાંતર છે. ચેન્નાઈમાં જન્મેલા અડિગની નવલકથાને 2008ની સાલમાં ‘મેન બુકર પ્રાઈઝ’ મળ્યું હતું. ‘ધ વ્હાઈટ ટાઈગર’ એમની પહેલી જ નવલકથા હતી.

આ ફિલ્મમાં પ્રિયંકાએ જે પાત્ર ભજવ્યું છે એ તેનાં પ્રશંસકોએ અગાઉ ક્યારેય જોયું નહીં હોય અને પ્રિયંકાનાં અભિયની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

‘ધ વ્હાઈટ ટાઈગર’ ફિલ્મની રિલીઝ તારીખ પણ હજી નક્કી થઈ નથી, પરંતુ આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરાશે એ નક્કી થયું છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે રાજકુમાર રાવની પણ મહત્ત્વની ભૂમિકા છે.

અમેરિકાની વિખ્યાત મિડિયા કંપની ‘વેરાયટી’ તેના એવોર્ડ્સ સર્કિટ અંતર્ગત ઓસ્કર એવોર્ડના સંભવિત વિજેતાઓ વિશે સત્તાવાર રીતે આગાહી કરે છે. એણે જ પ્રિયંકાનું નામ ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ની કેટેગરીમાં ટોચની દાવેદાર તરીકે જાહેર કર્યું છે.

પ્રિયંકા ચોપરાને મેરીલ સ્ટ્રીપ (‘ધ પ્રોમ’), હાન યેન-રી (‘મિનારી’), ક્રિસ્ટીન સ્કોટ થોમસ (‘રીબેકા’) અને ઓલિવિયા કોલમન (‘ધ ફાધર’)ની સાથે નામાંકન મળ્યું છે.

38 વર્ષીય પ્રિયંકા કોરોના રોગચાળાના સંકટના સમયમાં દુનિયાના અનેક ભાગોમાં પ્રોત્સાહિત કરનારી મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગોને ટેકો પૂરો પાડવા માટે આગળ આવી છે.

નેટફ્લિક્સ કંપની મુકુલ દેવરાની સાથે મળીને ‘ધ વ્હાઈટ ટાઈગર’નું નિર્માણ કરી રહી છે. પ્રિયંકા એમાં એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર તરીકે પણ જોડાઈ છે.

Chitralekha Marathi – September 28, 2020

PDF Version
This post is only available to members.