Home Blog Page 4649

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦

પંચાંગ 19/09/2020

ઈવાન્કા ટ્રમ્પ બેકરીમાં જઈને ક્યૂબન બ્રેડ બનાવતાં શીખ્યાં…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને એમનાં સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ 17 સપ્ટેમ્બર, ગુરુવારે ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરની એક જાણીતી બેકરીની મુલાકાતે ગયાં હતાં અને ત્યાં માસ્ટર બેકર પાસેથી 36 ઈંચના ક્યૂબન બ્રેડનો રોલ (પીંડો) કેવી રીતે બનાવાય એ શીખ્યાં હતાં.

મુંબઈમાં 144મી કલમ લાગુ ઓર્ડર રાબેતા મુજબનો, પોલીસે કોઈ નવા નિયંત્રણો લાદ્યા નથી

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીએ મુંબઈ મહાનગરને સકંજામાં લીધાને છ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. આ બીમારીને કારણે  મુંબઈવાસીઓએ ગયા માર્ચના બીજા પખવાડિયાથી લોકડાઉન સહન કર્યું હતું. ધીરે ધીરે અનલોક પ્રક્રિયા ચાલુ થઈ છે અને હવે આવશ્યક ઉપરાંત બીજી ઘણી પ્રવૃત્તિઓ પણ ફરી શરૂ થઈ ચૂકી છે. તે છતાં કોરોનાના કેસ હજી ઘટવાનું નામ લેતા નથી. પરિણામે રાજ્ય સરકારના આદેશને પગલે મુંબઈ પોલીસ દર 15 દિવસે શહેરમાં લોકો બિનજરૂરી કારણસર એકઠાં ન થાય અને ભીડ જમાવે નહીં એટલા માટે કડક નિયંત્રણોનો અમલ કરાવે છે.

પોલીસે 17 સપ્ટેમ્બરની મધરાતથી 30 સપ્ટેમ્બરની મધરાત સુધી શહેરમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 લાગુ કરી છે જે હેઠળ આમ તો રસ્તાઓ પર, જાહેર સ્થળોએ પાંચ કે તેથી વધારે લોકોના એકઠા થવા પર મનાઈ હોય છે. ગઈ કાલે પોલીસે આ નિયંત્રણોને રાબેતા મુજબ લંબાવ્યા હતા. આ સમાચાર વહેતા થતાં લોકોમાં અમુક સમય સુધી ચિંતા અને ગભરાટની લાગણી ફેલાઈ હતી કે, શું વળી લોકડાઉન લાગુ કરાઈ રહ્યું છે?

આખરે મુંબઈ પોલીસે ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટતા કરવી પડી કે, આ ઓર્ડર રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર ગઈ 31 ઓગસ્ટ અનુસાર જ ઈસ્યૂ કરવામાં આવ્યો છે, જેમાં નિયંત્રણોને હળવા કરવાની વાત કહેવામાં આવી છે, લોકડાઉનને સાત-તબક્કા અનુસાર ખોલવામાં આવી રહ્યા છે અને શહેરમાં પોલીસ દ્વારા કોઈ નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા નથી. લોકોએ રાબેતા મુજબ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવાનું છે અને મોઢા પર માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવાનું છે. ઘરની બહાર નીકળ્યા પછી મોઢા પર માસ્ક પહેરવો ફરજિયાત છે.

નવા ઓર્ડરમાં પણ આવશ્યક સેવાઓ તથા ચીજવસ્તુઓની સપ્લાય તેમજ તબીબી ઈમરજન્સીઓને કોઈ અવળી અસર નહીં પડે.

પોલીસે લોકોને એવી વિનંતી પણ કરી કે નવા ઓર્ડરને કારણે ગભરાવા જેવું નથી, કારણ કે કોઈ નવા નિયંત્રણો લાગુ કરાયા નથી અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ અનુસાર આપવામાં આવેલી તમામ છૂટછાટો ચાલુ જ રહેશે.

મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ ટ્વીટ કરીને લોકોને કહ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી. 144મી કલમને લગતો જે ઓર્ડર ઈસ્યૂ કરાયો છે એ 31 ઓગસ્ટના ઓર્ડરનું એક લંબાણ જ છે.

મુંબઈ મહાનગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, મુંબઈમાં 17 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કોરોનાના સક્રિય કેસોની કુલ સંખ્યા 32,849 હતી. આ રોગથી મૃત્યુ પામેલાઓની સંખ્યા 8,320 હતી.

દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ ધરાવનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર હજી પણ પહેલા નંબરે છે. અહીં અત્યાર સુધીમાં કુલ 11 લાખ પાંચ હજાર કેસો નોંધાઈ ચૂક્યા છે. આમાંથી 8 લાખ 12 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે મરણાંક 31,351 છે.

હવે બેંક KYCની સુવિધા પણ વિડિયોથી!

અમદાવાદઃ કોરાનોના આ સમયમાં તમે ઓફિસ ન જઇ શકો તો કામ ઘરેથી કરી શકો, વીજળી કે ગેસનાં બિલ કે બીજા પેમેન્ટ ઓનલાઇન કરી શકો, પણ કોઇ તમને કહે કે ઘરે બેઠાં બેંકમાં ખાતું ખોલાવી શકાય તો?

વેલ, હવે બેંકોએ આ કામ પણ ઘરે બેઠાં વિડિયોની મદદથી શરૂ કર્યું છે. દેશની જાણીતી ખાનગી બેંક HDFC એ એની વિડિયો KYC સુવિધા શરૂ કરી છે. આ વિડિયો KYC સુવિધા એ ભેગા મળીને કામ કરી રહેલી બ્રાન્ચ બેન્કિંગ, ડિજિટલ બેન્કિંગ અને રિટેલ એસેટ્સના એજાઇલ પોડ્સની કામગીરીનું પરિણામ છે.

જોકે હાલમાં વિડિયો KYC સુવિધાને બચત અને કોર્પોરેટ સેલરી ખાતાંઓ તથા પર્સનલ લોન માટે શરૂ કરવામાં આવી છે અને તબક્કાવાર રીતે અન્ય ઉત્પાદનો માટે પણ શરૂ કરવામાં આવશે. આરબીઆઇના દિશા-નિર્દેશો મુજબ વિડિયો KYCની કામગીરી સફળતાપૂર્વક થવી એ સંપૂર્ણ KYCને સમકક્ષ છે અને ગ્રાહક તમામ નાણાકીય- બેન્કિંગ સેવાઓ મેળવવા પાત્ર ગણાય છે.

ટૂંકમાં, હવેથી ગ્રાહકો હવે ઘેર અથવા ઓફિસમાં બેઠાં-બેઠાં HDFC બેન્કમાં સંપૂર્ણ KYCની સાથે તમામ લાભ ધરાવતું ખાતું ફક્ત થોડી જ મિનિટોમાં ખોલાવી શકે છે.

HDFC બેન્કના રિટેઇલ બ્રાન્ચ બેન્કિંગના ગ્રુપના વડા અરવિંદ વોરાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં અમે તેને બચત અ કોર્પોરેટ સેલરી અને પર્સનલ લોનના ગ્રાહકો માટે શરૂ કરી રહ્યા છીએ અને તબક્કાવાર અન્ય ગ્રાહકોને આ સવલત પૂરી પાડીશું.

 

JEE એડવાન્સ પરીક્ષાર્થીઓને રાતવાસો કરવા મદદ કરાશે

ગાંધીનગરઃ વર્તમાન કોરોના રોગચાળાને ધ્યાનમાં JEE એડવાન્સ પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓને મદદ કરવાના હેતુથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) પરીક્ષાર્થીઓને અને તેમનાં માતાપિતાને સાથે કેમ્પસમાં રાતવાસો કરવા માટે ઓફર કરી રહી છે.

JEE એડવાન્સના ઉમેદવાર –જેના ગાંધીનગર-અમદાવાદ ક્ષેત્રોમાં કેન્દ્ર છે અને તેઓ IITGN કેમ્પસમાં રાતવાસો કરવા ઇચ્છે તો તેઓ https://www.iitgn.ac.in/jeeaes પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નોંધણી પામેલા પરીક્ષાર્થીઓને  સંસ્થામાંથી સંદેશવ્યવહાર અને કોર્સ વિશેની માહિતી મળી શકશે.

આ ખાસ વ્યવસ્થા વિશે વાત કરતાં IITGNના ડિરેક્ટર પ્રોફેસર સુધીર જૈને કહ્યું હતું કે આ સમય આ ઉમેદવારો અને પરીક્ષાર્થી માટે પડકારજનક છે, જેમના JEE એડવાન્સના પરીક્ષા કેન્દ્રો તેમના હાલના નિવાસસ્થાનેથી બહુ દૂર છે અને તેમને સુરક્ષિત સ્થળે રાતવાસો શોધવાની જરૂર છે, તેમના પ્રતિ IIGN સંવેદનશીલ બનવા સાથે આ સુવિધા આપશે. આવા પરીક્ષાર્થીઓ અને તેમનાં માતાપિતાને રાહત રૂપે રાતવાસાની સુવિધા આપવા માટે સંસ્થાનો આ વિનમ્ર પ્રયાસ છે.

 

 

 

આજથી IPL: મુંબઈ ઈન્ડિયન્સ છે બુકીઓની ટોપ ફેવરિટ ટીમ

અબુધાબીઃ ટીમદીઠ 20-20 ઓવરવાળી મેચોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 13મી મોસમનો આવતીકાલથી યૂએઈમાં ત્રણ સ્થળે આરંભ થશે. કાલની પ્રારંભિક મેચ ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અને ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ બંને ટીમ ગયા વર્ષની સ્પર્ધાની ફાઈનલિસ્ટ છે. હરિયાણાના ગુરુગ્રામ શહેર તથા એની આસપાસના વિસ્તારોમાંથી ક્રિકેટ સટ્ટાકીય પ્રવૃત્તિ ચલાવતા  બુકીઓમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી ફેવરિટ છે. તેઓ આ ટીમનો ભાવ રૂ. 4.90નો લગાવે છે. તે પછીના ક્રમે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ આવે છે – રૂ. 5.60ના ભાવ સાથે.

બેટિંગ (સટ્ટાખોરી)ના ગેરકાયદેસર કૌભાંડ ચલાવતી સિન્ડીકેટ્સ પર ચાંપતી નજર રાખવાનો ગુરુગ્રામ પોલીસે તેની ગુપ્તચર શાખા – ક્રાઈમ બ્રાન્ચને તથા સ્ટેશન હાઉસ ઓફિસરોને આદેશ આપ્યો છે.

બીજી બાજુ, બુકીઓએ પોલીસની નજરમાંથી બચતા રહીને એમનું કામકાજ શરૂ કરી દીધું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ટીમના ભૂતકાળના દેખાવના આધારે બુકીઓ આ વખતે પણ આ ટીમને ટોપ ફેવરિટ ગણાવે છે.

નામ જાહેર ન કરવાની શરતે એક બુકીએ કહ્યું કે બુકીઓ ચેન્નાઈ સુપર કિંગ્સનો પાંચ રૂપિયા ભાવ આપે છે તો રોયલ ચેલેન્જર્સ બેંગલોર રૂ. 6.20 સાથે ચોથા ક્રમે છે. તે પછીના ક્રમે દિલ્હી કેપિટલ્સ (રૂ. 6.40), કોલકાતા નાઈટ રાઈડર્સ (રૂ. 7.80), કિંગ્સ ઈલેવન પંજાબ (રૂ. 9.50) અને રાજસ્થાન રોયલ્સ (રૂ. 10) આવે છે.

જે ટીમનો સૌથી ઓછો ભાવ હોય એ ટ્રોફી જીતવા માટે મજબૂત દાવેદાર ગણાય. જો કોઈ રૂ. 1000ની રકમ દાવ પર લગાવે કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલ-2020 જીતશે તો એને બુકી તરફથી રૂ. 4,900 મળશે. મેચ દર ઉપર-નીચે જઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા પાંચેય મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં ચાર વખત અને ચેન્નાઈ ટીમ 3 વખત ચેમ્પિયન બની છે.

આ વખતની આઈપીએલ ભારતમાં કોરોના વાઈરસનો ફેલાયો થયો હોવાને કારણે વિદેશની ધરતી પર રમાડવામાં આવી રહી છે.

આઈપીએલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોશો?

આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13નું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર કરવામાં આવશે. તે અંગ્રેજી ઉપરાંત હિન્દી તથા અન્ય સ્થાનિક ભાષાઓમાં પણ પ્રસારિત કરાશે.

સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત ડિઝની હોટસ્ટાર વીઆઈપી ચેનલ ઉપર પણ આઈપીએલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.

મોબાઈલ ફોન ઉપર પણ લોકો આ મેચો જોવાનો આનંદ ઉઠાવી શકશે.

કોરોના વાઈરસ મહાબીમારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એટલે યૂએઈના ત્રણેય સેન્ટર – દુબઈ, અબુધાબી અને શારજાહમાં પણ મેચો ખાલી સ્ટેડિયમોમાં રમાશે.

મોદીએ કરણ જોહરની પ્રશંસા કરી; ટ્વિટર-યુઝર્સે કંગનાની ઠેકડી ઉડાવી

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે એમના 70મા જન્મદિને દેશ અને દુનિયાની અનેક હસ્તીઓએ શુભકામના આપી હતી. આ શુભેચ્છા આપનારાઓમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ પણ સામેલ હતી. આમિર ખાન, કરણ જોહર, શાહરુખ ખાન, કંગના રણોત જેવા સ્ટાર્સે વડા પ્રધાનને સોશિયલ મિડિયાના માધ્યમથી જન્મદિવસની શુભકામના આપી હતી અને વડા પ્રધાન મોદીએ તે બધાનો આભાર પણ માન્યો હતો.

જોકે નિર્માતા કરણ જોહરનો આભાર માનતાં વડા પ્રધાન મોદીએ એમની પ્રશંસા પણ કરી હતી એટલે ટ્વિટર પર ઘણા લોકોએ કંગનાની મજાક ઉડાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી કંગના અને તેના સમર્થક કરણ જૌહરને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે કંગનાની બોલિવુડ અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે ચાલી રહેલી કશ્મકશમાં ભાજપ અભિનેત્રીનું સમર્થ કરતાં નજરે ચઢે છે.

કંગના કોઈ ખૂણામાં બેસીને રોતી રહેશે

વડા પ્રધાન મોદી દ્વારા કરણ જૌહરની પ્રશંસા કરવા પર સોશિયલ મિડિયા યુઝર્સ કહી રહ્યા છે કે હવે કંગના કોઈ ખૂણામાં બેસીને રડી રહી હશે. વડા પ્રધાન મોદીના કરણ જૌહરને જવાબ પર યુઝર્સે કંગનાની બહુ ઠેકડી ઉડાવી રહ્યા છે. કોઈ કંગનાનો રડતો ચહેરો ફોટો શેર કરી રહ્યા છે તો કોઈ વિડિયો. તો કેટલાક એના વિશે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

 

નીતિનું ઉલ્લંઘન કરવા બદલ ‘ગૂગલ પ્લેસ્ટોર’ પરથી ‘પેટીએમ’ની હકાલપટ્ટી

ન્યુ યોર્કઃ એક આશ્ચર્યજનક પગલામાં સર્ચ એન્જિન ગૂગલે તેની નીતિઓનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ તેના ‘પ્લેસ્ટોર’માંથી જાણીતી પેમેન્ટ એપ્લિકેશન ‘પેટીએમ’ને આજે હટાવી દીધી હતી. જોકે, વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિકીની પેટીએમ એપ તરફથી બાદમાં જાહેરાત કરાઈ હતી કે તે ‘ગૂગલ પ્લેસ્ટોર’ પર ફરીથી ઉપલબ્ધ થઈ છે. ગૂગલ કંપનીએ એમ પણ કહ્યું છે કે એ ક્યારેય પણ ગેમ્બલિંગ (જુગાર પ્રવૃત્તિને ઉત્તેજન આપતી) એપને ટેકો નહીં આપે. વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિકીની પેટીએમ એપ હવે ગૂગલ પ્લેસ્ટોર પર સર્ચ માટે જોવા નહીં મળે. જોકે આની અન્ય એપ્સ, જેમ કે પેટીએમ ફોર બિઝનેસ, પેટીએમ મની, પેટીએમ મોલ અને કંપનીની માલિકીની અન્ય એપ હજી પણ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. પેટીએમ એપલના ‘એપ-સ્ટોર’ ઉપર ડાઉનલોડ માટે પણ ઉપલબ્ધ છે.

ગૂગલે કહ્યું છે કે, અમે કસિનો, રમતની સટ્ટાબાજીની સુવિધા આપતી કોઈ પણ ઓનલાઈન ગેમ્બલિંગ એપને ટેકો નથી આપતા. આમાં એ પણ સામેલ છે કે એપ ગ્રાહકોને અન્ય વેબસાઇટ તરફ લઈ જાય છે- જે તેમને પૈસા-રોકડ પુરસ્કાર જીતવા માટેની ચુકવણી માટે ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપે છે, એમ ગૂગલે કહ્યું હતું.

ગૂગલે પેટીએમના ડેવલપર્સને એમની એપ દૂર કરવા વિશે અગાઉથી જાણ કરી દીધી હતી.

ગૂગલે કહ્યું હતું કે પ્લે સ્ટોર ઓનલાઇન કેસિનો અને અનિયમિત ગેમ્બલિંગ એપ્સને પ્રતિબંધિત કરે છે, જે ભારતમાં રમત પર સટ્ટાબાજીની સુવિધા આપે છે. પેટીએમ એપે વારંવાર કંપનીઓની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલાને જાણનાર બે લોકોએ અમને જણાવ્યું હતું. પેટીએમના ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ છે અને 50 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓએ છે. એની માર્કી એપ- જે વપરાશકર્તાઓને એકબીજાની સાથે પૈસાની લેવડદેવડ કરવાની મંજૂરી આપી છે. દેશમાં શુક્રવારે પ્લે સ્ટોરમાંથી પેટીએમ ગાયબ થઈ ગઈ છે. 

પેટીએમની માલિકી વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની નામની ભારતીય કંપની પાસે છે, જેની સ્થાપના વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી, પણ કંપનીને ફિનટેક કંપની એન્ટ ફાઇનાન્શિયલ્સ પાસેથી જંગી ભંડોળ મળ્યું હતું, જે ચીનની અલીબાબા ગ્રુપની સહયોગી કંપની છે.

પ્લે સ્ટોર પરથી દૂર કરવા પર ટિપ્પણી કરતાં પેટીએમે ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું હતું કે નવા ડાઉનલોડ અથવા અપડેટ માટે ગૂગલના પ્લે સ્ટોર પર પેટીએમ એન્ડ્રોઇડ એપ હંગામી ધોરણે ઉપલબ્ધ નથી, પણ એ બહુ જલદી પરત આવશે. તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમે તમારી પેટીએમ એપનો આનંદ લેવાનું જારી રાખશો.

 

રશિયાની કોરોના રસીથી દર સાતમાંથી એક જણ બીમાર પડ્યું

મોસ્કોઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો હજી ગંભીર રીતે આગળ વધી રહ્યો છે. વધુ ને વધુ લોકો એનો શિકાર બની રહ્યા છે ત્યારે લોકો આ રોગ સામે રક્ષણ આપે એવી મેડિકલ રસી જલદી ઉપલબ્ધ થાય એની રાહ જોઈ રહ્યા છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે આ રોગ સામેની રસી બનાવી લીધી છે અને તેના લોકોને આ Sputnik V રસી આપવાનું શરૂ પણ થઈ ગયું છે. આ રસી ભારત પણ ખરીદવાનું છે એવા અહેવાલો છે.

 પરંતુ, એવા અહેવાલો છે કે રશિયામાં જેમણે Sputnik V  રસી લીધી છે એ દર સાતમાંથી એક વ્યક્તિ બીમાર પડી છે.

રશિયામાં આ રસી જેમને આપવામાં આવી છે એ સ્વયંસેવકોમાંથી આશરે 14 ટકા અથવા દર સાતમાંથી એક જણે આડઅસર થઈ હોવાની ફરિયાદ કરી છે. આ જાણકારી ખુદ રશિયાના આરોગ્ય પ્રધાન મિખાઈલ મુરાશ્કોએ આપી છે. એમણે કહ્યું છે કે દેશમાં 40 હજાર સ્વયંસેવકોમાંથી 300 જેટલાને ‘સ્પુતનિક ફાઈવ’ રસી આપવામાં આવી છે.

મુરાશ્કોએ જ કહ્યું છે કે આશરે 14 ટકા લોકોએ રસી લીધાના 24 કલાકમાં જ શરીરમાં નબળાઈ લાગતી હોવાની, સ્નાયૂઓમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી છે. તેમજ એમના શરીરનું તાપમાન પણ વધી ગયું છે.

મુરાશ્કોને આવું કહેતા રશિયાની સરકાર હસ્તકની સમાચાર સંસ્થા ‘તાસ’એ ટાંક્યા છે.

જોકે ફરિયાદ કર્યાના બીજા દિવસે બધું ઠીક પણ થઈ જાય છે.

‘સ્પુતનિક 5’ રસીની તબીબી અજમાયશોના પરિણામ ગઈ 4 સપ્ટેમ્બરે લેન્સેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. એમાં દાવો કરાયો હતો કે રસી 76 જણને આપવામાં આવી હતી અને એ સંપૂર્ણપણે સુરક્ષિત જણાઈ છે. 21 દિવસોની અંદર સ્વયંસેવકોના શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર વિના એન્ટી-બોડી બની છે.

ભારતમાં, હૈદરાબાદ સ્થિત જી.વી. પ્રસાદ પ્રેરિત ડોક્ટર રેડિઝ લેબોરેટરિઝ (ડો. રેડિઝ) તથા રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ નવેમ્બરના આરંભમાં રશિયન રસી લોન્ચ કરવા ધારે છે. જી.વી. પ્રસાદે કહ્યું કે અમે રશિયન ડેવલપમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યો છે. અમને આશા છે કે અમે ભારતમાં વહેલી તકે ‘સ્પુતનિક 5’ રસી લાવીશું.