નવી દિલ્હીઃ ભારતીય રેલવે યાત્રીઓ માટે સુવિધામાં સતત વધારો કરી રહી છે. રેલવે સામાન્ય નાગરિકોને ઓછા ભાડાંમાં AC કોચમાં પ્રવાસ કરવાની સુવિધા આપવા ઇચ્છે છે. એના માટે રેલવે સ્લીપર અને જનરલ કોચને AC કોચમાં તબદિલ કરવાની યોજના બનાવી રહી છે. રેલવે દેશભરમાં AC કોચની ટ્રેનો લાવવાની યોજના બનાવી રહી છે, જેનાથી યાત્રીઓને ઓછા ભાડામાં આરામદાયક પ્રવાસની સુવિધા મળશે. અધિકારીઓ પ્રાસેથી મળેલી માહિતી અનુસાર અપગ્રેડ કરવામાં આવેલા સ્લીપર કોચને ઇકોનોમિકલ AC 3-ટિયર કહેવામાં આવશે.
AC-ટિયરમાં 72ને બદલે 83 બર્થ
કપૂરથલા સ્થિત રેલવેની કોચ ફેક્ટરીને સ્લીપર કોચને AC કોચમાં તબદિલ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. નવા ઇકોનોમિકલ AC 3-ટિયરમાં 72 બર્થને બદલે 83 બર્થ હશે. આ ટ્રેનોનાં ભાડાં સસ્તાં હશે. પહેલા તબક્કામાં 230 કોચનું ઉત્પાદન કરવામાં આવશે.
દરેક કોચને બનાવવામાં 2.8થી 3 કરોડ રૂપિયા સુધીનો અંદાજે ખર્ચ થશે, જે AC 3-ટિયર બનાવવાના ખર્ચથી 10 ટકા વધુ છે. વધુ બર્થ અને માગને લીધે રેલવેને ઇકોનોમિકલ AC 3-ટિયરથી સારીએવી કમાણી થવાની આશા છે. આ સિવાય અનરિઝર્વ્ડ જનરલ ક્લાસના ડબ્બાને પણ 100 સીટોના AC કોચમાં ફેરવવામાં આવશે. આ માટેની ડિઝાઇનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
આવી યોજના પહેલાં પણ
વર્ષ 2004-09 દરમ્યાન UPA-I સરકાર દરમ્યાન ઇકોનોમિકલ AC 3-ટિયર કોચને તૈયાર કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. એ સમયે ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનો લોન્ચ થઈ હતી, જેને AC ઇકોનોમી ક્લાસ કહેવામાં આવ્યા. જોકે યાત્રીઓએ આ પ્રવાસ દરમ્યાન મુશ્કેલી થતી હોવાની વાત કહી હતી અને ટ્રેનોમાં ભીડની સ્થિતિ ઊભી થવા લાગી હતી. ત્યાર બાદ આ પ્રકારના કોચનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું.
કોઈ વ્યક્તિ આત્મહત્યા શું કામ કરે છે? પ્રેમ પામવાની ઈચ્છા પૂરી નથી થતી એટલે? અપેક્ષા મુજબ પૈસા નથી મળતા એટલે? વ્યવસાયમાં નિષ્ફળતા મળે છે એટલે? કે અભ્યાસમાં ધાર્યું પરિણામ નથી મળતું એટલે? આવી અનેક અપૂર્ણ ઈચ્છાઓ વ્યક્તિને સતત દુઃખી કરે છે. આ દુઃખ સહન નથી થતું ત્યારે વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
પરંતુ આ તો એવી વાત થઇ કે તમને ઠંડી લાગે છે અને ઠંડી સહન થતી નથી તો તમે “બહુ ઠંડી છે, બહુ ઠંડી છે” કહેતાં કહેતાં ઘરની બહાર ખુલ્લામાં દોડી જાઓ છો અને તમારું સ્વેટર પણ ઉતારી દો છો. આ તો એક મૂર્ખતાપૂર્ણ પગલું છે. શું તમે જાણો છો, જે પીડા કે દુઃખ ને કારણે વ્યક્તિ આત્મહત્યા કરીને પોતાનાં શરીરનો નાશ કરે છે, તે દુઃખનું નિવારણ માત્ર અને માત્ર શરીર દ્વારા જ થઇ શકે છે. પણ જો વ્યક્તિ પોતાનાં શરીરનો નાશ કરે છે, તો પીડા દૂર કરી શકનાર એક માત્ર સાધન, શરીર નષ્ટ થતાં, જીવ પીડા અને અતૃપ્તિ ને ક્યારેય દૂર કરી શકતો નથી, આ એક ગહન રહસ્ય છે. કેટલી બધી યોનિઓમાં જન્મ લીધા બાદ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. તેનું પૂરું સન્માન કરવામાં જ બુદ્ધિમત્તા છે.
સુખ મેળવવાની ઝંખના વાસ્તવમાં દુઃખ આપે છે. અને તમને શાની ઝંખના હોય છે? લોકોની પ્રશંસાની?
પ્રિય મિત્ર, લોકોના અભિપ્રાય સતત બદલાતા હોય છે. જેઓ તમારી સામે તમારી પ્રશંસા કરે છે, તેઓ જ પીઠ પાછળ તમારી નિંદા પણ કરતા હોય છે. પરીક્ષાઓ, પ્રણય સંબંધો, પ્રશંસા, ટીકા, કારકિર્દી કે વ્યવસાયમાં સફળતા-નિષ્ફળતા.. આ બધું જ ક્ષણભંગુર છે, બિલકુલ ક્ષણિક છે. લોકોના અભિપ્રાયના ફૂટબોલ બનવાનું છોડી દો. તમારા મસ્તિષ્ક પરથી એટલો મોટો બોજ દૂર થઇ જશે! સહજ અને હળવા બની જશો.
એ જ રીતે જયારે પ્રાણ શક્તિ ઓછી હોય છે ત્યારે વ્યક્તિ હતાશ થઇ જાય છે. પ્રાણ શક્તિ ખૂબ જ ઓછી હોય છે ત્યારે વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. જયારે પ્રાણ શક્તિ વધારે હોય ત્યારે તમે અન્ય પ્રત્યે કે સ્વયં પ્રત્યે હિંસક બની શકતા નથી. શ્વાસોચ્છવાસની પ્રક્રિયાઓ, પ્રાણાયામ, ધ્યાન અને યોગ્ય સંગત વડે પ્રાણશક્તિમાં વધારો કરી શકાય છે. જેમને આત્મહત્યાના વિચારો આવતા હોય તેમને તરત જ ધ્યાન, પ્રાણાયામ અને લયબદ્ધ શ્વસનનું શિક્ષણ આપતા પ્રશિક્ષક પાસે લઇ જવા જોઈએ. ધ્યાન અને પ્રાણાયામથી તેમની પ્રાણ શક્તિમાં ચોક્કસ વધારો થશે. સમાજ ને તણાવ અને હિંસા મુક્ત કરવા માટે ધ્યાનનું શિક્ષણ આપવું એ એક અસરકારક ઉપાય છે. જો આત્મહત્યાના વિચારો આવે તો જાણો કે તમારી પ્રાણ શક્તિ ઓછી છે. વધુ ને વધુ પ્રાણાયામ કરો.
આ પૃથ્વી પર લાખ્ખો લોકો તમારા કરતાં ખૂબ વધુ દુઃખમાં છે, જયારે તમે અન્યની સરખામણીમાં તમારું દુઃખ નાનું છે તે જોઈ શકશો ત્યારે આત્મહત્યાના વિચારો આપમેળે જતા રહે છે. જાણી લો કે પૃથ્વી પર તમારી જરૂર છે. તમે અહીં ખૂબ ઉપયોગી છો. તમે વિશ્વને બહેતર બનાવવા ઘણું કરી શકો તેમ છો.
ભૂલી જાઓ કે લોકો તમારા માટે શું વિચારે છે! વ્યક્તિ આત્મહત્યા કરે છે કારણ તે વિચારે છે કે તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે. તેની આબરૂ ને ઠેસ પહોંચી છે. કેવી પ્રતિષ્ઠા? કોની પાસે સમય છે તમારી પ્રતિષ્ઠા વિશે વિચારવાનો? લોકો પોતાના મનથી આગળ કશું વિચારી શકતાં નથી, ત્યાં તમારા વિશે, તમારી પ્રતિષ્ઠા વિશે વિચારવાનો એમની પાસે સમય જ ક્યાં છે? સમાજ શું વિચારશે તેની ચિંતા કરવી તે બિલકુલ વ્યર્થ છે.
આંતરિક વિકાસ પ્રત્યે સજગ બનો
વ્યક્તિગત વિકાસ દરેક માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જીવનને એક વિશાળ દ્રષ્ટિકોણ થી જોવું જોઈએ. ૮૦ જેટલાં વર્ષનું આપણું આયુષ્ય છે. શું તે દુઃખી અને તણાવમાં રહેવા માટે છે? આટલા ટૂંકા જીવન દરમ્યાન આપણે આપણો સમય પ્રસન્ન રહેવામાં અને અન્યને ખુશી આપવામાં વિતાવવો જોઈએ.
જીવનને વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ.જીવન એટલે માત્ર સુખ, સુવિધા, સગવડ જ નથી. જીવન માત્ર ભૌતિક ઉપલબ્ધીઓ પૂરતું સીમિત નથી. લોકોના આરોપ કે પ્રશંસા ઉપર જ જીવન આધારિત નથી. કોઈ સંબંધ,વ્યવસાય કે નોકરી નું હોવું, એ જ જીવન એવું નથી. જીવન આ બધા કરતાં ખુબ મૂલ્યવાન છે. સંબંધોમાં નિષ્ફળતા, નોકરી-વ્યવસાયમાં નિષ્ફળતા કે કોઈ ઈચ્છા પુરી ન થવી જેવાં કારણો આત્મહત્યા માટે જવાબદાર હોય છે. આ બધાં કારણો કરતાં આપનું જીવન અતિ વિશાળ છે. બહુમૂલ્ય છે. મનમાં, ચેતનામાં ઉઠતી ઈચ્છાઓ કરતાં જીવન અતિ અગત્યનું છે. જયારે આપ નિરાશા અને નકારાત્મકતાથી ઘેરાયેલા હો ત્યારે ઉઠી જાઓ અને આપના પરિવારમાં, સમાજમાં પૂછો કે હું આપના માટે શું કરી શકું? આપને કઈ રીતે મદદરૂપ થઇ શકું? અને આપ જોશો કે સેવા વડે આપ તરત જ નકારાત્મક લાગણીઓમાંથી બહાર આવી જાઓ છો. સેવા આપને પ્રસન્નચિત્ત અને સકારાત્મક બનાવે છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
રાજકોટઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડીઓની હરાજીમાં કોઈ ફ્રેન્ચાઇઝી ટીમ પોતાને ખરીદતી નથી એથી ચેતેશ્વર પૂજારા જરાય નિરાશ નથી થયો, પણ તે એવા લોકોની વિચારધારા બદલવા ઇચ્છે છે જેઓ એવું માને છે પોતે એક ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન છે અને T20 ફોર્મેટમાં નથી રમી શકતો. એવા ઘણા બેટ્સમેનો છે, જેમનો સ્ટ્રાઇક રેટ (આશરે 110) પૂજારા જેટલો જ છે, તે છતાં ફ્રેન્ચાઇઝીઓ તેમની પસંદગી કરે છે, પણ પૂજારાની અવગણના કરે છે.
પુજારાનો જવાબ
પુજારાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેને દુઃખ કે આશ્ચર્ય થાય છે કે તેની યોગ્યતા કોઈ અન્ય નક્કી કરે- તો તે સ્ટાર બેટ્સમેને કહ્યું હતું કે એક ક્રિકેટર હોવાને લીધે હું આવું નથી વિચારતો. તેમ છતાં હું એવી વ્યક્તિ છું કે આ પ્રકારનો અહં ભાવ નથી રાખતો, કેમ કે મેં જોયું છે કે IPLની હરાજી ગૂંચવણભરી હોય છે. મારી પર ટેસ્ટ ક્રિકેટરનું લેબલ લાગી ગયું છે
કેપ્ટન વિરાટ કોહલીની સાથે દેશના મહત્ત્વના ટેસ્ટ બેસ્ટમેનોમાંના એક, પૂજારાએ કહ્યું છે કે મેં જોયું છે કે હાશિમ અમલા જેવો વિશ્વ સ્તરીય બેટ્સમેન પણ હરાજીમાં નથી ખરીદાતો. કેટલાય ઘણા સારા T20 ખેલાડી છે, જેમની IPL માટે પસંદગી નથી કરવામાં આવતી. હા, તક મળશે તો હું IPLમાં રમવાનું ચોક્કસ પસંદ કરીશ. મારી પર ટેસ્ટ ખેલાડીનો થપ્પો લાગી ગયો છે અને હું આમાં કંઈ કરી શકું એમ નથી.
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને ફરી ખુલ્લો પડકાર ફેંક્યો છે. એણે ટ્વીટ કરીને કહ્યું છે કે પોતે ડ્રગ ટેસ્ટ કરાવવા અને ફોન કોલ્સ રેકોર્ડની તપાસ કરાવવા તૈયાર છે.
કંગનાએ એમ પણ કહ્યું છે કે જો તપાસમાં પોતે દોષી ઠરે તો કાયમને માટે મુંબઈ શહેરને છોડી દેશે.
કંગના અગાઉ કરેલી જાહેરાત મુજબ 9 સપ્ટેમ્બરના બુધવારે મુંબઈ પાછી ફરવાની છે. એ માટે તે હિમાચલ પ્રદેશમાં એનાં વતન મનાલીથી આજે રવાના થઈ ચૂકી છે. ત્યાં પોતાનાં નિવાસસ્થાને આવેલા પત્રકારો સાથેની વાતચીતમાં એણે શિવસેનાના નેતા સંજય રાઉતે કરેલી કમેન્ટ વિશે કંઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.
મુંબઈમાં, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, કેફી દ્રવ્યોના પ્રકરણ સાથે કંગનાને કોઈ પ્રકારનો સંબંધ છે કે નહીં એ વિશે મુંબઈ પોલીસ તપાસ કરશે.
દેશમુખના એક નિવેદનના પ્રત્યાઘાતમાં કંગનાએ ટ્વીટ કર્યું છે અને ડ્રગ્સની તપાસ કરાવવાનો એમને પડકાર ફેંક્યો છે. એણે એમ પણ લખ્યું છે કે, ‘હું મુંબઈ પોલીસ અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખની આભારી છું. કૃપા કરીને મારી ડ્રગ્સ ટેસ્ટ લો. મારો તમામ ફોન કોલ્સ રેકોર્ડ પણ તપાસો. જો ડ્રગ્સની ચોરીના મામલામાં મારો કોઈ પણ સંબંધ જાણવા મળે તો હું મારી ભૂલ સ્વીકારી લઈશ અને કાયમને માટે મુંબઈ છોડી દઈશ.’
ગ્વાલિયર: દાંપત્યજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ઝારખંડના એક દંપતીએ. ઝારખંડના એક પતિએ તેમની ગર્ભવતી પત્ની પરીક્ષા આપી શકે તે માટે આશરે 1176 કિમીનું અંતર સ્કૂટી પર કાપ્યું હતું. પત્નીની કારકિર્દી માટે પતિની ધગશ અને લાગણી એ અન્ય દંપતી માટે પણ પ્રેરણારૂપ છે.
વાત એમ છે કે ઝારખંડના ગોડ્ડા જિલ્લાના ગન્ટા ટોલા ગામના રહેવાસી ધનંજય કુમાર સ્કૂટી ચલાવીને 1176 કિમીનું અંતર કાપી ગર્ભવતી પત્ની સોની હેમ્બરમને ગ્વાલિયર લઈને આવ્યા હતાં. સોની ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશનની પરીક્ષા આપી રહી છે. જેનું પરીક્ષા કેન્દ્ર ગ્વાલિયરમાં હતું.
બીજે દિવસે સમાચારોમાં આ ઘટનાની વાત બહાર આવી. અમદાવાદસ્થિત અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો.પ્રીતિ અદાણી સુધી આ વાત પહોંટી. પ્રિતીબહેનને આ વાત સ્પર્શી ગઇ. ગોડ્ડામાં અદાણી ગ્રૂપનો પ્રોજેક્ટ ચાલે છે એટલે એમણે તરત જ ત્યાંની ઓફિસના અધિકારીઓને ગ્વાલિયરના ધનંજયનો સંપર્ક કરવાની સૂચના આપી અને આ કેસમાં શું મદદ થઇ શકે એવી પહેલ કરી.
પછી તો, ખુદ ધનંજયના આશ્ચર્ય વચ્ચે અદાણી ફાઉન્ડેશને આ દંપતીને તેમના ઘરે પરત મોકલવા માટે ફ્લાઈટની ટિકિટની વ્યવસ્થા થઇ ચૂકી હતી. ગોડ્ડાની નજીક રાચી એરપોર્ટ હોય તેમને ગ્વાલિયરથી વિમાનમાં રાંચી લાવવામાં આવશે અને ત્યાંથી કારમાં ગોડ્ડા પહોંચાડવામાં આવશે. આ માટેની ફ્લાઇટની એર ટિકિટ પણ ધનજંયને પહોંચાડી દેવામાં આવી છે. આગામી 16મી સપ્ટેમ્બરના રોજ આ દંપતિ વિમાન માર્ગે ગ્વાલિયરથી રાંચી પહોંચશે. એટલું જ નહીં ધનંજયની સ્કૂટીને પણ રેલવે પાર્સલ મારફતે ગ્વાલિયરથી ગોડ્ડા પહોંચાડવાની ખાસ વ્યવસ્થા પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.
આ દંપતી સારી રીતે પોતાના વતન પહોંચી જાય તેની પૂરી કાળજી પ્રિતીબહેન પોતે લઇ રહયા છે. ગ્વાલિયરથી આ દંપતીને પરત મોકલવામાં ધનંજયની ગર્ભવતી પત્નીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમનું યોગ્ય તબીબી ચેકિંગ પણ કરાયું છે. મહત્વનું છે કે, ધનંજયને પોતાની ગર્ભવતી પત્નીને લઇને ગોડ્ડાથી ગ્વાલિયર સુધીનું 1176 કિમીનું અંતર કાપતા ત્રણ દિવસ લાગ્યા હતા.
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ભાજપનું મુખ્ય કાર્યાલય ‘કમલમ’ કોરોના વાઈરસ રોગચાળાનું હબ બની ગયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના સંક્રમિત થયા છે. પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વળી, પાટીલ આજે જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ કાર્યાલયમાં વધુ છ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી ભાજપ પ્રદેશપ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સી.આર. પાટીલનો કોરોના એન્ટિજન ટેસ્ટ નેગેટિવ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે RT-PCRનો રિપોર્ટ પેન્ડિંગ છે. આ અંગે તેમણે ખુદ માહિતી આપી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. અનેક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા.
મારી તબિયત સારી છે. મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું.
સૌરાષ્ટ્રમાં ચાર દિવસ રેલી, ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસનો કાર્યક્રમ
ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા બાદ પાટીલ લોક સંપર્ક માટે ચાર દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ લાખો કાર્યકરોને મળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા કોરોના રોગચાળાની સરકારી ગાઇડલાઇનનું પાલન ન થયું નહોતું. પાટીલની સભાઓમાં હાજરી આપનારા કેટલાક ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. સૌરાષ્ટ્રની રેલી બાદ ભાજપના અનેક નેતાઓ સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે ત્યાર બાદ ઉત્તર ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ કર્યો હતો.
પાટીલ આજે જ મુખ્ય પ્રધાનને મળ્યા હતા સી.આર. પાટીલે મુખ્ય પ્રધાન સાથે આજે જ મુલાકાત કરી હતી. એટલે હવે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ હોમ ક્વોરોન્ટિન થવું પડશે.
પાટીલ પર માછલાં ધોવાયાં
સી.આર. પાટીલની રેલીનો આ પહેલાં વિપક્ષના નેતાઓ વિરોધ કરી ચૂક્યા છે. વિપક્ષે પણ પાટીલના પ્રવાસ પર તીખા પ્રહારો કર્યા હતા. કોરોના રોગચાળામાં પણ પાટીલ દ્વારા સભાઓ યોજવામાં આવી હતી. ત્યાર બાદ સોશિયલ મિડિયામાં પણ સી.આર પાટીલની રેલીઓના ફોટો ખૂબ જ વાયરલ થયા હતા. કેટલાક યુઝર્સ આ રેલીઓને અટકાવવાની પણ માગ કરતા હતા.
ભાજપ અન્ય સભ્યો પણ કોરોના પોઝિટવ
પ્રદેશ કાર્યાલયના મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાનાં કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા. તેમ જ બે સફાઈ કર્મચારીઓ અને તેને લાવનાર ડ્રાઇવર એમ તમામ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કમલમમાં કોરોનાનો વ્યાપ વધતાં કાર્યાલયની બહાર રીબિનવાળા બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાત પ્રવાસ સમયે ભરત પંડ્યા સતત સક્રિય
તેમણે કોરોના વિજય રથમાં ભાગ લીધો હતો. ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસ સમયે ભરત પંડ્યા સતત સક્રિય જોવા મળ્યા. તેઓ સમગ્ર પ્રવાસમાં પાટીલની સાથે હતા. તેઓ અનેક લોકોના સંપર્કમાં પણ આવ્યા હતા. એટલું જ નહીં, પ્રદેશ મહામંત્રી ભિખુ દલસાણિયા અને કે. સી. પટેલ સતત ભરત પંડ્યાની કારમાં જ પ્રવાસ કરતા જોવા મળ્યા. સી.આર. પાટીલના પ્રવાસ દરમિયાન સામાજિક અંતરનો ભંગ થતો જોવા મળ્યો હતો. તેમાં સક્રિય કામગીરી કરતા દેખાયેલા ભરત પંડ્યા સાથે સંપર્કમાં આવનારા અનેક આગેવાનો અને કાર્યકરોએ ક્વોરન્ટાઈન થવું પડે તેવી સ્થિતિ છે.
કાર્યાલય મંત્રીનો આખો પરિવાર કોરોનાગ્રસ્ત
ભાજપ કાર્યાલય કમલમમાં કોરોનાનો પગપેસારો મોટા પાયે જોવા મળ્યો છે. કાર્યાલય મંત્રી પરેશ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનાં પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ બન્યા છે. ભાજપ કાર્યાલયમાં તાજેતરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. જેને પગલે સંક્રમણ વધ્યું હોય તેવી શક્યતા છે.
ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ કોરોનાની ચપેટમાં
ભાજપ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો, કોર્પોરેટરો અને નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. તાજેતરમાં વડોદરામાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પણ કોરોનાને પરાસ્ત કરી ચૂક્યા છે. અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય બાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનાં પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. હસમુખ પટેલ હોમ આઇસોલેટ થયા છે. હસમુખ પટેલ સોમવારે કોરોના વિજય રથ પ્રસ્થાનના ઉદઘાટનમાં ગયા હતા.
ભાજપ કાર્યાલયમાં કોરોનાનું સંક્રમણ
ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું છે. કમલમમાં જ કોરોનાના કેસ આવવા લાગતાં અંતે ભાજપપ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ ખાતે ન આવવાની સૂચના આપવામાં આવી છે.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કથિત આત્મહત્યા કેસમાં કેફી દ્રવ્યોના ષડયંત્રના એન્ગલની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારીઓએ સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રીયા ચક્રવર્તીની આજે ધરપકડ કરી છે.
અધિકારીઓએ છેલ્લા 3 દિવસ સુધી પૂછપરછ કર્યા બાદ રીયાની આજે બપોરે ધરપકડ કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ પ્રતિબંધિત ડ્રગ્સ લેવાને કારણે થયું હોવાની શંકાને કારણે NCBના અધિકારીઓએ ગઈ કાલે છ કલાક સુધી રીયાની પૂછપરછ કરી હતી અને એને આજે સવારે પણ દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તાર સ્થિત કાર્યાલયમાં વધુ પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. રીયા આજે આવી પહોંચી હતી અને ત્રણ કલાકથી પણ વધારે સમય સુધી એની વધારે પૂછપરછ કરાયા બાદ એની ધરપકડ કરવામાં આવી હતી. એ હાલ NCBની કસ્ટડીમાં છે. સાંજે 4.30 વાગ્યે રીયાની મેડિકલ જાંચ કરવામાં આવનાર હતી.
સુશાંત સિંહ રાજપૂત ભેદી મૃત્યુ કેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.
રીયા અને એનો ભાઈ શોવિક ચક્રવર્તી
NCBના અધિકારીઓ આ કેસના સંબંધમાં રીયાનાં નાના ભાઈ શોવિક ચક્રવર્તીની પણ ધરપકડ કરી ચૂક્યા છે. બંનેેની પૂછપરછમાં તપાસનીશ અધિકારીઓને મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે.
કહેવાય છે કે બોલીવૂડના 25 જેટલા કલાકારો NCBની નજરમાં આવ્યા છે. NCBએ એ માટે એક ડોઝિયર તૈયાર કર્યું છે. હવે અન્ય કલાકારોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે એવી ધારણા છે.
ડ્રગ્સના સેવન અને ખરીદી-વેચાણમાં બોલીવૂડના અનેક કલાકારો સંડોવાયેલા છે એવું રીયા અને શોવિકે NCBના અધિકારીઓને પૂછપરછ દરમિયાન જણાવ્યું હોવાનું કહેવાય છે. જ્યાં ડ્રગ્સ લેવામાં આવી હતી એ બોલીવૂડની પાર્ટીઓ વિશેની પણ વિગત રીયાએ આપી છે.
એનસીબી તપાસનીશ અધિકારીઓએ આ કેસના સંબંધમાં સુશાંતના ઘરના સ્ટાફના બે સભ્યો – સેમ્યુઅલ મિરાન્ડા અને દિપેશ સાવંતને પણ કસ્ટડીમાં લીધા છે.
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એનાં નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં એમ જણાવ્યું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરંતુ સુશાંતની હત્યા કરવામાં આવી હોવાની શંકાને પગલે અને સુશાંતના પરિવારજનોની વિનંતીને પગલે કેન્દ્ર સરકારે આ કેસની તપાસ મુંબઈ પોલીસના હાથમાંથી લઈને સીબીઆઈને હવાલે કરી દીધી છે. એ તપાસ દરમિયાન જ કેફી દ્રવ્યોના ષડયંત્રનો મામલો પણ અધિકારીઓના ધ્યાનમાં આવ્યો છે.