Home Blog Page 4668

24-કલાક નોન-સ્ટોપ ફેસબુક લાઈવ કૂકિંગ સેશનઃ ‘અમૂલ’ દ્વારા શિક્ષક દિનની ઉજવણી

આણંદઃ ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલ દેશમાં પહેલી જ વાર 24-કલાક નોન-સ્ટોપ ફેસબુક લાઈવ સત્ર દ્વારા પાંચ સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષક દિન’ની વિશેષ રીતે ઉજવણી કરશે. આ સત્ર આવતીકાલે પાંચ સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને 6 સપ્ટેમ્બર-2020ના રવિવારે બપોરે 2 વાગ્યા સુધી ચાલશે.

આ કાર્યક્રમમાં 200 શેફ ભાગ લેશે અને 3-4 શેફની એક ટીમ દર 30-મિનિટે સાથે મળીને વાનગીઓ બનાવશે અને એ કળા એમનાં શિક્ષકોને સમર્પિત કરશે.

આ છે ફેસબુક લાઈવ લિન્કઃ https://www.facebook.com/amul.coop/live

24-કલાક કૂક-અ-થોનનું લોન્ચિંગ વર્લ્ડ એસોસિએશન ઓફ શેફ્સ સોસાયટીના પ્રમુખ શેફ થોમસ ગુગલર શનિવાર, પાંચ સપ્ટેમ્બરના બપોરે 2 વાગ્યે કરશે. મિશેલીન સ્ટારના શેફ સુવિર સરનના સત્ર સાથે આ કાર્યક્રમ 6 સપ્ટેમ્બર, રવિવારે બપોરે 2 વાગ્યે સમાપ્ત થશે.

દર્શકોને ચાર દેશના 26 શહેરોનાં શેફ્સની પાકકળા તથા કૂકિંગ ટિપ્સ જાણવા, શીખવાનો મોકો મળશે, જેથી તેઓ પોતાનાં ઘરમાં વાનગીઓ આસાનીથી બનાવી શકશે.

24-કલાકના લાઈવ કૂકિંગ મેરેથોન દરમિયાન 1,500થી વધુ દર્શકોને વાસ્તવિક જીવનમાં એમનાં ફેવરિટ શિક્ષકને ફેસબુક લાઈવ દરમિયાન શુભેચ્છા સાથે ‘અમૂલ ચોકલેટ’ ગિફ્ટ મોકલવાનો મોકો પણ મળશે.

અમૂલ દર કલાકે દર્શકો પાસેથી 60 ટોચના ડેડિકેશન્સ પસંદ કરશે અને એમની વતી એમના શિક્ષકને અમૂલ ચોકલેટનું બેસ્ટ વિશીસ પેક મોકલશે.

અમૂલ તેણે ગઈ 17 એપ્રિલથી શરૂ કરેલા #SimpleHomeMadeRecipes કેમ્પેનના ભાગરૂપે ફેસબુક લાઈવ કૂકિંગ ડેઈલીના 8-12 સત્ર યોજે છે. આ દ્વારા હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સનાં શેફ્સ ઘેર બેઠેલાં એમનાં ગ્રાહકો સાથે કનેક્ટ થઈ શકે છે.

છેલ્લા 140 દિવસોમાં 1200થી વધારે લાઈવ કૂકિંગ સેશન્સ પૂરા થઈ ગયા છે. જેમાં 50થી વધારે દેશોના 2,500થી વધારે શેફ્સે ભાગ લીધો હતો.


24 કલાક નોન-સ્ટોપ લાઈવ સત્રની વિગત…

Sr No Slot NO. Name the Lead Chef Organisation Name City
1 5th Sept 2:00pm Thomas Gugler President, WorldChefs Saudi Arabia
2 5th Sept 2:30pm Chef Murli Gupta Bakers Club by Chef Gupta Group Udaipur
3 5th Sept 3:00pm Chef Sarthak Kochar Head Chef, Hilton Garden Inn Ras Al Khaimah, UAE
4 5th Sept 3:30 pm Chef Dr Varinder Singh Rana CT University Ludhiana
5 5th Sept 4:00pm Samiksha Aggarwal Moms Magic Cooking New Delhi
6 5th Sept 4:30pm Vandana Gupta Patisserie by Vandana Ambala
7 5th Sept 5:00pm Chef Suman Vaish Roti Boti Tadka Lucknow
8 5th Sept 5:30pm Meenu Vig Jai Maa Cooking Classes Dehradun
9 5th Sept 6:00pm Devwrat Jategaonkar Dev’s Kitchen Mumbai
10 5th Sept 6:30pm Chef Minal Menon Cooking Studio Ahmedabad
11 5th Sept 7:00pm Sonal Garga Sviva Mumbai
12 5th Sept 7:30pm Akshata Shenoy Chef Akshata’s Kitchen Mumbai
13 5th Sept 8:00pm Manisha Gupta Chefs Studio Noida
14 5th Sept 8:30pm Chef Vimal Dhar Innovating Hospitality Udaipur
15 5th Sept 9:00pm Akhil Kumar St. Soldier Institute of Hotel Management Jalandhar
16 5th Sept 9:30pm Pavandeep Kaur SPIN_Cook n Bake Pathshala  New Delhi
17 5th Sept 10:00pm Neha Deepak Shah Meraaki Kitchen & Cafe White Sage, Jaipur Dubai, UAE
18 5th Sept 10:30pm Madhu Nahta OvensUp Indore
19 5th Sept 11:00pm Sharon Bedi Dsouza Toss N Cook Saudi arabia
20 5th Sept 11:30pm Venkatesh sharma Vadodara
21 6th Sept 12:00am Masterchef Dr. Priyanka Biswas Kitchen of Flavours Bilaspur, Chhatisgarh
22 6th Sept 12:30am Kiran Joshi Branchef’s.co Hyderabad
23 6th Sept 1:00am Kavita Bhawnani Kolkata
24 6th Sept 1:30am Diyansh Bhargava Flavours on My Plate Lucknow
25 6th Sept 2:00am Ritesh Mishra Kitchen of Flavours Gurugram
26 6th Sept 2:30am Simran Tinna Innovative Kitchen Sirsa, Haryana
27 6th Sept 3:00am Ashwinder Kaur Ashwinderbakes New Delhi
28 6th Sept 3:30am Jyotishikha Amity University Lucknow
29 6th Sept 4:00am Nillu Rastogi Gupta New Delhi
30 6th Sept 4:30am Renu Jain COOK’S MART Jaipur
31 6th Sept 5:00am Mrs Swati Bhargava Cook Eat Repeat Yamuna Nagar
32 6th Sept 5:30am Neeru Goyal Cooking with Neeru Faridabad, Haryana
33 6th Sept 6:00am Ira Bhargava Singhal Kitchen of Flavours New Delhi
34 6th Sept 6:30am Megha Jhunjhunwala Hearth & i Gurugram
35 6th Sept 7:00am Smita Ahluwalia Peacock Spice Company Mishigan, USA
36 6th Sept 7:30am Bhavuk Aggarwal Cook with Bhavuk aggarwal Jalandhar
37 6th Sept 8:00am NelluKaura Chefkala Ludhiana
38 6th Sept 8:30am CHEF SAURABH AWASTHI Amity University Jaipur Rajasthan Jaipur
39 6th Sept 9:00am Ankita Saxena Foodooholics Lucknow
40 6th Sept 9:30am BHAVANI SWAMINATHAN AAKANKSHA : DESIRE FOR WELLNESS Mumbai
41 6th Sept 10:00am Anjali Ramaswamy Anjali Ramaswamy Gurugram
42 6th Sept 10:30am Poonam Kedia HOME CHEF ACADEMY Ahmedabad, gujrat
43 6th Sept 11:00am Mrs . Nisha Verma Nisha Verma Culinary Academy ( NVCA ) Noida
44 6th Sept 11:30am Chef Prakash Yadav Fortune Park Galaxy, Vapi Vapi
45 6th Sept 12:00pm Asha Malhotra New Delhi
46 6th Sept 12:30pm Aparna Kolarkar Secret Spices Culinary Consultants Mumbai
47 6th Sept 1:00pm Swapna Ingle SIculinary Pune
48 6th Sept 1:30pm Chef Suvir Saran Michelin Star Award Winner, The House of Celeste Gurugram

 

મૈસૂર બોન્ડા

મેંદા અને ચોખાના લોટના આ ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. વરસાદની ઋતુમાં કાંદાના ભજીયા ચણાના લોટમાં તો આપણે બનાવી જ લઈએ છીએ. વરસાદની મોસમ હજુ ચાલુ છે, તો ભજીયાનો આ નવો પ્રકાર પણ બનાવી લ્યો! સાથે ચટણીની રીત પણ છે, જે બોન્ડાનો સ્વાદ વધારશે!

 

સામગ્રીઃ ½ કપ દહીં, ½ ટી.સ્પૂન જીરૂ, મીઠું સ્વાદ મુજબ, 125 ગ્રામ મેંદો, ¼ કપ ચોખાનો લોટ અથવા પૌઆનો બારીક પાવડર કરીને લેવો, 1 ઈંચ આદુ ખમણેલું અથવા ઝીણું સમારેલું, 8-10 કળીપત્તાના પાન બારીક સુધારેલા, 2-3 લીલા મરચાં ઝીણાં સુધારેલા, 2 ટે.સ્પૂન કોથમીર ઝીણી સુધારેલી, ¼ ટી.સ્પૂન ખાવાનો સોડા, 1 કાંદો બારીક સમારેલો (કાંદો ન ખાતા હોય તો ના લેવો)

ચટણી માટેઃ 2  ટે.સ્પૂન ચણા દાળ, 1  ટે.સ્પૂન તેલ,  ½ ટી.સ્પૂન જીરૂ, 4-5 કળી લસણ, 1/3 કપ નાળિયેરના ટુકડા અથવા નાળિયેરની છીણ, 2-3 લીલાં મરચાંના ટુકડા, 1 ઈંચ આદુ સમારેલું, 8-10 કળીપત્તાના પાન, ¼ ટી.સ્પૂન હીંગ, 1  ટે.સ્પૂન લીંબુનો રસ

વઘાર માટેઃ 1 ટે.સ્પૂન તેલ, ½ ટી.સ્પૂન રાઈ, 8-10 કળીપત્તાના પાન,

રીતઃ દહીંમાં મીઠું તેમજ જીરૂ ઉમેરીને મિક્સ કરી લો, દહીંમાં ગઠ્ઠા રહેવા ન જોઈએ. હવે ઉપર આપેલી બધી સામગ્રી ઉમેરી લો. તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ભજીયા કરતાં ઘટ્ટ એવું ખીરૂં બનાવી લો અને 15-20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.

20 મિનિટ બાદ કઢાઈમાં બોન્ડા તળવા માટે તેલ ગરમ કરો. ગરમ થયેલા તેલમાંથી 2  ટે.સ્પૂન તેલ બોન્ડાના ખીરામાં મિક્સ કરો. હવે બોન્ડાને ગોટાની જેમ તેલમાં હળવેથી નાખીને તળી લો. ખીરૂ હાથમાં ચોંટતું હોય તો પાણીવાળા હાથ કરીને મિશ્રણ લેવું. ગેસની આંચ તેજ રાખવી. કઢાઈમાં આવે એટલા બોન્ડા નાખીને સોનેરી ગુલાબી રંગના તળી લેવા.

ચટણીની રીતઃ એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ઉમેરીને ગેસ પર મૂકો. ગેસની આંચ ધીમી રાખવી. તેમાં ચણા દાળને ગુલાબી થાય ત્યાં સુધી ધીમી આંચમાં શેકવી. ત્યારબાદ લસણની કળીને શેકી લો અને નાળિયેરનું છીણ નાખીને 1 મિનિટ સાંતળીને લીલાં મરચાં, આદુ તેમજ કળીપત્તા ઉમેરી દો. એકાદ મિનિટ બાદ હીંગ ઉમેરીને ગેસ બંધ કરી દો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. આ સામગ્રીને ઠંડી થયા બાદ મિક્સરમાં નાખીને લીંબુનો રસ તેમજ જરૂર પ્રમાણે પાણી ઉમેરીને બારીક ચટણી પીસી લો.

 

એક વઘારીયામાં 1 ટી.સ્પૂન તેલ ઉમેરીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈને તતડાવીને કળીપત્તા વઘારમાં ઉમેરીને ગેસ બંધ કરી દો. આ વઘાર ચટણી પર રેડીને મિક્સ કરી લો.

રશિયાએ ભારતની વિનંતી સ્વીકારીઃ પાકિસ્તાનને શસ્ત્રો નહીં આપે

મોસ્કોઃ પાકિસ્તાન સામે ભારતની આ મોટી જીત છે. રશિયાએ દેશની વિનંતીનો સ્વીકાર કરતાં કહ્યું છે કે એ પાકિસ્તાનને હથિયારો પૂરાં નહીં પાડવાની નીતિ ચાલુ રાખશે, રશિયાની નીતિનું પુનર્મૂલ્યાંકન ભારતીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની મોસ્કોમાં તેમના સમકક્ષ જનરલ સર્ગેઇ શોઇગુની સાથેની બેઠક દરમ્યાન કર્યું હતું.

રશિયાએ ભારતની વિનંતીને પગલે પાકિસ્તાનને હથિયારો નહીં પૂરા પાડવાની નીતિને જારી રાખી છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને જનરલ શોઈગુની વચ્ચેની બેઠક આશરે એક કલાક સુધી ચાલી હતી, એમ ડિફેન્સ મંત્રાલયે (MoD) કહ્યું હતું. એ મોસ્કોમાં રશિયાના ડિફેન્સ મંત્રાલયમાં યોજવામાં આવી હતી. આ બેઠક બંને દેશોની વચ્ચે સહકારના ક્ષેત્રોની મોટી શૃંખલા સામેલ છે. બંને પ્રધાનોએ બંને મિત્ર દેશોની વચ્ચે ડિફેન્સ અને વ્યૂહાત્મક  સહયોગને મજબૂત કરવા વાતચીત થઈ હતી.

બેઠક ફળદાયી

રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે મોસ્કોમાં રશિયાના સંરક્ષણપ્રધાન જનરલ સેર્ગેઇ શોડગુની સાથેની બેઠક ફળદાયી રહી, અમે કેટલાય મુદ્દે વાતચીત કરી. ખાસ કરીને બંને દેશોની વચ્ચે ડિફેન્સ અને વ્યૂહાત્મક સહયોગ કેવી રીતે ઘનિષ્ઠ બને.  

સરંક્ષણપ્રધાન એ પહેલાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝએશન (SCO)ના સંરક્ષણપ્રધાનોની સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે ત્રિદિવસીય યાત્રા માટે મોસ્કો પહોંચ્યા છે. મોસ્કોમા ડિફેન્સ સચિવ ડો. અજયકુમારે રશિયાની સેનાની ટેક્નિકલ સહયોગની સાથે ફેડરલ સર્વિસ ઓફ મિલિટરના ડિરેક્ટર દિમિત્રી શુગાવ સાથે વિચારવિમર્શ કર્યો.

ભારતમાં રશિયન એમ્બેસીએ ટ્વીટ કરીને રશિયાના સંરક્ષણપ્રધાને પોતાના ભારતીય સમકક્ષની સાથે બેઠક દરમ્યાન રશિયા અને ભારતની વચ્ચે સહયોગની વ્યાપક સંભાવનાઓ પર પ્રકાશ ફેંક્યો. મિલિટર અને ટેક્નિકલ સહયોગ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી.

વિદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરને ભારત-રશિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની 20મી વર્ષગાંઠે ભારત-રશિયા યંગ સ્કોલર્સ ઇન્ટરનેશનલ ઈ-કોન્ફરન્સ પર 2020 પર વાત કરી હતી.  બંને દેશો વચ્ચે વૈશ્વિક મામલોમાં પાયાના મુદ્દો પર આપસી વિશ્વાસ અને સન્માન, સામાન્ય હિત અને સહમતી બની હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધોની લવચિકતાને પારંપરિક ક્ષેત્રોથી ઉપર દ્વિપક્ષી સંહયોગને બંને દેશોના લોકોને લાભ થશે અને બંને દેશોનાં અર્થતંત્રોના આશરે બધાં ક્ષેત્રોમાં એ લાભ પહોંચાડવામાં આવશે. બંને દેશો વચ્ચે વેપાર 40 ગણો વધ્યો છે, એમ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું.

હરભજનસિંહ પણ અંગત કારણોસર આઈપીએલ-2020માંથી ખસી ગયો

ચંડીગઢઃ ભારતનો અનુભવી ઓફ્ફ સ્પિનર અને ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વતી રમતો હરભજન સિંહ આ વર્ષની આઈપીએલમાંથી ખસી ગયો છે. અંગત કારણોસર પોતે સ્પર્ધામાંથી ખસી ગયો હોવાનું એણે કહ્યું છે.

હરભજન સિંહનો આવો નિર્ણય આવે એવી ધારણા હતી જ, કારણ કે એ યૂએઈ પહોંચી ગયેલી ટીમ સાથે હજી સુધી જોડાયો નહોતો.

હરભજન સિંહે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું છે કે, ‘હું અંગત કારણોસર આઈપીએલ-2020માંથી ખસી ગયો છું.’

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને સ્પર્ધાના આરંભ પૂર્વે આ બીજો મોટો આંચકો લાગ્યો છે. આ પહેલાં એનો ધરખમ ઓલરાઉન્ડર સુરેશ રૈના પરિવાર પર આવી પડેલી એક મુશ્કેલીને કારણે સ્પર્ધામાંથી ખસી ગયો છે. એ ટીમની સાથે યૂએઈ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ પંજાબના પઠાણકોટમાં લૂંટારુઓએ કરેલા હુમલામાં એના કાકા તથા એક પિતરાઈ ભાઈનું મૃત્યુ થતાં એ તાબડતોબ સ્વદેશ પાછો ફર્યો છે.

યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહમાં આઈપીએલ-13 સ્પર્ધા આવતી 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને 10 નવેમ્બરે ફાઈનલ રમાશે.

કોરોના ઘરની ડિઝાઇનને કેવી રીતે બદલી શકે? 

ન્યુ નોર્મલ એટલે કે નવા સામાન્ય દિવસો કેવા હશે? રોગચાળા પહેલાં આપણે જે રીતે જીવતા હતા એવા જ? માસ્ક વિના, શારીરિક અંતર વિના, અવરોધો વિના હોટેલ-રેસ્ટોરાં, મેળાવડા, થિયેટરો, રમતગમતના કાર્યક્રમો, મૂવીઝ બધી જ જગ્યાએ અજાણ્યાની વચ્ચે વિના સંકોચ અને વિના એકદમ આત્મીયતાથી હાથ મેળવી કે ભેટીને મળવાનું શક્ય બનશે? આપણે સૌ એવું માનીને બેઠા છીએ કે એક વાર રસી આવી જશે એટલે પહેલાંની જેમ ‘જૈસે થે’ એવા જીવનમાં આવી જઈશું અને બધું સામાન્ય થઈ જશે.

સંપત્તિની અસમાનતાના વધી

પરંતુ આવા દિવસો પરત આવવા એ કોઈ જાદુથી ઓછું નથી લાગતું. ન્યુ નોર્મલ સાવ નજીક તો સંભવ જ નથી લાગતું. માનો કે થોડા મહિનામાં કોરોનાને અસરકારક રીતે કાબૂમાં લઈને એની અસરકારકતા ઘટાડી દઈએ તો પણ આપણે છાતી ઠોકીને એમ કહી ન શકીએ કે આગામી વૈશ્વિક રોગચાળા પહેલાં અમારી પાસે બીજી સદી છે. પાછલાં 20 વર્ષોમાં, આપણે ઘણા રોગચાળા જોયા છે- ઇબોલા, એવિયન ફ્લુ, સ્વાઇન ફ્લુ વગેરે…એ પણ તો વૈશ્વિક રોગચાળા જ હતા.

અલબત્ત, એ બધાની કોરોના જેવી વ્યાપકતા ન હતી. વિકાસની જે દિશા આપણે પકડી છે પછી દશા તો બગડી જ છે અને આપણો વિકાસ પ્રાણી- વન્ય જીવની એટલી નજીક પહોંચ્યો છે કે પ્રાણીઓમાંથી રોગ હવે માણસ સુધી પહોંચી રહ્યા છે. આવો જ વિકાસ જો આપણે ચાલુ રાખીશું તો અત્યારે છે એનાથી પણ પ્રાણઘાતક રોગચાળો આવી શકે છે. આ રોગચાળાએ વૈશ્વિક રોગચાળો વૈશ્વિક સ્તરે સંપત્તિની અસમાનતાના વધતા અંતરને ખુલ્લો પાડ્યો છે.

કોવિડ પછીની દુનિયામાં નવા પ્રોજેક્ટ્સ કેવા હશે?

ખેર, જો એમ જ લાગતું હોય કે જો આપણે પહેલાં જેવા જીવનમાં પરત નથી ફરવાના તો ક્યાં જઈશું?  આ પ્રશ્ન તો વિશ્વ બહારના આર્કિટેક્ટ અને બિલ્ડિંગ ડિઝાઇનર પૂછી રહ્યા છે. આ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે કેટલાય અભ્યાસ થઇ રહ્યા છે, લેખ લખાઈ રહ્યા છે. આપણે કોઈ આર્કિટેક્ટ કે એન્જિનિયરને ઘરની ડિઝાઇન બનાવવા આપીએ તો ઘર કેવું દેખાશે, એનું બાહ્ય સૌંદર્ય જ નહિ પણ એની અંદર રહેનારની સુવિદ્યા અને સુગમતાનું પણ ધ્યાન રાખવાની જવાબદારી છે અને હવે એમાં સ્વસ્થ ઘરની ચિંતા પણ કરવાની જવાબદારી રહે છે. ઘરની અંદર રહેનાર તેમાં શું કરશે, તેની આજુબાજુની જગ્યામાં, તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેની સામગ્રી, તેના સંકેત, પર્યાવરણ પરની અસરમાં તે કેવી રીતે ફિટ થશે. કોવિડ પછીની દુનિયામાં નવા પ્રોજેક્ટ્સ શરૂ થતાં ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ આ નવી રીતની જીવનશૈલી તરફ આગળ વધવાની સ્થિતિમાં હશે. એની સામે પરંતુ પરવડે તેવાં મકાનો (એફોર્ડેબલ હાઉસિંગ) બનાવવામાં સંતુલિત ડિઝાઇન, નીતિ અને બજારની સ્થિતિ હંમેશા મુશ્કેલ રહે છે.

પ્લેગ પછી ગંદુ-ગોબરું શહેર એકદમ બેઠું થયું

આ કંઈ નવી વાત નથી. ભૂતકાળના રોગચાળાએ આર્કિટેક્ચર, ડિઝાઇન અને શહેરી આયોજનમાં મોટા ફેરફારોની પ્રેરણા આપી છે. આધુનિક ગટર વ્યવસ્થા, પહોળા ફૂટપાથ, સ્વચ્છતાને પ્રાધાન્ય જેવા અનેક ફેરફાર આવે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સુરત શહેર. 1994-95માં આવેલા શંકાસ્પદ પ્લેગ પછી ગંદુ-ગોબરું શહેર એકદમ બેઠું થયું છે. સાંકડી અને ગંદી ગલીઓ પહોળી થઈ, મુખ્ય માર્ગ પહોળા થયા. ગટર અને પાણીની વ્યવસ્થા ઘર-ઘર સુધી પહોંચી. સ્વચ્છતાને પ્રાધાન્ય મળ્યું , ગંદકી અને ઉંદરથી ફેલાયેલા પ્લેગના કારણે બદનામ થયેલું સુરત આ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ 2020માં સમગ્ર દેશમાં ઇન્દોર પછી ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. પ્લેગ પહેલા કોલેરા, ટીબી અને મલેરિયા જેવા અનેક રોગ વખતે આપણાં ઘરો અને શહેર બદલાતાં રહ્યાં છે એનો લાંબો ઇતિહાસ છે, કોરોના કાળ પછી પણ આપણે સૌએ બદલાવું જ પડશે.

નવા પરિપ્રેક્ષ્યમાં બિલ્ડિંગ ડિઝાઇન

કોરોનાથી સંક્રમિત થયા બાદ જે દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા કે કોઈ આઇસોલેશન વોર્ડમાં છે એમની સારવારની સાથે એક માર્ગદર્શિકા આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવે છે કે દર્દીને યોગ્ય હવા – ઉજાસવાળા રૂમમાં રાખવા. દર્દીના સ્વાસ્થ્ય માટે કુદરતી હવા ઉજાસ જરૂરી છે એવું દરેક મેડિકલ ગાઈડલાઇનમાં કહ્યું છે. આ વાત સાથે સૌ સંમત છે પણ એનો અમલ થતો નથી. જરા વિચારો તમે જ્યાં રહો  છો એ ઘર જ્યાં કામ કરો છો એ ઓફિસ એમાં કુદરતી હવા-ઉજાસ આવે છે ખરા? જો ન આવતા હોય તો તમે બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં રહો છો એવું કહેવાય. રોગચાળાએ અમને સૌને વધુમાં વધુ બહારની જગ્યાનો ઉપયોગ, તાજી હવા અને કુદરતી તત્વોને પ્રાધન્ય જેવા ફેરફારોને પ્રતિબિંબિત અને પરિપક્વ કરવા અને વેગ આપવા માટે સમય આપ્યો છે. એટલે જ તો વિશ્વભરના આર્કિટેક્ટ – એન્જિનિયર હવે નવા પરિપ્રેક્ષ્યમાં બિલ્ડિંગ ડિઝાઇન વિષે વિચારતા થયા છે. આપણાં મકાન કે ઓફિસ સુંદર જ  પણ હોવાં જ જોઈએ એ સમયની માગ પણ છે. 

કઈ રીતે થશે?  જેની પાસે વિશાળ જગ્યા છે, બજેટની ચિંતા નથી એ તો નવી સ્થિતિ મુજબ પોતાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ મુખ્ય પડકાર છે એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં. મર્યાદિત બજેટ અને મર્યાદિત જગ્યામાં કામ કરવાનું હોય છે અહીં.

જાણીતા આર્કિટેક્ટ અને પ્રો. અશોક લાલ ચિત્રલેખાને કહે છે, નાના ઘરની ચાર દીવાલોની બહારની જગ્યાઓને વધુ આરામદાયક અને રહેવા યોગ્ય બનાવવા માટે ડિઝાઇન કરવાનું વધુ મહત્ત્ત્વનું છે – શેડવાળા ઓટલા, નાના શેડવાળા  આંગણા, પેસેજ અને ગલીઓ જેવા શેડવાળા ઓટલા વગેરે – જે ટ્રાફિક, પ્રદૂષણ અને અવાજથી મુક્ત છે. એ જ રીતે છતના ટેરેસને કેટલીક સરળ જાળીઓ દ્વારા સુલભ અને આર્ટ શેડ બનાવવાની જરૂર છે. બાળકો અને વૃદ્ધોને આવાં સ્થાનોની સૌથી વધુ જરૂર હોય છે. ઘરની બાજુમાં ખુલ્લી વહેંચાયેલી જગ્યાઓ પર વ્યક્તિદીઠ છ ચોરસ મીટર જગ્યા મળવી જોઈએ. પ્રો. લાલ જેનો વર્ષોથી આગ્રહ કરે છે એ વાત હવે વિશ્વના લોકો સ્વીકારી રહ્યા છે કે દરેક ઘરમાં વાપરી શકાય એવી બાલ્કની એ હવે હક હોવો જોઈએ, માત્ર લાભ નહિ ખાસ કરીને જ્યાં સંયુક્ત પરિવાર વસતા હોય.

અફોર્ડેબલ હાઉસિંગ માટે તક નથી

પ્રોફેસર અશોક લાલનું માનવું છે કે કોવિડ પછીની સ્થિતિમાં શહેરોમાં અફોર્ડેબલ હાઉસિંગ માટે તક નથી એ ભ્રમ હવે ભાંગી જશે. એફોર્ડેબલ હાઉસિંગ માટે હવે વધુ શક્યતાઓ છે, એનો વિકાસ થશે.જમીન નું અર્થશાસ્ત્ર બદલાશે. સાદા અને સામાન્ય અફોર્ડેબલ ઘર શહેરોના દરેક વિસ્તારમાં બાંધી શકાશે. પ્રો.અશોક લાલની ભવિષ્યવાણી જો સાચી સાબિત થાય તો ભારતમાં બાંધકામ ઉદ્યોગની આખી સકલ જ બદલાઈ જશે. ગુજરાત રાજ્ય સરકારે જે 70 માળની મંજૂરી આપવાની વાત કરી છે એ અફોર્ડેબલ હાઉસિંગમાં ન આવે. કારણ બાંધકામ જેટલું ઊંચું હશે એટલું મોંઘુ થશે. સાથે જ આવી ઊંચી ઇમારતો પર્યાવરણ સમતુલાને અનુરૂપ પણ નથી.

પણ એક વાત બધા જ નિષ્ણાતો માને છે કે કોરોના એ આપણા જીવનને બદલ્યું છે એ હવે વધુ બદલશે. સ્પેનિશ આર્કિટેક્ચર કંપની ઈ-સ્ટુડિયો લમેલાએ કોરોના પછીના એપાર્ટમેન્ટ કેવા હોય શકે તેનો એક મોડેલ જાહેર કર્યું છે. જે મૂળ છ ખ્યાલો/વિચારોના આધારે બનાવાયું છે. નવા એપાર્ટમેન્ટ હવે  હવા, પ્રકાશ, લીલોતરી, સલામતી, કનેક્ટિવિટી અને સુગમતા એની પ્રાથમિકતા અને જરૂરિયાત હશે. કંપનીના કહેવા મુજબ આ ડિઝાઇન તમામ બિનજરૂરી દરવાજા અને દીવાલોને દૂર કરે છે, અને ઓરડાઓ એક લીટીમાં મૂકવામાં આવે છે, જેથી નહિ વપરાયેલી જગ્યા કાપી શકાય, વેન્ટિલેશનમાં સુધારો થાય અને શક્ય તેટલું વધુ પ્રકાશ આપવામાં આવે. આવાં અનેક મોડેલ વિશ્વની અનેક જાણીતી કંપનીઓ મૂકી રહી છે.

જીવલેણ રોગચાળો આવી શકે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો “2020 ગ્લોબલ રિસ્ક રિપોર્ટ” રજૂ થયો હતો. તેણે ચેતવણી આપી હતી કે હવામાન પરિવર્તન ચેપી રોગકારક જીવો માટે પૃથ્વીના મહેમાન બનાવે છે જેના કારણે જીવલેણ રોગચાળો આવી શકે છે. સ્થિતિસ્થાપકતા એ સદીની બાકીના સમય માટે અતિ મહત્વનો શબ્દ બની રહેશે. ઊર્જા અને પૂરની સ્થિતિસ્થાપકતા દરિયાકાંઠેથી એક મોટા  સ્થળાંતરને પ્રોત્સાહિત કરશે. આ હવામાન પરિવર્તનના કારણે થયેલા શહેરીકરણની લાક્ષણિકતાઓ છે.

હાલની જાહેર આરોગ્ય કટોકટીએ એ હકીકતને વધુ મજબુત બનાવ્યા છે કે તંદુરસ્ત જીવન નિર્વાહ માટે રોગચાળા પછીના સમયગાળામાં હાઉસિંગ સેક્ટરની નીતિ અને હસ્તક્ષેપોમાં ફેરફાર કરવો પડશે. લોકડાઉન દરમિયાન તમામ આવક વર્ગો માટે રહેણાંક જીવન અને મકાનોના થર્મલ આરામનું ધ્યાન કેન્દ્રિત થયું છે, જે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ) દ્વારા હાથ ધરવામાં આવેલા આવાસ ક્ષેત્રના તાજેતરના અભ્યાસમાં નિર્દેશ કરે છે. આ અભ્યાસ  ‘Beyond the four walls of PMAY: Resource efficiency, thermal comfort and liveability in the affordable housing sector’ના શીર્ષક હેઠળ થયું છે. CSEના અધ્યયનમાં ઇમારતોના થર્મલ આરામને સુધારવા અને ઊર્જા બચત અને તંદુરસ્ત જીવન માટે વાતાનુકૂલિત કલાકો ઘટાડવા માટે સામગ્રી અને આર્કિટેક્ચરલ ડિઝાઇન પર વધુ વ્યાપક માર્ગદર્શિકા અને આદેશો રજૂ કરવાની ભલામણ કરવામાં આવી છે.

જીવન અને જીવનશૈલી જ બદલાયાં

સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, સુરત સાથે સંલગ્ન આર્કિટેક્ચર કોલેજના આચાર્ય પરસી એન્જિનિયર  બહુ સ્પષ્ટ છે. તેઓ કહે છે આ રોગચાળો ઘર અને બિલ્ડિંગની વિભાવનાને ધરમૂળથી બદલી નાખશે. આપણે ભારતીયોની લાઇફ સ્ટાઇલ આઉટડોર છે, ઘરે ખાવા અને સૂવાનું જ હોય પણ લૉકડાઉન અને આ રોગચાળા એનાથી એકદમ ઊલટું કર્યું. ભારતીયોના જીવન અને જીવનશૈલી જ બદલી નાખી છે. આ છેલ્લા છ મહિના દરમિયાન જોયું છે કે લોકો ઇન્ડોર લાઇફ ક્વોલિટીની ચિંતા કરતા થયા છે, જે પહેલાં કરતા ન હતા. વિશ્વના અન્ય દેશોમાં ઘરના તમામ સભ્યો માટે અલાયદી જગ્યા હોય છે, આપણે ત્યાં જેવી સંકડાશ નથી. આ વર્ક ફ્રોમ હોમ કે લર્ન ફ્રોમ હોમના સમયકાળમાં નાના ઘરના કારણે પ્રાઇવસીના અનેક પ્રશ્નો આવ્યા હતા. હવે જ્યારે નવા ઘર કે બિલ્ડિંગ ડિઝાઇન થશે ત્યારે હાલના અનુભવો એમાં આવશે જ. હવે પછી ડિઝાઇનમાં કોરોના કાળના અનુભવો બહુ સજાગતાથી વિચારવા પડશે અને એની ચર્ચા ચાલુ થઈ જ ગઈ છે. જે વાત થર્મલ કમ્ફર્ટની છે એ તો આવશ્યક છે. મને લાગે છે એન મારો હંમેશાંથી આગ્રહ રહ્યો છે કે આપણે આપણા મૂળ તરફ જવું પડશે. આપણા બાંધકામમાં વપરાતા મટીરિયલ માટે કે પછી એના પ્લાનિંગ માટે, જૂનાં ઘરો કેમ ઉનાળે ઠંડા અને શિયાળે હૂંફાળા લાગે છે? બસ એ જ તો જોઈએ છે. કોરોના ઘણું શીખવી રહ્યો છે.

તારણો તો અનેક નીકળે, પણ આ જાણકારોના મતા મુજબ આપણા રહેઠાણ આરોગ્યપ્રદ ત્યારે જ બનશે જ્યારે એ એનર્જી એફિસિયન્ટ એટલે કે પૂરતા કુદરતી હવા-ઉજાસવાળા હોય. કોરોના પછી એનું હોવું આવશ્યક છે. સાથે જ ઘર અને બિલ્ડિંગ ડિઝાઇન કરતા આર્કિટેક્ટ કે એન્જિનિયરએ હવે બદલાવ લાવવો જ પડશે.

(ફયસલ બકીલી)

( આ લેખ સીએમસ CMS –  સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ અને બીપ  (BEEP – ઈન્ડો-સ્વિસ બિલ્ડિંગ એનર્જી એફિશિયન્ટ પ્રોજેક્ટ) ફેલોશિપ અંતર્ગત લખાયો છે) 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કંગના વધારે ભડકી; મુંબઈની સરખામણી તાલીબાન સાથે કરી

મુંબઈઃ ‘બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ હક નથી’ એવી રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કમેન્ટ કર્યા બાદ કંગનાએ એનો વળતો જવાબ આપ્યો છે અને ટ્વિટર પર મુંબઈ શહેરની સરખામણી તાલીબાન સાથે કરી છે.

કંગનાએ એનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે, ‘મારાં લોકતાંત્રિક અધિકારોને એ (દેશમુખ) કચડી નાખવા માગે છે… એક જ દિવસમાં PoKમાંથી તાલીબાન બની ગયું.’

કંગનાને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી, એની સામે કડક પગલું ભરવામાં આવશે, એવું દેશમુખને કથિતપણે કહેતા દર્શાવતી એક લિન્કને કંગનાએ શેર પણ કરી છે.

કંગનાએ મુંબઈ પોલીસની ટીકા કર્યા બાદ શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે એમ કહ્યું હતું કે કંગનાએ મુંબઈમાં પાછાં આવવાની જરૂર નથી. એના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે મુંબઈમાં PoK જેવી લાગણી કેમ થઈ રહી છે?

કંગનાની હિંમત

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઓચિંતા અને રહસ્યમય મોતથી એના પ્રશંસકો સહિત અનેક લોકોને આઘાત લાગ્યો છે અને એમાં એની સહ કલાકાર કંગના રણૌતનો પણ સમાવેશ થાય છે. સુશાંતના મૃત્યુએ ભારે વિવાદ સર્જ્યો છે. મુંબઈ પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું કે એણે આત્મહત્યા કરી હતી, પણ કંગના શરૂઆતથી જ સતત કહેતી રહી છે કે આ આત્મહત્યાનો નહીં, પણ આયોજનપૂર્વકની હત્યાનો મામલો છે.

કંગના હાલ હિમાચલ પ્રદેશમાં એનાં વતન મનાલીના ઘરમાં છે અને 9 સપ્ટેમ્બરે મુંબઈ પાછી ફરવાની છે.

પોતાને ધમકી આપવામાં આવ્યા બાદ ‘પંગા’ ફિલ્મની અભિનેત્રી કંગનાએ મુંબઈને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK) સાથે સરખાવતાં સોશિયલ મિડિયા પર એની ટીકા થઈ રહી છે.

ટ્વિટર પર કંગનાએ એનાં વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે, ‘હું આવતી 9 સપ્ટેમ્બરે મુંબઈ પાછી ફરી રહી છું, જોઉં છું મને કોણ અટકાવે છે.’

‘મેં જોયું છે કે મને મુંબઈ પાછી ફરતી રોકવા ઘણા લોકો ધમકી આપી રહ્યાં છે અને હવે મેં નક્કી કર્યું છે કે હું આ જ અઠવાડિયે – 9 સપ્ટેમ્બરે મુંબઈ જઈશ. મુંબઈ એરપોર્ટ પર પહોંચીને તરત જ હું ટાઈમ પોસ્ટ કરીશ… કિસી કે બાપ મેં હિંમત હૈ તો રોક લે…’ એમ આ બહાદુર અભિનેત્રીએ ટ્વીટમાં લખ્યું છે.

‘તનૂ વેડ્સ મનુ’ ફિલ્મની અભિનેત્રી કંગનાએ શિવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉત પર આરોપ મૂક્યો છે કે એ પોતાને ખુલ્લી ધમકી આપે છે અને એને મુંબઈ પાછી ન ફરવા કહે છે.

કંગનાએ અગાઉ એમ કહ્યું હતું કે એને મુંબઈ પાછી ફરતાં ડર લાગે છે. એને હિમાચલ પ્રદેશ અથવા કેન્દ્ર સરકાર રક્ષણ આપે તો સારું, કારણ કે એને મુંબઈ પોલીસ પર જરાય વિશ્વાસ નથી. એ લોકો મૂવી માફિયા કરતાંય ખતરનાક લોકો છે. કંગનાએ એવો આક્ષેપ કર્યો હતો કે મુંબઈ પોલીસ ગુનાખોરીને અને પોતાની વિરુદ્ધ સોશિયલ મિડિયા પર દમદાટીને ઉત્તેજન આપે છે.

તમાકુ, પાન-મસાલા વેચાણ પરનો પ્રતિબંધ લંબાવાયો

અમદાવાદઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ગુટકા તેમ જ તમાકુ કે નિકોટિનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને એ માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે હેઠળ કોઈ પણ ખાદ્ય ચીજોમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટિનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

સ્કૂલ-કોલેજની 100 વારની ત્રિજ્યામાં વેચાણ પર પ્રતિબધ

એમણે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરવામાં આવી રહ્યો છે. આ બાબતે છેલ્લાં ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે ૧૦ હજાર પેઢીઓની તપાસ કરી આશરે ૧૧ લાખ રૂપિયો જેટલો દંડ વસૂલવામાં આવ્યો  છે.

 

 

 

 

 

 

 

 

નાના ભાઈઓના નિધનની દિલીપકુમારને ખબર પડવા દીધી નથીઃ સાયરાબાનુ

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે બોલીવૂડનાં પીઢ અભિનેતા દિલીપ કુમારે હાલમાં જ એમના બે નાના ભાઈને ગુમાવી દીધા છે, પરંતુ એમના મૃત્યુની એમને ખબર નથી, એમ એમના પત્ની સાયરાબાનુએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું છે.

દિલીપ કુમારના નાના ભાઈઓ – એહસાન ખાન (90) અને અસલમ ખાન (88)નું હાલમાં જ મુંબઈમાં બાન્દ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. બંને જણને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

પીઢ અભિનેત્રી સાયરાબાનુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું તો અમે દિલીપ સાહેબને હજી જણાવ્યું જ નથી કે અસલમભાઈ અને એહસાનભાઈનું નિધન થઈ ગયું છે. કારણ કે અમે અત્યંત દુઃખદાયક સમાચાર એમને જણાવતા નથી. અમિતાભ બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એની જાણ પણ અમે એમને કરી નહોતી. દિલીપ સાહેબને અમિતાભ પ્રત્યે બહુ કૂણી લાગણી છે.’

97 વર્ષીય દિલીપ કુમારના સ્વાસ્થ્ય વિશે સાયરાબાનુએ કહ્યું કે એ પથારીવશ છે. તાજેતરમાં ડીહાઈડ્રેશનને કારણે એમના બ્લડ પ્રેશરમાં ફેરફાર આવ્યો હતો. એ માટે એમની સારવાર ચાલી રહી છે.

દિલીપ કુમારનું ટ્વિટર એકાઉન્ટ સાયરાબાનુ ઓપરેટ કરે છે અને દિલીપ કુમારના સ્વાસ્થ્ય અંગે તેમજ કોઈ મહત્ત્વના વિષયે ટ્વીટ કરતાં રહે છે.

ગયા માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરાયું એ પહેલાં દિલીપ કુમારે ટ્વીટ દ્વારા જાહેર કર્યું હતું કે પોતે અને એમના પત્ની સાયરાબાનુ કોરોના વાઈરસ સામે સાવચેતીના પગલા તરીકે સંપૂર્ણપણે આઈસોલેશન અને ક્વોરન્ટાઈન અવસ્થામાં છે. દિલીપ કુમારે એક અન્ય ટ્વીટમાં એમના પ્રશંસકોને પણ કહ્યું હતું કે કોરોનાથી બચવા માટે શક્ય એટલા ઘરમાં જ રહેજો.

કોરોના સંક્રમિતોની સંખ્યા 39 લાખને પારઃ BAPSના સાધુ-સંતોને કોરોના

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો 80,000થી વધુ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 83,341 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1096 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 39,36,747 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 68,472 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 30,37,151 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,311,124 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે.

સ્વામિનારાયણ મંદિરમાં 28 સાધુ-સંતોને કોરોના  

અમદાવાદના શાહીબાગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં BAPSના 28 સાધુ-સંતો અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. AMCના આરોગ્ય વિભાગે 150 સાધુ-સંતો અને કર્મચારીના ટેસ્ટિંગ કર્યા હતા. જેમાંથી 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાધુ-સંતો પોઝિટિવ આવતાં તેમને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

રાશિ ભવિષ્ય 04/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુ જ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.