મુંબઈઃ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ (AAHL) મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (MIAL)માં કન્ટ્રોલિંગ હિસ્સો હસ્તગત કરશે. AAHL GVK એરપોર્ટ ડેવલપર્સના ઋણને હસ્તગત કરશે. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં ગ્રુપે કહ્યું હતું કે કંપનીએ મુંબઈ એરપોર્ટમાં GVK ગ્રુપનો હિસ્સો ખરીદવા અને નિયંત્રણ હાંસલ કરવા માટે સમજૂતી કરાર કર્યા છે. અદાણી એન્ટપ્રાઇઝીસે શેરબજારોને મોકલેલી યાદીમાં કહ્યું છે કે અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સે GVK એરપોર્ટ ડેવલપર્સના ઋણને હસ્તગત કરવા માટે કરાર કર્યા છે. કંપની આ સોદા દ્વારા 23.5 ટકા હિસ્સો હસ્તગત કરશે.
GVK ગ્રુપની પાસે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ લિ.માં 50.50 ટકા હિસ્સો છે. ઋણને ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવશે. આ યાદીમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ આ સોદામાં નાણાકીય ખુલાસો નથી કરવામાં આવ્યો. ગ્રુપ મુંબઈ એરપોર્ટ્સમાં એરપોર્ટસ કંપની ઓફ સાઉથ આફ્રિકા (ACSA) તથા બિડવેસ્ટના 23.5 ટકા હિસ્સાને હસ્તગત કરવા માટે આ પગલું લીધું છે.
કંપનીને CCIની મંજૂરી
આ હસ્તાતંરણ માટે કંપનીને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ની મંજૂરી મળી ચૂકી છે. GVKના 50.50 ટકા હિસ્સા સાથે મુંબઈ એરપોર્ટ્સમાં અદાણી ગ્રુપનો હિસ્સો વધીને 74 ટકા થશે. અદાણી ગ્રુપને હાલમાં છ એરપોર્ટસના સંચાલનનો કોન્ટ્રેક્ટ મળેલો છે. આમાં લખનૌ, જયપુર, ગૌહાટી, અમદાવાદ, તિરુવનંતપુરમ અને મેંગલોર સામેલ છે.
મુંબઈઃ હોલીવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનની ધમાકેદાર ફિલ્મ ‘રેમ્બો’ની હિન્દી આવૃત્તિ બનાવવામાં આવનાર છે અને એમાં સ્ટેલોનવાળી ભૂમિકા ભજવશે ટાઈગર શ્રોફ.
ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરવાના છે એવો અહેવાલ છે.
ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સ બેનર કરશે એવા સમાચાર છે, પણ એને સૂત્રો તરફથી રદિયો આપવામાં આવ્યો છે. યશરાજ ફિલ્મ્સ તરફથી જોકે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ટાઈગર શ્રોફે એના ઝમકદાર પરફોર્મન્સ દ્વારા એની ટેલેન્ટ અને ચાર્મને અવારનવાર સાબિત કર્યા છે અને હવે તે હિન્દી રૂપેરી પડદા પર રેમ્બોના દેશી અવતારમાં હાજર થવાનો છે.
દેશી ‘રેમ્બો’નું શૂટિંગ આ જ વર્ષના પહેલા છ મહિનાની અંદર શરૂ થવાનું હતું, પરંતુ કોરોના વાઈરસને કારણે મોકૂફ રહ્યું છે.
યશરાજ ફિલ્મ્સની સ્થાપનાનું આ 50મું વર્ષ છે.
અક્ષય કુમાર અને ઋતિક રોશન બાદ હિન્દી ફિલ્મોમાં એક્શન હિરો તરીકે ટાઈગર શ્રોફે પોતાનો સિક્કો જમાવી દીધો છે. ઋતિક અને ટાઈગર તાજેતરમાં જ ‘વોર’ એક્શન ફિલ્મમાં સાથે ચમક્યા હતા.
અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મુકિમે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વરસાદને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે અને રાજ્યમાં પરિસ્થિતિ હાલ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે, એમ તેમણે જણાવ્યું હતું.
વરસાદનું જોર ઘટશે
રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક કહ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં ડેમ-જળાશયોની સ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ દ્વારા પણ આ સંદર્ભે જરૂરી સમીક્ષા કરીને સંબંધિત વિભાગ તથા સ્થાનિક વહિવટી તંત્રને અગમચેતીનાં પગલાં લેવા તથા જરૂર જણાય ત્યાં સ્થળાંતરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.
NDRF-SDRFની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડ બાય
હાલ ૧૩ NDRFની ટીમો અને SDRFની બે ટીમો સંબધીત જિલ્લાઓમાં તહેનાત છે. એ ઉપરાંત NDRF-SDRFની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડબાય-રિઝર્વ રાખવામાં આવી છે.
રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 120 મિમી
રાજ્યમાં ૯૪ તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો ૧૦૦૦ મિમીથી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે ૧૩૩ તાલુકાઓમાં ૫૦૧થી ૧૦૦૦ મિમી સુધી, ૨૪ તાલુકાઓમાં ૨૫૧થી ૫૦૦ મિમી સુધી અને ૨૫૦ મિમીથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવો એક પણ જિલ્લા નથી. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૧૧૯.૭૮ ટકા થઈ ગયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ ૨૫૧.૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬૨.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૧.૭૨ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૭.૫૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
૧૫૪ જળાશયો હાઇ એલર્ટ પર
રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૬૭,૦૧૦ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના ૭૯.૯૨ ટકા જેટલો છે. હાલ ૧૩૮.૬૮ મીટરે જળ સપાટી છે. એ ઉપરાંત રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૫૪ જળાશયો હાઇ એલર્ટ પર, ૧૨ જળાશયો એલર્ટ પર અને ૧૨ જળાશયો વોર્નિંગ ઉપર છે. ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૧૦૩ છે. રાજ્યમાં કુલ ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફલો થયા છે.
રાજ્યમાં ૧૩ ઓગષ્ટ,૨૦૨૦થી આજ સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૧૯,૫૨૩ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જે પૈકી હાલ ૧૨૮૬ લોકો આશ્રયસ્થાનોમાં છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વરસાદને પરિણામે ૩૦ ગામમાં વીજપુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વર પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
૪૮ રૂટ પરની ૧૦૧ ટ્રિપો બંધ
રાજ્યના એસટી બસની ૪૮ રૂટ પરની ૧૦૧ ટ્રિપો બંધ કરવામાં આવી છે. ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના ૩૩ અને પંચાયત હસ્તકના ૨૩૨, નેશનલ હાઇવે એક તથા અન્ય ૩૧ મળી કુલ ૨૯૭ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સારા વરસાદને પરિણામે ૯૭.૧૪ ટકા વાવેતર થઇ ગયું છે.
મુંબઈઃ BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સતત ટર્નઓવર વધી રહ્યું છે, જુલાઈમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.26,196 કરોડનું હતું તે ત્રણ ગણું વધીને એક લાખ કરોડ રૂપિયાથી પણ અધિકની સપાટી વટાવી ગયું છે, એમ BSEના આંકડાઓ પર નજર કરતાં જણાઈ આવે છે. સતત ટર્નઓવર વધતું રહ્યું છે એનાં ઘણાં કારણોમાંનું મુખ્ય એ છે કે એક્સચેન્જે 29 જૂન, 2020થી સેન્સેક્સ-30ના સોમવારે સમાપ્ત થતા વીકલી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા છે, જેને સહભાગીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ પ્રોડક્ટ એટલે સામાન્ય પ્રવાહથી ભિન્ન છે કે એ કોન્ટ્રેક્ટ ગુરુવારે સમાપ્ત થવાની સ્વીકાર્ય પ્રથાથી ભિન્ન છે, એમ BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું. બીજું કારણ આ કોન્ટ્રેક્ટ્સ માટે પહેલી જુલાઈ 2020થી શરૂ કરવામાં આવેલી લિક્વિડિટી એન્હેન્સમેન્ટ સ્કીમ છે, એમ કહી પાટીલે ઉમેર્યું હતું કે ડેઈલી ટર્નઓવર રૂ.1,14,263 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે.
S&P BSE 50 ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝનું મૂલ્ય 12,000ની રેન્જમાં છે જે અન્ય મોટા ટ્રેડિંગ ઈન્ડેક્સની સમકક્ષ છે. આ ઈન્ડેક્સ લિસ્ટેડ કંપનીઓના આશરે 56 ટકા માર્કેટ કેપિટલાઈઝેશનને આવરી લે છે, જેથી સહભાગીઓ તેમના ઈક્વિટી રિસ્કનું વધુ સારી રીતે હેજિંગ કરી શકે છે. ઉપરાંત તેઓ સમાન ટ્રેડિંગ અને અલ્ગો સ્ટ્રેટેજી અપનાવી શકે છે. ગુરુવારને બદલે સાપ્તાહિક એક્સપાયરી સોમવારે હોવાથી તેઓ બજારમાંનાં સમાન પ્રોડક્ટ્સ માટેનો વેપાર ઓફ્ફસેટ કરી શકે છે.
સ્ટોક એક્સચેન્જીસનાં ક્લિયરિંગ કોર્પોરેશન્સની ઈન્ટરઓપરેબિલિટી અને ક્રોસ માર્જિન ફ્રેમવર્કને પગલે સતત ટ્રેડિંગ થઈ શકે છે અને કોલેટરલ જ્યાં હોય એ સિવાયના વેન્યુ પર પણ ટ્રેડિંગ થઈ શકે છે.
અત્યારે BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં નિઃશુલ્લક ટ્રેડિંગ થઈ શકે છે. સાથે સાથે સહભાગીઓને શ્રેષ્ઠ ટ્રેડિંગ માળખું, કો-લોકેશ સર્વિસીસ, લીઝ-લાઈન અને ફ્રંટ-એન્ડ સોફ્ટવેર આદિ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. આમ ખર્ચમાં ખાસ્સી બચત થાય છે. BSE રોજ રૂ.10 કરોડ સુધીના ઈક્વિટી એક્સપોઝરને હેજ કરવા માટેના ઈન્ડેક્સ ઓપ્શન ટ્રેડિંગ પર કોઈ ચાર્જ વસૂલતું નથી તેથી અન્ય એક્સચેન્જની તુલનાએ મેમ્બરને ખર્ચમાં રૂ.1.20 લાખની બચત થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર 30 ઓગસ્ટ, રવિવારે રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ-વિકેટથી પરાજય આપ્યો હતો. 3-મેચની સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્રીજી અને આખરી મેચ 1 સપ્ટેંબરે આ જ મેદાન પર રમાશે. રવિવારની મેચમાં પાકિસ્તાને તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 195 રન કર્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડે 19.1 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 199 રન કરીને મેચ જીતી લીધી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને 66 રન કર્યા હતા (33 બોલ, 6 ચોગ્ગા, 4 છગ્ગા) અને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ડેવિડ માલન 54 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ટોમ બેન્ટન (20) અને જોની બેરસ્ટો (44)એ પહેલી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનના દાવમાં, મોહમ્મદ હફીઝે સૌથી વધુ 69 રન કર્યા હતા (36 બોલમાં, 5 ચોગ્ગા, 4 છગ્ગા). કેપ્ટન બાબર આઝમ (56) અને ફખર ઝમાન (36)ની જોડીએ પહેલી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડે આ પહેલાં 3-મેચની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનને 1-0થી પરાજય આપ્યો હતો. બે ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.
અમદાવાદઃ રાજ્યમાં પડી રહેલો અવિરત વરસાદ હવે મુશ્કેલી સર્જી રહ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં આ સીઝનનો અત્યાર સુધીનો 150 ટકા વરસાદ પડ્યો છે તો કચ્છમાં તો 250 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ 113 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદની આગાહી યથાવત છે.
હજી પણ ભારે વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ 10થી 15 ટકા વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યના 138 તાલુકાઓમાં 1થી 4 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના 15 તાલુકાઓમાં છ ઇંચથી 12 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેથી કેટલીય જગ્યાએ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. 24 તાલુકાઓમાં 5થી 12 ઇંચ વરસાદ તો 138 તાલુકાઓ 1થી 4 ઇંચ સુધીનો વરસાદ નોઁધાયો છે.
તાપી નદીમાં 1.59 લાખ કયુસેક પાણી છોડાયું
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઓવરફલો (overflow) થયો છે, જેથી તાપી નદીમાં જળ સ્તર વધતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં 1.59 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતના રાંદેર અને કતારગામ જોડતા વિયર કોઝવેની સપાટી પણ સતત વધી રહી છે.
મીઠી ખાડી પણ ઓવરફ્લો થઈ
મીઠી ખાડી હાલ 7.50ની ભયજનક સપાટી વટાવી 8.25 મીટરે ઓવરફ્લો થઈ રહી છે. જેને પગલે લિંબાયતના નીચાણવાળા વિસ્તારના રોડ પર પાણી ફરી વળ્યા છે. જ્યારે ઘરોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.
ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને ભારે વરસાદ વરસ્યોછે ત્યારે ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું હોય હતું. ગીર ગઢડાના કણેરીમાં એક કલાકમાં પાંચ ઇંચ, જામવાળામાં ચાર કલાકમાં આઠ ઇંચ અને એભલવડમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. આ તમામ ગામો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરનો માલસામાન પલળી ગયો હતો.
માધવરાય મંદિર ફરી પાણી ગરકાવ
રાજ્યમાં સતત ભારે વરસાદથી ગામનાં ખેતરોને તો નુકસાન થયું છે, પણ પ્રાચીનું માધવરાય મંદિર ફરી પાણી ગરકાવ થયું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી હતી.
સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું
સુત્રાપાડામાં આઠ ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયું છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે. મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું છે.
હિરણ બે- ડેમના સાત દરવાજા આઠ ફૂટ સુધી
તાલાલા અને ગીરમાં ભારે વરસાદથી હિરણ બે-ડેમના સાત દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી તાલાલા અને વેરાવળનાં 15 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યાં છે.
જામજોધપુરમાં સાડાનવ ઇંચ
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં સાડાનવ ઇંચ વરસાદ ખાબક્યો છે તો ખંભાળિયામાં સાડાઆઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર, ગઢડા, મોરબીમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. તો ભાણવડ અને દાંતામાં સાડાસાત ઇંચ વરસાદ નોંધાયો છે. વિસાવદર, કલ્યાણપુર, લાલપુરમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. બોટાદ, તાલાલા, કોટડા, સાંગણી, માંગરોળમાં છ-છ ઈંચ વરસાદ ખાબક્યો છે.
સુખભાદર ડેમ ઓવરફલો
બોટાદના મોટા ભડલા ગામ પાસે આવેલ સુખભાદર ડેમ ઓવરફલો થયો છે. જેને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ એક કિ.મીના અંતરે પાણી વહેતું હોવાથી ધંધુકા-ફેદરા/અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધકરવામાં આવ્યો છે.
ભાલનાં અનેક ગામો સંપર્કવિહોણાં
ભાવનગર જિલ્લાના ભાલ પંથકનાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યાં છે. રંઘોળી, ઘેલો અને કાળુભાર નદીના પાણી ચોમેર ફરી વળ્યાં છે. ભાણગઢ, પાળિયાદ, દેવળિયા સહિતનાં ગામો સંપર્કવિહોણા બન્યાં છે. નદીઓનાં પાણી ગામોમાં ફરી વળતા તમામ રસ્તા બંધ થયા છે. નદીનાં પાણી ગામોમાં અને ઘરોમાં ઘુસી ગયા છે.
ડેમમાંથી 9.54 લાખ ક્યુસેક પાણી છોડાયું
સરદાર સરોવર નર્મદા ડેમમાથી નર્મદા નદીમાં છોડાયેલા પાણીથી નર્મદેશ્વર મહાદેવ તણાઈ ગયું છે. વળી, મધ્ય પ્રદેશમાં પડેલા ભારે વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીથી સરદાર સરોવર નર્મદા ડેમમાં 11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવકને ધ્યાને લઈને નર્મદા નદીમાં સરદાર સરોવર બંધમાંથી 9.54 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
અમદાવાદમાં પણ ભારે વરસાદ
અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો છે. હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
નવી દિલ્હીઃ ભારતના નાગરી ઉડ્ડયન ઉદ્યોગની રેગ્યૂલેટર એજન્સી DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)એ શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સને સસ્પેન્ડ રાખવાના નિર્ણયને 30 સપ્ટેંબર સુધી લંબાવ્યો છે.
તે છતાં સક્ષમ પ્રશાસન કેસ-આધારિત જે પસંદગીના રૂટ્સ પર મંજૂરી આપે તેવી ઈન્ટરનેશનલ શેડ્યૂલ્ડ ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની પરવાનગી આપવામાં આવશે.
કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાને કારણે ભારત સરકારે ગઈ 23 માર્ચથી દેશમાં શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર સેવાઓને સ્થગિત કરી દીધી છે.
દરમિયાન, ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ગયા મે મહિનાથી શરૂ કરાયેલી સ્પેશિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ તેમજ અન્ય દેશો સાથે ગયા જુલાઈમાં કરાયેલી દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થાનુસારની ફ્લાઈટ્સને ઓપરેટ કરવા દેવામાં આવશે.
સર્ક્યૂલરમાં એમ પણ જણાવાયું છે કે ડીજીસીએ દ્વારા ચોક્કસ રીતે મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સેવાઓ તથા ફ્લાઈટ્સ યથાવત્ રહેશે, એને કોઈ નિયંત્રણ લાગુ નહીં પડે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 78,512 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 971 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 36,21,245 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 64,469 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 27,74,801 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,81,975 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.47 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે.
ગૃહપ્રધાન અમિત શાહને એમ્સમાંથી રજા અપાઈ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીની એમ્સમાંથી રજા આપવામાં આવી છે. અમિત શાહને 18 ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક દિવસો પહેલાં તેમને શ્વાસ લેવાની મુશ્કેલીને કારણે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને કોવિડ-19 રોગચાળા પછી સારસંભાળ માટે 18 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળાના પ્રકોપ વચ્ચે કેટલીય ચીજવસ્તુઓમાં પરિવર્તન થઈ રહ્યાં છે. આ પરિવર્તન અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યાં છે. ભારતીય રેલવેમાં પણ કેટલાક ફેરફાર થવાની સંભાવના છે. હાલ રેલવે કોરોના રોગચાળાને કારણે સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહ્યું છે, પરંતુ હવે એવી શક્યતા છે કે કોરોના રોગચાળા પછી પણ રેલવેની સર્વિસ નિયમિત થશે ત્યારે પણ રેલવે એર કન્ડિશન્ડ કોચમાં પેસેન્જરોને ધાબળો, ટુવાલ, ચાદર, તકિયા (બેડરોલ)ની સુવિધા આપવાનું હંમેશ માટે બંધ કરી દેશે.
જોકે હજી આના પર સત્તાવાર નિર્ણય લેવાનો બાકી છે. આ સંદર્ભે રેલવે બોર્ડમાં ઉચ્ચ અધિકારીઓની વચ્ચે ઉચ્ચ સ્તરીય મીટિંગમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા થઈ હતી. આ બેઠકમાં સામેલ ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દિશામાં રેલવે આગળ વધારી રહ્યું છે. દેશમાં બિલ્ડ ઓપરેટ ઓન ટ્રાન્સફર મોડલ હેઠળ લિનનને ધોવા માટે મેકેનાઇઝ્ડ મેગા લોન્ડ્રીની સાથે શું કરવાનું છે-એ નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. રેલવેના અંદાજ દર્શાવ્યો હતો કે પ્રત્યેક લિનન સેટ ધોવા માટે 40-50 રૂપિયાનો ખર્ચ થાય છે. હાલમાં 18 લાખ લિનન સેટ ફીલ્ડમાં છે. એક ધાબળો આશરે 48 મહિનાઓ સુધી સર્વિસમાં રહે છે અને મહિનામાં એક વાર ધોવામાં આવે છે. વળી, હાલમાં કોઈ નવું લિનન ખરીદવામાં નથી આવી રહ્યું.
પાછલા કેટલાક મહિનાઓમાં આશરે 20 રેલવે ડિવિઝનોએ ખાનગી વેન્ડરોને સસ્તી કિંમતો પર સ્ટેશનો પર ડિસ્પોઝેબલ ધાબળા, તકિયા અને ચાદરો બનાવવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનમાં પાંચ વેન્ડર છે, જે રેલવેને પ્રતિ વર્ષ આશરે 30 લાખ રૂપિયાની ચુકવણી કરે છે. દેશમાં આશરે 50 વેન્ડરોએ રેલવે સ્ટેશનોમાં દુકાનો ખોલી છે.
અધિકારીઓએ કહ્યું હતું કે ખર્ચને બદલે આ વિકલ્પ લિનનનું વ્યવસ્થાપન વધારાની આવકની કમાણી રળવાની તકમાં ફેરવે છે. એક અધિકારીએ AC ડબ્બાઓમાં આધુનિક તાપમાન નિયંત્રણ સેટિંગ્સની સાથે ધાબળાની જરૂરિયાત પૂરી થઈ જાય છે. રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, પણ હાલ કોવિડ-19ના સમયગાળામાં લિનન સેટ નથી આપવામાં આવતા. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે એ બધા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે.