Home Blog Page 4678

ટાટા ગ્રુપની એરલાઈન 70-વર્ષ પછી લંડનમાં ફરી લેન્ડ થઈ

નવી દિલ્હીઃ જૂન, 1948માં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં JRD ટાટા એ 35 લોકોમાં હતા, જેણે મુંબઈ સુધી ઉડાન ભરી હતી.  હવે આશરે 72 વર્ષ પછી ટાટા ગ્રુપની એક વધુ ફ્લાઇટ વિસ્તારા બ્રિટિશ રાજધાનીમાં મિડિયમ હોલ લોન્ચ માટે લેન્ડ કરી ચૂકી છે. એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ 1953માં થયું હતું. ટાટા ગ્રુપ એરલાઇન્સની એર ઇન્ડિયાએ સૌથી પહેલાં લંડન માટે ઉડાન ભરી હતી.
ટાટા ગ્રુપ અને સિંગાપુરની વિસ્તારાના સંયુક્ત સાહસે દિલ્હીથી લંડન માટે પહેલી ઉડાન ભરી છે. કેટલાક સમય પહેલાં એ સમાચાર હતા કે એ સંયુક્ત સાહસ એર ઇન્ડિયાની હરાજીની પ્રક્રિયામાં ભાગ લે એવી શક્યતા છે.

વિસ્તારા ડ્રીમલાઇનર લંડન માટે નોનસ્ટોપ ઉડાન ભરશે

વિમાન કંપનીએ એના માટે બોઇંગ 787 ડ્રીમલાઇનરનો ઉપયોગ કર્યો છે. કંપનીએ પહોળી બોડીવાળી B787s ખરીદ્યું છે. એમાં પહેલું વિમાન આ વર્ષે માર્ચમાં કંપનીનું મળ્યું છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે આ ડ્રીમલાઇનરની પહેલા મિડિયમ હોલ ઇન્ટરનેશનલ નોનસ્ટોપ ઉડાનમાં મોડું થયું છે. હવે એ ફ્લાઇટ બ્રિટનની સાથે વિશેષ એર બબલ હેઠળ દિલ્હીથી લંડન માટે ઉડાન ભરી રહી છે. કંપનીએ એક નિવેદન જારી કહ્યું હતું કે દ્વિપક્ષી એર બબલ હેઠળ વિસ્તારા નોનસ્ટોપ ફ્લાઇટનું સંચાલન કરી રહી છે. એ 28 ઓગસ્ટથી 24 ઓક્ટોબર, 2020ની વચ્ચે હશે- બંને શહેરોની વચ્ચે વિસ્તારાની એ ફ્લાઇટ એક સપ્તાહમાં ત્રણ વાર ઉડાન ભરશે.વિસ્તારાના CEO લેસ્લી થંગે કહ્યું હતું કે ભલે નિયમિત ફ્લાઇટ્સ નથી ઓપરેટ કરી રહ્યા, પણ અમે લોંગ-હોલ ઓપરેશન માટે ઉત્સાહિત છીએ. આ કેટલાય પ્રકારે વિસ્તારાના વૈશ્વિક ઓપરેશનમાં વિસ્તરણની એક શરૂઆત છે. વિસ્તારા બંને દેશોના વિઝા એન્ટ્રીઝ અને અન્ય જરૂરિયાતો પૂરી થયા પછી ગ્રાહકો સ્વીકારશે.

આ બંને દેશો દ્વારા નક્કી કરેલા નિયમોને આધારે થશે. વિસ્તારાએ પોતાના ગ્રાહકોને એ પણ કહ્યું છે કે એ સરકારની ગાઇડલાઇન્સ સમજ્યા પછી બુકિંગનો નિર્ણય લેશે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ક્રિકેટર, સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો?

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 13મી મોસમનો આરંભ થવાને આડે હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના એક ક્રિકેટર તથા સ્ટાફના અનેક સભ્યોને આજે નોવેલ કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો હોવાનો અહેવાલ છે.

સોશિયલ મિડિયા પર જોવા મળેલા અનેક અહેવાલો અનુસાર, ચેન્નાઈ ટીમે આને કારણે જ તેની નેટ પ્રેક્ટિસ કરવાનું મુલતવી રાખ્યું છે. એની નેટ પ્રેક્ટિસ આજથી શરૂ થવાની હતી, પરંતુ હવે એણે તે બે દિવસ મોકૂફ રાખી છે.

જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે એમના નામ હજી જાણવા મળ્યા નથી. વળી, ચેન્નાઈસ્થિત સીએસકે ટીમ તરફથી આ વિશે સત્તાવાર રીતે હજી સુધી કંઈ જણાવવામાં આવ્યું નથી.

અનેક દાવાઓમાં જણાવાયું છે કે દુબઈમાં ચેન્નાઈ ટીમના એક ભારતીય ક્રિકેટર સહિત ઓછામાં ઓછા 10 સભ્યોનો કોવિડ-19 ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કહેવાય છે કે ચેન્નાઈ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહરને કોરોના થયો છે અને સપોર્ટ સ્ટાફના 12 સભ્યોને પણ ચેપ લાગ્યો છે.

આઈપીએલ પ્રોટોકોલ્સ મુજબ, ખેલાડીઓનો ક્વોરન્ટાઈન પીરિયડના પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાશે અને જો ત્રણેય ટેસ્ટ નેગેટિવ આવે તો જ એમને પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે.

આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13 19મી સપ્ટેંબરથી શરૂ થવાની છે. એમાં આઠ ટીમ રમશે. મેચો યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહ, એમ 3 સ્થળે રમાશે. યૂએઈમાં કોરોનાના કેસો અત્યંત જૂજ સંખ્યામાં થયા હોવાથી આ વખતની સ્પર્ધા ભારતને બદલે અહીં યોજવાનું નક્કી કરાયું છે.

સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત અન્ય ટીમો છેઃ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ.

આધાર કાર્ડમાં વિગતો અપડેટ કરાવવા સ્પેશિયલ ફી ચૂકવવી પડશે

નવી દિલ્હીઃ હવે આધાર કાર્ડ રાષ્ટ્રીય સ્તરે પ્રાથમિક રૂપે સ્વીકૃત થઈ ગયું છે અને ભારતીય નાગરિક પાસે સૌથી મગાતું ઓળખ પત્ર અને એડ્રેસનું પ્રમાણપત્ર છે. એને અપડેટેડ રાખવું ખૂબ જરૂરી છે. UIDAIએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તમારે તેમાં એક વખત કે અનેક વખત આધારકાર્ડ પર બાયોમેટ્રિક્સ અપડેટ (સુધારાવધારા) કરવા હોય ત્યારે એની ફી 100 રૂપિયા છે. જો તમારે તેમાં ડેમોગ્રાફિક ડિટેલમાં બદલાવ કરવો હોય તો એ માટે 50 રૂપિયા ચૂકવવાના રહેશે.

ટ્વીટ્સની એક શૃંખલામાં UIDAIએ આધાર કાર્ડધારકો માટે એક ચેકલિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં તેમના ઓળખના પ્રમાણપત્રોને અપગ્રેડ કરવાની માગ કરી છે. એજન્સી કોરોના સંક્રમણની વચ્ચે મુશ્કેલીઓથી બચવા માટે પ્રક્રિયાને સરળ બનાવી છે.

તમે તમારા નજીકના આધાર એનરોલમેન્ટ કેન્દ્ર પર જઈ શકો છો અથવા તમારી વિગતોમાં ફેરફાર કરવા માટે UIDAI એપ અથવા વેબસાઇટ પર ઓનલાઇન સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તમે uidai.gov.in. પર નજીકનું કેન્દ્ર પણ શોધી શકો છો.

 

 

 

મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં કાપ મૂકાયો; કેટલો ફાયદો થશે?

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન પરની સ્ટેમ્પ ડ્યૂટી (મુદ્રાંક શુલ્ક)ના દરમાં ઘટાડો કર્યો છે. પ્રોપર્ટીના સોદાઓ પરની આ ડ્યૂટી જે પહેલા પાંચ ટકા હતી, એ ઘટાડીને બે ટકા કરાઈ છે. સરકારના આ નિર્ણયથી ઘર ખરીદવા ઈચ્છતા લોકોને ફાયદો થશે. ઘરની ખરીદીનો ખર્ચ ઘટી જશે.

સ્ટેમ્પ ડ્યૂટી દર પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરી દેવામાં આવ્યો છે.

સરકારે જાહેરાત કરી છે કે 2020ની 1 સપ્ટેંબર અને 31 ડિસેંબર વચ્ચેના સમયગાળા દરમિયાન જે સોદાઓ કરાશે એની પરની સ્ટેમ્પ ડ્યૂટી પાંચ ટકાને બદલે બે ટકા લેવાશે, મતલબ કે 3 ટકા ઘટાડવામાં આવશે જ્યારે 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2021 સમયગાળા દરમિયાન આ ડ્યૂટી બે ટકા ઓછી લેવામાં આવશે.

ઘર ખરીદનારને કેટલી બચત થશે

દાખલા તરીકે, મુંબઈના વિલે પારલે ઉપનગરમાં ત્રણ બેડરૂમનો ફ્લેટ ખરીદવા માટે રૂ. 3 કરોડથી વધુનો ખર્ચ થાય. એવી જ રીતે, પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં 3-BHK ફ્લેટ ખરીદવા માટે દોઢ કરોડનો ખર્ચ થાય. ઔરંગાબાદના જ્યોતિ નગરમાં એવડો જ ફ્લેટ ખરીદવા માટે 75 લાખ રૂપિયાનો ખર્ચ થાય. તે છતાં, ઘર ખરીદનારે ઘર વેચનારને બીજો ખર્ચ પણ ચૂકવવો પડે છે. આ પરોક્ષ ખર્ચને કારણે ઘર ખરીદવાનો ખર્ચ સારો એવો વધી જાય. એમાંનો એક ખર્ચ છે સ્ટેમ્પ ડ્યૂટી, જેના દર દેશના જુદા જુદા રાજ્યોમાં સામાન્ય રીતે 4 ટકા અને 8 ટકા વચ્ચે છે.

તે છતાં સ્ટેમ્પ ડ્યૂટીમાં 3 ટકાનો ઘટાડો થવાથી ઘર ખરીદનારને ઉક્ત ત્રણેય શહેરમાં અનુક્રમે રૂ. 9 લાખ, રૂ. 4.5 લાખ અને રૂ. 2.5 લાખનો ફાયદો થશે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી વ્યાપી ગઈ છે તેથી કોઈક પગલાં લેવાની જરૂર છે એવી આ સેક્ટરના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા વખતથી રાજ્ય સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી.

હવે સરકારે સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી દેતાં રિયલ એસ્ટેટ તેમજ ઘર ખરીદવા ઈચ્છતા લોકો તરફથી નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે.

ઘર ખરીદતી વખતે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી ફરજિયાત છે. એને કારણે પ્રોપર્ટી ખરીદવાનો ખર્ચ વધી જતો હોય છે. આમ, સ્ટેમ્પ ડ્યૂટી ઘટવાથી ઘર ખરીદીનો ખર્ચ ઘટી જશે. વધુમાં, એનાથી ઉદ્યોગમાં સેન્ટીમેન્ટ વધશે, ઘર ખરીદીમાં તેજી આવશે, એવું નિરંજન હીરાનંદાનીએ કહ્યું છે, જેઓ એસોચેમ સંસ્થા અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલનાં પ્રમુખ છે.

સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી દેવાથી રાજ્ય સરકારની તિજોરી પર મોટો ફટકો પડશે એ પણ એક હકીકત છે. કારણ કે સ્ટેમ્પ ડ્યૂટી એ રાજ્ય સરકારનો મામલો છે. દરેક રાજ્ય પોતપોતાની રીતે સ્ટેમ્પ ડ્યૂટી દર રાખે છે. પ્રોપર્ટી ખરીદનારે મૂળ સોદાની કિંમત અથવા રેડી રેકનર રેટ (સરકારે નક્કી કરેલી પ્રોપર્ટીની લઘુત્તમ કિંમત), આ બેમાંથી જે ઉંચી રકમ હોય એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે.

નવી દિલ્હીમાં જાતિ-આધારિત સ્ટેમ્પ ડ્યૂટી દર છે. મતલબ કે કોઈ મહિલા પ્રોપર્ટી ખરીદે તો એણે 4 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે જ્યારે પુરુષ ગ્રાહકે 6 ટકા ચૂકવવી પડે છે. હરિયાણામાં, શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદનાર પુરુષે 8 ટકા જ્યારે મહિલાએ 6 ટકા ચૂકવવી પડે છે. ગ્રામિણ વિસ્તારોમાં બંને માટે આ દર અનુક્રમે 6 અને 4 ટકા છે.

અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયીઃ એકનું મોત, બે ઘાયલ

અમદાવાદઃ શહેરના કુબેરનગરમાં મોડી રાત્રે બે માળનું  જૂનું મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી.  આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર પિલર હટાવાને કારણે આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.  અમદાવાદના એ-વોર્ડ પાસે આવેલું મકાન જર્જરિત હાલતમાં હતું. જ્યારે બિલ્ડિંગ ધ્વસ્ત થયું ત્યારે આ બિલ્ડિંગમાં ત્રણ જણ હતા. આ મકાનના કાટમાળ નીચે બેથી ત્રણ લોકો દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મકાન પત્તાંના મહેલની માફક તૂટ્યું

આ મકાન રાત્રે ધડાકાભેર પત્તાંના મહેલની માફક તૂટી પડ્યું હતું. ફાયરબ્રિગ્રેડે મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ હતી. બુલડોઝર અને કટરની મદદથી મકાનના કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ ઇમારતના કાટમાળમાં સ્થાનિક લોકોએ બે જણને જીવતા બહાર કાઢીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ફાયર બ્રિગેડ દ્વારા સતત પાંચ કલાક કરતાં વધુ સમય સુધી બચાવ કામગીરી ચાલી હતી. આ મકાન ધરાશાયી થતાં આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.

મુંબઈ ગણેશોત્સવઃ ચાલીસંસ્કૃતિ દર્શાવતા સેટમાં ગણપતિબાપાની પધરામણી…

ગણપતિબાપા મોરયા… મુંબઈનો ગણેશોત્સવ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાની સાથે ગણપતિબાપાની મૂર્તિઓ અને મંડપના સાજ-શણગારમાં વિવિધતા માટે પણ પ્રખ્યાત છે. દર વર્ષે, દરેક સાર્વજનિક ગણેશ મંડળમાં કે રહેણાંક સોસાયટીઓના ગણપતિ ઉત્સવમાં કે વ્યક્તિગત ભક્તોને ત્યાં ભગવાન ગણપતિની મૂર્તિના કદ અને મંડપ-મંદિરના સેટમાં વિવિધ પ્રકારના થીમ-ડેકોરેશન જોવા મળે. આ માટે પ્રશંસા કરવી પડે કલાકારો અને કળાના પ્રેમીઓના દિમાગની. મુંબઈના પરેલ ઉપનગરમાં આવેલી એક રહેણાંક ચાલીના મકાનના બે યુવાનબંધુએ દર વર્ષની માફક આ વખતે પણ એમના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે. આ વખતે એમણે ડેકોરેશન માટે ચાલીના મકાનનો જ સેટ બનાવ્યો છે અને એમાં બાપાની ભવ્ય મૂર્તિને બેસાડી છે. ઉલ્લેખનીય છે કે જૂના મુંબઈની ઓળખ રહેવાસી ચાલવાળા મકાનો માટે જાણીતી છે. દસ બાય દસ ફૂટની અસંખ્ય ઓરડીઓવાળી ચાલી બે-ત્રણ માળના મકાન હોય જેમાં ગણપતિબાપાની મૂર્તિની સ્થાપના કરીને શ્રદ્ધાળુઓ ગણેશોત્સવ પૂરા ઉત્સાહથી ઉજવે. પરાગ સાવંત અને એમના ભાઈએ એમના ઘરમાં સ્થાપિત કરેલી ગણપતિબાપાની મૂર્તિ માટે ચાલીસંસ્કૃતિનો સેટ બનાવ્યો છે. પરાગ સાવંત પોતે એક આર્ટિસ્ટ છે અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટના વિદ્યાર્થી છે. એમણે જ આ ચાલસંસ્કૃતિ ડેકોરેશન તૈયાર કર્યું છે. જુઓ તો ખરા, બાપાનો કેવો ઠસ્સો છે… (તસવીરોઃ દીપક ધુરી)

નાદુરસ્ત તબિયતને કારણે એબેએ જાપાનના PMપદેથી રાજીનામું આપ્યું

ટોકિયોઃ જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ આજે જાહેરાત કરી છે કે પોતે નાદુરસ્ત તબિયતને કારણે એમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. એમની આ જાહેરાત સાથે વિશ્વના આ ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રવાળા દેશમાં નેતૃત્ત્વ મુદ્દે હરીફાઈ શરૂ થઈ ગઈ છે.

એબેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મેં વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. મને અલ્સરેટિવ કોલાઈટીસની તકલીફ ફરી ઊભી થઈ છે.

એબેએ એમ પણ કહ્યું કે પોતે હાલ આ તકલીફ માટે નવી સારવાર લઈ રહ્યા છે. ‘એ સારવાર મારે નિયમિત રીતે કરાવવી પડશે જેને કારણે મને વડા પ્રધાન તરીકે મારી ફરજ અદા કરવા માટે પૂરતો સમય નહીં મળે એટલે મેં રાજીનામું આપ્યું છે,’ એમ તેમણે કહ્યું.

એબેએ વધુમાં કહ્યું કે હું જનતાનો વિશ્વાસ જીતવા માટે ફરીથી ચૂંટણી લડવા સમર્થ નથી. એટલે મેં વડા પ્રધાન પદે ચાલુ ન રહેવાનો નિર્ણય લીધો છે.

એબેની શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અનુગામીની પસંદ કરે ત્યાં સુધી એબે વડા પ્રધાન પદે ચાલુ રહેશે.

અનુગામીની પસંદગી માટે શાસક પક્ષના સંસદસભ્યો તથા સભ્યો ચૂંટણીમાં મતદાન કરે એવી ધારણા છે.

એબેના અનુગામીની પસંદગી માટે હજી કોઈ સર્વસંમત્તિ સધાઈ નથી, પરંતુ નાણાં પ્રધાન તારો અસો અને ચીફ કેબિનેટ સેક્રેટરી યોશીહીદ સુગા સંભવિત ઉમેદવાર ગણાય છે.

2007માં, એબેએ એમની પહેલી મુદતમાં માત્ર એક જ વર્ષ શાસન કરીને વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. આ વખતે બીજી વાર રાજીનામું આપવા બદલ એમણે માફી માગી છે.

કોરોનાના 77,266 નવા કેસઃ કેન્દ્ર પર ટેસ્ટિંગ નહીં વધારવાનો આરોપ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 77,266 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં કોરોના કેસોની આ સૌથી મોટી સંખ્યા છે.  આ સાથે છેલ્લા 24 કલાકમાં 1057 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 33,87,500 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 61,529 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 25,83,948 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,42,023 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.29 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે. સક્રિય કેસનો દર પણ ઘટીને 22 ટકા થયો છે.   

દિલ્હીમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસોમાં વધારો

દિલ્હીમાં પાછલા બે દિવસથી કોરોના કેસોમાં વધારો થતાં કેજરીવાલ સરકારની ચિંતા ફરી એક વાર વધી ગઈ છે. સરકારે ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો છે, પણ કેન્દ્ર સરકાર પર ટેસ્ટિંગ અટકાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને ગૃહ સચિવ અજય ભલ્લાને પત્ર લખીને ટેસ્ટિંગ નહીં વધારવાને લઈને અધિકારીઓ પર દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીના અધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવામાં ના આવે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

પહેલી સપ્ટેમ્બરથી LPG, એરલાઇન્સ, મેટ્રોથી જોડાયેલા નિયમોમાં ફેરફાર

નવી દિલ્હીઃ એક સપ્ટેમ્બર, 2020થી સામાન્ય જનથી જોડાયેલા કેટલાય નિયમો બદલાઈ જશે, જેની સીધી અસર તમારા ખિસ્સાં પર પડશે. આટલું જ નહીં, તમારા કિચનના બજેટને પણ આ નિયમ અસર કરશે. એની તમારી દૈનિક જિંદગી પર સીધી અસર પડશે. પહેલી સપ્ટેમ્બરથી બદલાતા નિયમોમાં મુખ્યત્વે LPG સિલિન્ડરની કિંમતો, EMI, એરલાઇન સહિત કેટલીય ચીજવસ્તુઓ સામેલ છે.   LPGની કિંમતોમાં કાપની શક્યતા

પહેલી સપ્ટેમ્બરે પેટ્રોલિયમ કંપનીઓ LPG સિલેન્ડરની કિંમતોમાં સુધારો કરશે. સપ્ટેમ્બરમાં LPGની કિંમતોમાં કાપ મૂકવામાં આવે એવી શક્યતા છે.

મેટ્રો શરૂ થવાની સંભાવના

પહેલી સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેનો અનલોક-4માં ફરીથી શરૂ થવાની શક્યતા છે. દિલ્હી સરકારની સાથે વિપક્ષી પાર્ટી ભાજપે પણ કેન્દ્ર સરકારને મેટ્રો ચલાવવાની મંજૂરી આપવા માટે વિનંતી કરી છે. બીજી બાજુ DMRCએ બધી તૈયારીઓ પણ કરી લીધી છે.

સ્કૂલ-કોલેજ પર નિર્ણય

દેશભરમાં સ્કકૂલ-કોલેજ બંધ છે, જેથી સ્કૂલ-કોલેજો ખોલવા માટે નિર્ણય લેવાય એવી શક્યતા છે. અનલોકક-4માં કેન્દ્ર સરકાર સ્કૂલ-કોલેજોને ખોલવા માટે ગાઇડલાઇન્સ જારી કરે એવી સંભાવના છે. જોકે કેટલાંક રાજ્યોએ સ્કૂલ-કોલેજો આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય આપ્યો છે.

ઇન્ડિગો બજેટ એરલાઇન્સ શરૂ કરશે

બજેટ એરલાઇન્સ ઇન્ડિગોએ ફ્લાઇટસ તબક્કાવાર શરૂ કરવાની જાહેરાત કરી છે. પહેલી સપ્ટેમ્બરથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, કોલકાતા અને સુરત માટે ફ્લાઇટ્સ શરૂ થશે. ભોપાલ-લખનૌ રૂટ પર કંપની 180 બેઠકોવાળી એરબસ-320 ચલાવશે. આ ફ્લાઇટ્સ સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે સંચાલિત કરાશે.

વિમાનથી યાત્રા મોંઘી થશે

સિવિલ એવિયેશન મંત્રાલયે પહેલી સપ્ટેમ્બરથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેસેન્જરો પાસેથી ઉચ્ચ ઉડ્ડયન સુરક્ષા ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે. આવામાં પેસેન્જરો માટે હવાઇ યાત્રા કરવી ઘણી મોંઘી પડશે. ASF તરીકે સ્થાનિક પેસેન્જરો પાસેથી હવે 150 રૂપિયાને બદલે 160 રૂપિયા વસૂલવામાં આવશે, જ્યારે આંતરરાષ્ટ્રીય પેસેન્જરો પાસેથી 4.85 ડોલરને બદલે 5.2 ડોલર વસૂલવામાં આવશે.

 

 

 

Chitralekha Gujarati – September 07, 2020

PDF Version Password for PDF- cg07092020