નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 60,975 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 848 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 31,67,323 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 58,390 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 24,04,585 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,04,348 પહોંચી છે. રિકવરી રેટ વધીને 75.91એ પહોંચ્યો છે.
મેરઠની એક હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં હવન
મેરઠની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે એક નવો આઇડિયા અપનાવવામાં આવ્યો હતો. અહીં કોવિડ વોર્ડમાં ઔષધીય હવન કરવામાં આવ્યો હતો. શાંતિકુંજની ટીમ હોસ્પિટલના કોરોના વોર્ડમાં પહોંચી હતી અને PPE કિટ પહેરીને હવન કર્યો હતો. કોરોના નાશ માટે અહી મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ હવનમાં અનેક પ્રકારની આયુર્વેદિક ઓષધીઓનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હવનમાં જડીબુટ્ટીઓથી થતા ધુમાડાથી વાઇરસ નષ્ટ થાય છે.
3.68 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 24 ઓગસ્ટે દેશમાં 9,25,383 લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 24 ઓગસ્ટ સુધી કુલ 3.68,27,520 કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. પોઝિટિવિટી રેટ 6.58 ટકા થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ ચીની કંપનીઓ સામે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચીની કંપનીઓ દ્વારા નીલમ અને ઝેલમ નદી બનાવવા આવતા ડેમને લઈને સતત વિરોધ પ્રદર્શન જારી છે. ગઈ કાલે રાત્રે પણ મુઝફ્ફાબાદમાં દેખાવો થયા હતા. લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને અહીં દેખાવોમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શનોની સાથે સ્થાનિક લોકો દ્વારા અહીં ટોર્ચ રેલી પણ કાઢવામાં આવી હતી.
‘નીલમ-ઝેલમ વહેવા દો, અમને જીવતા રહેવા દો’
POKમાં લોકો રસ્તા પર ઊતરીને જુલૂસ કાઢ્યું અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ‘નીલમ-ઝેલમ વહેવા દો, અમને જીવતા રહેવા દો’ નો સૂત્રોચ્ચાર કર્યો હતો.
ડેમ બાંધવાથી લોકોને અનેક મુશ્કેલીઓ
પાકિસ્તાનમાં નીલમ-ઝેલમ નદી પર એક મોટો ડેમ બાંધવામાં આવી રહી છે. આ ડેમ બાંધવાની કામગીરી ચીની કંપનીઓ કરી રહી છે. આ ડેમને કારણે મુઝફ્ફરાબાદ અને એની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી વહેતી નદીઓ નીલમ અને ઝેલમ નદીઓ ગંદા નાળામાં ફેરવાઈ ગઈ છે. અહીંના લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું.
કુદરતી સંસાધનોને નષ્ટ
મુઝફ્ફરાબાદના લોકોએ પાકિસ્તાન સરકારની સામે આયોજિત વિરોધ-પ્રદર્શનમાં મશાલ રેલી કાઢી હતી. આ પહેલાં POKના એક સામાજિક કાર્યકર્તા ડો. અમજદ મિરઝાએ કહ્યું હતું કે પાકિસ્તાનની ઇમરાન સરકાર CPECની આડમાં કુદરતી સંસાધનોને નષ્ટ કરી રહી છે. મુઝફ્ફરાબાદના લોકોનું કહેવું છે કે આ ડેમ વિશે તેમને કોઈ માહિતી નથી. તેમને આ વિશે જણાવવામાં પણ નથી આવ્યું કે ના તો પૂછવામાં આવ્યું.
સમજૂતી પર હસ્તાક્ષર
હાલમાં ચીન અને પાકિસ્તાને POKમાં આઝાદ પટ્ટન અને કોહાલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણ માટે સમજૂતી હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ 700.7 મેગાવોટ વીજળીની આઝાદ પટ્ટન હાઇડલ પાવર પ્રોજેક્ટ પર છઠ્ઠી જુલાઈ, 2020એ હસ્તાક્ષર કર્યા હતા. આ 1.54 અબજ ડોલરનો પ્રોજેક્ટ ચીનની જિયોઝાબા ગ્રુપની કંપની દ્વારા પૂરો કરવામાં આવશે. કોહલા-હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ઝેલમ નદી પર બનાવવામાં આવશે.
અમદાવાદ: નવી દિલ્હી, 24, ઓગસ્ટ, 2020: સદીના અત્યાર સુધીના સૌથી ખરાબ રોગચાળાએ કે જેણે માનવતાને એક ઘા માર્યો છે, ભારતના બૌદ્ધિક દાર્શનિક અને શાંતિ કાર્યકર્તા ડો. ડાયસાકુ ઇકેદાએ વાર્ષિક સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રને શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો તથા તેમના વિચારોને રજૂ કરી વિશ્વને નવી દિશા તરફ દોરી જવા વિનંતી કરી છે.
સોકા ગાક્કાઈ ઇન્ટરનેશનલ (એસજીખાઈ)ના ભારતીય કાર્યાલય, ભારત સોકા ગાક્કાઇએ (બીએસજી) પ્રથમ શાંતિમંત્રણા વેબિનારનું આયોજન કર્યું હતું. આ વેબિનાર દરમ્યાન આઈકેડાએ જણાવ્યું હતું કે, “વહેંચાયેલા જીવનની જાગૃત શોધનો આધાર એ પ્રશંસામાં મળી રહ્યો છે કે જે લોકો ગંભીર જોખમોની છાયા હેઠળ જીવે છે, આપણે તેમના માટે જાણવું જરૂરી છે કે તે લોકો આપણાથી અલગ નથી.” શાંતિ સિમ્પોઝિયમના વક્તાઓએ કહ્યું કે આવી વૈશ્વિક એકતાની શરૂઆત મૂળ માનવ મૂલ્યોને ફરીથી જીવંત કરવાથી થવી જોઈએ.
શાંતિ પ્રસ્તાવમાં ઈકેડાએ કહ્યું છે કે વિશ્વને કુદરતી આફતો અને હવામાન પરિવર્તન જેવા મુદ્દાઓ માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવાની જરૂર છે. કુદરતી આફતો કે જે લોકોને તેમના લાંબા સમયથી ટેવાયેલા મકાનો છોડી દેવાની ફરજ પાડે છે, તે બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે “ભૂમિ સાથેની જોડાણનું નુકસાન અને દુઃખની લાગણી એ ભૂકંપ અને સુનામી જેવી મોટી આફતોનું એક અનિવાર્ય પાસું રહ્યું છે,” આ અચાનક આવેલી આફત, મિત્રો અને સ્વજનોને ખોવાનું દુઃખ અને વદનની આ પરાકાષ્ઠાને પહોંચી વળવા તેનાથી અસર પામેલા લોકોને પ્રતિસાદ આપવો સમગ્ર સમાજ માટે જરૂરી છે.
બનસ્થલી વિદ્યાપીઠના કુલપતિ, બ્લૂમિંગ્ટન, ઇન્ડિયાના યુનિવર્સિટીના ભૂતપૂર્વ રાજદૂત અને પ્રોફેસર, રાજેન્દ્ર અભ્યંકર, બીએસજીના અધ્યક્ષ વિશેષ ગુપ્તા, પદ્મવિભૂષણ ડો. રઘુનાથ માશેલકરે પણ સંબોધન કર્યું હતું.
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
કોઈ પણ વ્યક્તિ દિવ્યાંગ હોય તો એની શારીરિક ત્રુટિ કે ખોડખાંપણને લઈને ક્યારેય મજાક કે ટીકા કરવી નહીં. એનાથી આ વ્યક્તિને ખૂબ દુઃખ પહોંચે છે. પૂછવું જ હોય તો સહાનુભૂતિપૂર્વક સારી ભાષામાં એની આ શારીરિક ક્ષતિનું કારણ પૂછી શકાય.
આ કથા તો તમને યાદ જ હશે. રાવણે નંદીને કૂબડો કહીને મશ્કરી કરી હતી. નંદીએ શ્રાપ આપ્યો કે તારૂં મોત મારા જેવા કૂબડા પશુઓને કારણે થશે. વાંદરાં અને રીંછ રામના સૈનિકો બન્યાં. સેતુ બંધાયો. રાવણ હણાયો.
સાર એ જ કે, શારિરીક ખોડખાંપણ ધરાવતા લોકો સાથે પણ સહાનુભૂતિપૂર્વક વાત કરીને એમની આ ત્રુટી વિશે પૂછવું.
(જયનારાયણ વ્યાસ)
(જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવશે.)
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મહેસાણા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ તથા પાટણમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લીધે રાજ્યમાં નદીઓ અને ડેમો ઓવરફ્લો થયા છે. અનેક શહેરોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. અનેક ગામો સંપર્કવિહોણાં થયાં છે. ભારે વરસાદને લીધે અનેક શહેરો જળબંબોળ થયાં છે. ક્યાંક રસ્તાઓ ધોવાયા છે તો ક્યાંક કેનાલ તૂટવાને કારણે ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. પાછલા છ કલાકમાં સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 6.5 ઇંચ અને દ્વારકાના ભાણવડમાં 4.25 ઇંચ મિમી. જેટલો ભારે વરસાદ વરસ્યો છે. NDRF અને SDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
તમામ કલેક્ટરોને હાઇ એલર્ટ
રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ધરોઈ ડેમમાં વધતાં પાણીને પગલે અમદાવાદ કલેક્ટર કચેરીએ એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. જિલ્લાના તમામ મામલતદાર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને તકેદારીનાં પગલાં લેવા જાણ કરવામાં આવી છે.
કચ્છમાં 188 ટકા વરસાદ
કચ્છમાં આ વર્ષે ભારે વરસાદ વરસ્યો છે. ગઈ કાલ સુધી કચ્છમાં સીઝનનો 188 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં ત્રણ દરવાજા ખોલવમાં આવ્યા છે.. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતાં ડેમ નીચે આવતાં 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કચ્છમાં વરસાદથી ભુજ-માધાપર હાઇવે પર પાણી ભરાયા છે. પાણીને કારણે વાહનચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડી હતી.
કડીમાં જળબંબોળ
મહેસાણા શહેરમાં વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સરકારી કર્મચારીઓ માટેના આવાસમાં ઢીચણ સુધી પાણી ભરાયાં છે. મહેસાણાના કડીમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. કડી-થોળ રોડ પર આવેલા અંડરબ્રિજમાં છ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક ફસાઈ ગયા હતા.
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 35 ઇંચ વરસાદ
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધારે જોડિયામાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જામનગરમાં 5 ઇંચ, કાલાવડમાં 3 ઇંચ, ધ્રોલમાં 6 ઇંચ, લાલપુરમાં 3 ઇંચ, જામજોધપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના 24 જળાશયોમાંથી 16 ડેમ ઓવરફ્લો થયા છે.
પાટણમાં અનેક ગામો સંપર્કવિહોણાં
પાટણના સરસ્વતી તાલુકામાં 209 મિમી, રાધનપુરમાં 162 મિમી, હારીજમાં 156 મિમી, પાટણમાં 152 અને સિદ્ધપુરમાં 149 મિમી વરસાદ થયો છે. બનાસ નદીનો જળ સ્તર વધતાં પાટણના સાંતલપુરમાં આવેલાં અનેક ગામો સંપર્કવિહોણાં થયાં છે. ભારે વરસાદને લીધે અનેક સ્થળોએ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
વિરમગામમાં કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી
અમદાવાદ જિલ્લાના વિરમગામના રૂપાવટી અને અસલગામ પાસે કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે, જેથી ખેતરોમાં કરાયેલા વાવેતરને વ્યાપક નુકસાન થયું છે.
મોરબીના ટંકારામાં 10.8 ઇંચ વરસાદ
મોરબીમાં ભારે વરસાદ પડ્યો હતો. મોરબીના ટંકારમાં છેલ્લા 24 કલાકમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. હળવદમાં 3 ઇંચ, મોરબીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતાં મોરબી- કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. મોરબી APMCમાં પણ ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયાં છે. APMCના અનેક વેપારીઓની દુકાનમાં એકથી બે ફૂટ પાણી ભરાઈ ગયા છે.
ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું
સુરતમાં વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો થઈ ગયો હતો. એ સાથે જ ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જેથી સુરતમાં તાપી કિનારાના નીચાણવાળા વિસ્તારમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તાપી નદીમાં પાણીની આવક વધતા અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો છે.
ગોંડલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી
રાજકોટના ગોંડલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ગોંડલનુ અક્ષર મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયું છે.
હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ આગામી 48થી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગે અમદાવાદ અને ગાંઘીનગર સહિત ઉતર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરી છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનું રહ્યું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગષ્ટ પછી જોવા મળશે. રાજ્યમાં વરસેલા કુલ વરસાદની ટકાવારી 102 ટકા નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 18 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે અહીં સમાપ્ત થઈ. પક્ષનું નેતૃત્ત્વ બદલવું જોઈએ કે નહીં એ મુદ્દે સાત કલાક સુધી ચર્ચા બાદ સમિતિએ એવું ઠેરવ્યું કે સોનિયા ગાંધી જ હાલ પક્ષના વચગાળાના પ્રમુખપદે ચાલુ રહે અને નવા પ્રમુખની પસંદગી આવતા છ મહિનામાં કરવી.
CWC કોંગ્રેસ પાર્ટીની સર્વોચ્ચ નિર્ણાયક મંડળ છે. તેના સભ્યોએ આજે એ પણ નક્કી કર્યું કે સોનિયા ગાંધીને પક્ષની દૈનિક કામગીરી સંભાળવામાં મદદરૂપ થવા માટે એક સમિતિની રચના કરવી.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું સત્ર છ મહિનામાં બોલાવવું જેમાં આગળનો નિર્ણય લેવો એવું નક્કી કરવામાં આવ્યું છે.
સોનિયા ગાંધી પક્ષનું નેતૃત્ત્વ છોડી દેવા મક્કમ હતાં, પરંતુ આખરે તેઓ હોદ્દા પર ચાલુ રહેવા સંમત થયાં છે. મેરેથોન બેઠક બાદ એમણે કહ્યું કે કોંગ્રેસ એક પરિવાર છે અને હું કોઈની પણ વિરુદ્ધમાં નથી. પરંતુ, પક્ષના વરિષ્ઠ નેતાઓએ પક્ષના માત્ર આ મંડળમાં જ એમના સવાલો ઉઠાવવા જોઈએ.
પક્ષમાં નેતૃત્ત્વના મામલે કટોકટી આ મહિનાના આરંભમાં શરૂ થઈ હતી જ્યારે 23 નેતાઓએ એક સંયુક્ત પત્ર સોનિયા ગાંધીને લખ્યો હતો અને પક્ષમાં કેન્દ્રીય નેતૃત્ત્વ સહિત ધરખમપણે સુધારા-ફેરફારો કરવા જોઈએ એવી માગણી મૂકી હતી. પક્ષના ફૂલ-ટાઈમ પ્રમુખની વરણી થવી જોઈએ એવી તેમણે માગણી રજૂ કરી હતી.
આ પત્ર ઉપર ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીએ આ સવારે 11 વાગ્યે CWCની બેઠક બોલાવી હતી.
23 નેતાઓમાં ત્રણ મુખ્ય અસંતુષ્ટ નેતા છે – ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ અને મુકુલ વાસનિક. જોકે બેઠકમાં આઝાદ, વાસનિક અને આનંદ શર્માએ સોનિયા ગાંધીનાં નેતૃત્ત્વની પ્રશંસા કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત ઘણા નેતાઓએ સોનિયા ગાંધીને એમનાં પદ પર ચાલુ રહેવાની વિનંતી કરી હતી.
કહેવાય છે કે CWC બેઠકમાં પક્ષનાં ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પત્ર લખનાર નેતાઓની આકરી ઝાટકણી કાઢી હતી અને એવી શંકા વ્યક્ત કરી હતી કે પક્ષના નેતૃત્ત્વમાં ફેરફારની માગણીવાળો પત્ર ભાજપ સાથે સાંઠગાંઠમાં લખાયો છે. જોકે બાદમાં કોંગ્રેસ પાર્ટીએ જ આવા સમચારોને રદિયો આપ્યો હતો અને કહ્યું કે રાહુલ ગાંધી એવું કંઈ બોલ્યા નહોતા.
કપિલ સિબ્બલે પણ બાદમાં કહ્યું કે રાહુલ ગાંધીએ વાસ્તવમાં એમ કહ્યું હતું કે અમારામાંના કોઈને ભાજપ સાથે સાંઠગાંઠ નથી.
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન સ્વ. અરુણ જેટલીની આજે પહેલી પુણ્યતિથિ છે. ગયા વર્ષે 24 ઓગસ્ટે તેઓ આ ફાની દુનિયાને છોડી ગયા હતા. નાણાં મંત્રાલયે જેટલીની પહેલી પુણ્યતિથિ પર ટ્વીટ્સની એક શૃંખલા પોસ્ટ કરી હતી. અરુણ જેટલીનું દેશમાં અપ્રત્યક્ષ કર GST લાગુ કરવામાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે. GSTમાં 17 સ્થાનિક કરવેરા સામેલ છે, જેને 1 જુલાઈ, 2017એ લાગુ કરવામાં આવ્યા હતા. જેટલીએ 2014 પછી મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમ્યાન ફાઇનાન્સ પોર્ટફોલિયો સંભાળ્યો હતો.
GST હેઠળ ટેક્સ વસૂલાતમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કરદાતાનો બેઝ આશરે બે ગણો થઈને 1.24 કરોડ થઈ ગયો છે. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ GSTના એ દરોને ઓછા કરવામાં આવ્યા છે, જેના પર લોકોએ કરની ઓછી ચુકવણી કરવાની રહેશે. RNR (રેવન્યુ ન્યુટ્રલ રેટ) સમિતિ અનુસાર પહેલાં દેશમાં રેવન્યુ ન્યુટ્રલ રેટ 15.3 ટકા હતા, એની તુલનામાં રિઝર્વ બેન્કના અનુસાર વર્તમાનમાં વેટેડ GST રેટ માત્ર 11.6 ટકા છે.
હાઉસિંગ ક્ષેત્ર પર પાંચ ટકા સ્લેબમાં રાખવામાં આવ્યો છે. જ્યારે અફોર્ડેબલ હાઉસિંગ પર GST ઘટાડીને એક ટકા કરવામાં આવ્યો છે.
ટેક્સ પેયર્સનો બેઝ વધ્યો
નાણાં મંત્રાલયે કહ્યું હતું કે GST લાગુ થયા પછી ટેક્સપેયર્સનો બેઝ આશરે બે ગણો થઈ ગયો છે. જ્યારે GSTની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે કરદાતાઓની સંખ્યા લગભગ 65 લાખ હતી, હવે કરદાતાનો આધાર 1.24 કરોડથી વધુ છે. અત્યાર સુધી 50 કરોડ રિટર્ન ઓનલાઇન ભરવામાં આવ્યાં છે અને 131 કરોડ ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યાં છે.
230માંથી 200 ચીજવસ્તુઓ નીચલા સ્લેબમાં ટ્રાન્સફર
નાણાં મંત્રાલયનું કહેવું છે કે GST લાગુ થયા પછી મોટી સંખ્યામાં કરના દરોને નીચે લાવવામાં આવ્યા હતા. હવે 28 ટકાના દરો આશરે સંપૂર્ણ રીતે વ્યસનના ઉત્પાદનો અને લક્ઝરી ચીજવસ્તુઓ સુધી સીમિત છે. 28 ટકાના સ્લેબની કુલ 230 ચીજવસ્તુઓમાંથી આશરે 200 ચીજવસ્તુઓને નીચલા સ્લેબમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. દૈનિક ધોરણે કામ આવતી મોટા ભાગની ચીજવસ્તુઓ પર GST શૂન્ય અથવા પાંચ ટકા છે. હેર ઓઇલ, ટૂથપેસ્ટ અને સાબુ પર GST લાગુ થવા પહેલાં 29.3 ટકા હતો, જે હવે 18 ટકા છે.
ફ્રિજ, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનર, ફૂડ ગ્રાઇન્ડર્સ અને મિક્સર, વોટર હીટર, હેર ડ્રાયર અને 32 ઇંચ ટીવી વગેરે પહેલાં 31.3 ટકા હતી, હવે આ ચીજવસ્તુઓ 18 ટકાના GSTના સ્લેબમાં છે. ફિલ્મની ટિકિટ પર ટેક્સના દરો પહેલાં 35થી 110 ટકાની વચ્ચે હતી, જે હવે 12થી 18 ટકાના દરની વચ્ચે છે. રેસ્ટોરાં પર પાંચ ટકા GST લાગુ છે.
વાર્ષિક 40 લાખના ટર્નઓવર પર GSTમાંથી રાહત
નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 40 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને GSTમાંથી છૂટ મળશે, પ્રારંભમાં આ મર્યાદા 20 લાખ રૂપિયા હતી. આ સિવાય 1.5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા લોકો કોમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે અને માલસામાન પર માત્ર એક ટકો કર ચુકવણી કરી શકે છે.
કૃષિ ક્ષેત્રને પણ લાભ
કૃષિ ક્ષેત્રને GSTમાં પર્યાપ્ત રાહત આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રોનાં મશીનો પર કરના દરોને 15-18 ટકાથી ઘટાડીને 12 ટકા થઈ ગઈ છે. કેટલીક ચીજવસ્તુઓમાં આશરે આઠ ટકાથી ઘટાડીને પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.