Home Blog Page 4688

અમેરિકામાં લોકશાહી ખતરામાં છેઃ ઓબામાની ચેતવણી

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ચેતવણી આપી છે કે દેશની લોકશાહી ખતરામાં છે, કારણ કે પ્રમુખપદ માટે એમના અનુગામી બનેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે અનફિટ છે.

ઓબામાએ આ કમેન્ટ્સ એમની ડેમોક્રેટિક પાર્ટીના હાલ ચાલી રહેલા રાષ્ટ્રીય સંમેલનના ભાગરૂપે કરવામાં આવી છે. એમણે ગઈ કાલે ફિલાડેલ્ફિયામાં મ્યુઝિયમ ઓફ ધ અમેરિકન રીવોલ્યૂશનમાંથી વર્ચ્યુઅલ સંબોધનમાં ઉપર મુજબ કહ્યું હતું.

એમણે અમેરિકાના મતદારોને અપીલ કરી છે કે તેઓ દેશના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનને મત આપે, જે પોતાના શાસન વખતે ઉપપ્રમુખ હતા.

ઓબામાએ સંબોધનમાં મતદારોને કહ્યું કે હાલ આપણી લોકશાહી ખતરામાં છે. આ બાબતને હળવાશથી લેશો નહીં. લોકતાંત્રિક પ્રથાઓ ઉપર ટ્રમ્પ જે રીતે પ્રહારો કરી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે આખી લોકતાંત્રિક પદ્ધતિનો અંત આવી જશે. હાલના વહીવટીતંત્રે બતાવી આપ્યું છે કે જો તે ચૂંટણીમાં ફરીથી જીતશે તો આપણી લોકશાહીને છિન્નભિન્ન કરી નાખશે.

વિરોધીઓ સાથેના વર્તાવ અને પ્રચારમાધ્યમો પર પ્રહાર કરવા બદલ ઓબામાએ ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી. ‘મને એવી આશા હતી કે આપણા દેશને ખાતર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે પોતાની જવાબદારીને કદાચ ગંભીરતાથી લેશે, પણ એમણે એ કર્યું નથી. છેલ્લા ચાર વર્ષમાં એમણે એવું કોઈ કામ કરવામાં કોઈ રસ બતાવ્યો નથી.’

ઓબામાના પત્ની મિચેલ ઓબામાએ કહ્યું કે ટ્રમ્પ આપણા દેશના ખોટા પ્રમુખ છે.

પંડિત જસરાજને ‘ગાર્ડ ઓફ ઓનર’ સમ્માન…

પદ્મવિભૂષણ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના 20 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં વિલે પારલે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એ પૂર્વે અંધેરી (વેસ્ટ) સ્થિત એમના નિવાસસ્થાને અંતિમ યાત્રાના આરંભ પૂર્વે એમને ગાર્ડ ઓફ ઓનર સમ્માન આપવામાં આવ્યું હતું. એમના પાર્થિવ શરીર પર રાષ્ટ્રીય તિરંગો ઓઢાડવામાં આવ્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી)

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું રક્ષણ 272 CISF જવાનો કરશે

અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ સ્મારક-પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રક્ષણ માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સ (CISF)ના જવાનોને તૈનાત કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. આ જવાનોને તૈનાત કરવાનું કામ 25 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં 272 જવાનોને તૈનાત કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે CISFના ડાયરેક્ટર જનરલ રાજેશ રંજનને આ વિશે પત્ર મોકલી દીધો છે.

ઉલ્લેખનીય છે કે દેશના તમામ વિમાનીમથકો અને દિલ્હી મેટ્રો તેમજ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સંવેદનશીલ સરકારી ઈમારતોનું રક્ષણ CISF દ્વારા કરવામાં આવી રહ્યું છે.

એવું કહેવાય છે કે આવતી બીજી સપ્ટેંબરથી મુલાકાતીઓને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેવાની પરવાનગી ફરી આપવામાં આવશે. કોરોના વાઈરસના ફેલાવાને લીધે અમુક મહિનાથી આ સ્મારક ખાતે મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસ હવે સુશાંત મૃત્યુ કેસમાં તપાસ કરી નહીં શકે

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ પોતાને હસ્તક લીધી છે. આ કેસમાં હવે મુંબઈ પોલીસ વધારે કોઈ પ્રકારની તપાસ કરી નહીં શકે. એણે કેસને લગતા તમામ દસ્તાવેજો સીબીઆઈને સુપરત કરી દેવાના રહેશે.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુશાંત મૃત્યુ કેસ સીબીઆઈને સુપરત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને મુંબઈ પોલીસે આવકાર્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ પોલીસે સીબીઆઈના તપાસનીશ અમલદારોને કેસમાં મદદ કરવી પડશે, એ માટે તે બંધાયેલી છે. જોકે સીબીઆઈનું પોતાનું બહોળું નેટવર્ક છે અને એના અમલદારોની ટીમ મુંબઈમાં જ છે. તેઓ એમની પોતાની રીતે તપાસ કરશે અને મુંબઈ પોલીસ પાસેથી જરૂરી દસ્તાવેજો, માહિતી અને સુશાંતનો મોબાઈલ ફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની ચીજવસ્તુઓનો કબજો મેળવશે.

સીબીઆઈએ આજથી જ તેની તપાસનો આરંભ કરી દીધો છે.

સીબીઆઈની તપાસ ટીમ ચાર સભ્યોની છે જેમાં બે પુરુષ અને બે મહિલા છે – મનોજ શશીધર, અનિલ યાદવ, ગગનદીપ ગંભીર અને નુપૂર પ્રસાદ.

સુશાંતના મૃતદેહનું પોસ્ટ-મોર્ટમ કરનાર ડોક્ટરને પણ સીબીઆઈ અમલદારો મળશે અને વિલે પારલેની કૂપર હોસ્પિટલમાંથી રિપોર્ટ પણ મેળવશે.

આ કેસના સંબંધમાં કઈ કઈ વ્યક્તિઓની પૂછપરછ કરવી એની આ અમલદારો યાદી બનાવશે.

સ્વચ્છ સર્વેક્ષણ-2020ની જાહેરાતઃ ઈન્દોર સતત ચોથા વર્ષે પહેલા નંબરે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશના સ્વચ્છ શહેરો માટેના વાર્ષિક સ્વચ્છ સર્વેક્ષણની આજે જાહેરાત કરી છે. સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર પહેલા સ્થાને છે. એણે સતત ચોથા વર્ષે આ બિરુદ જાળવી રાખ્યું છે. ગુજરાતનું સુરત આ યાદીમાં બીજા નંબરે છે જ્યારે નવી મુંબઈ શહેરે સર્વેક્ષણમાં ત્રીજો નંબર હાંસલ કર્યો છે. આ વર્ષની યાદીમાં ટોચના 10 સ્વચ્છ શહેરોમાં ચાર શહેર ગુજરાતના છે. સુરત ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને વડોદરા.

શહેરો માટેના સ્વચ્છ સર્વેક્ષણ માટે સરકારે એક લાખ કરતાં વધારે વસ્તીની કેટેગરી નક્કી કરી છે.

આ વર્ષના સર્વેક્ષણની જાહેરાત કેન્દ્રના હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલયે કરી છે.

2016ની સાલમાં સર્વેક્ષણની પહેલી આવૃત્તિમાં કર્ણાટકનું મૈસુરુ શહેર પહેલા નંબરે આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સતત ત્રણ વર્ષ સુધી ઈન્દોર રહ્યું. આ વખતે પણ એણે પહેલું સ્થાન પોતાની પાસે જાળવી રાખ્યું છે.

એક લાખથી ઓછી વસ્તીવાળા શહેરોના સ્વચ્છ સર્વેક્ષણમાં મહારાષ્ટ્રના 3 શહેર છવાઈ ગયા છે – કરાડ, સાસવાડ અને લોનાવલા.

100 કરતાં વધારે શહેરી સ્વરાજ સંસ્થાઓ ધરાવતા રાજ્યોમાં સૌથી શ્રેષ્ઠ પરફોર્મન્સની કેટેગરીમાં પહેલું સ્થાન છત્તીસગઢે મેળવ્યું છે. 100થી ઓછી શહેરી સ્વરાજ સંસ્થાઓ ધરાવતા રાજ્યોની યાદીમાં પહેલું સ્થાન ઝારખંડે મેળવ્યું છે.

ભારતના સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટની કેટેગરીમાં પહેલો નંબર પંજાબના જલંધરે જીત્યો છે જ્યારે શ્રેષ્ઠ ગંગા નગરનો એવોર્ડ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરે જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંસદીય ક્ષેત્ર છે.

2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરોમાં સ્વચ્છતાના દેખાવ પર નિરીક્ષણ રાખવાના હેતુથી સ્વચ્છ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

આ વખતે આ સર્વે 4,242 શહેરોમાં, 62 કેન્ટોનમેન્ટ બોર્ડ અને 92 ગંગા નદી ધરાવતા શહેરો-નગરોમાં હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે 28 દિવસોમાં પૂરો કરવામાં આવ્યો હતો.

સુરત દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર

સ્વચ્છતા સર્વેક્ષણ-2020ની યાદીમાં ટોપ-10 શહેરોમાં ગુજરાતના 4 શહેરોએ સ્થાન જમાવ્યું છે, જે ગુજરાતવાસીઓ માટે ગૌરવની વાત કહેવાય.

આ ચાર શહેર છે – સુરત (બીજા નંબરે), અમદાવાદ (પાંચમા), રાજકોટ (છઠ્ઠા) અને વડોદરા (દસમા નંબરે).

ડાયમંડ સિટી સુરતની સિદ્ધિ બહુ મોટી એટલા માટે છે કે એણે અગાઉના 14મા સ્થાનેથી સીધી બીજા નંબરે છલાંગ મારી છે.

 

પંડિત જસરાજના અંતિમ દર્શન…

દંતકથા સમાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના અંતિમ દર્શનઃ પરિવારજનો, સગાંસંબંધીઓ, શુભેચ્છકોએ દિવંગતને 20 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં એમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. 90 વર્ષીય મહાન શાસ્ત્રીય ગાયક ‘પદ્મવિભૂષણ’ પંડિત જસરાજનું ગઈ 17 ઓગસ્ટે અમેરિકાના ન્યૂજર્સીસ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું હતું. (તસવીરોઃ દીપક ધુરી)

13 લાખ રેલવે કર્મચારીઓ માટે ‘વ્યાપક આરોગ્ય વીમા યોજના’

નવી દિલ્હીઃ ભારતીય રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે કે એ તેના 13 લાખ કર્મચારીઓની તબીબી સારવારનો વ્યાપ વધારવા વિચારી રહી છે. રેલવે તંત્ર પોતાના કર્મચારીઓ માટે એક સર્વાંગી આરોગ્ય વીમા યોજના લાવી રહ્યું છે.

આરોગ્ય વીમા યોજનાનો લાભ માત્ર રેલવેના કર્મચારીઓને જ નહીં, પરંતુ એમના પરિવારજનોને પણ મળશે.

હાલ રેલવે કર્મચારીઓ અને એમના પરિવારજનોને રેલવે કર્મચારી આરોગ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે જ છે, પણ હવે સારવારની વ્યાપક્તા વધારવા રેલવે તંત્ર વિચારી રહ્યું છે.

રેલવે તંત્ર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે, જે રેલવેના કર્મચારીઓને તબીબી કે અન્ય ઈમરજન્સી વખતે નાણાકીય સંકટ ઊભું થાય તો એની સામે એમને વીમા કવચ પૂરું પાડવા માટે સ્ટાફ માટેની ‘વ્યાપક આરોગ્ય વીમા યોજના’ને લગતી તમામ બાબતોનો અભ્યાસ કરશે.

ભારતીય રેલવેએ ઝોનલ રેલવેના તમામ જનરલ મેનેજરો તથા પ્રોડક્શન યુનિટ્સના વડાઓને એમના મંતવ્યો, સૂચનો આપવા જણાવવામાં આવ્યું છે.

ભારતીય રેલવેમાં 586 હેલ્થ યુનિટ્સ છે, 45 સબ-ડિવિઝનલ હોસ્પિટલો છે, 56 ડિવિઝનલ હોસ્પિટલો છે, આઠ પ્રોડક્શન યુનિટ્સ હોસ્પિટલો છે અને 16 ઝોનલ હોસ્પિટલો છે જે દેશભરમાં પ્રસરાયેલી છે. આ તમામ હોસ્પિટલોમાં 2,500 ડોક્ટરો અને 35,000 પેરામેડિકલ સ્ટાફ કામ કરે છે.

સુવિચાર – ૨૦ ઓગસ્ટ, ૨૦૨૦

સુવિચાર – ૨૦ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 20/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

૨૦ ઓગસ્ટ ૨૦૨૦

૨૦ ઓગસ્ટ ૨૦૨૦