
મશહૂર ઉર્દૂ શાયર રાહત ઇન્દોરીનું નિધનઃ કેટલાંક યાદગાર સંસ્મરણો
ઇન્દોરઃ જાણીતા ઉર્દૂ શાયર રાહત ઇન્દોરીનું નિધન થયું છે. તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હતા. કોવિડ-19ની પુષ્ટિ થયા પછી 70 વર્ષીય રાહત ઇન્દોરીને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઇન્દોરના કલેક્ટરે તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમનો ચાહકોની વચ્ચે રાહત સાહબના નામથી લોકપ્રિય રાહત ઇન્દોરીનું અચાનક ચાલ્યા જવું સાહિત્ય જગત ખાસ કરીને ઉર્દૂ શાયરીની દુનિયામાં મોટી ક્ષતિ છે.
તેમણે ખુદે કોરોના પોઝિટિવ હોવાની માહિતી ટ્વિટર દ્વારા આપી હતી. તેમણે કહ્યું હતું કે કોવિડ-19ના પ્રારંભનાં લક્ષણ જોવા મળતાં ગઈ કાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિંદો હોસ્પિટલમાં તેઓ એડમિટ હતા.
મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રાહત સાહબના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ પ્રદેશ અને દેશની ના પુરાય એવી ખોટ ગણાવી છે. તેમણે શોક સંદેશ ટ્વીટ કર્યો હતો.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે શાયર રાહત ઇન્દોરીના નિધનને સાહિત્ય જગતનું મોટું નુકસાન ગણાવ્યું હતું. તેમણે પણ પોતાનું દુઃખ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું છે.

રાહત સાહબ તો દુનિયાને અલવિદા કહી ગયા છે, પણ પાછળ અદબની વિરાસત છોડી ગયા છે, જે હંમેશાં નવી પેઢી માટે કોઈ ખજાનાથી ઓછી નથી.
મોટો શાયર એ છે, જે શેર શાયર તરીકે નહીં, પણ આશિક તરીકે કહે. જ્યારે લોકો રાહત ઇન્દોરી સાહબને સાંભળો કે વાંચો તો તેમનામાં એક શાયર નજરે ચઢે છે, જે પોતાના શેર આશિક તરીકે રજૂ કરે છે. તેઓ મીર અને ગાલિબના ખાનદાનના જરૂર છે, પણ રાહત સાહબની ઓળખ તેમની પોતાની છે, તેમણે તો ખુદ કહ્યું છે.
फिर वही मीर से अब तक के सदाओं का तिलिस्म
हैफ़ राहत कि तुझे कुछ तो नया लिखना था
આવો જાણીએ રાહત સાહબની જિંદગી વિશે કેટલીક વાતો…
1 જાન્યુઆરી, 1950એ રાહત સાહબનો જન્મ થયો હતો. તેઓ હિન્દુસ્તાનની જનતાના દુઃખદર્દને રજૂ કરતા શાયર થયા.
જ્યારે રાહત સાહબના વાલિદ રિફઅત ઉલ્લા 1942માં સોનકછ દેવાસ જિલ્લાથી ઇન્દોર આવ્યા ત્યારે વિચાર્યું નહોતું કે એક દિવસ રાહત આ શહેરની સૌથી મોટી ઓળખ બની જશે. રાહત સાહબનું નાનપણનું નામ કામિલ હતું. ત્યાર બાદ તેમનું નામ રાહત ઉલ્લા કરી દેવામાં આવ્યું હતું. રાહત સાહબના વાલિદની નોકરી જતાં હાલત ખરાબ થઈ જતાં તેમના પરિવારે બેઘર થવું પડ્યું. ત્યાર તેમણે કલમ પકડી અને એને શેરમાં રજૂ કરી હતી…
अभी तो कोई तरक़्की नहीं कर सके हम लोग
वही किराए का टूटा हुआ मकां है मिया

રાહત સાહબનો એક દિલચશ્પ કિસ્સો
દીપક રુહાનીના પુસ્તકમાં ‘मुझे सुनाते रहे लोग वाकया मेरा’માં એક દિલચશ્પ કિસ્સાનો ઉલ્લેખ છે. રાહત સાહબ નવમા ધોરણમાં હતા. ત્યારે તેમની સ્કૂલ નૂતન હાયર સેકન્ડરી સ્કૂલમાં એક મુશાયરો થવાનો હતો. તેમની ફરજ શાયરોની આવભગત કરવાની હતી. જાંનિસાર અખતર ત્યાં આવ્યા હતા. રાહત સાહબ તેમના ઓટોગ્રાફ લેવા પહોંચ્યા અને કહ્યું કે હું પણ શેર વાંચવા ઇચ્છું છું, એના માટે શું કરવું પડશે.
જાંનિસાર સાહબે કહ્યું કે પહેલા કમસે કમ 5000 શેર યાદ કરો.
રાહત સાહબ બોલ્યા આટલા તો મને હાલ યાદ છે.
જાંનિસાર સાહબે કહ્યું કે તો પછી આગલો શેર જે હશે, એ તમારો હશે.
ત્યાર બાદ જાંનિસાર અખતરે ઓટોગ્રાફ આપતાં પોતાના શેરનો મિસરો લખ્યો-
‘हमसे भागा न करो दूर गज़ालों की तरह’,
રાહત સાહબના મોંમાંથી બીજો મિસરા તરત નીકળ્યો
‘हमने चाहा है तुम्हें चाहने वालों की तरह..’
રાહત ઇન્દોરીની સૌથી મોટી વાત એ છે કે તેઓ સરકારના વિચારોને રજૂ કરતા હતા. શું ઇન્દોર અને શું લખનૌ, શું દિલ્હી કે શું લાહોર-દરેક જગ્યાના લોકોની વાત તેમની શાયરીમાં હતી. તેનું એક ઉદાહરણ એ છે કે વર્ષ 1986માં કરાંચીમાં તેમણે એક શેર વાંચ્યો હતો અને સતત પાંચ મિનિટ સુધી તાલીઓની ગુંજ રહી હતી. એ શેર તેમણે દિલ્હીમાં પણ વાંચ્યો હતો અને ઠીક એવું જ દ્રષ્ય ત્યાં પણ હતું.
अब के जो फैसला होगा वह यहीं पे होगा
हमसे अब दूसरी हिजरत नहीं होने वाली
તેમણે કહ્યું હતું કે શાયર કોઈ કોમનો નથી હોતો.
કેપ્ટન દિપક સાઠેનાં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમસંસ્કાર કરાયા
મુંબઈઃ કેરળના કોઝીકોડના એરપોર્ટ પર ગઈ 7 ઓગસ્ટે એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનને નડેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિમાનના પાઈલટ દિપક સાઠેના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રા શરૂ કરાઈ એ પહેલાં એમના પાર્થિવ શરીરને અંધેરી (પૂર્વ)ના ચાંદીવલી વિસ્તાર સ્થિત એમના નિવાસસ્થાનની હાઉસિંગ સોસાયટી ખાતે સુરક્ષા દળ દ્વારા ગન સેલ્યૂટ આપવામાં આવી હતી. દિપક સાઠેને રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો હતો.
વિક્રોલી ઉપનગરસ્થિત સ્મશાનભૂમિમાં દિપક સાઠેના પાર્થિવ શરીરને એમના મોટા પુત્ર શાંતનૂએ અગ્નિદાહ આપ્યો હતો.
કેપ્ટન દિપક સાઠે ભારતીય હવાઈ દળના સર્વોચ્ચ પુરસ્કાર Sword of Honour થી સમ્માનિત કરાયા હતા. એ વિન્ગ કમાન્ડર (સેવાનિવૃત્ત) હતા.
એર ઈન્ડિયા એક્સપ્રેસનું તે પેસેન્જર વિમાન 7 ઓગસ્ટે દુબઈથી આવ્યું હતું અને તે ગોઝારી સાંજે ભારે વરસાદના વાતાવરણમાં કોઝીકોડના ટેબલટોપ રનવે પર ઉતરાણ કર્યા બાદ રનવે પર ઓવરશૂટ થયું હતું અને 35 ફૂટ નીચે ખાઈમાં જઈ પડ્યું હતું. વિમાનના બે ટૂકડા થઈ ગયા હતા. કેપ્ટન દિપક સાઠે અને એમના સહ-પાઈલટ અખિલેશ કુમાર સહિત 18 પ્રવાસીઓનું એ દુર્ઘટનામાં કરૂણ મૃત્યું થયું હતું. વિમાનમાં કુલ 190 પ્રવાસીઓ હતા.
કેપ્ટન દિપક સાઠેના પિતા બ્રિગેડિયર વસંત સાઠે (નિવૃત્ત) છે અને એમના પત્ની સાથે નાગપુરમાં રહે છે. દિપક સાઠેનું પાર્થિવ શરીર નિવાસે લાવવા માટે પત્ની સુષમા સાઠે એમનાં એક પુત્રની સાથે કેરળ ગયા હતા.
દિપક સાઠેના પાર્થિવ શરીરને ગયા રવિવારે મુંબઈ લાવવામાં આવ્યું હતું અને આજે સવારે નિવાસસ્થાને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યું હતું. એ વખતે એમના માતા-પિતા, પત્ની, સંતાનો, સગાસંબંધીઓ, મિત્રો તથા સ્નેહીઓ ઉપસ્થિત હતાં. સદ્દગત દિપક સાઠેની અંતિમ યાત્રામાં અનેક લોકો સહભાગી થયા હતા. અંતિમયાત્રા શરૂ કરાઈ ત્યારે રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી, જેઓ ‘દિપક સાઠે અમર રહે’ નારા લગાવતા હતા.
ભારતીય હવાઈ દળ વતી પાર્થિવ શરીર પર પુષ્પચક્ર અર્પણ કરવામાં આવ્યું હતું. દિપક સાઠે એર ઈન્ડિયામાં જોડાયા એ પહેલાં હવાઈ દળમાં હતા.
(નિવાસસ્થાનની હાઉસિંગ સોસાયટી ખાતે સુરક્ષા દળ દ્વારા દિવંગત કેપ્ટન દિપક સાઠેને ‘ગન સેલ્યૂટ’ આપવામાં આવી તેનો તીર્થ પટેલે શૂટ કરેલો વિડિયો)
ભારતમાં વિવિધ એરલાઈન્સના 500થી વધારે પાઈલટ્સ, 1200થી વધારે કેબિન ક્રૂ તથા એવિએશન ક્ષેત્ર સાથે સંકળાયેલા બીજા સેંકડો લોકોએ આજે મુંબઈ વિમાનીમથકે કેપ્ટન દિપક સાઠેના પાર્થિવ શરીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
BSEએ આકોલાનાં બુલિયન ટ્રેડ એસોસિયેશન્સ સાથે MOU કર્યો
મુંબઈઃ BSEએ આકોલા સરાફા એસોસિયેશન અને આકોલા સરાફા વ સુવર્ણ યુવા સંઘ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિગ (MOU) કર્યો છે. આ બંને એસોસિયેશન્સ મહારાષ્ટ્રના આકોલા સ્થિત સોના-ચાંદી બજારનું પ્રતિનિધિત્વ કરે છે. આ MOUનો હેતુ જાણકારીના આદાનપ્રદાન, શિક્ષણ અને તાલીમ, સંયુક્ત કાર્યક્રમો યોજવાનો અને ઝવેરીઓના હિતમાં હોય એવા એકસમાન ક્ષેત્રોમાં ખેડાણ કરવાનો છે.
બીએસઈ બુલિયન-ટ્રેડર્સ અને જ્વેલર્સ માટે પ્રાઈસ રિસ્ક મેનેજમેન્ટ સંબંધિત જાગૃતિ ફેલાવવા સેમીનાર્સ યોજવા માગે છે. આમ કરીને ઝવેરીઓ વધુ સુગઠિત રીતે વેપાર કરી શકશે. ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેકટ્સ જેવાં સાધનો દ્વારા હેજિંગ કરી જોખમ ધટાડી શકાય છે એ અંગેની જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવશે.
આકોલા સરાફા એસોસિયેશન અને આકોલા સરાફા વ સુવર્ણકાર યુવા સંઘ સાથેના જોડાણથી યોગ્ય પ્રોડકટ્સ સર્જી શકાશે, બુલિયન ટ્રેડમાં જરૂરી પ્રગાઢ-સ્થાનિક નેટવર્ક સ્થાપી શકાશે અને સ્થાનિક બુલિયન ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પારદર્શિતા વધશે, એમ બીએસઈના ચીફ બિઝનેસ ઑફિસર સમીર પાટીલે કહ્યુ હતું.
દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટ્યા, રિકવરી રેટ વધ્યો છેઃ મોદી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મૃત્યુદરમાં ઘટાડો અને કોરોના વાઇરસના રિકવરી રેટમાં વધારો જણાવે છે કે ભારત રોગચાળા સામે યોગ્ય દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે એ પણ કહ્યું હતું કે દેશમાં દરેક રાજ્યની આ જીવલેણ બીમારીના પ્રસારને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા રહી.
વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે દરેક રાજ્ય કોવિડ-19 રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારો સામે લડાઈ લડી રહ્યું છે. દરેક રાજ્યની ભૂમિકા કોરોના વાઇરસના પ્રસારને નિયંત્રણમાં બહુ મહત્ત્વપૂર્ણ છે.
સરકાર દ્વારા લેવાયેલાં પગલાં યોગ્ય દિશામાં
તેમણે કહ્યું હતું કે સરેરાશ મૃત્યુદર સતત ઘટી રહ્યો છે, જ્યારે રિકવરી રેટ પ્રત્યેક દિવસે વધી રહ્યો છે. આનાથી માલૂમ પડે છે સરકાર દ્વારા લેવાયેલાં પગલાં યોગ્ય દિશામાં છે. વડા પ્રધાને કહ્યું હતું કે નિષ્ણાતો હવે કહી રહ્યા છે કે જો 72 કલાકની અંદર કોઈ પણ વ્યક્તિને વાઇરસનો ચેપ લાગ્યાનું નિદાન થઈ જશે તો પ્રસારને અટકાવવા માટે તમામ પગલાં લઈ શકાય છે. આના માટે મહત્ત્વનું છે કે બધા લોકો જે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે, તેમનું 72 કલાકની અંદર પરીક્ષણ કરવામાં આવવું જોઈએ.

અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવા માટે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનોની સાથે એક વિડિયો કોન્ફરન્સ કરી હતી.
રાજ્યોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ
મુખ્ય પ્રધાનોને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે આશરે 10 ટકા સક્રિય કેસો આ 10 રાજ્યોમાં છે. એટલા માટે કોરોના વાઇરસની સામેની લડાઈમાં આ રાજ્યોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે દેશમાં છ લાખ સક્રિય કેસોમાંથી આ 10 રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના કેટલાક જિલ્લાઓમા એક તબક્કો હતો, જ્યારે કોવિડ-19 એક ગંભીર સમસ્યા હતી. એક સમીક્ષા બેઠક અને એક સમિતિની રચના અમિત શાહની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને મોટા ભાગે અમે એ પરિણામ પ્રાપ્ત કરી શક્યા, જે અમે ઇચ્છયાં હતાં.
તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ માટેનાં ટેસ્ટિંગ પ્રતિ દિન સાત લાખે પહોંચ્યાં છે અને એ હજી વધી રહ્યાં છે. પ્રત્યેક દિવસે મોટી સંખ્યામાં ટેસ્ટિંગથી સંક્રમણને ઓળખવામાં અને રોકવામાં મદદ મળી રહી છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીનો અમારો અનુભવ એ છએ કે કન્ટેનમેન્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સ કોવિડ-19ની સામે સૌથી અસરકારક હથિયાર છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોવિડ-19ના સંક્રમિતોની સંખ્યા વધીને 22,68,676 થઈ ગઈ છે, જેમાં 6,39,929 સક્રિય કેસો છે, જ્યારે 15,83,490 લોકો આ બીમારીને માત આપવામાં સફળ થયા છે. જોકે અત્યાર સુધી આ રોગથી 45,254 લોકોનાં મૃત્યુ થયાં છે.
દુનિયાની પહેલી કોરોના-વિરોધી રસી રશિયાએ બનાવી
મોસ્કોઃ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ રોગચાળા સામે લોકોને રક્ષણ આપતી રસી તૈયાર કરવામાં હાલ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પ્રયત્નો ચાલુ છે ત્યારે આ સિદ્ધિ હાંસલ કરનાર રશિયા દુનિયાનો પહેલો દેશ બન્યો છે. પ્રમુખ વ્લાદિમીર પુતિને આજે આ વિશે જાહેરાત કરી છે. એમણે કહ્યું કે, મારી એક દીકરી ઉપર જ રસીની માનવ અજમાયશ કરવામાં આવી હતી.
પુતિને કહ્યું કે માનવ પરીક્ષણ કર્યાના બે મહિના કરતાંય ઓછા સમમયમાં કોવિડ-19 રસીને રેગ્યુલેટરી મંજૂરી આપનાર રશિયા દુનિયાનો પહેલો દેશ બન્યો છે. એમણે એમ પણ કહ્યું કે રશિયાના વૈજ્ઞાનિક કૌશલ્યનો આ એક પુરાવો છે.
આ સાથે હવે રશિયાની જનતામાં સામુહિક રસીકરણ કરવાનો માર્ગ મોકળો થયો છે. જોકે રસીની સલામતી અને અસરકારકતાની ચકાસણી કરવા માટેની તબીબી અજમાયશનો આખરી તબક્કો હજી ચાલુ છે.
આજે સરકારી ટેલિવિઝન પર એક સરકારી બેઠકમાં બોલતી વખતે પુતિને જણાવ્યું હતું કે મોસ્કોની ગેમેલિયા ઈન્સ્ટિટ્યૂટે આ રસી ડેવલપ કરી છે. એ સુરક્ષિત છે અને એમની એક પુત્રીના શરીરમાં એની અજમાયશ પણ કરવામાં આવી છે.
પુતિને કહ્યું કે આ રસી અસરકારક રીતે કામ કરે છે એ મેં જોયું છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હું ફરીથી કહું છું કે આ રસીએ તમામ આવશ્યક નિયંત્રણોને પાર કરી દીધા છે.
હવે અદાણી-અમદાવાદ મેરેથોનનું આયોજન વર્ચ્યુઅલ રીતે થશે
અમદાવાદઃ અદાણી અમદાવાદ મેરેથોન (AAM)ની ચોથી એડિશન એની નિર્ધારિત તારીખે 29 નવેમ્બર, 2020એ યોજાશે. જોકે હવે એ વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજવામાં આવશે. કોરોના રોગચાળાને લીધે ઊભી થયેલી અડચણોને કારણે #Run4OurSoldiers સ્પર્ધા એમાં સામેલ થનારા સ્પર્ધકોના GPS ટ્રેકિંગ દ્વારા રિમોટ રનિંગ વડે યોજવામાં આવશે. આ સ્પર્ધાના રજિસ્ટ્રેશનમાંથી પ્રાપ્ત થયેલી 100 ટકા રકમ ભારતીય સશસ્ત્ર દળોના કલ્યાણ માટે આપવામાં આવશે.
પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય એથ્લેટ અને કોચ નૂરી વિલિયમન રેસ ડિરેક્ટર
પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય એથ્લેટ અને કોચ નૂરી વિલિયમસન AAM-2000ના રેસ ડિરેક્ટર તરીકે નીમવામાં આવ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં 30,000 કરતાં વધુ સ્પર્ધકોને માર્ગદર્શન આપનારા ટોચના ચાર મેરેથોન એથ્લીટોમાં તેમનો સમાવેશ થાય છે. નૂરી વિલિયમસન કહે છે, રેસ એપ અને પોસ્ટ ઇવેન્ટ રિઝલ્ટ્સમાં એવાં અનેક ફીચર્સ છે, જે સ્પર્ધકોને વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમ્યાન પર્ફોર્મન્સ મોનિટર કરવાની તક આપશે.
પાંચ અને 10 કિલોમીટરની દોડ
સૌપ્રથમ વાર વર્ચ્યુઅલ અનુભવ બાબતે સ્પર્ધકોને AAM દ્વારા સપ્ટેમ્બર અને ઓક્ટોબરના અંતમાં બે વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરાશે અને સ્પર્ધકોને મેરેથોન ડેના અનુભવ માટેની તૈયારી કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
કોવિડ-19ના રોગચાળાને ધ્યાનમાં રાખતાં ખાસ કરીને મેદસ્વી, ડાયાબિટીસ અને હાયપર ટેન્શન ધરાવનારા લોકોને પાંચ અને 10 કિલોમીટરની ટ્રાયલ રન લઈને પસંદગી કરવામાં આવશે. તેમને રોગચાળા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.

આ સ્પર્ધા માટેનું રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટ,2020એ
આ સ્પર્ધા માટેનું રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટ, 2020એ ખૂલશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે લોકોએ આ સ્પર્ધાની વિગતવાર માહિતી www.ahmedabadmarathon.com પરથી તથા વિવિધ સોશિયલ મિડિયામાંથી મેળવી શકશે.

અદાણી અમદાવાદ મેરેથોનની છેલ્લી વર્ચ્યુઅલ સ્પર્ધાની રેસ કેટેગરી દર વર્ષે નવેમ્બરના છેલ્લા વીકએન્ડમાં જાહેર કરવામાં આવશે. જેને અગાઉની એડિશન્સની ફુલ મેરેથોન, પાંચ અને 10 કિલોમીટરની દોડ સાથે જોડવામાં આવશે.
કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન
આ સ્પર્ધામાં આયોજકો અને સ્પર્ધકોએ રાજ્ય સરકારે બહાર પાડેલી કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવશે. આ સ્પર્ધામાં સામેલ થનારા સ્પર્ધકને ટીશર્ટ અને સ્પર્ધા પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ આપવામાં આવશે. સશસ્ત્ર દળોમાંથી સામેલ થનારા જવાનો પાસેથી રજિસ્ટ્રેશનની ફી લેવાની નથી.

શારીરિક અને માનસિક આરોગ્યની વૃદ્ધિ માટે ઉત્તમ માર્ગ: અદાણી
દોડ એ આપણા શારીરિક અને માનસિક આરોગ્યની વૃદ્ધિ તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો ઉત્તમ માર્ગ છે. આથી અમે ટેક્નોલોજી આધારિત હરણફાળ ભરીને વર્ચ્યુઅલ સ્પેસના પ્લેટફાર્મ પર સ્પર્ધા યોજવાનું આયોજન કર્યું છે, એમ અદાણી ગ્રુપના એગ્રો ઓઇલ એન્ડ ગેસના MD પ્રણવ અદાણીએ કહ્યું હતું.
સતિષ શાહ કોરોના સામે વિજયી; ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કર્યો
મુંબઈઃ હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોના ચરિત્ર અભિનેતા સતિષ શાહ ગયા મહિને કોરોના વાઈરસ બીમારીનો શિકાર બન્યા હતા, પણ હવે પોતે સ્વસ્થ છે. આ જાણકારી એમણે પોતે જ આપી છે.
69 વર્ષીય શાહને ટાંકીને એક અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે સતિષ શાહને ગઈ 20 જુલાઈએ કોરોના થયાનું માલૂમ પડ્યા બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 28 જુલાઈએ એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને આજે 11 ઓગસ્ટે તેમણે પોતાના ક્વોરન્ટાઈ પીરિયડનો છેલ્લો દિવસ પૂરો કર્યો છે.
શાહે એમના અનવેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પરથી કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે હું હવે સંપૂર્ણપણે સ્વસ્થ છું. નિયમો અનુસાર મારે 11 ઓગસ્ટ સુધી સ્વયંને ક્વોરન્ટાઈન અવસ્થામાં રાખવાનો છે. મને થોડોક તાવ આવ્યો હતો, જેની મેં અમુક દવા લઈને દબાવી દેવાની કોશિશ કરી હતી. પરંતુ બાદમાં મને સલાહ આપવામાં આવી હતી કે મારે તબીબી ચકાસણી કરાવી લેવી જોઈએ. એ ટેસ્ટ કરાવ્યા બાદ મારો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. હું તરત જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.
શાહે પોતે જ કહ્યું છે કે તેઓ મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)ની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા.
શાહે કહ્યું છે કે હું તો દરેક જણને સલાહ આપું છું કે દરેક જણ પોતાનું સ્વાસ્થ્ય સતત ચેક કરતા રહે જેથી કોઈ પ્રકારે ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી ન થાય. એમાં ગભરાવા જેવું કંઈ જ નથી.

















