નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી કુલ કેસોની સંખ્યા 22 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 53,601 નવા કેસ સામે આવ્યા છે અને 871 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 22,68,676 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 45,217 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 15,83,489 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,39,929એ પહોંચી છે. રિકવરી રેટ 69.79 ટકાએ પહોંચ્યો છે.
અમેરિકા, બ્રાઝિલ કરતાં વધુ કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,000થી વધુ કેસ નોંધાયા છે. આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. અમેરિકા અને બ્રાઝિલમાં ક્રમશઃ 48,810 અને 21,888 કેસ નોંધાયા છે અને 537 અને 721 લોકોનાં મોત થયાં છે.
દેશમાં મૃત્યુદરમાં ઓર ઘટાડો
આરોગ્ય મંત્રાલય જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના આશરે 23 લાખ કેસો સામે આવી ચૂક્યા છે, જેમાં સક્રિય દર્દીઓની સંખ્યા 6.40 લાખની છે. આ આંકડા મુજબ મૃત્યુ દર ઘટીને 1.99 ટકા પર આવી ગયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે કોવિડ-19ના ટેસ્ટિંગની વાત આવે છે ત્યારે ભારત બીજા સ્થાને છે, અમેરિકા ટોચના ક્રમાંકે છે. તેમના જણાવ્યા અનુસાર ભારતમાં દોઢ અબજની વસતિ છે, જેમાંથી અત્યાર સુધી 1.10 કરોડ લોકોના કોવિડ-19ના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે, જ્યારે અમેરિકાએ 65 લાખ લોકોના પરીક્ષણ કર્યાં છે. કોઈ પણ દેશ આ સંખ્યાની નજીક નથી. અત્યાર સુધી અમેરિકામાં કોવિડ-19 સૌથી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે, એમ તેમણે કહ્યું હતું.
આ વર્ષના અંત સુધીમાં વેક્સિન તૈયાર
કોરોના વાઇરસની વેક્સિન વિશે વાત કરતાં ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ઘાતક વાઇરસ રોગચાળા માટેની વેક્સિન 2020ના અંત સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણી પાસે આ વર્ષના અંત સુધીમાં એક વેક્સિન હશે અને એને આપણે બધા દેશોમાં પહોંચાડી શકીશું, એમ તેમણે કહ્યું હતું. કોવિડ-19ના કેસોમાં 14 ટકાનો ઘટાડો
તેમણે એ પણ દાવો કર્યો હતો કે અમેરિકામાં પાછલા સાત દિવસોમાં કોવિડ-19ના કેસોમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશભરમાં અમે પાછલા સાત દિવસોમાં ઉત્સાહજનક સંકેતો મળી રહ્યા છે, કેમ કે સાત દિવસથી કેસો સતત ઘટી રહ્યા છે. હોસ્પિટલોમાં કેસોમાં સાત ટકા ઘટાડો થયો છે. તેમણે એ પણ કહ્યું હતું કે મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. મૃત્યુદરમાં નવ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે 70 ટકા વિસ્તારોમાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો થયો છે, જે પાછલા સોમવારે 36 ટકા હતો, એમ તેમણે કહ્યું હતું.
ચીનને ફરી આડે હાથ લીધું
અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી એક વાર કહ્યું હતું કે અમેરિકાના લોકો ચીનથી પરેશાન છે. તેમણે કહ્યું હતું કે જો આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પુનઃ સત્તા પર આવશે તો ઇરાન સાથે અમેરિકા એક નવો સોદો કરશે. અમેરિકામાં 47 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને મૃતકોનો આંકડો પણ 1.5 લાખને પાર કરી ચૂક્યો છે.
તહેરાનઃ ઇરાનના પ્રમુખ હસન રુહાનીએ ભવિષ્યવાણી કરી છે કે દેશમાં કોવિડ-19 રોગચાળો આગામી છ મહિના સુધી રહેશે. વર્તમાનમાં મધ્ય-પૂર્વનો આ દેશ કોરોનાનો સૌથી પ્રતિકૂળ પ્રકોપ સહન કરી રહ્યો છે. અત્યાર સુધી ઇરાનમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 3,26,712 અને મોતની સંખ્યા 18,627 હતી. અહીં અત્યાર સુધી કુલ 2,84,371 દર્દીઓ ઠીક થયા છે અને 4022ની હાલત ગંભીર છે.
વેક્સિન હજી સુધી નથીતેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આપણને કોરોના વાઇરસ સામે અસરકારક વેક્સિન નથી મળતી અને એ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નથી થતી ત્યાં સુધી આપણે આવી સ્થિતિનો સામનો કરવો પડશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે એ સંભવ જ નથી કે ત્યાં સુધી આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કામગીરીને સંપૂર્ણ રીતે રદ કરી શકાય. તેમણે જનતાથી સામાજિક સુરક્ષા પ્રક્રિયાઓનું સન્માન કરવા માટે કહ્યું હતું. તેમણે આગામી સપ્તાહ માપદંડોનું ઉલ્લંઘન કરવાવાળાની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઘોષણા કરી હતી.
ગઈ 31 જુલાઈએ ભારતીય સિનેમાએ એક એવાં સિતારાને કાયમને માટે ખોઈ દીધાં હતાં જેમને પ્રસિદ્ધિ ઓછી મળી હતી, પણ પોતાની અદ્દભુત કામગીરી દ્વારા એ બે-ચાર નહીં, પણ 400 જેટલી ફિલ્મોને શોભાવી ગયાં છે અને અભિનેત્રીઓને રૂપેરી પડદા પર ચમકાવી ગયાં છે. એ હતાં લીનાબેન દરૂ. 81 વર્ષની વયે લીનાબેને મુંબઈમાં આખરી શ્વાસ લીધો હતો. એ લાંબા સમયથી બીમાર હતાં. લીનાબેન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઈનર હતાં. એમણે ‘ગાંધી’ ફિલ્મનાં ઓસ્કરવિજેતા કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયા સાથે કામ કર્યું હતું.
ફિલ્મ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે લીનાબેનની કારકિર્દી લગભગ 40 વર્ષ સુધીની રહી
‘આયે દિન બહાર કે’માં આશા પારેખ, ‘ઉમરાવ જાન’માં રેખા, ‘ચાંદની’માં શ્રીદેવી જેવી અનેક ટોચની અભિનેત્રીઓનાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કરનાર લીનાબેન બોલીવૂડ તથા નાટ્યજગતના કલાનિર્દેશક પરેશ દરૂ (છેલપરેશ)ના પત્ની હતાં. તેઓ ગુજરાતી રંગભૂમિ સાથે પણ સંકળાયેલા રહ્યાં હતાં.
આશા પારેખની ફિલ્મ ‘આયે દિન બહાર કે’થી લીનાબેન દરૂએ એમની કારકીર્દીની શરૂઆત કરી હતી
લીનાબેને મુંબઈમાં જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ફાઈન આર્ટ્સ શાખામાં પાસ થઈને ફિલ્મ લાઈનમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં એ આશા પારેખ સાથે અનેક નૃત્યનાટિકામાં સામેલ હતાં અને પછી આશા પારેખની જ ફિલ્મ ‘આયે દિન બહાર કે’થી એમણે કારકીર્દીની શરૂઆત કરી હતી. એ વખતે તેઓ પરણ્યાં નહોતાં અને લીના શાહ હતાં. ‘ચૌલદેવી’ નૃત્યનાટિકામાં લીનાબેને મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી.
લીનાબેન દરૂએ 1968થી 2000 વર્ષ સુધીની લાંબી ઝળહળતી કારકિર્દીમાં હેમામાલીની, માધુરી દીક્ષિત, ઝીનત અમાન, પરવીન બાબી, મૌસમી ચેટરજી, નીતુ સિંહ, કરિશ્મા કપૂર સહિત અનેક અભિનેત્રીઓનાં ડ્રેસ-ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું.
રેખાનો ‘ઉમરાવ જાન’ લુકઃ લીનાબેન દરૂની કમાલ
ઉત્સવ, ઉમરાવ જાન, ચાંદની, તેઝાબ જેવી અનેક ફિલ્મોનાં કોસ્ચ્યુમ્સ માટે આજે પણ લીનાબેનને યાદ કરાય છે. ‘લમ્હે’ ફિલ્મ માટે તો એમને 1991માં કોસ્ચ્યુમ ડિઝાઈનિંગ માટેનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. એમાં તેમણે શ્રીદેવી માટે તૈયાર કરેલા ચૂડીદાર હિટ થઈ ગયા હતા.
‘ચાંદની’ ફિલ્મમાં સંગીત સંધ્યાના ગીતમાં શ્રીદેવીની ગુલાબી રંગની સાડી અને સ્ટાઈલિશ-ગોલ્ડન એક્સેસરીઝ, રંગબેરંગી તથા અઢળક બંગડીઓ, ત્યારબાદ ઓલ-વ્હાઈટ લુકમાં શ્રીદેવીએ કરેલો તાંડવ-અપ્સરા ડાન્સ દર્શકોને મોહિત કરી ગયો હતો.
શ્રીદેવીનો અપ્સરા શણગાર
લીનાબેને જે અન્ય જાણીતી ફિલ્મોમાં કલાકારોનાં ડ્રેસ ડિઝાઈન કર્યાં હતાં એમાં પ્રેમગ્રંથ, યારાના, દીવાના, થાનેદાર, ક્રોધ, તેઝાબ, ચાંદની, નિગાહેં (નગીના ભાગ-2), એક ચાદર મૈલી સી, હમારી બહુ અલકા, કાલિયા, ધનવાન, સાજન કી સહેલી, મિસ્ટર નટવરલાલ, ગોલમાલ, ઈન્કાર વગેરેનો પણ સમાવેશ થાય છે.
લીનાબેન દરૂએ ઘણા ગુજરાતી નાટકોમાં પણ ડ્રેસ-ડિઝાઈનિંગની પ્રશંસનીય કામગીરી સંભાળી હતી. એમનામાં ચિત્રકામની પણ કળા હતી અને સાથોસાથ સારૂં નૃત્ય પણ કરી જાણતા હતા. કથ્થક જેવી નૃત્યકલાના ડ્રેસિંગ સાથે તેનાં આભુષણો બાબતે પણ તેઓ નિષ્ણાત ગણાતાં હતાં.
યુગના બદલાવ સાથે ટીવી સિરિયલના યુગમાં પણ ઘણી સિરિયલોમાં પણ લીનાબેને કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામગીરી બજાવી હતી. કલા પ્રત્યે ઊંડી સૂઝ, રૂચિ અને કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમનાં કાર્યોની સરાહના થતી હતી. નિષ્ઠા અને કામની ચીવટને કારણે જ નાટકો હિટ થયા હતા. એવું એક નાટક હતું ‘ચિત્કાર’.
‘ચિત્કાર’ નાટક અને એના પરથી બનેલી હિન્દી ફિલ્મ ‘પ્રતિઘાત’નાં અભિનેત્રી સુજાતા મહેતાએ કહ્યું છે, ‘મારાં વ્યક્તિત્વનો એક ભાગ એટલે લિના દરૂ. મારી ફિલ્મ ‘ચિત્કાર’માં પણ એમણે મારી સાથે કામ કર્યું હતું. આજે મારી જે કાંઈ પ્રગતિ છે તે લીનાબેનને આભારી છે.’
આ છે, લીનાબેન દરૂએ દોરેલો ઉમરાવ જાનનાં કોસ્ચ્યુમનો સ્કેચ.
લીનાબેનને જ્યારે રેખાએ પોતાનાં ઓટોગ્રાફ આપ્યાં હતાં
લીનાબેને અનેક ટોચના દિગ્દર્શકોની ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઈનિંગનું કામ સંભાળ્યું હતું. યશ ચોપરા સાથે એમણે ‘સિલસિલા’, ‘ચાંદની’ અને ‘લમ્હે’માં, મનમોહન દેસાઈ સાથે ‘અમર અકબર એન્થની’માં, રાજ ખોસલા સાથે ‘દો બદન’, રવિ ટંડન સાથે ‘ખેલ ખેલ મેં’ અને ‘ખુદ્દાર’, હૃષિકેશ મુખરજી સાથે ‘ખૂબસૂરત’ (1980), એન. ચંદ્રા સાથે ‘તેઝાબ’ ફિલ્મો માટે કામ કર્યું હતું. ઓછા ખર્ચમાં છતાં સુંદર ડ્રેસીસ તૈયાર કરી આપવા બદલ લીનાબેન નિર્માતાઓ પાસેથી કામ મેળવી શકતાં હતાં.
લીનાબેને યશ ચોપરાનાં બહેન હિરુનાં લગ્ન વખતે હિરુનો વેડિંગ ડ્રેસ ડિઝાઈન કર્યો હતો. હિરુનાં લગ્ન જાણીતા નિર્માતા યશ જોહર સાથે થયા હતા.
રંગભૂમિ તથા ફિલ્મ-ટીવીસિરિયલનાં જાજરમાન અભિનેત્રી રાગિણીને પણ લીનાબહેન દરૂ સાથે બહુ જૂના અને હેતાળ સંબંધ હતા. બન્ને અવારનવાર મળતાં ને પુરાણી યાદ વાગોળતાં. લીનાબહેને નાટક તેમ જ ફિલ્મોમાં રાગિણીબહેનની વસ્ત્રસજ્જા સંવારેલી. ‘ચિત્રલેખા’ સાથેની વાતચીતમાં એ કહે છેઃ “1970ના દાયકામાં લીનાબહેને અમારા નાટક ‘હીમઅંગારા’ માટે વસ્ત્રસજ્જા (કૉસ્ચ્યૂમ્સ) સંભાળેલી. વજુ કોટક-હરકિસન મહેતા લિખિત ‘ડૉ. રોશનલાલ’ નવલકથા (જે ‘ચિત્રલેખા’માં હપ્તાવાર પ્રકાશિત થયેલી) પરથી હરિન મહેતાએ એનું નાટ્યાંતર કરેલું. એમાં કશ્મીરી કન્યાનું હું પાત્ર ભજવું, જેના પોશાક લીનાબહેને તૈયાર કરેલા…”
ગુજરાતી રંગભૂમિના ઉત્કૃષ્ટ અભિનેતા-દિગ્દર્શક શૈલેશ દવે દિગ્દર્શિત ‘હીમ અંગારા’માં રાગિણીબહેન ઉપરાંત દીપક ઘીવાલા, કૃષ્ણકાંત (કેકે), રાજીવ, ઝંખના દેસાઈ, કુમુદ બોલે, જેવા ધરખમ કલાકારો હતા. એમની વસ્ત્રસજ્જા લીનાબહેને સંભાળેલી.
આ નાટક બાદ આવી ફિલ્મ ‘ડાકુરાણી ગંગા.’ એ પણ હરકિસન મહેતાની ‘ચિત્રલેખા’માં પ્રકાશિત ધારાવાહિક નવલકથા ‘પ્રવાહ પલટાયો’ પર આધારિત હતી. રાગિણીબહેન કહે છેઃ “આ ફિલ્મ માટે લીનાબહેને મારા તથા ફિલ્મના અન્ય કલાકારોના પોશાક તૈયાર કરેલા. પોશાક ઉપરાંત મારા બે ગેટઅપ કેવા દેખાશે એની પણ એમણે આબાદ કલ્પના કરેલી. એ બે ગેટઅપ એટલે ડાકુ બન્યા પહેલાંની શહેરની એક સીધીસાદી છોકરી તથા ત્યાર બાદ કોઈનીયે શેહશરમ ન રાખતી, માથાફરેલ ડાકુરાણી…”
રાગિણીબહેન ઉમેરે છે કે “આજે અવારનવાર લૂક્સ શબ્દ આપણે સાંભળીએ છીએ, પણ લીનાબહેને આજથી ચાલીસ વર્ષ પહેલાં મને બે અલગ અલગ લૂક્સ વિશે વિસ્તારપૂર્વક સમજાવેલું. ડાકુરાણી માટે એમણે મને પૅન્ટ-શર્ટ તથા કથ્થઈ કલરના, લગભગ ઘૂંટણ સુધી પહોંચે એવા, ઊંચી એડીવાળા સ્ટડેડ શૂઝ આપેલા. મેકઅપ પણ જરા જુદો. એ લીનાબહેનની ખૂબી હતી કે મારી સાથે અન્ય સાથીદારો (ડાકુ) હોવા છતાં હું એ બધામાં અલગ તરી આવતી. મને આજેય યાદ છે, ગ્રીન કલરનું મારું શર્ટ એમણે એવી ટેક્નિકથી બનાવેલું કે એક વાર પૅન્ટમાં ખોસ્યા પછી હું અશ્વ પલાણું કે પહાડ ચડું, શર્ટ એમ ને એમ રહે- બહાર ન નીકળે.”
પછી તો રાગિણીબહેન-દીપક ઘીવાલાએ પોતાનું એક નાટક નિર્માણ કર્યુઃ ‘હેલ્લો પાર્ટનર.’ આ નાટક માટે પણ લીનાબહેને તમામ કલાકારના પોશાક તૈયાર કરેલા.
રાગિણીબહેન કહે છે કે, લીનાબેને ફક્ત મારા માટે જ કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા હતા, કમનસીબે ફિલ્મ ‘જવાબદાર’ રિલીઝ થઈ શકી નહોતી.
રાગિણીબહેને વધુમાં કહ્યું કે, “લીનાબહેન તથા પરેશભાઈ સાથે અમારે આત્મીય ને અંગત કહેવાય એવા સંબંધ હતા. થોડા જ સમય પહેલાં પરેશભાઈ હૉસ્પિટલમાં હતા ત્યારે અમે મળેલા. જેટલાં સારાં એ કૉસ્ચ્યૂમ ડિઝાઈનર હતાં એટલું જ સારું એમનું વ્યક્તિત્વ હતું. અમારી એમને આદરાંજલિ.”
મુંબઃ નવી ટેક્નોલોજી અને પ્રોડક્ટસ સતત લોન્ચ કરવામાં અગ્રેસર બીએસઈના સ્ટાર MF પ્લેટફોર્મે કંપનીઓ સીધું મૂડીરોકાણ કરી શકે એ માટેનું પોર્ટલ કોર્પ ડાયરેક્ટ લોન્ચ કર્યું છે. આ પોર્ટલથી AMCs, ડિસ્ટ્રબ્યુટર્સ, ઈન્વેસ્ટર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સહભાગીઓને સંપૂર્ણ વેલ્યુ બેઝ્ડ સર્વિસીસ પૂરી પાડવાની સવલતવધુ સરળ બનશે.
સ્ટાર MF કોર્પ ડાયરેક્ટ અત્યારે કંપનીઓ માટે લાઈવ છે. ટૂંક સમયમાં તે અન્ય બિનઅંગત સંસ્થાઓ (HUFs, પાર્ટનરશિપ ફર્મ્સ, સોસાયટીઝ વગેરે) માટે ઉપલબ્ધ બનશે.
સ્ટાર એમએફ કોર્પ ડાયરેક્ટની વિશેષતાઓમાં પ્રારંભથી અંત સુધી ડિજિટલ વેબ મોડ્યુલ, કોર્પોરેટ પેરેન્ટ ચાઈલ્ડ એન્ટિટી કોન્સેપ્ટ, બધી AMCs અને તેમની સ્કીમ્સ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ, એસએમએસ અને ઈમેઈલ દ્વારા મંજૂરી અને એક જ ક્લિક દ્વારા બહુવિધ ટ્રાન્ઝેકશન્સનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે બિઝનેસ હેડ-મ્યુચ્યુઅલ ફંડ, બીએસઈ ગણેશ રામે કહ્યુ કે બજાર નિયામકે આ વર્ષના પ્રારંભે એક્સચેન્જીસને એની મંજૂરી આપી હતી કે તેઓ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ્સમાંના સીધા રોકાણને પ્રોસેસ કરી શકે. બીએસઈએ આ તક ઝડપીને સ્ટાર MF કોર્પ ડાયરેક્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે જે કંપનીઓના વર્તમાન રોકાણ અનુભવને વધુ બહેતર બનાવશે.
નવી દિલ્હીઃ LAC પર ટેન્શનની વચ્ચે BCCIએ ચીનને મોટો આર્થિક ફટકો આપ્યો છે. ક્રિકેટ પ્રશંસકોની ટીકાને જોતાં BCCIએ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની 13મી સીઝનમાં વિવોની સ્પોન્સરશિપને રદ કરી દીધી છે. હવે આવામાં IPLની સ્પોન્સરશિપ મેળવવા માટે અમુસ ટોચની કંપનીઓ રેસમાં ઉતરી છે. આમાં યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપની પણ સામેલ થઈ છે. જોકે હજી BCCI તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું.
IPLથી પતંજલિને વધુ લાભ
પતંજલિના પ્રવક્તા એ.કે. તિજારાવાલાએ એક વાતચીત દરમ્યાન આ વાતની પુષ્ટિ કરી હતી. તિજારાવાલાએ કહ્યું હતું કે અમે આ વર્ષે IPLની ટાઇટલ સ્પોન્સરશિપ વિશે વિચારી રહ્યા છે, કેમ કે અમે પતંજલિ બ્રાન્ડને એક વૈશ્વિક મંચ પર લઈ જવા ઇચ્છીએ છીએ. BCCIને એના માટે એક પ્રસ્તાવ મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ. બ્રાન્ડ વ્યૂહરચનાકાર હરીશ બિજૂરે કહ્યું હતું કે IPLના નાના આયોજક હોવાથી IPLથી પતંજલિને વધુ લાભ થશે.
ચીનવિરોધી લહેર
રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી એ પણ તેમના માટે ઉપયોગી હશે, કેમ કે ભારતમાં આ સમયે ચીનવિરોધી લહર ચાલી રહી છે. IPL 2020 સીઝન માટે BCCI નવા ટાઇટલ સ્પોન્સરની શોધમાં આજે ટેન્ડર જારી કરી શકે છે. વિવોના ખસી ગયા પછી IPLની ટાઇટલ સ્પોન્સરશિપ માટે જિયો, એમેઝોન, ટાટા ગ્રુપ, ડ્રીમ 11 અને બાયજ્યુસ જેવી કંપનીઓને રસ બતાવી ચૂકી છે. BCCI IPL-13ના આયોજક માટે સંપૂર્ણ પારદર્શિતા અને પ્રક્રિયાનું પાલન કરશે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ વિવોની જગ્યાએ ટાઇટલ સ્પોન્સરશિપ હાંસલ કરવા માટે વિવોની રકમ 440 કરોડ રૂપિયાની રકમ લગાવવાની રહેશે. કોઈ પણ કંપનીને ટાઇટલની સ્પોન્સરશિપ મળે- એ દરેક માટે સારી સ્થિતિ છે. વિવોએ 2018થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયામાં (પ્રત્યેક વર્ષે 440 કરોડ રૂપિયા) IPL ટાઇટલ સ્પોન્સરશિપના અધિકાર હાંસલ કર્યા હતા. આગામી વર્ષે વિવો મુખ્ય આયોજકના રૂપે પરત ફરી શકે છે.
ચાઇનીઝ પ્રોડક્ટ્સનો આકરો વિરોધ
ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સનો આકરો વિરોધ થઈ રહ્યો છે. વિવો એક ચીની ફોનઉત્પાદક કંપની છે. ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકોની વચ્ચે ટક્કર પછી દેશમાં ચીનવિરોધી ભાવનાને કારણે BCCIએ આ નિર્ણય કરવો પડ્યો હતો. IPL આવતી 19 સપ્ટેમ્બરથી યુએઈમાં રમાશે. સ્પર્ધા 53 દિવસો સુધી ચાલશે. ફાઇનલ 10 નવેમ્બરે રમાશે, જેનાથી આયોજકોને દિવાળીના સપ્તાહનો લાભ મળશે. આ વખતે IPL 10 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) મુકાબલા રમાડવામાં આવશે.
ગાંગુલીએ કહ્યું હતું કે વિવોના જવાથી નાણાકીય સંકટ તરીકે ના જોવું જોઈએ. ગાંગુલીએ કહ્યું હતું કે હું એને નાણાકીય સંકટ નહીં કહું. એ નાનકડો ઝટકો છે. ગાંગુલીએ કહ્યું હતું કે તમારી લાંબા સમયની તૈયારી તમને નુકસાની માટે તૈયાર કરે છે, તમને સફળતા માટે તૈયાર કરે છે.
નવી દિલ્હીઃ આ વર્ષે 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અહીંના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ઉજવણી સમારોહનું આયોજન દર વર્ષ કરતાં જુદું હશે. આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સંબોધન તો કરશે, પણ કેટલાક ફેરફાર જોવા મળશે, એનું કારણ છે કોરોના સંકટ. આ વખતના સમારોહમાં માત્ર કોરોના વોરિયર્સ અને મોટા અધિકારીઓને જ આમંત્રિત કરવામાં આવશે. શાળાનાં બાળકોને બોલાવવામાં નહીં આવે. વીવીઆઈપી વ્યક્તિઓની યાદી પણ ટૂંકી હશે. આ વર્ષે રાજ્યોને પણ મોટાં સરઘસોથી બચવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે અને વધુ ને વધુ લોકોને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.
મહત્ત્વપૂર્ણ ફેરફાર
આ સમારોહથી થીમ અતુલ્ય ભારત હશે અને આયોજનમાં કોરોના વોરિયર્સના યોગદાન પર ફોકસ હશે. આ સમારોહ દરમ્યાન પ્રધાન અને સચિવ સ્તરે આશરે 800 અધિકારી ઉપરની હરોળમાં બેસતા હતા, પણ આ વર્ષે ઉપરની હરોળમાં માત્ર 100 અધિકારી જ બેસશે. બાકીના 700 નીચેની હરોળમાં બેસશે. આ ઉપરાંત પહેલાં સમારોહ સંયુક્ત સચિવ અને ડેપ્યુટી સ્તરના અધિકારીઓને આમંત્રિત કરવામાં આવતા હતા, પણ આ વખતે માત્ર સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓને જ બોલાવવાની મંજૂરી છે. આ સિવાય આ વર્ષે કયા ફેરફાર જોવા મળશે, આવો, જાણીએ…
કોરોના સંકટને જોતાં લાલ કિલ્લાની તમામ જગ્યાએ કોટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં લાલ કિલ્લાના મંચથી માંડીને રેલિંગ પણ સામેલ છે. આ કોટિંગ કોરોના વાઇરસને 5-7 દિવસ સુધી એને ટકવા નહીં દે.
આ વર્ષે એક મોટો ફેરફાર એ પણ છે કે આ વર્ષે લાલ કિલ્લા પર થનારા ઉત્સવમાં બાળકોને સામેલ નહીં કરાય. આ પગલું તેમની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે.
આ વર્ષે 1500 કોરોના વોરિયર્સને આ સમારોહમાં સામેલ કરવામાં આવશે અને એમાં પોલીસ અને પેરામિલિટરી ફોર્સિસના જવાન હશે.
આ વર્ષે સેના અથવા પોલીસનું બેન્ક હાજર નહીં હોય, એનો રેકોર્ડેડ પ્રોગ્રામ ચલાવવામાં આવશે.
આ વર્ષે આયોજનમાં સામેલ થનાર દરેખ શખસ માટે આરોગ્ય સેતુ એપ અને માસ્ક જરૂરી હશે.
આ કાર્યક્રમમાં જે જવાન ગાર્ડ ઓફ ઓનર આપશો, તેમને પહેલેથી જ ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવશે.
લાલ કિલ્લા પર દર વર્ષે આશરે 1000 VIP બોલાવવામાં આવે છે, જેને આ વખતે 150 સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત સમારોહ સ્થળની પાસે કોવિડ-સેન્ટર બનાવવામાં આવશે. આ ટેન્ટમાં તૈયાર હેલ્થ સેન્ટર્સમાં બેથી ત્રણ બેડ હશે. આ વ્યવસ્થા ઇમર્જન્સી સારવાર માટે કરવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા કોરોના વાઇરસના કેસોનો ધ્યાનમાં લેતાં માસ્ક ના પહેરનારા લોકો પર દંડ વધારીને 500 રૂપિયાથી 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે જાહેર સ્થળોએ વિના માસ્કે ફરતા લોકોને 11 ઓગસ્ટથી 1000 રૂપિયા દંડ ભરવો પડશે. હાઇકોર્ટે પહેલાં રાજ્ય સરકારને માસ્કનું ઉલ્લંઘન કરવા માટે દંડ વધારીને 1000 રૂપિયા કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
વિજય રૂપાણીએ નાગરિકોને અપીલ કરી
રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યની હાઇકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતી કાલથી અમલ કરવામાં આવશે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપીલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીની ગિરદી ના કરતા, કેમ કે સંક્રમણ આવી ભીડથી વધુ ફેલાય છે. આવા સંક્રમણને રોકવા માટે સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે એવી વિનંતી તેમણે કરી હતી.
જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ
સરકારે આગામી સમયમાં આવી રહેલા તહેવારોની જાહેર ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના લીધે સાતમ-આઠમના મેળા રદ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, ગણેશોત્સવની પણ જાહેરમાં ઉજવણી કરવા મંજૂરી આપવામાં નથી આવી.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અગાઉ માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં પહેલાં 200 રૂપિયા અને પછી 500 રૂપિયા દંડ કરવામાં હતો. હાઈકોર્ટે ચુકાદો આપ્યા પછી માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. મુખરજીએ પોતે જ આ જાણકારી એમના ટ્વિટર હેન્ડલ મારફત આપી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં એમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા મુખરજી અમુક ઉપચાર માટે હોસ્પિટલમાં ગયા હતા ત્યારે ત્યાં એમની કોરોના વાઈરસ માટેની ચકાસણી પણ કરવામાં આવી હતી. ટેસ્ટ રિપોર્ટમાં એમને કોરોના થયો હોવાનું માલૂમ પડ્યું હતું.
દેશમાં અનેક મોટા નેતાઓ કોરોના બીમારીમાં પટકાયા છે. એમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પણ સમાવેશ થાય છે.