Home Blog Page 4701

સુમુલનો 4500 કરોડનો વહીવટ કોણ સંભાળશે?

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઘરઆંગણે પ્રથમ કસૌટી

ભાજપ સામે ભાજપના જંગમાં કોંગ્રેસ કઈ ભાજપને સમર્થન આપશે?


સુરત : છેલ્લા એક માસથી સુરતમાં આવેલી સુમુલ ડેરીની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની હતી, આજે એનું પરિણામતો આવી ગયું છે પરંતુ ચિત્ર હજી સ્પષ્ટ નથી થયું. કારણ બે બળ્યા જે સુમુલનો 4500 કરોડનો વહીવટ કબ્જે કરવા મેદાનમાં ઉતર્યા હતા એ સુમુલના વર્તમાન ચેરમેન રાજુ પાઠક અને માજી સાંસદ અને માજી ચેરમેન માનસિંહ પટેલના જૂથને એક સરખી 8-8 બેઠક મળી છે. હવે ચેરમેન કોણ એ પ્રશ્ન મોટો છે અને એનો સ્પષ્ટ ઉત્તર કોઈની પાસે નથી. એક સમયે સુમુલનો જંગ ભાજપ-કોંગ્રેસ વચ્ચે થતો હતો આ વખતે એ ભાજપ સામે ભાજપનો જ જંગ હતો. કુલ 16 પૈકી 4 ડિરેક્ટર કોંગ્રેસના છે અને એમણે પરિણામ કઈ તરફ જવું એનો કોઈ નિર્ણય કર્યો નથી. જયારે ચેરમેન-વાઈસ ચેરમેન પદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે એ મુજબ નક્કી થશે, મતલબ સાફ છે ચૂંટણી પહેલા સામસામે તલવાર ખેંચનાર માનસિંહ પટેલ અને રાજુ પાઠક એક સાથે બેસે તો નવાઈ નહિ.

વર્તમાન ચેરમેન સામે ગેરરીતિના આરોપ વચ્ચે ચૂંટણી થઇ હતી સુમુલ ડેરીના સત્તાધારી ચેરમેન રાજુ પાઠક સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો આરોપ લગાડીને સુમુલના માજી ચેરમેન અને માજી સાંસદ માનસિંહ પટેલે 2 કેન્દ્રીય મંત્રી, 2 સાંસદો અને સુગર-કો.ઓપરેટીવ બેંકના આગેવાનો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફરિયાદ કરી હતી. એ પછી જિલ્લા રજિસ્ટ્રારની બદલીનું રાજકારણ ચાલ્યું. એક તરફ રાજુ પાઠક અને સામે પક્ષે તમામ. રાજુ પાઠક સામેની લડાઈમાં કોંગ્રેસ પણ જોડાઈ ગઈ હતી. ભાજપ દ્વારા આ બંને જૂથો વચ્ચે સમાધાનના પ્રયત્નો કરાવ્યા છતાં અંતે ચૂંટણી યોજાય જ હતી. ઉમેદવારી ભર્યા અને પછી ખેંચાયા પછી પણ અનેક તડજોડ થઇ હતી. જૂથના આગેવાનોએ તો અનેક સમાધાન કર્યા હતા પરંતુ ઉમેદવારો પોતે પોતાની રીતે પણ લડ્યા હતા. શુક્રવારે યોજાયેલી સુમુલ ડેરીની 16 પૈકી બે બિનહરીફને બાદ કરતા 14 બેઠકની ચૂંટણીમાં તાપીની 7 અને સુરત જિલ્લાની 2 બેઠકો પર 100 ટકા જ્યારે સુરત જિલ્લાની બાકીની 5 પર સરેરાશ 96 ટકા મતદાન થયું હતું અને આજે એનું પરિણામ જાહેર થયું છે.  હવે ચેરમેનની નિમણુંક માટે કલેક્ટર દ્વારા બોર્ડ મિટિંગ જાહેર કરાશે અને બોર્ડમાં 16 ડિરેક્ટરો મત આપી ચેરમેન નક્કી કરશે. જોકે, ચેરમેનનું નામ જાહેર થતા એક સપ્તાહ લાગશે.

માજી મંત્રીને ચિઠ્ઠી એ જીતાડ્યા માજી મંત્રી અને ધારાસભ્ય એવા કાંતિ ગામીત સોનગઢ બેઠક ઉપરથી ઉમેદવાર હતા. સુમુલની ચૂંટણી પેહલા જ કાંતિ ગામીતની રાજુ પાઠક સાથેની ગોઠવણ બહુ  ચર્ચામાં આવી હતી. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા કાંતિ ગામીતને સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાગ્ય એ સાથ આપ્યો હતો. કારણ સોનગઢ બેઠક ઉપર કાંતિ ગામીત અને અરવિંદ ગામીત બંને ઉમેદવારને 57 – 57 માટે  મળતા ટાઈ થઇ હતી. એ પછી નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળતા કાંતિ ગામીતનું નામ નીકળતા એમને વિજેતા જાહેર કર્યા હતા.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી આર પાટીલની પ્રથમ કસોટીસુમુલના વર્તમાન ચેરમેન રાજુ પાઠક સામે જયારે માનસિંહ પટેલએ ભ્ર્ષ્ટાચારના આરોપ કર્યા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ફરિયાદ કરવા ગયેલા ત્યારે એક સાંસદ તરીકે સી આર પાટીલ પણ એ પ્રતિનિધિ મંડળમાં હતા. એ પછી એ સુરત ખાતે સમાધાન અને રજૂઆત માટે મળેલી બેઠકમાં પણ સી આર પાટીલએ માનસિંહ પટેલ જૂથ વતી રજૂઆત કરેલી. એ રજૂઆત અને ચૂંટણી વચ્ચે સી આર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બની ગયા છે. હવે એમણે જ ભાજપના બે બળ્યાની લડાઈમાં પોતાના શહેરમાં જ સમાધાન કરાવવાનું છે એ એમના શરુ થયેલા કાર્યકાળની પ્રથમ કસૌટી છે. એ પોતાના જુના મત ઉપર કાયમ રહે છે કે પછી પાર્ટીના હીતમાં બંને જૂથને શાંત કરે છે એ થોડા દિવસમાં સ્પષ્ટ થશે.

એક ફોર્મ્યુલા જે ચોક્કસ લોકોએ વહેતી કરી છે એ મુજબ ભાજપએ વચગાળાનો રસ્તો શોધી લીધો છે. એ જો સાચું હોય તો માનસિંહ પટેલ સુમુલના નવા ચેરમેન બનશે અને રાજુ પાઠક વાઈસ ચેરમેન. આ એટલા માટે કે એક સામાન્ય માંગ એવી રહી છે કે સુમુલના ચેરમેન કોઈ આદિવાસી હોવો જોઈએ અને એ માટે માનસિંહ પટેલને આગળ કર્યા છે.  અને જો સાચું બને તો ચૂંટણી આટલી ધાંધલ, એક બીજા સામેના અસંખ્ય આક્ષેપ, ખેંચતાણ એ બધાનું શું? બંને જૂથના આગેવાનએ જો વહીવટમાં ભાગબટાઈ (અલબત્ત પાર્ટીના મેન્ડેટ મુજબ) કરવાની હતી તો પછી સુમુલના અઢી લાખ સભાસદો અને સેંકડો દૂધ મંડળીઓને એક મહિનાથી કેમ ઉચાટભર્યા રાખ્યા?

કઈ બેઠક પર કોણ વિજય અને કેટલા મત મળ્યા 

ચોર્યાસી – સંદીપ દેસાઈ – ૬ મત(સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી છે. સુરત જિલ્લા સહકારી બેંક અને એપીએમસીના વાઇસ ચેરમેન છે)

બારડોલી – અજિત પટેલ – ૪૬ મત

માંડવી – રેસાભાઈ ચૌધરી – ૭૮ મત

કુકરમુંડા – સંજયભાઈ સૂર્યવંશી – ૨૦ મત

નીઝર – ભરતભાઇ પટેલ – ૧૭ મત

ઉચ્છલ – સુનિલભાઈ ગામીત – ૧૮ મત (સુનિલ ગામીત સોનગઢથી કોંગ્રેસના ધારાસભ્ય છે)

સોનગઢ – કાંતિભાઈ ગામીત – ૫૮ મત( કાંતિભાઈ ગામીત માજી  ધારાસભ્ય અને મંત્રી છે)

માંગરોળ – રાજેશકુમાર પાઠક – ૬૬ મત(રાજુ પાઠક સુમુલના વર્તમાન ચેરમેન છે)

ઓલપાડ – જયેશ પટેલ – ૩૮ મત (દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ હતા અને ચૂંટણી દરમિયાન ભાજપ પ્રવેશ કર્યો છે)

કામરેજ – બળવંત પટેલ – ૨૧ મત

પલસાણા – ભારત સિંહ સોલંકી – બિનહરીફ

મહુવા – માનસિંગ પટેલ – ૨૯ મત (માનસિંહ પટેલ માજી સાંસદ છે, સુમુલ, મહુવા સુગર અને ગુજરાત સુગર ફેડરેશનના ચેરમેન રહી ચુક્યા છે)

વાલોડ – નરેશ પટેલ – ૨૫ મત (નરેશ પટેલ સુરત જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે)

વ્યારા – સિદ્ધાર્થ ચૌધરી – ૫૪ મત (સિદ્ધાર્થ ચૌધરી વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને માજી સાંસદ/ધારાસભ્ય અમરસિંહ ઝેડ ચૌધરીના સુપુત્ર છે)

ડોલવણ – શૈલેષ પટેલ – ૨૭ મત

ઉમરપાડા – રિતેશ વસાવા – બિન હરફ

(રિતેશ વસાવા સુમુલના વાઇસ ચેરમેન હતા. ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર ગણપતસિંહ વસાવાના ભત્રીજા થાય છે)

( અહેવાલ : ફયસલ બકીલી – સુરત)

મુંબઈમાં ખાદીના રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરતા કામદારો…

ભારત દેશ આવતી 15 ઓગસ્ટે પોતાનો 74મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે. એ માટે મુંબઈના બોરીવલી (વેસ્ટ) ઉપનગરના કોરા કેન્દ્ર સ્થિત ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં કામદારો ખાદીનાં રાષ્ટ્રીય ધ્વજ – તિરંગો બનાવવામાં વ્યસ્ત છે. રાષ્ટ્રધ્વજ એ દેશના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાનું પ્રતીક ગણાય છે. રાષ્ટ્રીય કે રાજકીય પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તો એ રેશમી હાથવણાટની ખાદીના કાપડનો જ બનાવેલો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ગમે તે વ્યક્તિને ખાદીનો તિરંગો બનાવવાની પરવાનગી હોતી નથી. આવા રાષ્ટ્રધ્વજ બનાવવા અને સપ્લાય કરવાનો અધિકાર આખા દેશમાં માત્ર કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘને આપવામાં આવ્યો છે. (તસવીરોઃ દીપક ધુરી)

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો 1947માં આજના દિવસે બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો. 22 જુલાઈ 1947ના બંધારણ સભાની બેઠકમાં તેને સ્વીકાર્યા બાદ 15 ઓગસ્ટ 1947ને દિવસે તે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બની ગયો.

રાષ્ટ્રધ્વજ બનાવવામાં બંધારણના એક પણ નિયમનો ભંગ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. નિયમો મુજબ રાષ્ટ્રધ્વજ ધોવાય નહીં, એના પર ઇસ્ત્રી ફેરવાય નહીં. સમય જતાં પૉલિયેસ્ટર અને કૉટન કાપડમાં પણ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે છે. એને લીધે જ તિરંગો સામાન્ય માનવીઓ સુધી પહોંચી શક્યો છે.

તિરંગામાં કેસરી રંગ અથવા ભગવો રંગ એ ત્યાગ અને સમર્પણની ભાવના દર્શાવતો રંગ છે. દેશના નેતાઓ દેશના વિકાસ માટે પોતાને સમર્પિત કરી દે એ હેતુથી આપણા ધ્વજમાં કેસરી રંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સફેદ રંગ પ્રકાશ અને શાંતિના પ્રતિકના રૂપમાં લેવામાં આવ્યો છે. જ્યારે લીલો કંદ પ્રકૃતિનો સંબંધ અને સમૃદ્ધિને દર્શાવે છે. ધ્વજની વચ્ચે સ્થિત અશોક ચક્ર ધર્મના 24 નિયમોની યાદ અપાવે છે.

રાષ્ટ્રધ્વજની ડિઝાઇન મદ્રાસી સદ્દગૃહસ્થ પિંગલી વેંકૈયાએ બનાવી હતી. એમણે મહાત્મા ગાંધીની સલાહ લીધી હતી અને ગાંધીજીએ તેમને ધ્વજની વચ્ચે અશોક ચક્ર રાખવાની સલાહ આપી હતી, જે સંપૂર્ણ ભારતને એક સૂત્રમાં બાંધવાનો સંકેત બની શકે.

રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું એ ફોજદારી ગુનો છે. તેમાં દંડ અને જેલ સજાની જોગવાઈ છે.

નવી શિક્ષણ નીતિ-2020: રામાયણમાંથી બોધપાઠ લઈએ…

(ડો. ઈન્દુ રાવ)

ભારત સરકારે નવી શિક્ષણ નીતિ (NEP)-2020ની હાલમાં જાહેરાત કરી છે. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં અને ત્યારબાદ 1986માં ઘડવામાં આવી હતી. 1992માં એમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેથી ઘણા લાંબા સમયગાળા પછી ભારતને નવી શિક્ષણ નીતિ પ્રાપ્ત થઈ છે જે બદલાઈ રહેલા સમયને અનુકૂળ બનશે.

મારાં મતાનુસાર, NEP-2020 રામરાજ્યનો સંકલ્પ કરે છે (સૌને માટે શાંતિ અને સમૃદ્ધિ), એટલે કે આ નીતિને જે રીતે ઘડવામાં આવી છે એ જ રીતે એનો અમલ કરી શકાશે. એનાથી શિક્ષણના માધ્યમથી ભાવિ પેઢીઓને સજ્જ કરીને દેશમાં સમૃદ્ધિ અને શાંતિ સ્થાપી શકાશે. NEP-2020 નીતિ ભારતીય શિક્ષણમાં એક એવી પ્રબળ ઈચ્છાશક્તિ દર્શાવે છે કે તે બહુ-વિષયક, આંતરરાષ્ટ્રીય સ્તરનું, સંશોધનલક્ષી હશે અને ઉદ્યોગક્ષેત્ર તથા નાગરિકોને ભાવિ પડકારોને પહોંચી વળવા માટે સજ્જ કરશે. ખરેખર આ સમયનો તકાદો છે.

તેમ છતાં, નીતિના અમલીકરણ માટે આપણને યોગ્ય લોકો તથા કાબેલ-સક્ષમ નેતાઓની જરૂર પડશે! સાથોસાથ, આપણે કૈકેયી અને મંથરા જેવી વ્યક્તિઓથી સાવચેત રહેવું પડશે. કહેવાનો મતલબ એ કે આપણે એવા લોકોથી સંભાળવાનું રહેશે જેઓ પોતાના અંગત સ્વાર્થ માટે કાબેલ અને સક્ષમ શિક્ષણશાસ્ત્રીઓને શિક્ષણ પદ્ધતિમાંથી હટાવી દેવાનું ષડયંત્ર ઘડતા હોય છે.

એ નોંધવું જરૂરી છે કે શ્રી રામ રામરાજ્ય આપવા માટે સક્ષમ અને કુશળ નેતા હતા, પરંતુ અમુકનાં અંગત સ્વાર્થને કારણે એમને 14 વર્ષ સુધી વનવાસ ભોગવવો પડ્યો હતો. રાજા દશરથ મહાન રાજા હોવા છતાં એમના પુત્ર રામને વનમાં જતા રોકી શક્યા નહોતા, કારણ કે તેમણે રાણી કૈકેયી પાસેથી કોઈક મદદ લીધી હતી તેથી પોતે એમનાં ઋણ હેઠળ હતા. એવી જ રીતે, દશરથ જેવા કેટલાક નેતાઓ સક્ષમ શિક્ષણશાસ્ત્રીઓના સમર્થનમાં પગલું ભરી શકતા નથી, કારણ કે એમણે ષડયંત્રખોરો પાસેથી કોઈક મદદ લીધી હોય છે તેથી તેઓ એ ભરપાઈ કરવાના ઋણ હેઠળ હોય છે. એવી સ્થિતિમાં, તેઓ પોતાના અંગત કારણોસર કદાચ સક્ષમ લોકોને ગુમાવી દેશે જેઓ દેશનું તથા સમાજનું ભલું કરી શકતા હોય છે.

કમનસીબે, કુશળ અને બહુવિધ વિષયોનું જ્ઞાન ધરાવતા, ઉદ્યોગલક્ષી તથા આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓના સંશોધનમાં નિષ્ણાત શિક્ષણશાસ્ત્રીઓ ભાગ્યે જ મળે છે. આપણને તો મોટે ભાગે એવા જ આગેવાનો મળે છે જેમણે માત્ર ભણાવ્યા સિવાય બીજું કંઈ જ કર્યું ન હોય. (એવા લોકોને થિયરી, અભ્યાસક્રમને સમજતા આવડતું હોતું નથી અને સમજાવતા આવડતું નથી. એવા લોકોને ભણાવવાની રીત અને પદ્ધતિ વચ્ચે સંકલન જાળવતા આવડતું નથી).

તેથી પ્રગતિ કરવા માટે આપણે એવી શિક્ષણ પદ્ધતિ લાવવાની જરૂર છે જેથી આવા સક્ષમ લોકોને કામ કરવાનો યોગ્ય અવકાશ મળી રહે. આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ જ હાંસલ કરવા ઈચ્છીએ છીએ. વધુમાં, જો આવા કુશળ લોકો શિક્ષણ પદ્ધતિમાં સામેલ થાય તો આપણે એમને સત્તા તથા નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ જેથી એમનો પ્રભાવ વધી શકે. સાથોસાથ, આપણે એવા લોકોથી ચેતવું જોઈએ અને એમનાથી છૂટકારો મેળવવો જોઈએ જેઓ પોતાની અસલામતી અને બિનકુશળતાને કારણે આવા સક્ષમ શિક્ષણશાસ્ત્રીઓ અને આગેવાનોને હાંસિયામાં ધકેલી દેવાનું ષડયંત્ર ઘડતા હોય છે.

જો આમ થશે તો જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ સાચી દિશામાં રહેશે અને ભારતીય શિક્ષણવિદ્દોનં રામરાજ્ય સ્થાપિત થઈ શકશે, જે દૂરદ્રષ્ટિ નવી નીતિમાં રાખવામાં આવી છે.

(લેખિકા વેલ્લોર, તામિલનાડુની વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની એકેડેમિક સ્ટાફ કોલેજનાં પ્રોફેસર અને ડાયરેક્ટર છે)

અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો; મનોજ તિવારીનું ટ્વીટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ જાણકારી ભાજપના નેતા અને સંસદસભ્ય મનોજ તિવારીએ આજે ટ્વીટ કરીને આપી છે.

ખતરનાક એવા કોરોનાનો ચેપ લાગ્યા બાદ અમિત શાહ છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી નજીકના ગુરુગ્રામ (હરિયાણા)ની મેદાંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યાં એમની તબિયત સારી છે.

આમ છતાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માત્ર એટલું જ કહ્યું છે કે હોસ્પિટલ તરફથી અમિત શાહની તબિયત વિશે સત્તાવાર હેલ્થ બુલેટિન બહાર પાડવામાં ન આવે કે સરકાર દ્વારા કે અમિત શાહના પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપવામાં ન આવે ત્યાં સુધી તે આ વિશે કંઈ જ નહીં કહે. અમને જાણ છે ત્યાં સુધી અમિત શાહનો ફરી કોરોના ટેસ્ટ કરાયો જ નથી. ગૃહ મંત્રાલયે આમ જણાવ્યા બાદ મનોજ તિવારીએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધી હતું.

અમિત શાહના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધવાનું કામ વ્યાપક રીતે ચાલુ રહ્યું છે. અમિત શાહે પણ એ સૌને સેલ્ફ-આઈસોલેશનમાં રહેવાનું જણાવ્યું હતું.

55 વર્ષીય અમિત શાહે ગયા બુધવારે એક કેબિનેટ મીટિંગમાં હાજરી આપી હતી. એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સહિત તમામ ટોચના પ્રધાનોએ હાજરી આપી હતી. એ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. એ મીટિંગમાં આરોગ્ય સુરક્ષાને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે 43,379 લોકોનાં મરણ નિપજ્યા છે. ગયા શનિવારથી 24 કલાકમાં 861 વધુ જણના મરણ નિપજ્યા હતા. ભારતમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા 21,53,011 પર પહોંચી છે. એમાં 6,28,747 સક્રિય કેસો છે. ભારતનો રીકવરી રેટ 68.78 છે.

વિજયવાડામાં કામચલાઉ ‘કોવિડ કેર સેન્ટર’માં આગ લાગી; 7ના મરણ

વિજયવાડાઃ આંધ્ર પ્રદેશના વિજયવાડા શહેરમાં આજે વહેલી સવારે એક હોટેલમાં ભીષણ આગ લાગી હતી. તે હોટેલનો ઉપયોગ કામચલાઉ ‘કોરોના કેર સેન્ટર’ તરીકે કરવામાં આવી રહ્યો હતો. દુર્ઘટનામાં સાત જણના મરણ થયા છે અને 30 જણને બચાવી લેવામાં આવ્યા છે.

આ ખાનગી હોટેલનું નામ સુવર્ણ પેલેસ છે. કોવિડ-19 દર્દીઓની સારવાર કરવા માટે આ હોટેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાય છે.

આગ લાગી ત્યારે હોસ્પિટલ-હોટેલમાં 40 જેટલા લોકો હતા એવું કહેવાય છે.

વાહ ભાઈ વાહ! ૯ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 09/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

કોવિડ-19ના વિભિન્ન કેસમાં વૈજ્ઞાનિકોએ નોંધ્યો રોગપ્રતિકારક શક્તિનો તફાવત!

ગંભીર એવા કોવિડ-19ના ઘણાં કેસોમાં વૈજ્ઞાનિકોને રોગપ્રતિકારક શક્તિને લઈને તફાવત જોવા મળ્યો છે. રોગપ્રતિકારક શક્તિ, જે અગાઉ પ્રારંભિક અવસ્થામાં દર્દીને રોગથી થનારા મૃત્યુના જોખમ ઓળખવામાં તથા તેને માટે દવા સૂચવવામાં મદદરૂપ હતી. તે રોગપ્રતિકારક શક્તિની વર્તમાન સમયમાં ખોટી કામગીરી, કોરોનાવાયરસના સંક્રમિતોને કોવિડ-19ના માઠાં પરિણામ સુધી લઈ જાય છે.

યુએસની ‘યેલ યુનિવર્સિટી’ના સંશોધકોએ ‘યેલ ન્યુ હેવન હોસ્પિટલ’ના 113 દર્દીઓની તપાસ કરતી વખતે જાણ્યું કે, કોરોના વાયરસના ઈલાજ દરમ્યાન હોસ્પિટલમાં દાખલ થવાથી માંડીને ડિસ્ચાર્જ સુધી અને અમુક કિસ્સામાં મૃત્યુ પામેલાં દરેક દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ એકમેકથી ભિન્ન જોવા મળી હતી!

જર્નલ ‘નેચર’માં પબ્લિશ થયેલાં આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, કોવિડ-19 રોગના પ્રારંભિક તબક્કે દરેક દર્દીએ એક જેવી જ રોગપ્રતિકારક શક્તિ નોંધાવી હતી! સંશોધનકારોએ જણાવ્યું કે, ‘જેમણે આ રોગના સામાન્ય લક્ષણોનો અનુભવ કર્યો હતો. તેમના શરીરમાં રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવો અને વાયરલ કણોનું સ્તર સમયાંતરે ઘટતાં જોવા મળ્યાં હતા.’

‘આ અભ્યાસ એ બતાવે છે કે, કઈ રીતે લોકોની રોગપ્રતિકારક શક્તિ ‘સાર્સ-કોવિડ-2’ને પ્રતિભાવ આપે છે! રોગ પ્રતિકારક શક્તિના ખોટા પ્રતિભાવો આ રોગના ગંભીર કેસ સાથે સંકળાયેલા જોવા મળ્યાં હતા. જેમાંથી અમુક કેસ મૃત્યુ્દરના રહ્યાં છે.’ યેલ યુનિવર્સિટીના સિનિયર લેખક અકીકો ઈવાસાકીએ તેમના એક ટ્વિટમાં નોંધ્યું.

પ્રારંભિક અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે, કોવિડ-19ના ગંભીર કેસોમાં રોગપ્રતિકારક શક્તિએ તેના નુકસાનકારક પરમાણુ સાઈટોકાઈન્સનું મોટા પ્રમાણમાં તોફાન ફેલાવ્યું હતુ. પરંતુ વૈજ્ઞાનિકો કહે છે, ‘આ પ્રતિક્રિયાના ચોક્કસ તત્વો અજાણ છે.’

વર્તમાન અધ્યયન પ્રમાણે અકીકો ઇવાસાકીએ જણાવ્યું, ‘રોગપ્રતિકારક શક્તિના એક પરમાણુ આલ્ફા ઈંટરફેરોન – જે ફ્લૂ વાયરસ જેવા જીવાણુઓ સામે લડવા માટે ગતિશીલ થયેલાં સાઈટોકાઈન્સ છે, તે જોખમી પરિબળ સાબિત થયાં છે. કેમ કે, આલ્ફા ઈંટરફેરોનનું ઉંચું સ્તર ધરાવનાર કોવિડ-19ના દર્દીઓની, નીચલા સ્તરવાળા દર્દીઓ કરતાં વધુ ખરાબ સ્થિતિ થઈ રહી હતી. જાણે આ કોવિડ-વાયરસ આલ્ફા ઈંટરફેરોનની કોઈ દરકાર લેતો જ નથી. કહેવાનો અર્થ એ કે, જે સાઈટોકાઈન, ફ્લૂના જીવાણુઓ સામે લડે છે, તે અહીં કોરોના સામે લડવામાં મદદ નથી કરતા, પરંતુ નુકસાન પહોંચાડે છે.’

તે જ પ્રમાણે, પ્રોટીનનું એક સંકુલ, જે રોગજનક પરિબળોને શોધીને, તે ઈન્ફેક્શનનો ખાત્મો કરવા માટે તાત્કાલિક બળવતર પ્રતિભાવ આપે છે. તેની પણ આ સક્રિયતા સંશોધકોના કહેવા પ્રમાણે, કોરોના વાયરસના નબળા પરિણામ તથા મૃત્યુ સાથે સંકળાયેલી છે. પરંતુ એક સારી વાત એ છે કે, જે લોકો આ ઈન્ફેક્શનની સામે સારો પ્રતિભાવ રાખે છે. તેમનામાં પરિબળોની વૃદ્ધિ ઉચ્ચ માત્રામાં થાય છે. એટલે કે, એક પ્રકારના રોગપ્રતિકારક શક્તિના પરમાણુની માત્રા વધે છે. જે ફેફસાં તેમજ રક્તવાહિનીઓની દિવાલોમાં નુકસાન પામેલી પેશીઓનું સમારકામ કરે છે!

વૈજ્ઞાનિક વધુમાં ઉમેરે છે કે, ‘અભ્યાસમાં ઓળખાયેલા ઉપર જણાવેલાં વિભિન્ન ઈન્ફ્લેમેશન માટેની દવાઓ કોવિડ-19ના ગંભીર કેસોની સારવારમાં મદદરૂપ થઈ શકે છે!’

પંચાંગ 09/08/2020

સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ગાજવીજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 11 ઓગસ્ટ પછી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સવારથી જ વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી, દ્વારકા, ભાવનગર અને જૂનાગઢમાં વરસાદ નોંધાયો છે. અમરેલીમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ યથાવત છે. બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 97 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત છે.

અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

અમદાવાદ સહિત વડોદરા, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. પાછલા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અનેક જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમં વરસાદ શરૂ થયો છે. કોડિનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કોડિનારના દેવળી, સરખડી, રોનાજ કડોદરા, દુદાણા, મિતિયાજમા વરસાદ નોંધાયો છે.

ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ

ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મહુવા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સાથે જ સિનેમા વિસ્તાર, તળાવ, પોલીસ ચોકી, એસટી સ્ટેશન, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ઉમરપાડામાં સૌથી વધુ સાડાપાંચ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 188 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંગરોળમાં સાડા ચાર ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં સાડા ત્રણ અને ભરુચના નેત્રંગમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

54 જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં મેઘ મહેર થતા અનેક પંથકમાં મૂરઝાતા મોલને જીવતદાન મળી ગયું છે અને જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ભાદર, ન્યારી, આજી સહિત 54 જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાદર સહિત 54 ડેમોમાં પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફલો થયા છે.