Home Blog Page 4704

સંપૂર્ણ ભારત આજે બન્યું છે રામમયઃ મોદી

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પૂજા કરી અને આ ઐતિહાસિક કાર્ય માટે અયોધ્યા સાક્ષી બની છે. અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં 175 પ્રતિષ્ઠિત અતિથિ આવ્યા હતા. તેમણે પોતાના ભાષણનો પ્રારંભ જય શ્રીરામના નારાઓથી શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે જય સિયા રામનું સૂત્ર આજે માત્ર અયોધ્યામાં નહીં પણ આજે સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે કરોડો રામભક્તોનો વર્ષોનો ઇંતજાર આજે પૂરો થયો છે. હવે જ્યારે રામ મંદિરની આધારશિલા રાખવામાં આવી છે અને વિધિવત્ રૂપે રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.  

સરયૂના કિનારે આજે સ્વર્ણિમ અધ્યાય

તેમણે કહ્યું હતું કે એ મારું સૌભાગ્ય છે કે રામ ભૂમિ ટ્રસ્ટે મને આમંત્રિત કરીને આ પ્રસંગના સાક્ષી બનવાની તક આપી છે. આજે સરયૂના કિનારે આજે સ્વર્ણિમ અધ્યાય લખવામાં આવી રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય છે. સમગ્ર દેશ રોમાંચિત છે. દરેક મન દીપમય છે. સમગ્ર ભારત ભાવુક છે. સદીઓનો ઇંતજાર આજે પૂરો થઈ રહ્યો છે.

‘રામ કાજ કિન્હે બિના મોહુ કહા વિશ્રામ’ : મોદી

તેમણે કહ્યું હતું કે ‘રામ કાજ કિન્હે બિના મોહુ કહા વિશ્રામ’. તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં એની ગૂંજ છે. પહેલાં હું માતા જાનકીને યાદ કરી લઉં. જય સિયા રામ, જય સિયા રામની સમગ્ર વિશ્વમાં ગુંજ છે. તમે ભગવાન રામની અદભુત શક્તિ જુઓ. ઇમારતો નષ્ટ કરી દેવામાં આવી. અસ્તિત્વ મિટાવવાના અનેક પ્રયાસ પણ બહુ થયા, પણ રામ આજે આપણા મનમાં વસ્યા છે અને અમારી સંસ્કૃતિનો આધાર છે.

રામ દરેક જગ્યાએ છે

વડા પ્રધાને કહ્યું હતું કે રામ દરેક જગ્યાએ છે. ભારતના દર્શન આસ્થા-આદર્શ-દિવ્યતામાં રામ જ છે. તુલસીના રામ સગુણ રામ છે. નાનક-તુલસીના રામ નિગુણ રામ છે. ભગવાન બુદ્ધ-જૈન ધર્મ પણ રામથી જોડાયેલા છે. તમિળમાં કંભ રામાયણ છે. તેલુગુ, કન્નડ, કાશ્મીર સહિત અલગ-અલગ હિસ્સામાં રામને સમજવાના અલગ-અલગ રૂપ છે. રામ બધામાં છે.

ઇન્ડોનેશિયામાં પણ રામાયણ પાઠ

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતિ ઇન્ડોનેશિયામાં છે. ત્યાં રામાયણનો પાઠ થાય છે. તેમણે કહ્યું હતું કે કમ્બોડિયા, શ્રીલંકા, ચીન, ઇરાન અને નેપાળ સહિત વિશ્વના કેટલાય દેશોમાં રામનામ લેવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે આજે કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતા અને જીતનું પ્રમાણ છે. આ દિવસ સત્ય-અહિંસા-આસ્થા અને બલિદાનને ન્યાયપ્રિય ભારતની એક અનુપમ ભેટ છે.  વડા પ્રધાને કહ્યું હતું કે આ મંદિરથી સાથે ઇતિહાસ ખુદને દોહરાવી રહ્યો છે. જે રીતે ખિસકોલીથી માંડીને વાનર, કેવટથી માંડીને વનવાસીબંધુઓને રામની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું.

વડા પ્રધાને ભાષણનું સમાપન કરતાં કહ્યું હતું કે ભગવાન રામ અને માતા સીતાના બધા લોકો પર આશીર્વાદ બન્યા રહે.

વડાપ્રધાન મોદીએ રામજન્મભૂમિ સ્થળે રામલલાના દર્શન કર્યા

અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ પવિત્ર યાત્રાધામમાં આવીને શ્રી રામલલા વિરાજમાનના દર્શન કર્યા હતા. એમણે આ ઐતિહાસિક રામજન્મભૂમિ સ્થળે ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા હતા.

સોનેરી રંગના કુર્તા અને સફેદ રંગની ધોતીમાં સજ્જ થયેલા મોદી આજે અયોધ્યા આવી પહોંચ્યા હતા. એ તસવીર વડા પ્રધાનના કાર્યાલયે સોશિયલ મિડિયા પર શેર કરી હતી. હિન્દુ ધાર્મિક પ્રસંગે આવો પહેરવેશ પરંપરાગત મનાય છે.

એમણે પગમાં કાળા રંગના શૂઝ પહેર્યા હતા.

રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લેનાર મોદી દેશના પહેલા જ વડા પ્રધાન બન્યા છે.

અયોધ્યા આવી પહોંચ્યા બાદ મોદી સૌથી પહેલા હનુમાનગઢી મંદિરમાં ગયા હતા અને બજરંગબલીના દર્શન કર્યા હતા. આ મંદિરની મુલાકાત લેનાર મોદી પ્રથમ વડા પ્રધાન છે. 10મી સદીના જૂના આ મંદિરમાં મોદીને મુખ્ય પૂજારીએ ચાંદીનો મુગટ ભેટ આપ્યો હતો.

ત્યાંથી રામજન્મભૂમિ સ્થળે રવાના થતા પહેલાં મોદીએ હનુમાનગઢી મંદિરમાં એક પારિજાત ફૂલના છોડનું રોપણ પણ કર્યું હતું. એમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સંત નૃત્યગોપાલ દાસ પણ હતા.

સુશાંત મૃત્યુ કેસની તપાસ સીબીઆઈને સોંપવા કેન્દ્ર તૈયાર

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ નિવાસસ્થાને થયેલા વિવાદાસ્પદ મૃત્યુના કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઈને સુપરત કરવાની બિહાર સરકારની વિનંતીનો કેન્દ્ર સરકારે આજે સ્વીકાર કર્યો છે.

કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટને જાણ કરી દીધી છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરાવવાની બિહાર સરકારની વિનંતીનો તેણે સ્વીકાર કરી લીધો છે.

આ કેસની તપાસના મામલે મુંબઈ (મહારાષ્ટ્ર) અને પટના (બિહાર)ની પોલીસ વચ્ચે ઊભા થયેલા રાજકીય ખટરાગ વચ્ચે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ સાથે જ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે કે નહીં એની અટકળોનો હવે અંત આવી ગયો છે.

ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં પોતાના નિવાસસ્થાને સુશાંતના થયેલા મૃત્યુના કેસમાં તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એવી ભલામણ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગઈ કાલે કરી હતી. સુશાંતના પિતા કે.કે. સિંહ રાજપૂતે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એવી વિનંતી અગાઉ નીતિશ કુમારને કરી હતી. એમનો આરોપ છે કે ગયા ફેબ્રુઆરીમાં એમના પુત્રનો જાન જોખમમાં હોવા વિશે પોતે જાણ કરી હોવા છતાં મુંબઈ પોલીસે કોઈ પગલું ભર્યું નહોતું.

આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે એની સામે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. એણે એવો આક્ષેપ કર્યો હતો કે પટનામાં જે પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે તે રાજકારણ પ્રેરિત છે અને આ કેસમાં તપાસ કરવાનો બિહારની પોલીસને કોઈ અધિકાર નથી.

કોરોનાના કેસો 19 લાખને પારઃ 10 રાજ્યોમાંથી 82 ટકા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,509 નવા કેસ સામે આવ્યા છે અને 857 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના દૈનિક ધોરણે 50,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 19,08,254 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 39,795 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 12,82,215 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,86,244એ પહોંચી છે. રિકવરી રેટ 67.19 ટકાએ પહોંચ્યો છે. પોઝિટિવિટી રેટ 8.47 ટકાએ પહોંચ્યો છે.

82 ટકા કેસો 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી

દેશમાં કોરોના વાઇરસ સતત નવા વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે, પણ કુલ કેસોમાંથી 82 ટકા કેસો 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવી રહ્યા છે. આમાં પણ 50 જિલ્લાઓમાં 66 ટકા કેસો નોંધાયા છે. જોકે દેશમાં કોરોનાથી મૃત્યુદર ઘટીને 2.10 થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

રાશિ ભવિષ્ય 05/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

અયોધ્યામાં આવું બનશે દિવ્ય, ભવ્ય શ્રીરામલલાનું મંદિર

અયોધ્યાઃ રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામ મંદિર પ્રસ્તાવિત મોડલના ફોટો જારી કર્યા છે. શ્રીરામ જન્મભૂમિ મંદિર વિશ્વમાં ભારતીય સ્થાપત્ય કળાનું અનુપમ ઉદાહરણ હશે. 161 ફૂટ ઊંચા રામ મંદિરમાં પાંચ મંડપ અને એક મુખ્ય શિખર છે. અયોધ્યાના દરેક ખૂણાથી મંદિરનું શિખર દેખાશે. વર્ષ 1989માં રામ મંદિરનું મોડલ બનાવવામાં આવ્યું હતું, જેમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બદલાવ કર્યો છે. આ મંદિર સાડા ત્રણવર્ષમાં બનીને તૈયાર હશે.

રામ મંદિરનો નકશો તૈયાર કરવાવાળા મુખ્ય આર્કિટેક્ટ સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરાએ જણાવ્યું હતું કે મંદિરની પાસે 70 એકર જમીન હશે, પરંતુ મંદિર ત્રણ એકરમાં બનશે. બાકીની 65 એકર જમીન પર મંદિર પરિસરનો વિસ્તાર કરવામાં આવશે.   

રામ મંદિર માટે 12થી 14 ફૂટ ઊંચાઈનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે. એક અનુમાન મુજબ મંદિરમાં એક દિવસમાં એક લાખ રામ ભક્ત પહોંચી શકે. એને ધ્યાનમાં રાખતાં મંદિરના મોડલમાં બદલાવ કરવામાં આવ્યો છે.

આ મંદિર નાગર શૈલીમાં બનશે. આમાં સિમેન્ટ અથળા સળિયાનો ઉપયોગ કરવામાં નહીં આવે. પહેલા મંદિરમાં બે ગુંબજ બનવાના હતા. મૂળ મોડલમાં વગર બદલાવે એને પાંચ કરી દીધા હતા. ગર્ભગૃહથી 200 ફૂટ નીચેની માટીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે જગ્યાએ માટીના મંદિરનો ભાર (વજન) સહન કરવામાં નબળી હશે. એની આગળ સુધી મંદિરના આધારે પ્લેટફોર્મ વધારવામાં આવશે.

 

મંદિરમાં શ્રદ્ધાળુઓને બેસવાની, પ્રાર્થના કરવા માટે મંડપ બનાવવામાં આવ્યો છે. અહીં પરિક્રમા માર્ગ પણ છે. મંદિરમાં સિંહદ્વાર, રંગ મંડપ, નૃત્ય મંડપ, પૂજા કક્ષ અને ગર્ભગૃહની ઉફર પાંચે ગુંબજ બનશે. શિલાપૂજન પછી મશીનો લગાવીને ખોદકામ શરૂ થઈ જશે. મંદિરની ફ્લોર પર સંગેમરમર લગાડવામાં આવશે. આ મંદિર આશરે 318 પિલર પર ઊભો હશે.

આ એક મંડપનું દ્રશ્ય છે. નક્શીકામ કરેલા થાંભલા પર મંડપને બનાવવામાં આવશે. સંપૂર્ણ મંદિરના નિર્માણમાં આશરે 1.75 લાખ ઘન ફૂટ પથ્થરની જરૂર જણાવવામાં આવી છે. કારસેવકપુરમમાં મંદિર માટે પથ્થર કોતરવામાં આવ્યા છે, જેનાથી એક માળનું ભવન તૈયાર થઈ જશે. બાકી બે માળના ભવન માટે પથ્થર કોતરવામાં આવશે. મંદિરનો પાયાના પ્લેટફોર્મને તૈયાર કરવામાં ત્રણ ટાર મહિના લાગી શકે છે.

રામ મંદિર પરિસરમાં નક્ષત્ર વાટિકા બનાવવામાં આવશે. આમાં દરેક નક્ષત્રથી જોડાયેલા છોડ હશે. આ નાગર શૈલીમાં બનાવવામાં આવેલું અષ્ટકકોણીય મંદિર હશે. આમાં ભગવાન રામની મૂર્તિ અને રામ દરબાર હશે. મુખ્ય મંદિરની આગળ-પાછળ સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશનું મંદિર હશે.

ભવ્ય મંડપનો એક નજારો. મંદિર નિર્માણ માટે રામ જન્મભૂમિ ન્યાસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પથ્થરોને મગાવવા અને કોતરવાના કામ સપ્ટેમ્બર, 1990માં શરૂ કરવામાં આવ્યું હતું.

 રામ મંદિરનું એક વિહંગ દ્રશ્ય

70 એકર ભૂમિમાં ત્રણ એકરમાં મંદિર અને કોરિડોર બનશે. આ સિવાય 67 એકર ભૂમિમાં કેટલાંય મ્યુઝિયમ, માતા સીતા, લક્ષ્મણ, ભરત અને ભગવાન ગણેશના મંદિર બનશે. સંપૂર્ણ પરિસર હરિયાળું હશે.

 

 

 

પંચાંગ: 05/08/2020

APSEZ 75 કરોડ ડોલરનાં બોન્ડ્સ ઇન્ડિયા INXના ગ્લોબલ પ્લેટફોર્મ પર લિસ્ટ કરશે

મુંબઈઃ BSEની ઇન્ટરનેશનલ પાંખ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા-INX)માં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિકસ ઝોન્સ 75 કરોડ યુએસ ડોલરનાં ફોરેન કરન્સી બોન્ડ્સ લિસ્ટ કરશે. ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટમાં કંપની દ્વારા બોન્ડ્સ ઇશ્યુ કરવાની આ પ્રથમ ઘટના છે. અદાણી પોર્ટ્સ ઓગસ્ટ, 2027માં પાકતાં 4.20 ટકાનાં 75 કરોડ યુએસ ડોલરનાં બોન્ડ્સ ઇશ્યુ કરશે.

ઈન્ડિયા INXનું ગિફ્ટ સિટી ખાતેનું ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ કંપનીઓને આંતરરાષ્ટ્રીય સમકક્ષ શરતોએ વિદેશી ભંડોળ એકત્ર કરવાની સર્વિસિસ પૂરી પાડે છે.

આ પ્રસંગે ઈન્ડિયા INXના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે અમે અદાણી પોર્ટ્સ એસઈઝેડના 4.20 ટકાના સ્પર્ધાત્મક દરે કરાઈ રહેલા 75 કરોડ યુએસ ડોલરના બોન્ડ ઈશ્યુનું સ્વાગત કરીએ છીએ. આ ઇશ્યુ ગ્લોબલ રોકાણકારોનો ભારતની મૂલ્યવાન કંપનીઓમાં રહેલો વિશ્વાસ દર્શાવે છે.

અમને એ વાતનો ગર્વ છે કે આવા કપરા કાળમાં પણ મોટી ત્રણ ભારતીય કંપનીઓએ દરિયાપારના રોકાણકારોને ઓફર કરેલા ઇશ્યુ અમારા ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે.

 

 

 

આઈપીએલ-2020ની સ્પોન્સરશિપમાંથી ચીની કંપની વિવો હટી ગઈ

નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક વિવો IPL ક્રિકેટ સ્પર્ધાને 2018થી સ્પોન્સર રહી છે, પરંતુ કંપનીએ આ વર્ષે T20 ટુર્નામેન્ટ માટે સ્પોન્સરિંગ કરવામાંથી હાથ પાછા ખેંચી લીધા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર વિવોએ જોકે BCCIની સાથે પોતાનાં પાંચ વર્ષના સ્પોન્સરશિપ કરારનો અંત નથી આણ્યો અને 2021, 2022 અને 2023માં આ જ ટુર્નામેન્ટને સ્પોન્સર કરશે.

ભારતમાં વધી રહેલી ચીનવિરોધી લાગણી વચ્ચે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવો વિરોધી સૂર વચ્ચે કંપનીએ પોતાની સ્પોન્સરશિપ પાછી ખેંચી છે. આ વર્ષે IPLની મેચો UAEમાં રમાવાની છે, જેમાં દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં મેચો રમાવાની છે.

BCCIના એક સૂત્ર અનુસાર વિવોને બહાર કરવાનું કારણ એ પણ હોઈ શકે કે કંપની ટાઇટલ સ્પોન્સરશિપ માટે ઓછી રકમની ચુકવણી કરવા માગતી હોય. વિવો પ્રતિ વર્ષ 440 કરોડ રૂપિયા IPL ટુર્નામેન્ટ માટે આપે છે, પણ કંપની આ વર્ષે એમાં કપાત કરવા માગતી હોય એવું પણ બને. વળી, દેશમાં ચીનવિરોધી ભાવનાઓને કારણે કંપની પ્રતિકૂળ વેચાણને કારણે સ્પોન્સશિપમાં 130 કરોડ રૂપિયાનો કાપ મૂકવા ઇચ્છતી હતી.

ટાઇટલ સ્પોન્સરશિપ માટે ટેન્ડર જારી કરાશે

BCCI હવે આગામી ત્રણ દિવસમાં આ વર્ષની આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ માટે એક ટેન્ડર જારી કરશે અને પછી સ્પોન્સર્સ વિશે નિર્ણય લેશે. જોકે IPL ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યે કહ્યું હતું કે હું માત્ર એટલું કહી શકું કે અમારા બધા સ્પોન્સર્સ અમારી સાથે છે.

IPL ટુર્નામેન્ટ 2020 અથવા આઈપીએલ-13 આવતી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 53 દિવસો સુધી ચાલશે. 10 નવેંબરે ફાઇનલ મેચ સાથે ટુર્નામેન્ટનું સમાપન થશે. ટુર્નામેન્ટમાં ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે-બે મેચ રમાશે. બપોરની મેચો 3.30 વાગ્યાથી શરૂ થશે અને સાંજની મેચ 7.30 વાગ્યે શરૂ થશે.

લતાજીએ કિશોરકુમારને એમની 91મી જન્મતિથિએ યાદ કર્યાં

મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરે દંતકથા સમાન દિવંગત પાર્શ્વગાયક કિશોર કુમારને એમની 91મી જન્મજયંતીએ યાદ કર્યાં છે અને સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

લતાજીએ એમનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છેઃ ‘નમસ્કાર. આજે આપણા કિશોરદાની જયંતી છે. કિશોરદા એક મોજીલા માનવી હતા. આખો દિવસ બધાયને હસાવવા એ એમનું ગમતીલું કામ હતું. હું તો એમને મળ્યા પછી એક ક્ષણ પણ હસ્યા વગર રહી શકતી નહોતી. એ બધું હોવા છતાં એ પોતાનાં કામમાં 100 ટકા ચોક્કસ રહેતા હતા.’

આ ટ્વીટની સાથે લતાજીએ એક વિડિયો લિન્ક પણ પોસ્ટ કરી છે જે 1974ની હિન્દી ફિલ્મ આપ કી કસમના ખૂબ લોકપ્રિય બનેલા ગીત જય જય શિવશંકરની છે, જેમાં રાજેશ ખન્ના અને મુમતાઝની જોડી હતી. લતા અને કિશોર કુમારે આવા અનેક યુગલ ગીતોની ભેટ શ્રોતાઓ અને ફિલ્મરસિયાઓને આપી છે.

અમુક અન્ય ગીતો છેઃ ‘તેરે બિના ઝિંદગી સે કોઈ’, ‘ગાતા રહે મેરા દિલ’, ‘ભીગી ભીગી રાતોં મેં’, ‘દેખા એક ખ્વાબ તો’, ‘તેરે મેરે મિલન કી યે રૈના’, ‘તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ’, ‘ઈસ મોડ પે જાતે હૈં’ વગેરે.

કિશોર કુમારનો જન્મ 4 ઓગસ્ટ, 1929ના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. 1987ની 13 ઓક્ટોબરે એમનું મુંબઈમાં નિધન થયું હતું.