નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એમને અહીંની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી એમણે પોતે જ આજે ટ્વિટરના માધ્યમથી આપી છે. કોરોના બીમારીના શરૂઆતનાં લક્ષણ જણાતાં એમણે પોતાનું તબીબી પરીક્ષણ કરાવ્યં હતું અને તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
55 વર્ષીય અમિત શાહે પોતાને લાગેલા ચેપ વિશેની જાણકારી ટ્વીટ કરીને આપી છે. એમણે લખ્યું છેઃ મારો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પરંતુ ડોક્ટરોની સલાહ અનુસાર હું હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. મારો અનુરોધ છે કે તમારામાંથી જે કોઈ પણ લોકો છેલ્લા અમુક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય એ મહેરબાની કરીને પોતાને આઈસોલેટ કરી પોતાની કોરોના વાઈરસ માટે જાંચ કરાવે.
ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ એમના ટ્વીટમાં લખ્યું છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ COVID-19 પોઝિટીવ થયા હોવાના સમાચાર મળ્યા છે. એમને જલદી સારું થઈ જાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ પાટીલ, ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ પોતપોતાના ટ્વિટર હેન્ડલ મારફત અમિત શાહ જલદી સાજા થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
અમદાવાદઃ અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાને ગુજરાતના પોલીસ વડા (ડીજીપી) તરીકે નિયુક્ત કર્યાના એક દિવસ બાદ, શુક્રવારે મોડી રાતે રાજ્ય સરકારે રાજ્યના પોલીસ દળમાં ધરખમ ફેરફારો કર્યા હતા. સરકારે અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોમાં નવા પોલીસ કમિશનરોની નિમણૂક કરી છે.
1987ના બેચના આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ, જેમને હાલમાં જ ડીજી રેન્કમાં બઢતી આપવામાં આવી હતી, એમને અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીવાસ્તવ હાલ રાજ્યના ગુપ્તચર અને સીઆઈડી (ક્રાઈમ)ના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવતા હતા.
સુરતમાં, અજય કુમાર તોમરને નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. એ 1989ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તોમર હાલ અમદાવાદમાં સ્પેશિયલ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ) પદે છે અને ત્યાંથી એમની બદલી કરાઈ છે.
સુરતના હાલના પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. એ અનુપમ સિંહ ગેહલોતના અનુગામી બન્યા છે. ગેહલોતને ગુજરાતના ઈન્ટેલિજન્સ વિભાગના ઈન્સ્પેક્ટર જનરલ તરીકે ગાંધીનગર શિફ્ટ કરવામાં આવ્યા છે.
ટી.એસ. બિશ્ટને સીઆઈડી (ક્રાઈમ) અને રેલવેના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આશરે ડઝન જેટલા પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની પણ બદલી કરવામાં આવી છે.
વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ બોર્ડર રેન્જના આઈજી રેન્જના અધિકારી સ્તરે પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
અયોધ્યાઃ પવિત્ર રામનગરી અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામના મંદિરના બાંધકામ માટે પાંચ ઓગસ્ટના બુધવારે ભૂમિપૂજન કરવામાં આવશે. એ માટે અયોધ્યા નગરનો સુંદર રીતે શણગાર કરવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે અને તેઓ મંદિરની પ્રથમ ઈંટ મૂકશે.
પાંચ ઓગસ્ટે અયોધ્યામાં આગમન કર્યા બાદ મોદી સૌથી પહેલાં હનુમાનગડી મંદિરમાં દર્શન કરવા જવાના છે. આનું કારણ એ છે કે આ એમને રસ્તામાં જ આવશે. ત્યાં એ દર્શન, પૂજા કરશે.
મંદિરમાં પીએમ મોદી લગભગ 7 મિનિટ સુધી રહેશે. એ દરમિયાન તેઓ દેશનું ભલું થાય અને કોરોના વાઈરસનો ફેલાવો ઘટી જાય એ માટે વૈદિક પૂજારીઓ દ્વારા મંત્રોનું પઠન કરશે. એ પૂજા ત્રણ મિનિટ સુધી ચાલશે.
હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી મહંત રાજૂ દાસે સમાચાર સંસ્થાને કહ્યું કે વડા પ્રધાનનો કાર્યક્રમ માત્ર સાત જ મિનિટનો નક્કી કરાયો છે.
પીએમ મોદીના આગમન બાદ મંદિરમાં વિશેષ મંત્રોનું પઠન કરાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમને કારણે માત્ર 4 પૂજારી જ મંત્રોપાઠ કરશે. આ માટે મંદિરના પૂજારીને વડા પ્રધાન કાર્યાલય તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વડા પ્રધાન મોદીને સ્પર્શ કરવાની કોઈને પણ પરવાનગી નહીં હોય અને કોઈએ એમને પ્રસાદ પણ આપવાનો નહીં.
આ મંદિરમાં પૂજા કર્યા બાદ મોદી રામ મંદિર ભૂમિપૂજન માટે જશે. ભૂમિપૂજન બાદ રામ મંદિર બાંધકામનું કાર્ય શરૂ કરાશે. ભૂમિપૂજન સમારોહમાં કેટલાક ખાસ રાજકીય નેતાઓ તથા ધાર્મિક ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અમદાવાદઃ અત્રેનું સરદાર પટેલ સ્ટેડિયમ, જે 1 લાખ 10 હજારની ક્ષમતાને કારણે વિશ્વમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, એ આઈપીએલ-2020ના આરંભ પૂર્વેની એક તાલીમ શિબિર માટે ભારતીય ક્રિકેટરોનું યજમાન બને એવી ધારણા છે.
એક અહેવાલ મુજબ, ભારતના 26 ખેલાડીઓ અને 11 સપોર્ટ સ્ટાફ સભ્યો બાયો-સિક્યોર વાતાવરણમાં આ સ્ટેડિયમમાં તાલીમ લેશે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સૂત્રને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે રીનોવેશન કરાયા બાદ મોટેરા સ્ટેડિયમમાં સુવિધાઓ ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત હોવાથી આ શિબિરના આયોજન માટે અમદાવાદે ધરમશાલાને પાછળ રાખી દીધું છે.
અમદાવાદના આ નવા સ્ટેડિયમને આશરે 10 કરોડ ડોલર (686 કરોડ રૂપિયા)ના ખર્ચે બાંધવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ કરતાં પણ આ મોટું છે. MCG સ્ટેડિયમમાં 1 લાખ લોકો બેસી શકે છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 70 કોર્પોરેટ બોક્સીસ, ચાર ડ્રેસિંગ રૂમ્સ, એક વિશાળ ક્લબહાઉસ અને એક ઓલિમ્પિક કદનો સ્વિમિંગ પૂલ બનાવાશે. આનું બાંધકામ 2017ના જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.
આ જ સ્ટેડિયમમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, એમના પત્ની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં હતાં.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ચેરમેન બ્રિજેશ પટેલ જાહેરાત કરી ચૂક્યા છે કે આઈપીએલ-2020 (અથવા આઈપીએલ-13) આવતી 19 સપ્ટેંબર અને 8 નવેંબર વચ્ચે યુએઈમાં રમાશે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડને આ માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. બંને ક્રિકેટ બોર્ડ સ્પર્ધા યોજવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત સરકાર તરફથી લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે.
આઈપીએલ-13 માટે ખેલાડીઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર સપ્તાહના સમયની જરૂર પડે.
સ્પર્ધાની તારીખો અને સ્થળ અંગે એક વાર સત્તાવાર સમર્થન મળી જાય તે પછી બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓ માટે ટ્રેનિંગ કેમ્પની વિગતો જાહેર કરશે.
મુંબઈઃ BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર 30 જુલાઈ, 2020ના રોજ રૂ.52,763 કરોડની નવી ટોચે પહોંચ્યું હતું. સોમવારની એક્સપાયરી ધરાવતા સેન્સેક્સ 50 વીકલી ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ જ્યારથી શરૂ કરાયા ત્યારથી એક્સચેન્જના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સતત ટર્નઓવર વધી રહ્યું છે.
BSEએ 29 જૂન, 2020થી સેન્સેક્સ 50ના વીકલી ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા હતા એ પછી ટર્નઓવર કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. આ પૂર્વે 23 જુલાઈએ રૂ.38229 કરોડના સૌથી અધિક ટર્નઓવરનો રેકોર્ડ સર્જાયો હતો. વીકલી ફ્યુચર્સ લોન્ચ કરાયાના માત્ર 13 દિવસમાં આ સેગમેન્ટમાં ટર્નઓવર વધીને રૂ.20,209 કરોડ થયું હતું.
BSE અન્ય સર્વિસીસ જેવી કે સુપિરિયર ફ્રન્ટ-એન્ડ ટ્રેડિંગ સોફ્ટવેર અને કો-લોકેશન્સ સર્વિસીસ પણ વિનામૂલ્યે પૂરી પાડી રહ્યું છે.
અમદાવાદઃ અહીંથી નિકટ આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે આવેલા દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જમાં BSEના ઈન્ડિયા INXનો પ્રારંભ કરાયો એ બાદ અત્યાર સુધીમાં થયેલા ટર્નઓવરનો કુલ આંકડો એક ટ્રિલ્યન (100 અબજ) યુએસ ડોલર (આશરે રૂ.75,00,477 કરોડ)ને વટાવી ગયો છે. BSEના ઈન્ડિયા INX ખાતે 24 જુલાઈએ એક દિવસમાં 4.92 યુએસ ડોલર (આશરે રૂ.36,866 કરોડ)ના કામકાજનો નવો રેકોર્ડ સર્જાયો હતો.
BSEના ઈન્ડિયા INXએ જાન્યુઆરી, 2017થી કામકાજ શરૂ કર્યું ત્યારથીતેના પરનું ટર્નઓવર દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ એક્સચેન્જમાં સરેરાશ 2.25 અબજ ડોલરનું કામકાજ થાય છે. દૈનિક સરેરાશ વોલ્યુમ જૂન 2020ની તુલનાએ 30 ટકા વધીને 2.92 અબજ યુએસ ડોલર (આશરે રૂ.21,893 કરોડ) થયું છે.
8 મે, 2020થી શરૂ કરવામાં આવેલા રૂપી-ડોલર ડેરિવેટિવ્ઝનું કુલ કામકાજ જુલાઈના અંતે 877.22 કરોડ યુએસ ડોલર થયું છે જે ગિફ્ટ IFSC બજારનો 84 ટકા હિસ્સો દર્શાવે છે.
વેશ્વિક મહામારીના કપરા સમયમાં પણ એક્સચેન્જ અવિરત 22 કલાક કાર્યરત રહે છે. પરિણામે વધુને વધુ વેપારીઓ અને કંપનીઓની સામેલગીરી વધી હોઈ ઈન્ડિયા INX નંબર વન એક્સચેન્જ બની રહ્યું છે.
લંડનઃ બ્રિટનમાં અશ્વેત, એશિયન તથા અન્ય લઘુમતી વંશીય સમુદાયોનાં લોકો તરફથી દેશના કલ્યાણ માટે કરાતા યોગદાનની કદર વધી રહી છે ત્યારે બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એક સિક્કો બહાર પાડવા વિચાર કરી રહી છે.
બ્રિટનના નાણાં પ્રધાન રિશી સુનકે દેશની રોયલ મિન્ટ એડવાઈઝરી કમિટીને એક પત્ર લખીને જણાવ્યું છે કે
ઉક્ત સમુદાયોનાં લોકોનાં પ્રદાનની કદર કરવામાં આવે. આ જાણકારી બ્રિટનના નાણાં મંત્રાલયે ઈમેલ કરેલા એક નિવેદન દ્વારા આપી છે.
નાણાં મંત્રાલયે કહ્યું કે, એડવાઈઝરી કમિટી મહાત્મા ગાંધીની યાદમાં એક સિક્કો બહાર પાડવા વિચારી રહી છે.
ભારતમાં રાષ્ટ્રપિતાનું સમ્માન પ્રાપ્ત કરનાર અને મહાત્મા તરીકે ઓળખાતા મોહનદાસ કરમચંદ ગાંધીએ એમના સમગ્ર જીવન દરમિયાન અહિંસાની હિમાયત કરી હતી તેમજ ભારતની આઝાદીની ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમનો જન્મ 1869ની બીજી ઓક્ટોબરે થયો હતો અને દર વર્ષે બીજી ઓક્ટોબરનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતે 1947ની 15 ઓગસ્ટે બ્રિટિશ હકુમતમાંથી આઝાદી મેળવી એનાં અમુક જ મહિના બાદ, 1948ની 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનું નિધન થયું હતું.
બ્રિટનમાં બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME) સમુદાયોને મદદરૂપ થવા અને વંશીય વિવિધતાને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે મૂડીરોકાણ કરવાની ઘણી સામાજિક સંસ્થાઓએ પહેલ શરૂ કરી છે.
આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ, માથા, આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.
૧૯૩૦ પછીની આ સૌથી વધુ ખતરનાક વૈશ્વિક મહામંદીએ જોબમાર્કેટ ઉપર ઊંડો પ્રહાર કર્યો છે. પણ; ખરા સમયે ફરીએકવાર ટેકનોલોજીએ પોતાની અનિવાર્યતા સિધ્ધ કરી દીધી છે અને જોબસીકર્સ માટે ઓનલાઈન જોબપોર્ટલનાં માધ્યમથી આશાનો દિપક પ્રજ્વલિત રાખ્યો છે. ઝડપથી નવી નોકરી મેળવવા ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી સાથે “chitralekha.com” વાંચકો સમક્ષ આજે હાજર છે…
“પોતાનાં કર્મચારીઓને માનવતાનાં ધોરણે કોઈએ નોકરીમાંથી છુટ્ટા કરવાં ન જોઈએ” લોકડાઉન વખતે દેશને કરેલાં ટીવી સંબોધનમાં પ્રધાનમંત્રીએ જયારે આવી અપીલ કરી ત્યારે દેશનાં તમામ નોકરિયાતવર્ગને ખાસ્સો હાશકારો થયો હતો. પરંતુ; પાછળથી સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલે આ બાબતે ફેરવી તોળ્યું કે આ પ્રકારની ફરજ પાડીને ધંધાદારી એકમોને નાદારીમાં ધકેલવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી. સરકારે આપેલી આવી પરોક્ષ સંમતિથી વેપારીઆલમે પોતાના અસ્તિત્વને ટકાવવા કર્મચારીઓને લે-ઓફ આપવાની ઘણા સમયથી શરૂઆત પણ કરી દીધી છે. આશ્વાસનની વાત એ છે કે ભોગગ્રસ્ત કર્મચારીવર્ગે મોટા મને આ કડવી હકીકત સ્વીકારી કોઈ ઉહાપોહ મચાવ્યો નથી.
“ધી હિન્દુ” અખબારે તો મે મહિનામાં જ એક અહેવાલમાં જણાવેલું કે કોરોના મહામારીથી દેશના અંદાજે બાર કરોડ લોકોની નોકરીનો ભોગ લેવાશે. આજે એ વાત સાચી સાબિત થઈ રહી છે અને દેશમાં અંદાજે સાડા તેર કરોડ નોકરીઓનો ભોગ લેવાયો છે. દેશનાં કરોડો નોકરીપીડિતો નવી નોકરીની શોધમાં લાગી ગયા છે અને ટેકનોલોજી તેમને જબ્બરદસ્ત મદદ કરી રહી છે. ચોકાવનારો આંકડો એ છે કે ૮૦%થી પણ વધુ ઉમેદવારો ઈન્ટરનેટની આધુનિક દેન કહેવાય તેવાં ઓનલાઈન જોબપોર્ટલ દ્વારા જ નોકરી શોધી રહ્યા છે અને અરજીઓ મોકલી રહ્યા છે. ઇન્ટરવ્યુ પણ ઓનલાઈન જ લેવાઈ રહ્યા છે.
જૂન મહિનામાં આ રીતે પોતાની સેલ્સ-એક્ઝીક્યુટીવની નોકરી ગુમાવનાર બેન્ક-કર્મચારી હાર્દિક ચુડાસમાનું આ બાબતે કહેવું છે કે “પ્લેસમેન્ટ એજન્સીઓમાં કે જોબ-ફેરમાં રૂબરૂ ભટકવાનું અને વર્તમાનપત્રો-મેગેઝીનોમાં વેકેન્સીની જાહેરાતોને વીંખ્યા કરવાનું તો અમારી જનરેશનનાં મિત્રોએ બંધ જ કરી કીધું છે. હું મારા મોબાઈલ દ્વારા જ ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કરું છું, અને ટૂંક સમયમાં નવી નોકરી ચોક્કસ મેળવી પણ લઈશ”.
ઓનલાઇન જોબપોર્ટલની પોતાની પ્રોફાઈલ ઉમેદવારે શું ધ્યાન રાખીને તૈયાર કરવી અને કઈ રીતે તેનું નિયમિત સંચાલન કરવું તે મુદ્દાઓ બાબત ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે…
યુવાવર્ગમાં એકદમ પ્રચલિત છે તેવા LinkedIn પોર્ટલ દ્વારા જ ચાલો શરૂઆત કરીએ…
LinkedIn દુનિયાનું સૌપ્રથમ “સોશિયલ” જોબપોર્ટલ છે. તમારી એકદમ ધ્યાનાકર્ષક રિઝયુમ તૈયાર કરવા માટે ઘણું જ ઉપયોગી છે. તમને સ્યુટ થાય તે પ્રકારની નેક્સ્ટ નોકરી માટે જરૂરી તમામ ફીચર્સ સાથે સૌથી લાયક કોઈ જોબપોર્ટલ હોય તો તે LinkedIn જ છે.
LinkedInમાં નવી પ્રોફાઈલ બનાવવા અથવા અગાઉની પ્રોફાઈલને અપડેટ કરવા બેસો ત્યારે પહેલેથી જ તમારા કવોલીફિકેશનની માર્કશીટ્સ, અનુભવ, જુદી-જુદી જગ્યાએથી મળ્યા હોય તેવા સર્ટીફીકેટ્સ, સન્માનપત્રો અને એવોર્ડ્સ વિગેરે અંગેના ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને JPG અથવા PDF ફોરમેટમાં તૈયાર રાખશો તો આગળનું કામ વધુ મુશ્કેલ નહીં પડે.
પ્રોફાઈલમાં ક્રમવાર પૂછવામાં આવે તે રીતે તમારો ટૂંક પરિચય, અભ્યાસ, અનુભવ, ભાષા, વ્યવસાયિક લાયસન્સ, શોર્ટ-ટર્મ કોર્સીસ, પ્રોજેક્ટ્સ, પેટન્ટ્સ, સામાજિક કાર્યોમાં કરેલા યોગદાનોની વિગતો, અનુભવથી કેળવેલી જુદીજુદી સ્કીલ, સન્માનપત્રો, એવોર્ડ્સ, તમે જોડાયેલા હો તેવી નાની-મોટી સંસ્થાઓનાં નામ અને તેમાં તમારા યોગદાન બાબતની તમામ માહિતીઓ ઉપરાંત ક્યાંય પ્રસિદ્ધ થયા હોય તેવા તમારા સ્વલિખિત રીસર્ચ પેપર્સની ઓનલાઈન લિંક અંગેની રજેરજ માહિતીઓ ધીરજપૂર્વક ટાઈપ કરીને પ્રોફાઈલમાં ઉમેરતાં જવાની હોય છે; અને સાથે-સાથે તેનાં પુરાવારૂપે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતાં જવાનાં હોય છે. આટલું કામ થઇ જાય એટલે નવી નોકરીનાં પ્રયત્નોનું પ્રથમ ચરણ અહી પૂરું થયું તેમ ગણી શકીએ.
આ પછી, તમારી કારકિર્દી માટે ભવિષ્યમાં ઉપયોગી થવાની શક્યતા અથવા સમર્થતા ધરાવતાં યોગ્ય લોકોને LinkedInમાં તમારે શોધવાનાં હોય છે. ફેસબુકમાં જેમ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીએ છીએ તે માફક જ તેમને “કનેકટ” થવા વિનંતી મોકલો. તમારું આમંત્રણ સ્વીકારનાર તમામને આ પછી તમારી કેરિયર અંગેની માહિતી નિયમિત રીતે જોવા માટે ઉપલબ્ધ થવા લાગે છે અને તમે એક ઉભરતા ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત થતાં જાઓ છો. બીજું અગત્યનું કામ એ કરવાનું છે કે અનેક ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ, જોબપોર્ટલ અને વિવિધ વિષયો અંગેનાં ગૃપ તમને LinkedInમાં મળશે. તો તેમને શોધી-શોધીને ફોલો કરવાનું અથવા તેમાં જોડાઈ જવાનું પણ હવે શરુ કરી દો. ત્રીજું અગત્યનું કામ કરવાનું હોય છે જોબ એલર્ટ સેટ કરવાનું. આ સેટિંગ કર્યા પછી તમારી પસંદગીની જોબ-પ્રોફાઈલ ધરાવતી વેકેન્સીઓ બાબતે તમને નિયમિત રીતે નોટીફીકેશન, SMS થવા ઈમેઈલ દ્વારા જાણકારી મળવાનું શરૂ થઈ જશે જેથી તમે તેમાં એપ્લાય કરી શકો.
આપણા દેશનાં આ જોબપોર્ટલને પણ નજરઅંદાજ કરવા તમને બિલકુલ પોષાશે નહી…
જાણીતા કેરિયર કાઉન્સેલર ક્રિપાલસિંહ જાડેજા સરળતાથી નોકરી મેળવવા શું કરવું જોઈએ તે બાબતે પોતાનાં અનુભવનાં આધારે કહે છે કે “Naukri, Monster, Glassdoor, Indeed, Shine, Neuvoo, Placement India, IIM Jobs, Job Rapido, Intern Theory, Freshers Live, Freshersworld જેવા જોબપોર્ટલ આપણા દેશમાં નોકરી શોધી આપવામાં ટોપ-પરફોર્મર હોવા છતાં; ભારતની કોર્પોરેટ કંપનીઓ આર્ટીફીસીયલ ઈન્ટેલેજન્સથી સજ્જ Vasitum, Skillate, Cutshort, Instahyre, Hirist, Dice Simply Hired જેવાં જોબપોર્ટલ સાથે કરારબદ્ધ થવાનું વધુ પસંદ કરે છે”.
નોકરી ગુમાવ્યા પછી માત્ર વીસેક દિવસ જેટલાં ટૂંકા ગાળામાં જ આઈ.ટી. સપોર્ટ એન્જીનીયરની નોકરી જોબપોર્ટલ દ્વારા શોધી કાઢનાર નિશાંત શાહનો કિસ્સો એકદમ રસપ્રદ છે. તેમનું કહેવું છે કે “દરરોજ ઓછામાં ઓછુ એકવાર હું LinkedInમાં લોગ-ઇન કરીને મળેલા નોટીફીકેશન પ્રમાણેની કામગીરી કરતો હતો. બીજા અનેક જોબપોર્ટલ ઉપર પણ મારી પ્રોફાઈલ અપલોડ કરી હતી. વેકેન્સી બાબતની તમામ એલર્ટને મહત્વ આપી યોગ્ય તમામ કંપનીઓમાં મારી અરજીઓ મોકલી આપતો હતો. નોકરી મેળવવાનાં કામને એક પ્રોજેક્ટ સમકક્ષ મહત્વ આપ્યું એ જ કદાચ મને ફળ્યું છે”.
મહેરબાની કરીને જોબપોર્ટલ સાથે આવી મજાક-મસ્તી તો કરશો જ નહી…
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટીફીક એન્ડ રીસર્ચ પબ્લીકેશનમાં પ્રસિદ્ધ થયેલો એક રીપોર્ટ ઓનલાઈન જોબપોર્ટલનો ઉપયોગ કરનારાઓ માટે આંખ ઉઘાડી કાઢે તેવો છે. તેમનાં સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે જોબપોર્ટલ ઉપરની ૧૦% પ્રોફાઈલ તો ઉમેદવારોએ સાવ જ જૂઠી અપલોડ કરી હોય છે; અધૂરામાંપૂરું જે નોકરી માટે પોતાની લાયકાત હોય જ નહી તેમાં પણ પોતાની અરજીઓ ઠપકાર્યા કરે છે. આ જ રીપોર્ટ દ્વારા એવું પણ જાણવા મળેલું કે અરજી કરનારા ૭૫% જેટલા ઉમેદવારોને તો ખરેખર જોબમાં રસ જ હોતો નથી. આવી રીતે જોબપોર્ટલને કનડ્યા કરતાં ઉમેદવારોને પ્રતાપે બીજા નિષ્ઠાવાન ઉમેદવારોને પણ ઘણું સહન કરવાનું આવે છે, એટલે બીજાની ખાતર પણ આવી પ્રવૃત્તિથી બધાએ દૂર રહેવું જોઈએ.
શું લાગે છે બોસ… કોરોનાયુગ પછીનું ભવિષ્ય…
એકદમ જ ઉજ્જવળ. કોઇપણ શંકા વગર. પણ હા……. કેટલું ઉજ્જવળ? એ નક્કી કરવાનું કામ ઉપરનાં માર્ગદર્શનને વાંચ્યા પછી તમારા હાથમાં છે. નોકરીઓ હાજર જ છે; તમારે જોઈએ છે તેવા પગારવાળી અને તમારે જોઈએ છે તેવી સગવડતાઓવાળી. માત્ર થોડી ધીરજ અને મહેનતની જરૂર છે. અલબત્ત…જ્યાં સુધી નવી નોકરી ન મળી જાય ત્યાં સુધી આપણા જાગૃત અને સુષુપ્ત મનમાં ઉજ્જવળ ભવિષ્યનાં રંગબેરંગી સપનાઓની સજાવટ તો કરતાં જ રહેવાનું છે.