Home Blog Page 4715

રાશિ ભવિષ્ય 27/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ 27/07/2020

કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ…

ભારત દર વર્ષની 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવે છે. ભારતે 26 જુલાઈ, રવિવારે 21મો કારગિલ વિજય દિવસ ઉજવ્યો. 1999માં આ જ તારીખે ભારતે પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ સફળ થયાની ઘોષણા કરી હતી. ‘ઓપરેશન વિજય’ અંતર્ગત ભારતીય સૈનિકોએ ઘૂસણખોર પાકિસ્તાની સૈનિકો પર બહાદૂરીભર્યું આક્રમણ કરીને હાલના કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના કારગિલ જિલ્લાની મુસ્કોહ વેલીમાં આવેલા ઝુલૂ ટોપ સ્થળને ફરી પોતાના કબજામાં મેળવી લીધું હતું. એ યુદ્ધ 60 દિવસો સુધી ચાલ્યું હતું. એ યુદ્ધમાં બંને દેશે સૈનિકોની ખુવારી ભોગવી હતી. ભારત દર વર્ષે આ તારીખે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપે છે. ઉપરની તસવીરમાં, નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા લશ્કરી અધિકારીઓ અને સૈનિકો.

શહીદ જવાનોને પુષ્પચક્ર અર્પણ કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ દેશની સેનાની ત્રણેય પાંખના વડા (ડાબેથી જમણે) હવાઈ દળના વડા એર માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, ભૂમિદળના વડા જનરલ એમ.એમ. નવરણે અને નૌકાદળના વડા કરમબીર સિંહ.

સુશાંત મોત તપાસ મામલે કંગનાએ મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતના કેસની તપાસ મામલે અભિનેત્રી કંગના રણૌતે મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી છે. એના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે પોલીસ નિર્માતા કરણ જોહરને ક્યારેય આ કેસમાં પૂછપરછ માટે નહીં બોલાવે, કારણકે તે મહારાષ્ટ્રના પ્રધાન અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના મિત્ર છે.

સુશાંત સિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં પોતાના નિવાસસ્થાનમાં મૃત અવસ્થામાં અને શંકાસ્પદ આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવ્યા બાદ અત્યાર સુધીમાં પોલીસે અનેક લોકોની પૂછપરછ કરી છે.

આ લિસ્ટમાં તાજો ઉમેરો થયો છે – નિર્માતા મહેશ ભટ્ટ અને નિર્માતા કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સના સીઈઓ અપૂર્વ મહેતાનો.

કંગના રણૌતે શનિવારે એવો દાવો કર્યો હતો કે પોલીસ કરણ જોહરના સીઈઓને પૂછપરછ માટે બોલાવે છે, પણ જોહરને શા માટે નહીં? પોલીસ જોહરને ક્યારેય નહીં બોલાવે, કારણ કે એ આદિત્ય ઠાકરેના બેસ્ટ ફ્રેન્ડ છે.

રિપબ્લિકવર્લ્ડ.કોમને કંગનાએ કહ્યું કે મુખ્ય શક્તિશાળી હસ્તીને હજી સુધી શા માટે પૂછપરછ માટે નથી બોલાવવામાં આવ્યા. સુશાંતને ડિપ્રેશનની ગર્તામાં ધકેલી દેનારાઓને પૂછપરછ માટે ન બોલાવનાર પોલીસની તપાસ માત્ર ઢોંગ અને દંભ છે. કેટલાક લોકો આની બહુ સરળતાથી અવગણના કરી રહ્યા છે. કલાકારને ‘તારો અંત નજીકમાં છે’ એવું કહેવાનું લાઈસન્સ આ લોકોને કોણે આપ્યું? જો એ લોકો (મહેશ ભટ્ટ તરફ ઈશારો) જાણતા હતા કે સુશાંતને સારું નથી તો શા માટે એમણે એના પિતાને ફોન કરીને ન જણાવ્યું, કે તમારા દીકરાને સારું નથી રહેતું. શા માટે રિયા (ચક્રવર્તિ)એ મહેશ ભટ્ટને ફોન કર્યો? એ કોણ વળી?

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે જરૂર પડશે તો જોહરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

કંગનાએ એવો દાવો કર્યો છે કે બોલીવૂડમાં નિર્માતાઓ દ્વારા જૂથવાદ, સગાંવાદનું દૂષણ પેદા કર્યું છે એને કારણે જ સુશાંતનું મૃત્યુ થયું છે.

પોલીસે પૂછપરછ માટે હાજર થવાનું કંગનાને પણ સમન્સ મોકલ્યું છે. કંગના હાલ એનાં વતન મનાલીમાં છે. એણે પોલીસને એમ કહ્યું હોવાનું મનાય છે કે તમારે પૂછપરછ કરવી હોય તો અહીંયા આવીને કરો.

ઓગસ્ટમાં બેન્ક્સ 11 દિવસ બંધ રહેશે; પાંચ રવિવાર આવે છે

મુંબઈઃ ઓગસ્ટ મહિનો એટલે તહેવારોની મોસમની શરૂઆતનો મહિનો. આ વખતે ઓગસ્ટ મહિનામાં બેન્કો 11 દિવસ બંધ રહેવાની છે.

આમાં રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિવસની રજાઓનો પણ સમાવેશ થાય છે.

મહિનાનો આરંભ બકરી ઈદની રજાથી થશે.

બેન્કો 1-3 ઓગસ્ટ સુધી લગાતાર 3 દિવસ સુધી બંધ રહેશે.

આ વખતે ઓગસ્ટ મહિનામાં પાંચ રવિવાર આવે છે.

બેન્ક્સ 8 ઓગસ્ટ અને 22 ઓગસ્ટે મહિનાના બીજા અને ચોથા શનિવાર નિમિત્તે બંધ રહેશે.

દેશભરમાં અમુક રાજ્યોમાં ઓગસ્ટમાં 13 દિવસ બેન્કો બંધ રહેશે.

લોકોએ આ રજાઓને ધ્યાનમાં રાખવી અને પોતાના નાણાકીય વ્યવહારો-વ્યવસ્થાની અગાઉથી તકેદારી લેવી સારી.

ઓગસ્ટમાં આ દિવસે બેન્કો બંધ રહેશેઃ

તારીખ બંધ રહેવાનું કારણ
1 ઓગસ્ટ બકરી ઈદ
2 ઓગસ્ટ રવિવાર
3 ઓગસ્ટ રક્ષાબંધન
8 ઓગસ્ટ મહિનાનો બીજો શનિવાર
9 ઓગસ્ટ રવિવાર
11 ઓગસ્ટ જન્માષ્ટમી
ઓગસ્ટ 15 સ્વાતંત્ર્ય દિવસ
16 ઓગસ્ટ રવિવાર
22 ઓગસ્ટ ગણેશ ચતુર્થી, ચોથો શનિવાર
23 ઓગસ્ટ રવિવાર
30 ઓગસ્ટ રવિવાર, મોહર્રમ

BSEના ઈન્ડિયા INX ખાતે 4.92 અબજ ડોલરનું રેકોર્ડ ટર્નઓવર

મુંબઈઃ ગિફ્ટ સિટી ખાતે આવેલા દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (આઈએફએસસી)માં BSEના ઈન્ડિયા INX ખાતે તાજેતરમાં એક દિવસમાં 4.92 અબજ યુએસ ડોલર (આશરે રૂ. 36,866 કરોડ)ના કામકાજનો નવો રેકોર્ડ સર્જાયો હતો.

BSEના ઈન્ડિયા INX ખાતે ટર્નઓવર દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ એક્સચેન્જમાં સરેરાશ 2.25 અબજ ડોલરનું કામકાજ થાય છે. જૂન 2020માં ટર્નઓવર આગલા મહિનાની તુલનાએ 16.47 ટકા વધ્યું છે. રૂપી ડોલર ડેરિવેટિવ્ઝમાં 24 જુલાઈ સુધીમાં 862.60 કરોડ યુએસ ડોલરનું કામકાજ થયું છે એ ગિફ્ટ આઈએફએસસી ખાતેની બજારના 85 ટકા છે. વેશ્વિક મહામારીના કપરા સમયમાં પણ એક્સચેન્જ અવિરત 22 કલાક કાર્યરત રહે છે.

ફેસબુક પર હિટ ‘અમુલ’નો દુનિયાનો સૌથી મોટો લાઈવ રેસિપી શો

100 દિવસમાં અમુલ લાઈવ રેસિપી શોના 914 કાર્યક્રમો થઈ ચૂક્યા છે. એમાં અત્યાર સુધીમાં 2000થી વધારે શેફ ભાગ લઈ ચૂક્યા છે અને 50થી વધારે દેશોમાં આ શોના 75 કરોડ વ્યૂઅર્સ નોંધાયા છે.


કોરોના વાઈરસને કારણે ગયા માર્ચની 25મીથી ભારતમાં દેશવ્યાપી લોકડાઉન લાગુ થયા બાદ અમુલ બ્રાન્ડે 17 એપ્રિલથી તેના ફેસબુક પેજ (https://www.facebook.com/amul.coop/) પર બે શેફ સાથે લાઈવ રેસિપી શો શરૂ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 100 દિવસોમાં તેના 914 લાઈવ શો થઈ ચૂક્યા છે. જેને કારણે તે વિશ્વમાં સૌથી મોટો અને સૌથી લાંબા સમય સુધી ચાલનારો લાઈવ રેસિપી શો બન્યો છે અને વિશ્વની સૌથી મોટી કૂકિંગ વેબ સિરીઝ બની છે. 17 એપ્રિલથી રોજના 10-11 ફેસબુક લાઈવ સત્રો યોજવાનું શરૂ કરાયું હતું. જેમાં તેઓ પાકકળાની એવું કૌશલ્ય રજૂ કરે છે જેથી ગ્રાહકો ઘેરબેઠાં #SimpleHomemadeRecipes ક્રિએટ કરી શકે.

મહામારી અને લોકડાઉનને કારણે અનિશ્ચિતતાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગ ઉદ્યોગના લોકો ચિંતાગ્રસ્ત હતા, ભવિષ્ય ધૂંધળું જણાતું હતું ત્યારે એમની લાગણી, પરસ્પર હિતને ધ્યાનમાં રાખીને લોકડાઉન પિરિયડના મધ્ય ભાગથી જ અમુલે લાઈવ રેસિપી શો શરૂ કર્યો હતો.

દેશની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમુલનો હેતુ સ્પષ્ટ હતો. લોકડાઉનને કારણે ઘરમાં જ રહેતા શેફ્સને કનેક્ટ કરી તેમની રસોઈકળાનું કૌશલ્ય લોકો સમક્ષ પ્રસ્તુત કરવાની તક પૂરી પાડવાનો હતો, કારણ કે ઘરમાં બંદી થયેલા લોકો પણ ઘરની વાનગીઓમાં નવીનતા ઈચ્છતા હતા. આમ, આ લાઈવ રેસિપી શોને કારણે શેફ્ટ એમના ગ્રાહકો સાથે કનેક્ટ રહી શક્યા. રેસિપી વિડિયોને શૂટ કરી, એડિટ કરીને પછી રજૂ કરવાના સામાન્ય ચલણથી વિપરીત, અમુલે લાઈવ રેસિપીઝનો લાભ પૂરો પાડ્યો. જેથી લોકોને કંઈક તાજું, એમની આંખો સામે જ બનાવાતું જોવા મળ્યું. કોઈ એકલી પડેલી વ્યક્તિઓએ આ શો માણ્યો તો કેટલાકે ગ્રુપમાં રહીને.

લાઈવ કૂકિંગ ઘણો જ અનોખો અનુભવ બન્યો. એમાં શેફ અને એમના શ્રોતા-ગ્રાહકો વચ્ચે સંવાદ થાય, સવાલ-જવાબનું સત્ર પણ હોય.

આ વિશિષ્ટ શોને કારણે ફેસબુકે અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ સામે મેદાન માર્યું જેમ કે ટ્વિટર, યૂટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ.

2009થી ફેસબુક પર અમુલના 17.6 લાખ ફોલોઅર્સ છે.

ફેસબુક લાઈવ મારફતના એક્સક્લુઝિવ લાઈવ રેસિપી શોને ચાર મહિનાથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે અને હવે ભારતભરની તમામ અગ્રગણ્ય હોટેલ ચેન્સનાન શેફ્સે અમુલના લાઈવ રેસિપી શોમાં ભાગ લીધો છે. તે ઉપરાંત ભારત, યુએસએ, સિંગાપોર, મધ્ય પૂર્વાન દેશો સહિત 66 દેશોના શેફ્સ આમાં ભાગ લઈ ચૂક્યા છે.

અમુલ ફેસબુક પેજ પર અત્યાર સુધીમાં 900થી વધારે લાઈવ રેસિપી શો થયા છે, જેમાં આવી અનેક અનોખી ફોર્મેટ્સ હતીઃ

સિંપલ હોમમેડ રેસિપીઝઃ એક-એક કલાકનું સત્ર શરૂ થાય બપોરે 12થી અને સાંજે 7 વાગ્યા સુધી ચાલે.

મિડનાઈટ સ્નેકિંગઃ મધરાતે નાસ્તાના લાઈવ સત્રો શરૂ થાય રાતે 11 વાગ્યાથી. આના અસંખ્ય શો થઈ ચૂક્યા છે.

આઈસક્રીમ રેસિપીઝઃ 2 મેથી https://www.facebook.com/icecream.amul – આ પેજ પર શો થયા.

લાઈવ ફ્રોમ લાર્જ કિચન્સઃ જયપુરમાં અક્ષયપાત્રમાંથી કરાયેલા લાઈવ શોમાં એક કલાકની અંદર 40 હજાર રોટલીઓ બનાવતા જોવા મળી.

સ્પેશિયલ વર્લ્ડ મિલ્ક ડે ઉજવણીઃ 1 જૂને શેફ્સે દૂધ આધારિત ઉત્પાદનો બનાવ્યા હતા.

ટેસ્ટ ઓફ ઈન્ડિયા સ્પેશિયલ ડેઃ દેશના 28 રાજ્યોના શેફ્સે એમની પરંપરાગત વાનગીઓ બનાવી હતી.

અમુલ બ્રાન્ડે આ લાઈવ રેસિપી શોઝ વડે પ્રતિદિન 1 કરોડ ફેસબુક એકાઉન્ટ્સની પહોંચ સાથે 10 કરોડ વ્યુઅરશિપનું નિર્માણ કર્યું છે.

અમુલ ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ છે

અમુલનું ટર્નઓવર 7 અબજ ડોલર છે. આ એક કોઓપરેટિવ સંસ્થા છે જેની પાસે ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકો છે, જેઓ 18,500 ગ્રામ સહકારી મંડળીઓ (કોઓપરેટિવ સોસાયટીઝ) સાથે સંલગ્ન છે. અમુલ કંપની પ્રતિ દિન સરેરાશ 250 લાખ લિટર દૂધ પ્રોસેસ કરે છે અને દુનિયામાં 9મા નંબરની મોટી ડેરી કંપની છે.

1946માં સ્થપાયેલી અમુલ આજે ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડ છે અને દૂધ, માખણ, આઈસક્રીમ અને ચીઝ જેવી ઘણી ડેરી કેટેગરીઝમાં રાષ્ટ્રીય માર્કેટ લીડર છે.

ટેસ્ટ ઓફ ઈન્ડિયા નામે ભારતીયોમાં પ્રિય અમુલના 650થી વધારે દૂધ અને દૂધ ઉત્પાદનો અમેરિકા, સિંગાપોર, યુએઈ, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં ઉપલબ્ધ છે.

અક્ષયે 6 કમર્શિયલ જાહેરખબરો માટે શૂટિંગ ફરી શરૂ કર્યું

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન-નિયંત્રણો લાગુ કરાયાના મહિનાઓ પછી મળેલી થોડીક છૂટછાટ દરમિયાન કમર્શિયલ જાહેરખબર માટે શૂટિંગ ફરી શરૂ કરનાર અક્ષય કુમાર બોલીવૂડનો પહેલો મોટો કલાકાર છે. આ ઉપરાંત તે પોતાની નવી હિન્દી ફિલ્મ ‘બેલ બોટમ’ના શૂટિંગ માટે ટૂંક સમયમાં સ્કોટલેન્ડ પણ જવાનો છે.

અક્ષયે એક નહીં, પણ છ ટીવી કમર્શિયલ જાહેરખબરો માટે શૂટિંગ ફરી શરૂ કર્યું છે. આ શૂટિંગ 9-દિવસમાં પૂરું કરવામાં આવશે અને ત્યારબાદ સુપરસ્ટાર સ્કોટલેન્ડ જવા માટે રવાના થશે. ત્યાં એની ‘બેલ બોટમ’ ફિલ્મનું શૂટિંગ થવાનું છે.

દેશભરમાં કોરોનાવાઈરસ કટોકટી ફરી વળી છે તેવામાં અક્ષયે લગભગ 400 ટેક્નિશિયનો સાથે શૂટિંગનું કામ ફરી શરૂ કર્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ પાળવા માટે શૂટિંગમાં માત્ર 33 ટકા કર્મચારીઓને જ હાજર રાખવાના છે. સામાન્ય રીતે પ્રત્યેક એડ શૂટિંગમાં અસંખ્ય લોકોને સામેલ કરાતા હોય છે, પણ હાલના તબક્કે માત્ર 30-35 ટેક્નિશિયનો તથા સ્ટાફનો ઉપયોગ કરવામાં આવે છે. શૂટિંગ માટે હાલ આ નવા નિયમો લાગુ કરાયા છે.

નિર્માતા નિખિલ અડવાનીએ એમની ‘બેલ બોટમ’ ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં કરવાનું નક્કી કર્યું છે. એ માટે અડવાની અને અક્ષય વચ્ચે તાજેતરમાં બેઠક પણ થઈ હતી. બેલબોટમમાં અક્ષય ઉપરાંત લારા દત્તા-ભૂપતિ, હુમા કુરૈશી, વાણી કપૂર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે.

ફિલ્મના દિગ્દર્શક રણજીત તિવારી છે. વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાની, મધુ ભોજવાની, નિખિલ અડવાની ફિલ્મના નિર્માતાઓ છે.

ફિલ્મ 2021ની 2 એપ્રિલે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

‘બેલ બોટમ’ ઉપરાંત અક્ષયની નવી ફિલ્મ આવી રહી છે ‘લક્ષ્મી બોમ્બ’. એ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. એની તારીખ હજી જાહેર થવાની બાકી છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષયની હિરોઈન છે કેટરીના કૈફ.

ડેરી સહકારી મંડળીઓનું મધમાખી ઉછેર સાથે એકીકરણ

કેન્દ્રીય મંત્રી તોમરે આણંદ ખાતે NDDBમી હની ટેસ્ટિંગ લેબોરેટરીનું
ઉદઘાટન કર્યું

આણંદઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે 24 જુલાઈએ આણંદમાં આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) ખાતે પશુપાલકો માટે હાઈ-ટેક હની ટેસ્ટિંગ લેબોરેટરી અને બીકીપિંગ ટ્રેનિંગ પ્રોગ્રામનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતો કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ડો. સંજીવકુમાર બાલયાન, કૃષિ અને ખેડૂત કલ્યાણ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી, લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ સંજય અગ્રવાલ, એનડીડીબીના ચેરમેન દિલીપ રથ અને એનડીડીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મીનેશ શાહ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

એનડીડીબી સંલગ્ન પ્રવૃત્તિઓ મારફતે ખેડૂતોની આવકને વધારવાના માટે પ્રતિબદ્ઘ છે. આ વિશ્વસ્તરીય હની ટેસ્ટિંગ ફેસિલિટીનું નિર્માણ તેની મલ્ટી-ડિસિપ્લિનરી લેબોરેટરી સીએએલએફ (ઈઅજઊ)ના એક હિસ્સા તરીકે કરવામાં આવ્યું છે. તે દેશની એકમાત્ર અધિકૃત લેબોરેટરી છે, જે અત્યંત જટિલ વિશ્લેષ્ણાત્મક સાધનો અને વેટ કેમિકલ એનાલીસિસનો ઉપયોગ કરી પ્રમાણિકતા પરીક્ષણ હાથ ધરીને ૧ જુલાઈ, ૨૦૨૦ના રોજના એફએસએસએઆઈના તાજેતરના નિયમો મુજબ, મધના નમૂનાઓનું પરીક્ષણ કરી શકે છે. એનએબીએલની માન્યતા પ્રાપ્ત આ લેબોરેટરી બીઆઈએસ, એગમાર્ક, કોડેક્સના માપદંડો તથા જંતુનાશકો, એન્ટિબાયોટિક્સ, ભારે ધાતુઓ અને વેટ કેમિકલ ટેસ્ટિંગને આવરી લઈ એક્સપોર્ટ ઈન્સપેકશન કાઉન્સિલના રેસિડ્યૂ મોનિટરિંગ પ્લાન (આરએમપી)ની જરૂરિયાતો મુજબ પણ મધનું પરીક્ષણ કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી તોમરે એનડીડીબી સાથે સહયોગ સાધવા અને આણંદ ખાતે આ વિશ્વસ્તરીય હની ટેસ્ટિંગ ફેસિલિટીને સફળતાપૂર્વક સ્થાપવા બદલ મંત્રાલયના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. એમણે કહ્યું કે આપણે મધમાખી ઉછેરના લાભ, ખેતી અને ખેડૂતોની આવક પર તેના પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. મધના ઉત્પાદન દ્વારા પેદા થતી આવક દેશના જીડીપીમાં યોગદાન આપશે. ભારત સરકાર ખેડૂતોની આવકને બમણી કરવા પ્રતિબદ્ધ છે. તોમરે મહિલાઓને પ્રોત્સાહન આપવાની સાથે મધમાખીપાલકોની આવકનું સર્જન કરવા અને તેમનું ક્ષમતાનિર્માણ કરવા સહિત મધમાખી ઉછેર સંબંધિત આંતરમાળખાનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર ભારત હેઠળ ભારત સરકારના રૂ. 500 કરોડના મધમાખી ઉછેર પહેલ ફંડનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો વિકાસ થવાથી ભારતના ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન થશે અને તે ખેડૂતોની આવકમાં વધારો કરવાની પણ ક્ષમતા ધરાવે છે. મધમાખી ઉછેર ક્રોસ પોલિનેશન મારફતે દેશમાં કૃષિ અને બાગાયતી પાકોની ઉપજમાં વધારો કરવામાં એક ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. સપ્લાયરો આર્થિક લાભ મેળવવા માટે અનૈતિક વ્યવહારમાં સંકળાયેલા હોઈ આજે મધની શુદ્ધતા એ ખૂબ જ ગંભીર મુદ્દો બની ગયો છે. એનડીડીબી ખાતેની આ ટેસ્ટિંગ ફેસિલિટી નિયમનકારી જરૂરિયાતોને પૂરી કરી ઘરેલુ વપરાશ અને નિકાસ માટે ગુણવત્તાસભર મધનું ઉત્પાદન કરવામાં મધમાખી ઉછેર કરનારા ખેડૂતો, સહકારી મંડળીઓ અને મધનું ઉત્પાદન કરનારા ઉદ્યોગોને મદદરૂપ થશે.

દિલીપ રથે કહ્યું કે એનડીડીબી-એનબીબી સાથે મળીને દેશમાં ડેરી સહકારી મંડળીઓના નેટવર્કનો ઉપયોગ કરી ખેડૂતોમાં મધમાખીઓના વૈજ્ઞાનિક રીતે ઉછેરને પ્રોત્સાહન આપવાની ઝુંબેશ શરૂ કરી છે. આ અત્યાધુનિક લેબોરેટરીને કૃષિ મંત્રાલયની આર્થિક સહાય વડે સ્થાપવામાં આવી છે અને મધનું પરીક્ષણ કરવાની તમામ સુવિધાઓ હવે એક જ સ્થળે ઉપલબ્ધ છે. વડાપ્રધાને દેશમાં મધ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની અને શ્વેત ક્રાંતિની જેમ ‘સ્વીટ રિવોલ્યૂશન’ લાવવાની અપીલ કરી છે.

ડેરી સહકારી મંડળીઓ ડેરી ઉદ્યોગને સમકક્ષ મધ માટે પણ મૂલ્ય શ્રુંખલાની સ્થાપના કરી શકે છે. બનાસકાંઠા (ગુજરાત), સુંદરબન (પશ્ચિમ બંગાળ) અને મુઝફ્ફરપુર (બિહાર)ની દૂધ મંડળીઓ મધ ખરીદવા અને વેચાણ માટે તેમના આંતરમાળખાનો ઉપયોગ કરે છે અને બનાસ, સુધા અને સુંદરિની જેવી બ્રાન્ડ્સ તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત મધ પૂરું પાડી શકે છે. નેશનલ બી કીપિંગ એન્ડ હની મિશન એ આત્મનિર્ભર ભારતનું એક મહત્ત્વનું અંગ છે અને એનડીડીબી આ કાર્યક્રમ પ્રત્યે પ્રતિબદ્ધ છે. એને અમલીકરણ કરનાર એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

PM Kisan યોજના: ખેડૂતોને પ્રતિ વર્ષ 6000ની રોકડ સહાય

નવી દિલ્હીઃ જો તમે ખેતીનું કામ કરો છો તો-તો તમે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ એટલે કે ‘PM Kisan Scheme’નું નામ તો અવશ્ય સાંભળ્યું હશે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને પ્રતિ વર્ષે 6000 રૂપિયાની રોકડ સહાય કરે છે. સરકાર ત્રણ બરાબર હપ્તામાં એ મદદની રકમ ખેડૂતોને આપે છે. એનો મતલબ એ છે કે દરેક હપ્તામાં સરકાર આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરે છે. કોવિડ-19થી ઊભા થયેલા સંકટ કાળમાં સરકાર આ વર્ષે એપ્રિલમાં ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષનો પહેલો હપ્તો જમા કરાવી ચૂકી છે. જોકે હજી પણ અનેક ખેડૂતોઆ યોજનાથી વંચિત છે, કેમ કે તેઆ યોજના હેઠળ નોંધણીકૃત નથી. આવામાં યોગ્ય ખેડૂતોએ તાત્કાલિક સ્વયંને આ યોજના હેઠળ રજિસ્ટર કરાવી લેવા જોઈએ, કેમ કે સરકાર કોઈ પણ સમયે ચાણુ નાણાકીય વર્ષનો બીજો હપ્તો જારી કરવાની ઘોષણા કરી શકે છે.

કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું?

PM કિસાન સ્કીમ માટે રજિસ્ટ્રેશન બહુ સરળ છે. યોગ્યતાપાત્ર ખેડૂતે ગામના પટવારી, રેવન્યુ અધિકારી અથવા કોઈ પણ નામના ધરાવતા અધિકારી અથવા એજન્સી દ્વારા અરજી કરી શકે છે. તમે ઇચ્છો તો મજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા PM કિસાનની વેબસાઇટથી જાતે પણ આ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો.

ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

1 ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે તમારે સૌથી પહેલાં PM Kisanની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. 

2 વેબસાઇટની જમણી બાજુમાં તમને ‘Farmers Corner’ દેખાશે

3 હવે તમને ‘New Farmer Registration’નો ઓપ્શન દેખાશે.

4 ‘New Farmer Registration’ પર ક્લિક કરીને તમારી સામે એક નવું પેજ ખૂલશે.

5 નવા પેજ પર તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખ્યા પછી ‘Click here to continue’ પર ક્લિક કરવાનું રહેશે. 

6 હવે તમારે રૂરલ ફાર્મર અને અર્બન ફાર્મરમાંથી ઉચિત વિકલ્પની પસંદગી કરવી પડશે.

7 ઉચિત વિકલ્પી પસદગીની સાથે નવું પેજ ખૂલશે.

8 નવા પેજ પર રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, પ્રખંડ અને ગામનું નામને ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી પસંદ કરવું પડશે.

9 ત્યાર બાદ માગવામાં આવેલા વિવરણને ભરીને તમે તમારું ફોર્મ પૂરું ભરી શકો છો.

આ માહિતી જરૂરી છે

PM Kisan Registration માટે તમારે ખેડૂતનું નામ, લિંગ, વર્ગ, ખેડૂતની શ્રેણી, બેન્ક અકાઉન્ટ નંબર, IFSC કોડ, મોબાઇલ નંબર, જન્મની તારીખ, પિતાનું નામ અને જમીનથી જોડાયેલી વિગતો ભરવાની રહેશે. એક વાર રજિસ્ટ્રેશનનું ફોર્મ ભર્યા પછી તમે સમય-સમયે પોતાના અરજીની સ્થિતિ પણ એ જ પોર્ટલ દ્વારા ચેક કરી શકો છો.