Home Blog Page 4726

કોણ છે ભારતની આ સૌથી ધનિક મહિલા?

નવી દિલ્હી: ભારતની અગ્રણી ટેક કંપની HCL ટેકનોલોજીસના ચેરમેન પદેથી શિવ નાદરે રાજીનામું આપી દીધું છે. તેમણે કંપનીની જવાબદારી તેમની પુત્રી રોશની નાદર મલ્હોત્રાને સોંપી છે. 38 વર્ષીય રોશની નાદર મલ્હોત્રાનું નામ ફોર્બ્સની ધ વર્લ્ડ્સ 100 મોસ્ટ પાવરફુલ વુમન-2019માં સામેલ છે. એટલું જ નહીં, IIFL વેલ્થ Hurun Rich List અનુસાર, રોશની વર્ષ 2019માં 36,800 કરોડની સંપત્તિવાળી દેશની સૌથી ધનિક મહિલા છે. એટલું જ નહીં આ સાથે જ રોશની એક લિસ્ટેડ ભારતીય આઈટી કંપનીનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે.

મહત્વનું છે કે, HCLએ શુક્રવારે જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ દરમિયાન શિવ નાદરે ચેરમેન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. જોકે હાલ તેઓ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરને પદે યથાવત રહેશે.

રોશની શરૂઆતથી HCLના તમામ વ્યૂહાત્મક નિર્ણયો લઈ રહી છે. આ જ કારણ છે કે તેને માત્ર 28 વર્ષની ઉંમરે કંપનીમાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) બનાવવામાં આવી હતી. બીજા જ વર્ષે તે કોર્પોરેશનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની. રોશની કંપનીની સાથે સાથે શિવ નાદર ફાઉન્ડેશનની શિક્ષણ પહેલમાં પણ ફાળો આપે છે. તે ફાઉન્ડેશન એજ્યુકેશન પર કામ કરે છે. આ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં કેટલીક ટોચની કોલેજો અને શાળાઓની સ્થાપના કરવામાં આવી છે.

 

રોશનીનું શિક્ષણ

રોશની નાદરે સ્કૂલિંગ દિલ્હીથી જ કર્યું હતું. ત્યારબાદ રોશનીએ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે અમેરિકાની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. રોશની નાદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ મંચના યંગ ગ્લોબલ લીડર્સ પહેલની પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂકી છે.

ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે કરી ચૂકી છે કામ

વર્ષ 2009માં એચસીએલ કોર્પોરેશનમાં જોડાયા પહેલા Sky News UK અને CNN America માં તેમણે ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું. એચસીએલમાં જોડાયાના એક વર્ષના અંદરમાં રોશનીને એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી અને 27 વર્ષની ઉંમરમાં તેમને કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

વર્ષ 2010માં કર્યા લગ્ન

રોશનીએ 2010માં શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. શિખર મલ્હોત્રા એચસીએલ હેલ્થકેરમાં વાઈસ ચેરમેન છે. રોશની અને શિખરને બે પુત્ર છે, જેઓના નામ અરમાન અને જહાન છે.

મહત્વનું છે કે, રોશનીને પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિન દ્વારા વર્ષ 2017, 2018 અને 2019 ના વર્ષોમાં વિશ્વની 100 મજબૂત મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. રોશની શાસ્ત્રીય સંગીતમાં પણ પારંગત છે અને આર્થિક રીતે નબળા બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. તેનું નામ ‘વિદ્યાજ્ઞાન લીડરશીપ એકેડેમી’ છે. તેઓ તેના પ્રમુખ છે.

 

રાશિ ભવિષ્ય 19/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે.


આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 19/07/2020

અમૂલ બ્રાન્ડનું ટર્નઓવર વર્ષ 2019-20માં 52,000 કરોડને પાર

આણંદઃ લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ને નામે દૂધ અને દૂધની પ્રોડક્ટોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (GCMMFએ) 31 માર્ચ, 2020એ પૂરા થતા નાણાકીય વર્ષમાં 38,542 કરોડનું ટર્નઓવર કર્યું છે, જે પાછલા વર્ષ કરતાં 17 ટકા વધુ છે. કંપનીએ આગામી સમયમાં વિશ્વની ટોચની ત્રણ ડેરી સંસ્થાઓમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. GCMMFએનું નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં એક લાખ કરોડના વેપારનું લક્ષ્ય રાખ્યું છે.

અમૂલની પ્રોડક્ટ્સનું ટર્નઓવર 52,000થી વધુ

GCMMF અને એનાં સભ્ય યુનિયનો દ્વારા ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનોનું વેચાણ 52,000 કરોડથી (સાત અબજ અમેરિકી ડોલર) વધુ થયું હતું. જોકે GCMMFએનું નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં એક લાખ કરોડના વેપારનું લક્ષ્ય રાખ્યું છે.

વર્ષ 2011માં વિશ્વની 18મા ક્માંકની ડેરી

નાણાકીય વર્ષ 2011માં અમૂલ વિશ્વની 18મા નંબરની ડેરી હતી, જે હાલમાં વિશ્વમાં નવમા ક્રમે પહોંચી છે.

અમૂલનો ઝડપથી વિસ્તરણનો મંત્ર

અમૂલ ફેડરેશને ઝડપથી વિસ્તરણને મંત્ર અપનાવતાં વેચાણના ટર્નઓવરમાં પાંચ ગણો વધારો થયો છે. 2009-10માં કંપનીના વેચાણનું ટર્નઓવર 8005 કરોડ રૂપિયાથી 2019-20માં 38,542 કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું. કંપની GCMMFની 46મી વાર્ષિ સામાન્ય સભાનાં પરિણામો જાહેર કર્યાં હતાં.

કંપનીની દૂધની આવકમાં 138 ટકાનો વધારો

GCMMFના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું હતું કે વીતેલા 10 વર્ષોમાં કંપનીના દૂધ એકત્રીકરણમાં ખૂબ મોટો વધારો થયો છે. વર્ષ 2009-10માં કંપનીને પ્રતિ દિવસે 90.93 લાખ લિટર દૂધની આવક હતી, જે વર્ષ 2019-20માં 138 વધીને પ્રતિ દિવસે 215.96 લાખે પહોંચી છે.

દૂધ ઉત્પાદકોની ચુકવણીમાં 127 ટકાનો વધારો

તેમણે કહ્યું હતું કે વર્ષ 2009-10માં દૂધ ઉત્પાદકોરને પ્રતિકિલોગ્રામ ફેટના 337 રૂપિયા ચૂકવવામાં આવતા, જે વર્ષ 2019-20માં 127 ટકા વધીને પ્રતિ કિલોગ્રામ ફેટ 765 થયા છે.

કોરોના કાળને કંપનીએ એક તકમાં ફેરવી

તેમણે જણાવ્યું હતું કે આ વૈશ્વિક રોગચાળા દરમ્યાન અમૂલ સહકારી મંડળીઓએ કટોકટી કાળને એક તકમાં પરિવર્તિત કરી દીધી હતી. લોકડાઉન દરમ્યાન કંપનીને પ્રતિ દિવસે 35 લાખ લિટર દૂધ એકત્ર કર્યું હતું. કંપની લોકડાઉન દરમ્યાન 800 કરોડ રૂપિયા ગામડાના દૂધ ઉત્પાદકોને ચૂકવ્યા હતા.

22 વર્ષથી વિશ્વના સૌથી મોટા ઉત્પાદક

GCMMFના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે માહિતી આપતાં કહ્યું હતું કે છેલ્લાં 22 વર્ષમાં ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદકનું સ્થાન જાળવી રાખ્યું છે. દેશમાં ઉત્પાદન થતા દૂધની કિંમત આશરે આઠ કરોડ રૂપિયા જેટલી થાય છે.   

આગામી 10 વર્ષમાં 30 લાખ લોકોને રોજગારીની તક

મેનેજિંગ ડિરેક્ટર ડો. આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે અમે વડા પ્રધાન અને નાણાપ્રધાનના આભારી છીએ, કેમ કે તેમના દ્વારા ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે 15,000 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. ભારતનો ડેરી ઉદ્યોગ આ ફંડના ઉપયોગથી અંદાજિત ચારથી પાંચ કરોડ લિટર પ્રતિ દિવસ ક્ષમતાના વધારાના પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કરી શકીશું. નવા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરવાથી અને સંપાદિત થયેલા દૂધના પ્રોસેસ કરવાથી આગામી 10 વર્ષમાં આશરે 30 લાખ લોકોને રોજગારીની તક પૂરી પાડી શકાશે.

 

 

રામમંદિર: શિલાન્યાસની તારીખ નક્કી, મોદીની હાજરીને લઈને સસ્પેન્સ

અયોધ્યા: કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણનો હવે સમય નજીક આવી ગયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. ટ્રસ્ટે મંદિરના શિલાન્યાસ માટે 3 અને 5 ઓગસ્ટની તારીખ નક્કી કરી આ પ્રસ્તાવ પીએમઓને મોકલી દીધો છે. હવે આના પર અંતિમ નિર્ણય પીએમઓ કરશે. આ સાથે જ રામમંદિરના નકશામાં ફેરફાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં પીએમની હાજરીને લઈને હજું સુધી સત્તાવાર કોઈ માહિતી મળી નથી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામમંદિરનું નિર્માણ કામ પણ શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરા જ કરશે. સોમનાથ મંદિરનું નિર્માણકામ પણ સોમપુરાએ જ કર્યું છે. મંદિર બનાવવામાં પૈસાની કોઈ કમી નહીં રહે. મંદિર માટે 10 કરોડ પરિવાર દાન આપશે.

આ બેઠકમાં મંદિરની ડિઝાઈનને લઈને પણ ચર્ચા થઈ હતી. રામ મંદિરની ઉંચાઈ 161 ફૂટ હશે. બેઠક પૂર્ણ થયા બાદ તમામ સભ્યો સર્કિટ હાઉસથી સીધા રામલલ્લાના દર્શન માટે રવાના થયા હતા.

ભારત અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સંગ્રહ કરશે

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે, જેની ઝલક બંને દેશો વચ્ચેની બેઠકમાં ઊર્જા ભાગીદારી અંગે સંમતિ થઈ એમાં દેખાઈ હતી. આ બેઠક દરમ્યાન અમેરિકામાં ભારત માટે વ્યૂહાત્મક ઓઇલ સંગ્રહની સ્થાપના કરવાના પ્રસ્તાવ પર વાત આગળ વધી હતી.

ભારત પોતાની જરૂરિયાતના 84 ટકા ક્રૂડ વિદેશી બજારોથી આયાત કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં બદલાવ થવાથી એને ભારે અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. ભારત એની ક્રૂડની જરૂરિયાતના માત્ર 15 દિવસનો વ્યૂહાત્મક સંગ્રહ ક્ષમતા બનાવી શક્યો છે. બીજી બાજુ અમેરિકાની પાસે વિશાળ સંગ્રહ ક્ષમતા છે.  જેથી ત્યાં ભારત પોતાના ઓઇલની સંગ્રહક્ષમતા બનાવીને અનિશ્ચિત પરિસ્થિતિમાં વધુ સારી રીતે સામનો કરી શકે છે. 

બંને દેશોની ભાગીદારી માટે બીજી બેઠક

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને અમેરિકાના ઊર્જાપ્રધાન ડૈન બ્રાઉલેટના નેતૃત્વમાં આ બંને દેશોની ભાગીદારી માટે બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદન મુજબ વ્યૂહાત્મક પેટ્રોલિયમ સંગ્રહની સ્થાપના કરવા માટે અમેરિકી ઊર્જા વિભાગ અને ભારતના પેટ્રોલિયમ ગેસ મંત્રાલયની વચ્ચે સમજૂતી કરવામાં આવશે.

પાછલા નાણાકીય વર્ષમાં ભારતે અમેરિકાથી 900 કરોડ ડોલર એટલે કે 63,000 રૂપિયાના મૂલ્યના ઓઇલ અને ગેસની ખરીદી કરી હતી. આ અમેરિકાથી થતી કુલ આયાતના આશરે 10 ટકા છે.

અમેરિકાની પાસે વિશ્વની સૌથી મોટી સંગ્રહ ક્ષમતા

અમેરિકા એ ટોચના 10 દેશોમાં સામેલ છે, જ્યાંથી ભારત સૌથી વધુ પેટ્રોલિયમ પદાર્થો (બળતણ) ખરીદે છે. આગામી બે-ત્રણ વર્ષોમાં એ ટોચનાં પાંચ સપ્લાય પૂરો કરવામાં સામેલ થનાર દેશ બની જશે. હજી અમેરિકાની પાસે વિશ્વની સૌથી મોટી સંગ્રહ ક્ષમતા છે, જે શીતયુદ્ધ કાળમાં બનાવવામાં આવી હતી. એની ક્ષમતા આશરે 80 કરોડ બેરલની છે. અમેરિકા એની રાષ્ટ્રીય ખપત જેટલી એક મહિનાની ક્ષમતાનો આમાં સંગ્રહ કરે છે, પણ એનો સંપૂર્ણ ઉપયોગ ક્યારેય નથી કરી શક્યો. આવામાં ભારત એની ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.

ભારત અમેરિકી ક્રૂડ અને શેલ ગેસનો મોટો ખરીદદાર

હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું છે ત્યારે ભારત એને ખરીદીને અમેરિકી સંગ્રહક્ષમતામાં રાખી શકે છે, કેમ કે ભારત માત્ર બે વર્ષોમાં અમેરિકી ક્રૂડ અને શેલ ગેસનો મોટો ખરીદદાર બની ચૂક્યો છે. આવામાં એ ભારતને તમામ ઊર્જા ટેક્નિક હાંસલ કરવામાં પણ મદદ કરી રહ્યું છે. રિન્યુએબલ એનર્જી ક્ષેમાં ટેક્નોલોજી અપગ્રેડ કરવા માટે બંને દેશોમાં મોટા પાયે કામ ચાલી રહ્યું છે. ભારતને આશા છે કે સરકાર ક્ષેત્રની ઓઇલ કંપનીઓના ડિસઇન્વેસ્ટમાં અમેરિકતી કંપનીઓ ભાગ લેશે.

 

 

 

 

કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોની યાત્રા પર અમેરિકા પ્રતિબંધ મૂકશે?

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકાર ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના બધા સભ્યો માટે અમેરિકા યાત્રા પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહી છે. બંને દેશોના સંબંધ પહેલેથી જ ઘણા કથળી રહ્યા છે. આ નિર્ણયથી દુશ્મનીમાં ઓર વધારો થશે. એક સૂત્રના જણાવ્યાનુસાર ટોચના અધિકારીઓ રાષ્ટ્રપતિના સંભવિત આદેશ માટેના ડ્રાફ્ટ તૈયાર કરવામાં લાગ્યા છે. જોકે હજી આ પ્રારંભિક તબક્કામાં જ છે અને એને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે નથી મૂકવામાં આવ્યો.  

ચીન પણ બદલાની કાર્યવાહી કરે એવી સંભાવના

ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોની સંખ્યા આશરે નવ કરોડ છે. જો આ બધા સભ્યો પર વાસ્તવમાં અમેરિકાની યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો એ અમેરિકાનું ચીન સામેનું અત્યાર સુધી સૌથી મોટું પગલું હશે. જોકે આ પગલાંથી ચીન ધુંઆપુંઆ થશે અને એ પલટવાર માટે મજબૂર થશે. ચીન બદલામાં અમેરિકી નાગરિકો ખાસ કરીને રાજકારણી અને બિઝનેસમેનો માટે ચીન યાત્રા પર પ્રતિબંધ મૂકી દેશે. એનાથી ચીનમાં અમેરિકી હિતોને ક્ષતિ પહોંચે એવી ધારણા છે.

અમેરિકી યુનિવર્સિટીમાં શિક્ષણ નહીં લઈ શકે બાળકો

હવે સ્થિતિ એ છે કે અમેરિકી એજન્સીઓના અધિકારીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોનાં બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ કરવાનો પણ વિચાર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાન દરમ્યાન ચીનના પ્રતિ સખત વલણ અપનાવવાની નીતિને પ્રદર્શિત કરવા માટે ટ્રમ્પ આણિ મંડળી આવી સંભાવનાઓ પર વિચાર કરી રહી છે.

ચીનની સામેના વિકલ્પ

અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિયો પહેલાં કહી ચૂક્યા છે કે રાષ્ટ્રપતિના નિર્દેશમાં અમે અમારી રીતે કામ કરી રહ્યા છીએ. અમને માલૂમ છે કે ચીનની સામે કેવી રીતે કામ કરવું. વાઇટહાઉસનાં પ્રવક્તા કેલી મેક્નેનીનું કહેવું છે કે અમે ચીન સામે બધા વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કોરોના વાઇરસને કારણે બંને દેશોના સંબંધો ખૂબ વણસ્યા

કોરોના વાઇરસને કારણે વિશ્વનાં બે અર્થતંત્રોવાળા દેશોના સંબંધો ખૂબ વણસ્યા છે. ત્યાર બાદ દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગનની દાદાગીરી, શિનજિયાંગ પ્રાંતમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અને હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોના દમનની આ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. બંને દેશોના વલણથી જોતાં લાગે છે કે આ આગ હજી વધુ ભડકશે.

ચીને આ પ્રતિબંધ લગાવવાના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો

ચીને આના પર પ્રતિક્રિયા આપવામાં જરા પણ મોડું નહોતું કર્યું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું હતું કે કોમ્યુનિસ્ટ પાર્ટીના બધા સભ્યો પર યાત્રા પ્રતિબંધ લગાવવાનો કોઈ પણ નિર્ણય હાસ્યાસ્પદ હશે. એનો અર્થ એ થયો કકે અમેરિકાચીનની પૂરી વસતિની સામે ઊભો છે. કોઈ પણ દેશ અથવા શખસ ચીનને પોતાના માર્ગેથી હટાવી નહીં શકે.

 

ટેલિકોમ ક્ષેત્રે ચીની ઉપકરણો પર લગામની શક્યતા

નવી દિલ્હીઃ ચીનની 59 એપ પર ભારતમાં પ્રતિબંધ પછી સરકાર 4G અને વાઇફાઇ નેટવર્ક વિસ્તરણમાં માત્ર સ્વદેશી ઉપકરણોના ઉપયોગનો નિયમ લાવે એવી શક્યતા છે. ટેલિકોમ ક્ષેત્રમાં ચીનથી આયાતી ઉપકરણોના ઉપયોગનો મર્યાદિત ઉપયોગ કરવા માટે સરકાર આ નિયમ લાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. દેશના ઔદ્યોગિક સંગઠનોએ પણ સરકારને ટૂંક સમયમાં આ માપદંડોને લાગુ કરવાની માગ કરી છે. હાલમાં સરકારે સોલર વીજળી માટે ચીનનાં ઉપકરણોના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ ક્ષેત્રમાં ચીનનાં ઉપકરણના ઉપયોગથી ડેટા સુરક્ષા અને સાઇબર સુરક્ષાને લઈને પહેલેથી જ સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.  

મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય

સૂત્રોના જણાવ્યાનુસાર 4G નેટવર્ક અને વાઇફાઇ વિસ્તારથી જોડાયેલા ટેન્ડરમાં બે પ્રકારના માપદંડો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ટેન્ડરમાં 70 ટકા કામ એ કંપનીઓને આપવામાં આવે એવી શક્યતા છે, જેનાં ઉપકરણ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર જો કોઈ વિદેશી કંપનીમાં ભારતમાં યુનિટ લગાવીને ઉપકરણનું એસેમ્બલિંગ પણ કરે છે તો એને મેક ઇન ઇન્ડિયા માની લેવામાં આવશે. 30 ટકા કામ એ કંપનીઓ માટે અનામત છે, જેનાં ઉપકરણ સંપૂર્ણ રીતે ભારતમાં ડિઝાઇન થવા સાથે દેશમાં વિકસિત કરવામાં આવ્યાં હોય અને ઉત્પાદિત થયાં હોય.

સરકાર ચીનનાં ઉપકરણોના ઉપયોગને સંપૂર્ણ રીતે સીમિત કરવાના પક્ષમાં

ટેલિકોમ ક્ષેત્રની કંપનીઓ પ્રમાણે અત્યાર સુધી 3G, 4G  અને વાઇફાઇ નેટવર્કથી જોડાયેલાં ટેન્ડરમાં આ પ્રકારની શરતો રાખવામાં આવતી હતી, જેથી સ્થાનિક કંપનીઓ ટેન્ડરમાં ભાગ નહોતી લઈ શકતી.

પરિણામસ્વરૂપ ZTE, સિસ્કો, એરિક્શન અને હુઆવે જેવી વિદેશી કંપનીઓ ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં હાવી થતી ગઈ. BSNLના 4G વિસ્તારથી જોડાયેલાં ટેન્ડરમાં ચીનની કંપનીઓને અટકાવવાના નિર્ણયથી એ સ્પષ્ટ થયું છે કે સરકાર ટેલિકોમ ક્ષેત્રમાં ચીનનાં ઉપકરણોના ઉપયોગને સંપૂર્ણ રીતે સીમિત કરવાના પક્ષમાં છે.

ચીની ઉપકરણોની આયાત પર તત્કાળ પ્રતિબંધ લગાવવાની માગ

ઔદ્યોગિક સંસ્થા PHD ચેમ્બરે વાઇફાઇ, રાઉટર અને 4Gથી સંલગ્ન ચીની ઉપકરણોની આયાત પર તત્કાળ પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.  સરકાર દ્વારા આ દિશામાં સકારાત્મક નિર્ણય લેવાનો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે. વર્તમાનમાં ભારત ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને અન્ય પ્રકારનાં ટેલિકોમ કેબલના ઉત્પાદનમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.

આવું એટલા માટે શક્ય બની શક્યું, કેમ કે પ્રારંભમાં કેબલ બનાવતી નાની-નાની કંપનીઓને સરકારી ટેન્ડરમાં હિસ્સો લેવાની તક આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યનુસાર સરકાર ફરીથી આ પ્રકારનો નિયમ લાવે એવી શક્યતા છે, જેના હેઠળ ટેલિકોમ ઉપકરણ બનાવતી સંપૂર્ણ રીતે ભારતીય કંપનીને ટેન્ડરમાં ભાગ લેવાની તક મળી શકે.

વિદ્યાર્થીઓથી ધમધમતા આ વિસ્તારમાં વ્યાપેલો છે સન્નાટો

અમદાવાદ: શહેરની ગુજરાત યુનિવર્સિટીનો આખોય વિસ્તાર કોરોનાની વકરતી મહામારી અને ચેપના ભયથી એકદમ ખાલી લાગે છે. કોલેજીયન યુવાનોના વાહનોની અવરજવર થંભી ગઈ છે. માર્ગો પર મોજમસ્તી કરતાં યુવાનોના ટોળાં વગર આખોય વિસ્તાર સૂનો થઇ ગયો છે.

કોરોનાની એન્ટ્રી અને લૉકડાઉનની જાહેરાત થઈ પછી વિદ્યાર્થીઓથી ભરચક રહેતો આ વિસ્તાર જાણે નિર્જન થઇ ગયો છે. ગુજરાત યુનિવર્સિટીની આસપાસ અમદાવાદ યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટી, સેન્ટ ઝેવિયર્સ ની સાથે અસંખ્ય ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

શૈક્ષણિક કાર્ય ચાલુ હોય એ દરમિયાન આખોય વિસ્તાર કોલેજીયન યુવાનો અને ખાણી પીણી બજારથી ધમધમતો હોય છે. યુનિવર્સિટીં ,એલ.ડી. કોલેજ, સેપ્ટ, એચ .એલ પાસેના ખાણીપીણી બજાર કોલેજીયનોની મસ્તી વગર ભેંકાર ભાસે છે. કોરોના કાળે આખાય યુનિવર્સિટી વિસ્તારોના કેમ્પસ અને બસ સ્ટેશનોને જાણે કે ઉજ્જડ બનાવી દીધાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રામમંદિર: આજે નક્કી થઈ શકે છે ભૂમિ પૂજનની તારીખ

અયોધ્યા: રામ મંદિર નિર્માણને લઈને શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આજે મળી રહી છે. અયોધ્યા સર્કિટ હાઉસમાં યોજાનારી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં રામમંદિરના શિલાન્યાસની તારીખ નક્કી કરવા ઉપરાંત મંદિરના સ્વરૂપ અને નિર્માણ કાર્ય શરૂ કરવા અંગેના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થશે તેમજ નિર્ણય પણ લેવાઈ શકે છે.

રામ મંદિરના ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષના સત્તાવાર પ્રવક્તા મહંત કમલ નયન દાસે શુક્રવારે જણાવ્યું કે, ‘ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે વડાપ્રધાનને એક પત્ર લખીને શિલાન્યાસ વિધિ પર રામ મંદિરના ભૂમિ પૂજનના અવસર પર નિમંત્રણ આપ્યું છે.’ જો કે આ કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. સૂત્રોના મતે રામ મંદિર નિર્માણનું કાર્ય આગામી મહિનાથી શરૂ થવાની સંભાવના છે.

આજે મળનારી બેઠકમાં મંદિરની ડિઝાઈનને લઈને પણ અંતિમ નિર્ણય લેવાઇ શકે છે. મહત્વનું છે કે, ત્રણ દાયકા પહેલા રામજન્મભૂમિ ન્યાસ તરફથી રજૂ કરવામાં આવેલી મંદિરની ડિઝાઈનને અનુરૂપ જ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણ કરવાની તૈયારીમાં છે.

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય સચિવ અને મંદિર ટ્રસ્ટ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ ગુરુવારે અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેમની સાથે બીએસએફના પૂર્વ મહાનિર્દેશક અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સુરક્ષા સલાહાકાર કે કે શર્મા પણ હતા. ગુરુવારે જ મિશ્રએ સર્કિટ હાઉસમાં ટ્રસ્ટના સભ્યો સાથે લગભગ બે કલાક બેઠક યોજી હતી.